Thursday, August 6, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૪) : અન્ય ગાયિકાઓ : સુરૈયાનાં યાદગાર ગીત



અન્ય ગાયિકાઓનાં યાદગાર ગીતો
Best songs of 1950: And the winners are?ની ચર્ચામાં આપણે અત્યાર સુધી લતા મંગેશકરનાં સી. રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદ, એમ ૮ સંગીતકારો, સાથે ગવાયેલાં સૉલો ગીતોને સાંભળી ચૂક્યાં છીએ.
આ વર્ષ ખાસ તો સ્ત્રી-ગાયિકાઓનાં સદર્ભમાં વીન્ટેજ ઍરાથી સુવર્ણકાળનાં સંધિકાળનું વર્ષ ગણી શકાય તેનાં દિશા સૂચનો આપણને મદન મોહન (આંખેં), રોશન (બાવરે નયન),  સચિન દેવ બર્મન (પ્યાર) જેવા સંગીતકારોનાં ખાતાંમાં આ વર્ષે  લતા મંગેશકરનું નામ જ નથી ચડ્યું, અને છતાં આ જ સંગીતકારો માટે હવે પછીનાં જ વર્ષોમાં લતા મંગેશકર જ મુખ્ય ગાયિકા બની જવાનાં છે તે હકીકત પરથી જોવા મળે છે.
અન્ય ગાયિકાઓમાં શમશાદ બેગમ અને ગીતા રૉયના સ્વરમાં ગવાયેલાં સૉલો ગીતો સંખ્યાની દૃષ્ટિએ કાંટેકી ટક્કર કક્ષાની સ્પર્ધા પૂરી પાડી રહ્યાં. ગીતોની લોકચાહનાના અગ્રક્રમમાં પણ આ દરેક ગાયિકાઓનાં ગીતોને સ્થાન મળે જ છે. સુરૈયા માટે પણ આ વર્ષ ઘણું જ ફળદાયી રહ્યું. રાજ કુમારીનાં 'બાવરે નયન'નાં ગીતો સ્ત્રી-ગાયિકાઓની સ્પર્ધાને નવું પરિમાણ બક્ષી રહ્યાં. વર્ષ દરમ્યાન , આપણે જેમને સામાન્યતઃ.પ્રથમ હરોળની ગાયિકાઓમાં ન ગણીએ તેવાં, જયશ્રી, સુલોચના કદમ કે (ક્યાંક) સુરીન્દર કૌર પણ નોંધપાત્ર હિસ્સામાં ભાગીદાર રહ્યાં.
આ વર્ષમાં વીન્ટેજ એરાની ગાયિકાઓના દોરદમામને જોતાં પછીનાં બે એક વર્ષમાં જ લતા મંગેશકરનું સામ્રાજ્ય લગભગ એકહથ્થુ સિંહફાળો ધરાવતું થઈ જશે એમ એ સમયે કદાચ કોઈએ  કલ્પના નહીં કરી હોય.
સ્ત્રી-ગાયકોનાં ૧૯૫૦નાં યાદગાર ગીતોની સફરમાં આપણે હવે અન્ય ગાયિકાઓનાં વિવિધ સંગીતકારો સાથે ગવાયેલાં ગીતોની કેડીઓ કંડારીશું. સહુથી પહેલાં:
સુરૈયાનાં યાદગાર ગીતો
૧૯૫૦નાં વર્ષમાં સુરૈયાની છ છ ફિલ્મો આવી. ગાયિકા અને હીરોઈન તરીકે તેની સફળતાની ચરમ સીમાનું આનાથી વધારે શું પ્રમાણ હોઈ શકે !
મન મોર હુઆ મતવાલા, કિસને જાદુ ડાલા - અફસર - એસ ડી બર્મન
નૈન દિવાને એક નહીં માને માને ના - અફસર - એસ ડી બર્મન
પરદેસી રે આતે જાતે જિયા મોરા લિયે જાઓ - અફસર - એસ ડી બર્મન
આયા મેરે દિલમેં તૂ - દાસ્તાન - શકીલ બદાયુની - નૌશાદ
યે મૌસમ યે તન્હાઈ - દાસ્તાન - શકીલ બદાયુની - નૌશાદ
અય શમા તૂ બતા તેરા પરવાના કૌન હૈ - દાસ્તાન - શકીલ બદાયુની - નૌશાદ
નૈનોંમેં પ્રીત હૈ હોઠોં પે ગીત હૈ - દાસ્તાન - શકીલ બદાયુની - નૌશાદ


મોહબ્બત બઢાકર જૂદા હો ગયે - દાસ્તાન - શકીલ બદાયુની - નૌશાદ
નામ તેરા હૈ ઝ઼બાન પર યાદ તેરી દિલમેં હૈ - દાસ્તાન - શકીલ બદાયુની - નૌશાદ
કોઈ દિલમેં સમા ગયા ચુપકે ચુપકે - કમલ કે ફૂલ - રાજેન્દ્ર કૃષ્ણ - શ્યામ સુન્દર
સઝા મિલી હૈ કિસી સે યહ દિલ લગાનેકી - કમલ કે ફૂલ - રાજેન્દ્ર કૃષ્ણ - શ્યામ સુન્દર
હાયે યે જૂદાઈ કી ચોટ બુરી હૈ - નીલી - સુરજિત સેઠી - એસ મોહિન્દર
મજબૂર હું મૈં નાશાદ હું મૈં - શાન - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ
મુહબ્બત મેં નઝ઼ર મિલતે હી બન જાતે હૈં અફસાને - ખિલાડી - નક્શબ જરાચવી - હંસરાજ બહલ


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૫) : અન્ય ગાયિકાઓ : શમશાદ બેગમ નાં યાદગાર ગીતો

Sunday, August 2, 2015

શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબને આખરી વિદાય



શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબની સદા સકારાત્મક સૂરમાં છેલ્લાં થોડાં વર્ષોથી કુદરત સાથે ચાલી રહેલી લડાઈ જુલાઈ, ૨૦૧૫ની ૩૧મી તારીખે સંકેલાઈ ગઈ. છેલ્લાં થોડાં વર્ષોની તેમની નાનીમોટી બીમારીઓ, તેમનાં પત્ની (સુરેખાભાભી)ની પણ નિષ્ફળ પરિણામ સામે દેખાતી બીમારી અને આખરે સંગાથ છોડીને લીધેલી કાયમી વિદાય બીજાં કોઈમાં નિરાશા, ચીડ કે હાર કબુલી લેવાની લાગણી જન્માવી જ દે. પરંતુ આ બધાં વર્ષોમાં જ્યારે તેમને મળવાનું થયું છે કે તેમની સાથે વાત કરવાનું થયું છે, ત્યારે પરીખ સાહેબની સકારાત્મકતા અને જીવનની પ્રત્યેક અપેક્ષિત કે અનઅપેક્ષિત ઘટના પ્રત્યેની વિધેયકતામાં એક અંશ પણ કમી નથી અનુભવાઈ.  
એમની આ લાક્ષણિકતા તો સ્વાભાવિક જ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોના તેમના સંજોગોને કારણે વધારે નજરે ચડે. છેલ્લે જ્યારે ગયે અઠવાડિયે તેમની સાથે વાત કરી ત્યારે તેમના અવાજ કે સૂરમાં જરા સરખો પણ અંદાજ ન આવે કે પછીના અઠવાડીયે તેઓ હશે પણ નહીં! એ વાત કર્યા પછી તેમને તરત જ મળવા ન જઇ શકવાનો રંજ હંમેશાં મનમાં ખટક્યા કરશે.
આજે હવે ગુજરાત સ્ટીલ ટ્યુબમાં તેમની સાથે કામ કરવા મળેલાં ૧૯૭૩થી ૧૯૭૯નાં વર્ષો યાદ આવે છે ત્યારે પણ તેમની આ લાક્ષણિકતાનાં તો કેટકટલાંય ઉદાહરણો યાદ આવે છે. કોઈ જે કામ કરી શકે તેમ ન હોય (કે કરવા માગતું ન હોય) તે પરીખ સાહેબને ફાળે આવતું. માંડ કરીને એક આવા પ્રશ્નનો નીવેડો આવ્યો હોય, ત્યાં બીજા પ્રશ્નનું માથે આવી પડવું પણ સાવ સહજસામાન્ય હતું.  આવી આકસ્મિક, પહેલાં ક્યારે પણ કામ ન પડ્યું  હોય એવી ઘટનાઓને વિધેયાત્મકતાથી અવલોકવાની, ઘટનાની આસપાસ અને અંદર-બહારના પ્રવાહોને સમજી લેવાની અને પછી નવા જ દૃષ્ટિકોણથી તેની સાથે કામ પાર પાડવાના નિર્ણયો લેવાના તેમના અભિગમમાં ક્યારે પણ ફરક પડ્યો હોય તેમ યાદ નથી આવતું. સાવ જ બીનપરંપરાગત નિર્ણયો લેવામાં પણ તેમણે કદી પાછી પાની નહોતી કરી. આ કારણે દરેક વખતે બધાં જ લાગતાં વળગતાં લોકોને ખૂબ જ વિગતથી, ચીવટથી અને ઘણી બધી સરળતાથી આવા નિર્ણયો સમજાવવા પણ પડતા. પણ એવી કોઈ પણ વાત સમજાવતી વખતે તેમનામાં કંટાળો કે નિરાશા કે ચીડ નહોતી ભાળી.
અંગત રીતે, મને તો તેમની ખોટ બહુ જ સાલશે. મારી વ્યાવસાયિક કારકીર્દીના પાયાનું તેમણે ખૂબજ પ્રેમ અને ધીરજપૂર્વક જતનથી ઘડતર કર્યું છે. એ માટે હું કેટલાય જન્મો સુધી તેમનો ૠણી રહીશ એ શબ્દો પણ મારી અંદરની ભાવનાનો બહુ જ થોડો અંશ વ્યકત કરી શકે છે.
સ્ટીલ ટ્યુબ ઉદ્યોગને ફાળવવામાં આવેલ સ્ટીલ અને ઝિંકના આંકડાઓને કોઠામાં ગોઠવવાનું કામ સોપતા ત્યારે એ ખ્યાલ નહોતો આવતો કે મને આ કામ તેઓ શા કારણથી સોંપતા હશે. તે પછી જ્યારે તેની વિગતે ચર્ચા કરે ત્યારે સરવાળામાં ભૂલો જેવી બાબતો એટલી સરળતાથી બતાવતા કે બીજી વાર એ અને એવી કોઈ ભૂલ ન કરવાની ચીવટની મનોમન ગાંઠ વળી જ જતી. એ સાથે કાચામાલની ફાળવણીની નીતિના પ્રવાહો આ કોઠાઓમાંથી કેમ સમજવા, કંપની પર કે સમગ્ર ઉદ્યોગ પર નજીકના સમયમાં કે દૂરગામી તેનાં કેવાં પરિણામો , શા માટે આવી શકે તે અંગે તેમના અનુભવોનો નિચોડ પણ એટલી જ સહજતાથી સમજાવતા. જીવનમાં સફળ થવા માટે મોટી મોટી આવડતો સાથે નાની નાની બાબતોની કાળજીના પાઠ કોઈ જ ભાર રાખ્યા સિવાય (કે કોઈ ભાર પડવા દેવા સિવાય) તેમણે ભણાવ્યા.
જ્યારે જ્યારે તેમણે મને કોઈ નવું કામ સોંપ્યું હતું ત્યારે ત્યારે તેમના કહ્યાં કે વણકહ્યાં પીઠબળની મને જાણ તો થઈ જ જતી.તો બહારનાં લાગતાં વળગતાં લોકોને પણ એ પીઠબળ અને અધિકાર ખ્યાલ આવે તેવી ભૂમિકા પણ તેમણે ગોઠવી જ રાખી હોય. તેમણે જે બાબતોમાં મારા પર વિશ્વાસ મૂક્યો, તેમાં ક્યારે પણ અધૂરાશ તો છોડતા જ નહીં.મારી કારકીર્દીમાં મારા કેટલાય સાથીદારો સાથે હું પણ આ જ પ્રકારે કામ કરી શક્યો છું, અને એ રીતે તેમની મહેનતનું કંઈક વળતર હું વાળી શક્યો છું તેનો થોડો સંતોષ છે.
આવી તો કેટલીય વાતો મારી યાદપટ્ટી પર આજે તાજી થાય છે, જે એ સમયે કદાચ સાવ સામાન્ય જણાઈ હશે, પણ મારી કારકીર્દીના પાયાનાં ઘડતરમાં એ દરેકનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
તેમણે તેમના કામના ગાણાં કદી પણ ગાયાં નહોતાં. બીજાંએ એ કામોની કેટલી કદર કરી કે ન કરી તે વાત પણ તેમને ભાગ્યે જ સ્પર્શતી. એ ખરા અર્થમાં કર્મયોગીનો ભેખ લઈને બેઠા હતા.
ખેર, જેનો આદિ છે તેનો અંત પણ છે જ. પરીખ સાહેબનું જીવન એવી સુવાસ છોડી ગયું છે જેની નોંધ કહ્યે વણકહ્યે તેમની સાથે સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિનાં મનમાં ઊંડે ઊંડે રહી જ ગઈ છે.