Sunday, June 24, 2018

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]


સચિન દેવ બર્મનનાં 'અન્ય' પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની આ ત્રિઅંકીય શૃંખલાના પહેલા મણકામાં આપણે તેમની કારકીર્દીની ૧૯૪૬માં થયેલી શરૂઆતથી ૧૯૪૯ સુધીના ગીતો સાંભળ્યા. એ ગીતોની એક ખાસ બાબત એ હતી કે મોટા ભાગનાં ગીતો પરદા પર અને પરદા પાછળ એ જ ગાયકે ગાયાં હતાં. તે સિવાયનાં ગીતોમાં પાર્શ્વગાયકની પસંદગીમાં તે સમયનું માન્ય ધોરણ અપનાવાયેલું જોવા મળવા ને બદલે સચિન દેવ બર્મનને જે કંઇ પ્રતિભા ઉપલબ્ધ હશે તેનો ઉપયોગ કરવાથી કામ લેવું પડ્યું હોય એવું તારણ પણ નીકળી શકે.
આજના આ બીજા મણકામાં આપણે સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલ ૧૯૫૦થી ૧૯૫૫ સુધીની ફિલ્મોમાં તેમણે રચેલાં 'અન્ય' પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોને સાંભળીશું.
આ સમયગાળાની શરૂઆત 'મશાલ' અને 'અફસર'થી થાય છે, જે ફિલ્મોએ '૫૦-'૬૦ના દાયકા પ્રથમ પંક્તિના સંગીતકારમાં તેમનું નામ સુદૃઢ કરવામાં પાયાની ઈંટોની ભૂમિકા ભજવી. એક વાર તેમનું સ્થાન નિશ્ચિત થઈ ગયા પછીથી હવેની તેમની સમગ્ર કારકીર્દી દરમ્યાન સચિન દેવ બર્મન પુરુષ સ્વરનાં મુખ્ય સૉલો કે યુગલ ગીતોમાં મોહમ્મદ રફી, કિશોર કુમાર કે પછી તલત મહમૂદ, હેમંત કુમાર, મન્ના ડે કે મૂકેશ જેવા પ્રસ્થાપિત ગાયકોનો જ વધારે ઉપયોગ કરતા જોવા મળે છે. પરિણામે, તેઓએ 'અન્ય' પુરુષ ગાયકોને ગીતની સીયુએશનની જરૂરિયાત અનુસાર, પોતાની પસંદથી, ઉપયોગમાં લીધા હોય એમ જરૂરથી પૂર્વધારણા કરી શકાય.
સચિન દેવ બર્મન - અરૂણ કુમાર મુખર્જી 
'મશાલ' (૧૯૫૦)નાં 'ઉપર ગગન વિશાલ' ગીતે સચિન દેવ બર્મનની કારકીર્દીમાં નવો પ્રાણ ફૂંક્યો હોવાનું મનાય છે. કહેવાય છે કે ૧૯૪૬માં મુંબઈ આવ્યા પછીના અનુભવોને કારણે સચિન દેવ બર્મન એટલા હતોત્સાહ થઈ ગયા હતા કે 'મશાલ'ને અધવચ્ચે છોડીને તેઓ કલકત્તા જવા માટે બેગબિસ્તરા બાંધી ચૂક્યા હતા. 'મશાલ'ના નિર્માતા અશોક કુમાર, સહયોગી સંગીતકાર મન્ના ડે જેવા મિત્રોની સમજાવટને કારણે સચિન દેવ બર્મન રોકાઈ ગયા. બસ, અને પછી આ એક સફળતાએ જે કંઈ રચ્યું તે ઈતિહાસથી આપણે બહુ સારી રીતે વિદીત છીએ.
જબ હમ થે તુમ્હારે ઔર હમ થે તુમ્હારે...વો થોડે સે દિન થે કિતને પ્યારે - મશાલ (૧૯૫૦) – ગીતકાર: પ્રદીપ
અરૂણ કુમાર મુખર્જી અશોક કુમારના પિત્રાઈ થાય. એ સંબંધે તેમને ફિલ્મમાં અશોક કુમાર માટે પાર્શ્વ ગાયનની તક મળી હશે ! જો કે ગીતના ભાવની રજૂઆત કરવામાં તેઓ ઉણા પડતા નથી જણાતા.

મોહે લગા સોલવા સાલ, હાયે મૈં તો મર ગયી - મશાલ (૧૯૫૦) - શમશાદ બેગમ સાથે – ગીતકાર: પ્રદીપ
ગીત મુખ્યત્ત્વે  તો કકુનું નૃત્ય ગીત જ છે. એટલે ગીતનો મહદ અંશ તો શમશાદ બેગમને ફાળે  જ રહે એ સ્વાભાવિક છે . અરૂણ કુમારને ફાળે અમુક જ પંક્તો જ ગાવાનું આવ્યું છે. શમશાદ બેગમ તો આવાં મસ્તી ભર્યાં ગીતો બહુ સરળતાથી ગાઈ શકતાં રહ્યાં છે, પણ અરૂણ કુમાર મુખર્જીની સાથે સાથે પ્રદીપજી માટે પણ આ પ્રકારનાં ગીત નવો જ અનુભવ રહ્યો હશે. 

સચિન દેવ બર્મન - મન મોહન કૃષ્ણ
૧૯૫૦ની બીજી ફિલ્મ 'અફસર' દેવ આનંદના નિર્માણ ગૃહ નવકેતન ફિલ્મ્સની પહેલવહેલી ફિલ્મ છે. ટિકિટ બારી પર ફિલ્મને બહુ સફળતા નહોતી મળી પણ ફિલ્મમાં સુરૈયાના સ્વરમાં ગવાયેલ સૉલો ગીતો ખુબ યાદગાર બન્યાં. સચિન દેવ બર્મનના નવકેતન ફિલ્મ્સ માટે રચાયેલાં અનેક ગીતો આજે પણ હિંદી ફિલ્મ સંગીતના રસીકોના હોઠ પર રમતાં આવ્યાં છે.
જટ ખોલ દે દીવાડ પટ ખોલ દે...બધાઈ દેને કો આયે હૈ તેરે દ્વાર - અફસર (૧૯૫૦) – ગીતકાર: વિશ્વામિત્ર આદીલ
સાધુ કે ઘર છોકરીયાં દો, ઈક પતલી ઈક ભારી - અફસર (૧૯૫૦) – ગીતકાર: વિશ્વામિત્ર આદીલ
મન મોહન કૃષ્ણને આપણે તેમની ગંભીર ચરિત્ર ભૂમિકાઓ અને તેને કારણે તેમણે પરદા પર ગાયેલાં કેટલાક યાદગાર ગીતો દ્વારા વધારે યાદ કરીએ છીએ. જો કે તેમના કૉલેજકાળમાં તેઓ ગાયન હરીફાઈઓમાં જરૂર તેમનો સ્વર જમાવી લેતા હોવાનું નોંધાયેલ છે. સચિન દેવ બર્મને અહીં પ્રસ્તુત કરેલ બન્ને ગીતો તો એકદમ હળવા મૂડનાં ગીતો છે.
[આ બન્ને ગીતો અહીં રજૂ કરેલ એક જ વિડીયો ક્લિપમાં સમાવી લેવાયાં છે.] 

સચિન દેવ બર્મન - હૃદયનાથ મંગેશકર 
હૃદયનાથ મંગેશકરે ગાયનને બદલે સંગીત નિદર્શન પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હશે, એટલે તેમની કારકીર્દીની એકદમ શરૂઆતનાં ૧૯૫૨-૫૩નાં વર્ષોમાં રેકોર્ડ થયેલાં તેમનાં ગીતોની પાછળ પાછળ ૧૯૫૫માં તેમણે સંગીતબધ્ધ કરેલી પહેલવહેલી મરાઠી ફિલ્મ 'આકાશ ગંગા' રજૂ થઈ હતી.
લહરોંકે સાથ નૈયા મોરી ખેલે - બાબલા (૧૯૫૩) - ગીતકાર સાહિર લુધ્યાનવી
આ ગીત રેકોર્ડ થયું હશે ત્યારે હૃદયનાથ મંગેશકર પંદરેક વર્ષના હશે. તેમના અવાજમાંથી બાળપણની નરમાશ ગઈ નથી અને યુવાનીની પૌરૂષમય જાડાઈ આવી નથી. ગીતને સાંભળીશું તો તેમાં વરસાદના દિવસોમાં આંગણાં અને શેરીઓમાં વહી નીકળતાં વહેણોમાં કાગળની નાવને તરાવવાના આનંદની વાત વણી લેવામાંઆવે છે. એટલે ફિલ્મમાં આ ગીત કિશોર વયના કલાકારે પરદા પર ગાયું હશે તેમ માની શકાય. એવા કલાકારને અનુરૂપ રહે તેવા સ્વાભાવિક અવાજ માટે ગીત હૃદયનાથ મંગેશકરને ફાળે આવ્યું હોવું જોઈએ.

સચિન દેવ બર્મન અને જગમોહન બક્ષી 
જગમોહન બક્ષી (અને તેમના સંગીતકાર ભાગીદાર, સપન સેનગુપ્તા) એ તેમની કારકીર્દી સલીલ ચૌધરીનાં બોમ્બે યુથ કૉયરમાં કોરસ ગાયક તરીકે કરી હતી, પણ નિયતિ એ બન્નેને સંગીત નિદર્શનનાં ક્ષેત્રમાં ઘસડી ગઈ. તેમણે ૪૨ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાંથી ફિર વો ભુલી સી યાદ આયી હૈ (બેગાના, ૧૯૬૩), ખો દિયે હૈ સનમ કિતને જનમ તેરી તલાશ મેં (તેરી તલાશ મેં, ૧૯૬૮; કે મૈં તો હર મોડ પે તુઝકો દુંગા સદા (ચેતના, ૧૯૭૦) જેવાં તેમણે રચેલાં ગીતો બહુ સંગીત ચાહકોને યાદ છે પણ તેમણે ગાયેલાં ગીતોની વાત આવે તો એ જગમોહન બક્ષી ગુમનામ વ્યક્તિત્ત્વ બનીને રહી જાય છે.
દેખો માને નહી રૂઠી હુઈ હસીના ક્યા બાત હૈ - ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪) - આશા ભોસલે સાથે - ગીતકાર સાહિર લુધ્યાનવી
'ટેક્ષી ડ્રાઈવર'માં સચિન દેવ બર્મને દેવ આનંદ માટે તલત મહમૂદ અને કિશોર કુમારના સ્વર તો પ્રયોજ્યા હતા. તે ઉપરાંત આ નવા સવા ગાયકના સ્વરનો દેવ આનંદ માટે તેમણે ઉપયોગમાં લીધો છે. આમ પણ દેવ આનંદ માટે તેમણે મોહમ્મદ રફી, કિશોર કુમાર અને હેમંત કુમારના સ્વરના તો સફળતાપૂર્વક પ્રયોગ કર્યા જ છે. તેને કારણે આ ગાયકોને અન્ય સંગીતકારોએ પણ દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન માટે અજમાવ્યા છે. તો વળી સલીલ ચૌધરીએ દ્વિજેન મુખર્જી, અનિલ બિશ્વાસે શંકર દાસગુપ્તા અને સી રામચંદ્ર એ પોતાના જ સ્વરનો પણ દેવ આનંદમાટેનાં પાર્શ્વ ગાયન માટે ઉપયોગમાં લીધા છે.

સચિન દેવ બર્મન અને ઠાકુર (પ્રાણ)

તેમની સુદીર્ઘ કારકીર્દીની શરૂઆતનાં વર્ષોમાં ૧૯૪૦થી ૧૯૪૭ માં પ્રાણે ખાનદાન (૧૯૪૨) જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવઈ હતી તે બહુ ઓછાને ખબર હશે અને તેનાથી પણ ઓછાં લોકોને યાદ હશે. વિલન તરીકેની બીજી ઈનિંગ્સ તો હિંદી ફિલ્મ્ના ઈતિહાસનું એક અનોખુ પ્રકરણ જ બની રહ્યું. કારકીર્દીના ત્રીજા દૌરમાં તેમણે ઘણી યાદગાર ચરિત્ર ભૂમિકાઓ પણ ભજવી. એ પાત્રોમાં તેમણે પર્દા પર ઘણાં ગીતો પણ યાદ કરાય છે. પરંતુ એક વિલનની ભૂમિકા ભજવતાં પ્રાણ સાવ જ હલકાં ફૂલકાં ગીતમાં મૂરખ દેખાવાની ભૂમિકા ભજવે અને તેમાં સાવ જ બેસુરા સ્વરમાં પોતાનું ગીત ગાવાનું પણ કબુલ કરે એ વાત તો કોઈની જ કલ્પનામાં બંધ ન બેસે. સચિન દેવ બર્મને આ કામ કરી બતાવ્યું છે.
દિલ કી ઉમંગે હૈ જવાં...રંગમેં ડૂબા હૈ સમા - મુનિમજી (૧૯૫૫) - ગીતા દત્ત અન એહેમંત કુમાર સાથે - ગીતકાર સાહિર લુધ્યાનવી
વિલનની ભૂમુકામાં બેસુરા અવાજમાં પોતાની જ મજાક ઊડાવતું ગીત પ્રાણ દ્વારા ગાવામાં આવ્યું છે એટલા પૂરતું જ આ ગીત ન રાખવું જોઇએ. હેમંત કુમારે પણ, દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન કરતાં, એ મજાક ઉડાડવામાં ગીતા દત્તનો સાથ આપવામાં દરેક સૂરે એટલી જ બરોબરી કરી છે એ વાત પણ સાથે સાથે યાદ રહી જાય તેવી અદાથી તેમણે પોતાના ભાગે આવેલ પંક્તિઓને લાડ લડાવેલ  છે.
સચિન દેવ બર્મન અને એસ બલબીર 

એસ બલબીરનું નામ સાંભળતાંવેંત હિંદી ફિલ્મનાં સંગીતના ચાહકોને કંઈ કેટલીય કવ્વાલીઓ કે ભાંગડા ગીતોમાં સહગાયક તરીકે પોતાની આગવી ઓળક ઊભી કરી શકનાર ગાયકનો સ્વર જરૂરથી યાદ આવી જશે. શક્ય છે કે તેમની આ ક્ષેત્રની સફળતાએ તેમને આ ગીતોના ચક્રવ્યૂહમાં બહાર ન આવવા દીધા હોય !
નિગાહોં કો તેરે જલવે કી આસ રહેતી હૈ, હા તેરે બગૈર તબીયત ઉદાસ રહેતી હૈ, આ ભી જા કે તેરા ઈન્તઝાર કબ સે હૈ - સોસાયટી (૧૯૫૫) - મોહમ્મદ રફી સાથે - ગીતકાર સાહિર લુધ્યાનવી
આટલી તડપ, આટલી બેસબ્રીથી, ભલા કોની રાહ જોવાતી હશે ?


આમ આપણે જોઈ શકીએ છીએ કે ૧૯૫૦-૬૦ના દશકમાં સચિન દેવ બર્મન તેમની સંગીત દિગ્દર્શક તરીકેની પ્રતિભાના મધ્યાન તરફ આગેકૂચ કરતા જણાય છે. એ વર્ષોમાં 'અન્ય' પુરુષ પાર્શ્વ ગાયકોના સ્વરઓને પ્રયોજવા પડે એવી સીચ્યુએશનમાં તેમણે પોતાની નવોન્મેષભરી સૂઝને પૂરેપુરી કાબેલીયતથી કામે લગાડી છે તે પણ આ ગીતોમાં આપણને જોવા મળે છે.

હવે પછીના અંકમાં આપણે સચિન દેવ બર્મનની સક્રિય કારકીર્દીના ત્રીજા સમયકાળમાં તેમણે રચેલાં 'અન્ય' પુરુષ પાર્શ્વ ગાયકોના સ્વરમાં રચેલાં ગીતો સાંભળીશું.

No comments: