Sunday, September 9, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર,૨૦૧૮

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૫-૧૯૫૭

જ્યાં સુધી શંકર જયકિશન અને હસરત-શૈલેન્દ્રનું સર્જક ચતુર્વૃંદ નદવાયું નહીં ત્યાં સુધી શંકર જયકિશને અન્ય કોઇ ગીતકારનાં ગીતોને (મોટા ભાગે) બે અપવાદ સિવાય સંગીતબધ્ધ નથી કર્યાં.પહેલો અપવાદ હતો શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ 'બરસાત (૧૯૪૯)નું જલાલ મલીહાબાદીનું ગીત ઓ ઓ મુઝે કિસીસે પ્યાર હો ગયા અને બીજી ફિલ્મ હતી ૧૯૬૬ની 'આરઝૂ'. જો કે હસરત જયપુરી અને શૈલેન્દ્રએ સમય અન્ય સંગીતકારો માટે ગીતો જરૂર લખ્યાં છે. આપણી ચર્ચાનો વિષય જોકે આ બાબત નથી.

સપ્ટેમ્બર મહિનો જયકિશન (૪ નવેમ્બર ૧૯૨૯ - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨ - ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની અવસાન તિથિઓનો મહિનો છે. ગયા વર્ષે આપણે આ જોડીએ રચેલાં ૧૯૪૯ થી ૧૯૫૪નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજે હવે આપણે આગળ વધતાં ૧૯૫૫થી ૧૯૫૭નાં વર્ષનાં કેટલાંક યાદગાર અને કેટલાંક વીસરાયેલાં ગીતોની યાદ ફરી એક વાર તાજી કરીશું.

આજના આ લેખ માટે પહેલાં ત્રણ ગીત મળ્યાં તે લતા મગેશકરે જ ગાયેલા હતાં એટલે તે પછી જે જે ફિલ્મોમાંથી ગીતો પસંદ કરવાનાં હતાં તે લતા મંગેશકરે જ ગાયેલં હોય એ બાબત પર ધ્યાન આપ્યું છે. આમ, બીજા શબ્દોમાં, આજનો લેખ (શંકર) જયકિશન અને હસરત જયપુરીનાં લતા મંગેશકરે ગાયેલાં ૧૯૫૫થી ૧૯૫૭નાં ગીતોનો લેખ બની ગયો છે. અહીં પણ અપવાદ માત્ર આપણા દરેક લેખના અંતમાં મોહમ્મદ રફીનાં ગીતો મૂકવાની આપણી પરંપરા છે.


બાત બાતમેં રૂઠો ના, અપને આપકો લૂટો ના - સીમા (૧૯૫૫)

ગીત પૂરેપૂરી જયકિશનની ધૂન છે. એકદમ રમતિયાળ રચના, ગીતના પ્રારંભમાં પિયાનો એકોર્ડીયનનો ટુકડો જે પહેલી અને ત્રીજી કડીનાં વાદ્યસંગીતમાં એક અનોખો સુર બની રહે છે. જો કે હસરત જયપુરીએ સીચ્યુએશનને હળવી રાખવા બોલ ભારે નથી લખ્યા, પણ એક કવિને છાજે તેમ જીવવની ફિલસુફી એ સરળતામાં પણ આબાદ રીતે વણી લીધી છે.

ઓ જાનેવલે જરા મુડકે દેખતે જાના - શ્રી ૪૨૦ (૧૯૫૫)

‘શ્રી ૪૨૦’માં કોઈ એકાદ ગીત પણ ઓછું લોકપ્રિય થયું હશે એવું કલ્પવું મુશ્કેલ છે. પ્રસ્તુત ગીત પર હસરત જયપુરીની છાપ ગીતના આરંભની સાખીથી લઈને સમગ્ર ગીતના બોલમાં છવાયેલી જોઈ શકાય છે. ફિલ્મમાં બીજી કડી કાઢી નાખવામાં આવી છે !

ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ ઓ માજી કિનારે કિનારે - ચોરી ચોરી (૧૯૫૬)

નરગીસને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાં હોય છે. આ બાબતે પિતા સાથે ઝઘડો થતાં તે જહાજ પરથી કૂદી પડે છે. કૂદી પડ્યા પછી શરૂઆતની પળો તો જહાજથી તે દૂર થવા માગતી હોય છે. અહીં રજૂ કરેલ વિડીયો ક્લિપના પ્રાંરભમાં આ ભાગી છૂટવાના ધમધમાટની પળો ઝડપી લેવાઈ છે. જયકિશન એ દૃશ્યને વાયોલિન સમુહનાં પાર્શ્વસંગીત વડે વાચા આપે છે. થોડાંક સલામત અંતરે પહોંચ્યા પછીની હાશનો અનુભવ ત્યાંથી પસાર થઈ રહેલાં માછીમારોના કાફલાની છ્ડી પોકારતાં સંગીતથી થાય છે. હસરત જયપુરીના બોલ ગીતના ભાવને એકદમ સરળતાથી વ્યક્ત કરે છે.

આ જોડીએ 'ચોરી ચૉરી'માં મન્ના ડે - લતા મંગેશકરનાં સદાબહાર યુગલ ગીત આજા સનમ મધુર ચાંદનીમેં હમ, લતા મંગેશકરનું મસ્તીભર્યું પંછી બનું ઊડતી ફિરૂં મસ્ત ગગનમેં અને રફી-લતાનું હળવા મૂડનું તુમ અરબોંકા હેરફેર કરનેવલે રામજી જેવાં અન્ય વૈવિધ્યપૂર્ણ ગીતો પણ આપ્યાં છે.

ઉસે મિલ ગયી નયી ઝિંદગી....જિસે દર્દ-એ-દિલને મિલા દિયા - હલાકુ (૧૯૫૬)

આ ફિલ્મમાં હસરત જયપુરીએ ત્રણ જ ગીતો લખ્યાં હતાં બીજાં બે ગીતો - ઓ સુનતા જા અને બોલ મેરે માલિક - પણ લતા મંગેશકરના સ્વરમાં છે અને એ સમયે ખાસ્સાં લોકપ્રિય પણ થયાં હતાં.

કોઈ મેરે સપનોંમેં આયા, ધીરે ધીરે મનમેં સમાયા - ન્યુ દીલ્હી (૧૯૫૬)

(શંકર) જયકિશન ઘણી અઘરી ધુન રજૂ કરે છે. વાદ્યસંગીત પણ સરળ નથી જણાતું.

સાત સમુંદર પાર - પટરાની (૧૯૫૬)

(શંકર) જયકિશનની એક વધુ અઘરી ધુન.

રાજ હઠ (૧૯૫૬) નાં હસરત જયપુરીનાં ગીતોમાંથી મેં આજના લેખ માટે 'નદીયા કિનારે ફિરૂં પ્યાસી, હાય પી બીન જિયરા તરસ તરસ રહ જાયે' પસંદ કર્યું હતું. પણ એ ગીતની ઑડીયો કે વિડીયો ડિજિટલ લિંક મને મળી નહીં. એટલે પછીથી હવે આ ગીત પસંદ કર્યું છે.
અંતર મંતર જંતર સે મૈદાન લિયા હૈ માર - રાજ હઠ (૧૯૫૬) - ઉષા મંગેશકર સાથે

મોટા ભાગે એવું મનાતું કે ફિલ્મમાં નૃત્યની સીચ્યુએશન પરનાં ગીતની બાંધણી શંકર કરતા. આ ગીત સાંભળતાં ગીત કોણે રચ્યું અને કોણે સ્વરબધ્ધ કર્યું હશે તે કળવું મુશ્કેલ છે.

ગોરી-ગોરી-ગોરી મૈં પરીયોંકી છોરી.. છમ છમ છમ... કરતી આયી હૂં મૈં સાત આસમાન સે - બેગુનાહ (૧૯૫૭)

(શંકર) જયકિશનની એક વધારે મુશ્કેલ ધુન. આ ગીતમાં તો તેમણે એક સાથે એકથી વધારે પ્રકારનાં તાલ વાદ્યોનો પણ પ્રયોગ કરેલ હોય તેમ જણાય છે.

(શંકર) જયકિશન - હસરત જયપુરીનાં સંયોજનનું ફિલ્મનું એક અન્ય ગીત - મન્ના ડે - લતા મંગેશકરનું યુગલ ગીત, દિન અલબેલે પ્યારકા મૌસમ ચંચલ યે સમા - શંકર જયકિશનની ટ્રેડ માર્ક ધુન છે.

સો જા મેરે રાજ દુલારે સો જા તારે ભી સો ગયે ધરતીકે તારે ભી સો જા - કઠપુતલી ((૧૯૫૭)

ફિલ્મોમાં હાલરડાંઓની સાંભળવા મળતી રચનાઓની સરખામણીમાં ગીતની બાંધણી કંઈક અંશે જટીલ લાગે છે. ફિલ્મમાં ગીતની સીચ્યુએશનની ગંભીરતા તેને સ્પર્શી ગઈ હશે? (!)...

આપણે આપણા દરેક અંકનો અંત વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીતથી કરીએ છીએ. આજના હસરત જયપુરી -(શંકર)જયકિશનનાં ૧૯૫૫-૧૫૭નાં ગીતોન અંક માટે માટે 'સીમા'(૧૫૫૫)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં બે માંથી એક ગીત અને 'રાજહઠ" (૧૯૫૬)માટે તેમના સ્વરમાં રેકોર્ડ થયેલું એક ગીત પસંદ કરેલ છે.

હમેં ભી દે દો સહારા કે બેસહારા હૈ  - સીમા (૧૯૫૫) - સાથીઓ સાથે

દેખીતી રીતે અનાથાશ્રમ માટે ફાળો એકઠો કરવા નીકળેલ એક ટુકડીએ ગાયેલ ગીત છે, પણ હસરત જયપુરીએ તેમાં પોતાનાં કવિમય અંતરાત્માની અનુભૂતિને પૂરેપૂરી ખીલવી છે. (શંકર) જયકિશને પણ ગીતને બહુ જ અનેર ઢંગથી સ્વરબધ્ધ કરેલ છે - ગીતમાં હાર્મોનિયમના ના ટુકડાઓનૉ જે ખુબીથી ઉપયોગ કર્યો છે તે ગીતને ભિક્ષા માગવાનાં સામાન્ય ગીતમાંથી એક કલાત્મક કૃતિની કક્ષાએ મૂકી દે છે.

આયે બહાર બનકે લુભાકે ચલે ગયે - રાજ હઠ (૧૯૫૬)

જ્યારે જ્યારે હસરત જયપુરીને હિંદી ફિલ્મમાં ગઝલ લખવાનો મોકો મળ્યો છે ત્યારે તેમાં તેમણે શાયરના અંદાઝની તેમની એક ખાસ પ્રતિભાને પ્રતિબિંબિત કરવાની તક છોડી નથી. (શંકર) જયકિશને પણ આવી ગઝલને એક આગવી જ શૈલીમાં સ્વરબધ્ધ કરી છે. આવી જ એક બીજી રચના - તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં તો માંગીથી - તેની સાદગીપૂર્ણ, સુગેય, સરળ બાંધણી માટે યાદ આવી જાય છે.

આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

Thursday, September 6, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર : [૪]


લલિતા દેઉલકરનાં સૉલો ગીતો
લલિતા દેઉલકરે (૧૯૨૫-૨૦૧૦) હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ તો એક અભિનેત્રી તરીકે કર્યું હતું પણ તેમને યાદ વિન્ટેજ એરાનાં એક મહત્ત્વનાં પાર્શગાયિકા તરીકે જ કરવામાં આવે છે. તેમણે ૬૦ વધુ હિંદી ફિલ્મોનાં ગીતો ગાયાં છે.
મંદિર સુના સુના દીપ બિના નૈયા બિન પતવાર - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)


ગાઓ બધાઈ રી, સુહાગન આંગન આઈ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

મેરી નાવ પડી મઝધાર પાર કરો ન કરો - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

ભજન કે દિન દો ચાર રે જનમ મરણ તુ સુધાર લે - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

મેરા દીપક જુગ જુગ જલે, પ્રકાશ ફૈલાએ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

ચોર આ ગયે નગરીયા હમાર, નનદ જ઼રા જાગના - સાજન – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી

શારદા ગાંગુલીનાં સૉલો ગીતો
તુમ રાજા હો, તુમ રાજા હો, હરગિઝ કિસીસે ન ડરના - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

દયા કરો દયા કરો - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
[નોંધ આ ગીતનો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઉલ્લેખ નથી.]
મોહનતારાનાં સૉલો ગીતો
પ્રભુ અપની ઝલક દિખાઓ, મોહે અદ્‍ભૂત રૂપ દીખાઓ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

તુમ મેં ભી, હમમેં ભી તુમ તુમ નહી હમ હમ નહીં - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

મૈં પરબત ખડી પુકારૂં, બલમવા આ રે - વોહ ઝમાના – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

જીવન કા મોલ હુઆ અનમોલ, જય સ્વદેશ - વોહ ઝમાના – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર


નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.
 'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હવે પછીના અંકમાં પૂરી કરીશું.

Sunday, September 2, 2018

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૩]


સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે હાલમાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની ત્રિઅંકીય શૃંખલાની વાત કરી રહ્યાં છીએ. આપને યાદ હશે કે પહેલા મણકામાં આપણે સચિન દેવ બર્મને રચેલાં, તેમની કારકીર્દીનાં શરૂઆતનાં વર્ષો – ૧૯૪૬-૧૯૪૯-નાં અન્ય પુરુષ ગાયકોનાં ગીતો સાંભળ્યાં હતાં. તે પછી બીજા મણકામાં ૧૯૫૦-૧૯૫૫નાં વર્ષ દરમ્યાનમાં સચિન દેવ બર્મને રચેલાં ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતો આપણે સાંભળ્યાં હતાં. આ વર્ષો દરમ્યાન તેમની ઓળખ નિશ્ચિત સ્વરૂપે પ્રસ્થાપિત બનવા લાગી હતી.

૧૯૫૫-૧૯૫૯નાં વર્ષો દરમ્યાન સચિન દેવ બર્મને ‘અન્ય’ પુરુષ અવાજ નથી પ્રયોજ્યા જણાતા. આ વર્ષોમાં તેઓ હીરો માટે તલત મહમૂદ કે કિશોર કુમાર કે મોહમ્મદ રફીના સ્વરોનો મહદ અંશે ઉપયોગ કરતા હતા. આ સમયકાળમાં ૧૯૫૭થી ‘તીન દેવીયાં’ સુધી મુખ્ય પુરુષ પાત્ર માટે મહદ અંશે મોહમ્મદ રફી અને ક્વચિત હેમંત કુમાર કે મન્ના ડેના સ્વરને વાપર્યા. એ સમયમાં કોમેડી ગીતો માટે પણ તેઓ મોહમ્મદ રફી કે મન્ના ડેના સ્વરનો જ વધારે ઉપયોગ કરતા હતા. આ બધાં પરિબળોને કારણે આજના ત્રીજા ભાગમાં આપણી પાસે ૧૯૬૦થી ૧૯૭૪ સુધીનાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતો સાંભળીશું.
સચિન દેવ બર્મન – મહેન્દ્ર કપુર
બી આર ચોપરા બેનર અને રવિ, સી રામચંદ્ર જેવા અમુક સંગીતકારો કે ‘ઉપકાર’ બાદ મનોજ કુમાર જેવા મુખ્ય કળાકારો કે ઓ પી નય્યરનાં રફી સાથે બગડેલા સંબંધને કારણે બદલેલી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં ઝળકવાની તક મળી તેનો પૂરેપુરો લાભ લઈને મહેન્દ્ર કપુરે હિંદી ફિલ્મનાં પાર્શ્વગાયન ક્ષેત્રમાં પોતાનું નિશ્ચિત સ્થાન જરૂર બનાવ્યું છે. તેમ છતાં સચિન દેવ બર્મન, નૌશાદ, શંકર જયકિશન જેવા એ સમયના પ્રથમ હરોળના સંગીતકારો કે મુખ્ય ધારામાં પ્રવૃત્ત ફિલ્મ નિર્માણ ગૃહોની પહેલી પસંદ મહેન્દ્ર કપુર નહોતા બની શક્યા એ વાત પણ નકારી શકાય તેમ નથી.


પિયા…પિયા બિન નહીં…આવત ચૈન…મિલ ગયે મિલનેવાલે.. અબ ઘર મેં બૈઠે કાઝી, કહે દો જી કહે દો, હૈ મિયાં બીબી રાઝી – મિયાં બીબી રાઝી (૧૯૬૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

મહેમુદ અને સીમા સરાફ (જેમની વધારે ઓળખ સીમા દેવ તરીકે રહી છે; શ્રીકાંત ગૌરવ અને કામિની કદમ અને શેરી ગીત મુજબ ગીતનાં ચાલક બળ સમી ન ઓળખાયેલ ત્રીજી જોડી એમ ત્રણ પ્રેમી જોડીઓ પર ગીત ફિલ્માવાયું છે. એક અન્ય બ્લોગ પર શ્રી અરૂણ કુમાર મુખર્જી જણાવે છે કે શ્રીકાંત ગૌરવ એ સંગીતકાર શૈલેશ મુખર્જી જ છે, તેમની સંગીતબધ્ધ કરેલી ફિલ્મોમાં સુહાગ સિંદુર (૧૯૫૩), પરિચય (૧૯૫૪), સવેરા (૧૯૫૮) જેવી ફિલ્મોનાં ગીતો યુટ્યુબ પર સાંભળી શકાય છે.

મેરા ક્યા સનમ મેરી ખુશી હૈ તુમ્હારી, અરે હસતે હો જબ મુસ્કરાતી હું મૈં – તલાશ (૧૯૬૯) – આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મની વાર્તાને આ પ્રકારના મસાલાથી વધારે ભોગ્ય બનાવવા માટે મૂકાયેલ આ કેબ્રે નૃત્ય ગીતમાં, ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક – કથા લેખક અને પટકથા લેખક ઓ પી રાલ્હન પણ એક કેમીઓ કરવાની તક ઝડપી લે છે. આપણે પણ તે સાથે સીધો ૧૯૬૦થી ૧૯૬૯નાં વર્ષ જેટલો કુદકો મારી છીએ. વચ્ચે વીતી ગયેલાં વર્ષોમાં હવે મહેન્દ્ર કપુર એક સ્વીકૃત ગાયક તરીકે પોતાની બ્રાન્ડ વેલ્યુ બનાવી ચૂક્યા છે. એટલે, કહેવાય છે એ મુજબ, ગીતને વધારે ચલણી બનાવી શકવાની સંભાવના વધારવા માટે રાલ્હને પોતા માટે મહેન્દ્ર કપુરનો અવાજ લેવાનો આગ્રહ રાખેલો. ગીતમાં મહેન્દ્ર કપુરની હવે જાણીતી થઈ ચૂકેલી હરકતોભરી ગાયન શૈલીને પણ પૂરો અવકાશ આપાયો છે.

આડવાત: 
ફિલ્મના નાયક, રાજેન્દ્ર કુમાર, પર ફિલ્માવાયેલાં બે યુગલ ગીતો – પલકોં કે પીછે સે તુમને ક્યા કહ ડાલા અને આજકો જુન્લી રાત્મા માં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગમાં લીધો છે તે તો દિગ્દર્શકને અને ફિલ્મ ચાહકોને સ્વીકાર્ય જ હોય. પરંતુ બીજાં એક રાગ આસાવરી પરનાં નૂત્ય ગીત – તેરે નૈના તલાશ કરે – માટે મન્ના ડેના સ્વરનો ઉપયોગ સચિન દેવ બર્મને બધાંની ઉપરવટ જઈને કર્યો હતો.
સચિન દેવ બર્મન – એસ ડી બાતિશ 
એસ ડી (શંકર દયાલ) બાતિશ તાલીમ પામેલ શાસ્ત્રીય ગાયક હતા. ૧૯૩૫-૧૯૪૫નાં વર્ષોમાં તેમણે હિંદી ફિલ્મોમા સંગીત આપયું હતું. જરૂર પડ્યે તેઓ પાર્શ્વ ગાયન પણ કરતા હતા. સંગીત દિગ્દર્શનનું કામ મળતું ઓછું થયું પછી પણ શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો માટે યાદ કરવામાં આવતા. ૧૯૬૪માં તેઓ બ્રિટનમાં જઈને સ્થાયી થયા. ત્યાં પણ તેઓ બીબીસી પર નિયમિતપણે ગાયક અને સંગીતકાર તરીકે પ્રવૃત્ત રહેલા. સચિન દેવ બર્મને તેમના અવાજને સંગીત શીખવનાર ગુરૂની ભૂમિકામાં પ્રયોજ્યો છે.

પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ – મેરી સુરત તેરી આંખે (૧૯૬૩)- મન્ના ડે અને એક અજ્ઞાત સ્ત્રી સ્વર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

આ ગીતનું મન્ના ડેનું સૉલો વર્ઝન વધારે જાણીતું રહ્યું છે. પરંતુ પ્રસ્તુત ગીતમાં એસ ડી બાતિશ તેમની પિતા-ગુરુની ભૂમિકા બહુ સહજપણે નિભાવી રહ્યા છે.

મન મોહન મનમેં હો તુમ્હીં…મોરે અંગ અંગમેં તુમ હી સમાયે, જાનોના જાનો હો તુમ્હી – કૈસે કહું (૧૯૬૪)- મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: શકીલ બદાયુની

અર્ધશાસ્ત્રીય રચનાઓની જ્યારે પણ ગણતરી કરવામાં આવે ત્યારે આ ગીતની નોંધ ચૂક લેવાતી આવી છે.

સચિન દેવ બર્મન – ભુપિન્દર
ભુપિન્દર ગાયક તરીકે એટલા મશહુર થઈ ગયા કે તેમનું પહેલવહેલું ગીત હક઼ીક઼ત (૧૯૬૪)નુ હતું એઅ લગભગ બધાંને ખબર હશે. પરંતુ એ બહુ સારા ગિટારવાદક અને વાયોલિનવાદક પણ હતા તે કદાચ ઘણાને ખબર નહીં હોય. ગિટારવાદક તરીકે તેઓ આર ડી બર્મનનાં વાદ્યવૃંદના એક બહુ મહત્ત્વન સભ્ય હતા. તેમના આ સંબંધે એસ ડી બર્મનની ફિલ્મોમાં જેમ જેમ આર ડી બર્મનનું સહાયક તરીકે કામ વધતું ગયું ત્યારે તેમ ણે ભુપિન્દરને ‘અન્ય’ ગાયકનાં બે એક ગીતો ગાવાની તક અપાવી હશે !

હોઠોં પે ઐસી બાત દબા કે ચલી આઈ – જ્વેલ થીફ (૧૯૬૭) – મુખ્યત્વે લતા મંગેશકરનું ગીત ગણાય – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અહીં તો ભુપિન્દરની ભૂમિકા વાદ્યવૃંદનાં એક વાદ્ય જેટલી જ છે. તેમને ફાળે આવેલ આલાપને ફિલ્મમાં દેવ આનંદ દ્વારા અભિનિત કરાવી લેવાની યુક્તિ દિગ્દર્શક વિજય આનંદે કામે લગાડી દીધી છે..

યારોં નિલામ કરો સુસ્તી, હમસે ઉધાર લે લો મસ્તી – પ્રેમ પુજારી (૧૯૭૦) – કિશોર કુમાર સાથે – ગીતકાર: નીરજ

હિંદી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારનાં વાહનો પર ગીત ગવાયાં હોય એવાં ગીતોનો એક અલગ પ્રકાર જ રહ્યો છે. તેમાં પણ જીપ પર ગીત ગવાયું હોય તે વળી એક ખાસ જૂદો વર્ગ ગણાય છે. ભુપિન્દરે ગાયેલ પંક્તિઓને પરદા પર અનુપ કુમારે જીવંત કરી હતી.

સચિન દેવ બર્મન અને ડેની ડેન્ઝૉન્ગ્પા
ડેની ડેન્ઝોન્ગપા (મૂળ નામ ત્શેરીંગ ફિંન્ટ્સો ડેન્ઝોન્ગપા) ખલનાયકની ભૂમિકાઓમાં વધારે જાણીતા થયા તેની પાછળ તેમની અભિનયક્ષમતાની બીજી ખૂબીઓ ઢંકાઈ ગઈ તેજ રીતે તેઓ એક બહુ સારા લેખક, ચિત્રકાર, શિલ્પકાર અને ગાયક હતા એ વાત તેમની અભિનયકળાની પ્રસિધ્ધિ પાછળ ઢંકાઈ ગઈ છે.

મેરા નામ યાઓ, મેરે પાસ આઓ – યે ગુલિસ્તાં હમારા (૧૯૭૨) – લતા મંગેશકર સાથે – ગીતકાર: આનંદ બક્ષી

ફિલ્મની પૃષ્ઠભૂમિ હિમાલયની પહાડીઓ છે તેને ધ્યાનમાં લઇને એસ ડી બર્મને જ્હોની વૉકર માટે ડેનીના સ્વરની પસંદગી કરી છે. આ નવીન પ્રયોગને કારણે આ ગીત એ દિવસોમાં ઠીક ઠીક લોકપ્રિય થયું હતું અને બિનાકા ગીતમાલામાં ૧૪મા ક્રમાકે પહોંચી ગયેલ.

સચિન દેવ બર્મન અને મનહર
મનહર ઉધાસ શિક્ષણથી એન્જિનિયરીંગમાં કારકીર્દીમાં આગળ વધવા જોઈતા હતા, પણ તેમનો જીવ મૂળે તો સંગીતપ્રેમી હતો. સંજોગવશાત હિંદી ફિલ્મોમાં ગાવાની તક જરૂર મળી, પણ ગાયક તરીકે તેમની પ્રસિધ્ધિ અને લોકચાહના તેમની ધગશ અને મહેનતનું ફળ છે.

લૂટે કોઈ મનકા નગર બન કે મેરા સાથી – અભિમાન (૧૯૭૩) – લતા મંગેશકર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મમાં એસ ડી બર્મને નાયક અમિતાભ બચ્ચન માટે કિશોર કુમાર અને મોહમ્મદ રફીની પાર્શ્વગાય્કો તરીકે પસંદગી કરીને એ પાત્રમાં અનેકવિધ ગાયનક્ષમતા છે તેવું બતાડવા કોશીશ કરી છે. પણ નાયક પોતાની પત્નીની સરખામણીમાં તો ગાયક તરીકે થોડો પાછળ જણાય છે એવું બતાડવાનું આવ્યું ત્યારે તેમની પસંદગી મનહર ઉધાસ પર ઉતરી હશે! આમ સચિન દેવ બર્મનનો સંગાથ પણ ભલે સંજોગવશાત થયો, પણ એક બહુ કર્ણપ્રિય ગીતના ગાયક તરીકે મનહરનું નામ પણ દસ્તાવેજિત થઈ જ ગયું.


સચિન દેવ બર્મન – સુનીલ કુમાર, આર એસ બેદી
સુનીલ કુમાર વિષેઓ કંઈ માહિતી નથી મળી શકી. આર એસ બેદી પણ ફિલ્મના દિગ્દદર્શક અને એક સિધ્ધહસ્ત લેખક અને પટકથા લેખક રાજિન્દર સિંધ બેદી હોઈ શકે એમ (ભલે અકારણ) માનીએ.

લાલી મેરે લાલ કી જિત દેખું તિત લાલ, ફિર રાત હૈ એક બાતકી – ફાગુન (૧૯૭૩) – કિશોર કુમાર , પંકજ મિત્ર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતનું કેન્દ્ર તો શાસ્ત્રીય ગાયન શૈલીની પૅરડી કરવાની કિશોર કુમારની આગવી શૈલી જ છે.

સચિન દેવ બર્મન – પંકજ મિત્ર
અનિલ બિશ્વાસે સંગીતબધ્ધ કરેલ ‘સૌતેલા ભાઈ'(૧૯૬૨)માં આ પહેલાં પંકજ મિત્રના નામે એક ત્રિપુટી ગીત અને એક યુગલ ગીત બોલે છે. પછીથી પણ તેમણે ગૃહ પ્રવેશ (૧૯૭૯) કે ‘અબ આયેગા મઝા (૧૯૮૪)જેવી કેટલીક ફિલ્મોમાં છૂટાં છવાયાં ગીત ગાયાં છે. જોકે બંગાળી ફિલ્મોમાં તેઓ ખાસા માન્યતાપ્રાપ્ત પાર્શ્વગાયક તરીકે જાણીતા છે.

સાલા મૈં તો સાહબ બન ગયા – સગીના (૧૯૭૪) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતમાં પરદા પર ઓમ પ્રકાશ માટે પાર્શ્વગાયનમાં પંકજ મિત્રનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. ગીત બહુ ‘લાઉડ’ જણાય છે. જોકે ૧૯૭૦માં ‘ગોપી’ માટે પણ લગભગ આવી જ સીચ્યુએશનનું આટલું જ લાઉડ ગીત દિલીપ કુમારે ભજવ્યું હતું.

સચિન દેવ બર્મન – દિલીપ કુમાર
સચિન દેવ બર્મને તેમની અને રાજ કપૂરની કારકીર્દીની શરૂઆતમાં રાજ કપૂર માટે ગીત રચ્યા હતાં અને હવે પોતાની અને દિલીપ કુમારની કારકીર્દીના અંતમાં દિલીપ કુમારના સ્વરને ગીતમાં વણી લીધો છે. દિલીપ કુમારે આ પહેલાં મુસાફિર (૧૯૫૭)માં સલિલ ચૌધરીનાં સંગીત નિદર્શનમાં લતા મંગેશકર સાથે ધોરણસરનું યુગલ ગીત, લાગી નહીં છૂટે રામા, જરૂર ગાયું હતું.

ઉપરવાલા દુખિયોંકી નહીં સુનતા રે – સગીના (૧૯૭૪) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પ્રસ્તુત ગીતમાં દિલીપ કુમાર પાસે એસ ડી બર્મને કેટલીક પંક્તિઓ જ બોલાવી છે, મૂળ ગીત તો કિશોર કુમારના સ્વરમાં જ ગવાયું છે.

સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલાં ‘અન્ય’ પુરુષ ગાયકોમાટેનાં ગીતોની યાદીમાં જ્હોની વૉકર અને આર ડી બર્મન જેવાં નામો પણ ચડેલાં જોવા મળે છે. આ પ્રકારનાં ગીતોમાં પણ ક્યાંતો જ્હોની વૉકરે એકાદ પંક્તિ ગાઈ હોય કે આર ડી બર્મને વાદ્યસંગીત સાથે કોઈ આલાપ લલકાર્યો હોય એવું બન્યું હશે એવી શક્યતાઓ જણાય છે.

આ સાથે સચિન દેવ બર્મને રચેલ ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતોની ત્રણ મણકાની શૃંખલા પૂરી થઈ છે. આ શ્રેણીના ત્રણેય ભાગ એક સાથે, સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો, પર ક્લિક કરવાથી વાંચી શકાશે.
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મનનાં પુરુષ ગાયકોની આપણી દીર્ઘ શ્રેણીના છેલ્લા અંકમાં આપણે તેમણે પોતાનાં સંગીતમાં ગાયેલાં ગીતો સાંભળીશું.