Sunday, May 29, 2011

[મારી પસંદની] કેટલીક કવિતાઓ

શું રે કરું શીશ નમાવી?

  ગર્વથી ઉંચું ઉર રે;

શું કરું સાગર લાવી?

  રૂવે જો નૈન નહીં નિષ્ઠુર રે;

શું રે કરું બીન બનાવી,

  અંતરનાદ બેસૂર રે?

અંગમરોડ હું કેમ કરું,

  જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,

  હૈયું જો હોય રંક રે?

રૂપ ફુલોનાં કેમ સમર્પું,

  અંતરે મલિન રંગ રે?

શુ રે કરું દીપ પ્રજાળી,

  હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,

  જો નહીં પ્રેમનાં પૂર રે?

                                                    -- પ્રહલાદ પારેખ

ખજૂરની કવિતા જો કહો તો હું લખી નાખું

   મજૂરની કવિતા તો મારાથી થાય ના

પસીનાથી રેબઝેબ સોડાય છે અંગ એનાં,

  ચીંથરાંથી વિંટાયેલ દેહ દીઠો જાય ના.

મ્હેલને મિનારે બોજ સાથે સડેડાટ ચડે

  મ્હેલ કેરા ઓટલે રે જેનાથી સુવાય ના

હક માગી માગી અનો ઘાંટો બેસી જાય ભલે,

  પણ જો જો પ્રભો! મારો કંઠ બેસી જાય ના.

એની કરુણાને કવિતામાં ઉતારે છે એવી

  જો જો મારી કલમની પ્રેરણા મુંઝાય ના.

હમાલોના હૈયાં કેરી હેરાફેરી કરનારી

  ભલે મારી કવિતાઓ એને સમજાય ના.

લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,

  સુખ કેરાં સપનાં સુખથી સેવાય ના.

કીકીઓમાં કૂતૂહલ, કલેજાંમાં હાયવોય,

  હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.

એવા એ મજૂરો કેરી કવિતા તો ક્યાંથી લખું?

  પાઇ વધુ આપવા જતાં હાથ લાંબો થાય ના.

                                                     -- વેણીભાઇ પુરોહિત

એક આંખે આંસુની ધારી

  બીજી એ સ્મિતના ઉડે ફુવારા

    બીચમાં બાંધી આંખે પાટા

      ઓશિયાળી અથડામણ

                                             - મનસુખલાલ ઝવેરી

                   અભિવ્યક્તિ

દ્રશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?

     ખુલ્લી રહેલી બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલા ભાને સૌદર્ય સાચવે છે

    ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક ઉપર જે પ્રસ્વેદથી લખાતી

    મઝદૂર - થાક - લારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, બુખ્યું સુતેલ બાળક

    ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

એના હૃદય મહીં જે અનુવાદ થઇ શકી ના

    એ વેદના અમારી, ભાશા નથી તો શું છે?

                                                        -- નિર્મિશ ઠક્કર

કોઇનો (પ્રેમ) સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો;

               આપણી અપેક્ષાજ વધારે હોય છે.

આપણે તો આપણી રીતે જ રહેવું

    ખડક થવું હોય તો ખડક,

       નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું.

                                                           - હરિન્દ્ર દવે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે

મારી કેરીયર શરુ કરી ત્યારે

હું એવું માનતો હતો

                   કે વિશ્વ વસ્તુઓનું બનેલું છે,

પરંતુ જેમ મારી ઉમર વધતી ગઇ તેમ તેમ

મને વધારે ને વધારે એમ લાગવા માંડ્યું

                     કે વિશ્વ વસ્તુઓનું નહીં

                                 પણ વિચારોનું બનેલું છે.

                                                                            --- એડિંગ્ટન

નદીમાં પાણી ન હોય,

નીંદરમાં સપનાં ન હોય,

આકાશમાં તારા ન હોય,

અને પુષ્પોમાં સુગંધ ન હોય,

તો માણસ કેવો ને કવિ કેવો.

                                           -- રાજકુમાર કુંભજ

અંદર ડોકિયું કર્યા વગર

    જો આકાશમાં બાથ ભીડવા જાય છે

             તે ઉંચેથી પડે છે.

                                                   - રઘુવીર ચૌધરી

No comments: