Tuesday, March 13, 2012

આજ અને અહીં જીવવાનાં પાંચ કારણો


૧. દરેક નવાદિવસને તેનું પોતાનું એક બળ હોય છે.તેને સારીરીતે વીતાવવાથી સુંદર ભૂતકાળ અને પ્રફુલ્લ ભવિષ્યકાળનું સર્જન આપોઆપ જ થાય છે.
૨. ચિંતાના સ્થાને સંતોષને મૂકો.આજે આ ક્ષણે હું જીવંત છું,તંદુરસ્ત છું,પ્રેમભર્યા સંઅંધો અને અર્થપૂર્ણ કામ ધરાવું છું તે શું નાની વાત છે?
૩.જાતને જાણો. આપણી ઇચ્છાઓ,સ્વપ્નો,રસક્ષેત્રો સતત પરિવર્તન પામતાં હોય છે. વર્તમાનમાં જીવવાથી પોતાની જાતની વધુ નજીક જઇ શકાય છે.
૪. વર્તમાનમાં જીવવાથી વ્યક્તિ વધુ પ્રેમપૂર્ણ બને છે.જેને ચાહે છે તેનામાટે વધુ સમય અને વધુ ધ્યાન આપવાની ઇચ્છા થાય છે.
૫. આપણને એક જ જિંદગી મળી છે અને તેનો માત્ર એક કાળખંડ - આજની આ માંગરૂપે પૂરેપૂરો આપણા હાથમાં છે. તેને આશીર્વાદરૂપ બનાવવો કે શ્રાપરૂપ તે આપણે વિચારવાનું છે.

વર્તમાન ક્ષણમાં આનંદપૂર્વક અને હૃદયપૂર્વક જીવીએ અને ભવિષ્યને તેની સ્વાભાવિક રીતે આવવા દઇએ." - ગ્રીક તત્વજ્ઞાની

આજે આ ફૂલો ખીલ્યાં છે
મસ્ત સુગંધ ફેલાવતાં
પર્ણોનાં ઝુમખાંપર ઝૂમતાં
તે તારાં છે.
તે તું નહીં સમજે
તો પણ આજનો દિવસ જીવશે,
ને જો સમજશે તો પણ
સાંજ થતાં સુધી મળી જશે માટીમાં.
તું જ લખ નસીબ
તારું અને તારાં ફૂલોનું

- ૧૨ માર્ચ, ૨૦૧૨નાં જન્મભૂમિ પ્રવાસીમાં પ્રસિધ્ધ થયેલ સોનલ પરીખની કૉલમ 'રીફ્લેક્શન'ના                         'જો ભી હૈ, બસ યહી એક પલ હૈ' લેખમાંથી સાભાર

આ લેખનો અંગ્રેજી અનુવાદ અહીં છે.


3 comments:

Ashok M Vaishnav said...

શ્રી દીપકભાઇ ધોળકિયાએ અંગ્રેજી અનુવાદ પર ૧૨-૩-૨૦૧૨ના રોજ કરેલી મનનીય ટીપ્પણીનો [wallsofignorance.wordpress.com /// dipak.dholakia@gmail.com] અનુવાદ:

“વર્તમાન ક્ષણમાં આનંદપૂર્વક અને હૃદયપૂર્વક જીવીએ અને ભવિષ્યને તેની સ્વાભાવિક રીતે આવવા દઇએ." - ગ્રીક તત્વજ્ઞાની

સૉક્રૅટીસ અને બુધ્ધ લગભગ સમકાલીન હતા.આ કયા ગ્રીક તત્વજ્ઞાનીએ કહેલું છે તે તો ખબર નથી, પરંતુ તે બુધ્ધની માન્યતાથી બિલકુલ અલગ જ દેખાય છે.

તેમનાં આ ચાર મહા સત્યો છેઃ દુઃખ છે;દુઃખનું કારણ પણ છે;દુઃખના અંતનો માર્ગ પણ છે અને દુઃખને પૂર્ણપણે નિર્મૂળ કરી શકાય છે.
આ ખુબ જ સકારાત્મક સંદેશ છે કારણ કે તે દુઃખ આપ્ણી જીંદગીમાંથી હંમેશ માટે દૂર કરી શકાય તેમ કહે છે. જો કે, જે દ્ર્ષ્ટિથી આપણે જીંદગીને જોઇએ છીએ [કે જોતા હતા]અને જે દ્રષ્ટિએ ગ્રીક જોતા, તેમાં મૂળભૂત તફાવત છે. બુધ્ધના ઉપદેશનો આધાર 'દુઃખ'ની પરિકલ્પના છે જ્યારે ગ્રીક તત્વજ્ઞાનીઓનું માનવું છે કે જીવન એક આનંદ છે અને તેને ભવિષ્યની બહુ ચિંતા કર્યા સિવાય આનંદથી માણવું જોઇએ.

બુધ્ધ જો કે તે સમયના બ્રાહ્મણ સમાજની માન્યતાઓ સાથે સહમત નહોતા અને તેની ચુંગાલમાંથી સમાજને મુકત પણ કર્યો હતો,પરંતુ તેમની વિચારધારા તે સમયની માન્યતાને જ અનુસરતી જણાય છે.એમના સમયના કોઇ પણ મહાન ચિંતકની જેમ બુધ્ધ પણ એમ માનતા કે સ્થૂળ સુખોની આપેક્ષા જ બધાં દુઃખોનું મૂળ છે.
જો આપણે દુઃખ,પીડા, દારીદ્ર્ય કે વિષાદથી શરૂ કરીએ તો સુખને સ્વર્ગ કે મોક્ષમાં પામી શકીએ છીએ.

આપણે ચાર મહા સત્યોને નવાં સ્વરૂપે જોઇએઃ

# વિશ્વમાં સુખ છે;
# સુખ મેળવવા માટે થોડી મહેનત કરવી પડે છે.
# સુખી થવું શક્ય છે;
# સુખ ખરેખર અનુભવી શકાય છે.

Ashok M Vaishnav said...

Dipak Dholakia says:
March 15, 2012 at 12:11 pm

બુદ્ધ એક દિવસમાં તો બુદ્ધ બન્યા નહોતા. ઘણું કઠોર તપ કર્યા પછી એમને લાગ્યું કે દેહદમનનો માર્ગ સાચો નથી. વીણાના તાર બહુ ઢીલા રાખીએ તો સંગીત જ ન પ્રગટે અને બહુ કસકસાવીને રાખીએ તો તૂટી જાય. આમ બુદ્ધે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. ભોગવિલાસ પણ નહીં અને એમના જમાનાના હઠયોગીઓની સાધના પણ નહીં.
એમને એમ પણ લાગ્યું કે . વળી લોકોથી દૂર વસવાનું પણ સાચું નથી. એટલે એ શહેરમાં કોઈના ઉદ્યાનમાં રહ્યા. એ વખતે શહેરોનો, સામ્રાજ્યોનો વિસ્તાર થતો હતો.બુદ્ધ આ વાસ્તવિકતાથી દૂર નહોતા.
વળી, બ્રાહમણોના યજ્ઞયાગ એમને દુકાન જેવા લાગતા હતા. કોઈ યજ્ઞ કરાવે એટલા કારણસર સ્વર્ગ મળી જાય એ એમને ગળે ન ઊતર્યું. આમ એમણે ખાતરી આપી કે દરેક વ્યક્તિ કોઈ ગુરુ વિના, કોઈ શાસ્ત્ર વિના સુખ શોધી શકે છે.
આટલો મોટો સામાજિક સ્તરે ફેરફાર કર્યા પછી પણ એ જમાનાના ચિંતનનો એમના પર પ્રભાવ હતો. આ સંસાર દુઃખમય છે, પુનર્જન્મ છે વગેરે.આમ એમની શરૂઆત પણ ‘દુઃખમુક્તિ’ના ઉપાય સાથે થાય છે!
આ સંસારમાં દુઃખ છે કે સુખ એ વ્યાખ્યાનો સવાલ છે. એ આપણા દૃષ્ટિબિંદુ પર આધાર રાખે છે. બુદ્ધનો સંદેશ જબ્બરદસ્ત આશાવાદી છે. એમનું વિશ્લેષણ પણ સારૂં છે. પહેલાં તો હકીકતનો સ્વીકાર, “દુઃખ છે”. તે પછી એ દુઃખ કોઇ કારણસર છે એવું તારણ. તે પછી, દુઃખ અજરઅમર નથી અને નિવારણના ઉપાયો છે એવી ખાતરી. અંતે દુઃખનો અંત આવશે જ એવો આશાવાદ.
આમ છતાં મને હંમેશાં લાગ્યું છે કે સંસારને દુઃખમય ન માનીએ અને કહીએ કે સુખ તો છે જ, માત્ર સુ્ખની આડે અવરોધો છે અને અવરોધો્ને પ્રયત્નો દ્વારા દૂર કરી શકાય એવી ખાતરી આપીએ તો જેને દુઃખ કહીએ છીએ તેનું નામ ‘તકલીફ’ રહી જાય. તકલીફ કે કષ્ટ દુઃખ નથી, માત્ર સુખની આડેનો અવરોધ છે જે પ્રયત્નથી દૂર થઈ શકે. તે પછી માત્ર સુખ રહે, જે સ્વાભાવિક સ્થિતિ છે. ખોટું શા માતે કહું – મને તો ભાઈ, આ સંસારમાં મઝા આવે છે. તક મલે તો હું અહીં જ પાછો આવવાનું પસંદ કરીશ, સ્વર્ગમાં શું કરીશ? અપ્સરાઓ સુધી તો આ દુનિયામાં પણ નથી પહોંચ્યો તો ત્યાં તો અસંખ્ય ખુરાંટ પુણ્યશાળીઓ એકઠા થયા છે, મારો તો વારો જ નહીં આવે! સ્વર્ગનાં વર્ણનોમાં અપ્સરાઓની ઉપલબ્ધતા સિવાય એવું ખાસ તો કઈં જ વાંચવા નથી મળ્યું!
આ વિચારને પ્રાધાન્ય આપીએ તો આપણે જે કઈં કરવાનું હોય તે આ સંસારમાં જ કરવાનું હોય! મિથ્યા ફિલસુફીઓથી બચી જઈએ. કારણ કે મિથ્યા ફિલસુફીઓ માત્ર મિથ્યા સુખ આપી શકે. આ સંસારમા જાણ્યે અજાણ્યે સંપૂર્ણ રચ્યાપચ્યા હોવા છતાં એને મિથ્યા માનવો એ પોતે જ મિથ્યાત્વ છે. સંસારમાં સુખ છે, પરંતુ એની વિરુદ્ધ આપણે ભારતમાં આ મિથ્યાત્વમાં અઢી-ત્રણ હજાર વર્ષો બગાડ્યાં છે.

Ashok M Vaishnav said...

અશોક વૈષ્ણવનો ૧૫-૩-૨૦૧૨નો જવાબ:

દુઃખ અને સુખ સાપેક્ષ છે તેમ જ તે માનવ મનની તે સમયની સ્થિતિ પર પણ અધાર રાખે છે.

મશરૂની તળાઇપર સુતેલાને અનિદ્રા થઇ પડેલ હોય છે તો આજે માંડ મળેલા રોટલાને ખાઇને સુતેલો મજૂર કંતાનના ફાટેલાં પાથરણાંપર ઘસઘસાટ ઉંઘ ખેંચે છે.

માનવમન જ મરકટ છે.પાણીમાંથી પોરા ન શોધે તો માનવીની 'બુધ્ધિ'ને લાંછન ન લાગે!