Sunday, December 9, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર,૨૦૧૮

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત: ૧૯૫૬

૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીનાં ગીતોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે, અને દરેક વર્ષે, જુલાઇ અને ડીસેમ્બર મહીનાઓમાં, આ વિષયને અનુરૂપ ગીતો સાંભળવાનો ઉપક્ર્મ પ્રયોજ્યો હતો.

અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
  • પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬ 
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને

- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
  • બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪ 
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને

- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭
  • ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ – ૧૯૫૮
- ૧૯૫૪ -૧૯૫૫ - જુલાઈ ૨૦૧૮

આજે આપણે ૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય ખંડનાં ૧૯૫૬નાં વર્ષમાં જે જે સંગીતકારો માટે મોહમ્મદ રફીએ પહેલ વહેલું ગાયું હોય એવાં સૉલો ગીતો સાંભળીશું.

૧૯૫૬

૧૯૫૬માં મોહમ્મદ રફીનાં ૧૩૮ સૉલો ગીતો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમનું જે રીતે સ્થાન બનતું ગયું હતું, બુલો સી રાની, હુસ્નલાલ ભગતરામ, નારાયણ દત્ત, એ આર ક઼ુરેશી, હેમંત કુમાર, શંકર જયકિશન, સલિલ ચૌધરી,મદન મોહન,શાર્દુલ ક્વાત્રા,એન દત્તા, ઓ પી નય્યર, લછ્છીરામ, શ્યામ બાબુ પાઠક જેવા જુના નવા, જાણીતા ઓછા જાણીતા એવા બધા જ પ્રકારના સંગીતકારોની પસંદ ફરી ફરીને મોહમ્મદ રફી પર ઢળવા લાગી હતી.

બડી દેર ભઈ અને દુનિયા ન ભાયે મુઝે (બસંત બહાર, શંક્ર જયકિશન); આયે બહાર બન કે લુભા કર ચલે ગયે (રાજ હઠ, શંક્રર જયકિશન); મૈને ચાંદ ઔર સિતારોંકી તમન્ના કી થી (ચંદ્રકાંતા, એન દત્તા); ગ઼રીબ જાન કર (છૂ મંતર, ઓ પી નય્યર); પરવર દિગાર-એ-આલમ (હાતીમતાઈ , એસ એન ત્રિપાઠી); એકી મૈં જૂઠ બોલીયા (એસ બલબીર સાથે, જાગતે રહો, સલિલ ચૌધરી); હઝારોં રંગ બદલેગા જ઼માના (શિરીન ફરહાદ, એસ મોહિન્દર) જેવાં ૧૯૫૬માં તેમનાં સીમાચિહ્ન કહી શકાય એવાં ગીતો આજે પણ હિંદી ફિલ્મ ગીતોના ચાહકો યાદ કરે છે.

મજાની વાત એ છે કે, આટઆટલા સંગીતકારોની પહેલી પસંદ બની ચૂક્યા પછી પણ ૧૯૫૬નાં વર્ષમાં પણ જેમની સાથે મોહમ્મદ રફીએ પહેલ વહેલી વાર સૉલો ગીત ગાયું હોય એવા સંગીતકારોની યાદી નોંધપાત્ર રહી છે.

સુદીપ્ત ભટ્ટાચાર્ય, કમ સે કમ, હિંદી ફિલ્મો પૂરતું, સાવ નવું નામ જણાય છે. જો કે આ વર્ષમાં જ એમની એક બીજી ફિલ્મ - તાજ ઔર તલવાર - પણ નજરે ચડે છે.

બહુત જલ કર મોહબ્બત મેં મેરા દિલ, આજ બોલા કયામત હૈ તૂ, અરે બીજલી હૈ તૂ શોલા હૈ
થોડા સા શરબત-એ-દિલદાર ચાહીએ - ગુલામ બેગમ બાદશાહ – ગીતકાર: રૂપબાની

ગીતની બાંધણી ભલે કવ્વાલીની શૈલીમાં કરાઇ હોય, પણ પરદા પર જોહ્ની વૉકરની આગવી અદાયગીમાં પા ર્શ્વ ગાયનમાં મોહમ્મદ રફીની હરકતો રંગ ભરી રહે છે.


કે દત્તા (કોરગાંવકર દત્તા) વિન્ટેજ એરામાં'૪૦ના દાયકાના એક મહત્ત્વનું સ્થાન ધરાવતા સંગીતકાર છે. નુર જહાંના સ્વર માટે તેમને બહુ જ માન હતું.

હમેં ના બીસારો હમેં તારો સાંવરે - હરિહર ભક્તિ – ગીતકાર: એસ પી કલ્લા

                        આ ગીતની ડિજિટલ કડી નથી મળી શકી.

અનિલ બિશ્વાસ અને મોહમ્મદ રફીનું સંયોજન સૉલો ગીતમાં પરિણમે એવા ઊજળા સંજોગો ૧૯૫૬નાં વર્ષમાં જઈને બની શક્યા છે. અનિલ બિશ્વાસે મોહમ્મદ રફી પાસે 'હીર'માં બે સૉલો અને (આશા ભોસલે સાથે) એક યુગલ ગીત ગવડાવ્યાં છે.

પ્રીત કા રોગી હોયા જોગી, દોનો એક સમાન, હો એક ઢુંઢે અપને પ્રીતમ કો એક ઢુંઢે ભગવાન
અલાહ તેરી ખૈર કરે, મૌલા તેરી ખૈર કરે, દાતા તેરી ખૈર કરે - હીર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમીકાને મળવાની ઉત્કંઠ ઈચ્છાને, એક સાધુના વેશને છાજે એમ નિયંત્રિંત શૈલીમાં, રફીના સ્વરમાં સાંભળી શકાય છે. 

લેજા ઉસકી દુવાયેં વો જો તેરા હો ન સકા, અપની જાતી બહારોં સે ગલે મિલ કે રો ન સકા - હીર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કન્યા વિદાય સમયે ગવાતાં ગીતની પંજાબી લોકધુન હીરમાં ગીતની બાંધણી કરાઈ છે. 

અજિત મર્ચંટ એવા અનેક સંગીતકારોમાંના એક છે જેમને વાણિજ્યીક સફળતા નવરી.

પંછી ગાને લગે પ્રભાતી આને લગા સરસ સવેરા, જાગ સુંદરી મધુર મિલન કા આયા હૈ દિન તેરા - ઈન્દ્ર લીલા – ગીતકાર: દીપક કુમાર સરસ્વતી

સાખીથી માંડીને ગીતના અંત સુધી ગીતની બાંધણી ઠીક ઠીક જટિલ કહી શકાય તેવી છે. 

સન્મુખ બાબુ (ઉપાધ્યાય) નામ સાંભળતાં જ 'હમીર હઠ' (૧૯૬૪) માટે તેમની મુબારક બેગમના સ્વરમાં ગવાયેલ રચના નિગાહોં સે દિલમેં ચલે આઈએગા જરૂર યાદ આવે.

અંગારો પે હૈ તેરી જિન્દગી કી ગાડી, ખેલે જા તૂ આગ પે ખિલાડી - લલકાર – ગીતકાર: પ્રદીપ

માર્ચીંગ ટ્યુનનું એક નવું, રોચક, સ્વરૂપ આ ગીતમાં સાંભળવા મળે છે.

વિશ્વનાથ - રામ મુર્તિ દક્ષિણની ફિલ્મોનાં હિંદી સંસ્કરણ સાથે સંકળાયેલા સંગીતકારોમાંનું નામ છે, એટલે તેમને લગતી માહિતી સહેલાઈથી નથી મળી શકી.

જો ભી ચાહે માંગ લે ભગવાન કે ભંડાર સે... જગત કા રખવાલા ભગવાન અરે ઈન્સાન ઉસે પહેચાન - નયા આદમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હશે. સ્વરના આરોહઅવરોહને બહુ જ નિયંત્રિત માપમાં રાખીને પણ ખુબ ભાવવાહી બેકગ્રાઉંડ ગીત બની શકે તેનો નોંધપાત્ર નમુનો આ ગીતને કહી શકાય તેમ છે.

શિવરામ કૃષ્ણની પહેલી ફિલ્મ સુરંગ (૧૯૫૩)અને એ જ વર્ષની 'તીન બત્તી ચાર રસ્તા' અને પછી છેક ૧૯૭૦ની 'સંપૂર્ણ તિર્થ યાત્રા' માટે જાણીતા ગણાય છે.

બડે પ્યાર સે મિલના સબસે - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ

ભિક્ષાટન માટેનીકળેલા સાધુઓ દ્વારા સહજપણે કહેવાતા ઉપદેશનાં સ્વરૂપનું ગીત આપણા માટે તો કર્ણપ્રિય રચના નીવડે છે.

સુન સુન રે જરા ઈન્સાન - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ

ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હોય એમ જણાય છે. ગીતની લય ગરબાની ધુનથી પ્રેરીત કહી શકાય તે પ્રકારની છે.

ઈક઼બાલ (મોહમ્મદ ઈક઼્બાલ)ને લગભગ એ જ નામના બીજા, થોડા વધારે જાણીતા, ઈક઼બાલ ક઼ુરૈશી તરીકે ઓળખવાની ભુલ મોટા ભાગે થતી આવી છે. ઈક઼્બાલનો કાર્યકાળ ૧૯૫૩થી ૧૯૭૫ સુધીનો રહ્યો હતો. ઈક઼બાલ ક઼ુરૈશી છ ફુટ લંબાઈ ધરાવતા હતા તેથી ઘણી ઓછી ઊંચાઈ ધરાવતા આપણા આ ઈક઼્બાલ 'છોટે ઈક઼્બાલ' તરીકે ઓળખાતા હતા.

અય માદર-એ-વતન માદર-એ-વતન, રહેંગે લેકે રાજ હમ વો તેરા તખ્ત-ઓ-તાજ઼ હમ - સિપાહસાલાર – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

ગીતના બોલ પરથી જ્ણાય છે કે યુધ્ધ માટેની કૂચ કરતી વખતે આ ગીત સૈનિકોમાં દેશપ્રેમનું જોશ જગાવવા ગવાતું હશે. ગીતના ભાવને અનુરૂપ તેની ધુન કુચની ધુન છે.

કમલ મિત્રા પણ હિંદી ફિલ્મો માટે અજાણ્યું નામ છે.

પ્યાર બે-ક઼રાર હૈ, પ્યારકી પુકાર સુન, રખ લે આજ મેરી લાજ, મૈં તેરે નિસ્સાર સુન - યહુદીકી બેટી – ગીતકાર: કૈફી આઝમી

પ્રેમિકાના દ્વાર પર પુકાર કરતા પ્રેમીના ભાવને કૈફી આઝમી ભાવસભર શબ્દદેહ આપે છે. ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હોઈ શકે છે. ગીતના અંતમાં રફીનો ઊંચો જતો સ્વર યાચનાની પુકારના આર્તનાદમાં ફેરવાઈ જાય છે. એકંદરે ગીત સાંભળવાલાયક રહે છે. 

આ ગીતનું લતા મંગેશકરે ગાયેલું વર્ઝન પણ છે. પ્રેમીઓનાં મિલન ન નથી શકવાનાં દર્દને તાદૃશ કરવા માટે આ વર્ઝનને સાવ જ અલગ પ્રકારે રચવામાં આવ્યું છે. 

આજના અંકના અંતમાં આપણી પરંપરા અનુસાર મોહમ્મદ રફીનું લેખન અજ વિષય સાથે બહુ નજીકથી સંકાળાયેલું ગીત પસંદ કર્યૂં છે. :

આંખમેં સુરત તેરી લબ પે ફસાના તેરા - છૂ મન્તર (૧૯૫૬) - સંગીતકાર ઓ પી નય્યર ગીતકાર: જાં નિસ્સાર અખ્તર 


૧૯૫૬નાં વર્ષમાં જ કોઈ પણ સંગીતકારે મોહમ્મદ રફી પાસે પહ વહેલી વાત ગવડાવ્યૂમ હોય એવાં સૉલો ગીતોની સંખ્યા એક પૉસ્ટ માટે પુરતી થઈ રહી છે, માટે ત્રીજા પંચવર્ષીય ખંડનાં બાકીનાં બે વર્ષો - ૧૯૫૭ અને ૧૯૫૮-નાં આ વિષય સાથે સંબંધિત ગીતો આપણે એક ખાસ પૉસ્ટ દ્વારા મોહમ્મદ રફીના જન્મદિવસે એક ખાસ પૉસ્ટ દ્વારા ૨૪ ડીસેમ્બરે સાંભળીશું.


પશ્ચાત નોંધ:

'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો' શ્રેણીના વર્ષ ૨૦૧૮ના બધા અંક એક સાથે, વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો - ૨૦૧૮ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાશે.

No comments: