Sunday, May 29, 2011

[મારી પસંદની] કેટલીક કવિતાઓ

શું રે કરું શીશ નમાવી?

  ગર્વથી ઉંચું ઉર રે;

શું કરું સાગર લાવી?

  રૂવે જો નૈન નહીં નિષ્ઠુર રે;

શું રે કરું બીન બનાવી,

  અંતરનાદ બેસૂર રે?

અંગમરોડ હું કેમ કરું,

  જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,

  હૈયું જો હોય રંક રે?

રૂપ ફુલોનાં કેમ સમર્પું,

  અંતરે મલિન રંગ રે?

શુ રે કરું દીપ પ્રજાળી,

  હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,

  જો નહીં પ્રેમનાં પૂર રે?

                                                    -- પ્રહલાદ પારેખ

ખજૂરની કવિતા જો કહો તો હું લખી નાખું

   મજૂરની કવિતા તો મારાથી થાય ના

પસીનાથી રેબઝેબ સોડાય છે અંગ એનાં,

  ચીંથરાંથી વિંટાયેલ દેહ દીઠો જાય ના.

મ્હેલને મિનારે બોજ સાથે સડેડાટ ચડે

  મ્હેલ કેરા ઓટલે રે જેનાથી સુવાય ના

હક માગી માગી અનો ઘાંટો બેસી જાય ભલે,

  પણ જો જો પ્રભો! મારો કંઠ બેસી જાય ના.

એની કરુણાને કવિતામાં ઉતારે છે એવી

  જો જો મારી કલમની પ્રેરણા મુંઝાય ના.

હમાલોના હૈયાં કેરી હેરાફેરી કરનારી

  ભલે મારી કવિતાઓ એને સમજાય ના.

લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,

  સુખ કેરાં સપનાં સુખથી સેવાય ના.

કીકીઓમાં કૂતૂહલ, કલેજાંમાં હાયવોય,

  હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.

એવા એ મજૂરો કેરી કવિતા તો ક્યાંથી લખું?

  પાઇ વધુ આપવા જતાં હાથ લાંબો થાય ના.

                                                     -- વેણીભાઇ પુરોહિત

એક આંખે આંસુની ધારી

  બીજી એ સ્મિતના ઉડે ફુવારા

    બીચમાં બાંધી આંખે પાટા

      ઓશિયાળી અથડામણ

                                             - મનસુખલાલ ઝવેરી

                   અભિવ્યક્તિ

દ્રશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?

     ખુલ્લી રહેલી બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલા ભાને સૌદર્ય સાચવે છે

    ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક ઉપર જે પ્રસ્વેદથી લખાતી

    મઝદૂર - થાક - લારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, બુખ્યું સુતેલ બાળક

    ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

એના હૃદય મહીં જે અનુવાદ થઇ શકી ના

    એ વેદના અમારી, ભાશા નથી તો શું છે?

                                                        -- નિર્મિશ ઠક્કર

કોઇનો (પ્રેમ) સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો;

               આપણી અપેક્ષાજ વધારે હોય છે.

આપણે તો આપણી રીતે જ રહેવું

    ખડક થવું હોય તો ખડક,

       નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું.

                                                           - હરિન્દ્ર દવે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે

મારી કેરીયર શરુ કરી ત્યારે

હું એવું માનતો હતો

                   કે વિશ્વ વસ્તુઓનું બનેલું છે,

પરંતુ જેમ મારી ઉમર વધતી ગઇ તેમ તેમ

મને વધારે ને વધારે એમ લાગવા માંડ્યું

                     કે વિશ્વ વસ્તુઓનું નહીં

                                 પણ વિચારોનું બનેલું છે.

                                                                            --- એડિંગ્ટન

નદીમાં પાણી ન હોય,

નીંદરમાં સપનાં ન હોય,

આકાશમાં તારા ન હોય,

અને પુષ્પોમાં સુગંધ ન હોય,

તો માણસ કેવો ને કવિ કેવો.

                                           -- રાજકુમાર કુંભજ

અંદર ડોકિયું કર્યા વગર

    જો આકાશમાં બાથ ભીડવા જાય છે

             તે ઉંચેથી પડે છે.

                                                   - રઘુવીર ચૌધરી

Sunday, April 24, 2011

સુખનું બારણું

જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.

---- હેલન કેલર
જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ.
--- www.gujarati.nuમાં પ્રકાશિત એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ'બ્લોગપરથી સાભાર

તમારી લાગણીઓ પર કોનો અંકુશ?

'તમને શું લાગણી થઇ રહી છે, તે્વું કોઇ બીજું શા માટે નક્કી કરે?

તમને ખુદ અપમાનની લાગણી ન થાય, તો તમને કોઇ કદાપિ અપમાનિત કઇ રીતે કરી શકે?

તમારી લાગણીને જો ઠેંસ ન લાગે, તો તમને કોઇ ક્યારે પણ દુઃખી કઇ રીતે કરી શકે?

- એપ્રિલ ૨૪, ૨૦૧૧ નાં Sunday Timesનાં TimesLifeનો
વિનિતા દાવડા નાંગીયા ના
"Let 'butter’ sense prevail!" લેખનો અંશ

Sunday, April 3, 2011

"પણ મને તો ખબર છે"

એક સમર્પિત શિલ્પિએ 'મંદિરનાં ઉંચાં શિખરમાટે એક સુંદર મુર્તી બનાવી. મુર્તી પુરી થઇ રહેવા આવી હતી તેવા અંતિમ તબક્કે શિલ્પિને તેમાં એક સુક્ષ્મ ખામી ધ્યાનમાં આવી. તેણે તરતજ એ મુર્તીને ત્યાંથી હટાવી લીધી અને નવા પથ્થરપર ફરીથી તરાશવાનું શરુ કરી દીધું. તેના મિત્રએ સાશ્ચર્ય પુછ્યુંઃ " આટલી ઉંચાઇએ જ્યારે આ મુર્તીની સ્થાપના થશે, ત્યારે આવી સુક્ષ્મ ખામી કોની નજરે પણ ચડશે?" શિલ્પિએ મર્મીલાં સ્મિતમાં જવાબ આપતાં કહ્યુંઃ
"પણ મને તો ખબર છે."

જ્યારે તમને કોઇ જ જોઇ નથી રહ્યું અથવા કોઇ બાબતે તમા્રાથી વિશેષ નથી જાણતું, તમારી એ જાણની પળ તમારી નિતિમત્તાની કસોટીની ઘડી છે. તમારા આત્માના અરીસા સામે તમે બેનકાબ નગ્ન ઉભા હો કે વિશ્વામિત્રની સમક્ષ મેનકા જેવી મોહચલિત થઇ જવાય તેવી ક્ષણ એ તમારાં ખમીરની અગ્નિપરીક્ષાની ઘડી છે.

જે સમયે "પણ મને તો ખબર છે" એમ તમારા અંતરાત્માને ખબર હોય, તે પછીની જ ક્ષણની તમારી લાગણી કે વિચાર કે વર્તન એ તમારાં અંગતનિતિમુલ્યો કથીર છે કે કનક છે તેનું પારખું છે.
૩ અપ્રિલ '૧૧ નાં
Sunday Times - TIMESLIFE!ના
વિનિતા દાવર નાંગિયાના
"Would you like to walk like Sachin" લેખપરથી સાભાર

Sunday, March 27, 2011

સંસ્થાનો ઉદ્દેશ્ય અને સાધનોની ઉપલબ્ધી

આજની મારી આ નોંધ ૨૭મી માર્ચ,૨૦૧૧નાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલ શ્રી જગદીશ ભગવતીનો “The ‘real’ truth behind Yunus’s Grameen Story”- મનનીય અને માર્ગદર્શક - લેખ છે.
પ્રસ્તુત લેખમાં NGOs - દરેક પ્રકારના કાયદાકીય પરિમાણોની પુર્તતા કરીને પણ - સફળ સાતત્યસહ લાંબાગાળા નાં સંચાલન વિષે વિચારણીય રજૂઆત કરવામાં આવી છે.
NGOsની કાર્યપધ્ધતિનો સીધો મારો અનુભવ નથી તે મર્યાદા સ્વિકારતાં, મારા અંગત અભિપ્રય પ્રમાણે જે NGOsનાંસચાલન મૂળભુત મુલ્યોને જ આધાર રાખીને - સરખામણી માટે [કહેવાતાં] professional મુલ્યોપર આધારીત - સંસ્થા્ની કાર્યશૈલી નથી રહેલી જણાતી, તેવી સંસ્થાઓ લાંબાગાળે મુળ ઉદ્દેશ્યોથી ચલિત થયેલી જણાઇ છે.
તદુપરાંત, સાધનોની જરુર કરતાં વિપુલપ્રમાણમાં ઉપલબ્ધિને કારણે તો સામાન્યતઃ દરેક ક્ષેત્રની સંસ્થાઓ લાંબાગાળે તેમની હરીફાઇ-પ્રતીક્રામક કાર્યદક્ષતા અને અસરકારકતા ગુમાવતી જ હોય છે જ!
સરકાર કે પછી NGOs કે ખાનગી વ્યપારિક સંસ્થાઓમાં મુલ્યોથી વિપરીત ખર્ચાળ કાર્યશૈલીઓ,સર્વસ્વિકૃત નૈતિક સિધ્ધાંતોથી વિપરીત મુલ્યાંકન પરિમાણો અને વ્યક્તિ-આધારીત નિર્ણય પ્રણાલિઓ [કદાચ અજાણપણે પણ]ધીરે ધીરે ઘર કરી જાય છે, જેનું અંતિમ પરિણામ સંસ્થાનું મરણતોલ અસ્તિત્વ કે કદાચ મરણ જ થઇને રહી જતું હોય છે. સાથે સાથે માનવકલ્યાણ કે સમાજસુધારણા કે ઉદ્દાત વ્યાવસાયિક ઉદ્દેશ્યોનું પણ અસ્તિત્વ પણ જોખમાય જ છે.
અંતે સમાજપાસે રહી જાય છે માત્ર સડી ગયેલ ખોખલાં અશ્મિઓ, જેને ઐતિહાસિક ઉપયોગમાં લેવું પણ પાલવે નહીં અને ઇતિહાસમાંથી તેને નામશેષઃ પણ કરી શકાતું નથી.
કોઇપણ વ્યક્તિ કે સંસ્થાની સાર્થકતા કે યથાર્થતા તરફ અનાયાશ પણ અંગુલીનિર્દેશ ન કરતાં અત્યારે આ સંદર્ભમાં સદવિચાર પરિવાર, નર્મદા બચાવો આંદોલન,રજનીશજીનો ઑશૉ સંપ્રદાય જેવી સંસ્થાઓ યાદ આવે છે.
આજ વિચારોની સાથે સાથે હાલમાં ખુબ જ ચર્ચામાં છે તેવો પર્યાવરણની જાળવણી વિરુધ્ધ કુદરતી-સંશાધનો-આધારીત-ઔદ્યોગિકરણ વિષય પણ ધ્યાન પર આવે છે.ઉભય પક્ષોની તરફેણ કે વિરોધની દલીલો અને માન્યતાઓ જે તે સમય અને સંજોગોને એરણે [સંપૂર્ણપણે ન હોય તો પણ] સાચી છે અથવા સાચી હોઇ શકે છે તે વિરોધાભાસી પરિપ્રેક્ષ્યમાં નિર્ણય કરવાની જેના પર જવાબદારી આવી પડે તેનામાટે તો એક તરફ ખાડો તો બીજી તરફ ખાઇ એવી વિકટ સમસ્યા મોં ફાડને ઉભી થઇ જતી હોય છે.
આની સામે આશાનું કિરણ એ છે કે કેન્દ્ર સરકારના આ વિભાગના વર્તમાન પ્રધાન શ્રી જયરામ રમેશ એક એવી વ્યક્તિ ગણાય છે કે જે નિશ્પક્ષપણે એવી મુલ્યાંકન પધ્ધતિ વિકાસવામાટે સક્ષમ જણાય છે.
હાલપુરતું એ આશાથી આ વિચારનો હાલપુરતો અંત કરીએ કે આપણી વર્તમાન પેઢી ભવિશ્યને એરણે ખરી ઉતરે તેવું આ બાબતે ઐતિહાસિક પ્રકરણ લખશે!
અસ્તુ.

અપ્રેક્ષીત અસર - એક સક્ષમ માધ્યમ

ગયે અઠવાડિયે મેં શ્રી આર ગોપાલક્રિશ્નનનું '.......The Bonsai Mamanger' વાંચ્યું.
તેમાં લેખકે 'અપ્રેક્ષીત અસર'ના બદલાવની પ્રક્રિયા માં એક ખુબજ અસકારક માધ્યમ તરીકે ઉપયોગ /શક્યતાઓ વિષે મનનીય, તેમજ સચોટ, ઉદાહરણ ટાંક્યું છે.
'હિંન્દિ'ને સમગ્ર ભારત દેશની રાષ્ટ્રભાષા તરીકે પ્રચલિત કરવી તેવા 'અપેક્ષીત' આશય માટે બંધારણીય સુધારાની રાજકીય નિતિનો પ્રયોગ યોજવામાં આવ્યો.પરંતુ, અમલીકરણની આડઅસર દેશને ભાગલા પડી જઈ શકે તે હદસુધી લઇ ગઇ.
કારણ માત્ર એટલું જ કે તે સમયનાં [રાજકીય] નેતૃત્વ પાસે આવી બદલાવની પ્રક્રિયાનાં અસરકારક અમલીકરણમાટે ,ક્દાચ, એવો અથવા પુરતો અનુભવ નહોતો કે નિર્ણયની સીધી તેમ જ અનઅપેક્ષીત કે અપ્રેક્ષીત અસરો અંતિમ પરિણામને કેટલે અંશે પ્રભાવીત કરી શકે.જેમકે, બધાજ પક્ષકારો જ્યાં સુધી આવા બદલાવને સ્વાભાવિક બદલાવ તરીકે સ્વિકારે નહીં ત્યાં સુધી આ પ્રકારના બદલાવો ન ધાર્યાં હોય તેવાં પરિણામો પણ લાવી શકે; આવું પણ થઇ શકે એમ પણ કલ્પી પણ શકવા નો અનુભવ નહોતો.
આવાં વિખવાદીત રાજકીય વાતાવરણ સમયે પણ હિંદિ ચલચિત્રો દક્ષિણ રાજ્યોમાં ખુબજ પ્રચલિત થયાં હતાં.શા માટે? માત્ર, કદાચ એટલાં જ કારણસર કે હિંદિ ચલચિત્રો દક્ષિણ ભાષાનાં ચલચિત્રો સાથે મનોરંજનનાં માધ્યમ તરીકે સ્પર્ધામાં હતાં. તેમની આ ધંધાકીય સફળતાની એક અપ્રેક્ષીત [સફળ]અસર થઇ - હિંદિ ભાષાની સામાજિક [અભાન] સ્વિકૄતિ. રાજ્યભાષા તરીકે અછૂત, પરંતુ મનોરંજનની ભાષાતરીકે સ્વભાવિક સ્વિકૃતિ.

જોકે અહીં મુદ્દો એ નથી કે અમલીકરણની નિતિ શું હોવી જોઇતી હતી. તાત્પર્ય એ છે કે આટલાં hostile વાતાવરણ વચ્ચે પણ અપ્રેક્ષીત અસરનું પરીબળ તો, જાણ્યેઅણજાણ્યે,પોતાની કમાલ તો કરી જ રહ્યું હતું.

આજે, આકસ્મીક જ,હિંદી ચલચિત્રની આવી જ 'અપ્રેક્ષીત અસર'ની એક સબળ [સંભવિત] માધ્યમતરીકેની શક્યતા બતાવી શકે તેવું ચલચિત્ર જોયું - 'જાગો' [દિગ્દર્શકઃ મેહુલ કપુર , ૨૦૦૪].ફિલ્મમાં અંધારીઆલમના એક 'નેતા'નો સંવાદ છે -- " જ્યાં સુધી ગુન્હો કરતાં જેટલો સમય લાગે છે, તેટલા જ સમયમાં અદાલતમાથી ન્યાય નહીં મળે, ત્યાં સુધી સામાન્ય નાગરીકને ન્યાયતંત્રમાં શ્રધ્ધા નહીં આવે".

આપણા સમાજની એટલી કમનસીબી કે આ ફિલ્મને વ્યાપારીક સફળતા ન મળી, નહીંતર આ સંવાદ પણ 'શોલે'ના ગબ્બરસિંહના કે 'વક્ત' અથવા 'પાકીઝા'ના રાજ કુમારના સંવાદો જેટલો જ પ્રચલિત થઇ શક્યો હોત! અને જો એવું થયું હોત તો બળાત્કારના કિસ્સાઓ અંગે બહુચર્ચિત સામાજીક માન્યતાઓમાં કે તે અંગેના કાયદાઓમાં સુધારાઓની સ્વાભાવિક સ્વિકૃતિ અથવા તો ન્યાયતંત્રની કાર્યપ્રણાલીઅંગેના સુધારાઓની પૃષ્ઠભુમિકાનાં ઘડતરમાં આ સંવાદની પ્રભાવકારક અસર કલ્પી શકાય છે?

રાજ કપુરનાં 'શ્રી ૪૨૦, આવારા, જાગતે રહો',જીસ દેશમેં ગંગા બહતી હૈ' કે 'No one killed Jessica' કે અમિતાભ-અભિનીત 'પા' જેવાં અનેક ચલચિત્રની આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'નો કેટલો લાભ જે તે સમયની માન્યતાઓપર એટલી ઉંડી અસર કરવામાં લઇ શકાયો હોત.

રાજકીય કે સામાજીક કે ન્યાયતંત્ર કે જાહેરજીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં સુધારાના વિષયોઅંગે કાર્યરત વ્યક્તિઓ કે સંસ્થાઓ જો બદલાવનાં એક સબળ માધ્યમતરીકે આ પ્રકારની 'અપ્રેક્ષીત અસર'ના પ્રભાવોની શક્યતાઓને પ્રલંબીત અસરકારક ઉદ્દીપકનાં સાધનતરીકે વાપરી શકવાનો નુસ્ખો શોધી નાખે તો?