Saturday, April 30, 2016

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪_૨૦૧૬



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના અંકની શરૂઆત આપણે My Favorites: Songs of Springથી કરીને વસંતનાં આગમનને વધાવીશું. અહીં રજૂ કરાયેલાં ગીતોમાં માત્ર એક જ શરત છે - શબ્દોમાં બહાર, બસંત કે વસંત કે તેના જેવા સ્પષ્ટ સમાનાર્થી શબ્દોનો પ્રયોગ થવો જોઈએ અને ગીતનાં ફિલ્માંકનમાં વસંતનાં ચિહ્નો નજરે ચડવાં જોઈએ. આ કારણથી 'સુભદ્રાહરણ' (૧૯૬૪)નું આયા બસંત હૈ આયા, કે 'ઓપેરા હાઉસ'(૧૯૬૧)નું દેખો મૌસમ ક્યા બહાર હૈ, કે 'બસંત બહાર' (૧૯૫૬)નું કેતકી ગુલાબ જૂહી ચંપક બન ઝૂલે જેવાં ગીતોને બાદ કરી દેવાં પડ્યાં છે. પૉસ્ટમાં રજૂ થયેલ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે ફરી એક વાર યાદ કરી લઈએ -

    મારા તરફથી પણ એક ગીતમેં ઉમેરેલ છે -


અને હવે આપણે તિથિઓની સાથે સંકળાયેલ પૉસ્ટ્સની મુલાકાત કરીશું -
Lalita Pawar: The Dominating Matriarch And Scheming Manthara ૧૮ એપ્રિલ, ૧૯૧૬ના
અંબા લક્ષ્મણ રાવ શગુન તરીકે જન્મેલ, હીરોઈનથી વૅમ્પની અનેકવિધ ભૂમિકાઓની સફર કરનાર જાજવલ્યમાન અભિનેત્રીને અંજલી આપતાં નિલેશ એ રાજે લલિતા પવારનાં જીવનની ખાટીમીઠી યાદોને રજૂ કરે છે.
યુ ટ્યુબ પર તેમણે હીરોઈન તરીકે ગાયેલાં ગીતોની શોધ કરતાં મળેલ શાલિન ભટ્ટે મૂકેલ એક ગીત સાંભળીએ. આટલાં જૂનાં ગીત માટે તેની વિડિયો ક્લિપ તો ન મળે, પણ શાલિન ભટ્ટે લલિતા પવારના એ સમયના ફોટોગ્રાફ્સ ગીત સાથે મૂક્યા છે.

સખી પ્રેમ સુધા ભરને આયી - દુનિયા ક્યા હૈ (૧૯૩૮)- સંગીત અન્ના સાહેબ મૈનકર

Big FM એ પણ Lalita Pawar Birthday Special રજૂ કરેલ છે.
The Swar Kokila Kanan Devi - વીન્ટેજ એરાની સ્વર કોકીલા, કાનન દેવી (૨૨ એપ્રિલ ૧૯૧૬ - ૧૭ જુલાઇ, ૧૯૯૨)ની જન્મશતાબ્દી નિમિત્તે અંજલિ - અહીં રજૂ કરાયેલ ગીતોમાંથી કેટલાંક જાણીતાં, તો કેટલાંક ઓછાં જાણીતાં ગીતોને યાદ કરી લઈએ -


On Mac Mohan’s Birthday, Remembering Sholay’s Forgotten Villain  ખાલિદ મોહમ્મ્દ મૅક મોહનનાં અભિનય અને અંગત વ્યક્તિત્વનું ચિત્ર પૂરૂં કરે છે.
Shamshad Begum’s songs by OP Nayyarએ શમશાદ બેગમની ૯૭મી જન્મતિથિની અંજલિ છે.ગયે વર્ષે તેમની જન્મ તિથિના ઉપલક્ષમાં તેમનાં નૌશાદે રચેલાં અને અવસાન તિથિના ઉપલક્ષમાં સી. રામચંદ્રના રચેલાં ગીતોની સાથે ઓ પી નય્યરે રચેલાં તેમનાં ગીતોનો પણ ઉલ્લેખ થતો રહ્યો હતો. શમશાદ બેગમનાં ગીતોને રચનાર આ ત્રિમુર્તિ સંગીતકારની સાથે હંસરાજ બહલનાં રચેલાં ગીતોની સમીક્ષાનો હવે ઈંતજાર રહેશે. શમશાદ બેગમનાં સચિન દેવ બર્મને રચેલાં ગીતોની ચર્ચા East meets West. માં થઈ ચૂકી છે.ઓ પી નય્યરે રચેલાં શમશાદ બેગમનાં ગીતો પૈકી કંઈક અંશે વિસારે પડેલાં ગીતોને યાદ કરીએ -
‘Jo Bhi Ho Tum Khuda Ki Kasam, Lajawab Ho': Remembering Shakeel Badayuni - પીયૂષ શર્મા - એ સમયનો એક રેકર્ડ શકીલ બદાયુનીને નામ છે - ૧૯૬૦, ૧૯૬૧ અને ૧૯૬૨ એમ  લાગલગાટ ત્રણ વર્ષનો શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ તેમને અંકે છે.આજથી છેતાલીસ વર્ષ પહેલાંની ૨૦મી એપ્રિલે શકીલ બદાયુની એ આ ફાની દુનિયાથી વિદાય લીધી હતી. તેમનાં બહુ જાણીતાં ગીતો આ લેખમાં સમાવાયાં છે. આપણે તેમની લખેલ બેગમ અખ્તરના સ્વરમાં ગવાયેલી આ બે બહુ જાણીતી ગ઼ઝલ સાંભળીશું -
Silsila Khatm Na Hoga Mere Afsaane Ka: Shakeel Badayuni, a Tribute - પાવન ઝાએ પાક દામન (૧૯૫૭)માં તેમણે પોતાના જ સ્વરમાં ગાયેલ ગીત યાદ કરેલ છે.
અન્ય વિષયોને લગતી પૉસ્ટ્સની પણ મુલાકાત લઈએ -
Simple melodies of Ravi - રવિની ધુનની વાદ્યસજ્જામાં સંતુર અને વાંસળીનું પ્રાધાન્ય જોવા મળશે.. મોટા ભાગે શબ્દરચના નક્કી થઈ જાય પછી જે તે ધૂન ગોઠવતા. તેમનં આવાં ૨૪ ગીતોને સાંભળવા માટે LINK TO SIMPLE MELODIES OF RAVI.ની મુલાકાત જરૂરથી લેશો.
Ten of my favourite funny songsમાં ખરેખર રમૂજ પૂરાં પાડતાં ગીતો જ સમાવાયાં છે. શબ્દો, પર્દા પરની પ્રસ્તુતિ કે ગાયકી કે કોઈ પણ એક તત્ત્વ હોય કે એકથી વધારે તત્ત્વોનો મેળ હોય એવું કંઈ પણ રમૂજ પૂરૂં પાડી શકે. ગીત સાંભળતાં સાંભળતાં ખડખડાટ હસવું ભલે ન આવે, પણ હોઠ તો મલકી જ જાવા જોઈએ. અહીં રજૂ કરાયેલ ગીતોમાંનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને એક વધુ વાર યાદ કરીએ-
How Bhupinder Singh blends the ghazal with the guitar - કારકીર્દીના શરૂઆતના એક તબક્કે ભુપીન્દર માટે નક્કી કરવું અઘૠં પડી રહ્યું હતું કે તેમણે પ્લેબૅક પર ધ્યાન આપવું કે ગિટાર વાદન પર. દમ મારો દમ (હરે રામ હરે કૃષ્ણ ,૧૯૭૧), ચુરા લિયા હૈ દિલ કો જો તુમને (યાદોંકી બારાત, ૧૯૭૩) કે મહેબુબા, મહેબુબા (શોલે, ૧૯૭૫) જેવાં રાહુલ દેવ બર્મનનાં કેટલાંક ઉત્તમ ગીતોમાં ગિટારનો કમાલ ભુપીન્દરનાં આગળાંનો છે. તેમણે ૫૦થી પણ વધુ ફિલ્મોમાં દિલ ઢુંઢતા હૈ ફિર વોહી (મૌસમ, ૧૯૭૫), નામ ગુમ જાયેગા (કિનારા, ૧૯૭૭), કરોગે યાદ તો (બાઝાર, ૧૯૮૨), કિસી નઝર કો તેરા ઈન્ત્ઝાર હૈ (ઐતબાર, ૧૯૮૬), બાદલોંસે કાટ કાટ કે (સત્ય, ૧૯૮૮)જેવાં અનોખાં અને છતાં લોકપ્રિય ગીતો પણ ગાયાં છે.
‘In Aradhana, Sachin Karta Gave Me My Life’s Biggest Hit': In Conversation with Shakti Samanta  - પીયૂષ શર્મા - પહેલાં ક્યારે પણ પ્રકાશિત ન થયેલ આ ઈન્ટરવ્યુમાં શક્તિ સામંત તેમની ફિલ્મોની ખાસ પહેચાન આપનાર, સદાબહાર,  ગીતોને યાદ કરે છે... તેમણે ઓ પી નય્યર, શંકર જયકિશન અને સચિન દેવ બર્મન સાથે ચાર ચાર ફિલ્મો બનાવી. રાહુલ દેવ બર્મન સાથે તેમણે ૧૧ હિંદીમાં અને ૪ બંગાળીમાં એમ સૌથી વધારે ફિલ્મો કરી. બંગાલી ફિલ્મોના ખ્યાતનામ સંગીતકાર શ્યામલ મિત્ર સાથે તેમણે ત્રણ અને રવિ તેમ જ રવિન્દ્ર જૈન જોડે બબ્બે ફિલ્મો કરી.
આ પૉસ્ટમાં તો તેમનાં ખૂબ જ જાણીતાં ગીતો હોય તે તો સ્વાભાવિક છે. તેમની બહુ જ શરૂઆતની ફિલ્મનું, ખાસ સાંભળવા ન મળતું એક ગીત , આપણે સાંભળીએ -
દેખો દેખો જી બલમ - બહૂ (૧૯૫૫) - ગીતા દત્ત, તલત મહમૂદ - હેમંત કુમાર - એસ એચ બિહારી
Kite (Patang) Songs  એ ઘટનાની પાછળ રહેલા કેટલાક પ્રવાહોની નિપજ છે. જો કે આપણા માટે તો એ નિપજ જ મહત્ત્વની બાબત છે -
Hindi film songs in Swahili - મનિશ ગાયકવાડ - દક્ષિણપૂર્વ આફ્રિકાના સ્વાહીલી કાંઠાળ પ્રદેશમાં ભારતીય, અરબી અને આફ્રિકાના સૂરનાં મિશ્રણ સમી 'તરબ' ગાયન શૈલીનું હિંદી ફિલ્મનાં ગીતો માટે એક ખાસ મહત્ત્વ છે. લગ્નો કે અન્ય સામાજિક પ્રસંગોએ પરંપરાગત રીતે સ્વાહીલીમાં ગવાતાં તરબ ગાયકીના ગીતોમાં રોમાંસ અને રાજકારણ સહિતના જૂદા જૂદા થીમની રચનાનુસાર શબ્દોની ગોઠવી જોવા મળે છે....યુ ટ્યુબ પર આવાં બેએક ડઝન ગીતો સાંભળવા મળી શકશે, જે હિંદી ફિલ્મનાં ગીતોની પરંપરાગત બજારો ઉપરાંતની શક્યતાઓ તરફ નિર્દેશ કરે છે.
Nutan on the sets of Laila Majnu - નવેમ્બર, ૧૯૫૩
સાવ ફુટડી , યુવાન, નુતન 'લયલા મજનુ'ના સેટ પર લયલાના લિબાસમાં તેના ચાહકો માટે હસ્તાક્ષર કરે છે
Madhubala Goes Chinese  - (જાન્યુઆરી, ૧૯૫૭) - ચીનનું સ્ત્રી ડેલીગેશન દિગ્દર્શક ઓમ પ્રકાશની - જેને આપણે મોટા ભાગે એક સફળ હાસ્ય કલાકાર અને ચરિત્ર અભિનેતા તરીકે વધારે
ઓળખીયે છીએ - ફિલ્મ 'ગેટ વે ઑફ ઈન્ડિયા'ના સેટની મુલાકાતે આવ્યું. મધુબાલાએ તેમને આવકાર્યાં અને સાથેની તસવીરમાં તે ડેલીગેશનનાં બે સભ્યો સાથે વાતચીત કરતાં જોવા મળે છે.
ઓમ પ્રકાશે પણ પ્રતિનિધિમંડળની આગતાસ્વાગતા કરી અને તેમને ફિલ્મમાં ચીની કળાકારો સાથે ભજવાયેલ નૃત્ય ગીત બતાવ્યું. એ ગીત અહ્તું - ચલ મેરે દિલ કે ઉડનખટોલે ઉડતા જા તુ હોલે હોલે (મહમ્મદ રફી, મદન મોહન) જેમાં માસ્ટર ભગવાન અને મધુબાલાએ ચીની બાળકાળાકારો સાથે કામ કર્યું હતું.
થિયેટર આર્ટ્સ માટે ડેવિડ કૉર્ટે ઓગસ્ટ, ૧૯૫૨માં લખેલ લેખ - ૧૯૩૩માં દિલ્હીમાં મુમતાઝ અતૌલ્લહનાં નામથી જન્મેલ આ અભિનેત્રીના, માત્ર ૧૯ જ વર્ષની ઉમરે જેટલાં  ચાહકો છે તે હોલીવૂડની કોઈ પણ અભિનેત્રીને નસીબ નથી.
રોબિનહુડનાં પાત્ર પરથી ૧૯૫૧માં બનેલ 'બાદલ'નું પૉસ્ટર
    'બાદલ'નાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં. આપણે તેમાંનું એક ગીત સાંભળીએ
દો દિન કે લિયે મહેમાન યહાં - બાદલ (૧૯૫૧) - લતા મંગેશકર - શંકર જયકિશન
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના એપ્રિલ, ૨૦૧૬ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના એપ્રિલ, ૨૦૧૬ના લેખોમાં માં પણ હજૂ ખય્યામનાં ગીતોની સફર ચાલુ રહી છે:
ખય્યામ પરની શ્રેણી અહીં સમાપ્ત થાય છે, અને હવે શરૂ થાય છે એક બીજા સંગીતકારની કહાનીનો અધ્યાય...
દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં

સંગીતકાર જોડી રામ-લક્ષ્મણે પીરસેલાં સંગીતની દાસ્તાન રજૂ કરવામાં આવશે...
પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં તેમણે તેરી યાદ ન દિલ સે જા સકી (ચાંદ ઔર સૂરજ નો રસાસ્વાદ કરાવ્યો છે. રજનીકુમાર પંડ્યાની નિયમિત શ્રેણી 'લ્યો ચીંધી આંગળી'માં વખતે 'માર કટારી મર જાના, કિ અંખીયા કિસીસે મિલના ના'માં અમીરબાઈ કર્ણાટકીનાં જીવનની એક ઘટનાને યાદ કરી છે..
મોહમ્મદ રફી કેન્દ્રમાં રાખતી પૉસ્ટસથી આજના અંકના સમાપન કરીશું
When Dev Anand lent his voice to a Mohammad Rafi song  - આ લેખ ૪-૧૨-૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલ - પ્યાર મોહબ્બત કે સિવા યેહ ઝિંદગી ક્યા ઝિંદગી (પ્યાર મોહબ્બત, ૧૯૬૬, આશા બોસલે સાથે, શંકર જયકિશન)માં @ ૦.૦૮ પર જે "હુર્રે હુર્રે'નો સાદ સંભળાય છે તે અવાજ દેવ આનંદનો છે. એમ પણ કહેવાય છે કે આ સિવાય પણ અન્ય એક ગીતમાં પણ દેવ આનંદનો અવાજ સક્રિય થયેલ છે એ ગીત છે સૂરજકી જૈસે ગોલાઈ (કાલા બાઝાર, ૧૯૬૦, સચિન દેવ બર્મન)માં @૪.૫૨ પર ઓમ ધન હરિ નમઃ' અને 'હરિ ધન હરિ ધન'.

An Open Letter to Rafi Demeanors જે કે ભાગચંદાની - મોહમ્મ્દ રફીના અવાજમાં કુદરતી રીતે દર્દ નહોતું એટલે તેમણે રોવાનો અવાજ જેવી હરકતો કરવી પડતી હતી એવી એક માન્યતાનો મુદ્દાસર અને ઉદાહરણો સાથે અહીં છેદ ઉડાયો છે. લેખક પ્રતિપાદિત કરે છે કે માત્ર કરૂણ રસ માટે જ નહીં , પણ દરેક ભાવનાં ગીતોની આગવી અભિવ્યક્તિ મોહમ્મદ રફીના અવાજમાં બખૂબી જોવા મળતી રહી છે.
હિંદી ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય છે........

સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી - લતા મંગેશકરનાં યુગલ ગીતો



 સચિન દેવ બર્મને લતા મંગેશકર માટે રચેલાં ૧૮૨ ગીતોમાંથી ૧૩૨ ગીતો સૉલો ગીતો છે, જ્યારે ૫૦ જ યુગલ ગીતો છે. પરંતુ સચિનદાનાં સૉલો ગીતોએ ગાયકની ખૂબીઓનો જે કમાલથી ઉપયોગ કર્યો છે તેટલી જ સહજતાથી યુગલ ગીતોમાં પણ તેમણે ગાયકોના સ્વરને નવા આયામ બક્ષ્યા છે. સચિન દેવ બર્મનનાં યુગલ ગીતો તેમનાં સંગીતની નવી જ દિશાઓ ખોલી આપે છે.
સચિન દેવ બર્મન સક્રિય રચનાકાળના ત્રણે ત્રણ સમયખંડમાં લતા મંગેશકરનું સ્થાન એક ખાસ મહત્ત્વ ધરાવતું રહ્યું છે. ૧૯૫૮થી ૧૯૬૨ના સમય દરમ્યાન રહેલા એ બંનેના અણબનાવને કારણે સચિન દેવ બર્મને આશા ભોસલે જેવી ગાયિકા પાસેથી જે કંઇ કામ લીધું તે કામનાં વૈવિધ્ય અને ઊંડાણમાં સચિનદાના ચાહકો તેમની અને સંગીતના ચાહકો ગાયક ઉપર સર્જક તરીકે સંગીતકાર તરીકેની સરસાઈ જૂએ તો એ દૃષ્ટિકોણ ખોટો નહોતો તેમ કહી શકાય. પણ એક સાચા સર્જક અને વ્યાવસાયિક તરીકે સચિન દેવ બર્મન સમજતા હશે કે સરવાળે બધાંને પક્ષે ક્યાંકને ક્યાંક, દેખાતું કે ન દેખાતું, ઓછે વત્તે અંશે નુકસાન તો છે જ. ૧૯૬૨ની ફિલ્મ 'ડૉ. વિદ્યા' માં તેમણે બંને ફરીથી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૬૩માં આવેલી 'બંદીની'માં તેમણે લતા મંગેશકરનાં અને આશા ભોસલેનાં શ્રેષ્ઠતમ પૈકીનાં સૉલો ગીતોને એક જ ફિલ્મમાં મુકીને આ વાતની એક રીતે જડબેસલાક સાબિતી મૂકી દીધી. 
આ વાતનો  અહીં ઉલ્લેખ કરવાનો આશય સચિન દેવ બર્મનનાં યુગલ ગીતોનાં તેમનાં સંગીતમાંના મહત્ત્વ તરફ ફરી એક વાર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
સચિન દેવ બર્મનનાં લતા મંગેશકરનાં મોહમ્મદ રફી સિવાયનાં અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતોની પણ આપણે સમય આવ્યે વાત કરીશું.
મુઝે પ્રીત નગરીયા જાના હૈ, દિલસે દિલ કૈસે સમજાઉં - એક નઝર (૧૯૫૧) - પર્દા પર કલાકાર : રહેમાન, નલીની જયવંતગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ

માત્ર આંકડાઓની તવારીખની દૃષ્ટિએ જોતાં ૧૯૫૧ પછી છેક ૧૯૬૨માં મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં સચિન દેવ બર્મનનું યુગલ ગીત જોવા મળે છે. આ પ્રકારની ઘટનાનાં કંઈ કેટલાંય અથઘટનો એ સમયમાં પણ થયાં હતાં, અને આજે પણ કરવાં હોય તો કરી શકાય.
આપણે તો એક જ બાબતની નોંધ લઈશું - આ સમયમાં કિશોર-લતા, તલત-લતા, હેમંત-લતા, મન્ના ડે-લતા એવી કેટલીય જોડીઓનો સચિન દેવ બર્મને બહુ જ અસરકારક અને સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. એ દૃષ્ટિએ જોઈએ તો એમ કહી શકાય કે સચિન દેવ બર્મન યુગલ ગીતોની બાબતે હજૂ સુધી કદાચ કોઈ એવા ઢાંચામાં નહોતો પડ્યા જેમાં કોઈ ચોક્કસ બે ગાયકોને ધ્યાનમાં રાખીને ગીતોની તર્જ બનાવે. ૧૯૫૭ પછીથી મોહમ્મદ રફીની સાથે સચિન દેવ બર્મનનું સંયોજન બહ મજબુત બની ચુક્યું હતું, પણ લગભગ એ જ ગાળામાં તેમને લતા મંગેશકર સાથે કોઈક વાતે અણબનાવ પણ થયો હતો, જે ૧૯૬૨માં ફરી સામાન્ય સ્થિતિમાં પરિણમ્યો. એ વાતની અહીં નોંધ લેવાથી રફી-લતા જોડીને નજરઅંદાજ કરાયેલ છે તેવી માન્યતા બંધાતી અટકી જશે.
શીશે કા હો યા પથ્થરકા હો દિલ - બાત એક રાત કી (૧૯૬૨) - પર્દા પર કલાકારો:  ચંદ્ર શેખર અને વહીદા રહેમાન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સ્ટેજ પર ભજવાઈ રહેલ એક નૃત્ય ગીત.... મોહમ્મદ રફીને ફાળે તો તેમની પોતાની આગવી અદામાં ગાવા માટે સાખીમાં મૂકાયેલો એક શેર જ છે.

મૈં કલ ફિર મિલુંગી - ડૉ. વિદ્યા (૧૯૬૨) - પર્દા પર કલાકારો : મનોજ કુમાર, વૈજયંતિ માલા – ગીતકાર:  મજરૂહ સુલ્તાનપુરી
આ ધુનનો બે જ વર્ષમાં સચિનદા 'કૈસે કહું'નાં રફી-આશાનાં યુગલ ગીત 'કિસીકી મુહબ્બતમેં સબ કુછ લુટાકે'માં ફરીથી ઉપયોગ કરવાના છે.

તેરે બિન સુને નૈન હમારે...બાત કરત ગયે સાંજ સિતારે - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) - પર્દા પર કલાકારો : અશોક કુમાર, આશા પારેખ ગીતકાર: શૈલેન્દ્ર
રફી-લતાનાં યુગલ ગીતોમાં સદા મોખરાની હરોળમાં ગણાતું આ યુગલ ગીત ગાયકો, સંગીતકાર અને ગીતકાર બધાંની ખૂબીઓના મહાસંગમની નિપજ કહી શકાય.

તેરે ઘરકે સામને એક ઘર બનાઉંગા….દુનિયા બસાઉંગા તેરે ઘરકે સામને - તેરે ઘરકે સામને (૧૯૬૩) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, નુતનગીતકાર : હસરત જયપુરી
પીણાંથી ભરેલા ગ્લાસમાં નુતનનાં પ્રતિબિંબને ઝીલવાની સૂઝ વિજય આનંદની ગીતનાં ચિત્રાંકન કરવાની સૂઝ ચિત્રાંકન કરવાની કળાનાં ટેક્ષ્ટ-બુક ઉદાહરણની ગણનામાં બેસે છે.

દેખો રૂઠા ન કરો, બાત નઝરોંકી સુનો…. હમને બોલેંગે સનમ, તુમ હમેં ન સતાયા કરો - તેરે ઘરકે સામને (૧૯૬૩) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, નુતનગીતકાર : હસરત જયપુરી
પ્રેમિકાનું રૂઠવું અને પ્રેમીનું મનાવવું એ હિંદી ફિલ્મોમાં ગીતની સીચ્યુએશન માટેનો સ્ટેપલ ફુડ ગણી શકાય. પણ સંગીતકાર, ગાયકો અને ગીતકારે મળીને તૈયાર કરેલ ઘટકોને દિગ્દર્શકે એક સાવ અનોખી, મધુર, ફરીને ફરીને જોવી સાંભળવી ગમે તેવી રચનાનાં સ્વરૂપમાં રજૂ કરી દીધી છે.

ચંપાકલી દેખો ઝુક સી ગયી રે, જાદુ કિયા તેરે પ્યારને... - ઝીદ્દી (૧૯૬૪) - પર્દા પર કલાકારો: જોય મુખર્જી, આશા પારેખ – ગીતકાર: હસરત જયપુરી
જોય મુખર્જીની ફિલ્મોમાં સંગીત હંમેશાં બહુ જ મજબુત પાસું રહ્યું હતું.

આ પછી ૧૯૬૫માં આવેલી 'ગાઈડ'માં રફી સૉલો ગીતોમાં છવાયેલા રહ્યા પણ લતા મંગેશકર સાથેનું એક માત્ર યુગલ ગીત સચિનદાએ કિશોરકુમારને ફાળવ્યું. તે પછીથી આવેલ 'જ્વેલ થીફ' અને તેનાથી પણ પછીથી આવેલી ફિલ્મોમાંનાં રફી-બર્મનનાં સહકાર્યનાં અંત સુધી રફીનાં સૉલો ગીત અપવાદ રૂપે જ આવ્યાં. પણ હજુએ રફી-લતાનાં યુગલ ગીતોમાં '૫૭-૬૭ના દાયકાની એ લય, એ મીઠાશ, ગાયકોનું એ સાયુજ્ય કાયમ રહેલાં જ જોવા મળે છે.
દિલ પુકારે આરે આરે..અભી ના જા મેરે સાથી.. - જ્વેલ થીફ (૧૯૬૭) - પર્દા પર કલાકારો: દેવ આનંદ, વૈજયંતિમાલા ગીતકાર:  મજરૂહ સુલ્તાનપુરી
કહેવાય છે કે ફિલ્મનાં ગીતો મૂળે શૈલેન્દ્ર લખવાના હતા. પરંતુ તેમની 'તીસરી કસમ'ની નિષ્ફળતાએ તેમની કલમ "રૂલાકે ગયા સપના મેરા" જેવા પ્રોફેટીક ગીતને લખીને કાયમ માટે થંભી ગઇ. ફિલ્મનાં બીજાં બધાં, અલગ અલગ ભાવનાં, ગીતોમાં મજરૂહ સુલ્તાનપુરીની વર્સેટીલીટી એટલી જ સ્વાભાવિકતાથી ગોઠવાઈ ગઈ છે.

બાગોંમેં બહાર હૈ, કલિયોં પે નિખાર હૈ.... - આરાધના (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેશ ખન્ના (દીકરાના બીજા રોલમાં) ફરીદા જલાલ
બે યુવાન પ્રણયી જીવડાંઓનાં મિલનને દરમ્યાન થતી વાતચીતને સંગીતમય મુલાકાતની યાદગાર પળોમાં ફેરવી નાખી શકે તેવી ધુન, એટલી જ મધુર સંગીતગુંથણી અને એટલી જ જીવંત ગાયકોની ગાયકીએ આ ગીતને પણ એ સમયે અદ્‍ભુત સફળતા અપાવી હતી. 

પલકોં કે પીછેસે  તુમને ક્યા કહ ડાલા, ફિર સે તો ફરમાના...- તલાશ (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેન્દ્ર કુમાર શર્મિલા ટાગોર - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
'૫૭-'૬૭માં તેની પરાકાષ્ઠાએ પહોંચેલ જ્યોત હજૂ પણ એટલો જ પ્રકાશ આપી રહી છે. રાજેન્દ્ર કુમારની અદાઓને છાજે તેવી ગાયકીની હરકતો પણ મોહમ્મદ રફી એટલી જ સ્વાભાવિકતાથી ફરમાવી રહ્યા છે..સચિનદાની મીઠાશ ભરી ધુન અને વાદ્યસજ્જાની સંરચનાની હથોટી પણ એટલી જ સજ્જ છે.


આજ કો ઝુનલી રાતમા ધરતી પર હૈ આસમાં - તલાશ (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેન્દ્ર કુમાર શર્મિલા ટાગોર - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
લોકગીતના ઢાળની ધુનને કેટલી સરળતાથી સજ્જ કરી શકાઈ છે !!

યે દિલ દીવાના હૈ, દીવાના હૈ યે દિલ...દીવાના - ઈશ્ક઼ પર જોર નહીં (૧૯૭૦) - પર્દા પર કલાકારો : સાધના - ગીતકાર આનંદ બક્ષી
શમામાં હજૂ પણ આટલી રોશની હોય, તો કોને અંદાજ આવે કે એ તો હવે બુઝતી જાય છે......

તેરે નૈનોંકે દીપ મૈં જલાઉંગા - અનુરાગ (૧૯૭૨) - વિનોદ મહેરા, મૌસમી ચેટર્જી - ગીતકાર : આનંદ બક્ષી
ગીતની ધુન દેખીતી રીતે બહુ સાદી અને સરળ છે, પરંતુ રફી-લતાની ગાયકીએ તેને સરેરાશ ગીતોથી બે એક કદમ ઉપર જરૂર મૂકી આપી છે.

તેરી બિંદીયા રે.. આય હાય તેરી બિંદીયા રે - અભિમાન (૧૯૭૩) - પર્દા પર કલાકારો અમિતાભ બચ્ચન, જયા ભાદુરી - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સચિનદા-રફીની છેલ્લી ફિલ્મ 'ઈશ્ક઼ પર જોર નહીં' પછીની ફિલ્મોમાં ગત પેઢીના લગભગ બધા જ કલાકારો માટે સચિનદા કિશોર કુમારનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. 'અભિમાન'માં પણ નવી પેઢીના હીરો અમિતાભ માટે પણ સૉલો કે પ્રેમની લાગણીની રજૂઆત કરતાં યુગલ ગીત જેવાં ગીતો તો કિશોર કુમારને ફાળે જ રહ્યાં હતાં. પણ જ્યારે પતિનો અવાજ ખીબ જ પ્રસિદ્ધ થ ઈ ચૂકેલ પત્નીના અવાજની બરોબરી કરી શકે છે એવું બતાવવાની વાત આવી ત્યારે સચિન દેવ બર્મનની પસંદ આજે પણ હજૂ મોહમ્મદ રફી પર જ ઢળતી જણાય છે. મોહમ્મદ રફી પોતાની ભૂમિકાને પૂરેપૂરો ન્યાય આપવામાં શતપ્રતિશત સફળ પણ રહ્યા છે..


પરંતુ લાગણીશૂન્ય ઈતિહાસની તવારીખમાં સચિન દેવ બર્મન-મોહમ્મદ રફીની યુગલ ગીતોની ખાતાવહીને ચોપડે આ અંતિમ ગીત બની રહ્યું.
હવે પછી સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં યુગલ ગીતો