Saturday, June 30, 2012

શા માટે હું અનુવાદ કરૂ છું /// Why I translate

TED Blog | Video: Why I translate

ઇન્ટરનૅટના ગુજરાતી ભાષાના સહમુલાકાતીઓને આ વિડિયો દ્વારા તેમને જે પસંદ પડે તે ટીઇડી વાર્તાલાપોના ગુજરાતીમાં અનુવાદ કરવાનો આ સાંભળી / જોઇને પાનો ચડે તેવી અભ્યર્થના.
ગુજરાતી ભાષાની આવનારી પેઢીઓમાટે ગુજરાતી ભાષા અને સાહિત્ય અને જીવનશૈલિને ડીજીટ્લ સ્વરૂપે પહોંચાડવામાં આવા અનુવાદ ઉદ્દીપકની ભૂમિકા ભજવી શકે.

Wednesday, March 28, 2012

નાસા એ પૃથ્વી જેવડો જ ગ્રહ રજૂ કર્યો.

આધુનિક અવકાશ વિજ્ઞાનમાટે પૃથ્વી જેવો, તેના જેમ જીવન સૃષ્ટિને ટકાવી શકે તેવું વાતાવરણ ધરાવતા, ગ્રહની શોધ એ એક ખાસ પડકાર રહેલ છે.

૨૨ માર્ચ,૨૦૧૨નાં વૉશિંગ્ટન પૉસ્ટમાં આ વિષય પર એક રસપ્રદ વીડીયો સમાચાર પ્રસિધ્ધ થયેલ છે.


http://www.washingtonpost.com/national/health-science/nasa-new-planet-just-about-right-for-life/2011/12/06/gIQACD44YO_video.html


આ શોધ એ વૈજ્ઞાનિકો માટે જેટલો વ્યાવસાયિક પડકાર છે, તેટલો જ કુદરતી સંસાધનોપર કાબુ દ્વારા સમગ્ર વિશ્વ પર રાજ કરવાની હોડમાં ઉતરેલા દેશોમાટે રાજકીય વ્યૂહાતમક પડકાર પણ છે.આ સંદર્ભમાં આ વિષય પર એક વિચારપ્રેરક લેખ Strategy + Businessના ૨૬ માર્ચ,૨૦૧૨ના એક લેખ પણ આજે વાંચવાનો સંયોગ થયો. એ લેખ વિશે અહીં પૉસ્ટ બનાવીને લખેલ છે.

Tuesday, March 13, 2012

આજ અને અહીં જીવવાનાં પાંચ કારણો


૧. દરેક નવાદિવસને તેનું પોતાનું એક બળ હોય છે.તેને સારીરીતે વીતાવવાથી સુંદર ભૂતકાળ અને પ્રફુલ્લ ભવિષ્યકાળનું સર્જન આપોઆપ જ થાય છે.
૨. ચિંતાના સ્થાને સંતોષને મૂકો.આજે આ ક્ષણે હું જીવંત છું,તંદુરસ્ત છું,પ્રેમભર્યા સંઅંધો અને અર્થપૂર્ણ કામ ધરાવું છું તે શું નાની વાત છે?
૩.જાતને જાણો. આપણી ઇચ્છાઓ,સ્વપ્નો,રસક્ષેત્રો સતત પરિવર્તન પામતાં હોય છે. વર્તમાનમાં જીવવાથી પોતાની જાતની વધુ નજીક જઇ શકાય છે.
૪. વર્તમાનમાં જીવવાથી વ્યક્તિ વધુ પ્રેમપૂર્ણ બને છે.જેને ચાહે છે તેનામાટે વધુ સમય અને વધુ ધ્યાન આપવાની ઇચ્છા થાય છે.
૫. આપણને એક જ જિંદગી મળી છે અને તેનો માત્ર એક કાળખંડ - આજની આ માંગરૂપે પૂરેપૂરો આપણા હાથમાં છે. તેને આશીર્વાદરૂપ બનાવવો કે શ્રાપરૂપ તે આપણે વિચારવાનું છે.

વર્તમાન ક્ષણમાં આનંદપૂર્વક અને હૃદયપૂર્વક જીવીએ અને ભવિષ્યને તેની સ્વાભાવિક રીતે આવવા દઇએ." - ગ્રીક તત્વજ્ઞાની

આજે આ ફૂલો ખીલ્યાં છે
મસ્ત સુગંધ ફેલાવતાં
પર્ણોનાં ઝુમખાંપર ઝૂમતાં
તે તારાં છે.
તે તું નહીં સમજે
તો પણ આજનો દિવસ જીવશે,
ને જો સમજશે તો પણ
સાંજ થતાં સુધી મળી જશે માટીમાં.
તું જ લખ નસીબ
તારું અને તારાં ફૂલોનું

- ૧૨ માર્ચ, ૨૦૧૨નાં જન્મભૂમિ પ્રવાસીમાં પ્રસિધ્ધ થયેલ સોનલ પરીખની કૉલમ 'રીફ્લેક્શન'ના                         'જો ભી હૈ, બસ યહી એક પલ હૈ' લેખમાંથી સાભાર

આ લેખનો અંગ્રેજી અનુવાદ અહીં છે.


Saturday, March 10, 2012

“ઇશ્વર પરમાર - બહુઆયામી સર્જક”


મૂળ રેવા,કચ્છના પણ વ્યવસાયને કારણે - જોકે ખરેખર તો એમ કહેવું જોઇએ કે,ભેખ લઇને - દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ કચ્છદ્વારા  iyd.bhuj@gmail.comપ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા, haresh.dholakia@yahoo.com,  દ્વારા સંકલિત આ પુસ્તિકાને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બેમત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા 'ખૂણે બેસીને કામ કરતા સર્જકો'નાં કામનો સીધો સંપર્ક, સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજસાથે, સાધી આપે છે. 
પિતા દામજીભાઇ અને માતા રામકુંવરબેનના પુત્ર ઇશ્વરલાલ પરમારનો જન્મ ૬ ઑક્ટૉબર,૧૯૪૧ના રોજ કચ્છના રેહા ગામમાં થયો હતો. કૌટુંબીક  વ્યવ્સાય ખેતી,નાના પાયાનો વેપાર અને બાંધકામની ઠેકેદારી, પરંતુ ઇશ્વરલાલના ભાગ્યમાં તો ભેખધારી શિક્ષકના થવાના લેખ લખાયા હતા એટલે અર્થશાસ્ત્રમાં બી.એ. કર્યા બાદ બી.ઍડ.ગુજરાતી અને હિન્દીમાં કર્યું.તે પછીથી તો ઍમ.ઍડ. અને હિન્દીમાં ઍમ.ઍ. પણ કર્યું. તેમનાં પત્ની આરતીબેન પણ શિક્ષક હતાં અને તેમની પુત્રીઓ પણ શિક્ષણ જગતમાં જ છે.
તેમનો ડૉક્ટરૅટ માટેના વિષય - સ્વાતંત્ર્ય પૂર્વેના ૧૯૩૭-૪૭ના દાયકામાં અને સ્વતંત્ર્યેતર સન ૧૯૬૭-૭૭ના દાયકામાં થયેલ ગુજરાતી સામાજીક નવલકથાઓમાંનાં શેક્ષણિક નિર્દેશોની સમીક્ષા -માં આપણે તેમનાં વ્યાવસાયિક વ્યક્તિત્વના શિક્ષણને સમાંતર જ સાહિત્ય સર્જનના અભિગમની ઝલક જોઇએ શકીએ છીએ.
જો કે તે પછીથી શ્રી ઇશ્વરભાઇ જેટલા શિક્ષક રહ્યા છે તેટલા જ સંશોધક અને તેટલા જ સાહિત્ય સર્જક રહ્યા છે. અહીં 'તેટલા'માં ભેખધારી, રચનાત્મક, મૌલિક, પ્રતિબધ્ધ, પ્રયોગાત્મક જેવા વિવિધ આયામને આ ત્રિમુર્તિ પ્રતિભામાં સમાવવા પડશે.
આ પુસ્તિકામાંની તેમની સાથેની પ્રશ્નોત્તરીમાં તેમણે કહ્યું છે તેમ લગભગ દશ વર્ષની ઉંમરે જ 'કોઇ લખાણ નીચે પોતાનું નામ હોય એવી મુગ્ધ મરજી'ના સળવળાટે તેમનામાં સાહિત્ય સર્જનનાં જે બીજ રોપ્યાં તેનો અંકુર 'મીની માસીએ લાડવા ખાધા' એ કવિતાનાં સ્વરૂપે'જનશક્તિ'મા બાળ વિભાગમાં પ્રસિધ્ધ થયો. તે પછીથી પોતાના શિક્ષણ કાળ અને વ્યાવસાયિક કાળ દરમ્યાન સંજોગો અને તકોના વા-વરસાદે આ છોડ વટવૃક્ષ થતો ગયો.
તેમનું સાહિત્ય સર્જન બાળ સાહિત્ય, બાળ ઉછેર સાહિત્ય, બાળ સાહિત્ય સમીક્ષા, શિક્ષણ સાહિત્ય, ચરિત્ર આલેખન,લઘુકથાઓ જેવી અનેક પ્રશાખાઓમાં વિસ્તરેલ છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકોનાં સહસંપાદન, પાઠ્યપુસ્તક સહપરામર્શન અને પ્રશિક્ષણનાં પુસ્તકોમાં સહલેખનની ભૂમિકાઓમાં પણ તેઓનું સહજ યોગદાન રહેલ છે.
બાળસાહિત્ય માટેના તેમના રસ અને અનોખી મૌલિકતા માટે તેઓ "માલીપા વસતા મસ્તીખોર માસુમોને રીઝવવાના રિયાજ"ને કારણભૂત ગણે છે. જે કંઇ લખાયું છે તે "સહજમાં લખાતું ગયું છે" તે કથનમાં તેમની સ્વાભાવિક વિનમ્રતા અને નૈસર્ગીક રચનાત્મકતા છતી થતી રહે છે.બાળવિકાસની સાથે સાથે બાળ ઉછેર સાહિત્ય ક્ષેત્રે પણ તેટલી જ સહજતાથી તેમનું પ્રદાન જોવા મળે છે. તેમની શૈલિ બાળકોને સમજ પડે તેવી રસાળ અને ભાષા સરળછે. ટુંકા પણ અર્થસભર વાક્યો, વિશિષ્ટ ધ્વનિપ્રકારના પ્રયોગોથી તેમનાં બાળસાહિત્યનું મળતું અભિનવ પરિમાણ તેમના શબ્દો - "બાળકને વાર્તા વંચાવવાની હોય, બલ્કે  કહેવાની હોય" -માં જોઇ શકાય છે.તેમનાં બાળસાહિત્યની સૂચિમાં ૧૨ બાળવાર્તા,૭ બાળસાહિત્ય સમીક્ષા અને ૫ બાળ ઉછેરનાં પુસ્તકો જોવા મળે છે.
ડૉ. પરમાર તેમની વ્યાવસાયિક જીવનચર્યાનું દસ્તાવેજીકરણ પણ તેમની સર્જનાત્મકતાને કારણે [કે કદાચ તેની મદદથી]કરી શક્યા છે. શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રોનાં તેમનાં પુસ્તકોમાં તેમની શિક્ષક અને સંશોધક તરીકેની ઓળખ છતી થઇ રહે છે. તેમની ભાષામાં અહીં એક અભ્યસ્ત અધ્યાપકની બોલી સાંભળવા મળે છે, અને તેથી તેમનાં દ્ર્ષ્ટિબિંદુને સમજવામાં ખચકાઇને વાચકને વિરૂધ્ધ વિચારને ચાળે ચડી જવાની તક જ નથી મળતી. તેમના પી.એચડી.માટેના મહાનિબંધપરથી નિતારીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક "સામાજીક નવલકથામાં શિક્ષણ" વિષે શ્રી રઘુવીર ચૌધરીનો પ્રતિભાવ ડૉ. ઇશ્વર પરમારની શિક્ષણ-કેળવણી સાહિત્ય સર્જકતાનું સુરેખ ચિત્રણ કરી આપે છેઃ " આ શોધનિબધ એની શાસ્ત્રીય પધ્ધતિ અને લાઘવતાના ગુણે ધ્યાન ખેંચતો રહેશે. અન્ય શિધકર્તાઓમાટે નમૂનારૂપ લેખાશે.અહીં જે ભાષા શક્તિ છે,એના મૂળમાં માત્ર શિક્ષકની હેસિયત નથી, એક વિવેચકની સજ્જતા છે, જે સાચી સહૃદયતાથી આદ્ર થયેલ છે."
ડૉ. ઇશ્વરભાઇ પરમારે બાળસાહિત્ય અને શિક્ષણ/કેળવણી સાહિત્ય ઉપરાંત અન્ય સાહિત્ય પ્રકારો પણ એટલું જ વિશદ કામ કરેલું છે. તેમનાં લેખનમાંનો લાઘવ તરફનો ઝોક તેમની લઘુકથાઓને સ્વરૂપે પ્રગટ થયો છે. કદાચ લઘુકથાનાં અતિસુક્ષ્મ ભાવ જગતને વાંચકનાં મન પર અમીટ છાપ રૂપે અંકિત કરવામાટે તેમણે પુરાકલ્પન જેવાં માધ્યમનો તો જરૂર પડ્યે વિવિધ રસાલંકારોનો સુપેરે પ્રયોગ કર્યો છે.'દીઠી અમે દ્વારામતી'માં કૃષ્ણ અને દ્વારકા વિષેનાં કાવ્યોનું સંપાદન હોય કે કૃષ્ણનાં કાર્યક્ષેત્રના પરિચય જેવું 'કરૂણાસાગર દ્વારિકાધીશ' હોય, શ્રી ઇશ્વરભાઇ તેમની અંગત લાગણી કે માન્યતાને પશ્ચાદભૂમાં રાખીને કથા વસ્તુને સુયોગ્ય માર્મિક ચોકસાઇથી આલેખે છે.
આ પુસ્તિકા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનનું સર્વાંગી અને સર્વગ્રાહી મૂલ્યાંકનની દિશામાં 'નાનકડો પ્રયાસ' છે તેવી પ્રકાશકો પાસેનાં શક્ય સાધનોની અને સંપાદકની સ્વસ્વિકૃત મર્યાદાને ધ્યાનમાં લેવા છતાં પુસ્તિકાને અંતે સમાવિષ્ટ ડો. પરમારનાં સાહિત્યસૂચિમાંના પુસ્તકોના પ્રકાશકો,પ્રકાશન વર્ષ,કિંમત જેવી વિગતોની ખોટ વર્તાય છે. જો આ માહિતિ સ્માવાઇ હોત તો, આ પુસ્તિકા ડૉ. પરમારના સંદર્ભ ગ્રંથ ઉપરાંત તેમનાં સાહિત્ય સુધી પહોંચવાનો સેતુ પણ બની રહેત.
તેમનાં ત્રિવિધ સાહિત્યને આટલાં ટુકાણમાં મૂલવીને યુવાન અને નવિદિત વિવેચકો - પૂજા કશ્યપ સોની, pujaks12@yahoo.in ,  (“ડૉ. ઇશ્વરભાઇ પરમારઃ બાળસાહિત્યકાર ), પલ્લવી કે શાહ, plvshah@gmail.com ,(“ડૉ.ઇશ્વર પરમારનાં કેળવણી વિષયક પુસ્તકો )અને મોના લિયા, monabhuj@gmail.com,  (“ડૉ. ઇશ્વર પરમારની અન્ય સાહિત્યકૃતિઓ )- એ ગાગરમાં સાગરને બખુબી સમાવવાનું કઠીન કામ દેખીતી સરળતાથી પાર પાડ્યું છે.
ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમન્ટ જો આ પુસ્તિકાને ઇ-પુસ્તકનું સ્વરૂપ આપીને ડીજીટલ પ્રસાર માધ્યમો દ્વારા પ્રસિધ્ધ કરે તો તેમના આ અને અન્ય પ્રયોગો અને પ્રવૃતિઓને ખુબ જ વ્યાપક અને બહોળો પ્રસાર તેમ જ પ્રચાર મળી શકે.
[ડૉ. ઇશ્વર પરમાર, સિધ્ધનાથ સામે, દ્વારકા ૩૬૧ ૩૩૫ સેલફૉનઃ +૯૪ ૨૭ ૨૮ ૪૭ ૪૨]
["ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક" જાન્યુઆરી ૨૦૧૨ // સંકલનઃ- શ્રી હરેશ ધોળકિયા // પ્રકાશક- ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમૅન્ટ, ૨૩,અમ્બિકા સોસાયટી, હૉસ્પિટલ રૉડ, ભુજ-કચ્છ ૩૭૦૦૦૧]

Monday, February 27, 2012

કચ્છડો - ૧૨એ માસ કે ૨૨એ વિમાસ


શ્રી જગ સુરૈયા શ્લેષના ચબારકીયા પ્રયોગની મદદથી તેમના મુદ્દાની સરકારક રજૂઆત કરવામાં માહેર ગણાય છે.
૨૩ જાન્યુઆરી,૨૦૧૨ના ToIની તેમની કૉલમ JUGULARVEIN  [આ તેમનો પહેલો શ્લેષ  punch!]માં તેમણે ફરી એક્વાર તેમની શ્લેષ કળાનો સ-રસ પ્રયોગ કર્યો છે.તેમનો Kutch-22 લેખ કચ્છીયતની સાંપ્રત,ગંભીર કશ્મકશને હળવી શૈલિમાં રજૂ કરે છે.
લેખનું શિર્ષક એ માત્ર Catch 22ના શ્લેષનો શાબ્દીક પ્રયોગ જ નથી. ઉલમાંથી નીકળવા જાઓ તો ચૂલમાં ફસાઓ જ તેવાં બંધનોમાં ફસામણી માટે Catch 22 શબ્દપ્રયોગ બહુ પ્રચલીત છે. ક્ચ્છીઓની ભયમાં આવી પડેલી કચ્છી તરીકેની આગવી ઓળખાણની આવી જ Catch 22 સમાજિક મનોસ્થિતિની વાત શ્રી સુરૈયાએ તેમની માર્મીક શૈલિમાં કહી છે.

શ્રી સુરૈયાની સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે Catch-22 ને સમજી લઇએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં તે સમસ્યામાં વધારે ફસાઇ જવાય તે પરિસ્થિતિમાટે હવે આ શબદપ્રયોગ બહુ પ્રચલીત બની ગયો છે. જૉસૅફ હૅલરની ૧૯૫૩માં લખાયેલી અને ૧૯૬૧માં પ્રકાશીત થયેલ નવલકથાનું આ શિર્ષક છે. કથામાં Catch [છટકું] એ છે કે અતિ ખતરનાક બૉમ્બીંગ મીશનમાંથી છુટકારો મેળવવામાટે અયોગ્ય ઘોષીત થવા માટે માનસીક યોગ્યતા કસોટી કરાવડાવવાની અરજી કરવી પડે. આ અરજી જ આમ તેના ડાહ્યા હોવાનો પુરાવો પાડે. આમ પાગલ જાહેર થવા માટેની તમારી અરજી જો તમારા ડાહ્યા હોવાનું પ્રમાણ બની જાય તો બધા'પાગલ' 'ડાહ્યા' જ હોય ને! અને એ ભયથી જો તે અરજી જ કરે તો તે ડાહ્યો તો રહ્યો જ, એટલે તેનું બોમ્બમારાનાં મિશનમાં જવું પણ નક્કી જ.એટલે કોઇ પણ પાયલટ ખરેખર પાગલ હોય તો પણ તે માટેની અરજી કરતાંની સાથે જ 'ડાહ્યો' ગણાઇ જાય. આમ Catch-22ને કારણે ખરો પાગલ પાયલટ પણ ઘરે બેસી ન શકે!

જો કે છટકાનાં સાખ્યીક ક્રમ - ૨૨ - માટે કોઇ ખાસ કારણ નથી. સહુ પહેલાં તો કથાનું પહેલું પ્રકરણ Catch-18  ના નામથી પ્રસિધ્ધ પણ થઇ ચૂક્યું હતુંપરંતુ, પુસ્તકનાં પ્રકાશનના થોડા સમય પહેલાં જ Mila 18  નામે એક નવલકથા પ્રકાશીત  થ ઇ ચુકી હતી એટલે સારો પ્રાસ બેસતો હોવાથી ૨૨ના આંકડાની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૭૦માં માઇક નીકૉલસના નીર્દેશનમાં Catch -22 ના નામ થી જ તેનું ફીલ્માંકન પણ થયું છે.
તો, હવે આપણે એક તરફ ખાઇ તો બીજી તરફ ખીણ જેવી  સ્થિતિને કચ્છ અને કચ્છીયતની સાથે શું લાગે વળગે છે તે તરફ કદમ ઉઠાવીએ?

નૈસ્રર્ગીક રીતે જે ૪૫,૬૫૨ ચો.કી.મીંમાં ફેલાયેલ દેશનો સહુથી મોટો જીલ્લો હોવા ઉપરાંત આ પ્રદેશ બહુ બધી રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વિશિષ્ઠ પ્રકારનું રણ, દર ૫૦ /૬૦ વર્ષે મોટા ધરતીકંપ, અને અત્યાર સુધી વણખેડાયેલ રહેલ ખનીજ સંપત્તિ, ખુબ જ લાંબો દરીયાકિનારો હોવા છતાં વ્યાપારીક કુનેહમાં મહાકુશળ એવા કચ્છીઓ વિશ્વમાં ચારેકોર ફેલાઇ જવાની હિંમત સદીઓથી કરતા રહ્યા પણ પોતાના ઘરના  વિકાસ માટે અકળરીતે ઓછો રસ ધરાવતા દેખાયા છે. '૬૦ના દશકાના મધ્ય ભાગથી કંડલા બંદરના વિકાસને પરિણામે કચ્છનું ગાંધીધામ મહદ અંશે ઉત્તર ભારત સાથે માત્ર વ્યાપારીક જ નહીં પણ ગાંધીધામને ઘર બનાવીને ઉત્તર ભારતીયોનાં સ્થાઇકરણને કારણે સાંસ્કૃતિક રીતે પણ જોડાતું ગયું.

અખંડ ભારતના ભાગલા સમયે કચ્છનો એક ભાગ નવાં જન્મી રહેલ પાકીસ્તાનમાં ભેળવાઇ ગયો તો આઝાદી પછી મુંબ ઇ રાજ્યનાં ભાષાવાર વિભાજન સમયે તે ગુજરાતમાં ભેળવી દેવાયું. આમ આઝાદી પહેલાં હંમેશ એક અલગ રાજ્યની પ્રજા તરીકે જીવવા ટેવાયેલ પ્રજાને એક તરફ તેમની આગવી ઓળખાણના ક્ષયની ફીકર હતી તો બીજી તરફ આર્થિક અને ભૌતિક વિકાસમાટેનાં ઓરમાયાં વર્તનનો અસંતોષ હતો. કચ્છની Catch-22 નવલકથાનું આ પહેલું પ્રકરણ કહી શકાય.

જો કે ૨૦૦૧ના મહાધરતીકંપ બાદ પરિસ્થિતિ એ એક નવો જ વળાંક લીધેલો જણાય છે. જાનમાલની પારાવાર ખુમારીની સીધી જ અસર ઉપરાંત કચ્છનાં આંતરીક ભૌતિક અને બહારના વિશ્વ સાથેના ભૌતિક તેમજ સાંસ્કૃતિક સમીકરણોમાં આમુલ પરિવર્તન થઇ ગયાં છે. ધરતીકંપને પરિણામે કચ્છનાં ઘણાં શહેરો અને ગામોને ઘણે મોટે પાયે ભૌતિક નુકસાન થયું હતું. ભુજ, અંજાર, ભચાઉ જેવાં શહેરો તો એટલી હદે ભાંગી ચુક્યાં હતાં કે તેમની લગભગ નવી કાયાપલટ જ થઇ ગઇ છે.સામખીયાળી - ભચાઉ - ગાંધીધામ -અંજાર - મુંદ્રાનો પટ્ટો તો ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત-વાપીના 'સોનેરી પરસાળ'ની જોરદાર હરીફાઇ કરતો ઔદ્યોગિક વિસ્તાર બની ગયો છે. નળીયા - અબડાસા વિસ્તાર ભારતનું સીમેન્ટ કેન્દ્ર બની રહેવાને ઉંબરે આવી રહ્યો છે. ૪૦૦૦ હજાર મેગાવૉટ્ના બે અતિમહાકાય વીજળી મથકો અને લગબહગ ૨૫૦૦ મેગાવૉટ વીજળી પેદા થઇ શકે તેવી અને તેટલી પવનચક્કીઓથકી ગુજરાત આવનારાં કેટલાંય વર્ષો સુધી વીજળીની પુરાંત ધરાવતું રાજ્ય બની રહેશે.

આને પરિણામે એક તરફ ઉત્તર ભારત સાથે દ્વી-માર્ગીય રેલ લાઇન અને  ૬-માર્ગીય આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો બીજી તરફ ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે જોડતો રેલ, રૉડ અને વિમાન વ્યવહાર તો અસ્તિત્વમાં આવી ગયો છે, જે અમારા જેવા કંડલા-નવલખી લૉંચની કડીથી મુસાફરી કરનરી પેઢીમાટે તો પોતના જ જીવનકાળ દરમ્યાન સાચાં પડેલાં એક સ્વપનાં જેવું લાગે છે.
એક જમાનામાં જે પ્રદેશની પ્રજા નિકાસ થતી હતી તે પ્રદેશ આજે બધી જ પ્રજાની આયાતમાટેનું આકર્ષણ બની ગયેલ છે.અને તેમ છતાં એ જ કચ્છનાં માંડવી / મુંદ્રા જેવાં શહેરોમાં આજે કેટલાંય ઘરો વર્ષોનાં તાળાં લાગેલાં જોવા મળે છે તો કેટલાંય ગામોમાં આંગળિના વેઢે ગણી શકાય તેવી વસ્તીની હાજરીની ઝાખપ જોવા મળે છે. 'વિકાસ'નું આ અસંતુલન, હાલના પ્રજા જીવનને પણ અસંતુલીત કરતું જણાય છે. કચ્છની Catch-22  કથાનો આ બીજો તબક્કો છે.

'૬૦ના દાયકામાં આવી ને ગાંધીધામમાં વસેલા 'પરપ્રાંતિયો'ની આજે જેમ ત્રીજી અને ચોથી પેઢી કચ્છને પોતાનું વતન બનાવી ચૂકી છે. તે જ રીતે આ દશકામાં નવા ઉદ્યોગોને કારણે આવીને અહીં સ્થિર થઇ રહેલ એક બહોળી વસ્તી પણ કચ્છના આ વિસ્તારનાં પ્રજાજીવનને કાયમમાટે પચરંગી કરી નાખશે. અને આ વલોણાંમાં કચ્છ્ની બહાર વસી ગયેલા કચ્છીની કચ્છીયતને ભેળવો તો જે નવરંગ સંયોજન પ્રસ્રરતું જશે તેને આપણે કચ્છની  Catch-22 નું ત્રીજું પ્રકરણ ગણીશું.

આમ પરંપરાગત  કચ્છમાંથી જ ઉદભવતી કચ્છીયત, '૬૦માં ગુજરાતના મહત્વના સીમાંત જીલ્લા તરીકેની ઓળખથી મહા-ભુકંપ,૨૦૦૧ ને કારણે વીજાણુ માધ્યમો ને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખા સુધીની કચ્છીયત અને હવે ૨૦૦૩ પછીનાં સાંપ્રત ઔદ્યોગીક કચ્છ તેમ જ હવે પછીના એક કે બે દાયકનાં ભાવિ કચ્છની કચ્છીયતનો ભાતીગળ સંયોજીત રંગપટ જેવા ચોરાહા  પર કચ્છની રસમય ગાથા આ સમયે આવીને ઉભેલી દેખાય છે.

આ છે કચ્છીયત-૨૨ની ઐતિહાસીક નિર્ણાયત્મક ઘડી! કચ્છીયતે ભૂતકાળની ભવ્યતા(!)માં રાચવું છે કે ભવિષ્યમાં તેની હજૂ વધારે આગવી,[પરાણે પણ]માન અને પ્રેમ આપવાલાયક પહેચાન ઉભી કરવી છે તે કચ્છીયતની વર્તમાન વિચારધારાની ગતિશીલતા પર આધારીત છે.


n  ૨૩ જાન્યુઆરી,૨૦૧૨ ના ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના બ્લૉગ પર પ્રસિધ્ધ થયેલ શ્રી જગ સુરૈયાના મૂળ લેખ  Kutch -22  પર નો પ્રતિભાવ

Thursday, February 23, 2012

૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ની દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃતિની કળશ પૂર્તિમાં શ્રી મધુ રાયની કૉલમ 'નીલે ગગનકે તલે'ના "દો દિલોં કી દાસ્તાં : મિસ્ટર બી અને ડાક્ટર પી" લેખ પરનો પ્રતિભાવ


ભાઇશ્રી મઘુ રાય 'ગગનવાલા'એ આજે માનવ સ્વભાવની સહુથી મોટી નબળાઇ - લોભ -ને એક વાર ફરીથી ખુલ્લાં આકાશમાં ખુલ્લી કરી આપી.
માનવ લોભની કથાઓ આદમથી શરુ થઇ અને દરેક યુગ યુગામી અવનવાં સ્વરૂપે થતી આવી છે, અનુભવાતી આવી છે અને ભુલાતી આવી છે.
મહાભારતમાં જૂગટૂં - દેશી ભાષામાં જૂગાર- રમવાનો મોહ યુધિષ્ઠીર જેવા સંપુર્ણ સત્યવાદીને પણ લાગી જતો  હોય છે તેમ કહીને તેનાં સર્વવ્યાપી દુષણને ઉઘાડું પાડી લોકોને તેનાથી વિમુખ કરવાનો હેતુ હતો. પણ માનવીની બુધ્ધિ જો અવળો અર્થ ન કાઢે તો માનવ-બુધ્ધિને લ્યાનત ન લાગે? એટલે સત્યનિષ્ઠ લોકોને જુગાર જેવી આવડત હોવી તે તો આર્થિક વિકાસનું મહત્વનું પરીબળ ગણાવાયું!
આ જૂગારનું આર્થિક વ્યવહારનું સ્વરૂપ તે સટ્ટો. કોઇપણ ચીજવસ્તુની ભવિષ્યમા થનારી ઉપલબ્ધી, તેની માંગ અને તેઓનાં પરિણામે તેના ભાવનો અડસટ્ટો લગાવતાં લગાવતાં સટ્ટાની લત ક્યારે લાગી જાય તે 'પ્રબુધ્ધ' માનવીને ખબર નથી પડતી! [લો, કરો વાત!]
તેમાંય ૨૦મી સદીના મધ્ય બાદ અર્થશાસ્ત્રના અન્ય જ્ઞાનશાખાઓસાથેના વધતા ગયેલા ઘરોબાને કારણે શુધ્ધ એન્જીનીયરીંગ ભણેલાઓ પણ નાણાં સંચાલનના અધિપતીઓ બનતા ગયા, નાણાંના વ્યવહારો બની ગયા ઉપભોગતા ઉત્પાદનો, ચોરે અને ચૌટે શૅર બજારના આટાપાટાની ટીપ્સ ગુંજતી થઇ ગઇ.
આમ પણ જે ગામમાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા મરતા તો સાંભળ્યા નથી જ, તો અહીં તો તે જંક બૉન્ડમાં રોકાણ કરી ને કચરામાંથી કચરાલાલ કહેવાતાં હૅજ ફંડોનાં હાટડાંઓ ખોલી નાંખીને લોકોને ધોળે દિવસે હથેલીમા ચાંદ - તે પણ બેદાગ, પુનમનો ચાંદ - બતાડવાના વ્યવસાયના મુખ્ય સંચાલકોને લાખો ડૉલરના દરમાયા મળતા થઇ ગયા. આ સંપત્તિ સંચાલન પધ્ધતિ ને પેલી સંચાલન જાળવણીની રસમો શિખવાડીશું તેવાં લોભામણાં વચનોથી આંજી નાખી ને પોતાનો રોટલો શેકવા માટે આમ આદમીને ધુતારા થવાના ફાયદા શીખવવાની શાળા /કૉલૅજો ખોલી દીધી. સફેદ કપડાં પહેરીને કોલસાની દલાલી કરવાથી કપડાં પર દાગ લાગે તે તો કોલસાનો વાંક પણ સાબિત કરી નંખાયો.
માનવીના લોભને સામ્યવાદમાં કે સમાજવાદમાં કે બજારોન્મુખ મૂડીવાદમાં સરખું જ ઉત્તેજન મળતું રહ્યું. કારણકે મોસાળીયા જાનૈયા અને મા પીરસે તેવો ઘાટ હતો ને
ભગવાનને મહાભારતનાં એ પ્રખ્યાત જૂગટાંના ખેલ દરમ્યાન જ આવું બધું થશે તેનો અડસટ્ટો આવી ગયો હશે, એટલે ક્યાં તો તે પણ હવે 'લોભ'ને ધર્મની ગ્લાની નથી ગણતા અથવા તો આ અધર્મ હવે તેમની ક્ષમતાથી પણ પર થઇ ગયેલ ગણતા થઇ ગયા જણાય છે. એટલે જે તો હવે તે પોતે જન્મવાનું નામ નથી લેતા! હજારે માંડ એક અણ્ણા કે પ્રીત ભરારા જેવા કાળા માથાના માનવી ને આઠ આઠ કોઠાના ચક્રવ્યૂહ ભેદવા આગળ કરી દે છે. "તમે જાણો અને તમારૂં કામ જાણો, મને વૈકુંઠમાં હેરાન કરવાનું બંધ કરો" તેવાં પાટીયાંઓ લગાવી દીધાં છે.
સાહિર લુધીયાનવીએ 'વો સુબહ કભી તો આયેગી'ની નિરાશામાંથી 'વો સુબહ હમીં સે આયેગી'ની આશા જોઇ હતી, તો આપણે પણ તે આશાને ફળીભૂત થવાની સુબહની રાહ જોઇએ?

Tuesday, February 21, 2012

૧૯ ફેબ્રુઆરી,૨૦૧૧નાં જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીમાંના કેટલાક લેખપરના પ્રતિભાવ


'લાફાલાફીંગલાલિત્યલહરી'ની [તીર કીટ ધા - શ્રી સ્નેહલ ન.મુઝુમદાર] મજા માણતાં વિચાર આવ્યો કે શું તમાચો એ TheMacho દ્વારા થયેલ હાથના બળપ્રયોગ માટે વપરાયેલ ભાવવાચક નામ છે? તો તે જ રીતે જ્યારે કોઇ લલના એ બળપ્રયોગ કરે તો તેને 'તમાચી' કહેવાય?
સ્વામી વિવેકાનંદે અપેક્ષ્યા છે તેમાંના ન હોઇએ તો લાફાને 'લાફી'(હસી)ને માણવો પડે?
થપ દઇને પડે તે થપ્પડ? તે જ રીતે થપાટ શબ્દ સાંભળતાંની સાથે જ તેના પડઘમ પરની થાપ જેવા નાદ ના પડઘાઓ પડઘાયા નથી કરતા?
આમ જૂઓ તો વીજળીના વેગે આવીને પડે તે તમાચો, વેગ ઓછો પણ બળ વધારે તે થપ્પડ અને પ્રેમથી ગાલ પસરાવે તે ટપલી? અને મશ્કરીના ભાવથી વિરોધ પ્રદર્શનમાટે ટપલીદાવથી વધારે અસરકારક સજા સાંભળી છે?
        * * * *
ડૉ. અજય કોઠારીએ પણ એક પ્રગલ્ભ ડૉકટરને છાજે તેવી ગંભીરતાથી જાણે 'વર્ચ્યુઅલ' - સમજો તો  રામબાણ - તેવાઓને તેમણે ઉદાહરણ પ્રસંગોમાં વાપર્યા તે, તમાચા ખાનાર ગાલ છૂપાવતાં જરૂર ફરે. પરંતુ, એ ઉદાહરણોમાંનાં પાત્રો તો આવા કંઇ કેટલાય તમાચાઓ અને તેની પૂર્વજ પેઢીઓને પચાવી ને બેઠેલા ખરાને, એટલે તેઓ તો તમા(રે)ચા પીએ અને કરે ધનાધન! લપડાક વ્હાલની હોય તેમ ઠપકાની કે નિષ્ફળતાની સ્વ-શેહની હોય, તો તે ખાધા પછીથી તેમાંથી શીખેલાઓએ તો સફળતાનાં શિખરો સર કરે, બાકીના બધા તો સમયની લપડાકો ખાઇ ખાઇને અશ્મિભૂત થવાને જ લાયક.  [દે ધનાધન -પોલું છે તે બોલ્યું - ડૉ. અજય કોઠારી]
* * * * *
તારીખીયાંના દટ્ટાનાં દરરોજનાં પાનાંનો એક બહુ જ અસ્રકારક ઉપયોગ અમે અમારાં એક સંબંધી કુટુંબમાં જોયો છે. ઘરનાં એક વડીલ માવતર તેની પાછળ તે દિવસની તેમને ત્યાં થયેલ ઘટના ટપકાવી રાખે. અઠવાડીયાંના અંતે જ્યારે તેઓ પોતાનાં કુટુંબીજનોને પૉસ્ટ્કાર્ડ લખવા બેસે ત્યારે તે દિવસવારની થપ્પી લઇને બેસે અને તેમાંથી જોઇ જોઇને [અચૂક] વિગતો લાગતાં વળગતાં સંબંધીના કાર્ડમાં ઠલવાઇ જાય.
કૅલૅન્ડરનું[તળપદી] સકક્ષ તારીખીયું તે તવારીખીયુંનો અપભંશ હશે? પણ તવારીખ તો રોજ બરોજ થતી ઘટનાઓનાં વલણ [trend]નું દસ્તાવેજીકરણ,દરરોજ ની ઘટનાઓની નોંધ તો રોજનીશી [diary]માં રહે ને? એટલે તવારીખ પરથી તારીખીયું ઉતરી આવવા માટે શું કારણ હશે? [મોસમ આયે .. મોસમ જાયે.. -- કૉફી હાઉસ - શ્રી અનિલ જોષી]
* * * * *
ભાઇશ્રી શ્રીકાંત ગૌતમની કોલમ 'રંગરાગ'નો 'નદી, નાવ અને નાદલેખ વાંચતાં જ 'આવારા'માં 'દમ ભર ઇધર જો મુંહ ફેરે'નું ચિત્રીકરણ યાદ આવી જાય.

નરગીસની રાજ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા, રાજનું ચોર હોવાનું સભાનપણું [મૈં ચોર હું કામ હૈ ચોરી] અને ગીતનું માધુર્ય આપણને ચિત્રીકરણમાં સૅટ પર શુટીંગ કર્યું હોવાની દેખાઇ આવતી રાજ કપુરનાં નિર્દેશનની ક્વચિત નબળાઇ નઝર અંદાઝ કરવા પ્રેરે છે.

આપના આની પહેલાંના બે અઠવાડીયાંના લેખ પણ વિષયની 'નવી જ ભાત'ની પસંદ અને તેને અનુરૂપ લેખની સામગ્રીની દ્ર્ષ્ટિએ બહુ જ પસંદ પડ્યા હતા.