Showing posts with label Mohammad Rafi- first solo with music director. Show all posts
Showing posts with label Mohammad Rafi- first solo with music director. Show all posts

Saturday, December 29, 2018

સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત : ૧૯૫૭ અને ૧૯૫૮


૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીનાં ગીતોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે, અને દરેક વર્ષે, જુલાઇ અને ડીસેમ્બર મહીનાઓમાં,આ વિષયને અનુરૂપ ગીતો સાંભળવાનો ઉપક્ર્મ પ્રયોજ્યો હતો.
અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
§ પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને
- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
§ બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને
- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭

§ ત્રીજો પંચવ્રષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮
- ૧૯૫૪ -૧૯૫૫ : ૭ જુલાઈ, ૨૦૧૮
- ૧૯૫૬ : ૯ ડીસેમ્બર, ૨૦૧૮
૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં છેલ્લાં બે વર્ષ ૧૯૫૭ અને ૧૯૫૮નાં મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલ વહેલાં સૉલો લેતાં ગીતો આજે યાદ કર્યાં છે.
૧૯૫૭
image

૧૯૫૭માં મોહમ્મદ રફીનાં ૧૮૭ જેટલાં સૉલો ગીતો સાંભળવા મળે છે. અત્યાર સુધી જે સંગીતકારો તેમની પાસેથી ગીત ગવડાવતા થયા હતા તેમાં ૧૯૫૬નાં વર્ષમાં અનિલ બિશ્વાસ, અજીત મર્ચન્ટ, શિવરામ કૃષ્ણ જેવા ૧૯૫૬માં રફી પાસે પહેલ વહેલી વાર સૉલો ગીત ગવડાવ્યુ હતા તેવા સંગીતકારો પણ હવે ઉમેરાતા જોવા મળે છે.
૧૯૫૭માં મોહમ્મદ રફીનાં સીમા જે ચિહ્ન ગીતોને યાદ કરવાં જ ન પડે તેમની અહીં નોંધ લઈએ - ચલ ઊડ જા રે (ભાભી, ચિત્રગુપ્ત), મોહબ્બત ઝિંદા રહેતી હૈ (ચંગેઝ ખાન , હંસ રાજ બહલ), જનમ જનમે કે ફેરે (જનમ જનમ કે ફેરે, એસ એન ત્રિપાઠી), ઝિંદગી ભર ગ઼મ જુદાઈકા તડપાયેગા (મિસ બોમ્બે, હંસ રાજ બહલ), ના મૈં ભગવાન હું (મધર ઈન્ડિયા, નૌશાદ), યે હસરત થી ઈસ દુનિયામેં (નૌશેરવાને અદિલ, સી રામચંદ્ર), આના હૈ તો આ (નયા દૌર, ઓ પી નય્યર) જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ (પ્યાસા, એસ ડી બર્મન), યું તો હમને લાખ હસીં દેખે હૈં (તુમસા નહીં દેખા, ઓ પી નય્યર), વગેરે
૧૯૫૭નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલં સૉલો ગીતોની સંખ્યા પ્રમાણમાં પાંખી કહી શકાય તેવું પહેલી નજરે લાગે છે, પણ જેટલાં ગીતો છે તે ઓછી સંખ્યાને ભુલાવી દેવા માટે પૂરતાં નીવડે છે.

દત્તારામ (વાડકર)નું મોહમ્મદ રફી સાથેનું પહેલ વહેલું સૉલો ગીત બાળ ગીતોના ખાસ પ્રકારમાં સદાબહાર ગીત બની રહ્યું. જો કે પછીથી ક્યાંઇક સંજોગોવશાત અને ક્યાંઇક પોતાની પસંદને કારણે દત્તારામે મુકેશ અને મન્ના ડેના સ્વરોનો પણ ઠીક ઠીક ઉપયોગ કર્યો છે.

ચુન ચુન કરતી આયી ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં – ગીતકાર: શૈલેન્દ્ર
આ ગીત એટલી હદે લોકચાહના મેળવતું રહ્યું છે કે તેના વિષે બીજું કંઇ જ કહેવાપણું નથી રહેતું. દત્તારામે તેમની શરૂઆતની ફિલ્મોમાં આવાં બીજાં પણ સદાબહાર ગીતો આપ્યાં, પણ તેમની કારકીર્દીને સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડવામાં આ ગીતો કામયાબ ન રહ્યાં.


રામનાથ ના નામે બીજી જે એક માત્ર ફિલ્મ બોલતી જણાય છે તે ૧૯૪૭ની તમિળ આવૃત્તિનું હિંદી સંસ્કરણ 'મીરા' છે.

રાધે શ્યામ દુનિયા દૂર સે સુહાની - આદમી – ગીતકાર: સરતાજ રહમાની
આ ગીત મેં પહેલી વાર જ સાંભળ્યું છે.



જયદેવની પહેલી સ્વતંત્ર ફિલ્મ, જોરૂકા ભાઈમાં મોહમ્મદ રફીનું કોઈ ગીત નથી. જોકે પછીથી જયદેવ-રફીનાં સંયોજન પાસેથી આપણને બેનમૂન ગીતો સાંભળવા મળવાનાં છે.

બુધ્ધમ શરણમ ગચ્છામિ - અંજલિ – ગીતકાર: ન્યાય શર્મા
આ ગીતની લોકસ્વીકૃતિ અનિલ બિશ્વાસે મન્નાડેના સ્વરમાં રચેલ આ જ મુખડા પરનાં 'અંગુલીમાલ (૧૯૬૦)નાં ગીત જેટલી નથી બની. જયદેવની બીજી ઘણી રચનાઓ જેમ પણ આ રચના 'માસ' માટે નહીં પણ 'ક્લાસ' માટે બની રહી..



વિએ ફિલ્મ જગતમાં પદાર્પણ ૧૯૫૫ની ફિલ્મ 'વચન'થી કર્યું. મોહમ્મદ રફી સાથેનાં તેમના સંબંધનઈ નિશાની આ ફિલ્મનાં બે યુગલ ગીતોમાં જોવા મળે છે. જબ લિયા હાથમેં હાથ 'ટાંગા' ગીતોમાં અગ્રીમ સ્થાન ભોગવે છે તો ઓ બાબુ એક પૈસા દે દે તો ભીખારી ગીતોના પ્રકારમાં સીમા ચિહ્ન ગીત બની રહ્યું.

દિલ કિસી કો દોગે કિસી કે આખિર હોગે - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
અહીં પણ જ્હોની વૉકરની અદાકારીની શૈલીને માપોમાપ બંધ બેસતું ગીત સાંભળવા મળે છે.


કિસ કે લિયે રૂકા હૈ કિસ કે લિયે રૂકેગા, કરના હૈ જો ભી કર લે યે વક઼્ત જા રહા હૈ - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
બેકગ્રાઉંડમાં ગવાતાં ફિલ્મનાં શીર્ષક ગીતના પ્રકારનો રવિનો પહેલો પ્રયોગ પણ અગ્રીમ સ્થાનની કક્ષાનો બની રહ્યો છે.
મોહમ્મદ રફી સાથે પાંગરી રહેલા રવિના સંબંધોમાં આ બન્ને ગીતોનું મહત્ત્વ સમજવા માટે આ ફિલ્મમાં રવિએ રચેલાં અન્ય પુરુષ સ્વરનાં બે ગીતો - હેમંત કુમારના સ્વરમાં ગવાયેલ યુગલ ગીત ઉલજ ગયે દો નૈના અને તલત મહમૂદના સ્વરમાં ગવાયેલ સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા-ની નોંધ લેવી જોઈએ -



બસંત પ્રકાશની હિંદી ફિલ્મ સંગીતની કારકીર્દી ૧૯૪૨થી શરૂ થઈ હતી. એટલે મોહમ્મદ રફી સાથે કામ કરવાવાળા વિન્ટેજ એરાના સંગીતકારોની કક્ષામાં તેમનું સ્થાન બને છે. જોકે આ બન્નેનો સૉલો ગીત માટેનો મેળાપ છેક ૧૯૫૭ની ફિલ્મ 'મહારાણી'માં થયો છે.આ ફિલ્મમાં રફીનાં બે સૉલો ગીતો છે - ધરતી માં કે વીર સિપાહી જીને મરને આજ અને ગજર બજ રહા હૈ સહર હો રહી હૈ. મને આ બન્ને ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી.

એસ હરિદર્શન એક એવા અજાણ્યા સંગીતકાર છે જેમનાં રફીનાં પ્રથમ સૉલો ગીત આયા કરકે ભેશ નીરાલા (શાહી બાઝાર)ની પણ ડિજિટલ લિંક નથી મળી શકી.

૧૯૫૭નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાણ પ્રથમ સૉલો ગીતોની વાત કરતાં કરતાં એક એવું ગીત યાદ આવી ગયું છે જે તકનીકી રીતે તો આ પૉસ્ટનાં કાર્યક્ષેત્રની બહાર છે, પણ અહીં યાદ કરી લેવાનો લોભ રોકાઈ ન શકે તેવું છે - જવાન હો યા બુઢિયા યા નન્હી સી ગુડિયા - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ -




૯૫૮
૧૯૫૮નું વર્ષ પણ મોહમ્મદ રફી માટે ખાસ્સું ફળદાયી રહ્યું હતું. આ વર્ષમાં તેમનાં ૧૭૭ સૉલો ગીતો સાંભળવા મળે છે જેમાંથી સીમા ચિહ્ન રૂપ ગીતોની સંક્ષિપ્ત યાદી પણ પ્રભાવશાળી છે - તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, મદન મોહન); ભલા કરનેવાલે ભલાઈ કિયે જા (ઘર સંસાર, રવિ); હમ બેખુદી મેં તુમ કો પુકારે (કાલા પાની, એસ ડી બર્મન); ટૂટે હુએ ખ્વાબોંને હમકો યે શીખાયા હૈ (મધુમતી, સલીલ ચૌધરી); મન મોરા બાવરા (રાગીણી, ઓ પી નય્યર); આજ ગલીયોં મેં તેરી આયા હૈ દીવાના તેરા (સોહિણી મહિવાલ, નૌશાદ); રાત ભર કા મહેમાં હૈ અંધેરા (સોનેકી ચિડીયા, ઓ પી નય્યર); વગેરે

સંગીતકાર સાથે સૌથી પહેલાં સૉલો ગીતોની સંખ્યા પણ આ વર્ષે ખાસ્સી એવી કહી શકાય તેટલી છે.

મુકુલ રોય (ગીતા રોય [દત્ત]ના ભાઈ)એ હિંદી ફિલ્મ જગતમાં સંગીતકાર તરીકે પદાર્પણ ૧૯૫૬ની ફિલ્મ 'સૈલાબ'થી કર્યું, જે તેમણે ગીતા દત્તની સાથે નિર્માણ પણ કર્યું હતું.

છોડીયે ગુસ્સા હુઝુર ઐસી નારાઝગી ભી ક્યા - ડીટેક્ટીવ – ગીતકાર: શૈલેન્દ્ર
ગીતા દત્ત.કોમનાં પાનાં પર જણાવેલ માહિતી મુજબ આ ગીત ,અને ખાસ તો અંતરાનું સંગીત, જિમ રીવ્સનાં ૧૯૫૩નાં ગીત "Bimbo" પરથી પ્રેરીત છે.



બહુ ઝીણું કાંતીએ તો ખય્યામનું પદાર્પણ તો ૧૯૪૯ની ફિલ્મ 'પર્દા'માં થી ચૂક્યું છે. પણ ત્યારે તેમણે 'વર્માજી'નું તક્ખલુસ વાપર્યું હતું. હવે તેમનાં જે નામથી તેમની કારકીર્દીની આખી સફર કંડારાઈ છે તે નામથી તેઓ આપણી સમક્ષ પેશ થાય છે. આ વર્ષમાં તેમની બે ફિલ્મો છે. 'લાલા રૂખ'નું કૈફી આઝમીએ લખેલું મોહમ્મદ રફીનું સૉલો ગીત 'હૈ કલી કલી કે લબ પ તેરે હુશ્ન કા ફસાના મુખ્ય કલાકાર પર ફિલ્માવાયું નથી તો પણ સીમાચિહ્ન બની રહ્યું છે. એટલે પહેલ વહેલાં સૉલો ગીત માટે આપણે બીજી ફિલ્મ 'ફિર સુબહ હોગી' પર નજર કરીએ.

સબકી હો ખૈર બાબા સબ કા ભલા, દે દે ભૂખે કો રોટી કા ટુકડા - ફિર સુબહ હોગી – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ફિલ્મમાં કદાચ સૌથી ઓછું ધ્યાન ખેંચતું ગીત આ હશે. જો કે સાહિર લુધ્યાનવીએ તો તેમને પોતાના ક્રાંતિકારી વિચારોને રજૂ કરવાની મળેલી તક બન્ને હાથોથી ઝડપી લીધી છે. મોહમ્મદ રફી તો હવે આ પ્રકારનાં ગીતોની આગવી અદાયગી માટે નિપુણ થી જ ચૂક્યા છે.
સાહિર અને ખય્યામ બન્નેની પોતાની કળા પરની હથોટીની કમાલ જોવી હોય તો પ્રસ્તુત ગીતથી બિલકુલ ઉલ્ટા મુડનું રફી-મુકેશનું યુગલ ગીત - જિસ પ્યાર મેં યે હાલ હો- યાદ કરી લેવું જોઈએ.



આર સુદર્શનમ તમિળ ફિલ્મોના સંગીતકાર છે અને હિંદી ફિલ્મો સાથે તેમનો સંબંધ માત્ર તમિળમાંથી હિન્દીમાં બનતી ફિલ્મો પૂરતો જ હશે.

જિસ દિલમેં લગન મંઝિલ કી હો - મતવાલા – ગીતકાર: હર ગોવિંદ
ઘોડા ગાડીના જાણીતા પ્રકારનાં ગીતમાં પણ રફી સાહેબે ઊંચા સ્વરમાં ગવાતી સાખીની સાથે ગીતની દ્રુત લયને પણ કમાલનો ન્યાય કર્યો છે.



ઈક઼બાલ ક઼ુરૈશી સંગીતકારોમાં ખાસ્સું જાણીતું નામ છે, જેમને તેમનાં કળાકૌશલ મુજબની સફળતા ન વરી. અહીં તેઓ ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.

મિલકે બૈઠો જોડો બન્ધન - પંચાયત – ગીતકાર: શકીલ નોમાની
ફિલ્મની વાર્તાને રજૂ કરવામાં બેકગ્રાઉન્ડ ગીતોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.પ્રસ્તુત ગીતમાં પણ ફિલ્મની કથાનું હાર્દ વણી લેવાયું છે.



આદીનારાયણ રાવ પણ તેલુગુ-તમિળ ફિલ્મોમાં બહુ ખ્યાત સંગીતકાર તરીકે સ્થાન પામતા રહ્યા છે. અહીં જે ફિલ્મ - સુવર્ણ સુંદરી-નાં ગીતો રજૂ કર્યાં છે તે ફિલ્મના નિર્માતા પણ તેઓ જ છે.

રામ નામ જપના પરાયા માલ અપના - સુવર્ણ સુંદરી - ગીતકાર: ભરત વ્યાસ
ફિલ્મનાં હિંદી સંસ્કર્ણ માટે કરીને આ 'ફોર્મ્યુલા' ગીત ખાસ તૈયાર થયું હશે એવું લાગે છે.


મા મા કરતા ફિરે લાડલા - સુવર્ણ સુંદરી – ગીતકાર: ભરત વ્યાસ
જ્યારે પાત્રો સંવાદ વડે ફિલ્મની વાર્તા આગળ ન વધારી શકે ત્યારે બેક ગ્રાઉન્ડ ગીત કેવું ઉપયોગી નીવડી શકે છે તેનો સચોટ દાખલો પ્રસ્તુત ગીતમાં જોવા મળે છે.



ધની રામ, કેટલીક દસ્તાવેજી નોંધ અનુસાર વિનોદ અને ઓ પી નય્યર જેવા સંગીતકારોના ગુરૂ રહ્યા છે.

બોટલ મેં બંદ જવાની પીતે પીતે દિલ જાની - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
શરાબી ગીત પણ હિંદી ફિલ્મનાં ગીતોનો એક આગવો પ્રકાર રહ્યો છે. પ્રસ્તુત ગીતમાં તેમાં દુત લયનો પ્રયોગ, બહુ અસરકારકપણે કરવામાં આવ્યો છે.


ઈસ તક઼દીર કે આગે કોઈ ભી તબદીર ચલતી હૈ, અગર ચલતી હૈ દુનિયામેં બસ તક઼દીર ચલતી હૈ, ઈસ તક઼દીર કે આગે ઝૂક ગયે.. - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
આ પણ બેકગ્રાઉન્ડ ગીત જણાય છે. જે ફિલ્મનાં ટાઈટલ્સમાં મૂકાયું હોય છે.



મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે સૌથી પહેલં ગીત સાથે એ વર્ષમાં સાંભળવા મળેલું અનોખું, પણ વિસરાતુંહોય, તેવું ગીત મૂકવાનો લોભ, મદન મોહનની આ રચના સાંભળતાં વેંત હવે તો સ્વીકૃત પરંપરા બનવા લાગી છે !

બડા હી સીઆઈડી હૈ યે નીલી છતરીવાલા - ચંદન (૧૯૫૮) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ


મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલાં સૉલો ગીતબા ત્રીજા પંચવ્ર્ષીય ખંડનો ત્રીજો ભાગ આટલો ફળદાયી અને રસપ્રદ બનશે તેવી કલ્પના આ વર્ષોનાં તેમનાં સીમાચિહ્ન બની ચૂકેલાં ગીતો સાંભળ્યા પછી ન આવે. પણ જેટલાં વર્ષમાં સીમા ચિહ્ન ગીતો આવવા લાગ્યાં છે તેટલાં જ તેમનાં કેટલાક સંગીતકારો સાથે પહેલ વહેલાં સૉલો ગીતો પણ સાંભળવા મળે છે તે, હજૂ સુધી તો, હકીકત બનીને સામે છે.

૧૯૫૯થી ૧૯૬૩ન ચોથા પંચવર્ષીય સમયખંડનો હવે બહુ ઉત્સુકતાથી ઈંતઝાર છે.....


મોહમમ્દ રફીનાં સંગીતકાર સાથેનાં સૌ પહેલાં સૉલૉ ગીતોના ત્રીજા સમયખંડની ત્રણ અલગ અલગ પૉસ્ટ, હાયપર લિંક પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, December 9, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર,૨૦૧૮

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત: ૧૯૫૬

૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીનાં ગીતોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે, અને દરેક વર્ષે, જુલાઇ અને ડીસેમ્બર મહીનાઓમાં, આ વિષયને અનુરૂપ ગીતો સાંભળવાનો ઉપક્ર્મ પ્રયોજ્યો હતો.

અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
  • પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬ 
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને

- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
  • બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪ 
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને

- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭
  • ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ – ૧૯૫૮
- ૧૯૫૪ -૧૯૫૫ - જુલાઈ ૨૦૧૮

આજે આપણે ૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય ખંડનાં ૧૯૫૬નાં વર્ષમાં જે જે સંગીતકારો માટે મોહમ્મદ રફીએ પહેલ વહેલું ગાયું હોય એવાં સૉલો ગીતો સાંભળીશું.

૧૯૫૬

૧૯૫૬માં મોહમ્મદ રફીનાં ૧૩૮ સૉલો ગીતો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમનું જે રીતે સ્થાન બનતું ગયું હતું, બુલો સી રાની, હુસ્નલાલ ભગતરામ, નારાયણ દત્ત, એ આર ક઼ુરેશી, હેમંત કુમાર, શંકર જયકિશન, સલિલ ચૌધરી,મદન મોહન,શાર્દુલ ક્વાત્રા,એન દત્તા, ઓ પી નય્યર, લછ્છીરામ, શ્યામ બાબુ પાઠક જેવા જુના નવા, જાણીતા ઓછા જાણીતા એવા બધા જ પ્રકારના સંગીતકારોની પસંદ ફરી ફરીને મોહમ્મદ રફી પર ઢળવા લાગી હતી.

બડી દેર ભઈ અને દુનિયા ન ભાયે મુઝે (બસંત બહાર, શંક્ર જયકિશન); આયે બહાર બન કે લુભા કર ચલે ગયે (રાજ હઠ, શંક્રર જયકિશન); મૈને ચાંદ ઔર સિતારોંકી તમન્ના કી થી (ચંદ્રકાંતા, એન દત્તા); ગ઼રીબ જાન કર (છૂ મંતર, ઓ પી નય્યર); પરવર દિગાર-એ-આલમ (હાતીમતાઈ , એસ એન ત્રિપાઠી); એકી મૈં જૂઠ બોલીયા (એસ બલબીર સાથે, જાગતે રહો, સલિલ ચૌધરી); હઝારોં રંગ બદલેગા જ઼માના (શિરીન ફરહાદ, એસ મોહિન્દર) જેવાં ૧૯૫૬માં તેમનાં સીમાચિહ્ન કહી શકાય એવાં ગીતો આજે પણ હિંદી ફિલ્મ ગીતોના ચાહકો યાદ કરે છે.

મજાની વાત એ છે કે, આટઆટલા સંગીતકારોની પહેલી પસંદ બની ચૂક્યા પછી પણ ૧૯૫૬નાં વર્ષમાં પણ જેમની સાથે મોહમ્મદ રફીએ પહેલ વહેલી વાર સૉલો ગીત ગાયું હોય એવા સંગીતકારોની યાદી નોંધપાત્ર રહી છે.

સુદીપ્ત ભટ્ટાચાર્ય, કમ સે કમ, હિંદી ફિલ્મો પૂરતું, સાવ નવું નામ જણાય છે. જો કે આ વર્ષમાં જ એમની એક બીજી ફિલ્મ - તાજ ઔર તલવાર - પણ નજરે ચડે છે.

બહુત જલ કર મોહબ્બત મેં મેરા દિલ, આજ બોલા કયામત હૈ તૂ, અરે બીજલી હૈ તૂ શોલા હૈ
થોડા સા શરબત-એ-દિલદાર ચાહીએ - ગુલામ બેગમ બાદશાહ – ગીતકાર: રૂપબાની

ગીતની બાંધણી ભલે કવ્વાલીની શૈલીમાં કરાઇ હોય, પણ પરદા પર જોહ્ની વૉકરની આગવી અદાયગીમાં પા ર્શ્વ ગાયનમાં મોહમ્મદ રફીની હરકતો રંગ ભરી રહે છે.


કે દત્તા (કોરગાંવકર દત્તા) વિન્ટેજ એરામાં'૪૦ના દાયકાના એક મહત્ત્વનું સ્થાન ધરાવતા સંગીતકાર છે. નુર જહાંના સ્વર માટે તેમને બહુ જ માન હતું.

હમેં ના બીસારો હમેં તારો સાંવરે - હરિહર ભક્તિ – ગીતકાર: એસ પી કલ્લા

                        આ ગીતની ડિજિટલ કડી નથી મળી શકી.

અનિલ બિશ્વાસ અને મોહમ્મદ રફીનું સંયોજન સૉલો ગીતમાં પરિણમે એવા ઊજળા સંજોગો ૧૯૫૬નાં વર્ષમાં જઈને બની શક્યા છે. અનિલ બિશ્વાસે મોહમ્મદ રફી પાસે 'હીર'માં બે સૉલો અને (આશા ભોસલે સાથે) એક યુગલ ગીત ગવડાવ્યાં છે.

પ્રીત કા રોગી હોયા જોગી, દોનો એક સમાન, હો એક ઢુંઢે અપને પ્રીતમ કો એક ઢુંઢે ભગવાન
અલાહ તેરી ખૈર કરે, મૌલા તેરી ખૈર કરે, દાતા તેરી ખૈર કરે - હીર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમીકાને મળવાની ઉત્કંઠ ઈચ્છાને, એક સાધુના વેશને છાજે એમ નિયંત્રિંત શૈલીમાં, રફીના સ્વરમાં સાંભળી શકાય છે. 

લેજા ઉસકી દુવાયેં વો જો તેરા હો ન સકા, અપની જાતી બહારોં સે ગલે મિલ કે રો ન સકા - હીર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કન્યા વિદાય સમયે ગવાતાં ગીતની પંજાબી લોકધુન હીરમાં ગીતની બાંધણી કરાઈ છે. 

અજિત મર્ચંટ એવા અનેક સંગીતકારોમાંના એક છે જેમને વાણિજ્યીક સફળતા નવરી.

પંછી ગાને લગે પ્રભાતી આને લગા સરસ સવેરા, જાગ સુંદરી મધુર મિલન કા આયા હૈ દિન તેરા - ઈન્દ્ર લીલા – ગીતકાર: દીપક કુમાર સરસ્વતી

સાખીથી માંડીને ગીતના અંત સુધી ગીતની બાંધણી ઠીક ઠીક જટિલ કહી શકાય તેવી છે. 

સન્મુખ બાબુ (ઉપાધ્યાય) નામ સાંભળતાં જ 'હમીર હઠ' (૧૯૬૪) માટે તેમની મુબારક બેગમના સ્વરમાં ગવાયેલ રચના નિગાહોં સે દિલમેં ચલે આઈએગા જરૂર યાદ આવે.

અંગારો પે હૈ તેરી જિન્દગી કી ગાડી, ખેલે જા તૂ આગ પે ખિલાડી - લલકાર – ગીતકાર: પ્રદીપ

માર્ચીંગ ટ્યુનનું એક નવું, રોચક, સ્વરૂપ આ ગીતમાં સાંભળવા મળે છે.

વિશ્વનાથ - રામ મુર્તિ દક્ષિણની ફિલ્મોનાં હિંદી સંસ્કરણ સાથે સંકળાયેલા સંગીતકારોમાંનું નામ છે, એટલે તેમને લગતી માહિતી સહેલાઈથી નથી મળી શકી.

જો ભી ચાહે માંગ લે ભગવાન કે ભંડાર સે... જગત કા રખવાલા ભગવાન અરે ઈન્સાન ઉસે પહેચાન - નયા આદમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હશે. સ્વરના આરોહઅવરોહને બહુ જ નિયંત્રિત માપમાં રાખીને પણ ખુબ ભાવવાહી બેકગ્રાઉંડ ગીત બની શકે તેનો નોંધપાત્ર નમુનો આ ગીતને કહી શકાય તેમ છે.

શિવરામ કૃષ્ણની પહેલી ફિલ્મ સુરંગ (૧૯૫૩)અને એ જ વર્ષની 'તીન બત્તી ચાર રસ્તા' અને પછી છેક ૧૯૭૦ની 'સંપૂર્ણ તિર્થ યાત્રા' માટે જાણીતા ગણાય છે.

બડે પ્યાર સે મિલના સબસે - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ

ભિક્ષાટન માટેનીકળેલા સાધુઓ દ્વારા સહજપણે કહેવાતા ઉપદેશનાં સ્વરૂપનું ગીત આપણા માટે તો કર્ણપ્રિય રચના નીવડે છે.

સુન સુન રે જરા ઈન્સાન - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ

ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હોય એમ જણાય છે. ગીતની લય ગરબાની ધુનથી પ્રેરીત કહી શકાય તે પ્રકારની છે.

ઈક઼બાલ (મોહમ્મદ ઈક઼્બાલ)ને લગભગ એ જ નામના બીજા, થોડા વધારે જાણીતા, ઈક઼બાલ ક઼ુરૈશી તરીકે ઓળખવાની ભુલ મોટા ભાગે થતી આવી છે. ઈક઼્બાલનો કાર્યકાળ ૧૯૫૩થી ૧૯૭૫ સુધીનો રહ્યો હતો. ઈક઼બાલ ક઼ુરૈશી છ ફુટ લંબાઈ ધરાવતા હતા તેથી ઘણી ઓછી ઊંચાઈ ધરાવતા આપણા આ ઈક઼્બાલ 'છોટે ઈક઼્બાલ' તરીકે ઓળખાતા હતા.

અય માદર-એ-વતન માદર-એ-વતન, રહેંગે લેકે રાજ હમ વો તેરા તખ્ત-ઓ-તાજ઼ હમ - સિપાહસાલાર – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

ગીતના બોલ પરથી જ્ણાય છે કે યુધ્ધ માટેની કૂચ કરતી વખતે આ ગીત સૈનિકોમાં દેશપ્રેમનું જોશ જગાવવા ગવાતું હશે. ગીતના ભાવને અનુરૂપ તેની ધુન કુચની ધુન છે.

કમલ મિત્રા પણ હિંદી ફિલ્મો માટે અજાણ્યું નામ છે.

પ્યાર બે-ક઼રાર હૈ, પ્યારકી પુકાર સુન, રખ લે આજ મેરી લાજ, મૈં તેરે નિસ્સાર સુન - યહુદીકી બેટી – ગીતકાર: કૈફી આઝમી

પ્રેમિકાના દ્વાર પર પુકાર કરતા પ્રેમીના ભાવને કૈફી આઝમી ભાવસભર શબ્દદેહ આપે છે. ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હોઈ શકે છે. ગીતના અંતમાં રફીનો ઊંચો જતો સ્વર યાચનાની પુકારના આર્તનાદમાં ફેરવાઈ જાય છે. એકંદરે ગીત સાંભળવાલાયક રહે છે. 

આ ગીતનું લતા મંગેશકરે ગાયેલું વર્ઝન પણ છે. પ્રેમીઓનાં મિલન ન નથી શકવાનાં દર્દને તાદૃશ કરવા માટે આ વર્ઝનને સાવ જ અલગ પ્રકારે રચવામાં આવ્યું છે. 

આજના અંકના અંતમાં આપણી પરંપરા અનુસાર મોહમ્મદ રફીનું લેખન અજ વિષય સાથે બહુ નજીકથી સંકાળાયેલું ગીત પસંદ કર્યૂં છે. :

આંખમેં સુરત તેરી લબ પે ફસાના તેરા - છૂ મન્તર (૧૯૫૬) - સંગીતકાર ઓ પી નય્યર ગીતકાર: જાં નિસ્સાર અખ્તર 


૧૯૫૬નાં વર્ષમાં જ કોઈ પણ સંગીતકારે મોહમ્મદ રફી પાસે પહ વહેલી વાત ગવડાવ્યૂમ હોય એવાં સૉલો ગીતોની સંખ્યા એક પૉસ્ટ માટે પુરતી થઈ રહી છે, માટે ત્રીજા પંચવર્ષીય ખંડનાં બાકીનાં બે વર્ષો - ૧૯૫૭ અને ૧૯૫૮-નાં આ વિષય સાથે સંબંધિત ગીતો આપણે એક ખાસ પૉસ્ટ દ્વારા મોહમ્મદ રફીના જન્મદિવસે એક ખાસ પૉસ્ટ દ્વારા ૨૪ ડીસેમ્બરે સાંભળીશું.


પશ્ચાત નોંધ:

'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો' શ્રેણીના વર્ષ ૨૦૧૮ના બધા અંક એક સાથે, વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો - ૨૦૧૮ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાશે.

Sunday, July 8, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ,૨૦૧૮

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૫૪ - ૧૯૫૫

૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં પાંચ વર્ષના તેમના કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ પ્રકારનાં ૧૯૪૪થી ૧૯૪૬ વર્ષનાં ગીતો આપણે ભાગ ǁ૧ǁમાં અને ૧૯૪૭ અને ૧૯૪૮નાં ગીતો ભાગ ǁ૨ǁમાં ડીસેમ્બર ૨૦૧૬માં સાંભળ્યાં હતાં.૧૯૪૯થી ૧૯૫૪નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડના ગીતો આપણે જુલાઈ, ૨૦૧૭ અને ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭ અને ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭ના રોજ સાંભળ્યાં હતાં.

આ વર્ષે આપણે ૧૯૫૪-૧૯૫૮નાં પાંચ વર્ષનો સમયખંડ લઈશું, જે પૈકી આજે ૧૯૫૪ અને ૧૯૫૫માં મોહમ્મદ રફીએ જે જે સંગીતકારો માટે સર્વપ્રથમવાર સૉલો ગીત ગાયું હોય તેવી ફિલ્મો અને એ ગીતોની વાત કરીશું..

[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]


                                           ૧૯૫૪

૧૯૫૪માં મોહમ્મદ રફીનાં ૪૪ હિંદી સૉલો ગીતો હતાં. વર્ષ દરમ્યાન મોહમ્મદ રફી સાથે હવે ફરીથી કામ કરનારા સંગીતકારોમાં એસ એન ત્રિપાઠી, સલીલ ચૌધરી, નૌશાદ, હંસરાજ બહલ, શંકર જયકિશન, ચિત્રગુપ્ત, ગ઼ુલામ મોહમ્મદ, મદન મોહન, નિસ્સાર બાઝ્મી જેવા, વર્ષ દરમ્યાન એક અને એકથી વધારે ફિલ્મો આપતા તેમ જ જાણીતી તેમ જ ઓછી જાણીતી ફિલ્મોમાં સંગીત આપનારા, સંગીતકારો નિયમિતપણે જોવા મળે છે. પરિણામે હવે પછીનાં દરેક વર્ષે મોહમ્મદ રફી પાસે સર્વપ્રથમવાર સૉલો ગીત ગવડાવનારા સંગીતકારોની સંખ્યામાં ઘટાડો દેખાવો જોઈએ.

૧૯૫૪નાં વર્ષમાં ૭ સંગીતકારોએ ૭ ફિલ્મોમાં મોહમ્મદ રફી પાસે પહેલી વાર સૉલો ગીત ગવડાવ્યાં.

રોશનની હિંદી ફિલ્મ કારકીર્દી ૧૯૪૯માં, ફિલ્મ 'નેકી ઔર બદી'થી થઈ હતી. મોહમ્મદ રફીના સ્વરનો પહેલવહેલો પ્રયોગ રોશને 'બાવરે નૈન' (૧૯૫૦)નાં રફી આશા ભોસલેનાં યુગલ ગીત મોહબ્બત કે મારોંકા રૂપે કર્યો તે પછી ૧૯૫૩ની ફિલ્મ 'માલકિનમાં રફીનું એક કિશોર કુમાર અને રામ કમલાની સાથેનું ત્રિપુટી ગીત અને કિશોર કુમાર સાથે એક યુગલ ગીત છે. આમ રોશને મોહમ્મદ રફી પાસે પહેલવહેલી વાર સૉલો ગીત છેક ૧૯૫૪માં ગવડાવ્યું. દસકાના અંત સુધીમાં તો રોશન અને મોહમ્મદ રફીનાં યાદગાર ગીતોની જ એક લાંબી યાદી બનવા લાગવાની છે.

ઝમીં ભી વહી હૈ વહી આસમાં, મગર અબ વો દિલ્લીકી ગલીયાં કહાં - ચાંદની ચોક – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પ્રસ્તુત ગીત પાર્શ્વભૂમિમાં ગવાતું ગીત છે. ફિલ્મમાં મુખ્ય પુરુષ પાત્ર દ્વારા ગવાયેલું એક જ સૉલો ગીત - હમેં અયે દિલ કહીં લે ચલ - મુકેશના સ્વરમાં છે.

દત્તા દાવજેકરે મોહમ્મદ રફીપાસે પહેલું સૉલો ગીત, મૈં તેરી તૂ મેરા, ૧૯૪૭ની ફિલ્મ 'આપકી સેવા મેં'માં ગવડાવ્યું હતું જોકે, 'આપકી સેવા મેં' વધારે યાદ કરાય છે લતા મંગેશકરે ફિલ્મમાં કારકીર્દીનું જે પહેલવહેલું હિંદી પાર્શ્વગીત, પા લાગું કર જોરી રે, શામ મોસે ન ખેલો હોરી રે ગાયું હતું એ ફિલ્મ તરીકે. જોકે અત્યારે આપણી પાસે એવી ફિલ્મ છે જેના સંગીતકાર તરીકે દત્તા દાવજેકર અને જગનાથ એમ બે સંગીતકારોનાં નામ જોવા મળે છે.એટલે એ ફિલ્મનું પણ મોહમ્મદ રફીનું સૉલો ગીત આપણે અહીં લીધેલ છે.

શહીદો અમર હૈ તુમ્હારી કહાની, વતન પર લૂટા દી જિન્હોંને જવાની - ગોલકોંડા કા કૈદી – ગીતકાર: અન્જાન

ફિલ્મમાં આમ તો દત્તા દાવજેકર, જગન્નાથ અને કુંદન લાલ એમ ત્રણ સંગીતકારોનાં નામ ક્રેડીટ્સમાં બોલે છે, પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષમાં દત્તા દાવજેકરનું એક કથન નોંધવામાં આવ્યું છે જેમાં તેમણે ફિલ્મનાં બધાં ગીતો રચ્યાં હોવાનો દાવો કરેલ છે.

ફિલ્મમાં મોહમ્મદ રફીની બીજું પણ એક સૉલો ગીત - ઉઠાકે સર ચલો જવાની શાન સે - પણ છે.

હેમંત કુમારે પ્રસ્તુત ગીત મોહમ્મદ રફીને સોંપવાનું કદાચ એટલે કે નક્કી કર્યું હશે કે ગીતકારે 'ઊઠો છલાંગ માર કે આકાશ જો છૂ લો'માં જે ઉત્તંગ ભાવાવેશની કલ્પના કરી છે અને તે પછીની પક્તિ, 'તુમ ગાડ દો ગગન મેં તિરંગા ઉછાલ કે 'માં જે નિશ્ચયાત્મકતાની અડગ સ્થિરતા ભાવ મૂકેલ છે તેને મૂર્તિમંત કરવા માટે પહેલી પંક્તિ વખતે સુરની સીધી ઊંચાઈ આંબીને ફરી પાછા એટલી જ સરળતાથી મૂળ સુર પર આવી શકવાની ક્ષમતા તેમને મોહમ્મદ રફીમાં જ નિશ્ચિત રૂપે જોવા મળી હશે.

હમ લાયે હૈ તૂફાન સે કિશ્તી નીકાલ કે ઈ દેશ કો રખના બચ્ચોં સંભાલ કે - જાગૃતિ – ગીતકાર: પ્રદીપ

હેમંત કુમાર - મોહમ્મદ રફીનાં સર્વપ્રથમ સંગમમાં તેમના પર મૂકેલ વિશ્વાસને રફી પૂરેપૂરો ન્યાય કરે છે.

શૈલેશ મુખર્જી એવા બંગાળી સંગીતકારોમાંના એક છે જેઓ હિંદી ફિલ્મ્સ સંગીતની દુનિયામાં બહુ લાંબું ટકી ન શક્યા.

કિસ્મત કા લીખા ન ટલે ન કોઈ બસ ચલે, યહ ક્યા હૈ ઝિંદગી ક્યા હૈ ઝિંદગી - પરિચય – ગીતકાર: કેશવ ત્રિવેદી

હવે પાર્શ્વભૂમિકામાં ગવાતાં ગીતો ગાવા માટે તેમની જે આગવી શૈલી તરીકે ઓળખાઈ ચૂકી છે તે શૈલીમાં ઢળાયેલ મોહમ્મદ રફીએ દિલથી ગાયેલ એક ગીત.


સુધીર ફડકેએ મોહમ્મદ રફીનો ઉપયોગ બહુ ચોક્કસ ગીતો માટે જ કર્યો છે તેવી મારી સમજ છે. એ જ રીતે, તેમણે કિશોર કુમારના સ્વરનો પણ એટલો જ નિશ્ચિત સંજોગમાં કર્યો છે. જોકે અહીં જે ફિલ્મનો ઉલ્લેખ કરાયો છે તેમાં તેમનું કિશોર કુમારનું ગીત, ખુશ હૈ જમાના આજ પહેલી તારીખ હૈ, પગારદાર વર્ગમાટે પહેલી તારીખની આશાઆકાંક્ષાઓનું સદાબહાર મૂર્ત સ્વરૂપ બની રહ્યું છે.

કહું ક્યા કી કૌન હૂં ક્યા હૂં મૈં, કિસી રાસ્તેકા ચિરાગ હૂં, મુઝે જિસને ચાહા જલા દિયા...ગરીબોંકી દુનિયા મિટા દેનેવાલે - પહેલી તારીખ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

મોહમ્મદ રફી ફરી એક વાર તેમની આગવી શૈલીમાં પાર્શ્વભૂમિકાનું ગીત રજૂ કરે છે.


લછ્છીરામ (તમાર)ની કારકીર્દી વીસેક ફિલ્મોનાં સંગીત નિદર્શનમાં જ આથમી ગઈ. હિંદી ફિલ્મ સંગીતના ચાહકોને માટે આ સંગીતકારનું નામ વિસારે ભલે ચડી ગયું હશે, પણ ઢલતી જાયે રાત કર લે દિલકી બાત શમ્મા પરવાને કા હોગા ન કભી સાથ (રઝીઆ સુલ્તાન,૧૯૬૧) કે ગોરી તેરે નૈન નૈનવા કાજર બિન કારે, સબ જવાં સબ હસીં કોઈ તુમસા નહીં, ‘તુ શોખ કલી મૈં મસ્ત પવન તુ શમ-એ-વફા મૈં પરવાના’ નું સૉલો અને યુગલ ગીત વર્ઝન (બધાં જ ગીતો , મૈ સુહાગન હું .૧૯૬૪) જેવાં ગીતો ભાગ્યે જ યાદ કરાવવાં પડે.

આકાશ કે આંચલમેં સિતારા હી રહેગા, યે દેશ હમારા હૈ હમારા હી રહેગા - શહીદ એ આઝમ ભગત સિંઘ – ગીતકાર: શૌક઼ત પરદેસી

રેલીમાં ગવાઈ રહેલાં ગીતના એક એક શબ્દમાં ભરેલી દેશ ભક્તિની દાઝ મોહમ્મદ રફીના સ્વરમાં છલકે છે.

હાફીઝ ખાનની સૌથી વધારે પ્રચલિત ઓળખ તેમણે રચેલી 'ઝીનત' (૧૯૪૫)ની નુરજહાં, ઝોહરાબાઈ, કલ્યાણીના સ્વરમાં ગવાયેલ કવ્વાલી આહેં ન ભરી શિક઼વે ન કિયે રહેશે જે હિંદી ફિલ્મોની સૌથી વધારે જાણીતી કવ્વાલીઓમાં સૌથી જૂની કવ્વાલી ગણવામાં આવે છે.

અપને દિવાનો સે દામન ન છૂડા, બેખબર હોશમેં આ બેખબર હોશમેં આ - વતન - ગીતકાર શેવાન રીઝ્વી

એક વધારે પાર્શ્વભૂમિકા ગીત....


                                                ૧૯૫૫

૧૯૫૫નાં વર્ષમાં મોહમ્મદ રફીએ ૭૬ હિંદી ફિલ્મ ગીતો ગાયાં છે, જે પૈકી જે જે સંગીતકાર સાથે પહેલીવાર ગાયાં હોય એવાં બી એસ કલ્લા અને એન દત્તાનાં બબ્બે અને બિપીન બાબુલનું એક એટલાં સૉલો ગીત છે.

બી (બાલકૃષ્ણ) એસ કલ્લા બહુ જ અજાણ્યું નામ છે. થોડી શોધખોળ કરતાં એટલું જાણવા મળે છે કે મંગલા (૧૯૫૦), મિ. સંપત (૧૯૫૨) અને બહુત દિન હુએ (૧૯૫૪) જેવી દક્ષિણ ભારતનાં તે સમયનાં જાણીતાં નિર્માણ ગૃહોએ બનાવેલી ફિલ્મોમાં તેમણે પણ અમુક ગીતો સંગીતબધ્ધ કરેલ હતાં 'દો દુલ્હે (૧૯૫૫) તેમણે સ્વતંત્રપણે સંગીત નિદર્શન કરેલ ફિલ્મ છે.

નામ હૈ મેરે બાપ કા સોડા, ઉસકી સુરત દેખ કે આતા મુઝકો બુખાર - દો દુલ્હે - ગીતકાર પંડિત ઈન્દ્ર

ગીતનું ફિલ્માંકન દુનિયા જેમને પાગલ તરીકે ઓળખે છે તેવા લોકો પર કરાયું છે. ગીતમાં બીજાં જાણીતાં ગીતોના મુખડાઓને પૅરોડી તરીકે સમાવી લેવાયા છે. આ ઉપરાંત ફિલ્મમાં મોહમ્મદ રફીનું બીજું એક સૉલો ગીત, હલ ન કર પાયે જિસે તૂ કૌન સી મુશ્ક઼ીલ હૈ વો, અને ગીતા દત્ત સાથે એક યુગલ ગીત અને ગીતા દત્ત અને સરલા દેવી સાથે એક ત્રિપુટી ગીત છે.

એન દત્તા (દત્તારામ બાબુરાવ નાઈક) તેમની કારકીર્દીની શરૂઆતમાં બહાર, સઝા, એક નઝર (૧૯૫૧), જાલ (૧૯૫૨), જીવન જ્યોતિ (૧૯૫૩) અને અંગારે (૧૯૫૪)માં એસ ડી બર્મનના સહાયક રહી ચૂક્યા છે. તેમને સ્વતંત્ર સંગીત માટે પહેલી તક ૧૯૫૪ની ફિલ્મ 'મિલાપ' માટે મળી. 'મિલાપ' રાજ ખોસલાની પણ દિગ્દર્શક તરીકેની પહેલવહેલી ફિલ્મ હતી.

અબ વો કરમ કરે કે સિતમ મૈં નશેમેં હૂં - મરીન ડ્રાઈવ - ગીતકાર સાહિર લુધ્યાનવી

એસ ડી બર્મનના સહાયક તરીકે એન દત્તાને સાહિરની ગીતરચનાઓને સમજવાની સારી તક મળી હતી જે તેમની હવે પછીની રચનાઓમાં ઉજાગર થાય છે. પ્રતુત શરાબી ગીતમાં એક્દમ મર્માળુ વાદ્યસજ્જા, ગીતની સરળ બાંધણીમાં એકાદ બે આગવી હરક્તો જેવી એન દત્તાની સુખ્યાત શૈલી પણ ઝળકી રહે છે.

ફિલ્મમાં મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં બે યુગલ ગીતો છે, જેમાનું એક એ સમયમાં બહુ પ્રચલિત એવા ભીખારી ગીતના પ્રકારનું બતા અય આસમાંવાલે તેરે બંદે કિધર જાએં અને બીજું રોમેન્ટીક યુગલ ગીત મુહબ્બત યું ભી હોતી હૈ પણ ધ્યાન ખેંચે છે.

બિપીન (દત્ત) અને બાબુલ ની કારકીર્દીની શરૂઆત મદન મોહનના સહાયકો તરીકે થઈ. હિંદી ફિલ્મ સંગીત જગતના કેટલાય કાબેલ સંગીતકારોને ધારી વાણિજ્યિક સફળતા નથી મળી એ યાદીમાં બિપીનબાબુલની કારકીર્દી પણ સમાઈ ગઈ. તેમણે રચેલાં, તુમ પૂછતે હો ઈશ્ક઼ ભલા હૈ કે નહીં અને છેડા જો દિલ કા ફસાના, હંસા જ઼ોર સે ક્યું ઝમાના (નક઼લી નવાબ, ૧૯૬૨), મોહમ્મદ રફીનાં સ્વરમાં ગવાયેલાં, ગીતો ચાહકો આજે પણ મમળાવે છે.

રૂખ સે પર્દા તો હટા ઝરા નઝરેં તો મિલા - શાહી મહેમાન – ગીતકાર: અન્જુમ જયપુરી

ગીતની બાંધણી સુફી શૈલીના અંદાજ઼માં કરાઈ છે, જો કે ગીતની ઓડીયો ક્લિપ જ ઉપલબ્ધ હોવાથી તે કયા સંદર્ભમાં ફિલ્માવાયું હશે તે ખ્યાલ નથી આવતો.


સંગીતકારને દોહરાવવાની છૂટ લઈને આજના અંકના અંતમાં મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪)નું ગુલામ મોહમ્મદે સ્વરબધ્ધ કરેલ, મોહમ્મદ રફીનાં મને સૌથી વધારે પ્રિય ગીતોમાંના એક ગીત સાંભળીશું -

હૈ બસકી ઉનકે ઈશારે પે નિશાં ઔર, કરતે હૈ મુહબ્બત તો ગુઝરતા હૈ ગુમાં ઔર


હવે પછી ડીસેમ્બર, ૨૦૧૮ના અંકમાં આપણે ૧૯૫૪-૧૯૫૮ સમયખંડનાં બાકીનાં વર્ષો ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૯૫૮નાં જે જે સંગીતકારો સાથે મોહમ્મદ રફીએ પહેલવહેલી વાર ગાયાં હોય એવાં સૉલો ગીતો સાંભળીશું.

Sunday, December 17, 2017

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત - ૧૯૫૨ – ૧૯૫૩



૨૦૧૭નાં વર્ષમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડમાં મોહમ્મદ રફીએ પહેલી વાર જે સંગીતકારો સાથે સૉલો ગીત ગાયું એ સમયખંડનાં. ૧૯૪૯નાં  તેમ જ ૧૯૫૦ અને ૧૯૫૧નાં ગીતોને આપણે આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે આ સમયખંડનાં છેલ્લાં બે વર્ષ - ૧૯૫૨ અને ૧૯૫૩નાં ગીતો સાંભળીશું.

[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]


૧૯૫૨
૧૯૫૨માં મોહમ્મદ રફીએ બધું મળીને લગભગ ૮૦ જેટલાં ગીતો ગાયાં હતાં જેમાં સૉલો ગીતોની સંખ્યા ૩૨ જેટલી છે. આવર્ષે સૌથી પહેલું સૉલો ગીત જેમની સાથે ગાયું હોય એવા સંગીતકારો તો બે જ છે. પરંતુ આ વર્ષે નૈશાદે આન, બૈજુ બાવરામાં જે ગીતો રફીનાં કંઠમાં રચ્યાં તે બધાં ગીતો ધૂમ લોકપ્રિય થયાં. તેમણે 'દીવાના'માટે રચેલું તસવીર બનાતા હૂં તેરી ખુન-એ-જીગર સે તો ચિરસ્મમરણીય ગીત બની રહ્યું. ગુલામ મોહમ્મદે રફી સાથે અજીબ લડકી, ‘અંબર અને શીશામાં ફરીથી કામ કર્યું તો સી રામચંદ્ર એ સાક઼ી અને મદન મોહને અન્જામમાં રફી સાથે ફરી એક વાર કામ કર્યું. ચિત્રગુપ્તની ધાર્મિક વિષય પરની ફિલ્મ ભક્ત પુરાણ અને સીમ્દબાદ પરની શ્રેણીની 'સિંદબાદ ધ સેલર'માં પણ મોહમ્મદ રફી માટે સ્થાન રહ્યું.આ સિવાય પણ બીજા ઘણા સંગીતકારો સથે રફી ફરીથી કામ કરતા આ વર્ષમાં જોવા મળે છે.
ઓ મૂરખ ઈન્સાન અપને કો પહેચાન - અન્નદાતા - સંગીતકાર: મોહમ્મદ સફી - ગીતકાર:  અન્જુમ જયપુરી
મોહમ્મદ સફી બહુ ઉત્તમ કક્ષાના અરેંજર હોવાની સાથે સિતાર જેવાં વાદ્યમાં બહુ નિપુણ હતા. નૌશાદ સાથે તેમણે બહુ નોંધપાત્ર કામ કર્યું. સ્વતંત્રપણે તેમણે ૧૪ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.ટિકિટબારી પરની સફળતા બાબતે નસીબે તેમને યારી ન આપી.
કિત જાઓગે ઘનશ્યામ મુરારી જાને ન દૂંગા - મોરધ્વજ - સંગીતકાર: નારાયણ દત્ત ગીતકાર:  ભરત વ્યાસ
ગીતની સૌથી વધારે ધ્યાન ખેંચતી બાબત હોય તો તે તેના પૂર્વાલાપ  તેમ જ અંતરાનું  ઓરકેસ્ટ્રેશન છે. 
યુટ્યુબ પર ગીતના બીજા ભાગ તરીકે દર્શાવાયેલી એક બીજી ક્લિપ પણ છે.
૧૯૫૩
મોહમ્મદ રફીની કારકીર્દીના સમયખંડનાં બીજાં પાંચ વર્ષ - ૧૯૪૯-૧૯૫૩-નાં આ છેલ્લાં વર્ષમાં ફરી કે વાર તેમણે કોઈ સંગીતકાર સાથે ગાયેલાં પહેલવહેલાં ગાયેલ સૉલો ગીતની બાબતે જેટલું વૈવિધ્ય છે લગભગ એટલું જ વૈવિધ્ય તેમની સાથે ફરી ફરીને કામ કરી રહેલ સંગીતકારોમાં પણ જોવા મળે છે. આ વર્ષે રફી ગાયેલાં કુલ ૭૧ ગીતોમાંનાં ૩૧ સૉલો ગીતો હતાં. આ ગીતોમાં ફરીથી સાથે થયેલ ફિલ્મોમાંથી જો એક યાદગાર ગીત નક્કી કરવું હોય તો મારો મત યે દુનિયા પાગલોકા દરબાર માટે રહે
આડવાત:
હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં કદાચ આ એક માત્ર વર્ષ હશે જેમાં મોહમ્મદ રફી એ ત્રણેય કપૂર ભાઈઓવાળી ફિલ્મ માટે ગીત ગાયાં હોય. જો કે એ ત્રણમાંથી શશી કપૂરનો જેમાં અભિનય હોય એવી 'દાના પાની'માં શશી કપૂર તો માત્ર ૧૪ વર્ષના હશે. એટલે તેમને ભાગે કોઈ ગીત ગાવાનું આવ્યું હોય એવું બનવાની શક્યતાઓ ઓછી છે.
ઘટા મેં છૂપ કર...જો દિલ કી બાત હોતી હૈ - બાઝ – સંગીતકાર:  ઓ પી નય્યર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
હિંદી ફિલ્મ જગત માટે ૧૯૫૩ સુધીમાં ઓ પી નય્યર કે ગુરુ દત્ત સાવ અજાણ્યાં નામ નહોતાં રહ્યાં. પણ પોતાનાં દિગ્દર્શનવાળી ફિલ્મ જાતે મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા ભજવવી એ ગુરૂ દત્ત માટે પહેલો અનુભવ હતો. ઓ પી નય્યર સાથે પણ આ પહેલી વાર કામ થયું. કવ્વાલીની શૈલીમાં રચાયેલું,તોફાની ગીત ભલે રફીને ફાળે આપ્યું પણ ખરૂં રોમેંન્ટીક ગીત મુઝે દેખો હસરત કી તસવીર હૂં મૈં તો તલત મહમૂદના સ્વરને ફાળે જ ગયું હતું.
કોઈ અમીર હૈ કોઈ ગરીબ હૈ - દાના પાની - સંગીતકાર:  મદન જૂનીયર - ગીતકાર: કૈફ ઈર્ફાની 
ફિલ્મની ક્રેડીટ્સમાં શશી કપૂરનું નામ જોવા મળે છે. ફિલ્મના સંગીતકાર વિષે ખાસ કંઈ જાણવા નથી મળતું.
અજબ તેરી દુનિયા હો મોરે રામા - દો બીઘા જમીન – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર
સલીલ ચૌધરીની સંગીત નજરમાં મોહમ્મદ રફી ભલે પ્રથમ પસંદગી નહોતા, પણ એ બન્નેનાં સહકાર્યમાં હિંદી ફિલ્મ જગતને કેટલાંક અદૂભૂત ગીતો મળ્યાં એ વાત તો તાંબાનાં પતરે કોતરાઈ ગઈ છે. પ્રસ્તુત ગીત એ કેડીનું પ્રથમ ચરણ છે. 
જલ જલ કે શમા કી તરહ ફરીયાદ - ફરીયાદી – સંગીતકાર: બલદેવ નાથ બાલી – ગીતકાર: મુઝફ્ફર ઓરખઝાઈ
ગીતકાર કે સંગીતકાર બન્ને સાવ અપરિચિત જરૂર છે, પણ કરૂણ ભાવનાં ગીતમાં રફીની શૈલી તેમની આગવી પહેચાનની છાપ ઉજાગર કરે છે. 

મોહબ્બત ઔર વફા કી....ચન્દા કા દિલ ટૂટ ગયા રોને લગે સિતારે – ખોજ - સંગીતકાર: નિસાર બાઝમી – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 
નિસાર બાઝમી એટલું આદરણીય નામ ગણાતું કે કહેવાય છે કે મોહમ્મ્દ રફીએ આ ગીત ગાવા માટે માત્ર શુકનનો એક રૂપિયો જ લીધેલો.
ફિલ્મનાં ક્રેડીટ્સમાં શમ્મી કપૂર જોવા મળે છે.
સુલગ રહી હૈ હુસ્ન કી સીગડી આજા પકાયે પ્રેમકી ખીચડી - મદમસ્ત – સંગીતકાર: વી બલસારા – ગીતકાર: મધુકર રાજસ્થાની
ગીતના શબ્દો પરથી સૂક્ષ્મ કટાક્ષ હાસ્યના ભાવનું ગીત છે, પરંતુ પૂર્વાલાપ અને અંતરામાં મેંડોલીનના બહુ ઓછા સાંભળવા મળે એવા પ્રયોગ વડે વી બલસારા પોતાની ઓળખ જરૂર છોડી જાય છે. 
ચુડીયાં લે લો ગોરી, પહેન લે ચુડી - પાપી – સંગીતકાર: એસ મોહીન્દર – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
આ ફિલ્મની એક ખાસ બાબત એ છે કે રાજ કપૂરે ડબલ રોલ કર્યો હોય એવી આ એક માત્ર ફિલ્મ છે. ફિલ્મનું બીજું એક સૉલો - તેરા કામ હૈ જલના ઓ પરવાને - સારૂ એવું લોકપ્રિય રહ્યું હતું. 
નરમ નરમ યે ગરમ ગરમ યે ચણે ગગન કે તારે - રંગીલા - સંગીતકાર જમાલ હુસૈન - ગીતકાર એસ એચ બીહારી
આ ફિલમાં બીજાં પણ બે સૉલો ગીતો છે - નાદાન ન બન એ મતવાલે..કુછ હાથ નહીં  અને સુન સુન મેરી કહાની મુશ્કીલ હૈ જાન બચાની. પરંતુ પ્રસ્તુત ગીત પસંદ કરવા માટેનૂં કારણ તેનો આ પહેલાંના ગીત સાથે એક અનોખો સંબંધ છે. હા, ખ્યાલ આવ્યોને- બન્ને ગીતો  હીદી ફિલ્મોમાં એ સમયે બહુ પ્રચલિત એવા ગીત પ્રકાર ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા- નાં ગીતો છે.
મોહમ્મદ રફીની કારકીર્દીનાં ૧૯૪૯થી ૧૯૫૩નાં બીજાં પાંચ વર્ષમાં સંગીતકાર સાથે પહેલાં સૉલો ગીતના આંકડા પર નજર કરીએ - ૧૯૪૯માં ૧૦, ૧૯૫૦ અને ૧૯૫૧માં પાંચ પાંચ, ૧૯૫૨માં બે અને ૧૯૫૩માં ૮.
આ તબક્કે મોહમ્મદ રફી સાથે ફરી ફરીને કામ કરી રહેલ સંગીતકારોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળે છે તેમ કેટલાક સંગીતકારો સાથે તેમનાં ગીતો બેહદ લોકપ્રિયાતા પણ આંબવા લાગ્યાં છે. એટાલે આપણા વિષયના સંદર્ભમાં હવે પછીના પાંચ વર્ષનો રસપ્રદ રહેશે.