સચિન દેવ
બર્મને લતા મંગેશકર માટે રચેલાં ૧૮૨ ગીતોમાંથી ૧૩૨ ગીતો સૉલો ગીતો છે, જ્યારે ૫૦ જ યુગલ ગીતો છે. પરંતુ સચિનદાનાં
સૉલો ગીતોએ ગાયકની ખૂબીઓનો જે કમાલથી ઉપયોગ કર્યો છે તેટલી જ સહજતાથી યુગલ ગીતોમાં
પણ તેમણે ગાયકોના સ્વરને નવા આયામ બક્ષ્યા છે. સચિન દેવ બર્મનનાં યુગલ ગીતો તેમનાં
સંગીતની નવી જ દિશાઓ ખોલી આપે છે.
સચિન દેવ બર્મન
સક્રિય રચનાકાળના ત્રણે ત્રણ સમયખંડમાં લતા મંગેશકરનું સ્થાન એક ખાસ મહત્ત્વ
ધરાવતું રહ્યું છે. ૧૯૫૮થી ૧૯૬૨ના સમય દરમ્યાન રહેલા એ બંનેના અણબનાવને કારણે સચિન
દેવ બર્મને આશા ભોસલે જેવી ગાયિકા પાસેથી જે કંઇ કામ લીધું તે કામનાં વૈવિધ્ય અને
ઊંડાણમાં સચિનદાના ચાહકો તેમની અને સંગીતના ચાહકો ગાયક ઉપર સર્જક તરીકે સંગીતકાર
તરીકેની સરસાઈ જૂએ તો એ દૃષ્ટિકોણ ખોટો નહોતો તેમ કહી શકાય. પણ એક સાચા સર્જક અને
વ્યાવસાયિક તરીકે સચિન દેવ બર્મન સમજતા હશે કે સરવાળે બધાંને પક્ષે ક્યાંકને
ક્યાંક, દેખાતું કે ન દેખાતું, ઓછે વત્તે અંશે નુકસાન તો છે જ. ૧૯૬૨ની ફિલ્મ 'ડૉ. વિદ્યા' માં તેમણે બંને ફરીથી સાથે કામ કરવાનું શરૂ
કર્યું અને ૧૯૬૩માં આવેલી 'બંદીની'માં તેમણે લતા મંગેશકરનાં અને આશા ભોસલેનાં
શ્રેષ્ઠતમ પૈકીનાં સૉલો ગીતોને એક જ ફિલ્મમાં મુકીને આ વાતની એક રીતે જડબેસલાક
સાબિતી મૂકી દીધી.
આ વાતનો અહીં ઉલ્લેખ કરવાનો આશય સચિન દેવ બર્મનનાં યુગલ
ગીતોનાં તેમનાં સંગીતમાંના મહત્ત્વ તરફ ફરી એક વાર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનો
છે.
સચિન દેવ
બર્મનનાં લતા મંગેશકરનાં મોહમ્મદ રફી સિવાયનાં અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતોની પણ
આપણે સમય આવ્યે વાત કરીશું.
મુઝે પ્રીત નગરીયા જાના હૈ, દિલસે દિલ કૈસે
સમજાઉં - એક નઝર
(૧૯૫૧) - પર્દા પર કલાકાર : રહેમાન, નલીની જયવંત – ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ
માત્ર આંકડાઓની
તવારીખની દૃષ્ટિએ જોતાં ૧૯૫૧ પછી છેક ૧૯૬૨માં મોહમ્મદ રફી અને લતા મંગેશકરના
સ્વરમાં સચિન દેવ બર્મનનું યુગલ ગીત જોવા મળે છે. આ પ્રકારની ઘટનાનાં કંઈ કેટલાંય
અથઘટનો એ સમયમાં પણ થયાં હતાં, અને આજે પણ
કરવાં હોય તો કરી શકાય.
આપણે તો એક જ
બાબતની નોંધ લઈશું - આ સમયમાં કિશોર-લતા, તલત-લતા, હેમંત-લતા, મન્ના ડે-લતા એવી કેટલીય જોડીઓનો સચિન દેવ
બર્મને બહુ જ અસરકારક અને સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. એ દૃષ્ટિએ જોઈએ તો એમ કહી શકાય કે સચિન દેવ
બર્મન યુગલ ગીતોની બાબતે હજૂ સુધી કદાચ કોઈ એવા ઢાંચામાં નહોતો પડ્યા જેમાં કોઈ
ચોક્કસ બે ગાયકોને ધ્યાનમાં રાખીને ગીતોની તર્જ બનાવે. ૧૯૫૭ પછીથી મોહમ્મદ રફીની
સાથે સચિન દેવ બર્મનનું સંયોજન બહ મજબુત બની ચુક્યું હતું, પણ લગભગ એ જ ગાળામાં તેમને લતા મંગેશકર સાથે
કોઈક વાતે અણબનાવ પણ થયો હતો, જે ૧૯૬૨માં ફરી
સામાન્ય સ્થિતિમાં પરિણમ્યો. એ વાતની અહીં
નોંધ લેવાથી રફી-લતા જોડીને નજરઅંદાજ કરાયેલ છે તેવી માન્યતા બંધાતી અટકી જશે.
શીશે કા હો યા પથ્થરકા હો દિલ - બાત એક રાત કી (૧૯૬૨) - પર્દા પર કલાકારો: ચંદ્ર
શેખર અને વહીદા રહેમાન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સ્ટેજ પર ભજવાઈ
રહેલ એક નૃત્ય ગીત.... મોહમ્મદ રફીને ફાળે તો તેમની પોતાની આગવી અદામાં ગાવા માટે સાખીમાં
મૂકાયેલો એક શેર જ છે.
મૈં કલ ફિર મિલુંગી - ડૉ. વિદ્યા (૧૯૬૨) - પર્દા પર કલાકારો : મનોજ કુમાર, વૈજયંતિ માલા – ગીતકાર: મજરૂહ
સુલ્તાનપુરી
આ ધુનનો બે જ
વર્ષમાં સચિનદા 'કૈસે કહું'નાં રફી-આશાનાં યુગલ ગીત 'કિસીકી મુહબ્બતમેં સબ કુછ લુટાકે'માં ફરીથી ઉપયોગ કરવાના છે.
તેરે બિન સુને નૈન હમારે...બાત કરત ગયે સાંજ સિતારે - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) - પર્દા પર કલાકારો : અશોક કુમાર, આશા પારેખ – ગીતકાર: શૈલેન્દ્ર
રફી-લતાનાં
યુગલ ગીતોમાં સદા મોખરાની હરોળમાં ગણાતું આ યુગલ ગીત ગાયકો, સંગીતકાર અને ગીતકાર બધાંની ખૂબીઓના મહાસંગમની
નિપજ કહી શકાય.
તેરે ઘરકે સામને એક ઘર બનાઉંગા….દુનિયા બસાઉંગા તેરે ઘરકે સામને - તેરે ઘરકે સામને (૧૯૬૩) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, નુતન – ગીતકાર : હસરત જયપુરી
પીણાંથી ભરેલા
ગ્લાસમાં નુતનનાં પ્રતિબિંબને ઝીલવાની સૂઝ વિજય આનંદની ગીતનાં ચિત્રાંકન કરવાની સૂઝ
ચિત્રાંકન કરવાની કળાનાં ટેક્ષ્ટ-બુક ઉદાહરણની ગણનામાં બેસે છે.
દેખો રૂઠા ન કરો, બાત નઝરોંકી
સુનો…. હમને બોલેંગે સનમ, તુમ હમેં ન સતાયા કરો - તેરે ઘરકે સામને (૧૯૬૩) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, નુતન – ગીતકાર : હસરત જયપુરી
પ્રેમિકાનું
રૂઠવું અને પ્રેમીનું મનાવવું એ હિંદી ફિલ્મોમાં ગીતની
સીચ્યુએશન માટેનો સ્ટેપલ ફુડ ગણી શકાય. પણ સંગીતકાર, ગાયકો અને ગીતકારે મળીને તૈયાર કરેલ ઘટકોને
દિગ્દર્શકે એક સાવ અનોખી, મધુર, ફરીને ફરીને જોવી સાંભળવી ગમે તેવી રચનાનાં
સ્વરૂપમાં રજૂ કરી દીધી છે.
ચંપાકલી દેખો
ઝુક સી ગયી રે, જાદુ કિયા તેરે પ્યારને... -
ઝીદ્દી (૧૯૬૪) - પર્દા પર કલાકારો: જોય
મુખર્જી, આશા
પારેખ – ગીતકાર:
હસરત જયપુરી
જોય મુખર્જીની ફિલ્મોમાં સંગીત હંમેશાં બહુ જ મજબુત પાસું
રહ્યું હતું.
આ પછી ૧૯૬૫માં આવેલી 'ગાઈડ'માં
રફી સૉલો ગીતોમાં છવાયેલા રહ્યા પણ લતા મંગેશકર સાથેનું એક માત્ર યુગલ ગીત સચિનદાએ
કિશોરકુમારને ફાળવ્યું. તે પછીથી આવેલ 'જ્વેલ
થીફ' અને તેનાથી પણ પછીથી આવેલી ફિલ્મોમાંનાં રફી-બર્મનનાં
સહકાર્યનાં અંત સુધી રફીનાં સૉલો ગીત અપવાદ રૂપે જ આવ્યાં. પણ હજુએ રફી-લતાનાં
યુગલ ગીતોમાં '૫૭-૬૭ના
દાયકાની એ લય, એ
મીઠાશ, ગાયકોનું એ સાયુજ્ય કાયમ રહેલાં જ
જોવા મળે છે.
દિલ પુકારે
આરે આરે..અભી ના જા મેરે સાથી.. - જ્વેલ થીફ (૧૯૬૭) - પર્દા પર
કલાકારો: દેવ
આનંદ, વૈજયંતિમાલા – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
કહેવાય છે કે ફિલ્મનાં ગીતો મૂળે શૈલેન્દ્ર લખવાના હતા.
પરંતુ તેમની 'તીસરી
કસમ'ની નિષ્ફળતાએ તેમની કલમ
"રૂલાકે ગયા સપના મેરા" જેવા પ્રોફેટીક ગીતને લખીને કાયમ માટે થંભી ગઇ.
ફિલ્મનાં બીજાં બધાં, અલગ
અલગ ભાવનાં, ગીતોમાં
મજરૂહ સુલ્તાનપુરીની વર્સેટીલીટી એટલી જ સ્વાભાવિકતાથી ગોઠવાઈ ગઈ છે.
બાગોંમેં
બહાર હૈ, કલિયોં પે નિખાર હૈ.... - આરાધના (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેશ ખન્ના (દીકરાના બીજા રોલમાં)
ફરીદા જલાલ
બે યુવાન પ્રણયી જીવડાંઓનાં મિલનને દરમ્યાન થતી વાતચીતને
સંગીતમય મુલાકાતની યાદગાર પળોમાં ફેરવી નાખી શકે તેવી ધુન, એટલી
જ મધુર સંગીતગુંથણી અને એટલી જ જીવંત ગાયકોની ગાયકીએ આ ગીતને પણ એ સમયે અદ્ભુત
સફળતા અપાવી હતી.
પલકોં કે
પીછેસે તુમને ક્યા કહ ડાલા, ફિર સે તો ફરમાના...-
તલાશ (૧૯૬૯) - પર્દા પર કલાકારો
:
રાજેન્દ્ર કુમાર શર્મિલા ટાગોર - ગીતકાર :
મજરૂહ સુલ્તાનપુરી
'૫૭-'૬૭માં
તેની પરાકાષ્ઠાએ પહોંચેલ જ્યોત હજૂ પણ એટલો જ પ્રકાશ આપી રહી છે. રાજેન્દ્ર
કુમારની અદાઓને છાજે તેવી ગાયકીની હરકતો પણ મોહમ્મદ રફી એટલી જ સ્વાભાવિકતાથી
ફરમાવી રહ્યા છે..સચિનદાની મીઠાશ ભરી ધુન અને વાદ્યસજ્જાની સંરચનાની હથોટી પણ એટલી
જ સજ્જ છે.
આજ કો ઝુનલી
રાતમા ધરતી પર હૈ આસમાં - તલાશ (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેન્દ્ર કુમાર શર્મિલા ટાગોર -
ગીતકાર :
મજરૂહ સુલ્તાનપુરી
લોકગીતના ઢાળની ધુનને કેટલી સરળતાથી સજ્જ કરી શકાઈ છે !!
યે દિલ
દીવાના હૈ, દીવાના હૈ યે દિલ...દીવાના -
ઈશ્ક઼ પર જોર નહીં (૧૯૭૦) - પર્દા પર કલાકારો : સાધના
- ગીતકાર આનંદ બક્ષી
શમામાં હજૂ પણ આટલી રોશની હોય, તો
કોને અંદાજ આવે કે એ તો હવે બુઝતી જાય છે......
તેરે નૈનોંકે
દીપ મૈં જલાઉંગા - અનુરાગ (૧૯૭૨) - વિનોદ મહેરા, મૌસમી
ચેટર્જી - ગીતકાર : આનંદ બક્ષી
ગીતની ધુન દેખીતી રીતે બહુ સાદી અને સરળ છે, પરંતુ રફી-લતાની ગાયકીએ તેને
સરેરાશ ગીતોથી બે એક કદમ ઉપર જરૂર મૂકી આપી છે.
તેરી બિંદીયા રે.. આય હાય તેરી બિંદીયા રે - અભિમાન (૧૯૭૩) - પર્દા પર કલાકારો અમિતાભ
બચ્ચન, જયા ભાદુરી - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સચિનદા-રફીની
છેલ્લી ફિલ્મ 'ઈશ્ક઼ પર જોર નહીં' પછીની ફિલ્મોમાં ગત પેઢીના લગભગ બધા જ કલાકારો
માટે સચિનદા કિશોર કુમારનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. 'અભિમાન'માં પણ નવી પેઢીના હીરો અમિતાભ
માટે પણ સૉલો કે પ્રેમની લાગણીની રજૂઆત કરતાં યુગલ ગીત જેવાં ગીતો તો કિશોર
કુમારને ફાળે જ રહ્યાં હતાં. પણ જ્યારે પતિનો અવાજ ખીબ જ પ્રસિદ્ધ થ ઈ ચૂકેલ
પત્નીના અવાજની બરોબરી કરી શકે છે એવું બતાવવાની વાત આવી ત્યારે સચિન દેવ બર્મનની
પસંદ આજે પણ હજૂ મોહમ્મદ રફી પર જ ઢળતી જણાય છે. મોહમ્મદ રફી પોતાની ભૂમિકાને પૂરેપૂરો ન્યાય
આપવામાં શતપ્રતિશત સફળ પણ
રહ્યા છે..
પરંતુ
લાગણીશૂન્ય ઈતિહાસની તવારીખમાં સચિન દેવ બર્મન-મોહમ્મદ રફીની યુગલ ગીતોની
ખાતાવહીને ચોપડે આ અંતિમ ગીત બની રહ્યું.
હવે પછી સચિન
દેવ બર્મનનાં મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં યુગલ ગીતો
No comments:
Post a Comment