Sunday, April 2, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : એંજિનીયરિંગ ડ્રોઈંગ [૨]

 

યાદગીરીઓનાં પડોમાં કોતરાઈ ગયેલી પ્રાયોગિક એન્જિનયરિંગ ડ્રોઈંગ સાથે પરોક્ષ રીતે સંકળાયેલી કેટલીક અવનવી યાદો 

એન્જિનિયરિંગ ડ્રોઇંગના પ્રેક્ટીકલ્સનું નામ પડતાં જ સૌ પ્રથમ તો માનસ પટ પર એ માટેના વિશાળ હૉલનું ચિત્ર ખડું થઈ જાય. એ ચિત્રમાં ડ્રોઈંગ બોર્ડ મુકવાનાં વિશાળકાય ટેબલોની વ્યવસ્થિત ગોઠવાયેલી હારો મુકીએ, કે આખી બેચના બધા જ વિદ્યાર્થૈઓને તેમાં કામ કરતા જોઈએ કે એ એક સાથે બધાંનાં બોર્ડ ટેબલની અંદર મુકતી વખતે થતા કે બહાર કાઢતી વખતે થતા અવાજો તેમાં ભરીએ કે પછી બધાજ વિદ્યાર્થીઓ લગભગ એક સાથે હૉલમાં દાખલ થાય કે બહાર નીકળે ત્યારે તેમના પાદચાપના અવાજો પણ ભરીએ તો પણ ખુબ જ લાંબા ને ખુબ જ ઉંચા એ હૉલની ખાલી જગ્યા ખાલી ખાલી જ લાગ્યા કરે.

આવી બીજી એક યાદને દિલીપ વ્યાસ આ શબ્દોમાં વર્ણવે છે - "એલ ડી એન્જિયરિંગના મારા દિવસોને યાદ કરતાં વેંત જે ચિત્ર મારા મનમાં દોરાઈ જાય છે તે મસમોટાં ડ્રોઇંગ બોર્ડ અને તેની સાથે ડ્રોઈંગ ક્લિપ્સથી ચોંટાડેલ ટી-સ્કેવરને જમણી બગલમાં આખા લબાયેલા જમણા હાથથી પકડી અને ડાબા હાથથી સઈકલના હેંડલ બારને પક્ડી સાઇકલની દિશા સાચવતાં સાચવતાં કરેલી બોર્ડને કોલેજ લઈ જવાની કે કોલેજ થી પાછા લઈ આવવાની એ સાઈકલ સવારીઓનું છે. આજે વિચારતાં હજુ પણ નવાઈ લાગે છે કે આજે મારે જો એમ કરવાનું આવે તો સો  ડગલાં પણ મારાથી  માંડ સાઇકલ ચલાવી શકાય તો એ જમાનામાં એ કામ કેમ આટલી સરળતાથી કરી શકાયું હશે !"


જોકે અમારે તો એલ કોલોનીનાં અમારાં ઘરોથી થોડાક જ કિલોમીટરના અંતરે આવેલી કોલેજ સુધી આવી હેરતભરી સાઈકલ સવારી કરવાની હતી. વળી એ સમયમાં આખા રસ્તે ખાસ ટ્રાફિક પણ ન રહેતો. તેની સામે ખીચોખીચ ભરેલ એએમટીએસની બસોમાં કે ભરચક ટ્રાફિકવાળા રસ્તાઓ પરથી દૂર દુરથી સાઈકલ પર અમારા સહપાઠીઓ આવડાં ડ્રોઈંગ બોર્ડને કેમ લઈ આવતા હશે તે તો મને ન તો તે સમયે કે ન તો આજે સમજાય છે !

સદ્નસીબે, ભલે કદાચ સગવડ ખાતર જ પણ, બહુ સારી રીતે  પ્રસ્થાપિત થયેલી પરંપરા મુજબ બોર્ડ લઈ આવવાનું ટર્મની શરૂઆતમાં અને ઘરે પાછા લઈ જવાનું ટર્મના અંતમાં એક જ વાર કરવાનું આવતું. કેટલાક પહોંચેલા મિત્રો તો ટર્મ પુરી થયા પછી પણ હોસ્ટેલની પોતાની રૂમ જાળવી રાખતા હતા. એટલે અમુક મિત્રો એ રૂમોમાં પણ ડ્રોંઈંગ બોર્ડને મુકી દેતા. 

મારાં શરીર સાથે જોડાયેલી એક નબળાઇની એક અંગત યાદ પણ મારા માનસપટ પર કોતરાઈ ગઈ છે. ઋતુફેર સમયે કે ધુળીયાં કે સુકાં વાતાવરણ દરમ્યાન મને સાઈનસની એલર્જી પજવે છે.  ડ્રોંઈગના હૉલમાં તો હવામાં ધુળનાં નરી આંખે ન દેખાતાં રજકણો હંમેશાં તર્યાં કરતાં હોય. એટલે ડ્રોઈંગ હૉલમાં દાખલ થયાના થોડા જ સમયમાં મારૂં નાક વરસાદી ઝરણાની વહેવા લાગતું. એ સમયે મારી સાથે બીજો રૂમાલ રાખવાની મેં આદત કેળવી હતી. પરીક્ષા જેવા, હૉલમાંથી લાંબો સમય બહાર ન નીકળી શકાય એવા ખાસ પ્રસંગોએ તો હું એક હજુ વધારાનો સુતરાઉ નેપકીન પણ સાથે રાખતો. આજે પણ સાઈનસના હુમલાની ઋતુમાં બીજો રૂમાલ અને તેથી પણ વધારે જરૂર સમયે બીજો નેપકીન હું સાથે રાખું છું. 

બીજી એક યાદ છે રાતના થતી મહેફિલો અને ખાણીપીણીની. ટર્મના અંતમાં અધુરાં રહી ગયેલ ડ્રોંઈગ શીટ્સ કે  ન લખાયેલી જર્નલોને પુરી કરવા માટે હોસ્ટેલના રૂમોમાં રાત પડ્યે ગ્લાસ ટ્રેસિંગ કે સમુહ નકલો કરવાની બેઠકોના દૌરની  એ સીઝન રહેતી. અમારા જેવા કેટલાક મિત્રો યેનકેન પ્રકારેણ, સખેદખે પણ, તેમનાં આ કામો તો ટર્મ પુરી થાય ત્યાં સુધીમાં પુરાં કરી લેતા હતા. પણ જે મિત્રો એ કામો પુરાં ન કરી શકતા, કે ધરાર નિયત સમયમં ન જ કરતા,  એ લોકોના રાત પડ્યે હોસ્ટેલના રૂમો પર ધામા પડે. અમે લોકો પણ અમારા મિત્રોની સાથે ખભેખભો મેળવવાનો ધર્મ બજાવવા (જોકે  ખરેખર  તો એ સમયે જામતી મહેફિલોની રંગતો માણવા) હોસ્ટેલ પર પહોંચી જતા. સમોસા, દાળવડાં, ભજીયાંના નાસ્તાઓ સાથે ગરમાગરમ ચાના ગ્લાસો કલાકે કલાકે અવિરતપણે પહૉંચાડતાં રહેવાની જવાબદારી અમારા જેવાઓને ફાળે આવતી. આ ઉપરાંત સોલ્જરીમાં ઉધરાવેલ ફાળા અને ખરેખર થયેલાં ખર્ચના પાકા હિસાબો રાખવાની જવાબદારી પણ અમારે નિભાવવાની હોય.   

મારૂં માનવું છે કે એન્જિયરિંગના અભ્યાસના બોજાને - જોકે ખરેખર એવું હતું કે કેમ તેનો જવાબ તો દરેકે પોતાના આત્માને પુછીને જ દેવો રહ્યો - સરળતાથી વહન કરી શકવામાં પ્રેક્ટીકલ્સની આવી હળવી પળો માટે દરેક વિદ્યાર્થીએ શુક્રગુજાર રહેવું જોઈએ ! 

 

હવે પછી વર્કશોપ્સમાં અણઆવડતોનાં પરાકમોની વાત.....

1 comment:

સુરેશ જાની said...

અમારા વખતમાં પણ( ૧૯૬૪ પહેલાં ) દરેકને બોર્ડ મૂકાય અને તાળું મારી શકાય એવું ટેબલ આપવામાં આવતું હતું . માત્ર વર્ષના છેવાડે એ ખાલી કરી આપવાનું રહેતું હતું.