Saturday, February 28, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૨_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણે જે બ્લૉગના નિયમિત મુલાકાતીઓ છીએ ત્યાં દરેક મહત્વની પૉસ્ટને હિંદી ફિલ્મ જગતની કોઇને કોઇ હસ્તીની તિથિ સાથે સાંકળી લેવાની પ્રથા વિકસી છે, તે દ્વારા આપણને પણ એ હસ્તીઓને યાદ કરતા રહેવાનો લાભ મળતો જ રહે છે.
એ પરંપરા આ મહિનાના સંસ્કરણમાં પણ ચાલુ જ રાખીએઃ
- Kavi Pradeep: The singer of Message Songs - કવિ પ્રદીપજીની આ જન્મશતાબ્દીનું વર્ષ છે. અહીં તેમણે પોતે જ ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે.
- Happy Birthday, Waheeda ji માં વહીદા રહેમાન પર ફિલ્માવાયેલાં ગીતો વડે તેમને યાદ કરાયાં છે. આપણે આ ગીતો પૈકી બે ગીતોને અહીં ખાસ યાદ કરીશુ -
  • અને વધારાના ફાયદા સ્વરૂપે તેમનાં શરૂઆતનાં નૂત્ય ગીત - યેરી પૂટ્ટી પૂવાયે (કાલમ મારી પૂચુ, જે તેલુગુમાં રોજુલુ મારાયી તરીકે રજૂ કરાયું હતું) પણ સાંભળીએ. આ ગીત પછીથી બમ્બઈકા બાબુમાં દેખને ભોલા હૈ તરીકે ફિલ્માવાયું છે.
- ૨૧ જાન્યુઆરીના રોજ ગીતાબાલીની પચાસમી તિથિ હતી, તે નિમિત્તે તેમનાં પર ફિલ્માવાયેલાં ગીતોને My Favourite Geeta Bali songsમાં યાદ કરાયાં છે, જે પૈકી યે દિન હૈ ખુશી કે (જબ સે તુમ્હેં દેખા હૈ - ૧૯૬૩- મન્ના ડે અને સુમન કલ્યાણપુર)ની ખાસ નોંધ આપણે પણ અહીં લઇશું.
- મધુબાલાની યાદના My favourite songs of Madhubalaમાંથી આપણે અય ભોલા ભાલા મન (જૂમરૂ - ૧૯૬૧ - કિશોર કુમાર, આશા ભોસલે)ની નોંધ અહીં કરીશું.
- The Masters: Khayyam એ ખય્યામની છ દાયકાની કારકીર્દીની ૫૪ રજૂ થયેલી અને ૧૭ ન રજૂ થયેલી ફિલ્મોનાં ૬૨૬ ગીતોમાંથી તેમનાં ખૂબજ યાદગાર ગીતોને યાદ કરાવી આપે છે.
અને હવે આપણે આપણા અન્ય નિયમિત બ્લૉગ્સ પરના વિવિધ વિષયોની રજૂઆતના લેખોની મુલાકાત કરીશું –
- ઘણા કલાકારોનાંપ્રેરણાસ્ત્રોતની જેમ UttarMegh and Dekh Kabira Roya ની પણ મેઘદૂતમ્ પ્રેરણા રહ્યું છે. 'પૂર્વમેઘમાં અલકા નગરીથી પસાર થતાં દૂત સમા મેઘવાદળ દ્વારા, પોતાની ફરજ પ્રત્યેની બેદરકારીથી કુબેરના શ્રાપને કારણે વિખૂટા પડેલા યક્ષનાં વિરહ સંદેશનાં તાદૃશ્ય વર્ણનો છે, તો ઉત્તરમેઘમાં વિરહ-ભાવ ફૂટતો રહે છે. મહાન ચિત્રકાર નાના જોશીએ ઉત્તરમેઘનાં ૯ વર્ણનોને ચિત્રમાં કંડારેલ છે. મેરી વિણા તુમ બિન રોયે અને અશ્કોંસે તેરી હમને તસ્વીર બનાઇ હૈ (જે ફિલ્મમાં ઉપરાઉપરી બે સાવજ અલગ અલગ ગીતોને મૂકવાનો એક અનોખો પ્રયોગ પણ છે) કે બૈરન હો ગઇ રૈના જેવાં ગીતો પરથી એમ લાગે કે દેખ કબીરા રોયામાં રાજેન્દ્ર કૃષ્ણને, અને તેમની સાથે ફિલ્મના નિર્દેશક અમીય ચક્રવર્તીને પણ ઉત્તર મેઘમાંથી પ્રેરણા મળી હોય એમ કહી શકાય ખરું...
- Some Favorite (Relatively) Contemporary Versions of Classic Hindi Film Songsમાં જૂનાં ગીતોનાં વર્તમાન સ્વરૂપોને રજૂ કરવાનો પ્રયાસ છે. હૈ અપના દિલ તો આવારા, ચિન ચિન ચૂ, પિયા તૂ અબ તો આ જા જેવાં ગીતોમાં સામાન્ય રીતે આ બ્લૉગ પર રજૂ થતા વિષયોથી આ લેખમાં થોડાં વિસ્તૃત ફલકને આવરી લેવાયું છે.
- Different versions of 'Tum Bhulaye Na Gaye' માં કમલ દાસગુપ્તાએ સ્વર બધ્ધ કરેલ ગીતની ફીરોઝા બેગમના સ્વરમાં જૂદા જૂદા સમયે થયેલી રજૂઆત છે. મૂળ ગીત, તે પછીથી તૈયાર થયેલ સ્વરૂપ અને તેમણે લગભગ ૭૦ વર્ષની ઉમરે ગાયેલ સ્વરૂપ સાંભળતાં પણ મન હજૂ વધારેને વધારે વાર સાંભળવા તરસતું જ રહે છે.
હવે યાર્દચ્છિક શોધખોળનાં કેટલાંક પરિણામો –
- Salil Chudhary - A narrative documentary movie - જગદીશ બેનર્જીએ ફિલ્મ્સ ડિવીઝન માટે કરેલ સલીલ ચૌધરી પરનું દસ્તાવેજી ચિત્ર
- Cinema Cinema - નિર્દેશક શ્રી કૃષ્ણ શાહે બે વર્ષ સુધી, ચારે બાજૂથી ખોળી ખોળીને પુરાણાં દસ્તાવેજોમાંથી એકઠી કરેલ સામગ્રી પરથી તૈયાર કરેલ દસ્તાવેજી ચિત્ર.
આપણા મિત્રોએ મોકલેલાં ગીતોની યાદીમાં આ મહિને સમીર ધોળકિયા તેમ જ ભગવાન થવરાનીએ યાદ કરેલ
                                                                                                                              નોંધ લઇએ.


શ્રી નરેશ માંકડે પંકજ મલ્લિકનાં આ ગીતોને યાદ કર્યાં છેઃ


પંકજ મલ્લિકનીજ વાત નીકળી છે તો સાથે સમીર ધોળકિયાએ મોકલેલ, પંકજ મલ્લિકનાં દીકરી અનુલેખા ગુપ્તા મલ્લિકના સ્વરમાં 'યાત્રિક'નું તૂ ઢુંઢતા હૈ જિસકો અને તેનું મૂળ ગીત તેમ જ   યે રાતેં, યે મૌસમ, યે હંસના, યે હંસાના પણ માણી લઇએ.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
- Mohammad Rafi Timeline - સમયની કેડી પર મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો
- Mohammed Rafi: An Antique voice of showman Raj Kapoor - રાજ કપૂર અને મોહમ્મદ
રફીના ૯૦મા જન્મદિવસના ઉપલક્ષમાં બિમાન બરૂઆ મોહમ્મદ રફીની સર્વતોમુખીતાને બીરદાવતાં યાદ કરે છે કે મુકેશ પછીથી રાજ કપૂર માટે સહુથી વધારે ગીતો મોહમ્મદ રફીએ બરસાત (૧૯૪૯), અંદાઝ (૧૯૪૯), દાસ્તાન (૧૯૫૦), સરગમ (૧૯૫૦), અમ્બર (૧૯૫૨), પાપી (૧૯૫૩), દો ઉસ્તાદ (૧૯૫૯), છલીઆ (૧૦૬૦), નઝરાના (૧૯૬૧), એક દિલ સૌ અફસાને (૧૯૬૩) અને મેરા નામ જોકર (૧૯૭૦)જેવી ફિલ્મોમાં ગાયાં છે.
ફેબ્રુઆરી ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા… (૨)
બંદિશ એક, રૂપ અનેક’ – (૬) "છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે"
ગીતગુર્જરી
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:
                                                                                                                                પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નાં વર્ષમાં આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

Thursday, February 26, 2015

ઉત્તરાધિકારની સોંપણી માટેનું આયોજન અને અમલ :૩: બહેતર નેતૃત્વ... અને તેનાથી આગળ

ઉત્તરાધિકારની સોંપણી માટેનાં અયોજન અને અમલના સંદર્ભમાં, આપણે ૧૨-૨-૨૦૧૫ના રોજ ગરિમાપૂર્ણ નિવૃત્તિ અને ૧૮-૨-૨૦૧૫ના રોજ 'લક્ષ્ય અને લક્ષક્ષમતા'નાં મહત્ત્વ વિષે વાત કરી હતી.
ઉત્તરાધિકારની સોંપણીનાં આયોજન માટે જરૂરી દીર્ઘદર્શન અને સફળ અમલ માટે જરૂરી તાજગીસભર સ્ફૂર્તિ એ સંસ્થાનાં વર્તમાન વરિષ્ઠ નેતૃત્વ માટેની પાયાની જરૂરિયાતો છે. તે સાથે સાથે આજના ઉથલપુથલ, અનિશ્ચિત, જટિલ અને સંદિગ્ધ [VUCA] સંજોગો નેતૃત્વક્ષમતાની આકરી કસોટી કરતા રહે છે.
મૂળે ૨૦૧૫ના નવા વર્ષ માટે વિચારમંચની ભૂમિકાની રજૂઆત તરીકે લખાયેલા લેખ -'બહેતર નેતૃત્વ... અને તેનાથી આગળ'-માં, શ્રી તન્મય વોરા આપણા સમક્ષ નવ મુદ્દા રજૂ કરે છે, જે ઉત્તરાધિકારની સફળ સોંપણી કરવા ઇચ્છુક નેતૃત્વ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.

બહેતર નેતૃત્વ... અને તેનાથી આગળ ǁ ૨૦ ફેબ્રુઆરી,૨૦૧૫
આપણી આસપાસનાં કાર્યક્ષેત્રનું વિશ્વ શ્વાસ ઊંચા થઇ જાય એ દરથી બદલાતું રહે છે. ઉથલપુથલ થતા (Volatile), અનિશ્ચિત (Uncertain), જટિલ (Complex) અને સંદિગ્ધ (Ambiguous) - VUCA - સંજોગો આપણા એ બદલાતા વિશ્વના સંદર્ભોને ગતિશીલ અર્થ બક્ષતા રહે છે. તેમને નેતૃત્વ પૂરું પાડતા અગ્રણીઓ બાબતે લોકોની અપેક્ષાઓ પણ વધતી જ રહે છે. તેમાં વળી બદલાતી જતી પેઢીનાં મતમતાંતરો અને વ્યાપાર મૉડેલમાં થતા ધરખમ ફેરફારો નેતૃત્વની કસોટીને વધુ કઠોર બનાવતાં રહે છે.
જો કે આ જ પડકારો નેતૃત્વની ખૂબીઓ બહાર લાવવા માટેની તક પણ પૂરી પાડે છે; બશર્તે, આવા કસોટીના અને તે પછીના સમયની માગને તેના સહી પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય.
અહીં આ બાબતના નવ મહત્ત્વના મુદ્દાઓ આપની વિચારણા અર્થે રજૂ કરેલ છે:
૧. અગ્રણીઓએ સત્તાની નવી વ્યાખ્યા સમજવી જોઇએ. આજે તમારાં પદના જોરથી કે તમારી ઑફિસ કેટલી મોટી છે કે પદાનુક્રમમાં તમારું સ્થાન કેટલામું છે તેનાથી તમારી સત્તાની આણ કેટલી પ્રસરશે તે નક્કી નથી થઈ શકતું. આજે અગ્રણીઓ બીજાંને કેટલી સ્વાભાવિકતાથી સંસ્થાનાં ઉદ્દેશ્યની પૂર્તિમાં કામે લગાડી શકે છે, તેમની સાથે કેટલું સહકારનું સાયુજ્ય રચી શકે છે કે સકારાત્મક પ્રભાવનું ક્ષેત્ર કેટલું વિકસાવી શકે છે કે લોકોને વિકસવા માટેની પૂરેપૂરી તકો મળી શકે તેવું વાતાવરણ ખડું કરી શકે છે તેના પરથી તેમની સત્તાનું ક્ષેત્ર વિકસી શકેછે.
૨. સ્થિરતા કલ્પનાવિશ્વમાં જ વસે છે. જો આગળ તરફ વધતો વિકાસ જો તમે સિદ્ધ નથી કરી શકો, તો તે જ પાછળ પડ્યા બરાબર છે. દીર્ઘ દર્શન અને ઉદ્દેશ્યની સિદ્ધિનાં માધ્યમ વડે, તમારી ટીમ લાંબા ગાળે સકારાત્મક વેગ ટકાવી રાખે તે અગ્રણી તરીકે તમારી જવાબદારી છે. ઉત્પાદનો (કે સેવાઓ)માં અને પ્રક્રિયાઓમાં સતત સુધારણા (અને નાવીન્યકરણ) બની રહે તે સકારાત્મક વેગ પ્રાપ્ત કરવાના માર્ગો પૈકીનો એક માર્ગ છે.
3. સંવાદ, સહકાર, રચનાત્મકતા અને પ્રતિબદ્ધતા એ આજના અસરકારક અગ્રણીની શક્તિનાં સ્ત્રોત છે.
૪. આજના જટિલ વાતાવરણમાં, પરિવર્તન લાવવાની કે તેને પાર પાડવાની ક્ષમતા જેટલી જ મહત્ત્વની ક્ષમતા બાહ્ય પરિવર્તનોને અસરકારક પ્રતિસાદ આપવાની છે. અગ્રણીઓ પરિવર્તનનાં સર્જક પણ હોવાં જોઈએ.
૫. અગ્રણીઓએ લોકોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઇએ. દેખીતી રીતે, પારંપારિત માન્યતાથી સાવ વિરુદ્ધનું આ કથન જણાશે, પણ લાંબા સમય સુધી ટકી રહેતી આંતરસ્ફૂરણા બાહ્ય પ્રોત્સાહનો વડે નથી લાવી શકાતી. આંતરસ્ફૂરણાનાં ઝરણાં ફૂટતાં રહે તેવું વાતવરણ અને તંત્રવ્યવસ્થાનું ઘડતર કરવું ભવિષ્યદૃષ્ટા અગ્રણી પાસેથી રખાતી પાયાની અપેક્ષા છે.
૬. પોતાના કામનું પ્રયોજન જાણવું અને સમજવું, એ બે બાબતો આજે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. અગ્રણીની એ મૂળભૂત (અને સદૈવ) જવાબદારી છે કે તેમની સાથે કામ કરતાં લોકોને તેમનાં કામનું મહત્ત્વ અને તેની રૂપરેખા તેમને ગળે ઊતરે તે રીતે સમજાવતા રહે. લોકોનાં પોતાનાં કામ સાથેનાં સાયુજ્યનું આ પાયાનું પ્રેરક બળ છે, જેના માટે સઘન સંવાદ અને સંદર્ભોની પ્રસ્તુતિની આપસી ચર્ચાઓ બહુ મહત્ત્વનાં બની રહે છે.
૭. સતત અને સ્વપ્રેરિત શીખતાં રહેવું એ આજનાં અગ્રણી માટે વૈકલ્પિક પસંદની બાબત નથી રહી. સતત શીખતાં રહેતાં અગ્રણીઓ અનિશ્ચિતતાનો સામનો ચુસ્તીથી કરી શકવા માટે સક્ષમ બની તો રહે જ છે, સાથે સાથે તેમનાં સહકાર્યકરો માટે બહુ સારું, અનુકરણ કરવા લાયક, ઉદાહરણ પણ પૂરું પાડે છે.
૮. લોકોના વિકાસ માટે કામ એ એક મહત્ત્વનું સંસાધન છે. સુવિકસિત લોકો જ સારું કામ કરી આપી શકે છે. પરંપરાગત રીતે એમ મનાતું કે અગ્રણી સંચાલકોએ લોકો પાસેથી કામ લેવાનું છે. એ વાત સાચી તો ખરી જ, પણ કામના અનુભવની મદદથી લોકોની શક્તિઓને ખીલવવાની તક પણ પેદા કરી શકાય છે. લોકોને સાધનને બદલે સંસાધન તરીકે ગણવા માટે કામને લોકોના વિકાસનું સંસાધન ગણવું મહત્ત્વનું બની રહે છે.
૯. દેખીતી અનિશ્ચિતતા કે અરાજકતાની પ્રતિકૂળતા વચ્ચે પણ, આજના સમયમાં અગ્રણીઓનું શિષ્ટ અને સભ્ય બની રહેવું પણ મહત્ત્વનું છે. લોકોનાં આત્મસન્માન, તેમના સમય અને તેમની શક્તિઓને ઉચિત માનની નજરે જોવાં જોઇએ.

Tuesday, February 24, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં આપણા બ્લૉગોત્સવનાં આ સંસ્કરણ માટે 'સુધારણા' વિષય વિષેની શોધખોળ કરતાં કરતાં ઇન્સ્ટિટ્યુટ ફૉર હેલ્થકૅર ઈમ્પ્રુવમેન્ટની બ્લૉગ સાઈટ ધ્યાન પર આવી ગઇ. તેનું દીર્ઘદર્શન કથન "વિશ્વભરમાં આરોગ્ય અને આરોગ્યસંભાળ સુધારણા'ને પ્રાધાન્ય આપે છે. આ સાઈટ પરની ઘણી રસપ્રદ સામગ્રી પૈકી તેના 'રીસોર્સીસ' વિભાગ પર આપણે આજે વધારે ધ્યાન આપીશું. આ વિભાગમાં 'સાધનો, પરિવર્તનના આઈડિયા, સુધારણા માપણી માટેના માપદંડ, IHI શ્વેત પત્રો, દૃશ્ય અને શ્રાવ્ય ક્લિપ્સ, સુધારણા કહાનીઓ અને એવી અનેકવિધ સામગ્રી રજૂ કરાઇ છે.

'સુધારણા માટેનાં મૉડેલ' વડે સુધારણાને લગતી પ્રવૃત્તિઓને IHI દિશા આપે છે. Associates in Process Improvement દ્વારા વિકસાવાયેલ The Model for Improvement એ સુધારણાને પ્રવેગ બક્ષવા માટે બહુ સરળ, પણ ખાસું પ્રભાવશાળી સાધન છે. આ મૉડેલ સંસ્થાઓનાં પોતાનાં પરિવર્તન મૉડેલના વિકલ્પ તરીકે નથી રજૂ કરાયેલ, તેનો આશય તો સુધારણાનાં શરૂ કરાયેલ પરિવર્તનને પ્રવેગ આપવાનો છે. clip_image002[4]Model for Improvement અને નાના પાયા પર પરિવર્તનોની ચકાસણી કરવા માટેની મૂળભૂત બાબતો વિષે જાણવા માટે, Plan-Do-Study-Act (PDSA) cyclesની પણ મદદ લઇ શકીએ છીએ:
આપણે અહીં મૂકાયેલ કેટલાક વિડિયો પર પણ નજર કરીશું:

• ડૉ. માઇક ઈવાન્સ - વિડિયો - An Illustrated Look at Quality Improvement in Health Care
આ વિડિયોમાં ડૉ. ઈવાન્સ 'ગુણવત્તા સુધારણા સાથે આપણે શી લેવાદેવા?' એવા સીધા સવાલથી કરે છે. ગુણવત્તા સુધારકોના 'માઉંટ રશમૉર' સહીત ગુણવત્તા સુધારણાના સંક્ષિપ્ત ઇતિહાસથી શરૂ કરીને સીસ્ટમ ડિઝાઈન, અને 'આવતા મંગળવાર સુધી શું કરી શકાય?'ના જાણીતા પડકારને તેમણે ૯ મિનિટથી પણ ઓછા સમયમાં આવરી લીધેલ છે !
• Deming's System of Profound Knowledge (Part 1) અને (Part 2)
કામગીરી સુધારણાના IHI ખાતેના નિયામક, રોબર્ટ લ્લૉઈડ તેમનાં વિશ્વાસુ સફેદ પાટીયાં ની મદદથી સુધારણાનાં વિજ્ઞાનની છણાવટ કરે છે. આ બંને ટુંકા વિડિયોમાં તેમણે ડેમિંગની System of Profound Knowledgeથી લઇને PDSA cycle અને run charts સુધીના વિષય આવરી લીધા છે.
• The Model for Improvement (Part 1) અને (Part 2)
The Model for Improvementને વિકસાવવાનું શ્રેય Associates in Process Improvementને ફાળે જાય છે.
આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ, NDCBlogger,ની મુલાકાત કરીશું. આ બ્લૉગનાં લેખિકા,ડેબૉરાહ મૅકીન, The Team-Building Tool Kit શ્રેણીનાં પણ લેખિકા તેમજ New Directions Consultingનાં સ્થાપક છે. ઉત્પાદન ગુણવત્તા અને સંસ્થાકીય ઉત્કૃષ્ટતા તેમના અનુભવોની પશ્ચાદભૂમિકામાં રહેલ છે.

તેમના બ્લૉગમાં ડોકીયું કરવા માટે આપણે બે પૉસ્ટ પસંદ કરેલ છે:
- A Manufacturing Floor Operator’s Experience with High Performance Teams and What It’s Meant To Him - મેથ્યુ હૅર્રીંગ્ટન
યુટ્યુબ પર આ વિડિયો જોવા જતાં ઉચ્ચ કામગીરી કરતી ટીમના વિષય પર બે બીજા વિડિયોમાં પણ રસ પડ્યો:
- Why Change When Things Have Been Successful in the Past?

“આપણે કંઈક ભૂલ કરી રહ્યાં છીએ માટે ટીમની પરિકલ્પનામાં આપણે ફેરફાર નથી કરી રહ્યાં.હકીકતે તો અત્યાર સુધી આપણે જે કામ કર્યું છે તેના પરિણામ સ્વરૂપ જ આપણી સફળતાઓ રહી છે.આપણે આપણાં ક્ષેત્રમાં અગ્રણી સ્થાન ભોગવીએ છીએ.આપણે એ સ્થાન જાળવી રાખવા પણ માગીએ જ છીએ, અને એટલે જ કામ કરવાની આપણી પધ્ધતિમાં સુધારણા લાવવા માટે પરિવર્તન જરૂરી બની રહે છે.”

અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy ભારત, મેક્ષિકો અને ચીન ઑફિસ તેમજ બ્રાઝીલ , ક્વાલીનાં પ્રતિનિધિઓની વડાં મથકની મુલાકાતના સંદર્ભમાં ,“ Why Should Quality “Go Global”?વિષે ચર્ચાનો દોર ઉપાડી લે છે.
તે ઉપરાંત બિલ ટ્રોયને ૨૦૧૩ના જુરાન પદકવિજેતા, અમેરિકાના પૂર્વ ટ્રેઝરી સેક્રેટરી અને અગ્રણી ગુણવતા વિચારક પૌલ ઑ'નીલને મળવાનું થયું. પૌલ ઑ'નીલ ૧૯૮૭થી ૧૯૯૯ દરમ્યાન અલ્કોઆના અધ્યક્ષ અને મુખ્ય સંચાલન અધિકારી પણ હતા, ત્યાંથી નિવૃત્તિ બાદ હવે ગુણવત્તાના સિદ્ધાંતોને તેઓ અમેરિકાના આરોગ્ય સંભાળ ક્ષેત્રની સમસ્યાઓનાં નિવારણમાં કામે લગડાવામાં ખૂંપી ગયા છે.આરોગ્ય સંભાળ અર્થશાસ્ત્રના સ્વીકૃત નિષ્ણાતની રૂએ, અલ્કોઆમાં જે ગુણવત્તા સિદ્ધાંતોને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું તેને જ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પણ ઉપયોગમાં લઇ, વ્યયમાં ઘટાડો કરવામાં અને અસરકારકતા તેમ જ સલામતી વધારવામાં સંચાલકોને સહાય કરી રહ્યા છે.

આ મુલાકાતની વિગતે ચર્ચા Finding Inspiration form Quality Leadersમાં કરવામાં આવી છે, જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે :

પહેલું તો એ કે , અલ્કોઆમાં તેમણે જાહર કરેલી ટોચની પ્રાથમિકતા વડે તેમણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધેલ. માલિકીઅંશધારકોનાં મૂલ્યમાં વધારો કે બજાર હિસ્સાને વધારવો કે નફાકારકતાને વધારવી જેવા મુદ્દાઓને બદલે તેમણે કામદારોની સલામતીને પ્રાથમિકતા આપી. આમ કરવાનું કારણ સમજાવતાં તેઓ જણાવે છે કે આપણાં લોકો જ આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, જ્યારે તેમને ઈજા થાય છે, ત્યારે માત્ર કામકાજમાં વિક્ષેપ જ નથી પડતો પણ, આપણને ખરાં દિલથી પીડા થાય છે' જેને કોઇ નફા સાથે સરખાવી ન શકાય.

બીજો મુદ્દો પણ પહેલા મુદા જેટલો ધ્યાન ખેંચે છે - દરેક સાથે ગરિમા અને સન્માનપૂર્વકનો વ્યવહાર કરો.

ત્રીજો મુદ્દો દેખાય છે બહુ સરળ, પણ તેની અસરો બહુ વ્યાપક અને જરા પણ ઢીલ ન ચલાવી લેનાર બની રહે છે - આપણે જે કંઈ કરીએ તેમાં વિશ્વનું શ્રેષ્ઠ સ્તર જ સિદ્ધ કરીએ. સુધારણા અંગેના આપણા સામાન્ય વિચારોથી આ ખયાલ સાવ જ અલગ પડે છે. ગયા વર્ષથી સારૂં કે બીજાંથી આટલું વધારે સારૂં એવી વાત અહીં નથી. વિશ્વનાં શ્રેષ્ઠ થવાની વાત બાબતે તેઓ બહુ જ સ્પષ્ટ છે. વધારે વિગતમાં જોઇએ તો અહીં સૈધ્ધાંતિક ઉત્કૃષ્ટતા નક્કી કરવાની, તે માપદંડની સામે આપણી કામગીરીની સમીક્ષા કરવાની અને પછી ત્યાં સુધી પહોંચવાની વાત છે. જ્યાં સુધી આ સૈદ્ધાંતિક કક્ષાએ પહોંચી નહીં ત્યાં સુધી એ સ્તરે પહોંચવામાં આવતાં દરેક વિઘ્નોને દૂર કરવા, કામગીરીને ચકાસવા મડી પડવું રહ્યું. (મારૂં) માનવું છે કે આટલા કપરા નિશ્ચયને સિદ્ધ કરવામાં પૌલ ઑ'નીલ જેવા અગ્રણી પણ તેમના અનુયાયીઓ ગુમાવી બેસવાની શકયતાઓ નકારી ન શકે. આ બાબત વિષે સંન્નિષ્ઠપણે માનવું ખરેખર લોઢાનાં ચણા ચાવવા બરાબર છે. પણ, પૌલ ઑ'નીલના કહેવા મુજબ, ખરી મજા પણ તેમાં જ છે ! ....... (કેટલે વીસે સો થાય તે તો નીવડ્યે જ ખબર પડે!)
Julia McIntosh, ASQ communications તેમના January Roundup: Quality Inspirationsમાં નોંધ લે છે કે ગુણવત્તામાટેનું આદર્શ કોઇ ગુરુથી લઈને માર્ગદર્શક સુધીની, ગુણવત્તા ક્ષેત્ર સાથે સંકળાયેલ કે ન સંકળાયેલ, કોઇ પણ વ્યક્તિ હોઈ શકે છે, બસ તે ગુણવત્તાના આદર્શોને મૂર્ત કરતી હોવી જોઇએ. તે કુટુંબ, વ્યાવસાયિક માર્ગદર્શક કે સીમાચિહ્ન સ્વરૂપ વ્યક્તિ કે તેની પારની વ્યક્તિ પણ હોઇ શકે. પૉસ્ટમાં ASQ Influential Voices bloggersના વિવિધ સ્તરના પ્રતિભાવની નોંધ લેવાઇ છે. આ માસનું ASQ TVવૃતાંત છે:

New To Quality, જેમાંseven quality toolsઅને Quality Body of Knowledge ® વિષે પણ જાણવા મળે છે.

આ મહિનાનાં ASQ’s Influential Voice છે – મનુ વોરા
clip_image002ASQ Fellow મનુ વોરા બીક્ષનેસ એક્ષલન્સ, Inc ના અધ્યક્ષ અને પ્રમુખ છે. તેઓ સંસ્થાગત ઉત્કૃષ્ટતાના અને બાલ્ડ્રીજ પર્ફોર્મન્સ એક્ષલન્સ પ્રોગ્રામના નિષ્ણાત છે. Thoughts on Quality એ તેમનો બ્લૉગ છે જેમાં ASQ Influential Voiceના મંચ પર થતી ચર્ચાઓ પર તેમના વિચારોની તેઓ વિગતે રજૂઆત કરતા રહે છે.
આપણે તેમની એક પૉસ્ટ - A Clear Vision–નાં ઉદાહરણ વડે તેમના બ્લૉગની સામગ્રીનો પરિચય કરીશું.
ઑક્ષફર્ડ ડિક્ષનરી દીર્ઘ દર્શનની વ્યાખ્યા "કલ્પના શક્તિ કે બુદ્ધિ ચતુર અનુભવ વડે ભવિષ્યનો વિચાર કરવો કે તે વિષેનું આયોજન કરવું” એમ કરે છે. સંસ્થાને દીર્ધ દર્શનની જરૂર કયાં અને ક્યારે પડે? દીર્ઘ દર્શન ઉદ્દેશ્ય, દિશા અને ધ્યાનકેન્દ્ર પુરૂં પાડે છે જે સંસ્થાને નવી ઊંચાઇઓ સર કરવામાં મદદરૂપ થાય છે.તત્વતઃ એ ભવિષ્યનું સ્વપ્ન છે...…દીર્ઘ દર્શન કથન યાદગાર, ટુંકું અને ઉત્કર્ષ પ્રેરતું હોવું જોઇએ...બહારના કન્સલટન્ટની મદદથી લખાયેલા, દિવાલ પર ચોંટાડવા માટેના ફકરાઓ ન જ હોવા જોઇએ … લેખમાં આ બાબતની પુષ્ટિ કરતાં,વિવિધ ક્ષેત્રોમાંના બાલ્ડ્રીજ પરફોર્મન્સ એક્ષસલન્સ પારિતોષિક વિજેતાઓનાં કથન ટાંકવામાં આવ્યાં છે.
આ મહિને આપણને બોનસ સ્વરૂપે Top 8 Books Every Quality Professional Should Read મળેલ છે :
1. The Quality Toolbox, Second Edition, by Nancy R. Tague

2. Juran’s Quality Handbook, Sixth Edition, by Joseph M. Juran and Joseph A. De Feo

3. Root Cause Analysis: The Core of Problem Solving and Corrective Action by Duke Okes

4. Making Change Work by Brien Palmer

5. The Essential Deming, edited by Joyce Nilsson Orsini PhD

6. Organizational Culture and Leadership by Edgar H. Schein

7. Economic Control of Quality of Manufactured Product by Walter A. Shewhart

8. Practical Engineering, Process, and Reliability Statistics by Mark Allen Durivage
આપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં આ નવાં સ્વરૂપ વિષે આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો……

Monday, February 23, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૨ /૪ ǁ દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ


તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે,  'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' વિષે વાત કરી હતી. આજના આ બીજા મણકામાં 'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ'ને તેમના દૃષ્ટિકોણથી જોઇશું.

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

દિલીપ કુમારની ફિલ્મ જગતની કારકિર્દીની પહેલી અને બીજી ઇનિંગ
clip_image002


હિંદી સિને જગતમાં દિલીપ કુમારના જીવન અને સમયની વાત બીજાં આઠ પ્રકરણોમાં આવરી લેવાઈ છે. પુસ્તક પ્રકાશિત થયું ત્યારના કેટલાક સમીક્ષાત્મક લેખોમાં ફરિયાદનો એક સૂર રહ્યો હતો કે એમના બહુચર્ચિત પ્રેમ સંબંધો કે તેમની કેટલીક સીમાચિહ્ન રૂપ ફિલ્મો વિષે વધારે ઊંડાણથી વાત નથે કરી એ આ પુસ્તકની કચાશ અનુભવાય છે. જો કે ઉદયતારા નાયરે તો પુસ્તકના પરિચયાત્મક પ્રકરણમાં જ કહ્યું છે કે દિલીપ કુમારની આ ઉંમરે, અને જીવનના આ તબક્કે, તેમણે ૬૦થી વધારે ફિલ્મો કરી છે અને કદાચ તેનાથી પણ વધારે ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. એવી દીર્ઘ કારકિર્દીમાંની ઘણી બાબતોની વાત કરવા વિષે તેમની ચોક્કસ પસંદનો આગ્રહ રાખ્યો જ છે. ખેર, આપણે તો તેમની પસંદ-નાપસંદને સ્વીકારવી જ રહી!

યૂસુફ ખાનને કૅમેરાની સામે કિરદારને કેમ નીભાવવું એ વિષે કોઇ જ કલ્પના પણ નહોતી . એ સ્થિતિમાં બોમ્બે ટૉકીઝના અનુભવો એ સંજોગોની બહુ જ ઉત્તમ દેન કહી શકાય. અશોક કુમારે તેમને શીખવાડ્યું કે 'અમુક પરિસ્થિતિમાં આપણે જેમ ખરેખર વર્તીએ એમ જ કેમેરા સામે પણ કરવું.જો તેને અદાકારીનાં સ્વરૂપમાં ભજવવાની કોશિશ કરીશ, તો તે સાવ વાહિયાત અને અવાસ્તવિક લાગશે.' જેની સાથે તચાહક વર્ગ તાદાત્મ્ય અનુભવી શકે તેવી ફિલ્મના પરદા પરની ભાવનાપ્રધાન ભાવિ ઇમેજને અનુરૂપ નામકરણ પણ દેવીકારાણીએ કર્યું અને અમીય ચક્રવર્તીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' (૧૯૪૪)થી
દિલીપ કુમારની છાયા વિરાટ થતી જશે એવા સંકેત મળ્યા. લાઈટ્સ, કૅમેરા,ઍક્શન / Lights, Camera, Actionની દુનિયામાં આ એમનું પહેલું ડગ હતું.. જો કે એ તબક્કામાં જ દિલીપ કુમારને સમજ પડી ગઈ હતી કે આ કામ એટલું આસાન નહીં રહે, અને માટે જ તેમાં ટકી રહેવા માટે તેમણે પોતાની કેડી જાતે જ કંડારવી પડશે. કલાકારે 'પોતાની સહજ પ્રેરણાને બળવત્તર કરવી પડે છે, કારણ કે વાસ્તવિકતા અને કાલ્પનિકતા વચ્ચેનું દ્વંદ્વ, કોઇ પણ પરિસ્થિતિને સત્ય અને તર્કથી સમજવાની કોશીશ કરતા દિમાગની પહોંચની બહાર છે.'

દેવિકારાણીએ દિલીપ કુમાર તરીકે આપેલી ઓળખની અસરને કારણે જે જોવા કે અભ્યાસ માત્રથી આવડે એ બધું તેમને નવી આકાંક્ષાઓ અને નવા અનુભવો / New Aspirations, New Experiencesના રૂપમાં કૅમેરાની સામે લાગણીઓ, સંભાષણ અને કાલ્પનિક પાત્રોનાં વર્તનની પરિભાષામાં શીખવાનું અને એકઠું કરવાની મોકળાશ મળી. 'જુગનુ'માં તેમનું કામ પૂરૂં થયું ત્યાં સુધી હજી લોકોની નજરે ચડ્યા નહોતા. જ્વાર ભાટા (૧૯૪૪), પ્રતિમા (૧૯૪૫) અને મિલન (૧૯૪૬) એમ ત્રણ ત્રણ ફિલ્મો રજૂ થઇ ચૂકી હતી તો પણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની પગદંડી પર એ ચાલતા જતા હોય ત્યારે લોકો તેમની હાજરીની નોંધ લેતાં નહોતાં. પરંતુ ૧૯૪૭માં જુગનુની સફળતાને કારણે તેમના પોસ્ટરમાં તેમની તસવીરોની તેમનાં કુટુંબીજનો સુદ્ધાંએ નોંધ લીધી.પૃથ્વીરાજ કપૂરની મધ્યસ્થીના કારણે તેમના અબ્બાજાને પણ સ્વીકારી લીધું કે તેમણે કદી પણ કલ્પ્યું ન હોય તેવા કામને (આખરે) તેમના દીકરાએ સ્વીકારી લીધું હતું.

એ પછીના અંગત અને વ્યાવસાયિક જીવનમાંના (Between The Personal And The Professional) અનુભવોમાં તેમણે તેમના પ્રિય એવા ભાઇ અયુબ ખાનના ફેફસાની લાંબી માંદગીને કારણે દેહાંત અને ૨૭ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ તેમનાં અમ્માની 'જીવનની અશાંતિમાંથી ચિરઃ શાંતિ' તરફની વિદાયની પીડા ભોગવવી પડી. આ આઘાત સહન કરીને ભાઇબહેનોને માટે મા અને બાપ બંનેની ભૂમિકા અદા કરવા, તેમણે પોતાની અંદરની પીડાને મક્કમતાથી દબાવવી પડી.

વ્યાવસાયિક ક્ષેત્રે, તેમનો બૉમ્બે ટૉકીઝ સાથેનો કરાર પૂરો થયો એ સમયે સ્ટુડિઓની પદ્ધતિથી કામ કરવાની પ્રથા પણ અસ્ત પામી રહી હતી. કલાકારો અને કસબીઓ હવે સ્વતંત્રપણે કામ કરતા હતા. દિલીપ કુમારે એસ. મુખર્જીના ફિલ્મિસ્તાનના શહીદ (૧૯૪૮)માં કામ કરવાનું નક્કી કર્યું. એ ફિલ્મમાં તેમની સાથે સમજુ અને દેખાવડી સહકલાકાર કામિની કૌશલ (મૂળ નામ ઉમા કશ્યપ) હતાં. કામિની કૌશલ નિર્દેશકની જરૂરિયાત વિષે ખાસ ધ્યાન આપવાની કે બહુ જ લાગણીશીલ પ્રસંગોની આંતરિક સંવેદનશીલતાને ઝીલવા જેવી બાબતોમાં બહુ જ કામયાબ જણાયાં. 'શહીદ'ની સફળતાને પગલે ફિલ્મિસ્તાને દિલીપ કુમાર-કામિની કૌશલની જોડીને લઇને રવિન્દ્રનાથ ઠાકુરની 'નૌકા ડૂબી' પરથી નદિયા કે પાર (૧૯૪૮) અને શબનમ (૧૯૪૯) બનાવી.

છવીસ-સત્તાવીસ વર્ષનો, તેના જેવાં જ પ્રતિભાશાળી અને ભણેલાં સાથીદારોની સંગત પસંદ કરતો યુવાન કામિની કૌશલ તરફ, કદાચ લાગણીથી નહીં તો પણ બૌદ્ધિક સ્તરે પણ ન આકર્ષાય તો જ નવાઇ કહેવાય ! 'એને જો કોઇએ પ્રેમ કહેવો હોય તો ભલે તેમ'. દિલીપ કુમારને એક ખણખોદિયો સવાલ હંમેશાં પુછાતો રહ્યો છે કે ‘બહુ જ આત્મીય પ્રસંગોને પરદા પર ભજવતી વખતે, જો કલાકારો વાસ્તવિક જીવનમાં પણ એકબીજાની લાગણીના ગાઢ પરિચયમાં હોય તો જ લાગણીની ઉત્કટતા સહજ બની શકે – કે એવું જરૂરી નથી?' દિલીપ કુમાર આનો જવાબ 'હા અને ના'માં આપે છે અને એના સંદર્ભમાં મુગલ-એ-આઝમ(૧૯૬૦)માં પોતાના શાહજાદા સલીમ અને અનારકલી તરીકે મધુબાલાના અભિનયને તેઓ ટાંકે છે. આ પ્રસંગનું વિગતે વર્ણન પછીનાં "મધુબાલા / Madhubala " પ્રકરણમાં કરાયું છે.

આ સમય દરમ્યાન જ તેમને મહેબુબ ખાન અને નૌશાદ મિયાંને મળવાનું થયું. આ પરિચય જીવનપર્યંતની અંગત મૈત્રી અને વ્યાવસાયિક સંબંધમાં વિકસી રહ્યો, જેના પરિપાક રૂપે દિલીપ કુમારે મેલા (૧૯૪૮)માં આ જોડીની સાથે કામની શરૂઆત કરી.નીતિન બોઝ જેવા નિર્દેશકો કે દેવિકા રાણી જેવાં વરિષ્ઠ કલાકારો સાથે કામ કરતાં કરતાં જે પાઠ મળ્યા એ વિષે દિલીપ કુમાર નોંધે છે કે કોઇ પણ કલાકાર માટે ફિલ્મની સ્ક્રિપ્ટથી ઉપર ઊઠવું આમ તો મુશ્કેલ ગણી શકાય, પણ જો લેખક, કલાકાર અને નિર્દેશક સારી રીતે એકસૂત્રતાથી કામ કરે તો તેમ કરવું અશક્ય પણ નથી. વળી, કોઇ એક શૉટથી નિર્દેશક ભલે સંતુષ્ટ હોય, પણ તેને કારણે કલાકારે પોતાનું શ્રેષ્ઠ કામ કરવા માટે તેનાથી પણ વધારે મહેનત કરવાનો બાધ ન રાખવો જોઇએ. એ માટે ફરીથી શૉટ લેવો પડે તો તે કલાકારની મુન્સફીના દાયરામાં જરૂરથી આવે.

રીલમાં વ્યક્ત થયેલ અને ખરેખર જીવાયેલ જીવન /Reel Life versus Real Lifeની બહુ જ મધુરી યાદો 'મેલા' ફિલ્મ તાજી કરી મૂકે છે - પહેલી તો એ કે દિલીપ કુમારના પિતાજીએ સિનેમા હૉલમાં બેસીને આ ફિલ્મ જોઇ અને બીજી યાદ તેમની અને નૌશાદની અમીટ મિત્રતા તેમ જ તેમની અને નરગીસની બે વ્યાવસાયિક વ્યક્તિઓ વચ્ચે શકય ન હોય તેવી મિત્રતા. રાજ કપૂર અને નરગીસના સંબંધો તેમના પરદા પરના એક સાથેનાં દશ્યોને અનેરી આભા આપે તે કક્ષાના બની રહ્યા હતા. પણ દિલીપ કુમાર સાથે નરગીસનું કેમેરાની સામેનું સમીકરણ અલગ જ કક્ષાનું બની રહ્યું. તરાના (૧૯૫૧)માં મધુબાલા સાથે પણ એવું જ કંઇ સમીકરણ ગોઠવાઇ શક્યું. 'તરાના'ને દિલીપ કુમાર ઘણી દૃષ્ટિથી તેમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાંથી એક યાદગાર ફિલ્મ ગણે છે. ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં હળવી ભૂમિકાઓ કરવાનું પણ તેમને અંગ્રેજ માનસચિકિત્સકે સૂચવ્યું. ડૉક્ટરનું ચોક્કસપણે માનવું હતું કે પોતાના (ગંભીર ભૂમિકાઓના) કામને દિલીપ કુમાર તેમના અર્ધજાગૃત મનમાં ઘરે લઇ જાય છે અને સંવાદો અને દૃશ્યો તેમના મનમાં અનેક વાર ભજવાયા જ કરતાં રહે છે. જો કે દિલીપ કુમાર પોતે એ વાત તરફ સભાન હતા કે ફિલ્મોમાં તેઓ જે કંઇ કરી રહ્યા હતા તે સાવ જ કાલ્પનિક અને તેમની વાસ્તવિક જિંદગીથી, અને પોતાની જાતથી, તદ્દન વિપરીત જ હતું.

આમ દિલીપ કુમારે એમ જી રામચંદ્રન (એમજીઆર) અભિનિત તમિળ ફિલ્મ મલૈકલ્લન (૧૯૫૪)નાં હિંદી સંસ્કરણ આઝાદ (૧૯૫૫)માં કામ કરવાનું નક્કી કર્યું.આ ફિલ્મમાં મીના કુમારી સાથે કામ કરવાનો અનુભવ પણ બહુ સરસ રહ્યો. 'શબનમ'ની સફળતા બાદ તેમણે પોતાને નવી કારની ભેટ આપી હતી, તો 'આઝાદ' પછી તેમણે મુંબઇમાં પોતાનું ઘર (૪૮, પાલી હિલ) ખરીદ્યું. દિલીપ કુમાર સ્વીકારે છે આ તબક્કે તેમને મધુબાલા પ્રત્યે એક સુંદર સાથી કલાકાર તરીકે આકર્ષણ થયું હતું . એ સમયે અને ઉંમરે એક જીવનસાથીમાં અપેક્ષિત હોય તેવી ઘણી ખૂબીઓ મધુબાલામાં તેમને જોવા મળતી હતી. તેમના આ સંબંધની અફવાને કારણે ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં શરૂ કરવા ધારેલાં મુગલ-એ-આઝમની ચર્ચા ચોરે ને ચૌટે થઇ હતી. જો કે, જ્યારે મધુબાલાના પિતાની આ સંબંધમાંથી વાણિજ્યિક ફાયદો કાઢવાની દાનત નજરે પડવાને કારણે તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. ફિલ્મ બનવાના એક તબક્કે તો બંને વચ્ચે વાત કરવાના સંબંધ પણ નહોતા રહ્યા. 
અનારકલીને સલીમ સાથે તેની છેલ્લી રાત ગુજારવાની રજા મળી હતી ત્યારે તેમના પ્રેમની પ્રગાઢતાની વચ્ચે આવી પડનાર અંતરના પ્રતિક સમું એક પીછું તેમની વચ્ચે આવીને પડે છે. ફિલ્મનાં આ બહુ જ માર્મિક દૃશ્ય સમયે તો બંને વચ્ચે એકબીજાંને 'કેમ છો?' પૂછવા જેટલા સંબંધો પણ નહોતા રહ્યા. કૅમેરામાં ઝડપાતાં દૃશ્યો અને કલાકારનાં વાસ્તવિક જીવન વચ્ચેનાં અંતરનું આ એક બહુ જ અસાધારણ ઉદાહરણ ગણી શકાય.

દિલીપ કુમાર પોતાના કથાનકમાં મધુબાલા વિષે એક આખું પ્રકરણ ફાળવે છે. સામાન્ય માન્યતાથી વિપરીત, મધુબાલાના પિતા, અતા-ઉલ્લાહ ખાન, આ લગ્નસંબંધના વિરોધી નહોતા. તેમની પોતાની ફિલ્મ પ્રોડક્શનની કંપની હતી. એ સમયનાં બે સહુથી લોકપ્રિય કલાકારો તેમની કારકિર્દીના અંત સુધી તેમની કંપનીમાં બનેલી ફિલ્મોમાં હાથમાં હાથ મેળવીને ગીત ગાતાં રહે એ તેમને જોઇતું હતું. પરંતુ, દિલીપ કુમારની કામ કરવાની એક બહુ ચોક્કસ કાર્યપદ્ધતિ હતી, જેમાં એ પોતાની કંપનીની ફિલ્મ માટે પણ કોઇ જ બાંધછોડ કરે નહીં. મધુબાલાએ સમજાવવા બહુ કોશિશ કરેલ. તેનું માનવું હતું કે આ બધી બાબતો પર તો લગ્ન પછી પણ નિરાંતે વિચારી શકાય. આ સંજોગોમાં એ બંને લગ્ન ન કરે એટલું જ નહીં પણ એ વિષે જરા સરખી પણ ફેરવિચારણા કરવાનો અવકાશ ન રહે એ એક જ ઉકેલ બંને કલાકારો માટે શ્રેષ્ઠ માર્ગ હતો. દિલીપ કુમાર એ બાબતે પણ બહુ સ્પષ્ટ છે કે આ વિચ્છેદે તેમના પર કોઇ અવળો પ્રભાવ નહોતો પાડ્યો. આ પછીથી સાયરા બાનુ સાથે લગ્ન કરવાની ઘડી સુધી ન પરણવાના તેમના નિર્ણયની પાછળ પોતાની નાની બહેનોનાં લગ્ન જેવા પ્રશ્નો માટે ધ્યાન આપવા સિવાય અન્ય કોઈ કારણ નહોતું. તેમના માટે તેમનાં ભાઈ બહેનનાં સુખ અને કલ્યાણ હંમેશાં મુખ્ય રહ્યાં છે. મધુબાલાના પિતાએ તેને બી આર ચોપરાની નવી ફિલ્મ નયા દૌરના આઉટડોર શુટિંગના મુદ્દે કાયદાની લડતમાં ઉલઝાવી નાખી. નયા દૌર આખરે, મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાને લઈને ૧૯૫૭માં થિયેટરોમાં રજૂ થયું. પ્રચાર માધ્યમોમાં એમ ચીતરવામાં આવ્યું કે આની પાછળ દિલીપ કુમારનો દોરી સંચાર હતો, પણ હકીકત તો એ છે કે મધુબાલાના પિતાને પોતાની દીકરી પર હકુમત સાબિત કરવાનું ઝનૂન ચડ્યું હતું; તેમાં, મધુબાલાની કારકિર્દી પર અવળી અસર પડી.

વૈજયંતિમાલા સાથેના વ્યાવસાયિક સંબંધો માટે પણ દેવદાસ, નયા દૌર અને તે પછી/ Devdas, NayaDaur and Beyond જેવાં શીર્ષક હેઠળના પ્રકરણમાં ખાસ સ્થાન ફાળવવામાં આવ્યું છે. વૈજયંતિમાલા સાથે સાત ફિલ્મો પૈકી પહેલી ફિલ્મ, દેવદાસ (૧૯૫૫), માટે હા પાડવામાં દિલીપ કુમાર થોડા દ્વિધામાં હતા. એક બાજુ એક એવું પાત્ર હતું જે પોતાના પ્રેમની નિષ્ફળતાને દારૂના નશામાં ડુબાડીને ભુલાવવા માગે છે, જે યુવા દર્શક વર્ગ પર ખાસી અવળી છાપ પાડી શકે. આમ આ કલાકારની નૈતિક જવાબદારીની ચિંતા હતી. તો બીજી તરફ કે એલ સાયગલ જેવા અભિનેતાએ હાંસિલ કરેલી બુલંદીની સામે પોતાની અભિનયક્ષમતાને ચકાસવાની એક જીવનમાં એક જ વાર આવતી એવી આગવી તક હતી. ફિલ્મ જગતના ઇતિહાસમાં એક અનોખો માપદંડ ઊભો કરી શકાય એવી એ તક હતી.. ખ્યાતનામ સાહિત્યકાર રાજિંદર સિંહ બેદીની કલમે લખાયેલા, ફિલ્મમાંના કેટલાક સંવાદ તો સમયના કેટલાય વાળાઢાળા પછી પણ યાદ કરાય છે. (સંવાદ રજૂ કરવાની આગવી કળા એ દિલીપ કુમારની ખાસ ઓળખ રહી છે. આવા કેટલાય યાદગાર સંવાદો પૈકી પાંચ સંવાદો અહીં રજૂ કરેલ છે.)

દેવદાસ પછી આ જોડી બિમલ રોયની જ નવી ફિલ્મ, મધુમતી (૧૯૫૮)માં ફરીથી પેશ થઇ. આ ફિલ્મમાં વૈજયંતિમાલાની અદાકારી દિલીપ કુમારનાં ખાસ વખાણ મેળવી ગયેલ છે. ફિલ્મમાં આમ તો ત્રણ ત્રણ પુનર્જન્મોના પાત્રને કારણે વૈજયંતિમાલાનાં પાત્રને મહત્ત્વ મળે તેમ માનવામાં કંઈ ખોટું નથી, પણ આ આખી વાત ફિલ્મના નાયક (દિલીપ કુમાર)ની આંખેથી રજૂ કરાયેલ છે એટલે દિલીપ કુમારનું પાત્ર પણ ફિલ્મના કેન્દ્રમાં બની રહે છે. વૈજયંતિમાલા કરતાં એક ડગલું આગળ રહેવાની બીજી એક ઘટના પયગામ (૧૯૫૯)ના શૂટિંગ દરમિયાન બની હતી. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સૅટ્સની મુલાકાતે આવવાના હતા. બધાંને એમ હતું કે નહેરુને મુખ્યત્વે તો વૈજયંતિમાલાની નૃત્યકળા જ ખેંચી લાવતી હશે. પણ નહેરુજી એ તો આવતાંની સાથે જ યુસુફને યાદ કરીને દિલીપ કુમારનો છાકો પાડી દીધો હતો. ‘નયા દૌર’ના શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે વૈજયંતિમાલાની ગ્રામીણ યુવતીને આત્મસાત કરી શકવાની આવડતની ખાસ નોંધ લીધી અને તેમના મનમાં રમી રહેલી ગંગા જમુના(૧૯૬૧)ની ભાવિ મુખ્ય નાયિકા માટે તેને નક્કી કરી લીધી.

અહીં સુધી પહોંચીને દિલીપ કુમાર ફરી એક વાર કૌટુંબિક મોરચે/ On The Domestic Front બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ તરફ નજર કરી લે છે. ૫ માર્ચ ૧૯૫૦ના રોજ તેમના પિતાજીનો દેહવિલય થયો. દિલીપ કુમારને આ તબક્કે એ વાતનો સંતોષ રહ્યો છે કે તે પિતાજીની અપેક્ષાઓએ ખરા ઉતરી શક્યા હતા.

ગંગા જમનાનું મહત્ત્વ દિલીપ કુમારની કારકિર્દીનું એક અંગત સીમાચિહ્ન હતું, એટલે ગંગા જમના બનાવવાની સખત મહેનત અને તે પછીની ઘટનાઓ / Travails of Film Making: “Gunga Jumna And After ને બહુ જ વિગતે યાદ કરવામાં આવે તે બહુ સ્વાભાવિક છે. દિલીપ કુમારનું પાત્ર, સમાજમાં તેનો જે કાયદેસરનો હક હતો તે માત્ર તેની ગરીબીને કારણે તેની પાસેથી છીનવાઈ જતાં ડાકુ બની જતા ગંગાનું છે. જે સમાજ કે કાયદો પૈસા અને સત્તાનો પક્ષ લઇને ગરીબ અને અસહાયને અન્યાય કરે છે તેની સામે બગાવત કરતા મોટા ભાઇ અને કાયદાની રખવાળીની જવાબદારી નિભાવતા પોલિસ ઑફિસર નાના ભાઈની લાગણી અને ફરજનો વિરોધાભાસ વાર્તાની કેન્દ્રીય વિચારધારા છે. દિલીપ કુમાર આ પહેલાં પણ 'એન્ટી-હીરો'ની નકારાત્મક છાંયવાળી ભૂમિકાઓ અમર (૧૯૫૪) અને ફુટપાથ (૧૯૫૩)માં ભજવી ચૂક્યા હતા. પરંતુ આ ભૂમિકા એ સમયના સામાજિક જીવનની એક કડવી બાજુને પ્રતિબિંબિત કરતી હતી. ખેર, જીવનમાં નવાઇભર્યા વળાંકો તો આવતા જ રહે છે. દિલીપ કુમારનાં જીવનમાં બહુ મહત્ત્વની ઘટનાઓ સાથે સંકળાવાની હતી તેવી ૧૯૬૭ની ફિલ્મ રામ ઔર શ્યામની શરૂઆતમાં વિવાદનાં વમળ ઊઠ્યાં હતાં. ફિલ્મમાં નાયિકાની ભૂમિકા માટે વરાયેલ વૈજયંતિમાલાને ફિલ્મ નિર્માતા સાથે કોઇ બાબતે મતભેદ પડ્યો, જેને કારણે તેને ફિલ્મમાંથી જ દૂર કરી અને એ પાત્ર વહીદા રહેમાનને ફાળવી દેવામાં આવ્યું. આમ સાત સાત ફિલ્મોમાં સાથે કામ કરવાના સંબંધનો અંત કડવાશના સૂરમાં આવ્યો.

'મને સમજ નથી પડતી કે આ મને મારા વારસામાં મળેલ છે કે મારાં ઉછેરનાં વાતાવારણમાંથી મારામાં ઉતરી આવેલ છે.' એવો વિચાર જાહેર જીવનમાં ઉમદા કાર્યો કરવામાટેની નવી ભૂમિકા / A New Role: Taking Up Noble Causes વિષે દિલીપ કુમારના મનમાં રમ્યા કરે છે. આચાર્ય જે બી કૃપલાણીની સામે વી કે કૃષ્ણ મેનન માટે, ૧૯૬૨ની લોકસભાની ચુંટણીમાં મુંબઈની બેઠક માટે પ્રચારમાં સક્રિય ભાગ લેવાથી માંડીને ૧૯૮૦માં મુંબઇના શેરિફ સુધીની ભૂમિકા કે નેશનલ એસોશિએશન ઑફ બ્લાઇન્ડ(NAB)ના અધ્યક્ષ તરીકે કે સન ૨૦૦૦-૨૦૦૬માં રાજ્યસભાના સભ્ય તરીકેની કામગીરીની વાત બહુ રસપ્રદ રહે છે.

રામ ઔર શ્યામ પછી ફિલ્મક્ષેત્રમાંથી સક્રિય કક્ષાએ નિવૃત્તિ લેવી કે કેમ એ વિમાસણમાં હતા તેવી જ વિમાસણના ત્રિભેટે દિલીપ કુમાર બૈરાગ (૧૯૭૬) બાદ ફરીથી અટવાઈ ગયા હતા. જો કે પહેલી વાર તો સાયરાબાનુની આગ્રહપૂર્વકની સમજાવટથી જ એમણે ફરીથી સ્ક્રિપ્ટ જોઈ તો એમને એમાં ઊંડાણ દેખાયું. ‘બૈરાગ’ પછીના લગભગ પાંચ વર્ષના અર્ધસંન્યાસનું કારણ એ આર કારદારે તેમના પર ઠોકી બેસાડેલ કાયદાકીય વિવાદ હતો. આ લડતના અંત ભાગમાં મનોજ કુમાર તેમની પાસે ક્રાંતિ (૧૯૮૧)નો પ્રસ્તાવ લઇને આવ્યા, જે દિલીપ કુમારની કારકિર્દીની બીજી ઇનિંગ્સ / The Second Inningsનો પ્રારંભ બની રહી.એ પછી સુભાષ ઘઈની વિધાતા (૧૯૮૨) આવી જેમાં તેમણે એન્જીન ડ્રાઇવરના જીવનની વાસ્તવિકતાઓને પરદા પર જીવંત કરી.
clip_image015

તે પછી સુભાષ ઘઈ સાથે તેમણે કર્મા (૧૯૮૬) અને સૌદાગર (૧૯૯૧)માં પણ કામ કર્યું. ‘સૌદાગર’માં રાજ કુમાર સાથે કામ કરવા અંગે એ સમયે ખાસી કાનાફૂસીઓ થઇ હતી! એ જમાનાના 'એન્ગ્રી યંગમેન' અમિતાભ બચ્ચન સાથેની તેમની શક્તિ(૧૯૮૨)ની ભૂમિકાની સરખામણીએ પણ ચર્ચાજગતને ગરમ રાખેલું. મશાલ (૧૯૮૪)માં તેમના નિર્ભીક, સાચા અને આખાબોલા પત્રકાર-તંત્રી, વિનોદ કુમારના પાત્રને તેમણે જે રીતે જીવંત કર્યું હતું તેને દર્શકો અને વિવેચકોએ ખૂબ પસંદ કર્યું હતું. દિલીપ કુમાર યાદ કરે છે કે આ ફિલ્મમાં તેમની પત્નીને બચાવવા માટે રસ્તેથી પસાર થતા ગાડીવાળાઓને કાકલૂદી કરવાનો જે હૃદયસ્પર્શી અભિનય કર્યો હતો ત્યારે તેમનાં માતાને આવેલા દમના હુમલા વખતે તેમના પિતાજીનો દાકતરને બોલાવવા માટેનો વલોપાત તેમની નજર સામે તરી રહ્યો હતો.
દિલીપ કુમારની ફિલ્મ સફર અહીં વાંચી શકાશે.


હવે પછી, ૯ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો ત્રીજો મણકો 'સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન'  વાંચી શકાશે.