Showing posts with label Shankar Jaikishan. Show all posts
Showing posts with label Shankar Jaikishan. Show all posts

Sunday, October 13, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર, ૨૦૧૯


શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૫૩
સંગીતકાર બેલડી તરીકે શંકર જયકિશનનું ટીમવર્ક ઉદાહરણીય રહ્યું છે. તેમના વચ્ચે જેટલી વ્યાવસાયિક સંવાદિતા હતી એટલી જ ઘનિષ્ટ તેમની અંગત દોસ્તી હતી. તેમની સદાસાથી ગીતકાર બેલડી, શૈલેન્દ્ર અને હસરત જયપુરી, સાથે તેમનાં સંયોજને આપણને એક નવીન પ્રયોગોશાળી, અદ્‍ભૂત સર્જનાત્મક સંગીત ચતુષ્કોણ પૂરો પાડ્યો. આ ચતુષ્કોણનાં 'બાદલે' લાંબા સમય સુધી, સતત, અવનવાં, મધુર, સુગેય ગીતોની ધોધમાર 'બરસાત'માં આપણને ભીંજવ્યાં છે. ફિલ્મ જગતના ફટકિયા સંબંધોની દુનિયામાં, આટઆટલી સફળતા પછી પણ આ ચારેયનો સંબંધ, આટલા લાંબા સમય સુધી, કેમ નાની સરખી પણ તિરાડ વગરનો રહ્યો, એ આજે પણ નવાઈ પમાડતો વિષય છે. સંગીતના બે બીનપરંપરાગત કસબીઓએ હિંદી ગીતોના શબ્દોના જાદુગરો સાથે જે કામ કર્યું તે હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું પ્રકરણ બની રહ્યું છે.

ઓક્ટોબર શંકરનો જન્મ મહિનો (૨૫ ઓક્ટોબર, ૧૯૨૨ - ૨૬ એપ્રિલ, ૧૯૮૭) છે. ગયાં વર્ષથી તેમની યાદમાં આપણે દર ઓક્ટોબર મહિને, શૈલેન્દ્રનાં ગીતોની શંકર (જયકિશન)ની સંગીત રચનાઓને યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. હયે વર્ષે આપણે તેમનાં ૧૯૪૯થી ૧૯૫૩નાં વર્ષોનાં વીસારે પડી રહેલાં ગીતોને યાદ કર્યાં હતાં. ૧૯૫૩નું વર્ષ શંકર જયકિશનની અત્યાર સુધીની મહેનતની લણણીનું વર્ષ હતું. સાત ફિલ્મો અને ૫૫ જેટલાં ગીતોનો મબલખ પાક તેમણે તેમના ચાહકોને પીરસ્યો હતો. આ સાત ફિલ્મો પૈકી આપણે ગયા વર્ષના અંકમાં 'આહ' આસ' અને 'બુટ પોલિશ'નાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આજે આપણે ૧૯૫૩ની બીજી ચાર ફિલ્મોનાં ગીતોને યાદ કરીશું.
આડવાત
સમાંતરે, હસરત જયપુરીની (શંકર) જયકિશને સંગીતબધ્ધ કરેલાં ગીતોની લેખમાળા પણ આપણે 'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના મચ પર માણી રહ્યાં છીએ.
ઔરત (૧૯૫૩)

ફિલ્મનાં શીર્ષક પરથી આ ફિલ્મને પરંપરાગત નારીવાદી ફિલ્મ માની લેવાની ભૂલ કરવા જેવું નથી. ગ્રીક પુરાણશાસ્ત્રની સેમસન અને ડેલાઈલાહની કથા પરથી પ્રેરીત આ ફિલ્મનું કેન્દ્ર ડેલાઈલાહને સમાંતરે રચાયેલું મુખ્ય નાયિકાનું પાત્ર છે. ફિલ્મના પર્દા પર તે પાત્ર બીના રાયે અદા કર્યું હતું.

દર્દ-એ-જિગર ઠહેર જ઼રા...દમ તો મુઝે લેને દે - લતા મંગેશકર
નાયિકા પોતાના પ્રેમીજનની યાદને ગીતમાં ગાતી જાય એવી સીચ્યુએશન હિંદી ફિલ્મોમાં બહુ સામાન્યપણે પ્રચલિત રહી છે. ગીતના પ્રારંભમાં પિયાનોના મંદ મંદ સ્ટ્રોક મૂકીને શંકર જયકિશને ગીતની વાદ્ય રચનાને પોતાનો આગવો સ્પર્શ આપ્યો છે. પછીથી તેમના આવા અભિનવ પ્રયોગ માટે તેમના ચાહકો ચાતક ડોળે રાહ જોતાં. શંકર જયકિશનની સામાન્યતઃ પરિચિત શૈલી કરતાં ગીતની ધુન અઘરી જણાય છે.

દર્દ-એ-ઉલ્ફત છુપાઉં કહાં, દિલકી દુનિયા બસાઉં કહાં - લતા મંગેશકર
ગીતમાં પ્રેમના એકરારની ખુશી છલકે છે. અહીં પણ કાઉન્ટર મેલોડી તેમજ અંતરાનાં સંગીતમાં પ્રયોજાયેલ હાર્મોનિયમના ટુકડા ગીતના ભાવને અલગ ઉઠાવ આપે છે.

યે દુનિયા બનાઈ હૈ કિસ બેરહમને - લતા મંગેશકર
કરૂણ ભાવને વણી લેતું આ ગીત ફિલ્મમાં બીજી નાયિકા પર ફિલ્માવાયું છે. હિંદી ફિલ્મો વિશે સારી જાણકારી ધરાવતા બ્લૉગ લેખકોના કહેવા મુજબ એ અભિનેત્રી પૂર્ણિમા રાઝી છે.

નયા ઘર (૧૯૫૩)

ફિલ્મમાં શૈલેન્દ્રએ, લતા મંગેશકરનાં સ્વરમાં રેકોર્ડ થયેલાં, ત્રણ સૉલો ગીતો લખ્યાં છે. આપણે તે પૈકી એક સૉલો ગીત અહીં લીધું છે. તે સાથે તલત મહમૂદનું એક ખુબ જાણીતું રહેલું સૉલો ગીત પણ ફરી યાદ કર્યું છે.
જવાં હૈ જહાં ઝૂમ ઊઠી હર નજ઼ર, મૈં હૂં કે જીંદગી હૈ ઝહર - લતા મંગેશકર
ફરી એકવાર ગીતની રચના થોડી મુશ્કેલ અંદાજમાં છે. નહિવત કાઉન્ટર મેલોડીની વાદ્ય સંગત અને બીજા અને છેલ્લા અંતરામાં લયમાં થતો સુક્ષ્મ ફેરફાર શંકર જયકિશનની પ્રયોગશીલતાની સાહેદી પૂરે છે.

ઉન્હેં તૂ ભુલ જા અય દિલ, તડપને સે ક્યા હાસિલ - તલત મહમૂદ
પિયાનોના સૂરની આસપાસ વણાયેલ ગીતનો વાદ્યપૂર્વાલાપ શંકર જયકિશનનાં ગીતોની આગવી પહેચાનનો એક યાદગાર નમૂનો છે. તલત મહમૂદના સ્વરમાં ગવાયેલું ગીત તેમની કારકીર્દીના સદાબહાર ગીતોમાં સ્થાન મેળવતું રહ્યું છે.

પતિતા (૧૯૫૩)

દેવ આનંદ માટે શંકર જયકિશને તલત મહમુદના સ્વરને મ્હોર મારી છે. તલત મહએમૂદના સ્વરમાં ગવાયેલાં ત્રણે ત્રણ ગીત - અંધે જહાં કે અંધે રાસ્તે, તુઝે અપને પાસ બુલાતી હૈ તેરી દુનિયા અને હૈ સબસે મધુર વો ગીત- શંકર જયકિશન, શૈલેન્દ્ર અને તલત મહમૂદ એમ ત્રણેયની શ્રેષ્ઠ રચનાઓમાં સ્થાન પામે છે. હસરત જયપુરીએ લખેલું એક માત્ર ગીત, હેમંત કુમાર અને લતા મંગેશકરે ગયેલું યુગલ ગીત યાદ કિયા દિલને કહાં હો તુમ પણ સદાબહાર ગીત બની રહ્યું છે. લતા મંગેશકરનાં સ્વરમા રેકોર્ડ થયેલાં બીજાં બે ગીતો પણ એટલાં જ યાદગાર હોવા છતાં આ ચાર ગીતોની લોકચાહનાના પડછાયાં ઢંકાઈ જતાં લાગે છે.

કિસીને અપના બનાકે મુઝકો મુસ્કરાના સિખા દિયા - લતા મંગેશકર
'જે ખ્વાબ રાતે પણ નથી આવતું, તે દિવસમાં સાચું પડી રહે છે' જેવા સરળ શબ્દો અને એટલી જ સરળ ગીત રચના, વાંસળીનાં પ્રાધાન્ય સાથેના પૂર્વાલાપ અને વાયોલિન સમુહનો અંતરાનાં સંગીતમાં અભિનવ સ્વરૂપે રજૂ થતો પ્રભાવ આપણને ગીતના ભાવ સાથે એકરસ કરી મૂકે છે.


મિટ્ટી સે ખેલતે હો બાર બાર કિસ લિયે, ટૂટે હુએ ખિલોનોંસે પ્યાર કિસ લિયે - લતા મંગેશકર
માટી સાથે અને ટૂટેલાં રમક્ડાં સાથે રમતાં બાળકની મજબૂરીનાં રૂપકને શૈલેન્દ્રએ નાયિકાનાં દિલનાં દુઃખ સાથે વણી લીધેલ છે. રહી રહીને ઉત્કટ થતી દૂઃખની પીડા અંતરાની પહેલી પંક્તિની ઊંચા સ્વરમાં થતી શરૂઆત વડે શંકર જયકિશને મૂર્ત કરી છે. આખાં ય ગીતમાં સાથ આપતું કાઉન્ટર મેલોડી વાદ્યસંગીત ગીતના ભાવ અને માધુર્યને વધારે ગહન બનાવવામાં સુક્ષ્મ ફાળો નોંધાવે છે.

શિકસ્ત (૧૯૫૩)

દિલીપ કુમાર અને નલિની જયવંતની મુખ્ય ભૂમિકાઓ સાથેની આ ફિલ્મ પહેલી વાર રજૂ થઈ ત્યારે બહુ સફળ નહોતી ગણાઈ. પણ, પછીથી જ્યારે જ્યારે તે રજૂ થતી ત્યારે તેનાં ગીતોના ચાહક વર્ગે એવી દરેક રજૂઆત વખતે આ ફિલ્મને થિયેટરમાં માણી હતી.

હમ તો હૈ કઠપુતલી કાઠ કે હે રામ - હેમંત કુમાર
સંકર જયકિશને તપ્ત દિલોને ઈશ્વરના હાજરીથી શાતા આપતાં ગીતને અનુરૂપ બની રહે તેમ હેમંત કુમારના ધીર ગંભીર સ્વરનો બહુ અસરકારક પ્રયોગ કર્યો છે.

સપનોં કી સુહાની દુનિયા કો આંખોંમેં બસાના મુશ્કિલ હૈ - તલત મહમૂદ
'દિદાર' (૧૯૫૧)થી નૌશાદે ભલે દિલીપ કુમાર માટે મોહમ્મદ રફીના સ્વરનો સફળ પ્રયોગ કરી લીધૉ હતો એવા સમયે શંકર જયકિશને તલત મહમૂદના સ્વરને પસંદ કર્યો અને તલત મહમૂદનું એક વધુ અમર ગીત આપણી સમક્ષ રજૂ કરી દીધું.

જબ જબ ફૂલ ખીલે.. દેખ અકેલા હમેં ઘેર લિયા ગ઼મને - તલત મહમૂદ, લતા મંગેશકર
તલત મહમૂદ અને લતા મંગેશકરનાં યુગલ ગીતમાં આપણને જે કંઈ અપેક્ષા હોય તે બધી જ અપેક્ષાઓ શૈલેન્દ્ર અને શંકર જયકિશન એકદમ સહજતાથી પૂરી કરે છે.

ગુલશનમેં જલ રહા હૈ ઉલ્ફતકા આશિયાના - મોહમ્મદ રફી
ફિલ્મના કરૂણ અંતની ચોટને ધારદાર કરવા શંકર જયકિશને મોહમ્મદ રફીને યાદ કર્યા.
મોહમ્મદ રફીના સ્વરની આ એક પંક્તિ પણ આપના આજના અંકની પરંપરાગત પૂર્ણાહુતિને સંપૂર્ણ કરવા માટે પૂરતી બની રહે છે.


૧૯૬૦ના દાયકાનાં ગીતોની સરખામણીમાં સંગીતનાં દરેક પાસાંમાં ચાર આંગળી ચડતાં હોવા છતાં ઓછાં પુરસ્કૃત થયેલાં ૧૯૫૦ના દાયકાનાં ગીતોની આપણી સફર હજૂ પણ એટલી રસપ્રદ છે...

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, September 8, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૧૯

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૮-૧૯૫૯
સપ્ટેમ્બર મહિનો જયકિશન (ડાહ્યાભાઈ પંચાલ) – જન્મ : ૪ નવેમ્બર ૧૯૨૯ – અવસાન: ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧-
અને હસરત જયપુરી (મૂળ નામ ઈક઼્બાલ હુસૈન) - જન્મ : ૧૫ એપ્રિલ, ૧૯૨૨ – અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯ -ની અવસાન તિથિઓનો મહિનો છે. ૧૯૪૯થી શરૂઆત થયેલ શંકર જયકિશનનાં ગીત-સંગીતની 'બરસાત'માં હસરત જયપુરી અને શૈલેન્દ્રના બોલ સૌ શ્રોતાઓને એક આહલાદક અનુભવમાં ભીજવતા રહ્યા. શૈલેન્દ્રના મૃત્યુ પછી આ આંનંદનો રંગપટ ઘણે અંશે ફીકો પડી ગયો એમ તેમના ચાહકોનો એક મોટો વર્ગ માને છે. સામાન્યતઃ ફિલ્મનાં ગીતો માટેની સીચ્યુએશન આ ચારે જણા ભેગા મળીને સાંભળે અને પછી સંગીતકારોમાંથી કે ગીતકારોમાંથી જેને એ સીચ્યુએશન માટે ગીત સ્ફુરતું હોય તે એ ગીતની રચના સંભાળી લે એવી વ્યવસ્થા જોવા મળતી.

જોકે એ સમયના 'જાણકારો'નો એક વર્ગ માનતો હતો કે ગીતની ધુન શંકરની છે કે જયકિશનની છે તે નક્કી કરવું હોય તો તેને ગીત શૈલેન્દ્રનું છે કે હસરત જયપુરીનું છે તે નજરથી જૂઓ - શૈલેન્દ્રનું ગીત હોય તો (મોટા ભાગે) ધુન શંકરની અને હસરત જયપુરીના બોલ હોય તો ગીતરચના જયકિશનની.

આપણને આ માન્યતાનાં સાચજૂઠ સાથે સંબંધ નથી. આપણે તો તેનો આધાર લઈને હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલા ગીતોને દર સપ્ટેમબર મહિને આપણા આ મંચ પર યાદ કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. અત્યાર સુધી આપણે ૧૯૪૯-૧૯૫૪ અને ૧૯૫૫-૧૯૫૭નાં વર્ષોનાં કેટલાંક ગીતોને યાદ કરી ચૂક્યાં છીએ. આજે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં ૧૯૫૮ અને ૧૯૫૯નાં વર્ષોનાં વિસારે પડેલા ગીતોને આપણે સાંભળીશું.

૧૯૫૮

૧૯૫૮નાં વર્ષમાં શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ બે ફિલ્મો જ પ્રદર્શિત થઈ હતી. એ ફિલ્મોનાં ગીતોમાં પણ હસરત જયપુરીને ફાળે આવેલાં ગીતોનું પ્રમાણ - 'બાગ઼ી સિપાહી'માં ત્રણ અને 'યહુદી'માં એક -સામાન્ય કરતાં થોડું ઓછું હોય તેમ જણાય. પણ યોગાનુયોગ એવો છે કે આ બધાં ગીતો માટે પાર્શ્વસ્વર લતા મંગેશકરનો છે.

શરાબ-એ-ઈશ્ક઼ કે આગે કડવે પાનીકા….મુસ્કુરાતી ઝિંદગીકો છોડ કે ન જા- બાગ઼ી સિપાહી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

ગીતનો પ્રારંભ એક અલગ શેરથી કરવાની હસરત જયપુરીની આગવી શૈલીથી ઉપાડ થતાં ગીતને (શંકર( જયકિશનની અનોખી વાદ્યસજ્જાની સર્જનાત્મકતા પૂર્વાલાપને નિખારે છે. ગીતની લયમાં થતા બદલાવની સાથે સાથે ગીતની ધુન ખાસ્સી મુશ્કેલ અનુભવાય છે. 

દિલ લગાનેવાલે મત સુન મેરી કહાની - બાગ઼ી સિપાહી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

પર્દા પર ગીત ભલે કોઈ અન્ય ગાયિકા ગાય છે, પણ એના ભાવ મુખ્ય અભિનેત્રી, મધુબાલા,નાં દિલમાંથી ઊઠે છે તે તો આપણને સમજાઈ જાય છે. લતા મંગેશકરે ગીતના ભાવમાં કરૂણ રસને ઘૂટ્યો છે. 

આંસુકી આડ લેકે તેરી યાદ આયી - યહુદી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

ફિલ્મનું હસરત જયપુરીએ લખેલૂં એક માત્ર ગીત, અન્ય ગીતોની સરખામણીમાં કદાચ સૌથી ઓછું યાદ કરાતું ગીત કહી શકાય. ઢોલકના તાલને મધ્ય-પૂર્વનાં વાદ્યસંગીતમાં વણી લેવાયેલ છે. આ ગીત પણ શંકર જયકિશનનાં ગીતોનિ સરખામણીમાં થોડું ઓછું સુગેય જણાય છે. 

૧૯૫૯

૧૯૫૯નાં વર્ષમાં શંકર જયકિશનની એ સમયની વર્ષની સરેરાશ જેટલી – સાત - ફિલ્મો છે. દરેક ફિલ્મમાં હસરત જયપુરીની સંખ્યા પણ ઘણી સપ્રમાણ છે. તેને કારણે ત્યારે, અને આજે પણ, વધારે જાણીતાં અને લોકપ્રિય ગીતોને છોડી દેવા છતાં પણ આપણી પાસે ગાયકો, વિષય અને રજૂઆતનાં વૈવિધ્યમાં જરા પણ ખોટ ન પડે એટલી વિપુલ સંખ્યામાં ગીતો મળી શક્યાં છે.

બન કે પંછી ગાયે પ્યારકા તરાના - અનાડી (૧૯૫૯) – ગાયિકા: લતાં મંગેશકર અને સાથીઓ

હીરો અને /અથવા હીરોઈન પોતાનાં મિત્રો સાથે પિકનિક માટે સાઈકલ પર નીકળી પડે એ સીચ્યુએશન એ સમયની ફિલ્મોમાં બહુ પ્રચલિત હતી. 'સાઈકલ પર ગવાતાં' ગીતોનો એક ખાસ પ્રકાર પણ એ કારણે ફૂલ્યો ફાલ્યો હતો. મોજમસ્તીભર્યાં આ ગીત ઉપરાંત નિર્ભેળ રોમાંસથી નીતરતું, હસરત જયપુરીનું યુગલ ગીત - વો ચાંદ ખીલા વો તારે હંસે- આજે પણ ચાહકોના હોઠો પર રમે છે. 

જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ - છોટી બહેન (૧૯૫૯) – ગાયક: મુકેશ

ગાયક, ગીતકાર અને સંગીતકાર (અનુક્રમે મુકેશ, હસરત જયપુરી અને શંકર જયકિશન) એ દૃષ્ટિકોણથી જોઈએ તો કરૂણ ભાવનાં આ ગીતમાં કંઈ અસામાન્ય ન જોવા મળે. ગીતનું અસામાન્ય તત્ત્વ રહેમાન પરદા પર ગીત ગાય છે પણ એટલું અસામાન્ય કદાચ ન કહેવાય. ખરેખર અસામાન્ય તો ગીતની સીચ્યુએશન - નકારાત્મક ભૂમિકા ભજવી રહેલ પાત્રની પશ્ચાતાપની ભાવના - છે.

ઓ કલી અનારકી ના ઈતના સતાઓ, પ્યાર કરનેકી કોઈ રીત તો બતાઓ - છોટી બહેન (૧૯૫૯) – ગાયકો: મન્ના ડે અને આશા ભોસલે

મન્ના ડે અને આશા ભોસલેને યુગલ ગીત માટે એક કરવાં એ બાબત શંકર જયકિશનનાં સંગીતની બહુ ઓછી બનતી ઘટના છે, પણ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવતાં પાત્રોમાં રહેમાન અને શ્યામા આવું (ફિલ્મો માટે પરંપરાગત ઢાળમાં ફિલ્માવાયેલુ) સામાન્યત હીરો અને હીરોઈન જ ગાતાં હોય એ ગીત પરદા પર ગાય તે તો ખરેખર ભાગ્યે જ બનતી સીચ્યુએશન હશે. .

મૈં રંગીલા પ્યારકા રાહી દૂર મેરી મંઝિલ - છોટી બહેન (૧૯૫૯)- ગાયકો: સુબિર સેન અને લતા મંગેશકર

મહેમૂદ અને શોભા ખોટેની જોડીએ પર્દા પર ઘણાં સફળ ગીતો ગાયાં છે, પણ મહેમુદ માટે સુબિર સેનના સ્વરનો પ્રયોગ કરવાની હિમ્મત દાખવવા માટે (શંકર)જયકિશનને દાદ દેવી પડે ! 

કહાં હૈ કહાં હૈ કન્હૈયા - કન્હૈયા (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

'કન્હૈયા'માં હસરત જયપુરીને ફાળે બે ગીત જ આવ્યાં છે. પ્રસ્તુત કરૂણ ભાવનાં ગીતની સામે તેમણે બીજું ગીત - કન્હૈયા ઓ કન્હૈયા આજ આના ખ્વાબ મેં - મિલનની આશાઓને વાચા આપતા બોલમાં લખેલ છે અને (સંકર) જયકિશને તે સ્વપ્ન ગીતની શૈલીમાં, પ્રલંબિત પૂર્વાલાપ વાદ્યસજ્જા સાથે સ્વરબધ્ધ કરેલ છે.ગીતનો સંબંધ કન્હૈયા સાથે છે એટલે મુખ્ય વાદ્યરચના તેમ જ 'કાઉન્ટર મેલડી'નાં સહસંગીતમાં વાંસળીનો પ્રચુર માત્રામાં પ્રયોગ પણ કરી લીધો છે.

દેખ આસમાનમેં ચાંદ મુસ્કરાયે - શરારત (૧૯૫૯) – ગાયકો: કિશોર કુમાર, ગીતા દત્ત

શંકર જયકિશન અને ગીતા દત્ત સાથે હોય એ એક બહુ વિરલ ઘટના કહી શકાય, તેમાં પોતાના પ્રિય વૉલ્ત્ઝ તાલમાં અંતરાની શરૂઆતમાં પોતાનાં પ્રિય તાલ વાદ્ય ઢોલકનો પ્રયોગ કરીને અંતમાં ફરીથી પાશ્ચાત્ય તાલવાદ્ય અપર આવી જવાનો વધારાનો પ્રયોગ પણ એટલો જ સહેલાઈથી વણી લેવાયો છે.

તુને મેરા દિલ લિયા, તેરી બાતોંને જાદુ કિયા, હાયે ના જાને યે ક્યા કર દિયા, યે તેરે પ્યારકી જીત હૈ - શરારત (૧૯૫૯) – ગાયકો: ગીતા દત્ત અને કિશોર કુમાર

(શંકર) જયકિશને ગીતા દત્તને તેમના અસલ મિજાજમાં ખીલવ્યાં છે. 

દેખા બાબુ છેડ કા મજ઼ા મીઠા મીઠા દર્દ દે ગયા - શરારત (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

શેરીમાં ગીત ગાનાર ફિલ્મનાં મુખ્ય પાત્રના મનના ભાવને વ્યક્ત કરતું હોય એ તે સમયમાં ખાસ્સો પ્રચલિત ગીત પ્રકાર હતો. સંગીતકાર માટે પણ હાર્મોનિયમના સહજ ઉપયોગમાં અવનવા પ્રયોગો કરી બતાવવાનો પડકાર ઝીલી લેવામાં અનોખો આનંદ આવતો હશે તે તો આવાં દરેક ગીતમાં સહેલાઈથી ધ્યાન પર ચડે છે. 

તેરા જલવા જિસને દેખા વો તેરા હો ગયા, મૈં હો ગઈ કિસીકી કોઈ મેરા હો ગયા - ઉજાલા (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

પ્રસ્તુત ફિલ્મમાં આટલું જ બીજું રમતિયાળ ગીત છે હો મોરા નાદાન બાલમા ન જાને દિલકી બાત. બન્ને ગીતના મૂળ ગત ભાવ સાવ અલગ છે જે બોલમાં બહુ માર્મિકપણે પ્રતિબિંબિત થાય છે. .

ફિલ્મોના સ્વાભાવિક ક્રમમાં આપણે હવે એવી રીતે આગળ વધીશું કે આપણા દરેક અંકને એ વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની આપણી પ્રથા પણ આપોઆપ જળવાઈ રહેશે.

શી ને ખેલા હી સે આજ ક્રિકેટ મેચ, એક નજ઼રમેં દિલ બેચારા હો ગયા એલબીડબ્લ્યુ - લવ મેરેજ (૧૯૫૯) – ગાયક: મોહમ્મદ રફી અને સાથીઓ

ક્રિકેટનું મેદાન, દેવ આનંદનું ક્રિકેટ રમવા માટેનાં પરંપરાગત પહેરવેશમાં હોવું, ક્યાંક ક્યાક ક્રિકેટના પારિભાષિક શબ્દોના સુચક પ્રયોગ - એ બધાંની આડમાં ગીતકાર અને સંગીતકારે પરિણય પહેલાં મીઠી છેડછાડનાં ગીતોના પ્રકારને બહુ અસરકારક રીતે રમી લીધો છે.

લો ખું સે ખું જૂદા હુઆ - મૈં નશેમેં હૂં (૧૯૫૯) - ગાયક: મોહમ્મદ રફી

હસરત જયપુરી - (શકર) જયકિશનનાં ખાતાંમાં મોહમ્મદ રફીનાં કેટલાંક સર્વકાલીન શ્રેષ્ઠ ગીતો જમા બોલે છે. આ ગીત વડે તેમાં બેકગ્રાઉન્ડ ગીતના પ્રકારનાં વૈવિધ્યનો ઉમેરો થાય છે.

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આપણી આ સફર હજુ ચાલુ છે...

Sunday, October 14, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર,૨૦૧૮


 શૈલેન્દ્રનાં ગીતોની શકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૪૯-૧૯૫૩

આપણે વિસરાતી યાદો.. સદા યાદ રહેતાં ગીતોની આ લેખશ્રેણીંમાં શૈલેન્દ્ર રચિત શંકર જયકિશન સિવાયના સંગીતકારોનાં ગીતોની લેખમાળા દર વર્ષે કરી રહ્યાં છીએ. એવી જ લેખમાળા આપણે હસરત જયપુરીની પણ કરી રહ્યાં છીએ. હસરત જયપુરીની તો વળી (શંકર) જયકિશને સંગીતબધ્ધ કરેલાં ગીતોની લેખમાળા પણ અલગથી કરી જ રહ્યાં છીએ.આમ બાકી રહે છે શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ. ઓક્ટોબર મહિનો શંકર (સિંહ રઘુવંશી)ના જન્મદિવસ (જન્મ: ૨૫ ઓક્ટોબર ૧૯૨૨ – અવસાન: ૨૬ એપ્રિલ, ૧૯૮૭)નો મહિનો છે એટલે દરેક વર્ષના ઓક્ટોબર મહિને શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની યાદોને તાજી કરવા માટે આનાથી વધારે સારો મોકો ક્યાં મળે!
ઉપર – ડાબે: શંકર, જમણે: જયકિશન
નીચે - ડાબેથી જમણે: હસરત જયપુરી, શૈલેન્દ્ર, દત્તારામ , સેબાસ્ટીઅન
 હિંદી ફિલ્મ જગતમાં શંકર જયકિશન અને તેમની સાથે હસરત જયપુરી અને શૈલેન્દ્રનું પદાર્પણ રાજ કપૂરની 'બરસાત' (૧૯૪૯)થી થયું. જાણકારોએ નોંધ્યું છે તેમ શૈલેન્દ્ર જ્યારે આ ગાડીમાં ચડ્યા ત્યારે તો બે ગીતોની જ સીચ્યુએશન ખાલી રહી હતી. જેમાંથી પહેલી સીચ્યુએશનમાં તો તેમણે પોતાની હવે પછીથી આગવી કહેવાશે એવી સ્ટાઈલમાં ફિલ્મનાં શીર્ષકને ગીતમાં વણી લીધું
બરસાતમેં.. સજન હમ સે મિલે તુમ, બરસાતમેં - બરસાત (૧૯૪૯) = લતા મંગેશકર, સાથીઓ

શૈલેન્દ્રને ફાળે બીજું ગીત આવ્યું પતલી કમર હૈ તિરછી નજર હૈ. શંકર જયકિશને એ ગીતને, પાશ્ચાત્ય ધુનને ભારતીય સંગીતમાં રજૂ કરવાની હવે પછી જે તેમની લાક્ષણિક શૈલી તરીકે પ્રચલિત થવાની હતી તેવી રીતે, સજાવ્યું.

આ ગીતમાં ગાયક તરીકે શંકર જયકિશનનાં સંગીત વિશ્વનું એક મહત્ત્વનું પરિમાણ મુકેશ પણ રજૂ થઈ ગયા. તેમનાં સંગીત વિશ્વનાં ત્રીજાં મહત્વનું પરિમાણ એવા મોહમ્મદ રફીને રાજ કપૂરના સ્વર તરીકે 'બરસાત'માં રજૂ કરાયા હતા. જો કે આપણી આ લેખમાળાના આપણે નકી કરેલા વ્યાપને અનુરૂપ શંકરજયકિશન-શૈલેન્દ્ર - મોહમ્મદ રફી સંયોજનનો પહેલો આસ્વાદ માણવા માટે આપણે થોડી રાહ જોવી પડશે.

નૈયા તેરી મઝધાર - આવરા (૧૯૫૧) - મોહમ્મદ રફી, સાથીઓ
'આવારા'થી રાજ કપૂરના પાર્શ્વસ્વર તરીકે મુકેશ પ્રસ્થાપિત થઈ ચૂકયા હતા. રાજ કપૂર માટે જરૂર લાગી ત્યારે શંકરજયકિશને મન્નાડેના સ્વરનો પણ પ્રયોગ કર્યો. આમ આર કે ફિલ્મ્સમાં મોહમ્મદ રફીનાં ગીતો માટે કોઈ ખાસ સ્થાન ન દેખાય, પણ શંકરજયકિશને 'આહ' અને 'જિસ દેશમેં ગંગા બહેતી હૈ' સિવાય આર કે ફિલ્મ્સની ‘મેરા નામ જોકર’ સુધીની દરેક ફિલ્મમાં મોહમ્મદ રફીનું આગવું ગીત જરૂર વણી લીધું છે.

પવિત્ર સીતામાઈકો તુને દિયા બનવાસ - આવારા (૧૯૫૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર, સાથીઓ
ગીતના પ્રરાંભમાં સીતાજીને તેમની ગર્ભાવસ્થાના આખરી તબક્કામાં રાજધર્મનાં પાલન માટે કરીને રામે કરેલા ત્યાગનાં રૂપક્ને રજૂ કરાયું છે. તે પછીથી ફિલ્મના કથાવસ્તુના પાયામાં ઊચ્ચ વર્ણનું સંતાન ઊચ્ચ થાય અને નિમ્ન વર્ણનું સંતાન નિમ્ન નીવડે એવી રૂઢીગત સ્વત:સિધ્ધ મનાતી માન્યતા રહેલી છે તેની પણ નાટ્યાત્મક રજૂઆત કરવામાં આવી છે.

અનમોલ પ્યાર બિન મોલ બીકે - બાદલ (૧૯૫૨) - લતા મંગેશકર
શરૂઆતનાં વર્ષોમાં, તો ખાસ, જોવા મળે છે કે શંકર જયકિશનનાં ગીતોનું પલડું લતા મંગેશકરનાં ગીતો તરફ ઘણું વધારે નમતું હતું. સમજી વિચારીને આમ કરવામાં આવતું હતું કે સંજોગો એવી રીતે બનતા હતા તે વિષે કંઈ ચોક્કસ નથી જાણવામાં આવતું.

ઈલ્લા બેલે... દિન હૈ પ્યારે પ્યારે - કાલી ઘટા (૧૯૫૧) - લતા મંગેશકર
કુદરતનાં સાન્નિધ્યમાં માણવા મણતા પરિણયના સહઆનંદને તાદૃશ જીલવા માટે ઈલ્લા બેલે જેવા અનોખે બોલનો અનોખો પ્રયોગ કરાયો છે. ગીતની વાદ્યસજ્જામાં વણી લેવાયેલ એકોર્ડીયનના સુરને તાદૃશ કરવા માટે હીરોને એકોર્ડીઅન સાથે લઈને ફરતો બતાવાયો છે ! ફિલ્મનાં શીર્ષકને ગીતમાં વણી લેવાની તક શૈલેન્દ્રએ પહેલા અંતરાની પંક્તિઓમાં ઝડપી લીધી છે.

દેખો આયા હૈ કૈસા ઝમાના - દાગ (૧૯૫૨) = લતા મંગેશકર, સાથીઓ
અહીં મરાઠી લોકગીતની ધુનને વણી લેવાયેલ છે.

કયા બતાઉં મોહબ્બત હૈ ક્યા - પરબત (૧૯૫૨) - મોહમ્મદ રફી, લતા મંગેશકર, ગીતા દત્ત
શંકર જયકિશને ગીત દત્તના સ્વરનો, પ્રમાણમાં, બહુ ઓછો પ્રયોગ કર્યો છે, તેમાં વળી પાછું મોહમ્મદ રફી, લતા મંગેશકર અને ગીતા દત્તનું ત્રિપુટી ગીત તો વળી હિંદી ફિલ્મોમાં જવલ્લે સાંભળવા મળતી ઘટના છે. આવા અનોખા મોકા માટે શંકર જયકિશને પૂર્ણતઃ સૉફ્ટ ધુનનો અનોખો પ્રયોગ કર્યો છે, જે ગીતા દત્તના સ્વરનાં સહજ માર્દવને વધુ સારી રીતે ન્યાય આપી શકે છે. !

ઓ ઓ માય ડીઅર આઓ નીઅર = નગીના (૧૯૫૨) =મોહમ્મદ રફી, શમશાદ બેગમ
હિંદી ફિલ્મોનાં ચાહકો 'નગીના'ને જેનાં પ્રિમિયરમાં નુતનને હજૂ નાબાલીગ ઉમરનાં હતાં એટલે પ્રવેશ નહોતો મળ્યો, દિલીપકુમારના ભાઈ નાસીરખાન પાકીસ્તાનથી પાછા 'ભાગી આવ્યા હતા' તે પછીની પહેલી ફિલ્મ, કે ફિલ્મના નિર્માતાના સી એચ આત્મા માટેના લગાવને માન આપી ખુબ સફળ રીતે કરેલ શંકર જયકિશનના પ્રયોગો કે એ જોડીનાં રહસ્ય ઘુંટતા ગીતોના ખાસ પ્રકારના, પહેલવહેલાં, બહુ જ અદ્‍ભૂત પ્રયોગવાળી ફિલ્મ તરીકે ઓળખતા આવ્યાં છે. આવી ફિલ્મમાં જોડકણાં જેવાં શબ્દો વાપરેલ, હલકાં ફુલકાં ગીતો પણ ફિલ્માવાયાં હોઈ શકે એ પણ નવતર ઘટના જ કહી શકાય.અહીં રજૂ કરેલ ગીત ઉપરાંત બીજું એવું ગીત પણ ફિલ્મમાં હતું - રફી, લતાના યુગલ સ્વરોનું 'હમસે કોઈ પ્યાર કરોજી’. બન્ને ગીતો ગોપ અને મોહના પર ફિલ્માવાયાં છે.

૧૯૫૩નાં વર્ષમાં શંકર જયકિશને સંગીતબધ્ધ કરી હોય એવી ૯ ફિલ્મો રજૂ થઈ હતી. એ દૃષ્ટિએ જોતાં તો ૧૯૫૩નાં વર્ષનાં જ ગીતોના આધારે એક આખી પૉસ્ટ્ની સામગ્રી મળી રહે. એવું કરવાને બદલે મેં અહીં એ પૈકી ત્રણ ફિલ્મોનાં ગીતોને આજની આપણી આ પૉસ્ટમાં સમાવવાનું વિચાર્યું. આ માટેનાં કારણો આવાં કંઈક છે –
- બે ફિલ્મોમાંની દરેક ફિલ્મમાંથી એક એક ગીત એવું મળે છે જે આજના લેખ પૂરતું ગાયકોનાં અને ગીતના મૂડનાં વૈવિધ્યમાં ઉમેરો કરે છે.
- ત્રીજી ફિલ્મમાં બે ગીતો મોહમ્મદ રફીએ ગાયેલ છે. બન્ને ગીતોની પોતપોતાની ખૂબીઓ તો છે જ, તે ઉપરાંત આપના દરેક લેખનાં સમાપનમાં વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીત મૂકવાની આપણી પ્રસ્થાપિત પ્રથાનું પણ અનુપાલન શક્ય બને છે.
છોટી સી યે જિન્દગાની રે ચાર દિનકી કહાની હૈ તેરી, હાય ગ઼મકી કહાની હૈ તેરી - આહ (૧૯૫૩) - મુકેશ
આ ગીતમાં મુકેશે ગાડીના કોચવાનની ભૂમિકા પણ ભજવી છે.
ગીતના ગાયક, ગીતકાર અને બે સર્જકોમાંના એક સર્જકને ખબર નહીં હોય કે આ ગીત તેમનાં જીવનની પણ ભવિષ્યવાણી છે.
અહીં જે ક્લિપ મૂકી છે તે ફિલ્મના બદલાવેલ સુખદ અંતની છે.

દુઃખદ તરફ વ્લઈ જતી ગીતની ક્લિપ અહીં જોઈ શકાય છે.

ચાહે નૈના ચુરાઓ ચાહે દામન બચાઓ પ્યાર હો કે રહેગા - આસ (૧૯૫૩) - તલત મહમૂદ, લતા મંગેશકર
હિંદી ફિલ્મોમાં જ્યારે પ્રેમી અને પ્રેમિક સીધો જ કોઈ સંવાદ કરી શકતાં ન હોય ત્યારે તેમના ભાવને રજૂ કરવા કોઈને કોઈ શેરી ગીત ગાનાર તેમની મદદે અચૂક આવી જતાં હોય છે ! ફિલ્મોમાં આ પ્રકારને પણ બહુ કળાપૂર્વક વિકસાવાયો છે.

અને હવે આજની પૉસ્ટનાં સમાપનનાં મોહમ્મદ રફીના ગીતો -
નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ - બુટ પોલિશ (૧૯૫૩) - આશા ભોસલે અને સાથીઓ સાથે
આ ગીતમાં ગીતકાર તરીકે શૈલેન્દ્રને ભવિ પેઢીને પોતાનાં ભવિષ્યને મેળવવાની આદર્શ જીવનરીત કહેવા માટે ખીલવા મળ્યું છે, મોહમ્મદ રફીને મોટી ઉમરના પુરુષના સ્વરમાં ગાવાના અનુભવને માણવાની મોકળાશ મળી છે, આશા ભોસલેને બાળકોના સ્વરની સ્વાભાવિકતા જીવંત કરી બતાવવાની તક મળી છે અને શંકર જયકિશને બન્ને ગાયકોના સ્વરમાં આલાપને અંતરામાં પ્રયોજીને પોતાની અનોખી સર્જનાત્મકતા રજૂ કરવાની તક મળી છે.

તુમ્હારે હૈ તુમ સે દયા માગતે હૈ તેરે લાડલોંકી દુઆ માંગતે હૈ - બુટ પોલિશ (૧૯૫૩) - આશા ભોસલે અને સાથીઓ સાથે
મુખડા સુધી તો ગીત એક અનાથશાળા માટેના ફાળા ઉઘરાવવાનું સામાન્ય ગીત જણાય છે. પણ અંતરામાં કરાયેલ વાંસળીના ટુકડાઓના પ્રયોગ, બન્ને અંતરાના માર્મિક શબ્દો અને તેની સાથે રફીના સ્વરના ઉતાર ચડાવ ગીતને હિંદી ફિલ્મોનાં ભિક્ષુક ગીતોના પ્રકારમાં એક અનેરાં સ્થાને પહોંચાડી દે છે.
આડવાત :
અનાથાશ્રમના સંચાલક તરીકે જે કળાકાર ગીત ગાય છે તે વીતેલા જમાનાના મૂંગી ફિલ્મોના યુગના સૂપર સ્ટાર માસ્ટર નિસ્સાર છે. એવા મોટા ગજાનાં કળાકારને પણ હિંદી ફિલ્મોના અવળાં નસીબની બદૌલત જીવનના આખરી પડાવ સમયે મુંબઈમાં હાજી અલીની દરગાહ પાસે ખરેખર ભીખ માગવાના દિવસો પણ જોવા પડ્યા હતા.

શંકર (જયકિશન) રચિત શૈલેન્દ્રનાં ગીતોની આ યાદ સફર આપણે દરેક ઓક્ટોબરમાં ચાલુ રાખીશું.

આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.
 

















































Sunday, September 9, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર,૨૦૧૮

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૫-૧૯૫૭

જ્યાં સુધી શંકર જયકિશન અને હસરત-શૈલેન્દ્રનું સર્જક ચતુર્વૃંદ નદવાયું નહીં ત્યાં સુધી શંકર જયકિશને અન્ય કોઇ ગીતકારનાં ગીતોને (મોટા ભાગે) બે અપવાદ સિવાય સંગીતબધ્ધ નથી કર્યાં.પહેલો અપવાદ હતો શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ 'બરસાત (૧૯૪૯)નું જલાલ મલીહાબાદીનું ગીત ઓ ઓ મુઝે કિસીસે પ્યાર હો ગયા અને બીજી ફિલ્મ હતી ૧૯૬૬ની 'આરઝૂ'. જો કે હસરત જયપુરી અને શૈલેન્દ્રએ સમય અન્ય સંગીતકારો માટે ગીતો જરૂર લખ્યાં છે. આપણી ચર્ચાનો વિષય જોકે આ બાબત નથી.

સપ્ટેમ્બર મહિનો જયકિશન (૪ નવેમ્બર ૧૯૨૯ - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨ - ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની અવસાન તિથિઓનો મહિનો છે. ગયા વર્ષે આપણે આ જોડીએ રચેલાં ૧૯૪૯ થી ૧૯૫૪નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજે હવે આપણે આગળ વધતાં ૧૯૫૫થી ૧૯૫૭નાં વર્ષનાં કેટલાંક યાદગાર અને કેટલાંક વીસરાયેલાં ગીતોની યાદ ફરી એક વાર તાજી કરીશું.

આજના આ લેખ માટે પહેલાં ત્રણ ગીત મળ્યાં તે લતા મગેશકરે જ ગાયેલા હતાં એટલે તે પછી જે જે ફિલ્મોમાંથી ગીતો પસંદ કરવાનાં હતાં તે લતા મંગેશકરે જ ગાયેલં હોય એ બાબત પર ધ્યાન આપ્યું છે. આમ, બીજા શબ્દોમાં, આજનો લેખ (શંકર) જયકિશન અને હસરત જયપુરીનાં લતા મંગેશકરે ગાયેલાં ૧૯૫૫થી ૧૯૫૭નાં ગીતોનો લેખ બની ગયો છે. અહીં પણ અપવાદ માત્ર આપણા દરેક લેખના અંતમાં મોહમ્મદ રફીનાં ગીતો મૂકવાની આપણી પરંપરા છે.


બાત બાતમેં રૂઠો ના, અપને આપકો લૂટો ના - સીમા (૧૯૫૫)

ગીત પૂરેપૂરી જયકિશનની ધૂન છે. એકદમ રમતિયાળ રચના, ગીતના પ્રારંભમાં પિયાનો એકોર્ડીયનનો ટુકડો જે પહેલી અને ત્રીજી કડીનાં વાદ્યસંગીતમાં એક અનોખો સુર બની રહે છે. જો કે હસરત જયપુરીએ સીચ્યુએશનને હળવી રાખવા બોલ ભારે નથી લખ્યા, પણ એક કવિને છાજે તેમ જીવવની ફિલસુફી એ સરળતામાં પણ આબાદ રીતે વણી લીધી છે.

ઓ જાનેવલે જરા મુડકે દેખતે જાના - શ્રી ૪૨૦ (૧૯૫૫)

‘શ્રી ૪૨૦’માં કોઈ એકાદ ગીત પણ ઓછું લોકપ્રિય થયું હશે એવું કલ્પવું મુશ્કેલ છે. પ્રસ્તુત ગીત પર હસરત જયપુરીની છાપ ગીતના આરંભની સાખીથી લઈને સમગ્ર ગીતના બોલમાં છવાયેલી જોઈ શકાય છે. ફિલ્મમાં બીજી કડી કાઢી નાખવામાં આવી છે !

ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ ઓ માજી કિનારે કિનારે - ચોરી ચોરી (૧૯૫૬)

નરગીસને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાં હોય છે. આ બાબતે પિતા સાથે ઝઘડો થતાં તે જહાજ પરથી કૂદી પડે છે. કૂદી પડ્યા પછી શરૂઆતની પળો તો જહાજથી તે દૂર થવા માગતી હોય છે. અહીં રજૂ કરેલ વિડીયો ક્લિપના પ્રાંરભમાં આ ભાગી છૂટવાના ધમધમાટની પળો ઝડપી લેવાઈ છે. જયકિશન એ દૃશ્યને વાયોલિન સમુહનાં પાર્શ્વસંગીત વડે વાચા આપે છે. થોડાંક સલામત અંતરે પહોંચ્યા પછીની હાશનો અનુભવ ત્યાંથી પસાર થઈ રહેલાં માછીમારોના કાફલાની છ્ડી પોકારતાં સંગીતથી થાય છે. હસરત જયપુરીના બોલ ગીતના ભાવને એકદમ સરળતાથી વ્યક્ત કરે છે.

આ જોડીએ 'ચોરી ચૉરી'માં મન્ના ડે - લતા મંગેશકરનાં સદાબહાર યુગલ ગીત આજા સનમ મધુર ચાંદનીમેં હમ, લતા મંગેશકરનું મસ્તીભર્યું પંછી બનું ઊડતી ફિરૂં મસ્ત ગગનમેં અને રફી-લતાનું હળવા મૂડનું તુમ અરબોંકા હેરફેર કરનેવલે રામજી જેવાં અન્ય વૈવિધ્યપૂર્ણ ગીતો પણ આપ્યાં છે.

ઉસે મિલ ગયી નયી ઝિંદગી....જિસે દર્દ-એ-દિલને મિલા દિયા - હલાકુ (૧૯૫૬)

આ ફિલ્મમાં હસરત જયપુરીએ ત્રણ જ ગીતો લખ્યાં હતાં બીજાં બે ગીતો - ઓ સુનતા જા અને બોલ મેરે માલિક - પણ લતા મંગેશકરના સ્વરમાં છે અને એ સમયે ખાસ્સાં લોકપ્રિય પણ થયાં હતાં.

કોઈ મેરે સપનોંમેં આયા, ધીરે ધીરે મનમેં સમાયા - ન્યુ દીલ્હી (૧૯૫૬)

(શંકર) જયકિશન ઘણી અઘરી ધુન રજૂ કરે છે. વાદ્યસંગીત પણ સરળ નથી જણાતું.

સાત સમુંદર પાર - પટરાની (૧૯૫૬)

(શંકર) જયકિશનની એક વધુ અઘરી ધુન.

રાજ હઠ (૧૯૫૬) નાં હસરત જયપુરીનાં ગીતોમાંથી મેં આજના લેખ માટે 'નદીયા કિનારે ફિરૂં પ્યાસી, હાય પી બીન જિયરા તરસ તરસ રહ જાયે' પસંદ કર્યું હતું. પણ એ ગીતની ઑડીયો કે વિડીયો ડિજિટલ લિંક મને મળી નહીં. એટલે પછીથી હવે આ ગીત પસંદ કર્યું છે.
અંતર મંતર જંતર સે મૈદાન લિયા હૈ માર - રાજ હઠ (૧૯૫૬) - ઉષા મંગેશકર સાથે

મોટા ભાગે એવું મનાતું કે ફિલ્મમાં નૃત્યની સીચ્યુએશન પરનાં ગીતની બાંધણી શંકર કરતા. આ ગીત સાંભળતાં ગીત કોણે રચ્યું અને કોણે સ્વરબધ્ધ કર્યું હશે તે કળવું મુશ્કેલ છે.

ગોરી-ગોરી-ગોરી મૈં પરીયોંકી છોરી.. છમ છમ છમ... કરતી આયી હૂં મૈં સાત આસમાન સે - બેગુનાહ (૧૯૫૭)

(શંકર) જયકિશનની એક વધારે મુશ્કેલ ધુન. આ ગીતમાં તો તેમણે એક સાથે એકથી વધારે પ્રકારનાં તાલ વાદ્યોનો પણ પ્રયોગ કરેલ હોય તેમ જણાય છે.

(શંકર) જયકિશન - હસરત જયપુરીનાં સંયોજનનું ફિલ્મનું એક અન્ય ગીત - મન્ના ડે - લતા મંગેશકરનું યુગલ ગીત, દિન અલબેલે પ્યારકા મૌસમ ચંચલ યે સમા - શંકર જયકિશનની ટ્રેડ માર્ક ધુન છે.

સો જા મેરે રાજ દુલારે સો જા તારે ભી સો ગયે ધરતીકે તારે ભી સો જા - કઠપુતલી ((૧૯૫૭)

ફિલ્મોમાં હાલરડાંઓની સાંભળવા મળતી રચનાઓની સરખામણીમાં ગીતની બાંધણી કંઈક અંશે જટીલ લાગે છે. ફિલ્મમાં ગીતની સીચ્યુએશનની ગંભીરતા તેને સ્પર્શી ગઈ હશે? (!)...

આપણે આપણા દરેક અંકનો અંત વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીતથી કરીએ છીએ. આજના હસરત જયપુરી -(શંકર)જયકિશનનાં ૧૯૫૫-૧૫૭નાં ગીતોન અંક માટે માટે 'સીમા'(૧૫૫૫)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં બે માંથી એક ગીત અને 'રાજહઠ" (૧૯૫૬)માટે તેમના સ્વરમાં રેકોર્ડ થયેલું એક ગીત પસંદ કરેલ છે.

હમેં ભી દે દો સહારા કે બેસહારા હૈ  - સીમા (૧૯૫૫) - સાથીઓ સાથે

દેખીતી રીતે અનાથાશ્રમ માટે ફાળો એકઠો કરવા નીકળેલ એક ટુકડીએ ગાયેલ ગીત છે, પણ હસરત જયપુરીએ તેમાં પોતાનાં કવિમય અંતરાત્માની અનુભૂતિને પૂરેપૂરી ખીલવી છે. (શંકર) જયકિશને પણ ગીતને બહુ જ અનેર ઢંગથી સ્વરબધ્ધ કરેલ છે - ગીતમાં હાર્મોનિયમના ના ટુકડાઓનૉ જે ખુબીથી ઉપયોગ કર્યો છે તે ગીતને ભિક્ષા માગવાનાં સામાન્ય ગીતમાંથી એક કલાત્મક કૃતિની કક્ષાએ મૂકી દે છે.

આયે બહાર બનકે લુભાકે ચલે ગયે - રાજ હઠ (૧૯૫૬)

જ્યારે જ્યારે હસરત જયપુરીને હિંદી ફિલ્મમાં ગઝલ લખવાનો મોકો મળ્યો છે ત્યારે તેમાં તેમણે શાયરના અંદાઝની તેમની એક ખાસ પ્રતિભાને પ્રતિબિંબિત કરવાની તક છોડી નથી. (શંકર) જયકિશને પણ આવી ગઝલને એક આગવી જ શૈલીમાં સ્વરબધ્ધ કરી છે. આવી જ એક બીજી રચના - તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં તો માંગીથી - તેની સાદગીપૂર્ણ, સુગેય, સરળ બાંધણી માટે યાદ આવી જાય છે.

આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.