Tuesday, May 23, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના અંકમાં ગુણવત્તાને સાવ અલગ દૃષ્ટિએથી જોશું.
Zen and the Art of Quality - Brad Stulberg - ૨૪ એપ્રિલ, ૨૦૧૭ના રોજ Zen and the Art of Motorcycle Maintenance અને Lilaના લેખક રોબર્ટ એમ પીર્સીગનું ૮૮ વર્ષની વયે અવસાન થયું. તેમણે પુસ્તક તો બે લખ્યાં, પરંતુ બન્નેને આધુનિક ફીલૉસૉફીમાં ક્લાસિક્સ તરીકે સ્થાન મળેલ છે. રોબર્ટ પીર્સીગ વિષે ઓછું જાણનારાંઓ માટે જાણવાનું મહત્ત્વનું બની રહેશે કે બન્ને પુસ્તકોમાં સર્વસામાન્ય વિચાર ગુણવત્તાનો છે. રોબર્ટ પીર્સીગ ગુણવત્તાને મોટા અક્ષરોમાં લખવાનું પસંદ કરે છે કેમ કે તેમના માટે એક ખાસ ઘટના છે. જ્યારે વિષય અને વસ્તુ (કે કલાકાર અને તેનું કલાપ્રદર્શન)એક બીજામાં એટલી હદે ભળી જાય છે ત્યારે બન્નેને એકબીજાંથી અલગ કરવાં શકય નથી બનતું. બન્ને જ્યારે એક બની જાય છે, ત્યારે સંબંધમાંથી એક ખાસ તત્ત્વ ઉદ્ભવે છે, જેને પીર્સીગ (મોટા અક્ષરોમાં) ગુણવત્તા કહે છે. તેમનાં પુસ્તક Zen and the Art of Motorcycle Maintenanceમા તેઓ લખે  છે કે 'ભવિષ્યના કોઈ હેતુ માટે જીવવું તો બહુ છીછરૂં છે. જીવન તો પર્વતોનાં પડખામાં વસે છે તેની ટોચ પર નહીં. ટોચ પર જે ઝેન (જ્ઞાન, શાંતિ) મળે છે તે તો આપણે આપણી સથે લઈ આવ્યાં છીએ તે હોય છે.'“
તેમનાં અવસાન પર અનેક અંજલિઓ અપાઈ છે. દરે અંજલિમાં તેમનાં જીવન અને કામની કોઈને કોઈ વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ થયો છે. અંજલિઓ પૈકી બે અંજલિઓ આપણે અહીં વિગતે વાંચીશું :


રોબર્ટ પીર્સીગ : ફોટો સૌજન્ય વિલીયમ મૉર્રૉ - હાર્પરકૉલિન્સ
એ તો હવે આપણને સમજાઈ ચૂક્યું છે કે રોબર્ટ પીર્સીગે ગુણવત્તા શબ્દનો પ્રયોગ પરંપરાગત અર્થમાં નથી કર્યો. તેમણે સમજેલી ગુણવત્તાની વિભાવના સમજવા માટે અપણે અહીં કેટલાક લેખસ્ત્રોત મૂક્યા છે. 
તેમનાં તત્વજ્ઞાનીય પુસ્તક Zen and the Art of Motorcycle Maintenance (૧૯૭૪) માં રોબર્ટ પીર્સીગે આપણી સમક્ષ રજૂ કરેલ વાસ્તવિકતાનો સિધ્ધાંત રજૂ કર્યો તેને  ગુણવત્તાનું અધિભૌતિકશાસ્ત્ર [Metaphysics of Quality (MoQ)]તરીકે ઓળખવામાં આવે છે. તે પછીનાં તેમનાં પુસ્તક Lila: An Inquiry into Morals (૧૯૯૧)માં તેમણે આ વિચારને વિકસાવ્યો. MOQમાં પૂર્વ એશિયાઇ ફિલોસૉફી, વ્યવહારશીલતા, એફ એસ સી નોર્થકૉર્પની વિચારસરણી અને અમેરિકાની તળ ફિલોસૉફીના જેવાં જૂદાં જૂદાં પાસાંઓ આવરી લેવાયાં છે. પીર્સિંગનું કહેવું છે કે પશ્ચિમના પરંપરાગત વસ્તુલક્ષી-હેતુલક્ષી દ્વૈત મનોભાવને વદલે વાસ્તવિકતાને જોવા માટે, પૂર્વમાં ઉદ્‍ભવેલ , MOQ એ વધુ સારો કાચ છે. પુસ્તકમાં આ પરંપરાગત દ્વિદૃષ્ટિને બદલે तत्त्वमसि ની વિભાવનાની વાત કરાઈ છે. 
Robert Pirsig’s Metaphysics of Quality પર આ વિષય પર વિપુલ વૈવિધ્યના સ્ત્રોત જોવા મળશે. MOQ.org પર આ વિષયની ચર્ચાને સ્થાન અપાવાની સાથે વિષયના અભ્યાસ માટે પણ સામગ્રી ઉપલબ્ધ છે.
આ વિષય પરના કેટલાક વિડીયો પણ જોઈએ
What is the Metaphysics of Quality?
Robert M Pirsig NPR Interview July 12, 1974 એ બહુ સ-રસ ઇન્ટરવ્યૂ છે 
યુ ટ્યુબ પર આ વિષય પર જ હજૂ બીજા વિડીયો પણ જોવા મળી શકશે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ - Drucker Perspectiveનો Abandonment, Concentration & Pareto's Law: A Tested Way to Achieve Quantum Leaps in Individual and Organizational Productivity લેખ આપણે આ મહિનાના આપણા અંકમાટે પસંદ કરેલ છે.
"આર્થિક કારણો માટે ધ્યાન કેન્દ્રીત કરવું મહત્ત્વનું છે. આર્થિક પરિણામો સિધ્ધ કરવા માટે સંચાલકોએ નાનામાં નાની સંખ્યામાં ઉત્પાદનો કે ઉત્પાદન શ્રેણીઓ, સેવાઓ, ગ્રાહકો, બજારો, વિતરણ વ્યવસ્થાઓ કે અંતિમ વપરાશકારો જેવાં પરિબળો પર ધ્યાન કેન્દ્રીત કરવું રહે છે... જેથી કરીને મહત્તમ વકરો શક્ય બને." પીટર એફ. ડ્રકર
ડ્રકર, ઝિપ્ફ, જુરાન નોંધે છે કે માહિતી સામગ્રીનાં એકત્રીકરણને કારણે સંચાલકને ખોટી માહિતી મળી શકે છે કે ખોટી દિશા મળી શકે છે કે પછી તે ખોટી રીતે દોરવાઈ શકે છે.અસરકારક થવા માટે દરેક સંચાલકે પહેલેથી માનીને ચાલવું જોઈએ કે સંસાધનોની વહેંચણીમાં હંમેશ કંઇને કંઈ અસંતુલન હોય  છે. તેણે આ સંતુલનના ગુણોત્તરને તબક્કાવાર સુધારતાં રહેવાં માટે મહેનત કરતા રહેવું પડે. આ સંતુલનની સ્થિતિ ૬૫/૩૫,૭૦/૩૦, ૮૦/૨૦ કે ૯૯/૧ એવાં કોઈ પણ પ્રમાણમાં હોઈ શકે છે... મહત્ત્વનું એ છે કે પ્રયત્નો અને પરિણામના ગુણોત્તરને હંમેશાં એક યથેષ્ટ સ્તરે જાળવી રાખવો.
ASQ પરના વિભાગ - Ask The Experts માંથી આજના આપણા આ અંક માટે Defining Qualification, Verification, and Validation સવાલ પસંદ કર્યો છે. જવાબમાં ISO 9000ની વ્યાખ્યાઓની સાથે અલગ અલગ દૃષ્ટિકોણથી વિચાર કરી શકાય તેવી પણ વ્યાખ્યાઓ રજૂ કરાઈ છે. ગુણવત્તા વ્યાવસાયિકો પણ આ વ્યાખ્યાઓને સમયે સમયે ફેરતપાસતાં રહેવું જોઈએ.  
આ મહિને હજૂ સુધી . ASQ CEO, Bill Troy વિભાગમાં કંઈ નવું ઉમેરણ નથી થયું જોવા મળતું.એ તકનો લાભ લ ઈને મેં A View from the Qના એકદમ શરૂઆતની પૉસ્ટ તરફ નજર દોડાવી, જ્યાં The Century of Quality આપણું ધ્યાન ખેંચે છે. બીજા શબ્દોમાં આ શીર્ષકને જોઈએ, તો એમ કહેવાનું થાય કે  '૨૧મી સદીની ગુણવત્તની સદી કરવા માટે શું કરવું જોઈએ?' સમગ્ર ગુણવત્તા સમુદાય માટે આ પડકાર છે. આ માટે આપણે આપણી સાથેનાં અન્ય લોકો સાથે સંવાદ સાધવો પડશે અને ગુણવતા બાબતે જરૂરી દોરવણી પૂરી પાડવા માટે તેમને સમજાવવાં પડશે. આ માટે આપણે કેવી ભાષા વાપરીશું? જેનીફર સ્ટેપ્નીઑવસ્કી આ બાબતે બહુ સ્પષ્ટ સલાહ આપે છે keep it simple and relevant….આપણી સાથેનાં જે લોકો આ કરી શકે છે  તેમના તરફ આપણે વિશેષ ધ્યાન આપીએ અને તેમનો અવાજ વધારે બુલંદ કરવામાં મદદરૂપ બનીએ,  
ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:

  • Ralph de la Vega, Vice Chairman at AT&T આજના સમયને ગુણવત્તાનો સુવર્ણ યુગ કહે છે જ્યારે કંપનીઓએ ગુણવત્તાને તેમનાં ઉત્પાદનો અને સેવામાં જ સમાવી લેવી પડે અને પ્રશ્નો ઊભા થાય તે પહેલાં જ તેમને શોધી કાઢવા પડે.
  • SR and Quality: A Perfect Fit - QS Consultના સ્થાપક અને પ્રમુખ, વિલી વાંન્ડરબ્રાન્ડૅનું ગુણવત્તા વ્યાવસાયિકોને કહેવું છે કે તેમની સંસ્થાની સામાજિક જવાબદારીને લગતી પહેલ ઉપાડી લેવા માટે તેઓ સૌથી આદર્શ સ્થિતિમાં છે. સામાજિક જવાબદારી  ગુણવત્તાનાં ભવિષ્યમાં બરાબર બંધ પણ બેસે છે.
  • Lean, Change, and Invaluable People - Prosciના Vice President of Growth સ્કૉટ મૅકએલીસ્ટર પરિવર્તન સંચાલનની અસરકારકતા અને સુધારણાનાં વ્યાવસાયિક પરિણામો વચ્ચે સીધો સંબંધ સમજાવે છે. સંશોધનો વડે એમ પણ જોવા મળ્યું છે કે સમર્થન અ સૌથી વધારે પ્રભાવક પરિબળ બની રહી શકે છે. પ્રાયોજકોનો મહત્તમ લાભ લેવા માટેની રીત પણ મૅકએલીસ્ટર જણાવે છે.
  • Root Cause Analysis  - Five Whys અને Root Cause Analysis વિષે નવા દૃષ્ટિકોણને જાણીએ.તે ઉપરાંત “Is/Is Not” વિશ્લેષણ વધારે જાણવા ઉપરાંત “Why not?” ક્યારે ન પૂછવું તેનો પણ કિસ્સો જોઈએ.


  • Asking "Why Not?" - Five whys પધ્ધતિની મદદથી સમસ્યાનાં ઊંડાણ સુધી પહોંચી શકાય છે. તેની સાથે "why not?" સવાલ ઉમેરવાનું પણ વિચારવું જોઈએ.


  • Is/Is Not Comparative Analysis Tool - "Is/Is Not"વડે કરી શકાતાં તુલનાત્મક વિશ્લેષ્ણ વડે મૂળ કારણ શોધવું કે હકીકતે સમસ્યા શું છે (કે નથી) તે જાણવું સરળ બની શકે છે.આ સાધન ત્યારે બહુ કામમાં આવી શકે છે ક્યારે ઘણાં શકય કારણોમાંથી સંભવિત કારણને અલગ તારવવાનું હો. અહીં સમસ્યા સાથે કોઇ બાબતને સંબંધ છે કે નહીં તે ખોળી કાઢવામાં મદદ મળે છે.

Jim L. Smithનાં એપ્રિલ, ૨૦૧૭નાં Jim’s Gems:
Human Side of Six Sigma - સાધનો સારાં, પણ ટીમ પ્રક્રિયા કરતાં વધારે મહત્ત્વનાં ન બની શકે
- ગુણવતા સાધન ગમે તેટલું કામનું કે મહત્ત્વનું હોય, પણ તેનો અમલ તો પ્રક્રિયા સાથે સંકળાયેલ લોકો વડે જ કરવાનો રહેતો હોય છે, સીક્ષ સિગ્માની બાબતે એનો અર્થ એ થયો કે ટીમના સભ્યના પટ્ટાના રંગથી ઘણું આગળ જોઈને એ સમ્ભ્યનું ટીમ સાથે સમગ્ર ટીમનું એ સભ્ય સાથેનાં સમીકરણનાં રસાયણશાસ્ત્ર પર વધારે ધ્યાન આપવું જોઈએ.
You Become What You Think  - જ્યારે આપણે  RT = E + Bને ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે આપણી વિચાર પ્રક્રિયા મહત્ત્વની બની રહે છે. આપણા વિચારો (thoughts)થી પરિણામો (results) આવે છે, જે પેદા થાય છે આપણી લાગણીઓમાંથી (emotions) અને જે આગળ જતાં આપણાં વર્તન (behavior)ને ઘડે છે. આમ આપણી વર્તણૂક નક્કી કરે છે કે પરિણામ સારાં આવશે કે નહીં. ઉદ્યોગ સાહસિક અને ખ્યાતનામ લેખક, માઈક ડૂલીનું કહેવું છે કે પસંદ કરવામાં કાળજી રાખજો કેમકે વિચારો જ વસ્તુઓ બની જાય છે.(Choose Them wisely: Thoughts Become Things).”
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, May 21, 2017

'સાર્થક - જલસો :૮':મે, ૨૦૧૭



'જલસો'ના પ્રકાશક 'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પર 'જલસો' વિષે આ મુજબ કહેવાયું છે -"રસાળ પણ છીછરી નહીં, મનોરંજક પણ ચીલાચાલુ નહીં, અભ્યાસપૂર્ણ પણ માસ્તરીયા નહીં, ઊંડાણભરી પણ શુષ્ક નહીં, સાહિત્યિક પણ પાંડિત્યપૂર્ણ નહીં, વર્તમાન સાથે નાતો ધરાવતી પણ છાપાળવી નહીં- એવી વાચનસામગ્રીનો સંચય એટલે સાર્થક જલસો.’"
પડકાર નાનો સૂનો નથી એ વાત જેટલી નક્કી છે તેટલી જ હદે 'સાર્થક-જલસો' તેના દરેક અર્ઘવાર્ષિક અંકમાં આ પડકારને કેવી રીતે ઝીલી લેશે તે જાણવાવાંચવાની ઈંતેઝારી પણ વાચકના મનમાં સળવળતી જ રહે છે.
છ મહિનાના એક ઔર ઈંતઝારનો અંત આવી ગયો છે 'સાર્થક - જલસો ૮'ના પ્રકાશનથી. દરેક અંકની જેમ, 'સાર્થક - જલસો ૮'ની સામગ્રી વૈવિધ્યપૂર્ણ તો છે જ, વળી  પ્રસ્તુત અને રસપૂર્ણ પણ એટલી જ છે.
જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ખાસ નજરથી જોવાયેલાં દૃશ્યોને આપણે 'જલસો'ના એક સિવાયનાં બધાં જ મુખપૃષ્ઠો તરીકે જીવંત થતાંઅનુભવ્યાં છે. પહેલી નજરે સાવ અલગઅલગ જણાતી આ તસવીરોમાં સામ્ય હોય તો એટલું એ કે એમાં જલસો અને સાર્થકનો ભાવ તાદ્રશ્ય થાય છે. 'જલસો-૮'ની તસવીરમાં પણ વાંસળી વેચવાવાળાની નિજમસ્તી છલકે છે. તેના ભાથામાં દેખાતી અનેક પ્રકારની વાંસળીઓ આપણને આ અંકમાં અપેક્ષિત વૈવિધ્યના સુર માણવા માટે તૈયાર કરે છે.
બિનીત મોદીએ 'ઍક્શન રિપ્લે - તારક મહેતા (૧૯૨૯-૨૦૧૭)ને સાર્થક અંજલિ'માં તારક 'ઊંધાં ચશ્માં' મહેતાને તસવીરી અંજલિ સંકલિત કરી છે. ચાર પાનાંઓમાં ફેલાયેલી તારક મહેતાની તસવીરોમાં તેમની જીવનયાત્રામાં તેમણે ભજવેલ અંગત જીવનમાંના તેમજ મચ પરના કીરદારોને જીવંત કરાયાં છે.
રામચંદ્ર ગુહા એવા અર્વાચીન ઈતિહાસકારોમાંના છે જે પોતે પોતાના વિષય માટે ઊંડાણથી સંશોધન કરે છે અને ખાસી તટસ્થતાથી વિષયની રજૂઆત કરે છે.  તેમનાં ઘણાં પુસ્તકો પૈકી India After Gandhiનો ભારતની ઘણી ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. હવે સાર્થક પ્રકાશન તેને 'ગાંધી પછીનું ભારત' અને નહેરુ પછીનું ભારત' એમ બે ભાગમાં ગુજરાતીમાં રજૂ કરવાનું છે. 'કાશ્મીર - રક્તરંજિત અને રળિયામણો ખીણપ્રદેશ' એ પુસ્તકમાં આવરી લેવાયેલ કાશ્મીરવિવાદનાં મૂળની તવારીખ આપણી સમક્ષ રજૂ કરે છે.
આમ તો એમ કહી શકાય કે અગ્નિ અને પૈડાંની શોધથી માનવે યંત્રયુગનો પાયો નાખી દીધો હતો. પરંતુ લગભગ ૧૭૬૦થી ૧૮૨૦-૪૦ના સમય દરમ્યાન માનવકૌશલ્યનું સ્થાન મશીનોએ લઈ લેવામાં મહદ અંશે સફળતા મેળવી લીધી હતી. એ પછી તો કુદકે ને ભુસકે માનવી યંત્ર વડે કામ કરવાને બદલે યંત્ર માટે કામ કરતો થઈ ગયો. કૃષિક્ષેત્રની સાથે ઉત્પાદન ક્ષેત્ર જેટલું જ કે, તેથી વધારે મહત્ત્વનું વિશ્વ અર્થકારણમાં સેવા ક્ષેત્ર બની રહ્યું. આ દરેક તબક્કે 'મશીનો બધું કામ કરશે તો માણસો શું કરશે?' એ સવાલ સામે આવતો રહ્યો છે. તેમની આગવી શૈલીમાં લેખક દીપક સોલિયા આ પ્રશ્નની છણાવટ કરે છે.  અત્યાર સુધી માણસનાં હાથપગનું કામ મશીન કરતાં હતાં, હવે માણસનાં મગજનું કામ પણ મશીન કરી આપે એ ભણી માણસ મચી પડ્યો છે. વિષયનાં જૂદાં જૂદા પાસાંઓની છણાવટ કર્યા પછી લેખક ભવિષ્યની શકયતાની આગાહી સુદ્ધાં કરે છે. તેમનું કહેવું છે કે એક વાર આ ચક્ર તેની એટલી ચરમ સીમાએ પહોંચશે કે ત્યાંથી પછી આગળ જવાનું અસંભવ બનવા લાગશે. માનવી ત્યારે તેના પ્રયત્નોમાં ખમૈયા કરશે. એ સમયે ફરીથી માણસનાં હાથપગ જ તેને કામ આવશે. એક બીજા સંદર્ભમાં જેમ આઈન્સ્ટાઈનનું કહેવું છે કે ચોથાં વિશ્વ યુધ્ધમાં શસ્ત્રો તરીકે પથ્થરોને હાથથી ફેંકવા જેટલી જ માનવસંસ્કૃતિ બચી હશે. એજ રીતે વાર્યો ન માનેલો માનવી હાર્યો માનશે. 
હાલના આ દશકામાં સ્ટાર્ટ-અપ શબ્દ લોકોને ઈલમકી લકડી જેવો દેખાવા લાગ્યો છે. આજના સમયમાં જ્યારે નોકરીઓ ઓછી થતી ગઈ છે ત્યારે પોતાનાં વ્યાપાર સાહસને સફળ કારકીર્દી તરીકેનાં સપનાં જોતાં કરવામાં કેટલાક સફળ સ્ટાર્ટ-અપના કિસ્સાઓએ ઈંધણ પૂરૂં પાડ્યું છે. આરતી નાયર ઉથલપાથલ થતાં આ  મોજાની ઉપર ટકી રહેલાં સફળ યુવાસાહસકારોમાંના એક છે. સ્ટાર્ટ-અપ સાહસની આવરદા નક્કી કરવાની કુંડળી જેના વડેલખાય છે એવા આઈડીયાથી રીસ્ક કેપીટલ ફાઈનાન્સના સમગ્ર સ્ટાર્ટ-અપ ચક્રના મહત્ત્વના તબક્કાઓના જૂદા જૂદા ગાળાનો તેમને સ્વાનુભવ છે. 'સ્ટાર્ટ-અપ ગાજે છે એટલા વરસશે?'માં આરતી નાયર સપનાંઓની દુનિયામાં રાચતા નવસાહસિકોને કેટલીક નક્કર વાસ્તવિકતાઓનો આયનો બતાવે છે. પોતાનાં સ્વપ્નની સિધ્ધિમાટે જોશમાંને જોશમાં જમીન પરથી બન્ને પગ ઉંચકી લેનાર મિત્રોને તેઓ સમજાવે છે કે કુદકો મારતી વખતે નીચે કઠણ જમીન જોઇએ અને કુદકો માર્યા પછી પણ વાસ્તવિકતાઓની કઠણ દુનિયા પર જ આવીને પગ ટેકવવાના છે. 
'બધાંને ડિગ્રી જોઈએ છે, જ્ઞાન કોઈને નથી જોઈતું' જેવી પંક્તિના ઉપાડથી જ કાર્તીકેય ભટ્ટ તેમના લેખ 'શિક્ષણથી બેકારી વધે કે ઘટે?'ના અંગુલિનિર્દેશની દિશા સ્પષ્ટ કરી દે છે. બધાંને એકસરખું, એક જ સમયે અને એક જ રીતે ભણાવતી શિક્ષણ વ્યવસ્થામાં બનતા માલની બજારમાં માંગ હોવા છતાં ખરીદાર કેમ નથી મળતા તે બાબતની વિચારપ્રેરક રજૂઆત પ્રસ્તુત લેખમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવી છે.
સાંપ્રત સમાજની દુખતી રગ સામે નજર કર્યા બાદ 'સાર્થક - જલસો - ૮' 'ફ્લેશ', 'સ્કોપ' અને 'સફારી' જેવાં યુગસર્જક કક્ષાનાં સામયિકો એકલે હાથે કાઢનાર અને ચલાવનાર 'હાર્ડકોર' ઉદ્યોગસાહસિક પ્રકાશક-લેખક શ્રી નગેન્દ્ર વિજયનાં કલ્પના વિશ્વની સાથે મુલાકાત કરાવે છે. 'નૉટબંધી, નગેન્દ્ર વિજય અને નવલકથા'માં ઉર્વીશ કોઠારી નગેન્દ્ર વિજય સાથેની વાતચીતમાં નગેન્દ્ર વિજયના એકમાત્ર મૌલિક નવલકથા લખવા સાથે સંકળાયેલાં રહસ્યનાં જાળાં સાફ કરવાનો  આયામ કરે છે. 'ફ્લેશ'માં હપ્તાવાર પ્રગટ થયેલ આ નવલકથા 'ફ્લેશ' બંધ થવાની સાથે બંધ પણ થઈ ગઈ. એક થ્રીલર નવલકથામાં જોવા મળે  તેવી બીજી ઘટના વધારે આશ્ચર્યનો આંચકો આપે છે. નવલકથાના જેટલા હપ્તા લખાયા છે તેટલા સચવાયા પણ નથી. ગુજરાતી થ્રીલર સાહિત્ય જગતે શું ખોયું છે તેનો અંદાજ વાચક ખુદ બાંધી લે એટલા સારૂ નવલકથાનાં પહેલાં અને ત્રીજાં પ્રકરણને અહીં રજૂ કરાયાં છે.
વતનમાં પસાર કરેલાં વર્ષોની વાત મનમાં તો સંઘરાઈને પડી જ હોય. હાલની વાસ્તવિકતાઓની અસરને ખાળવા છેતાળીસ વરસથી છૂટી ગયેલાં વતન ભાવનગરની ખાટીમીઠી યાદોને પિયૂષ એમ. પંડ્યા 'ગુઝરા હુઆ જમાના આતા નહીં દોબારા...'માં આપણી સાથે વાગોળે છે.
આણંદથી 'લાંબા સમય' સુધી ચલાવેલ સ્થાનિક બાબતોને જ પ્રાધાન્ય આપતાં સાપ્તાહિક અખબારની હાલમાં કેનેડા વસતા સલિલ દલાલ (એચ.બી. ઠક્કર)  'ઋષિકેશ મુખરજીનો ઢોળ ચડેલું સાહસ - આનંદ એક્સપ્રેસ'માં એ અખબારનાં વિવિધ પાસાંઓની સાથે સંકળાયેલાં સંસ્મરણોને યાદ કરે છે. એ સમયનાં આણંદ અને ખેડા જીલ્લાનાં સામાજિક અને રાજકીય જીવનની ઝાંખી પણ આ સ્મરણોમાં છલકી રહે છે.
હેમન્ત દવેના લેખ 'સૌથી સારો - કે સૌથી ઓછો ખરાબ - ગુજરાતી શબ્દકોશ કયો?નું શીર્ષક જ શબ્દકોષની બાબતે ગુજરાતીની સ્થિતિનો ચિતાર આપી દે છે. છેલ્લાં બસો વર્ષમાં ગુજરાતીના એકભાષી, દ્વિભાષિ કે ત્રિભાષી કોશોની સમગ્રતયા યાદી અને છણાવટ કોઈ એક લેખમાં કદાચ સમાવવાં  શક્ય ન હોય એટલે પ્રસ્તુત લેખમાં મહ્દ અંશે ત્રણ કોશની જ વિગતોની છણાવટ છે.  કયો કોશ શા માટે સારો કે ખરાબ એ સમજવાની કશ્મકશમાં ગુજરાતી ભાષાની પરિસ્થિતિ બહુ નિરાશાજનક છે એવાં તારણ પર સામાન્ય વાચક ઉતરી પડે એવું બની શકે છે.
'...પણ મારે લગન નથી કરવાં'ના લેખક નરેશ મકવાણાને, એમના સમયમાં શરૂ થયેલા નવા ટ્રેન્ડ મુજબ, ૧૬-૧૭ વર્ષની ઉમરે પરણાવવાનાં ચક્રો ગતિમાન થવા લાગ્યાં. એ સમયની સામાજિક પરિસ્થિતિઓને કારણે શહેર અને ગામડાંનાની જીવન પધ્ધતિઓમાં રહેલાં અંતર સાથે સંકળાયેલાં કારણો આગળ કરીને કિશોરવયના લેખકે 'અમદાવાદની કન્યાને ન પરણવું તેવી મનોમન ગાંઠ' વાળી હતી. આટલું તો આપણે લેખના બીજા ફકરા સુધીમાં જ જાણી શકીએ છીએ. એ પછી પહેલી કન્યાને જોવા જવાની, પોતાની ના હોવા છતાં 'અમારા તરફથી હા' હોવાનું સામા પક્ષને જણાવી દેવાનું, આસપાસ- સગાં પાડોશીને પણ જાણ થઈ જવા સુધીની ઘટનાઓ, લેખકની નામરજી જતાવતાં રહેવા છતાં, થતી જ જાય છે. સાદી નજરે એ વર્ણન વાંચતાં એમ લાગે કે લેખક સમગ્ર પરિસ્થિતિઓને હળવાશથી સમજાવી રહ્યા છે. જો કે લેખના અંત સુધીમાં તો સમાજના રીતરિવાજોનાં દબાણનાં લાગતાંવળગતાં પાત્રોને વ્યક્તિગત તેમ જ કૌટુંબીક સ્તરે થતા (સંભવિત)માનસિક સંતાપની ગંભીરતા સ્પષ્ટપણે ઉભરી રહે છે.
દરેક વ્યક્તિ સભાન (કે કદાચ અભાન)પણે કોઈને કોઈ, નાના યા મોટા, ભ્રમ પોષતી હોય છે. ભ્રમની ગુંથણી કે વાસ્તવિકતાના સ્વીકારના જેમની સાથે સીધો જ સંપર્ક રહ્યો છે એવાં ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલાં ત્રણ પાત્રો સાથેના અનુભવો બીરેન કોઠારીએ 'ભ્રમ અને વાસ્તવિકતાઃચાલક કે મારક?'માં વર્ણવ્યા છે. આપણી આસપાસ, અરે ખુદ આપણી જ અંદર, જોઈશું તો (હવે) દેખાશે કે ભ્રમ અને વાસ્તવિકતાના બે અંતિમો વચ્ચે જીંદગીનો એક વિશાળ પટ રહેલો છે. જીવનના જૂદા જૂદા તબક્કે, આ પટનાં કોઈ એક બિંદુએ આપણે હોઈએ છીએ. આપણું આ હોવું સાપેક્ષ પણ હોય છે અને ગતિશીલ પણ!
શ્રી ચંદુ મહેરિયાએ તેમની હંમેશની રસાળ શૈલીમાં 'બોવ ભણજો, હોં'માં આજથી ચાલીસ પચાસ (જ) વર્ષ પહેલાં, અમદાવાદ જેવાં શહેરમાં રહેતાં,  સમાજના છેવાડાનાં સ્તરનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ કેમ મળ્યું, એ બાળકોને મોટા થતાં જીવનની કેવી દિશા મળી જેવી  બાબતોનું માર્મિક વર્ણન કર્યું છે. એ વાંચીને તમારા મનમાં કેવી લાગણી થાય, એ વર્ણનની પાછળના ભાવને તમે કયાં પરિપ્રેક્ષ્યમાં જૂવો છે તેતો તમારા પોતાના સંદર્ભોને આધીન છે. હા, એમણે જે અમુક તારણો લખ્યાં છે તે આજના – સમાજના - કોઇ પણ સ્તરના લોકો માટે પ્રસ્તુત છે એમ તો કહી જ શકાય. જેમકે, 'મારો દોહિત્ર તથ્ય અઢી ત્રણ વરસની ઉમરે પ્લે ગ્રૂપમાં જતો હતો. મોંઘી ફી વાળી અંગ્રેજી  માધ્યમની પ્રાઇમરી સ્કૂલમાં હવે તે ભણે છે. બાળપણની મારી હોશીયારીની તુલનામાં તે ઘણો સ્માર્ટ અને બોલકો છે. તેને મારી જેમ 'બોવ ભણજો'ના આશીર્વાદની જરૂર નથી. ભણેશરી ગણાઈને હું પણ કંઇ બહુ બધું તો નથી ભણ્યો પણ સ્વમાનભેર પગભર થઈ શક્યો અને દાદાની ખેતમજૂરી કે બાપાની મિલમજૂરીથી ઉગરી શક્યો તે પ્રતાપ શિક્ષણનો છે એટલું તો નક્કી.'
ફિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના સંગીતકારોમાંના પ્રથમ હરોળના સંગીતકારોમાં જેમનું સ્થાન ગણાય છે તેવા સી. રામચંદ્રની, વર્ષોથી અપ્રાપ્ય, મરાઠી આત્મકથા 'માઝ્યા જીવનાચી સરગમ'ના વીણા પાલેજા દ્વારા અનુવાદિત, સંકલિત, અંશો  'સાર્થક જલસો - ૮'ના છેલ્લા લેખ, 'અલબેલા સંગીતકારનાં ફિલ્મી સંભારણાં' તરીકે મૂકી છે. એ રીતે જલસાની યાદ હવે પછીના છ મહિના સુધી  મમળાવતાં રહીએ તેવી અસર સંપાદકોએ સફળતાથી ઊભી કરી છે. પ્રસ્તુત લેખને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલા ભાગમાં સી. રામચંદ્રની મહિને પંદર રૂપિયામાં સોહરાબ મોદીની નિર્માણ સંસ્થામાં એકસ્ટ્રા તરીકેની કારકીર્દીથી શરૂઆતથી ફિલ્મસંગીતના ક્ષેત્રે પદાર્પણ, શરૂઆતની નિષ્ફળતાઓ પછી 'અલબેલા'ની સફળતા અને 'અનારકલી' સુધીમાં હવે ઊંચકાયેલા ભાવે પ્રસ્થાપિત થઇ ચૂકેલા સંગીતકાર તરીકેની સફરની દાસ્તાન છે. બીજા ભાગમાં લતા મંગેશકર અને નૂરજહાંની ભાત-પાકિસ્તાનની સીમા પરના નો મેન્સ ભૂખંડ પરની અલૌકિક મુલાકાતનું  વર્ણન છે. ત્રીજા ભાગમાં ભારત-ચીન વચ્ચે ૧૯૬૨નાં યુધ્ધ પછી ૨૭મી જાન્યુઆરી ૧૯૬૩ના તો તત્કાલીન પ્રધાનમંત્રી સમક્ષ લાઈ રજૂ થયેલ 'અય મેરે વતનકે લોગો'નાં સર્જન પાછળની વિગતો છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસને થોડે ઘણે જાણતાં ભાવકોએ આ ત્રીજા ભાગ વિષે જૂદાં જૂદાં સ્વરૂપે વાતો સાંભળી હશે,પરંતુ પહેલા બે ભાગ તો ખરેખર 'જલસો' પાડી દે તેવા છે.
/\/\/\/\/\/\
સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:

  •  બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ । www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796 // પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)