Monday, December 15, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ અને ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

આપણે 'કલમ કાંતે ક્ચ્છ"શ્રેણીના ૮+૧ પુસ્તક સંપુટનો પરિચય કરી રહ્યાં છીએ.

શ્રેણીમાંનાં આઠ પુસ્તકોમાંથી ચાર પુસ્તકો રણ (૩), દરિયા કિનારો (૪), જળ(નો અભાવ) (૫) અને ધરતીકંપ (૬) જેવી કચ્છનીઅનોખી ભૌગોલિક હકીકકતની, તેને લગતા પ્રશ્નો અને ઉકેલોના સંદર્ભમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ લખાયેલા અગ્રલેખોમાં રજૂ થયેલાં તારણો અને મંતવ્યોની આત્મીય ચર્ચાને આવરી રહ્યાં હતાં.

આજે આપણે 'ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ' અને 'ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ'એમ બે પુસ્ર્તકોની એક સાથે વાત કરીશું. પુસ્તક શ્રેણીના સંપાદક શ્રી માણેકલાલ પટેલ આ પુસ્તકોના કેન્દ્રવર્તી થીમ વિષે કહે છે કે," આઝાદી પહેલાં સ્વતંત્ર રાજ્ય એવું કચ્છ કદની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં ગુજરાત સાથે જોડાયા પછી એનું અસ્તિત્ત્વ એક જિલ્લામાં સમેટાઇ જતાં અનેક અણધારી મુશ્કેલીઓ રોજબરોજના કારોબારમાં ઊભી થવા લાગી હતી. તાલુકાથી જિલ્લાસ્તરે ઊભા થતા પ્રશ્નો અને એના નિવારણની ચર્ચા સાથેના આ પુસ્તકમાં સમાવેશ કરાયેલા લેખો અને અગ્રલેખો ગ્રામ્ય પત્રકારિતાની દીવાડાંડી સમાન છે."

બીજા શબ્દોમાં કહીએ તો મુખ્યત્વે સામાજિક, આર્થિક કે રાજકીય માનવસર્જિત પ્રશ્નો અને તેના સંભવિત ઉકેલો, કે પછી વિચારાયેલા અને અમલ કરાયેલા (અને ન વિચારાયેલા કે ન અમલ થયેલા)ઉકેલો પરથી ફરી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેના ઉકેલોનાં અનેકવિધ પાસાંઓની રજૂઆત આ બે પુસ્તકોમાં કરાઇ છે. આ સમગ્ર ચર્ચામાં કચ્છ જેવા આગવા ઐતિહાસિક વારસા, ભૌગોલિક પર્યાવરણ અને રાજકીય/સામાજિક પરંપરાઓ કે આર્થિક વિટંબણાઓ અને શક્યતાઓ ધરાવતા વિસ્તારના પ્રશ્નોને લોકજીવનની વાચા મળે તે રીતની આત્મીય છતાં વિધેયાત્મક અખબારી ભાષામાં ગ્રામીણ પત્રકારિતાની આગવી કેડી પણ કંડારાતી જોવા મળશે.

'ગ્રંથ -૭: પાંજી પીડા પાંજી ગાલ'નાં ૨૧૫ પાનામાં ૧૦૩ લેખો અને 'ગ્રંથ - ૮: પાંજા પ્રશ્ન પાંજી ગાલ'નાં ૨૨૨ પાનામાં ૧૦૧ લેખો છે. પુસ્તકનાં શીર્ષકો પરથી જ સમજી શકાય છે કે આ પહેલાંનાં પુસ્તકોની જેમ કોઇ એક વિષયનાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓના ઊંડાણથી અભ્યાસનો અહીં પ્રયાસ નથી કરાયો, પરંતુ અનેકવિધ બાબતોની કૉલાજ સ્વરૂપની રજૂઆત વડે એક બૃહદ ચિત્ર ખડું કરાયું છે.

બંને પુસ્તકોની અનુક્ર્મણિકાઓની મદદથી જો પુસ્તકોમાં સમાવાયેલા વિષયોની યાદી બનાવવા પ્રયત્ન કરીએ તો કચ્છમાં ઉદ્યોગો, ખનિજ ખનન અને તેને સંલગ્ન બાબતો, નમક ઉદ્યોગ, કચ્છના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ રાજકીય કે શાસકીય નીતિઓ, રેલવે કે બસ કે વિમાની જેવી માળખાકીય પરિવહન સેવાઓ, કચ્છના પર્વતો, કંડલા બંદર, કચ્છમાં શાળા કક્ષા તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, કચ્છનાં પ્રાકૃતિક ક્ષેત્રોની જાળવણી અને તેની સાથે સંકળાયેલ માનવ વસ્તીની સમસ્યાઓ જેવા વિષયો એ કૉલાજમાં નજરે ચડવા લાગે છે.

પુસ્તકની પહેલી આવૃત્તિ સમયે તો કચ્છમિત્રના આશરે ૩૦થી વધુ વર્ષના ૧૧,૫૦૦થી પણ વધુ અંકોમાં ફેલાયેલા ૩૦૦૦થી પણ વધુ લેખોમાંથી ૬૩૯ જેટલા લેખોને અલગ વર્ગીકરણ મુજબ તારવવા, અને પછી સંકલિત કરીને પુસ્તકના સ્વરૂપે મૂકવા, એ પણ કચ્છની બહુઆયામી તાસીરને એક બેઠકે સમજવાનું ભગીરથ કાર્ય છે તે વિષે તો કોઇ બે મત જ ન હોઇ શકે.

જેમ 'કચ્છમિત્ર' કચ્છના લોકોના લોહીમાં ભળી ગયું છે તેમ જ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી પણ કચ્છને સમજવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપી તેમ શકે છે. તેમાં પણ કચ્છનાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના છેલ્લાં ત્રીસ વર્ષના પ્રવાહોને એક જ છાપરા હેઠળ રજૂ કરતાં આ બે પુસ્તકોની ઉપયોગિતા સમગ્ર ગ્રંથ શ્રેણીના સંદર્ભે મહત્ત્વની બની રહે છે.

આ બંને પુસ્તકોમાં પણ અન્ય પુસ્તકોની જેમ સ્વાભાવિક જ રીતે, ૧૯૮૦થી માંડીને છેક ૨૦૧૩ સુધીનો સમય આવરી લેવાયો છે. એટલે પુસ્તકના લેખો અનેક પ્રશ્નોને સ્પર્શે તે પણ સ્વાભાવિક છે. તો આ જ કારણોસર આ બંને પુસ્તકો એ આ સમયખંડના પ્રકાશનોની તવારીખનું દસ્તાવેજીકરણ માત્ર નથી પણ, એક ચિંતક, હિતેચ્છુ અને તળથી જાણકાર તેવા તંત્રીની વિધેયાત્મક દૃષ્ટિએ ચકાસાયેલાં મંતવ્યો અને તારણોના માધ્યમથી કચ્છના આ સમયખંડનાં આર્થિક, સામાજિક અને રાજકીય પ્રજાજીવનનું પ્રતિબિંબ છે. તેથી આ પુસ્તકો વિષેની અપેક્ષા અન્ય પુસ્તકો કરતાં અલગ જ કક્ષાની બની રહે છે.આ પુસ્તકોનાં વાચકોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય : કચ્છના સાંપ્રત પ્રવાહો સાથે ન સંકળાયેલ હોય એવાં વાચક; કચ્છના સાંપ્રત પ્રવાહોની સાથે સંકળાયેલા હોય તેવાં વાચક અને કચ્છના પ્રશ્નોનાં અભ્યાસુ વાચકો કે ખાસ જાણકારી ધરાવતાં વાચકો. દરેક શ્રેણીનાં વાચકોની આ પુસ્તકોની મૂલવણી પણ અલગ અલગ સ્તરની હશે.

કેટલાય પ્રશ્નો એવા હશે જે આ સમયમાં ક્યાં તો હલ થઇ ચૂક્યા હશે, ક્યાં તો શરૂઆતમાં જે સ્વરૂપે હશે તેમાંથી સમયની સાથે સાથે નવાં સ્વરૂપ પણ લેતા ગયા હશે કે હલ થઇ ગયા પછી ફરીથી એ જ અથવા નવા સ્વરૂપે ફરીથી પેદા થયા હશે એ જાણવાની ઉત્સુકતા થાય. કચ્છની સમસ્યાઓના જાણકાર માટે તો આ પુસ્તકો સંદર્ભ તરીકે પણ કામ આવી શકે તેમ છે પરંતુ કચ્છના સાંપ્રત પવાહો સાથે ન સંકળાયેલ હોય એવા વાચકને આ પુસ્તકોના વાચન પછી આવા પ્રશ્નોના જવાબ શોધવામાં મુશ્કેલી પડશે..

આ બંને પુસ્તકોના સંદર્ભમાં, દરેક પુસ્તકની શરૂઆતમાં પ્રવેશકની ભૂમિકાઓમાં મુકાયેલા લેખોની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહે છે. જેમ કે કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિનો લેખ પુસ્તકના થીમના પરિચયની ભૂમિકા ભજવે અને 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરનો લેખ પુસ્તકના સમયખંડ દરમ્યાન વિષયના વિકાસની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે હાલ તે અંગે શું પરિસ્થિતિ છે તે રજૂ કરી શકે. આમ થવાથી કચ્છ સાથે સાવ જ અપરિચિત વાચક સમક્ષ પણ પુસ્તકના થીમના સંદર્ભમાં કચ્છનું પૂરેપુરું ચિત્ર ખડું થઇ જઇ શકે છે.

તે ઉપરાંત પુસ્તકમાં વર્ષવાર, વિષયવાર ઇન્ડેક્સિંગ પણ ઉમેરવામાં આવે તો જો કોઇ ચોક્કસ સમયખંડમાંના કોઇ ચોક્કસ વિષય વિષે ઊંડાણમાં જવા માગતું હોય, તેને માટે તો ખજાનાના અનેક દરવાજાઓમાંથી જોઇતા દરવાજાની ચાવી મળી જાય.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ
અને
કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

Saturday, December 13, 2014

એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો - ૩ - ક : પુરુષ અવાજમાં ગવાયેલ જોડીદાર – એકલ [Solo] – ગીતો

ફિલ્મ સંગીતમાં એક ગીતનાં વિવિધ સ્વરૂપોનો આ પ્રકાર બહુ જ પ્રચલિત ગણી શકાય. આ પ્રકારમાં સહુથી વધારે ગીતોમાં એ જ ફિલ્મમાં જૂદાં જૂદાં પરિપ્રેક્ષ્યમાં રજૂ થયેલ એક ગીત પુરૂષ (પાર્શ્વ)ગાયકના અને બીજું ગીત સ્ત્રી (પાર્શ્વ)ગાયકના અવાજમાં એકલ ગીતના સ્વરૂપમાં જોવા મળે છે, જેમ કે

ફિલ્મ 'જીગર અને અમી' (૧૯૭૦) નાં ગીત - સજન મારી પ્રીતડી સદિયોં પુરાણી, ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી-માં

સુમન કલ્યાણપુરના અવાજમાં પ્રેમના ઇઝહાર ગવાયેલાં પહેલાં સ્વરૂપ

તેમ જ સુમન કલ્યાણપુરના જ અવાજમાં વિરહનાં દર્દને રજૂ કરતાં બીજાં

અને મુકેશના અવાજમાં દર્દની વેદના રજૂ કરતાં
                                                                ત્રણ સ્વરૂપોનો બહુ જ અસરકારક ઉપયોગ કરાયો છે.
પુરુષ એકલ સ્વરમાં અથવા તો સ્ત્રી એકલ સ્વરૂપમાં જ ગીતનાં જુદાં જુદાં સ્વરૂપો પણ બહુધા જોવા મળે છે. મોટા ભાગના કિસ્સાઓમાં એક સ્વરૂપ આનંદના તો બીજું સ્વરૂપ દુઃખ, કરૂણાના ભાવ રજૂ કરતું હોય છે.

પહેલાં જોઇએ પુરૂષ અવાજમાં એકલ ગીતમાં જુદાં જુદાં સ્વરૂપનો ઉપયોગ.

ફિલ્મ 'બ્રહ્મચારી'માં મોહમ્મદ રફીના અવાજમાં "મૈં ગાઉં તુમ સો જાઓ, સુખ સપનોંમેં સો જાઓ"નાં પહેલાં સ્વરૂપમાં નાયક તેની સાથે ઉછરતાં બાળકોને સુવરાવતી વખતે આનંદ વહેંચે છે,

જ્યારે બીજાં ગીતમાં હવે મુશ્કેલીઓથી ઘેરાઇ જવાની અકળામણની વ્યથા અનુભવી શકાય છે.

પુરુષ અવાજમાં ગવાયેલ ખૂબ જ આનંદની લહેર ચલાવતું 'સોલવા સાલ '(૧૯૫૮)નું સચીન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલ હેમંત કુમારનું ગીત - હૈ અપના દિલ તો આવારા, ન જાને કિસપે આયેગા

અને ગીતની સાથેનાં ઓર્કેસ્ટ્રેશન અને સૂરમાં ફરક દ્વારા, જુદાઇના ગમની ઊંડાઇઓ માપતું, તેનું જોડીદાર ગીત આ પ્રકારનાં ગીતોનું બહુ જ અસરકરક ઉદાહરણ છે. [જો મારી ભૂલ ન થતી હોય તો આ ગીતમાં હાર્મોનિકા 'છોકરડા' રાહુલ દેવ બર્મને વગાડી હતી.]

પરદા પર કિશોર કુમાર ગીત ગાય, પણ તેને પાછળથી સુર મોહમ્મદ રફીએ આપ્યો હોય તેવાં 'શરારત' (૧૯૫૯)નાં ગીત 'અજબ હૈ દાસ્તાં તેરી અય ઝીંદગી'માં શંકર જયકિશને પણ બખુબી ગીતનાં બંને સ્વરૂપને અલગ નિખાર આપ્યો છે.


એકલ પુરુષ અવાજમાં ગવાયેલ અલગ સ્વરૂપનાં આનંદ અને દુઃખનાં ગીતોનાં વૈવિધ્યપૂર્ણ ઉદાહરણો માણ્યા પછી આ શ્રેણીના હવે પછીના હપ્તામાં આપણે પુરુષ અવાજમાં ગવાયેલ એકલ ગીતોમાં અલગ અલગ મૂડની ઝાંખી કરીશું......

Saturday, December 6, 2014

બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)


હિંદી ફિલ્મ જગતના બે બહુ જ લોકપ્રિય રોમૅન્ટિક નાયકો, દેવ આનંદ અને શમ્મી કપુર, એક સરખા પ્રકારની દસ પરિસ્થિતિઓમાંથી પસાર થતી વખતે જે અલગ રીતે રજૂ થતા જોવા મળતા રહ્યા છે તેમાંની ૪ પરિસ્થિતિઓ આપણે આ લેખના પહેલા ભાગમાં માણી ચૂક્યાં છીએ. હવે આગળ....

#૫# અમીર યુવક 'આમ છોકરી'ના પ્રેમમાં પડે, ત્યારે...

અમીરીગરીબીનાં અંતરે તો કંઈ કેટલીય પ્રેમકહાણીઓમાં પ્રાણ પૂર્યા છે.

તુઝે જીવનકી ડોર સે બાંધ લિયા હૈ, તેરે ઝુલ્મો સિતમ સર આંખો પર - અસલી નકલી (૧૯૬૨) | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર
અમીર યુવકે 'આમ' છોકરીનું દિલ જીતવા 'મધ્યમ વર્ગ'ના થવાનો સ્વાંગ ભજવવો પડે, પણ આપણી ફિલ્મોમાં મધ્યમ વર્ગનાં છોકરા -છોકરી બાગોમાં ગીત તો ફાંક્ડાં જ ગાય !

 મુઝે કિતના પ્યાર હૈ તુમસે, અપને હી દિલસે પૂછો તુમ, જિસે દિલ દિયા હૈ વો તુમ હો, મેરી ઝિંદગી તુમ્હારી હૈ - દિલ તેરા દિવાના (૧૯૬૨) - સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર

પહેલાંની પરિસ્થિતિમાંથી દેવ આનંદને કાઢીને શમ્મી કપુરને મૂકી દો એટલો જ ફેર કરવો પડે આ ફિલ્મમાં; અને હા, હીરોઈનો પણ બદલવી પડે ! એ જ સંગીતકાર બંને ગીતોમાં છે, પણ બંને હીરોની ઈમેજને બંધ બેસતી ધૂન બનાવવાની હથોટી આ બંને ગીતોને અલગ જ અંદાજ બક્ષે છે.


#૬# ચીડાઈ ગયેલી પ્રેમિકાને ગીત ગાઈને રીઝવવી '૬૦ના દાયકાના લગભગ દરેક હીરો એકેએક ફિલ્મમાં 'રૂઠી હુઈ હસીના"ને મનાવવાની કળામાં માહિર હતા.

માના જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગવારા નહીં - પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) | સંગીતકાર : સચીન દેવ બર્મન - ગાયક : કિશોરકુમાર


નાયક નાયિકાને ખીજવી ખીજવીને રીઝવી લે છે. દિગ્દર્શક વિજય આનંદે ગીતનાં ફિલ્માંકનમાં સાઈકલ અને બેડમિન્ટન રૅકૅટને પણ મહત્ત્વનાં પાત્ર બનાવી દીધાં છે.

 દિવાનેકા નામ તો પૂછો કામ તો પૂછો ચાહે ફિર ન મિલના - એન ઈવનીંગ ઈન પૅરિસ | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી

શમ્મી કપુરનાં તોફાનોને વાચા આપવા આપવામાં રફી 'લાઉડ' બની ગયા હતા - ગીતના અંતમાં રફી સાહેબનાં ઊંચા સૂરનો લાં….બો આલાપ સાંભળજો - એવી લાગણી એક વર્ગમાં ઘર કરવા લાગી હતી, જેને પરિણામે નાયકોની બદલતી પેઢીમાં કિશોર કુમાર થોડાં વર્ષો પછી મોખરાનું સ્થાન મેળવી શક્યા એવી વિચારધારા પણ '૭૦ના દાયકામાં બળવત્તર બની એમ કહેવાય છે.


#૭# અજાણ્યાં લોકોની સાથે નાયિકાની પહેચાન કરાવવી

આ પરિસ્થિતિ માટે શમ્મી કપુરનું જે ગીત પસંદ કર્યું છે તેની પાછળ જ એક બહુ રસિક કહાની છે. એટલે ક્ર્મ ઉલટાવી પહેલાં શમ્મી કપુરને જોઈએ.

'તીસરી મંઝિલ' માટે પહેલાં તો દેવ આનંદ નક્કી થયા હતા. પણ સંજોગવશાત ફિલ્મ આવી શમ્મી કપુરના ફાળે. દિગ્દર્શક નાસીર હુસૈને 'દિવાના મુઝસા નહીં', 'તુમને મુઝે દેખા', ‘ઓ મેરે સોના રે સોના' તો દેવ આનંદ માટે પણ એ જ સ્વરૂપે રાખ્યાં હોત, પણ 'આજા જા મૈં હું પ્યાર મેરા' કે ' ઓ હસીના ઝુલ્ફોંવાલી'ને દેવ-સ્પર્શ આપવો પડ્યો હોત !

જો કે 'દેખીયે સાહીબોં,વો કોઈ ઔર થી' [તીસરી મંઝિલ (૧૯૬૬) | સંગીતકાર - રાહુલ દેવ બર્મન | ગાયક મોહમ્મદ રફી]ને પણ દેવ સા'બ તેમની ઝૂમતી અદામાં ન્યાય તો આપી શકત.



યે હી તો હૈ વોહ, યહી તો હૈ - સોલવાં સાલ (૧૯૫૮) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયક : મોહમ્મદ રફી

એકદમ ચુલબુલું, મીઠડું ગીત.

આ બંને ગીતોમાં, લગભગ દસ વર્ષોમાં રફી સાહેબની શૈલીમાં આવેલા બાહ્ય બદલાવની આલબેલ સંગીતકારની બદલી રહેલી પેઢીમાં પણ સંભળાય છે. તેમની કારકિર્દીના છેલ્લા દસકામાં રફી સા'બને પાછળ પાડી દેનારાં પરિબળોમાં નાયકોની બદલતી પેઢીની સાથે સંગીતકારોની પણ બદલતી પેઢીએ પણ કંઈક અંશે ફાળો તો ભજવ્યો. 
  
#૮# પ્રેમિકાનું મન જીતવા છોકરીઓની પિકનિકમાં

'૫૦ અને '૬૦ના દાયકાઓમાં પાર્ટીઓ અને પિકનિકો એ શહેરી યુવાન સમાજના આધુનિક હોવાનાં પ્રમાણપત્ર તરીકે ફિલ્મોમાં દર્શાવાતાં. પ્રેમને પાંગરવા માટે પિકનિક અને પ્રેમને જાહેર કરવા કે તૂટેલા સંબંધની જાહેરમાં ખાનગી રજૂઆત માટે પાર્ટી આદર્શ 'ફોર્મ્યુલા' પરિસ્થિતિ ગણાતી .
યે દુનિયાવાલે પૂછેંગે - મહલ (૧૯૬૯) | સંગીતકાર : કલ્યાણજી આનંદજી | ગાયક : કિશોર કુમાર

પિકનિક હોય કે પાર્ટી, નાયક (કે નાયિકા) સામેનાં પાત્ર માટે ગીત ગાય તેને માટે મિત્રો (કે મહેમાનો) સાંભળ્યા છતાં ન સમજ્યાં કરીને પૂરેપૂરી સગવડ કરી આપતાં.


 તુમ સે અચ્છા કૌન હૈ, લેલો જિગર લો જાન લો - જાનવર (૧૯૬૫) | સંગીતકાર : શંકર જયકિશન | ગાયક : મોહમ્મદ રફી

જો કે આ ગીતમાં બહેનપણીઓ હોંશેહોંશે નાયકની મદદમાં નીકળી પડી છે.
 આડ વાત :
લાલ છડી મૈદાન ખડી (જાનવર), મેઘા રે બોલે ઘનન ઘનન (દિલ દેકે દેખો) કે અય ગુલબદન (પ્રોફેસર) જેવાં ગીતો પરથી શમ્મી કપુર તો છોકરીઓની પિકનિકમાં ભળી જવામાં નિપુણ ગણી શકાય એવાં પાત્રોમાં બહુ સ્વાભાવિકતાથી ગોઠવાઈ જતો હોય તેવું લાગે છે ને ! Smile
#૯# ક્લબ, ખલનાયકો અને છદ્મવેશમાં નાયક

હિંદી ફિલ્મોમાં હંમેશાં બનતું આવ્યું ,છે તેમ હીરોના વેશપલટાને કારણે ખલનાયકો તેને ઓળખી ન શકે, પણ પ્રેક્ષકને તો આ પરિસ્થિતિમાં મજા પડી જ જાય.

ગુસ્તાખ નઝર ચહેરેસે હટા - જાલી નોટ (૧૯૬૦) | સંગીતકાર - ઓ પી નય્યર | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે

નાયક પોલીસ અફસર છે એટલે વેશ પલટો કરીને ગુંડાઓની વચ્ચે પહોંચી તો જાય છે, પણ ચુલબુલી નૃત્યાંગના હંમેશની જેમ વચ્ચે પડે, એટલે આપણા નાયક પણ ગીત ગાઈ લે, થોડુંઘણું ક્લેરીનેટ પણ વગાડી લે.

ધોખા ખાયેગી ન યારોંકી નઝર - સીંગાપોર (૧૯૬૦) | સંગીતકાર : શંકર જયકિશન |ગાયકઃ મોહમ્મદ રફી


અહીં પણ આમ તો પરિસ્થિતિ સરખી જ છે, પણ આ વખતે હીરો શમ્મી કપુર છે, એટલે તે પણ બે ઘડી નાચવાગાવાની મોજ પણ માણી લે છે.
 


#૧૦# નિરાશાને શરાબના નશામાં ડુબાડી દેવી

દેવ આનંદે શરાબીની દાર્શનિક, મોજમજા, ગાંડીઘેલી કે ઉદાત્ત કે અહીં રજૂ કરી છે તેવી ગમને શરાબના જામમાં ડુબાડી દેવાવાળી ભૂમિકાઓ ઘણી કરી છે. જેની સરખામણીમાં શમ્મી કપુરની તો ગમમાં ડૂબેલા શરાબીનું આ એક પાત્ર જ યાદ આવે છે.

દિન ઢલ જાયે હાયે રાત ન જાયે, તૂ તો ન આયે તેરી યાદ સતાયે - ગાઈડ (૧૯૬૫) | સંગીતકાર : સચીન દેવ બર્મન |ગાયક : મોહમ્મદ રફી

ફિલ્મનાં પોતાનાં પાત્ર સાથે તેની પ્રેમિકાને છેતરવાની હદ સુધી પહોંચી ગયેલા નાયક માટે થતા અણગમાને પણ ગીતની ભાવુક રજૂઆત જાણે નશામાં ડુબાડીને હળવો કરી નાખે છે અને એ માટે ગીતકાર, ગાયક, સંગીતકાર અને દિગ્દર્શકને દાદ તો દેવી જ પડે !

હૈ દુનિયા ઉસીકી , જમાના ઉસીકા, મહોબ્બતમેં જો હો ગયા હો કિસીકા - કાશ્મીરકી કલી (૧૯૬૪) | સંગીતકાર : ઓ પી નય્યર |ગાયક : મોહમ્મદ રફી

અહીં ફરક માત્ર એટલો છે કે નાયકે ગમના દરિયામાં જાતે જઈને ડૂબકી નથી મારી, સંજોગો તેને ડૂબકીઓ ખવડાવી રહ્યા છે. એટલે પોતાના પ્રેમ માટેના આંસુભર્યા પસ્તાવાને બદલે અહીં નાયકને પોતાના એ પ્રેમ માટે ગર્વ છે.







"ડસ્ટેડઑફ" પરના લેખોના અનુવાદ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડ્ડલનો હાર્દિક આભાર 

Monday, December 1, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન ૩૦૦૦થી પણ વધારે લેખો લખ્યા. તે સમયે તેમના લેખોમાં એક ખબરપત્રી કે તંત્રીની જ દૃષ્ટિ ઉપરાંત એક આગવા વ્યક્તિત્ત્વની ભાવના પણ ભળતી રહી. તેથી 'ક્ચ્છમિત્ર'ના કાર્યભારથી નિવૃત્ત થયા પછીથી એ લેખો પર નજર કરતાં તેમાં એ સમયની સ્થિતિ પરના મંતવ્ય કે તારણ ઉપરાંત એમાં સ્વાભાવિક રીતે જ કચ્છના એક સર્વગાહી ચિત્રની ઝલક ઊભરી રહી.

આ બધા લેખોમાંથી ચૂંટીને લગભગ ૬૩૯ લેખોને ૮+૧ પુસ્તકોની ‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથશ્રેણીમાં સંપાદિત કરવાનું કામ કર્યું શ્રી માણેકલાલ પટેલે. આજે આપણે આ ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક -રણના રંગ બેરંગ -નો પરિચય કરીશું.

પુસ્તકના સંપાદકીય પ્રવેશક લેખમાં પુસ્તકના થીમ વિષે સંપાદકશ્રી કહે છે કે, "કચ્છનું રણ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. નમકનાં અજોડ મેદાનો અને એની કાંધી પર પાંગરેલી ભાતીગળ માલધારી સંસ્કૃતિ અત્યારે તો દેશી-વિદેશી પર્યટકો માટે આકર્ષણનુંકેન્દ્ર બની ચૂક્યાં છે. પણ કીર્તિભાઇએ છેક ૧૯૮૦ના દાયકાથી રણની વિષમતાઓ અને વિશિષ્ઠતાઓને લાગણીશીલ કવિની માફક પોતાના લેખોમાં વણી લીધી છે. રણની કોઇ પણ વાત પછી એ સલામતી સંદર્ભે સરહદને સ્પર્શતી હોય, જાસૂસીની હોય, સુરખાબની હોય, માલધારીઓની હોય કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની હોય..પણ તેમણે વિસ્તૃત નિરૂપણ આ પુસ્તકમાં કર્યું છે."

પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર શ્રેણીની જેમ જ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કીર્તિભાઇ વિષે લખેલા વિચારો રજૂ કરતો જે લેખ પસંદ કરાયો છે તે શ્રી રઘુવીર ચૌધરીનો "મૈત્રી એ જ કીર્તિ" છે. પહેલી નજરે તો લેખ કીર્તિભાઇનાં વ્યક્તિત્વના એક પાસાનું તાદશ્ય વર્ણન દેખાય, પણ થોડી નજદીકથી જોતાં પુસ્તકના વિષય - 'રણના રંગ બેરંગ'-ના પ્રવેશની ભૂમિકા પણ રચતી બે વાત નજરે ચડી આવે છે.

પહેલી વાત છે ચેરનાં વૃક્ષોની. (સામાન્યતઃ છીછરા દરિયા કિનારે ઊગતાં)કચ્છના રણમાં ચેરનાં વૃક્ષોએ ‘કોઇને નડવું નહીં’ની પોતાની લાક્ષણિકતા ઉજાગર કરી છે. બીજાં વૂક્ષોને જ્યાં વાંકું પડે ત્યાં ત્યાં આ ચેરને ફાવે. ભલેને ગમે તેટલા ક્ષાર હોય, ચેર એમાંથી વિટામીન મેળવી લે.

બીજી વાત છે કચ્છી ભરતકામની, જેમાં પણ કચ્છના રણના રંગ બેરંગની છબીઓ પ્રતિબિંબિત થયેલી તેમ માનવામાં આવે છે. આ સંદર્ભમાં રઘુવીર ચૌધરી વીનેશ અંતાણીના લેખમાંનું અવતરણ કંઠસ્થ કરવાનું કહે છે : “...જે આંખોથી ઓઝલ રહે છે તેનો આભાસ ભીતર જીવે છે...કચ્છી ભરતકામમાં લીલા રંગનો કળાત્મક ઉપયોગ કરવામાં આવે છે તેનું કારણ લીલપના અભાવમાંથી પ્રગટતી વિશિષ્ટ અભિવ્યક્તિ..” હોઇ શકે છે.

તે જ રીતે દરેક પુસ્તકમાં રજૂ કરાયેલ એવા કીર્તિભાઇનાં તંત્રીપદની નિવૃત્તિ સમયે લખાયેલ વિશેષ લેખ "ક્ચ્છની કેટલીક લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી"માં ખારાઇ ઊંટ, ભગાડ (ઇંડિયન વુલ્ફની એક ખાસ પ્રજાતિ), સુરખાબ વસાહતોથી માંડીને અન્ય સ્થળાંતરીય અને સ્થાનિક પક્ષીઓની પ્રખ્યાત પક્ષીવિદ્‍ ડૉ. સાલીમ અલીનાં પુસ્તક 'બર્ડ્સ ઑફ કચ્છ' દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત થયેલી માહિતી કે કચ્છી તસ્વીરકાર એલ એમ પોમલે ઝડપેલ સિમાચિહ્‍ન રૂપ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરોના ઉલ્લેખ પણ કચ્છના રણના રંગની બેરંગી વિષે ઉત્સુકતા જગાવવામાં પોતાનો સક્રિય ફાળો આપે છે.

"રણના રંગ બેરંગ'નાં ૨૪૦ પાનાંઓમાંના ૬૫ લેખો પૈકી ૧૧ લેખોમાં, ડૉ. જયંત ખત્રીના શબ્દોમાં "એવી વાંઝણી ધરતી કે એની છાતીમાંથી કોઇ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરા, અને નિઃસીમ મેદાનો" તરેકે ઓળખાવાયેલા રણની પ્રાકૃતિક લાક્ષણિકતાઓની વિગતે વાત કરાઇ છે.

અપણે તેમાનાં કેટલાંક વર્ણનો દ્વારા રણના રંગ બેરંગની ઝાંખી કરીએ :

"ઝાંઝવાં નાચે ને તરા ચૂમે ધરતીને" (પ્રુ. ૩૫-૩૮)
'કચ્છનું રણ તો કુદરત સર્જિત એક બેનમૂન કલાકૃતિ છે... શિયાળાની ઠંડી સાંજ હોય, કે તપતા ઉનાળાના ખરા બપોર, અમાસને પૂનમ જ નહીં, અંધારા-અજવાળાના બે અંતિમ છેડા વચ્ચેના સાતમના અર્ધચંદ્રની અનોખી રાત, દિવસે લાલચોળ સૂર્યના તાપ નીચે તરફડતી ધરતી પર ઝાંઝવાનાં નૃત્ય, તો રાત્રે આકાશમાંથી ધરતી પર નીતરતાં ચંદ્ર-તારાના પ્રકાશની નજાકત..રણ જિંદગી છે અને મોત પણ..એ રૌદ્ર છે અને સૌમ્ય પણ...'રણના આવા સ્વરૂપની અનુભૂતિ કરાવતા ૧૯૭૩ના જૂન મહિનાના કચ્છના સીમા રક્ષક દળ સાથે પસાર કરેલા દિવસનું વર્ણન વાંચતાં, તેમણે જોયેલ દૃશ્યો આપણી સામે પણ તાદૃશ્ય બની રહે છે." આવી લાગણી સભર ઘટનાની સાથે સીમા સુરક્ષા દળ જેવાં થેંન્કલેસ કામ કરતાં સરકારી મહેકમોમાં કામ કરતા જવાનો અને અધિકારીઓની જિંદગી કેવી મુશ્કેલીઓથી ભરી હશે એ વિષેની કીર્તિભાઇની જાગરૂક ચિંતા તો પ્રજ્વલિત રહે જ છે.
"ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં" (પ્રુ.૪૮-૫૧)
'ચમત્કાર ભાગ્યે જ થાય છે, પણ થાય છે ચોક્કસ...મેઘરાજા મન મૂકીને મીઠી ધારે વરસે એ ઘટના કચ્છ માટે કુદરતનો બેમિશાલ કરિશ્મા છે.... ગામડાંઓમાં તળાવ છલકાતાંની સાથે જ ઢોલ-ત્રાંસા અને શરણાઇના સૂર સાથે નાચતાં-કૂદતાં લોકો માથે કચ્છી પાઘડી બાંધી તળાવને વધાવવા જાય એ ઘટના અમારા અમદાવાદ કે દિલ્હીના દોસ્તોને ગળે નથી ઊતરતી.....એક આખી પેઢીએ વરસાદ જ જોયો નહોતો. આકાશમાંથી પાણી વરસે એ એના માટે બાળવાર્તા જેવી વિસ્મયકારક ફેન્ટસી હતી..એને કચ્છમાં રહેનાર જ સમજી શકે....બારાતુઓ માટે સૌથી આશ્ચર્યની બીના પાણીના નાના એવા ખાબોચિયાની ધાર પર બેસીને કપડાં ધોતી, સ્નાન કરતી ..(હરિજન, રબારી, કોળી, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિની )..સ્ત્રીઓની છે....ચોતરફ લીલવો છવાઇ ગયો છે..વાન ગોગ જો કચ્છમાં જન્મ્યો હોત, અને ત્રણ-ચાર દુકાળ પછી ફાટફાટ લીલોતરી જોઇ હોત તો કદાચ એણે પોતાના ચિત્રોમાં પીળાને બદલે લીલો રંગ વાપર્યો હોત... લોરિયાથી ભીરંડિયારા વચ્ચે અફાટ રણ .. - જ્યાં સત્ત્વહીન ધરતી પર ઝાંઝવાં નાંચતાં જોઇ નિઃસાસા નીકળી જતા.. હોય કે કે ખડીરની આસપાસ પથરાયેલું રણ હોય, આજે વરસાદી પાણીથી છલોછલ છે.. જે પ્રદેશની અસ્મિતા અને લોકસંસ્કૃતિ પાણીના અભાવના પરિબળની આસપાસ ઘૂમતી અને ઘડાતી રહી છે એ પાણીની છતથી છલોછલ છે.' જો કે કીર્તિભાઇની અનુભવી આંખ તો 'લીલાછમ વર્ષે દુકાળ નિવારણ માટે એક પ્રજા તરીકે કટિબદ્ધ(તા)ની લીલોતરીની તલાશ કરવાનું પણ ચૂકતી નથી.
કચ્છનાં રણની સાથે કચ્છનાં સોહામણા પક્ષી સુરખાબ અને અજોડ (ક્ચ્છી જંગલી ગધેડો) ઘુડખર એકસાથે જોવા મળે તે... "કુદરતનો કરિશ્મા સર્જે છે કલ્પનાતીત દૃશ્યો" (પૃ,૧`૫૨-૧૫૩)... સૂર્યના ઉદય અને અસ્ત સમયે સર્જાય છે.

'હંજ વસાહત ઉજાણી માટે નથી' (પૃ. ૧૫૪-૧૫૮)માં રણમાં પક્ષીઓની ગતિવિધિઓનાં બયાનની સાથે સાથે માનવ જીવન વિકાસની આધુનિક શૈલી કુદરતની વ્યવસ્થાને વેરવિખેર કરવામાં કેવી કેવી રીતે ફાળો આપી દે છે તેની ચેતવણીનો સૂર પણ છે.'

"સુરખાબ યાયાવર નથી, એ તો છે કચ્છી ભારતવાસી' (પૃ. ૧૫૮-૧૬૩)માં ૨૦૦૩થી ૨૦૧૧ સુધી સારાં ચોમાસાં ગયાં, તેનાં પરિણામરૂપ સુરખાબ, પેણ, કુંજ, ઢોંક, સીગલ જેવાં સાતથી સાડા સાત લાખ પક્ષીઓના મહાકુંભમેળાની વાત કરતાં કરતાં, કચ્છનાં રણ અને એની અનન્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અંગે વધુ સંશોઘનની જરૂરિયાત પર પણ ભાર મુકાયો છે.

આ લેખોમાં કચ્છના રણના નૈસર્ગિક કરિશ્મા અને રહસ્યોની વાત ભાવિ પેઢીને કુદરતની અકળ કરામતોને કેમ માણવી અને જાળવવી તેની શીખ આપવાનું કામ પણ કરે છે. પણ આજના ટેક્નોલોજીના ઉપયોગમાં બહુ જ આગળ નીકળી ચૂકેલ ભાવિ યંત્રયુગની પેઢીને કુદરત સાથે તાલમેલ કેમ (અને શા માટે ) જાળવવો જોઇએ તેની કોઇ જ જાતના બોધ આપ્યાના ભાર સિવાયની વાત "કચ્છી-ખારાઈ ઊંટ કૂડ ખાય ને સચ કમાય !"(પ્રુ. ૨૨૬-૨૩૦)અને "ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ" (પૃ.૨૩૧)માં કરવામાં આવી છે.”એવું નથી કે ..કચ્છની વિશેષતાઓથી આપણે અજાણ હતાં,પણ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરાયા પછી તે વિશેષતાઓ કચ્છની અજોડ દેનના રૂપમાં ઉપસી આવી છે. દા.ત. બન્નીની કુંઢી ભેંસ, એ તદ્દન અલગ પ્રકારની ઓલાદ છે. તેવું જ..કચ્છના પાટણવાડી ઘેટાની નસલનું પણ છે.આ જ પ્રકારનાં સંશોધનો વડે જ ખ્યાલ આવ્યો કે લખપતથી ભચાઉ સુધીની દરિયાઇ પટ્ટી, ખાસ તો ચેર (મેન્ગ્રોવ્ઝ)ના જંગલોવાળા વિસ્તારમાં દરિયાઇ ખારી વનસ્પતિ ચરીને ઉછરતા હોય એવા એકમાત્ર ઊંટ 'ખારાઈ ઉંટ' છે. પેટ્રોલ સંચાલિત વાહનોના આજના યુગમાં પણ રણ જેવા કઠિન વિસ્તારોમાં હેરફેર અને ભારવહન માટે ઊંટ જેવું સસ્તું અને ઉપયોગી બીજું કોઈ સાધન નથી...આપણે છારી ઢંઢ કે એવા જળાશય પર ઊંટના ધણને લઇ જતા રબારી કે જતને જોતાં જ કેમેરો ઉઠાવીને ફટાફટ સ્નેપ ઝડપી તેમની જીવનશૈલી પર ભલે આફરીન પોકારી જતા હોઇએ, પણ વાસ્તવિકતા એનાથી ઉલટી, ક્રૂર અને ભયંકર છે. એમની રઝળપાટ પાછળ મજબૂરી, ગરીબી અને આર્થિક શોષણખોરીની કરૂણ કહાણી છે.......ભારતીય આયુર્વેદ પરંપરામાં કમળો, ક્ષય, દમ, લોહીની બીમારી અને ખાસ તો મધુપ્રમેહના ઇલાજ માટે ઊંટડીનું દૂધ લેવાની સલાહ અપાય છે...રાજસ્થાનના બિકાનેર સ્થિત સંશોધન કેન્દ્રે ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરેલ છે. ઉપરાંત ચીઝ અને આઇસક્રીમના પણ સફળ પ્રયોગો થયા છે..એના વાળ(ઉન)માંથી ગરમ કાપડ બનાવવામાં રેમન્ડ જેવી બ્રાન્ડ પ્રયોગો કરી રહી છે.......ગજબની દિશાસૂઝ ધરાવતું ઊંટ વરસો પછીયે પોતાના મૂળ સ્થાને પહોંચી શકે છે.બન્નીના સાડાઇ ગામમાંથી ચોરાયેલો ઊંટ પાકિસ્તાન મોકલી દેવાયો હતો. પાંચ વર્ષે એ ઊંટ ત્યાંથી નાસી આવીને મૂળ માલિકના ઝૂંપડે પહોંચી આવ્યો હતો’....એટલે દાણચોરી જેવાં કામોનાંunmanned missionsમાં ઊંટો બહુ મહત્ત્વનું હથિયાર બની રહે છે.

ચેરિયાં દરિયાને બદલે રણમાં ઊભાં અને એમાં બેઠા પોપટ" (પૃ. ૧૭૫)
‘ધ્રંગના વિખ્યાત મેકણ દાદાના અખાડાની ઉત્તરે અફાટ રણ ડોકાય છે. પણ, આશ્ચર્યની વચ્ચે ત્યાં શ્રવણ કાવડિયાના ધર્મસ્થાન નજીક સમુદ્રી વનસ્પતિ એવાં ચેરિયાનાં કમસેકમ ચારેક ડઝન વૃક્ષ કાળની થપાટો સહન કર્યા છતાં અડીખમ ઊભાં છે....દરિયામાં હોય એના કરતાં અહીંનાં ચેરિયાં ખાસા એવાં ઊંચાં છે, અને સૌથી મોટું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એની હરિયાળીથી આકર્ષાઇને પોપટ જેવાં પક્ષી તેમાં આશ્રય મેળવે છે.’
પૃ.૧૬૩થી ૧૭૨ પરના દીપોત્સવી ૧૯૯૦ના લેખ "મોટા રણમાં ઘૂસતાં દરિયાનાં પાણી કચ્છના બે ટુકડા કરી નાખશે ?"માં રણની ઉત્પત્તિ અને તેની પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષેના ભૂતકાળમાં થયેલા અભ્યાસોના હેવાલ, તેમ જ રાજય સરકારે નીમેલા ક્ષાર નિયંત્રણ સમિતિના હેવાલની ખૂબ જ ઝીણવટભરી, વિશ્લેષણાત્મક ચર્ચા આવરી લેવાઇ છે. કીર્તિભાઇ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી સાથેની વિગતો સમજાવવાની સાથે સાથે જણાવે છે કે “કચ્છના મોટા રણમાં કોરી ક્રીક મારફત ઘૂસતાં અરબી સમુદ્રની ભરતીનાં પાણી પવન પર સવાર થઇને ઇન્ડીયા બ્રિજ સહિતના વિસ્તારમાં એક અજોડ નમક સરોવરનાં સ્વરૂપમાં” ફેરવાઇ ગયાં છે. આપણે નજરે જોતાં હોવા છતાં તેની દૂરગામી અસરોનો આપણને ખ્યાલ નથી આવતો એવા, કુદરતના જ પ્રમાણમાં મંદ ગતિએ થતા, કરિશ્માને માનવ પ્રવૃત્તિઓ જાણ્યે અજાણ્યે એવી પરિસ્થિતિમાં ફેરવી નાખી શકે છે, જેનાં પરિણામો બહુ જ જોખમી, અને સમજ પડે ત્યારે લગભગ હાથ બહારનાં, બની જઇ શકે છે.

કચ્છનું રણ પણ કચ્છના દરિયાની જેમ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમાના સંદર્ભે પણ અવનવા અને અનોખા પડકારો કરતું રહે તે સ્વાભાવિક છે. દાણચોરી, જાસૂસી અને સરહદની સલામતીની સતત માથાના દુઃખાવા સમી સમસ્યાઓ અને તેની સાથે કપરા સંજોગો અને (મોટે ભાગે)ટાંચાં સાધનોથી બાથ ભીડતાં રહેતાં સીમા સુરક્ષા દળની ગતિવિધિઓ, સીમા સુરક્ષા દળનાં જ સારાં નરસાં પાસાંઓનાં બહુ જ નજીકથી કરાયેલ વિશ્લેષણ અને તેમાંથી ફલિત થતાં મંતવ્યો અને તારણો પુસ્તકના ૬૫માંથી અન્ય ૫૪ જેટલા લેખોની સામગ્રી બની રહે છે. આપણે આ જ વિષયોની અલગ માવજતવાળા બે લેખોનો પરિચય કરીશું.

આ લેખો ૨૦૦૪માં લેખકે "સીમાના સંત્રીઓ સાથે રાજસ્થાનના રણમાં રઝળપાટ' કરતાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના ઇતિહાસને યાદ કર્યો છે.

"મુનાબાવઃ ભારત-પાક સંબંધોના ચડાવ-ઉતારનું પ્રતીક" (પૃ. ૧૭૭-૧૮૧)માં વર્ણવાયેલું મુનાબાવ એટલે 'રાજસ્થાનના બાડમેરથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખોખરાપાર ગામ વચ્ચે દોડતી ઉતારુ ટ્રેનની લાઇનનું ભારતનું છેલ્લું ગામ...ત્રણેક દાયકા પહેલાં એ દિવસભર પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. બાડમેરથી ઘી નીતરતી મિઠાઇઓ અને ચમચમ કરતી મોજડીઓ ખરીદીને લોકો પાકિસ્તાન લઇ જતા તો ત્યાંથી પાછા ફરતી વખતે વનસ્પતિ રંગોની અજરખ તેમજ અન્ય વસ્તુઓ લઇને પાછા ફરતા.... ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના સાપ ગયા અને લિસોટા રહ્યા જેવા રેલ્વે લાઇનના પાટા મૃતપ્રાય બની રહ્યા છે'..અહીંથી થતી અવરજવર લેખકને તેમનાં વતનના શહેર માંડવીની 'સ્‍હેજે' યાદ અપાવી જાય છે..૧૯૬૫ સુધી ત્યાં પણ મુંબઇથી કરાંચી વાયા માંડવીની સ્ટીમર સેવા ચાલતી હતી...પણ બે યુદ્ધની કમનસીબ ઘટનાઓએ આ વ્યવહારોની કડીઓને છૂટી કરી નાખીને બંને દેશના લોકો વચ્ચે જેટલું ભૈતિક અંતર વધારી નાખ્યું, તેનાથી ઘણું વધારે અંતર રાજકીય ભાવનાની દષ્ટિએ કરી નાખ્યું છે.

એ જ 'રઝળપાટ'માંના ઉત્તરાર્ધ સમા લેખ "સીમાદળને સહકાર આપવામાં ગુજરાત પડોશી રાજ્ય કરતાં ઘણું આગળ છે" (પ્રુ. ૧૮૨-૧૮૩)માં લેખક નોંધે છે કે ‘સીમા દળના એકમ માટે જોઇતી જમીન ફાળવવાની બાબત હોય કે પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રશ્ન હોય, કે સીમા ચોકીઓ પર ટેલીવીઝન અને ડિશ જેવી સગવડો હોય, ગુજરાત સરકારે હરહંમેશ ઝડપથી પ્રતિભાવ આપ્યો છે’. તો બીજી બાજુ જેસલમેરના ઊંડાણવાળા વિસ્તારોની સીમા પર ઇન્દિરા કેનાલનું 'પાણી ખળખળાટ વહેતું હતું'. ત્યાંના લોકોનું સપનું 'સાકાર થઇ ગયું હતું, જ્યારે કચ્છમાં...નર્મદાનું પાણી હજુયે (૨૦૦૪ની આ વાત છે) મૃગજળ છે.'

રણ સરહદ હોય કે દરિયાની ક્રીક સરહદ હોય, કીર્તિભાઇએ તેમને પોતાના પગથી ખૂંદી છે, અને ત્યાંની પરિસ્થિતિનો અને તેની સાથે સંકળાયેલાં અનેકવિધ પાસાંઓનો તલસ્પર્શી ચિતાર રજૂ કર્યો છે. ‘'અલબત્ત..(અહીં રજૂ થયેલા ) લેખો જે તે સમયે લખેલા હોવાને કારણે (ક્યાંક) વિગતવાર” નથી એ મર્યાદા સંપાદકીય પ્રસ્તાવનામાં સ્વીકરાઇ છે. આશા રાખીએ કે હવે પછીની આવૃત્તિઓમાં આ ઉણપને નિર્મૂળ કરીને આ દરેક પુસ્તકને તેનાં યથોચિત મૂલ્યની કક્ષાએ પહોંચાડવામાં આવે.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

  • વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખ ¬ ૧૩-૧૧-૨૦૧૪

Sunday, November 30, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૧ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૧૧ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
દર વખતની જેમ આપણે બ્લૉગોત્સવના આ મહિનાના અંકની સફર પણ તિથિઓની યાદમાં લખાયેલ પોસ્ટ્સ વડે કરીશું.
મન્ના ડે - પહેલી મૃત્યુ તિથિ
અહીં મન્ના ડેની શાશ્વત ઓળખ સમાં પાંચ ગીતોને યાદ કરાયાં છે:
§ દિલકા હાલ સુને દિલવાલા - શ્રી૪૨૦ (૧૯૫૫) - શંકર જયકિશન
§ તુ પ્યારકા સાગર હૈ - સીમા (૧૯૫૫) - શંકર જયકિશન
§ કૌન આયા મેરે મનકે દ્વારે - દેખ કબીરા રોયા (૧૯૫૭)- મદન મોહન
§ અય મેરી ઝોહરાં ઝબીં - વક્ત (૧૯૬૬) - રવિ
§ ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે - આનંદ (૧૯૭૦) - સલીલ ચૌધરી
અહીં પણ લેખકની પસંદના મન્ના ડેનાં ૧૦ આગવા ગીતોની યાદ તાજી કરાઇ છે.
Mandatory Sahir Post of the week! – ૨૫મી ઓક્ટોબરના રોજ તેમની ૩૪મી મૃત્યુ તિથિના રોજ પસંદ કરાયેલાં ગીતો પૈકી બે ગીતોની આપણે અહીં ખાસ નોંધ લઇશું:
એક ખાસ વાત એ પણ નોંધવી જોઇએ કે સાહિર લુધ્યાનવીએ ફિલ્મોમાં ઈશ્વરપ્રેમનાં બહુ જ ઉત્કૃષ્ટ ગીતો આપ્યાં છે, જેવાં કે - લતા મંગેશકરના અવાજમાં ભક્તિરસથી તરબોળ અલ્લાહ તેરો નામ (હમદોનો), આશા ભોસલેના અવાજમાં તોરા મન દરપન કહલાયે (કાજલ) કે મોહમ્મદ રફીના અવાજમાં દિલની ઊંડાઇઓને સ્પર્શતું આના હૈ તો આ કુછ દેર નહીં હે (નયા દૌર).
A tribute to S.D. Burman - ૩૧ ઑક્ટોબરના રોજ ૩૯મી મૃત્યુ તિથિ - લેખકનું કહેવું છે કે સચીન દેવ બર્મન તેમના માનીતા સંગીતકાર છે. એવી જ એમની ચાહત ઓ પી નય્યર માટે પણ છે.
Remembering Rehman… - બહુ જ પ્રતિભાશાળી, પણ જેનાં મૂલ્યની પૂરતી કિંમત ન થઇ હોય તેવા કળાકારોની અગ્રિમ હરોળમાં તેમનું સ્થાન રહ્યું, પરદાપર તેમની હાજરી અચૂક ધ્યાનાકર્ષક જ રહી.
આપણે અહીં રજૂ થયેલ ગીતો પૈકી બે ગીતોની ખાસ નોંધ લઇશું:
Remembering Sanjeev Kumarમાં આપણે હાયે તબસ્સુમ તેરા [નિશાન(૧૯૬૫)- સંગીતઃ ઉષા ખના - મોહમ્મદ રફી] પર પસંદગી ઉતારીશું. આ ગીતનું જોડીયું ગીત આશા ભોસલે એ ગાયું છે.
The Unforgettable Geeta Dutt ..કેટલી કમનસીબી છે કે ગીતા દત્તનાં પહેલ વહેલાં હીટ થયેલ ગીતના શબ્દો - મેરા સુંદર સપના બીત ગયા, મૈં પ્રેમમેં સબ કુછ હાર ગયી, બેદર્દ જમાના જી..ત ગયા' - તેની ટુંકી જીંદગીની દાસ્તાન સ્વરૂપ બની ગયા. અહીં રજૂ થયેલાં તેમનાં ગીતોમાંથી આપણે આજે ચાંદ હૈ વહી વહી સિતારે (પરિણિતા - ૧૯૫૩ - અરૂણ કુમાર) પસંદ કરીશું.
સલીલ ચૌધરીબહુમુખી પ્રતિભા, બેનમૂન પ્રયોગાત્મકતા અને માધુર્ય-સભર સુરીલી તર્જ
  • A tribute to a master – Salil Choudhary – વિશાળ ખજાનામાંથી ૧૦ ચુનંદા રત્નોની પેશકશ
  • The revolutionary music genius: Salil Chaudhary- કોમેન્ટ્સમાં SSWનાં તખલ્લુસથી જાણીતા, એવા સદાનંદ વૉરીયરનો મહેમાન લેખ, જેમાં સલીલ ચૌધરીની રેંજને આવરી લેવા સાથે એક ધૂનને વિવિધ ભાષામાં રજુ કરતી વખતે એ ભાષાની ખૂબીઓને પણ ઝીલી લેવાના પ્રયોગોને વણી લેવાયેલ છે. વધારે આનંદની વાત એ છે કે આ લેખ સલીલ ચૌધરી પરની શ્રેણીના પહેલા લેખ તરીકે જ રજૂ થયેલ છે.
Happy Birthday, Sitara Devi!... સઆદત હસન મન્ટો તેમને ઝંઝાવાત તરીકે વર્ણવતાં કહેતા - તેઓ પોતે જ એટલાં જુસ્સાદાર વ્યક્તિત્વ હતાં કે તેમનાં અભિનીત નૃત્યોમાં પણ એ જુસ્સો પૂરેપૂરો ઠલવાઇ જ રહેતો. એવાં મજેદાર અને ઠસ્સાદાર સાત ગીતોની સાથે સાથે તેમના વ્યક્તિગત રમૂજ અને આગવી અંગભંગીને રજૂ કરતાં થોડાં ધીમી લયનાં બીજાં બે ગીતો અહીં આવરી લઇને તેમની અદાકારીનાં બધાં પાસાંને રજૂ કરાયાં છે.
The Doyenne of Vintage Era: Khursheed….. ફિલ્મ સંગીતના પ્રભાત કાળના અકે બહુ જ અગ્રગણ્ય ગાયિકા..ભરેલાં ગળાંનો ખુલ્લો અને જોરદાર અવાજ..માત્ર ૧૯૩૦થી આખા ૧૯૪૦ના દાયકાના સમય જ નહીં , પણ ગાયકીની એક ખાસ શૈલી ફિલ્મ સંગીતકાળના પ્રભાત કાળની આગવી પરખ હતી, જે લતા મગેશકરના ઉદય બાદ નવું સ્વરૂપ ઓઢતી ગઇ. આ તફાવતની બહુ જ સ્પષ્ટ પરિભાષા ખુર્શીદની ગાયન શૈલીમાં છલકતી જોવા મળે છે.
Anil Biswas’s songs for Bombay Saigal: Surendra... કેટલીક કાયદાકીય ગુંચને કારણે, સાયગલનાં મુંબઇ આવી ગયા પછીના લગભગ લગભગ અરધા સમય અને કુલ્લે એક દાયકાથી વધારે સમાંતરે રહેલી કારકીર્દી રહેવા છતાં અનિલ બિશ્વાસ કે. એલ. સાયગલ માટે ગીતો ન રેકોર્ડ કરી શક્યા હતા. '૪૦ના દાયકાની શરૂઆતમાં સાયગલ તેમનાં ‘દેવદાસ’ બાદ કલકત્તા રહ્યે રહ્યે જ સમગ્ર દેશમાં યશપતાકા ફરકાવી રહ્યા હતા,ત્યારે મુંબઇ ફિલ્મ જગતને પોતાની પ્રાર્થનાઓના જવાબના સ્વરૂપમાં દેખાવડા પંજાબી ગાયક -અદાકાર સુરેન્દ્ર મળી આવ્યા હતા.
Musical Shammi Kapoor …શમ્મી કપૂરને યાદ કરીએ એટલે સંગીતની યાદ તેમાં ભળી જ રહે. એકદમ જોમદાર, રોમેન્ટીક, સંગીતપ્રધાન ગીતો તેમની ફિલ્મોનું અવિભાજ્ય અંગ હતાં..અહીં પસંદ કરાયેલાં તેમનાં એવાં ગીતો છે જેમાં શમ્મી કપૂર એક કે એકથી વધારે વાદ્ય પર પણ હાથ પણ જમાવી રહેલ હોય..
હવે આપણ એવી સાઇટ્સની મુલાકાત કરીશું, જેના પર એકથી વધારે લેખ જોવા મળશે:
Scroll .in
§ Remembering the Jewish refugee who composed the All India Radio caller tune
ઑલ ઇન્ડીયા રેડિયોની પ્રારંભ ધુન હજારો લાકો લોકોએ સાંભળી હશે. ૧૯૩૬માં રાગ શીવરંજની પર રચાયેલી એ ધુનના રચયિતા વૉલ્ટર કૌફમૅન ઝૅક યહુદી શરણાર્થીઓમાંના હતા જેઓ બીજાં વિશ્વ યુધ્ધ પછી ભારતમાં સ્થાયી હતા. તેઓ AIRના નિયામક હતા. તેમની Meditation શીર્ષસ્થ એક બીજી ધુન પણ સાંભળવી ગમશે.
  • Rediscover the virtuosity of Hindustani vocalist Amir Khan… અહીં તેમની કેટલીક શાસ્ત્રીય અને ફિલ્મ માટે રેકોર્ડ થયેલી બંદિશ યાદ કરાઇ છે જેમાંથી આપણે રાગ ખમાજમાં ગવાયેલ, બંગાળી ફિલ્મ 'ક્ષુધિત પાષાણ'માટેની એક ઠુમરીની બંદિશ પસંદ કરી છે. આ ફિલ્મ માટે સંગીત જાણીતા સરોદવાદક અલી અકબર ખાને આપ્યું હતું.
  • 'Sun Mere Bandhu Re': The double notes of S.D. Burman’s life - બહુ ખ્યાત કહાણીઓની ખૂબી એ છે કે તેને અનેકાનેક રીતે રજૂ કરી શકાતી હોય છે.સત્ય સરણનાં પુસ્તક Sun Mere Bandhu Re ‒The Musical World of S. D. Burmanને વાંચવાની આ આગવી મજા છે.
  • Before movie trailers, Indian producers used song booklets to publicise films - ૧૯૩૧માં પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા' રજૂ થયા બાદ, ગીતોએ ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાની નિયતિ ઘડવામાં અતિ મહત્ત્વનો ફાળો આપ્યો છે. કેટલીય ફિલ્મોની ટીકિટબારી પરની સફળતા વારંવાર સાંભળવા મળતાં એ ફિલ્મનાં ગીતોની ભરપૂર સફળતાને કારણે રહી છે.ગીતોના ચાહકો માટે ગીતોની ચોપડીઓ સિનેમા હૉલની બહાર એ ગીતોને મમળાવવાં મદદ કરતી રહેતી.
  • What's Lata doing in a Britney Spears song? Western tunes with unlikely Bollywood samples - ભારતીય સંગીતકારો જ બહારનાં સંગીતમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે સાવે સાવ એવું નથી. નવાં, અવનવા અવાજોની ખોજને કારણે અમેરિકન સંગીતકારો પણ બૉલીવુડનાં ગીતોની આચમની તેમનાં સંગીતમા કરી લેતા હોય છે.આવી થોડી અકલ્પ્ય રચનાઓ સાંભળીએ.
Songs, Stories, Books and More…
બ્લૉગોત્સવના મોહમ્મદ રફી પરના લેખથી સમાપન કરતાં પહેલાં આપણે હજૂ થોડા બીજા લેખોની મુલાકાત લેવાની રહે છે :
  • My Favourites: Songs of First Love - કોઇ ખાસ વ્યક્તિ સાથે અચાનક જ મેળાપ થઇ જાય તો ? કામનાં એક બાણ પર સવાર એ એક સ્મિત દિલની ધડકન વધારી મૂકવા માટે પૂરતું છે ! પ્રેમમાં પડ્યા પછી કેવું લાગે ? આપણાં કાવ્યોમાં પહેલી ધારનો આ પ્રેમ અનેક સ્વરૂપોએ ઝીલાયેલ છે. જાણ-અજાણની બેખુદીમાં જ કોઇક આપણી ખુશીઓનું માલિક બની બેસે છે..હિંદી ફિલ્મનાં ગીતો પણ પ્રેમનાં આ ફુટતાં ઝરણાંને વાચા આપવામાં ઊણાં નથી પડ્યાં.. અહીં રજુ થયેલાં ગીતોએ એ અવનવા ભાવોને પ્રતિબિંબીત કર્યા છે..
  • Leke Pahela Pahela Pyar યાદ આવે છે? એમાં દેવ આનંદ અને શકીલા સિવાય બીજાં પણ બે કલાકારો હતાં - એક તો એ સમયની જાણીતી નર્તકી અદાકાર શીલા વાઝ અને બીજા ગુરુદત્તના મદદનીશ શ્યામ કપુર.… બહુ મહેનત પછી મળેલા શ્યામ કપુર અહીં ગુરુદત્તની યાદો અને પોતાની હાલની પરિસ્થિતિથી આપણને વાકેફ કરે છે.
  • આપણા મિત્ર ભગવાન થરવાનીએ વો દેખો ઉધર ચાંદ (રૂપ કુમારી -૧૯૫૬- મન્ના ડે અને ગીતા દત્ત)ની સાથે એસ એન ત્રિપાઠીએ જ ફરીથી ૧૯૬૧માં જાદૂ નગરીમાં લતા મંગેશકરના સ્વરમાં વાપરેલી નિગાહોંમે તુમ હો ને યાદ કરેલ છે.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
Combination of LP and Rafi in the films of Dharmendra and Jeetendra in the 1960sમાં ડૉ. સૌવિક ચેટર્જીએ મોહમ્મદ રફીની આસપાસ વીંટળાયેલ ૧૯૬૦ના દાયકાનાં ૭૧ ફિલ્મોનાં ગીતોને યાદ કર્યાં છે.
HEADY WINE : Rafi-Dada Burman - K.V.Ramesh - એસ ડી બર્મને પણ તેમના બીજા સમકાલીનોની જેમ શરૂઆતમાં સ્ત્રી પાર્શ્વગાયકોનાં પ્રાધાન્યથી કરેલ, જેમાં શમશાદ બેગમ અને ગીતા દત્ત (રૉય)નો સિંહ ફાળો હતો. પુરૂષ ગીતોમાં તો હજૂ પણ સાયગલની શૈલી આગળ ધપાવવાની જ ચાવી જ કામ કરતી હતી. મોહમ્મદ રફીનું દાદા સાથેનું પહેલું ગીત દુનિયા મેં મેરી અંધેરા હી અંધેરા (રાજા મહેંદી અલી ખાં) 'દો ભાઇ' (૧૯૪૭) માટેનું હતું. ખુબ ભાવથી ગવાયેલું ગીત ગીતા દત્તનાં યાદ કરોગે અને ‘મેરા સુંદર સપના બીત ગયા'નાં પૂરમાં ક્યાંય તણાઇ ગયું હતું.
Rafi’s Pancham note - આર ડી બર્મન અને કિશોર કુમારનાં સંયુક્ત પ્રયાસો બહુ ગવાયેલ છે, પણ મોહમ્મદ રફી માટે પણ પંચમે લગભગ ૧૧૦ ગીતો બનાવ્યાં છે, જેમાંના ચાર- પાંચ જ લોકપ્રિય નહીં થયાં હોય. ૧૯૬૧માં 'છોટે નવાબ' પહેલાં ગુરૂ દત્તની ૧૯૫૭ની ક્યારેય રજૂ ન થયેલી ફિલ્મ 'રાઝ' માટે ગીતા દત્ત અને હેમંત કુમારની સાથે મોહમ્મદ રફી રાહુલ દેવ બર્મનની પહેલી પસંદ હતા. આર ડીની ૧૯૬૫ની ફિલ્મ 'તીસરા કૌન'માં પણ મોહમ્મદ રફીનું 'મેરી જાં તુ ખફા હૈ તો ક્યા હુવા' એક ખાસ જગ્યા બનાવી શક્યું હતું. ગીતમાં શંકર જયકિશનની છાંટ સાંભળવા મળશે....
નવેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૧)
ફિલ્મી ગીતોમાં પત્રો (૨)
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ – (૩) : આજ જાનેકી ઝિદ ના કરો
‘મલિકા-એ-તરન્નૂમ’ નૂરજહાઁ
અનિલ બિશ્વાસ અને તલત મહમુદ – એક અનોખું સંયોજન
                                                                                    પ્રકાશિત થયેલ છે.

પાદ નોંધઃ બહુ જ દુઃખ સાથે સિતારા દેવીની ૨૫-૧-૨૦૧૪ના રોજ ચિરઃવિદાયની નોંધ લઇએ.

Saturday, November 29, 2014

અનિલ બિશ્વાસ અને તલત મહમુદ - એક અનોખું સંયોજન - સોંગ્સ ઑફ યૉર

clip_image001તલત મહમૂદે તેની ફિલ્મ જગતની કારકીર્દીનું પહેલું ગીત અનિલ બિશ્વાસનાં સંગીતમાં ગાયું હતું એવું કંઇ જ નહોતું. ૧૯૪૫માં ગાયક-કલાકાર તરીકે તલત મહમૂદે કલકત્તામાં 'રાજ લક્ષ્મી' ફિલ્મ વડે ફિલ્મ જગતમાં કદમ મૂક્યો હતો. તે પછી ‘તુમ ઔર મૈં’ (૧૯૪૭) અને ‘સંપત્તિ’ તેમ જ ‘સ્વયંસિદ્ધા’ (૧૯૪૯)માં પણ તેમણે (પરદા પર પણ) ગીતો ગાયાં. આ ગાળામાં ફિલ્મી, અને તપન કુમારનાં તખલ્લુસ હેઠળ ગેર-ફિલ્મી, ગીતો મળીને તેઓ લગભગ ૪૦ થી ૫૦ ગીતો ગાઇ ચૂક્યા હતા. ફિલ્મ જગતમાં આવતાં પહેલાં ગીતો અને ગઝલ માટે તેઓ સારી એવી નામના પણ મેળવી ચૂક્યા હતા. 'સબ દિન એક સમાન નહીં"થી એમણે ગેરફિલ્મી ગીતો ગાવાની શરૂઆત તો ૧૯૪૧થી કરી દીધી હતી. તેમનું બીજું એક ગેરફિલ્મી ગીત તસ્વીર તેરી દિલ મેરા બહલા ન શકેગી (૧૯૪૪) સમગ્ર દેશમાં, આજની ભાષામાં, 'વાઈરલ" બની ચૂક્યું હતું અને તેમની પહેચાન બની ચૂક્યું હતું.

તલત મહમૂદ કલકતાથી વ્યાવસાયિક સ્તરે મુંબઇ આવ્યા તે સમયનું તેમનું પહેલું (ફિલ્મમાં ગવાયેલું) ગીત હતું ફિલ્મ આરઝૂ (૧૯૫૦)નું "અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો". હા, એવું જરૂર કહી શકાય કે "તસ્વીર તેરી' ગીતે જો તેમને ગેરફિલ્મી ગીત-ગઝલનાં સિંહાસને પર આરૂઢ કર્યા હતા, તો "અય દિલ મુઝે"એ તેમને ફિલ્મ જગતમાં સ્વપ્રકાશે ઝળહળતા તારક બનાવી દીધા. અનિલ બિશ્વાસે તેમના સમયના ઘણાં ગાયકોની ગાયકીને મઠારીને એ ગાયકનાં ગળાંની સ્વાભાવિક કળાને સૂરબધ્ધ કરવામાં બહુ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તલત મહમૂદના કિસ્સામાં તેમણે તલતનાં ગળાંની 'કંપન'ને તલતની આગવી પહેચાન બનાવી.

તલત મહમૂદના અવાજની કંપન [ Play and compare with normal technique] - જેને અનિલ બિશ્વાસ ઈટાલીયન શબ્દપ્રયોગ tremoloથી ઓળખાવવાનું પસંદ કરતા - વિષે શ્રી બીરેન કોઠારીએ તેમના બહુ જ જાણીતા પત્રકાર મિત્ર શ્રી શિશિર કૃષ્ણ શર્માના એક લેખ, बीते हुए दिन- 46,માં ટાંકેલો એક કિસ્સો યાદ કર્યો છે, જે અહીં તેમના શબ્દોમાં જ રજૂ કરેલ છેઃ
मुकेश अक्सर तलत को मज़ाक़ में यह कहकर छेड़ते थे कि तू गाता तो बहुत अच्छा है लेकिन तेरी आवाज में जो कंपन है वो सारे गीत का मज़ा किरकिरा कर देता है...मज़ाक़ में कही गयी इस बात को तलत बेहद गंभीरता से लेते थे...धीरे धीरे उनके मन में ये बात गहराई तक बैठती चली गयी थी...फिल्म ‘आरज़ू’ के एक साल बाद, 1951 में अनिल बिस्वास ने तलत महमूद को फ़िल्म ‘आराम’ का गीत ‘शुक्रिया ऐ प्यार तेरा शुक्रिया’ गाने के लिए बुलाया...

तलत ने वो गाना बेहद कांशस होकर गाया...गाने के कई कई रीटेक हुए लेकिन अनिल बिस्वास को जैसा चाहिए था, वैसा तलत नहीं गा पाए...अनिल बिस्वास ने ग़ुस्से में तलत महमूद से पूछा, आज तुम्हें हो क्या गया है? ढंग से क्यों नहीं गा रहे हो? तो तलत ने झिझकते हुए असलियत बता दी कि मुकेश उनके गले के कंपन का मज़ाक़ उड़ाते हैं, इसीलिए वो उस कंपन को दूर रखने की कोशिश कर रहे हैं।

ये सुनते ही अनिल बिस्वास का ग़ुस्सा और भी भड़क उठा...उन्होंने कहा, मूर्ख हो तुम...ये कंपन ही तलत को तलत बनाता है...अगर ये कंपन न हो तो तुममें और किसी सड़क चलते लड़के में कोई फ़र्क़ नहीं है...मुझे सपाट तलत नहीं चाहिए...मुझे कांपती आवाज़ वाला तलत चाहिए...चलो गाओ...

...........इसके बाद वाला टेक ओके हो गया...
આમ તલત મહમૂદની કારકીર્દીમાં બહુ જ મહત્ત્વનો કહી શકાય તેવો ફાળો આપવા છતાં, સી.રામચંદ્ર કે ગુલામ મોહમ્મદ કે મદન મોહન નાં તલત મહમૂદનાં ગીતોની સરખામણીમાં અનિલ બિશ્વાસનાં તલત મહમૂદનાં ગીતોની સંખ્યા બહુ થોડી કહી શકાય તેવી છે. ૧૯૫૦થી ૧૯૫૫ વચ્ચે, તેઓ બંનેએ માત્ર ૭ ફિલ્મોમાં જ સાથે કામ કર્યું છે, જેની નિપજ ૮ સોલો ગીતો, ૩ લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતો અને ૪ સુરૈયા સાથેનાં યુગલ ગીતો છે.

તે ઉપરાંત ૧ ગેરફિલ્મી ગીત પણ આ જોડીને અંકે છે :

ભલે તુમ રૂઠ જાઓ....સીતારો તુમ ગવાહ રહેના - ગીતકાર : સાજન દેહલવી

તલત મહમૂદના અવાજની નીચેના સૂરમાં પણ જે ખૂબીઓ છે તે આ ગીતમાં અનિલ બિશ્વાસે ચરિતાર્થ કરી મૂકી છે.

હવે આપણે અનિલ બિશ્વાસ- તલત મહમુદની જોડીનાં ગીતોનાં અનોખાં વિશ્વની એક યાદગાર સફર કરીએ....

અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો - આરઝૂ (૧૯૫૦)- ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી

મેલા (૧૯૪૮) કે 'અંદાઝ' (૧૯૪૯)માં નૌશાદે દિલીપકુમારના અવાજ તરીકે, કે ખુદ અનિલ બિશ્વાસનાં જ "અનોખા પ્યાર"(૧૯૪૮)માં મુકેશનો અત્યંત સફળ પ્રયોગ કર્યા પછી, આ એક ગીતે તલત મહમુદને દિલીપ કુમારના અવાજ માટે પ્રસ્થાપિત કરી દીધા હતા. પછીથી ઘણાં પરિબળોની અસર રૂપે મોહમ્મદ રફી હરીફાઇમાં બહુ આગળ નીકળી ચૂક્યા ત્યારે તલત મહમૂદે એ તાજ ખોયો હતો. પરંતુ આજે પણ દિલીપકુમારનાં તલત મહમુદના અવાજમાં ગવાયેલાં 'ફૂટપાથ' (ખય્યામ) 'દાગ' અને 'શિક્સ્ત' (શંકર જયકિશન), 'બાબુલ' (નૌશાદ) કે ‘સંગદિલ’ (સજ્જદ હુસૈન) નાં ગીતો સાંભળીએ છીએ ત્યારે એ બંનેની ઈમેજ બહુ જ સહેલાઇથી કલ્પનાચિત્રમાં સામે આવે જ છે.
શુકરિયા અય પ્યાર તેરા શુકરિયા - આરામ (૧૯૫૧)- ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ

આ ગીત ફિલ્મમાં તલત મહમૂદ પર જ ફિલ્માવાયું છે. ફિલ્મમાં તેમણે મહેમાન કલાકારની ભૂમિકા નિભાવી છે.

એક મૈં હૂં એક મેરી બેકસીકી શામ હૈ - તરાના (૧૯૫૧) ગીતકાર : કૈફ ઇરફાની

આ જ ફિલ્મનાં બીજાં બહુ જ લોકપ્રિય યુગલ ગીતોની સમકક્ષ ઊભું રહે તેવું આ સોલો ગીત છે. ગીતનાં ઓર્કેસ્ટ્રેશનમાં અનિલ બિશ્વાસની આગવી શૈલીનો સ્પર્શ તલત મહમૂદના સ્વરને એક બહુ જ મુલાયમ કશિશ બક્ષે છે.

નૈન મિલે નૈન હુએ નૈન હુએ બાંવરે - લતા મંગેશકર સાથે- તરાના (૧૯૫૧)- ગીતકાર : પ્રેમ ધવન

તલત મહમૂદનાં ગણો કે લતા મંગેશકરનાં ગણો, કે કોઇ પણ યુગલ ગીત ગણો , આ ફિલ્મનાં બંને યુગલ ગીતોની કોઇ પણ યાદીમાં અચૂક અગ્રીમ સ્થાન મેળવશે જ.

સીનેમેં સુલગતે હૈં અરમાં - લતા મંગેશકર સાથે - તરાના(૧૯૫૧) – ગીતકાર:- પ્રેમ ધવન

'નૈન મિલે નૈન હુએ'માં ઉભરતા પ્રેમની રોમાંચક લાગણીઓ જેટલી ઝણઝણી ઉઠતી સંભળાશે, તેટલી જ આ ગીતમાં પ્રેમમાં વિરહની પીડા પ્રતિબિંબીત થતી જોવા મળે છે.

આડ વાતઃ

ગીતની લોકપ્રિયતાનું એક માપ લાઇવ પ્રોગ્રામમાં અન્ય ગાયકો તેને રજૂ કરતાં રહે તે પણ ગણી શકાય. આવો સાંભળીએ 'સીનેમેં સુલગતે હૈં અરમાં' જગજીત સિંઘનાં અવાજમાં

મોહબ્બત તુર્કકી મૈંને, ગરીબાં સી લિયા મૈંને - દોરાહા (૧૯૫૨)- ગીતકારઃ સાહિર લુધ્યાનવી

તલત મહમૂદને ખુલતા ઉંચા સ્વરમાં પણ એટલી જ અસરકારકતાથી અનિલ બિશ્વાસ રજૂ કરવામાં સફળ રહ્યા છે.

દિલમેં બસા કે મીત બના કે - દોરાહા (૧૯૫૨) - ગીતકાર - ગીતકાર : પ્રેમધવન

અહીં તલત તેની મુલાયમતાની ઉત્કૃષ્ટ ઉંચાઇ પર જોવા મળશે.

તેરા ખયાલ દિલસે મિટાયા નહીં અભી - દોરાહા (૧૯૫૨) - ગીતકાર : જોશ મલિહાબાદી

આ ગીતમાં ફરી એક વાર અનિલ બિશ્વાસ તલત મહમૂદની રેંજને તેની સીમાઓ સુધી ખેંચી જાય છે, પણ પરિણામ એટલું જ મધુર બની રહ્યું છે, તેમાં કોઇ શક નથી.

ત્રણે ગીત એક જ વિડીયો ક્લિપમાં

મુખ સે ન બોલું અખિયાં ન ખોલું - લતા મંગેશકર સાથે - જલિયાંવાલા બાગ કી જ્યોતિ - ગીતકાર : ઉદ્ધવ કુમાર

લતાના ભાગે રમતિયાળ રમઝટમાં ગીત ભાવ રજૂ કરવાના આવ્યા છે, તેની સામે તલત મહમૂદ જેવા "ગંભીર" અવાજને ટકી રહેવું આકરૂં પડે, પણ સંગીતકારે દરેક વખતે પુરુષ અવાજ મૂકવામાં સંગીતના ટેકાથી એવું સુંદર સંતુલન ઊભું કર્યું છે, કે ગીત બેહદ શ્રાવ્ય બની રહે છે.


કભી હૈ ગમ કભી ખુશીયાં - વારીસ (૧૯૫૪) - ગીતકાર : ક઼્મર જલાલાબાદી

આ ગીત પણ તલતનાં સોલો ગીતોની કોઇ પણ યાદીના અગ્રક્રમમાં સ્થાન મેળવે તે કક્ષાનું છે.
વારીસ (૧૯૫૪)નાં, તલત મહમૂદનાં સુરૈયા સાથેનાં યુગલ ગીતો
રાહી મતવાલે તૂ આજા એક બાર

ઘર તેરા અપના ઘર લાગે

દૂર નહીં હોતે જો વો દિલમેં રહા કરતે હૈં
                             - આપણે, દુર પપીહા બોલા... ઉત્તરાર્ધ માં સાંભળી ચૂક્યાં છીએ.

જીવન હૈ મધુબન, તુ ઇસમેં ફૂલ ખીલા, કાંટોસે ન ભર દામન, બસ માન ભી જા - જાસૂસ (૧૯૫૫) - ગીતકાર : ઇન્દીવર

સુર અને સ્વરનું આવું મધ્રૂરૂં સંયોજન જવલ્લે જ સાંભળવા મળતું રહે છે. પાશ્ચાત્ય સંગીતમાં પિયાનો એકદમ સૉફ્ટ અને મીઠું વાદ્ય તો છે જ પણ અનિલ બિશ્વાસના સ્વર નિયોજનમાં તેની મીઠાશ અલૌકિક બની રહે છે.

આડ વાતઃ

આ ગીતની પ્રેરણા ડૉરીસ ડેનાં “ક્વે સેરા સેરા” (જે થવાનું છે તે થઇ જ રહેશે)પરથી છે એવું મનાય છે.

જો કે આપણને કદાચ તેવી કોઇ જ છાપ ન અનુભવાય તેવું પણ બને !

“ક્વે સેરા સેરા”ના શબ્દો, જીવન જીવવાની રીત માટે, 'જીવન હૈ મધુબન" જેટલા જ પ્રેરણાદાયક છે તે વળી બીજી આડ વાત કહી શકાય !

                                સાભાર : The Mentor and the Protégé: Talat Mahmood songs by Anil Biswas

Thursday, November 27, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – ઉત્તરાર્ધ

લેખના પૂર્વાર્ધમાં આપણે નસ્સીમ તાલેબના યાદૃચ્છિકતા વિષેના વિચારોનો પરિચય કર્યો. તાલેબનાં અત્યાર સુધીનાં છેલ્લાં બે પુસ્તકો અને કેટલીક સંલગ્ન રસપ્રદ આડવાત વિષે જાણવા માટે આજના આ ઉત્તરાર્ધને વાંચીએ...

clip_image002
પ્રોક્રસ્ટીઝની પથારી : દાર્શનિક અને વ્યવહારુ સૂત્રો \ The Bed of Procrustes: Philosophical and Practical Aphorisms. [2010]
 
clip_image004તાલેબના મત મુજબ મોટા ભાગની આજની દુનિયા, અને તેમાં પણ નાણાં વિશ્વ તો ખાસ, પ્રોક્રસ્ટીઝની પથારી જેવી છે. આજની સંકુલ વાસ્તવિકતાઓને અનુરૂપ સિદ્ધાંતો અને મૉડેલમાં ઢાળવાને બદલે આપણે મૉડેલ કે સિદ્ધાંત પ્રમાણે વાસ્તવિક જગતને વેતરવાની વેતરણમાં રહેતાં હોઈએ છીએ; અને પછી જ્યારે તેમાં સફળ ન થઈએ ત્યારે મૉડેલ કે સિદ્ધાંતની અધૂરપ કે ત્રુટિને સ્વીકારવાના બદલે પહેલેથી પારખી ન શકાયેલાં બાહ્ય પરિબળોને 'આ કાળા હંસ જેવી ઘટનાઓ તો આપણા કાબૂમાં જ કયાં હતી !' એમ કહીને દોષ દેવા બેસી જઈએ છીએ.

‘પ્રોક્રસ્ટીઝની પથારી’ જીવનની યાદૃચ્છિકતાની સરાહનાનો ઢંઢેરો નથી, કે નથી તે તેની મગરૂરી (અને અજ્ઞાન)ની આલોચના. નાણાં કે રોકાણ જેવા વિષય પરનાં થોથાંને બદલે ઓસ્કાર વાઈલ્ડના કટાક્ષમાં ઝબોળેલા ચાબખાઓના સંકલન જેવું આ પુસ્તક વધારે જણાશે. આવો, તેમાંનાં કેટલાક વિચારપ્રેરક ચાબખાની આપણે મજા પણ ઉઠાવીએ :
  •  “જગતને સમજવા વિજ્ઞાન જોઈએ, પણ વ્યાપાર જગતમાં તો લોકોમાં ગેરસમજ ઊભી કરવા માટે તે વધારે કામ આવે છે.“
  •  “ભણતર સમજુને થોડો બધુ સમજુ બનાવે છે, પણ મૂર્ખાઓને તો બહુ જ જોખમી બનાવી મૂકે છે.”
  •  “કુદરતમાં કોઈ પણ ગતિ બેવડાતી નહીં જોવા મળે, પણ ઑફિસ, વ્યાયામશાળા, દરરોજની કામ પર આવવાજવાની સફર કે ખેલકૂદ જેવી બંધક પ્રવૃત્તિઓમાં તો ફરીફરીને એનું એ જ થતું રહે છે, કોઈ જ પ્રકારની યાદૃચ્છિકતા માટે ત્યાં જગ્યા જ નથી.”
  • “જ્યાં સુધી કોઈની જાત પર હુમલો ન લઈ જાઓ, ત્યાં સુધી કોઈ દલીલ જીતી જ નથી શકાતી.”
  • “અખબારોથી કાયમી છૂટકારો મેળવવો હોય, તો એક વર્ષ પૂરતી ગયા અઠવાડિયાનાં અખબાર વાંચવાની આદત કેળવો.”
  •  “સામાન્યતઃ લોકો કોઈ આદર્શ વ્યક્તિત્વ જેવાં થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય છે; પણ મોટાં થતાં અસરકારક નીવડી રહેવા માટે આનાં જેવાં જ ન થવાય તેવા પ્રતિઆદર્શોને નજરમાં રાખવા જોઈએ.”
  • "હેરોઈન, કાર્બોહાઈડ્રેટ અને દર મહિને મળતો પગાર એ ત્રણ સહુથી વધારે હાનિકારક વ્યસનો છે. મારી સફળતાનું માપ તો એક જ છે - મારી પાસે માખીઓ મારવા માટે કેટલો સમય છે.”
  •  “પદ્ય કે બહુ જ ઉત્કૃષ્ટ સાહિત્યનાં ટુંકાવી ન શકાય એવાં પુસ્તકો તો જૂજ હોય છે, ઘણાંને દસ પાનામાં ટુંકાવી દઈ શકાય અને મોટા ભાગનાંને કોરાં પાનાંમાં જ ટુંકાવી દઈ શકાય.”
  •  “કહે છે કે રૂખ પરથી સુસંગતતાને પારખવામાં સમજદારી છે (ઘટનાઓનાં), પણ આજના અટપટા વિશ્વમાં ખરી સમજદારી તો ભૂલથાપ ખવડાવતી રૂખને નજરઅંદાઝ કરીને જે અપ્રસ્તુત છે તેને પારખવામાં છે.”
  •  “શું ન કરવું તે સ્પષ્ટ પણે કહેવાને બદલે, આપણે શું શું કરવું જોઈએ એ કહેનારા જ વ્યાપાર જગતના ખરા ઊંટવૈદો છે.”
  • “સરકારી ખૈરાત અને ધૂમ્રપાન વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ‘આ મારી છેલ્લી સિગારેટ છે’ ગણ્યાગાંઠા કિસ્સાઓમાં પણ સાચું ઠરતું વિધાન છે.”
() () () ()
પ્રતિનાજુક - અવ્યવસ્થામાં લાભમાં રહેતીવસ્તુઓ \Antifragile: Things That Gain from Disorder [૨૦૧૨]
 
‘ધ બ્લેક સ્વાન’ અને ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’ જેવાં પહેલાંનાં પુસ્તકોમાં પ્રસ્થાપિત કરી ચૂકેલ વાતને આગળ ધપાવતાં, તેમના સહુથી છેલ્લા પુસ્તક ‘Antifragile’ માં તાલેબનું કહેવું છે કે ભવિષ્યની સહુથી મહત્ત્વની ખૂબી એ છે કે તેની આગાહી કરવી બહુ જ મુશ્કેલ, લગભગ મૂર્ખામી ભરેલ,કામ છે. એના કરતાં અનિશ્ચિતતા, યાદૃચ્છિકતા કે ઉથલપાથલ થતા સંજોગોને સ્વીકારી લેવામાં શાણપણ છે.

clip_image006"નાજુક'', ‘અડો તો પણ કરમાઈ જાય તેવું'-નો વિરૂદ્ધાર્થ શું કરવો ? મોટાભાગે જવાબમાં, 'મજબૂત કે 'ટકાઉ' કે 'બરછટ' સાંભળવા મળશે. 'મજબૂત' કે 'ટકાઉ' કે 'બરછટ' અચાનક થતાં પરિવર્તનો સાંખી જરૂર લઈ શકે - આકમિકતા સાથે તેમને કંઈ જ લેવાદેવા નથી હોતી. પરંતુ ‘નાજુક'નો ખરો વિરૂદ્ધાર્થ તો અચાનક જ આવતા આંચકાઓમાં મહોરી ઊઠવામાં જ ચરિતાર્થ થઈ શકે. અને તેથી તાલેબ 'પ્રતિનાજુક' શબ્દ પ્રયોગ કરે છે.

તાલેબનાં સહુથી છેલ્લા પ્રકાશિત થયેલ પુસ્તક Antifragileમાં નાજુકતાને ઘટાડવા માટે ભવિષ્યની યોજનાઓ ઘડ્યા કરવી, અને પછી અણકલ્પ્યાં પરિણામોને સમજાવ્યા કરવાને બદલે 'પ્રતિનાજુક' થવાની વાત છે.

તાલેબનું કહેવું છે કે જે ખરા અર્થમાં પ્રતિનાજુક છે તે અચાનક આવી પડેલ (અવળા) સંજોગોમાં પણ નીખરે છે કારણકે બીજાં બધાંની જેમ બાહ્ય દબાણ તેને પણ અસર તો કરે છે, પણ પછી ફરી સુવ્યવસ્થિત પણ તે જાતે જ થતાં રહે છે.

તેમનું માનવું છે કે સજીવ સૃષ્ટિ કે પછી બહુ જ જટિલ તંત્રવ્યવસ્થા મોટાભાગે 'પ્રતિનાજુક' જોવા મળે છે. જૈવિક ઉત્ક્રાંતિ, ટેક્નોલોજિનો વિકાસ કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયાઓ ગડબડીયા, પડ-આખડ જેવાં અણકલ્પ્યાં વાતાવરણથી ટેવાઈ ગયેલી કહી શકાય. કુદરતી અનિશ્ચિતતાઓથી બચવામાં સરવાળે જોખમ જ છે. તેઓ કહે છે કે ત્સુનામી કે ધરતીકંપ ક્યારે આવી પડશે તે કદાચ ભલે કહી ન શકાય, પણ તેની અસર સામે ભાંગી પડે તેવાં બાંધકામ કરવાં એ તો નરી મૂર્ખામી જ છે. પ્રતિનાજુકતાને આપણી જીવનપદ્ધતિમાં સમાવી લેવી એટલે 'કાળા હંસ' જેવી આકસ્મિક ઘટનાઓથી ઓછામાં ઓછું નુકસાન વેઠી, તેનો બને તેટલો લાભ ઊઠાવી લેવો.

પુસ્તકમાં આ માટેના અલગ અલગ શક્ય ઉપાયોની પણ ચર્ચા જોવા મળે છે. "'અજમાયશ અને ભૂલ' (માંથી શીખવાની) પડઆખડ"ને, આપણા વિશ્વને કેટલું ઓછું જાણીએ, સમજીએ છીએ અને એટલી પણ સમજણ પર વધારે પડતા મદારનાં કેવાં પરિણામો ભોગવીએ છીએ તેની અલગારી રખડપટ્ટી પણ કહી શકાય. “આપણા વિશ્વનાં એવાં કેટલાંય રહસ્યો છે જે જાતે અભ્યાસ કર્યા સિવાય, માત્ર બીજાંના અભિપ્રાયના જોરે સમજવાં અશક્ય છે.:

પ્રતિનાજુક તંત્ર વ્યવસ્થામાટે નિષ્ફળતાઓનું પણ બહુ મહત્ત્વ છે, એ વાત પણ પુસ્તકમાં વારંવાર કહેવાતી રહી છે. વ્યક્તિગત રીતે કે સામૂહિક સ્તરે, સફળતા કરતાં નિષ્ફળતામાંથી આપણે ઘણું વધારે શીખી શકીએ. કોઈ સિપાહી નિષ્ફળ નથી હોતો, તે કાં તો તે લડાઈની તૈયારીઓમાં જીવતો રહે કે કાં તો લડાઈમાં મરણ પામે; ભાગ્યે જ કોઈ સિપાહી નામર્દાઈની જિંદગી જીવવાનું પસંદ કરશે. એ જ સૂરમાં તાલેબ કહે છે કે નિષ્ફળ જતા ઉદ્યોગ સાહસિકો કે વૈજ્ઞાનિક સંશોધકોને, તાર્કિક ભૂમિકાએ, શહીદ થતા લશ્કરના જવાન જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ.

તાલેબને ખુરશીમાં બેસીને સિદ્ધાંતોની ચર્ચાઓ કરતાં લોકોને બદલે તેને વાસ્તવિક જીવનમાં અમલમાં ઉતારતાં એવાં લોકો માટે વધારે લગાવ છે જે પ્રયાસોમાંથી મળતા પદાર્થપાઠને આગળ જવા માટેનાં હોકાયંત્ર તરીકે વાપરે છે. ઉથલપાથલના પ્રવાહો સાથે લવચિકતા અને ઉત્પાદકતાનો સંબંધ કેળવવામાં ખરી ખૂબી રહેલ છે.

ઉથલપાથલ સાથે કેમ કામ લેવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કુદરત પૂરું પાડે છે. તે આકસ્મિક ઘટનાઓની સાથે કામ લેવા માટે આગાહીઓનો આશરો લેવાને બદલે પોતાની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તેને પચાવી લે છે. એમ કહી શકાય કે નાની નાની આપત્તિઓ તો જાણે કુદરતને ગમે છે.

નાની આપત્તિઓથી કુદરત પોતાના તંત્રને સાજું નરવું કરી લે છે. કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી રાખી મૂકવાથી તેને કોહવાટ કે કાટ જ લાગશે. ત્રણ અઠવાડિયાં કંઈ જ કર્યા સિવાય પથારીમાં પડી રહો પછી શું હાલત થશે તે કહેવાની જરૂર છે ખરી ?

[] [] [] [] []

'મજબૂતીકરણ' અને 'પ્રતિનાજુકતા" જેવા વિચારોને હજુ વધારે સરળ રીતે સમજાવી શકાય તે રીતે કેમ રજૂ કરવા એને આજની તારીખમાં તાલેબ પોતાના માટે સહુથી મોટો પડકાર ગણે છે. અત્યારસુધી પ્રયોજેલ શબ્દ પ્રયોગોની ભાષામાં કહીએ તો 'કાળા હંસ' સમી આકસ્મિક, આત્યંતિક અને થયા પછી જ સમજાવી શકાય તેવી ઘટનાઓને જીરવવા અને તેમાંથી નીખરી ઉઠવા માટે પ્રતિનાજુકતા કેમ કેળવવી એ 'પોતે કેટલું જાણે છે તે જાણવાથી તે હકીકતે ઓછું જાણનાર' વિદ્વાનોને કેમ સમજાવવું એ તેમની સામેનો પડકાર છે.

તેઓ મધ્યમ માર્ગને બદલે જોખમના બે અંતિમોની વચ્ચેના ખેલના સંતુલનના પુરસ્કર્તા છે. દા. ત. જોખમ અસ્પષ્ટ હોય તેવા સંજોગોમાં ૧૦૦ રૂપિયા 'મધ્યમ જોખમી' રોકાણમાં કરી બધી જ મૂડીને જોખમમાં મૂકી દેવાને બદલે ૯૦ % એક્દમ સલામત સ્વરૂપ (જેવું કે રોકડ) અને ૧૦% ભલે ખાસ્સું જોખમી પણ ઘણું જ સારું વળતર આપે તેવા વિકલ્પમાં રોકાણ કરવાથી સરવાળે જોખમ તો મૂડીના ૧૦%નું જ રહ્યું અને નફો થાય તો સહુથી સારા વળતરનો લાભ ક્યાં નથી !
{} {} {} {}

Ø નસ્સીમ તાલેબનાં વ્યકતવ્યોની વીડિયો ક્લિપ્સને, Nassim Nicholas Taleb -LARGE AGGREGRATION OF NASSIM TALEB VIDEOS GENERATED BY YOUTUBE, પર એકત્રિત કરાઈ છે.

Ø નસ્સીમ નિકોલસ તાલેબ વિષે વધારે, તાજી, માહિતી મેળવતાં રહેવા માટે તેમની વેબસાઈટ, NASSIM TALEB .org (UNOFFICIAL news site), ની મુલાકાત લેતાં રહેશો.

ખરા અર્થમાં તો આપણા માટે આયોજન કરવું શક્ય જ નથી,કારણે કે ભવિષ્યને તો આપણે પુરેપુરૂં ક્યાં જાણીએ જ છીએ. જો કે, આપણી એ મર્યાદાને ધ્યાનમાં રાખીને જરૂર આયોજન કરી શકાય. હા, એ માટે જીગરમાં હામ જોઈએ !

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૨૬-૯-૨૦૧૪