Sunday, September 2, 2018

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૩]


સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે હાલમાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની ત્રિઅંકીય શૃંખલાની વાત કરી રહ્યાં છીએ. આપને યાદ હશે કે પહેલા મણકામાં આપણે સચિન દેવ બર્મને રચેલાં, તેમની કારકીર્દીનાં શરૂઆતનાં વર્ષો – ૧૯૪૬-૧૯૪૯-નાં અન્ય પુરુષ ગાયકોનાં ગીતો સાંભળ્યાં હતાં. તે પછી બીજા મણકામાં ૧૯૫૦-૧૯૫૫નાં વર્ષ દરમ્યાનમાં સચિન દેવ બર્મને રચેલાં ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતો આપણે સાંભળ્યાં હતાં. આ વર્ષો દરમ્યાન તેમની ઓળખ નિશ્ચિત સ્વરૂપે પ્રસ્થાપિત બનવા લાગી હતી.

૧૯૫૫-૧૯૫૯નાં વર્ષો દરમ્યાન સચિન દેવ બર્મને ‘અન્ય’ પુરુષ અવાજ નથી પ્રયોજ્યા જણાતા. આ વર્ષોમાં તેઓ હીરો માટે તલત મહમૂદ કે કિશોર કુમાર કે મોહમ્મદ રફીના સ્વરોનો મહદ અંશે ઉપયોગ કરતા હતા. આ સમયકાળમાં ૧૯૫૭થી ‘તીન દેવીયાં’ સુધી મુખ્ય પુરુષ પાત્ર માટે મહદ અંશે મોહમ્મદ રફી અને ક્વચિત હેમંત કુમાર કે મન્ના ડેના સ્વરને વાપર્યા. એ સમયમાં કોમેડી ગીતો માટે પણ તેઓ મોહમ્મદ રફી કે મન્ના ડેના સ્વરનો જ વધારે ઉપયોગ કરતા હતા. આ બધાં પરિબળોને કારણે આજના ત્રીજા ભાગમાં આપણી પાસે ૧૯૬૦થી ૧૯૭૪ સુધીનાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતો સાંભળીશું.
સચિન દેવ બર્મન – મહેન્દ્ર કપુર
બી આર ચોપરા બેનર અને રવિ, સી રામચંદ્ર જેવા અમુક સંગીતકારો કે ‘ઉપકાર’ બાદ મનોજ કુમાર જેવા મુખ્ય કળાકારો કે ઓ પી નય્યરનાં રફી સાથે બગડેલા સંબંધને કારણે બદલેલી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં ઝળકવાની તક મળી તેનો પૂરેપુરો લાભ લઈને મહેન્દ્ર કપુરે હિંદી ફિલ્મનાં પાર્શ્વગાયન ક્ષેત્રમાં પોતાનું નિશ્ચિત સ્થાન જરૂર બનાવ્યું છે. તેમ છતાં સચિન દેવ બર્મન, નૌશાદ, શંકર જયકિશન જેવા એ સમયના પ્રથમ હરોળના સંગીતકારો કે મુખ્ય ધારામાં પ્રવૃત્ત ફિલ્મ નિર્માણ ગૃહોની પહેલી પસંદ મહેન્દ્ર કપુર નહોતા બની શક્યા એ વાત પણ નકારી શકાય તેમ નથી.


પિયા…પિયા બિન નહીં…આવત ચૈન…મિલ ગયે મિલનેવાલે.. અબ ઘર મેં બૈઠે કાઝી, કહે દો જી કહે દો, હૈ મિયાં બીબી રાઝી – મિયાં બીબી રાઝી (૧૯૬૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

મહેમુદ અને સીમા સરાફ (જેમની વધારે ઓળખ સીમા દેવ તરીકે રહી છે; શ્રીકાંત ગૌરવ અને કામિની કદમ અને શેરી ગીત મુજબ ગીતનાં ચાલક બળ સમી ન ઓળખાયેલ ત્રીજી જોડી એમ ત્રણ પ્રેમી જોડીઓ પર ગીત ફિલ્માવાયું છે. એક અન્ય બ્લોગ પર શ્રી અરૂણ કુમાર મુખર્જી જણાવે છે કે શ્રીકાંત ગૌરવ એ સંગીતકાર શૈલેશ મુખર્જી જ છે, તેમની સંગીતબધ્ધ કરેલી ફિલ્મોમાં સુહાગ સિંદુર (૧૯૫૩), પરિચય (૧૯૫૪), સવેરા (૧૯૫૮) જેવી ફિલ્મોનાં ગીતો યુટ્યુબ પર સાંભળી શકાય છે.

મેરા ક્યા સનમ મેરી ખુશી હૈ તુમ્હારી, અરે હસતે હો જબ મુસ્કરાતી હું મૈં – તલાશ (૧૯૬૯) – આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મની વાર્તાને આ પ્રકારના મસાલાથી વધારે ભોગ્ય બનાવવા માટે મૂકાયેલ આ કેબ્રે નૃત્ય ગીતમાં, ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક – કથા લેખક અને પટકથા લેખક ઓ પી રાલ્હન પણ એક કેમીઓ કરવાની તક ઝડપી લે છે. આપણે પણ તે સાથે સીધો ૧૯૬૦થી ૧૯૬૯નાં વર્ષ જેટલો કુદકો મારી છીએ. વચ્ચે વીતી ગયેલાં વર્ષોમાં હવે મહેન્દ્ર કપુર એક સ્વીકૃત ગાયક તરીકે પોતાની બ્રાન્ડ વેલ્યુ બનાવી ચૂક્યા છે. એટલે, કહેવાય છે એ મુજબ, ગીતને વધારે ચલણી બનાવી શકવાની સંભાવના વધારવા માટે રાલ્હને પોતા માટે મહેન્દ્ર કપુરનો અવાજ લેવાનો આગ્રહ રાખેલો. ગીતમાં મહેન્દ્ર કપુરની હવે જાણીતી થઈ ચૂકેલી હરકતોભરી ગાયન શૈલીને પણ પૂરો અવકાશ આપાયો છે.

આડવાત: 
ફિલ્મના નાયક, રાજેન્દ્ર કુમાર, પર ફિલ્માવાયેલાં બે યુગલ ગીતો – પલકોં કે પીછે સે તુમને ક્યા કહ ડાલા અને આજકો જુન્લી રાત્મા માં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગમાં લીધો છે તે તો દિગ્દર્શકને અને ફિલ્મ ચાહકોને સ્વીકાર્ય જ હોય. પરંતુ બીજાં એક રાગ આસાવરી પરનાં નૂત્ય ગીત – તેરે નૈના તલાશ કરે – માટે મન્ના ડેના સ્વરનો ઉપયોગ સચિન દેવ બર્મને બધાંની ઉપરવટ જઈને કર્યો હતો.
સચિન દેવ બર્મન – એસ ડી બાતિશ 
એસ ડી (શંકર દયાલ) બાતિશ તાલીમ પામેલ શાસ્ત્રીય ગાયક હતા. ૧૯૩૫-૧૯૪૫નાં વર્ષોમાં તેમણે હિંદી ફિલ્મોમા સંગીત આપયું હતું. જરૂર પડ્યે તેઓ પાર્શ્વ ગાયન પણ કરતા હતા. સંગીત દિગ્દર્શનનું કામ મળતું ઓછું થયું પછી પણ શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો માટે યાદ કરવામાં આવતા. ૧૯૬૪માં તેઓ બ્રિટનમાં જઈને સ્થાયી થયા. ત્યાં પણ તેઓ બીબીસી પર નિયમિતપણે ગાયક અને સંગીતકાર તરીકે પ્રવૃત્ત રહેલા. સચિન દેવ બર્મને તેમના અવાજને સંગીત શીખવનાર ગુરૂની ભૂમિકામાં પ્રયોજ્યો છે.

પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ – મેરી સુરત તેરી આંખે (૧૯૬૩)- મન્ના ડે અને એક અજ્ઞાત સ્ત્રી સ્વર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

આ ગીતનું મન્ના ડેનું સૉલો વર્ઝન વધારે જાણીતું રહ્યું છે. પરંતુ પ્રસ્તુત ગીતમાં એસ ડી બાતિશ તેમની પિતા-ગુરુની ભૂમિકા બહુ સહજપણે નિભાવી રહ્યા છે.

મન મોહન મનમેં હો તુમ્હીં…મોરે અંગ અંગમેં તુમ હી સમાયે, જાનોના જાનો હો તુમ્હી – કૈસે કહું (૧૯૬૪)- મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: શકીલ બદાયુની

અર્ધશાસ્ત્રીય રચનાઓની જ્યારે પણ ગણતરી કરવામાં આવે ત્યારે આ ગીતની નોંધ ચૂક લેવાતી આવી છે.

સચિન દેવ બર્મન – ભુપિન્દર
ભુપિન્દર ગાયક તરીકે એટલા મશહુર થઈ ગયા કે તેમનું પહેલવહેલું ગીત હક઼ીક઼ત (૧૯૬૪)નુ હતું એઅ લગભગ બધાંને ખબર હશે. પરંતુ એ બહુ સારા ગિટારવાદક અને વાયોલિનવાદક પણ હતા તે કદાચ ઘણાને ખબર નહીં હોય. ગિટારવાદક તરીકે તેઓ આર ડી બર્મનનાં વાદ્યવૃંદના એક બહુ મહત્ત્વન સભ્ય હતા. તેમના આ સંબંધે એસ ડી બર્મનની ફિલ્મોમાં જેમ જેમ આર ડી બર્મનનું સહાયક તરીકે કામ વધતું ગયું ત્યારે તેમ ણે ભુપિન્દરને ‘અન્ય’ ગાયકનાં બે એક ગીતો ગાવાની તક અપાવી હશે !

હોઠોં પે ઐસી બાત દબા કે ચલી આઈ – જ્વેલ થીફ (૧૯૬૭) – મુખ્યત્વે લતા મંગેશકરનું ગીત ગણાય – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અહીં તો ભુપિન્દરની ભૂમિકા વાદ્યવૃંદનાં એક વાદ્ય જેટલી જ છે. તેમને ફાળે આવેલ આલાપને ફિલ્મમાં દેવ આનંદ દ્વારા અભિનિત કરાવી લેવાની યુક્તિ દિગ્દર્શક વિજય આનંદે કામે લગાડી દીધી છે..

યારોં નિલામ કરો સુસ્તી, હમસે ઉધાર લે લો મસ્તી – પ્રેમ પુજારી (૧૯૭૦) – કિશોર કુમાર સાથે – ગીતકાર: નીરજ

હિંદી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારનાં વાહનો પર ગીત ગવાયાં હોય એવાં ગીતોનો એક અલગ પ્રકાર જ રહ્યો છે. તેમાં પણ જીપ પર ગીત ગવાયું હોય તે વળી એક ખાસ જૂદો વર્ગ ગણાય છે. ભુપિન્દરે ગાયેલ પંક્તિઓને પરદા પર અનુપ કુમારે જીવંત કરી હતી.

સચિન દેવ બર્મન અને ડેની ડેન્ઝૉન્ગ્પા
ડેની ડેન્ઝોન્ગપા (મૂળ નામ ત્શેરીંગ ફિંન્ટ્સો ડેન્ઝોન્ગપા) ખલનાયકની ભૂમિકાઓમાં વધારે જાણીતા થયા તેની પાછળ તેમની અભિનયક્ષમતાની બીજી ખૂબીઓ ઢંકાઈ ગઈ તેજ રીતે તેઓ એક બહુ સારા લેખક, ચિત્રકાર, શિલ્પકાર અને ગાયક હતા એ વાત તેમની અભિનયકળાની પ્રસિધ્ધિ પાછળ ઢંકાઈ ગઈ છે.

મેરા નામ યાઓ, મેરે પાસ આઓ – યે ગુલિસ્તાં હમારા (૧૯૭૨) – લતા મંગેશકર સાથે – ગીતકાર: આનંદ બક્ષી

ફિલ્મની પૃષ્ઠભૂમિ હિમાલયની પહાડીઓ છે તેને ધ્યાનમાં લઇને એસ ડી બર્મને જ્હોની વૉકર માટે ડેનીના સ્વરની પસંદગી કરી છે. આ નવીન પ્રયોગને કારણે આ ગીત એ દિવસોમાં ઠીક ઠીક લોકપ્રિય થયું હતું અને બિનાકા ગીતમાલામાં ૧૪મા ક્રમાકે પહોંચી ગયેલ.

સચિન દેવ બર્મન અને મનહર
મનહર ઉધાસ શિક્ષણથી એન્જિનિયરીંગમાં કારકીર્દીમાં આગળ વધવા જોઈતા હતા, પણ તેમનો જીવ મૂળે તો સંગીતપ્રેમી હતો. સંજોગવશાત હિંદી ફિલ્મોમાં ગાવાની તક જરૂર મળી, પણ ગાયક તરીકે તેમની પ્રસિધ્ધિ અને લોકચાહના તેમની ધગશ અને મહેનતનું ફળ છે.

લૂટે કોઈ મનકા નગર બન કે મેરા સાથી – અભિમાન (૧૯૭૩) – લતા મંગેશકર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મમાં એસ ડી બર્મને નાયક અમિતાભ બચ્ચન માટે કિશોર કુમાર અને મોહમ્મદ રફીની પાર્શ્વગાય્કો તરીકે પસંદગી કરીને એ પાત્રમાં અનેકવિધ ગાયનક્ષમતા છે તેવું બતાડવા કોશીશ કરી છે. પણ નાયક પોતાની પત્નીની સરખામણીમાં તો ગાયક તરીકે થોડો પાછળ જણાય છે એવું બતાડવાનું આવ્યું ત્યારે તેમની પસંદગી મનહર ઉધાસ પર ઉતરી હશે! આમ સચિન દેવ બર્મનનો સંગાથ પણ ભલે સંજોગવશાત થયો, પણ એક બહુ કર્ણપ્રિય ગીતના ગાયક તરીકે મનહરનું નામ પણ દસ્તાવેજિત થઈ જ ગયું.


સચિન દેવ બર્મન – સુનીલ કુમાર, આર એસ બેદી
સુનીલ કુમાર વિષેઓ કંઈ માહિતી નથી મળી શકી. આર એસ બેદી પણ ફિલ્મના દિગ્દદર્શક અને એક સિધ્ધહસ્ત લેખક અને પટકથા લેખક રાજિન્દર સિંધ બેદી હોઈ શકે એમ (ભલે અકારણ) માનીએ.

લાલી મેરે લાલ કી જિત દેખું તિત લાલ, ફિર રાત હૈ એક બાતકી – ફાગુન (૧૯૭૩) – કિશોર કુમાર , પંકજ મિત્ર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતનું કેન્દ્ર તો શાસ્ત્રીય ગાયન શૈલીની પૅરડી કરવાની કિશોર કુમારની આગવી શૈલી જ છે.

સચિન દેવ બર્મન – પંકજ મિત્ર
અનિલ બિશ્વાસે સંગીતબધ્ધ કરેલ ‘સૌતેલા ભાઈ'(૧૯૬૨)માં આ પહેલાં પંકજ મિત્રના નામે એક ત્રિપુટી ગીત અને એક યુગલ ગીત બોલે છે. પછીથી પણ તેમણે ગૃહ પ્રવેશ (૧૯૭૯) કે ‘અબ આયેગા મઝા (૧૯૮૪)જેવી કેટલીક ફિલ્મોમાં છૂટાં છવાયાં ગીત ગાયાં છે. જોકે બંગાળી ફિલ્મોમાં તેઓ ખાસા માન્યતાપ્રાપ્ત પાર્શ્વગાયક તરીકે જાણીતા છે.

સાલા મૈં તો સાહબ બન ગયા – સગીના (૧૯૭૪) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતમાં પરદા પર ઓમ પ્રકાશ માટે પાર્શ્વગાયનમાં પંકજ મિત્રનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. ગીત બહુ ‘લાઉડ’ જણાય છે. જોકે ૧૯૭૦માં ‘ગોપી’ માટે પણ લગભગ આવી જ સીચ્યુએશનનું આટલું જ લાઉડ ગીત દિલીપ કુમારે ભજવ્યું હતું.

સચિન દેવ બર્મન – દિલીપ કુમાર
સચિન દેવ બર્મને તેમની અને રાજ કપૂરની કારકીર્દીની શરૂઆતમાં રાજ કપૂર માટે ગીત રચ્યા હતાં અને હવે પોતાની અને દિલીપ કુમારની કારકીર્દીના અંતમાં દિલીપ કુમારના સ્વરને ગીતમાં વણી લીધો છે. દિલીપ કુમારે આ પહેલાં મુસાફિર (૧૯૫૭)માં સલિલ ચૌધરીનાં સંગીત નિદર્શનમાં લતા મંગેશકર સાથે ધોરણસરનું યુગલ ગીત, લાગી નહીં છૂટે રામા, જરૂર ગાયું હતું.

ઉપરવાલા દુખિયોંકી નહીં સુનતા રે – સગીના (૧૯૭૪) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પ્રસ્તુત ગીતમાં દિલીપ કુમાર પાસે એસ ડી બર્મને કેટલીક પંક્તિઓ જ બોલાવી છે, મૂળ ગીત તો કિશોર કુમારના સ્વરમાં જ ગવાયું છે.

સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલાં ‘અન્ય’ પુરુષ ગાયકોમાટેનાં ગીતોની યાદીમાં જ્હોની વૉકર અને આર ડી બર્મન જેવાં નામો પણ ચડેલાં જોવા મળે છે. આ પ્રકારનાં ગીતોમાં પણ ક્યાંતો જ્હોની વૉકરે એકાદ પંક્તિ ગાઈ હોય કે આર ડી બર્મને વાદ્યસંગીત સાથે કોઈ આલાપ લલકાર્યો હોય એવું બન્યું હશે એવી શક્યતાઓ જણાય છે.

આ સાથે સચિન દેવ બર્મને રચેલ ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતોની ત્રણ મણકાની શૃંખલા પૂરી થઈ છે. આ શ્રેણીના ત્રણેય ભાગ એક સાથે, સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો, પર ક્લિક કરવાથી વાંચી શકાશે.
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મનનાં પુરુષ ગાયકોની આપણી દીર્ઘ શ્રેણીના છેલ્લા અંકમાં આપણે તેમણે પોતાનાં સંગીતમાં ગાયેલાં ગીતો સાંભળીશું.

No comments: