Monday, January 18, 2016

મહા આર્થિકસત્તાઓ/ Super Economies : નવી સદીમાં સત્તાનાં નવાં સમીકરણોનું ગતિશાસ્ત્ર



મહાઆર્થિકસત્તાઓ/ Super Economies
અમેરિકા, ભારત, ચીન અને વિશ્વનું ભાવિ
ISIN: 978-06-7008-812-6 ǁ પ્રકાશક: રૅન્ડમ હાઉસ ǁ કિંમત: રૂ. ૬૦૦/-
પોતાના શસ્ત્રાગારમાં એકબીજાની સામે મોં ફાડીને ઊભાં રહેલાં મહાવિનાશક શસ્ત્રોના ખડકલા કરતી મહાસત્તાઓનો હવે નથી રહ્યો, પણ આજનો સમય છે એકબીજા સાથે પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અનેક તાણેવાણે સંકળાયેલ સમાજોનો. ઊભરતાં રાષ્ટ્રોના એકબીજા સાથેનાં આર્થિક, ભૂરાજનૈતિક તેમ જ માહિતી આદાનપ્રદાનનાં જોડાણોએ વૈશ્વિક અર્થકારણને એક સક્રિય બજાર બનાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નવાં આર્થિક સમીકરણો ટુંકા ગાળાના રાજકીય સંબંધોને લાંબા ગાળાનાં નવાં પરિમાણોની નવી દિશાઓમાં દોરી રહેતાં હોય તેમ પણ હવે જોવા મળે છે.  કેટલાં લાંબાં અંતર સુધી આણ્વિક શસ્ત્રાગ્રને પહોંચાડી શકે તેવાં આંતરખંડિય પ્રક્ષેપાત્રો તેની પાસે છે કે શસ્ત્રાગારમાં અણુ બોંબની સંખ્યા કેટલી છે જેવાં ગઈ સદીનાં મહાસત્તાની તાકાતનાં સુચકોને બદલે હવે એકંદર ઘરેલુ ઉત્પાદનના વૃદ્ધિ દર, તેનો વૈશ્વિક અર્થકારણમાં ફાળો કે વસતીમાં યુવાનોની સખ્યા જેવાં નવાં સુચકો મહાઆર્થિકસત્તાઓની ઓળખ બનવા લાગ્યાં છે.
રાઘવ બહ્‍લનું ભાવિદર્શન ૨૧મી સદીમાં કેટલીક ગણી ગાંઠી મહા આર્થિકસત્તાઓની આણ વર્તાતી જોઈ રહ્યું છે. આ મહાઆર્થિકસત્તાઓનો વૃદ્ધિ દર ઘણો ઊંચો હશે, વૈશ્વિક એકંદર ઘરેલુ ઉત્પાદનમાં તેમનો સિંહફાળો હશે, વૈશ્વિક વેપારમાં તેમનું અગ્રેસર સ્થાન હશે, તેઓ શસ્ત્રોના ખણખણાટથી નહીં પણ આર્થિક નેતૃત્ત્વ વડે મહત્ત્વનાં પરિવર્તનો લાવવામાં સક્રિય હશે.
નવી સદીમાં સત્તાનાં નવાં સમીકરણોનું ગતિશાસ્ત્ર
બીજાં વિશ્વયુદ્ધે  વિશ્વની ભૂરાજનૈતિક ચોપાટ પર નવાં ચોકઠાંઓ ગોઠવીને મહાસત્તાઓના યુગનો નવો ખેલ આંરભી આપ્યો. ૧૯૫૦થી લગભગ ૧૯૮૦નાં અંત સુધીનો સમય સોવિયેત રાષ્ટ્રઘટક દેશો અને અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રો વચ્ચે શીત યુધ્ધનાં વર્ષો તરીકે ઇતિહાસને ચોપડે એક મહત્ત્વનાં પ્રકરણ તરીકે જાણીતો છે.  સામ્યવાદની સામે મૂડીવાદ કે લોકશાહી જેવી રાજકીય રીતે અલગ પડતી વિચારસરણીઓ હેઠળ આણ્વિક શસ્ત્રોમાટેની હોડ તો બંને પક્ષો માટે એકબીજાંને શેહ દેવા માટે સર્વસામાન્ય મ્હોરૂં હતી. ૧૯૮૯માં બર્લિનની દિવાલના તૂટી જવા બાદ શીત યુદ્ધનાં વળતાં પાણી થઈ ગયાં. તેની સાથે સાથે દ્વિધ્રુવીય સત્તાની સાઠમારીના યુગનો પણ પડદો પડી ગયો. વીસમી સદીનાં હવે પછીનાં વર્ષોમાં અમેરિકાનો ડંકો વિશ્વની એકમેવ મહાસત્તા તરીકે રણકતો રહેવાનો હતો. 
૯/૧૧ના હુમલા અને ૨૦૦૮ના નબળાંસ્તરનાં ધીરાણોsubprime -નાં ત્સુનામી મોજાંએ અમેરિકાના પ્રથમ દરજ્જાનાં સ્થાનને ખાસ્સું હચમચાવી કાઢ્યું હતું. ૨૧મી સદીના પ્રારંભમાં BRIC(S) અર્થતંત્રોએ હવે વૈકલ્પિક આર્થિકસત્તાઓ તરીકે કાઠું કાઢવાનું શરૂ કરી દીધેલ હતું. વીસમી સદીની સત્તાની લગામ જો રાષ્ટ્રની અમલદારશાહીના હાથમાં હતી, તો તેની લશ્કરી તાકાત સામેના પર પ્રભાવ પાડવા માટેનું એક મહત્ત્વનું  પરિબળ હતું. હવે એકવીસમી સદીમાં બજારની તાકાત નવાં પ્રભાવક પરિબળ તરીકે ઊભરી રહેલ હતી, લશ્કરી તાકાતને બદલે હવે આર્થિક નૈપુણ્ય હવે  વૈશ્વિક કાર્યસૂચિ નક્કી કરવા માટેનું વધારે સક્ષમ પરિવર્તક બની રહેલ હતું. યુદ્ધજહાજો અને પ્રક્ષેપાત્રો વડે ગઈ સદીની મહાસત્તાઓ જે કંઇ સિદ્ધ કરવા માગતી હતી તે આજની મહાઆર્થિકસત્તાઓ  આર્થિક નેતૃત્વ, બહુપક્ષીય વેપાર વાર્તાવિચારણાઓ, એકબીજા સાથે વાણિજ્યની શરતો કે નાણાંવિનિમય દરથી માંડીને પર્યાવરણ નિયમન નીતિ નક્કી કરવા માટે સુધીની બાબતો માટેની સંકુલ વાટાઘાટો વડે સિદ્ધ કરવા માગે છે.
પોતાને જે જોઇએ છે તે બળજબરી કે અવેજ ચુકવણી વડે મેળવવાને બદલે આકર્ષણના ઉપયોગને જૉસેફ નૈ 'સૉફ્ટ પાવર'[1] કહે છે. આ પ્રકારના સૉફ્ટ પાવરની તાકાતને મહાઆર્થિકસત્તાઓ બરાબર પીછાણે છે અને પોતાની આર્થિક અને સાંસ્કૃતિક અસ્કયામતોના પ્રભાવને બરકરાર રાખવા આ પ્રકારના સૉફ્ટ પાવરને બરાબર કામે લગાડવામાં માહિર પણ છે.
૯/૧૧ અને ૨૦૦૮ની નાણાંકીય મહામંદી પછીથી અમેરિકા તેની મહાઆર્થિકસત્તાની આર્થિક તેમ જ ભાવનાત્મક અગ્રણીની ભૂમિકા ફરી મેળવી ચૂક્યું છે. મોટા ભાગની આર્થિક કે ઉત્પાદન અને માહિતી ટેક્નોલોજીની મૂલ્ય-સાંકળની નીચેની કક્ષાને લગતી પ્રવૃત્તિઓ બીજા દેશોમાં ચલાવવા છતાં પણ અમેરિકા નેનો ટેક્નોલોજી કે ત્રી-પરિમાણીય મુદ્રણ, ડીજીટલ ઉત્પાદન સેવાઓ, અદ્યતન સૉફ્ટવેર કે સંમિશ્રિત માલસામગ્રીઓ / composite materials જેવી ઉચ્ચ ટેક્નોલોજીનાં વિવિધ ક્ષેત્રોમાં અમેરિકા પોતાની સરસાઈ જાળવી શક્યું છે. તે જ રીતે તેમનાં મોટાં શહેરોનાં કથળતાં જતાં માળખાંકીય સેવાઓનાં સ્તરની સુધારણા કે નવસર્જન માટે જાહેર-ખાનગી ભાગીદારીના સંયુક્ત પ્રયાસો જેવા રાજકીય સામાજિક જાહેર જીવનના કૂટ પ્રશ્નો માટે સાવ અભિનવ પ્રયોગોને ઘડી કાઢવામાં અને તેના સફળ અમલ કરવાની પહેલમાં પણ તે અગ્રેસર રહ્યું છે. તેની સામે જાપાન કે યુરોપનાં એક સમયનાં વિકસિત રાષ્ટ્રો એક યા બીજા પ્રકારના માળખાંગત નિગ્રહમાં જ અટવાતાં રહ્યાં છે.
બીજાં બધાં ઉભરતાં અર્થતંત્રોમાંથી ચીને મહાઅર્થસત્તાનું બિરૂદ અંકે કરી લેવામાં સફળતા મેળવી છે. છેલ્લાં ૪૦ વર્ષમાં પહેલી વાર ખરીદ શક્તિ સમકક્ષતા મુજબ સમાયોજિત તેનું એકંદર ઘરેલુ ઉત્પાદન અમેરિકાનાં સમકક્ષ એકંદર ઘરેલુ ઉત્પાદનને વટાવી ગયું છે. ચીનના બહુ વધારે પડતા ઝડપથી થયેલ આર્થિક વિકાસની તાજેતરમાં બહાર આવેલ કેટલીક તિરાડોએ અમેરિકા વિરૂદ્ધ ચીનની ચર્ચાની આગમાં ઈંધણ પૂરવાનું કામ કર્યું છે. અમેરિકાનાં વિશ્વ મહાસત્તા તરીકેનાં પ્રભુત્વની ચિંતાઓને મોટા ભાગના પાશ્ચાત્ય અર્થશાત્રીઓ ભારપૂર્વક નકારી જરૂર કાઢી શકે છે, પણ ચીનના પડકારને તેઓ એટલા જ ભારપૂર્વક  અવગણી નથી શકતા એ બાબતની નોંધ તો લેવી જ ઘટે.
જેમ વીસમી સદીમાં વૈશ્વિક મંચ પર યુરોપનો દબદબો રહ્યો હતો તેમ એકવીસમી સદીમાં હિંદી મહાસાગર વૈશ્વિક મંચનાં લશ્કરી કે આર્થિક ચર્ચા, વિવાદો કે વિગ્રહોનાં કેન્દ્રસ્થાને રહેશે તે બહુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. છેલ્લાં ૫૦૦ વર્ષમાં પહેલી વાર વિશ્વ પરનો પ્રભાવ એશિયામાંથી ઉદ્‍ભવતો જોવા મળી રહ્યો છે.
એમ કહી શકાય કે અત્યારના આ સંજોગોમાં ભારત બહુ યોગ્ય જગ્યાએ, બહુ જ ઉચિત સમયનાં સ્થાન પર આવી ઊભું છે. રાજકીય અંતિમોના વિવાદો, ભ્રષ્ટાચાર અને  ગરીબ-તવંગર વચ્ચે વધતાં જતાં અંતર જેવાં નકારાત્મક પરિબળો[2]ની ચોટને કારણે લંગડાતાં રહેવા છતાં, ૨૦૧૪ના નરેન્દ્ર મોદીનાં નેતૃતવની સરકારને કેન્દ્રમાં મળેલા નિર્ણાયક જનમતને રાઘવ બહ્‍લ  ભારતની મહાઆર્થિક સત્તાપદની દોડમાં બહુ મહત્ત્વની, સકારાત્મક, ઘટના ગણાવે છે. ચીનના મહાઆર્થિકસત્તા તરીકેના ઉદયને કારણે, જાણ્યેઅજાણ્યે, ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક દૃષ્ટિકોણ વધારે એકનજર થતા ગયા છે.
ભારતની મહાઆર્થિકસત્તાપદ ભણીની સંભાવ્ય સફરને રાઘવ બહ્‍લે પ્રસ્તુત પુસ્તકમાં અલગ અલગ પ્રકરણ રૂપે કરી છે, જેનો પરિચય આપણે ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ કરીશું. 


[1] Joseph Nye on Soft Power
  
[2]  Will India become a Superpower? – Ramchandra Guha

Sunday, January 10, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૬


આ મહિનાના અંક માટે આપણી પાસે સંગીતકારો, ગાયકો, ગીતના પ્રકાર, ગીત પહેલીવાર રજૂ થયું તેનો સમય  જેવાં વિવિધ પાસાંઓની આવરી લેતાં ગીતો છે.
હરીશ રઘુવંશીએ આપણને એક જ ક્લિપમાં સાવન (૧૯૫૯)નાં બધાં ગીતો મોકલ્યાં છે. ફિલ્મમાં સંગીત હંસરાજ બહલનું હતું અને ગીતો પ્રેમ ધવને લખ્યાં હતાં. આ ફિલ્મનાં અમુક ગીતો આજે પણ હજૂ એટલાં જ પ્રચલિત છે. તો સામે કેટલાંક ગીતો સાવ વીસારે પડી ચૂક્યાં છે.

જેમને આ દરેક ગીત અલગથી સાંભળવાં છે, તેમની સગવડ માટે દરેક ગીત અલગથી પણ આપણે મૂક્યાં છે.

ભગવાન થાવરાણીની પસંદનાં ગીતો સાથે તેમની સ-રસ ટિપ્પણીઓ પણ માણીએ -
મેર લાડલો તુમ તો ફુલોફલો સંત જ્ઞાનેશ્વર (૧૯૬૪)લતા મંગેશકર લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
અર્થસભર શબ્દો, લતાના અવાજનું જાદુ,, બહુ જ કર્ણપ્રિય હાલરડું.. પણ તો પણ લગભગ ભૂલાવાને આરે..

આ ગીતનું એક બીજું સ્વરૂપ પણ છે, જે મોહમ્મદ રફીના સ્વરમાં રેકોર્ડ થયેલ છે

ઓ મૃગનયની ચંદ્રમુખી રંગ બિરંગી(૧૯૮૩)આર ડી બર્મન

શાસ્ત્રીય રાગ પર અધારિત પંડિત વસંતરાવ દેશપાંડે  અને (મોટા ભાગે ) આરતી મુખર્જી..પણ મને તો ગીતનું ફિલ્માંકન વધારે ગમ્યું..દાંપત્યપ્રેમને ઉમરની નજર નથી લાગતી તે અદાકારીના ઉસ્તાદ ઓમ પ્રકાશ અને છાયા દેવીએ ખૂબ જ સહજતાથી રજૂ કરે છે..બંનેનો એક્બીજાં માટેનો પ્રેમ માત્ર ગાયનમાં જ નહીં તેમની નજરોમાં પણ ડોકાય છે...साथ जियेंगे साथ मरेंगे गाते गाते गाना ...ગીતના બોલ યોગેશ (કે પછી માયા ગોવિંદ)ના છે


સારી દુનિયા સે પૂછા મિલન (૧૯૫૮) લતા મંગેશકર હંસરાજ બહલ

લતાનાં ચિરપવિત્ર ગીત, हाए जिया रोए, માટે આપણને આ ફિલ્મ તો યાદ છે જ.. એ  અદૂભૂત રચના આપણે અનેકવાર સાંભળી છે ...એ લોકપ્રિય રચનાની છાયામાંથી પ્રસ્તુત રચનાને બહાર લાવવાનો આ પ્રયાસ છે....!

જહાંવાલે તૂને યે ક્યા ઝિંદગી દી .. જો આજ તક હુઆ - ગુલે બકાવલી (૧૯૬૩) - મોહમ્મદ રફી - હંસરાજ બહલ - ગુલશન બાવરા 
અમર રફીના સ્વરમાં હંસરાજ બહલે, हाए जिया रोए માટે પ્રયોજેલ રાગ દરબારીની અલગ જ પ્રકારની રચના


અલવિદા જાન-એ-વફ઼ા બેનઝીર (૧૯૬૪)લતા મંગેશકર - એસ ડી બર્મન

બિમલ રોય પ્રોડક્શન્સનું આ રત્ન ટિકિટબારી પર સદંતર નિષ્ફળ રહ્યું હતું, અને હવે તો ભૂલાઇ પણ ચૂક્યું છે..અજાણ્યા એવા નિર્દેશક ખાલેદ નિદર્શિત આ ફિલ્મ મુસ્લિમ સમાજને પ્રતિબિંબિત કરતી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. મુખ્ય ભૂમિકામાં અશોક કુમાર, મીના કુમારી, શશી કપૂર અને તનુજા હતાં.. ફિલ્મનું રફીનું ચુલબુલું ગીત - દિલમેં એક જાન-એ-તમન્નાને જગા પાઈ હૈ, આજે ગુલશનમેં નહીં ઘરમેં બહાર આઈ હૈ - અને લતાના સ્વરમાંના બીજા બે એક ગીત બહુ લોકપ્રિય રહ્યાં હતાં. પણ લતાના સ્વરનું આ ગીત તો મારી દૃષ્ટિએ એ બધામાં બાજી મારી જાય છે. ફિલ્મમાંથી ગીત કાઢી નખાયું હતું, એટલે વિડીયો ક્લિપ માં માત્ર ગીતનું ઑડીયો સ્વરૂપ જ સાંભળવા મળે છે.. બહુ જ અર્થપૂર્ણ બોલ ગીતના કરૂણરસને ધેરો બનાવે છે.


સમીર ધોળકિયાએ આ ગીતોને યાદ કર્યાં છે -
બીતા હુઆ એક સાવન - શોખિયાં (૧૯૫૧) - લતા મંગેશકર - જમાલ સેન
                       (રાજકોટથી મહેશ જોશીએ  આ ગીત મોકલ્યું હતું)
સંગીતકાર જમાલ સેનની એક બહુ મધુર પણ ઓછી જાણીતી થયેલી રચના...મૂળે આ ગીત કેદાર શર્માની ફિલ્મ 'શોખિયાં' માટે રેકોર્ડ કરાયું  હતું...જમાલ સેનને આ ફિલ્મ દ્વારા ફિલ્મ જગત ક્ષેત્રે પ્રવેશ કેદાર શર્માએ આપ્યો હતો...કોઈ કારણોસર ફિલ્મમાંથી ગીતની બાદબાકી થઈ ગઈ હતી...જમાલ સેનનાં ૧૯૭૯માં અવસાન બાદ, કેદાર શર્માએ પછીથી તેમની ટેલીફિલ્મ 'પહેલા ક્દમ'(૧૯૮૦)માં આ ગીતને વાપર્યું હતું.

અરૂણ કુમાર દેશમુખે અતુલ્સ સોંગ અ ડે પર મૂકેલ બે પોસ્ટમાં રજૂ થયેલ ગીત પણ સમીર ધોળકિયાએ યાદ કરાવેલ છે -
સમ્મા યે પ્યારકા બહાર કે યે મેલે - બાગ઼ી સિપાહી (૧૯૫૮) - મન્ના ડે, આશા ભોસલે - શંકર જયકિશન

મન્ના ડે-આશા ભોસલેનું આ બીજું યુગલ ગીત કહી શકાય. આ જોડીનું પહેલું યુગલ ગીત - રાત ગયી ફિર દિન આતા હૈ, ઈસી તરહ આતે જાતે હી યે સારા જીવન જાતા હૈ -૧૯૫૩ની ફિલ્મ બુટ પોલિશમાં હતું. બુટ પોલિશમાં મન્ના ડે-આશા ભોસલે-મધુબાલા ઝવેરીનું એક ત્રિપુટી ગીત - ઠહર જરા ઓ જાનેવાલે બાબુ મિસ્ટર ગોરેકાલે, કબસે બૈઠેં આસ લગાયે હમ મતવાલે પાલિસવાલે - પણ હતું. મન્ના ડે-આશા ભોસલેની જોડીએ ૨૦૦૫ સુધી ૧૬૮ ગીતો આપ્યાં, તેની સામે મન્ના ડે-લતા મંગેશકરની જોડીએ ૧૦૬ ગીતો આપ્યાં છે.

આજા આજા આજા નદિયા કિનારે - રાજહઠ (૧૯૫૬)- લતા મંગેશકર - શંકર જયકિશન- શૈલેન્દ્ર
પર્દા પર આ ગીત હેલને રજૂ કર્યું છે.

Four Aces and A Queen માં પરાગ સંક્લા ગીતા દત્ત દ્વારા ગવાયેલાં હંસરાજ બહલ, બુલો સી રાની, ચિત્રગુપ્ત અને અવિનાશ વ્યાસનાં ઓછાં જાણીતાં થયેલાં ગીતો યાદ કર્યાં છે. એ લેખમાં ઉલ્લેખ થયેલ પણ જેની વિડીયો લિંક નથી અપાઈ તેવાં આ સંગીતકારનાં ગીતા દત્તનાં આવાં એક એક પ્રતિનિધિ ગીતને અહીં રજૂ કરેલ છે –
દો રોઝ઼કા જલવા હૈ - રાજપુત (૧૯૫૧) ગીતા દત્ત, હમીદા બાનો અને સાથીઓ - હંસરાજ બહલ  -

સ્ત્રી-ગાયકોએ ગાયેલી કવ્વાલીઓ પ્રમાણમાં ઓછો ખેડાયેલો પ્રકાર ગણાય, તેમાં વળી ગીતા દત્તનો સ્વર તો કવ્વાલીમાં ભાગ્યે જ સાંભળવા મળે !

નદિયા કિનારે મોરા ડેરા, મશાલ જલે સારી રતિયાં - તરંગ (૧૯૫૨) –
ગીતા દત્ત, શમશાદ બેગમ, મોહમદ રફી અને થોડી પંક્તિઓમાં સંગીતકાર ખુદ ચિત્રગુપ્ત એવું ચોકડી ગીત..૧૯૫૮થી ૧૯૬૩ની વચ્ચે ચિત્રગુપ્તે ગીતા દત્તના સ્વરમાં ૫૦ જેટલાં ગીતો આપ્યાં છે..

જવાનીયાં નીગોડી સતાયે, ઘુંઘટ મોરા ખુલ ખુલ જાયે - દરોગાજી (૧૯૪૯) - બુલો સી રાની - ગીતા દત્તનો અવાજમાં જુવાનીનો તરવરાટ કેવો છલકે છે...

ગુન ગુન ગુન કરતા ભંવરા - હર હર મહાદેવ (૧૯૫૦) - અવિનાશ વ્યાસ –

ગીતમાં 'ગુન ગુન'નો ખૂબ જ અદ્‍ભૂત રીતે થયેલો પ્રયોગ ભંવરાનાં ગુંજનને કેટલી સ-રસપણે જીવંત કરી આપે છે....

કે એસ ભાટીયા અને અન્ય વાચક મિત્રો My favourite ‘special’ Asha Bhosle songsમાં વિવિધ ગીતોને તેમના પ્રતિભાવો દ્વારા ઉમેરતા જ રહ્યાં છે. એ બધાં ગીતો પોતે જ એકથી વધારે લેખ માટેની સામગ્રી બની રહે તેવાં જ છે. હાલ પુરતું, આપણે અહીં એક પ્રતિનિધિ ગીત જ લઈશું
આપકી બાતેં આપકી કસમેં સબ જૂઠે - કાલા સમંદર (૧૯૬૨) - આશા ભોસલે - એન દત્તા


આ ચર્ચામાં કેટલીક અન્ય ગાયિકાઓનાં પણ ભૂલાવે ચડેલાં ગીતોને પણ યાદ કરાયાં છે, જેમ કે સુમન કલ્યાણપુરનું ગીત મેરી પ્રીત મેરા પ્યાર બોલે આજ બાર બાર - તીર્થ યાત્રા (૧૯૫૮) - સંગીતઃ સુરેશ તલવાર

ડીસેમ્બર, ૨૦૧૫ના અંકમાં મૌલિકા દેરાસરી સાથે મારે બહુ ખાસ્સો સ-રસ પત્રવ્યવહાર થયો. તેમનાં જેવાં યુવાન પેઢીનાં વાચક મિત્ર આટલો રસ લે તે તો પ્રોત્સાહક નીવડે એ સીધાં પરિણામ ઉપરાંત આપણી લેખમાળા માટે નવી સામગ્રી પણ તેમાંથી મળવાનો બીજો ઘણો મોટો ફાયદો પણ મળ્યો. તેમણે હેમંતકુમારના સ્વર-સંગીતવાળું ઝીંદગી કિતની ખુબસુરત હૈ, આઈયે આપકી ઝરૂરત હૈ (બીન બાદલ બરસાત - ૧૯૬૩)ને યાદ કર્યું. તેની સાથે લતા મંગેશકરના સ્વરમાં તેનું પ્રતિબિંબ-જોડી ગીત પણ યાદ આવે.
આ ચર્ચાના જ સંદર્ભે, હેમંત કુમારનાં વિસારે ચડતાં ગીતો શોધતાં, લતામંગેશકર સાથેનું યુગલ ગીત, હો ધીરે ધીરે - આગોશ (૧૯૫૩) મળી આવ્યું. શૈલેન્દ્રના બોલને રોશને સ્વરબદ્ધ કરેલ છે. છે ને એક અનોખું સંયોજન !


આપણા દરેક અંકના સમાપનમાં આપણે મોહમ્મદ રફીનાં ભૂલાવે ચડેલાં ગીતોને યાદ કરવાનાં છીએ. આ મહિને આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ મોહમ્મદ રફીનાં 'હીર' (૧૯૫૬)નાં ગીતો સાંભળીશું. અનિલ બિશ્વાસનો રફી પ્રત્યેનો ઓછો પ્રેમ ફિલ્મ સંગીતના રસીકોમાં બહુ ચર્ચાયો છે, પણ આપણે એ ચર્ચાથી થોડાં અલગ રહીને જ આ ગીતો અહીં મૂક્યાં છે.
ઓ ખામોશ જમાના હૈ - આશા ભોસલે સાથે - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

લે જા ઉસકી દુઆએ, હો સકા જો ન તેરા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

પ્રીત કા રોગી હોયા જોગી, અલ્લાહ તેરી ખૈર કરે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……