Sunday, January 10, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૬


આ મહિનાના અંક માટે આપણી પાસે સંગીતકારો, ગાયકો, ગીતના પ્રકાર, ગીત પહેલીવાર રજૂ થયું તેનો સમય  જેવાં વિવિધ પાસાંઓની આવરી લેતાં ગીતો છે.
હરીશ રઘુવંશીએ આપણને એક જ ક્લિપમાં સાવન (૧૯૫૯)નાં બધાં ગીતો મોકલ્યાં છે. ફિલ્મમાં સંગીત હંસરાજ બહલનું હતું અને ગીતો પ્રેમ ધવને લખ્યાં હતાં. આ ફિલ્મનાં અમુક ગીતો આજે પણ હજૂ એટલાં જ પ્રચલિત છે. તો સામે કેટલાંક ગીતો સાવ વીસારે પડી ચૂક્યાં છે.

જેમને આ દરેક ગીત અલગથી સાંભળવાં છે, તેમની સગવડ માટે દરેક ગીત અલગથી પણ આપણે મૂક્યાં છે.

ભગવાન થાવરાણીની પસંદનાં ગીતો સાથે તેમની સ-રસ ટિપ્પણીઓ પણ માણીએ -
મેર લાડલો તુમ તો ફુલોફલો સંત જ્ઞાનેશ્વર (૧૯૬૪)લતા મંગેશકર લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
અર્થસભર શબ્દો, લતાના અવાજનું જાદુ,, બહુ જ કર્ણપ્રિય હાલરડું.. પણ તો પણ લગભગ ભૂલાવાને આરે..

આ ગીતનું એક બીજું સ્વરૂપ પણ છે, જે મોહમ્મદ રફીના સ્વરમાં રેકોર્ડ થયેલ છે

ઓ મૃગનયની ચંદ્રમુખી રંગ બિરંગી(૧૯૮૩)આર ડી બર્મન

શાસ્ત્રીય રાગ પર અધારિત પંડિત વસંતરાવ દેશપાંડે  અને (મોટા ભાગે ) આરતી મુખર્જી..પણ મને તો ગીતનું ફિલ્માંકન વધારે ગમ્યું..દાંપત્યપ્રેમને ઉમરની નજર નથી લાગતી તે અદાકારીના ઉસ્તાદ ઓમ પ્રકાશ અને છાયા દેવીએ ખૂબ જ સહજતાથી રજૂ કરે છે..બંનેનો એક્બીજાં માટેનો પ્રેમ માત્ર ગાયનમાં જ નહીં તેમની નજરોમાં પણ ડોકાય છે...साथ जियेंगे साथ मरेंगे गाते गाते गाना ...ગીતના બોલ યોગેશ (કે પછી માયા ગોવિંદ)ના છે


સારી દુનિયા સે પૂછા મિલન (૧૯૫૮) લતા મંગેશકર હંસરાજ બહલ

લતાનાં ચિરપવિત્ર ગીત, हाए जिया रोए, માટે આપણને આ ફિલ્મ તો યાદ છે જ.. એ  અદૂભૂત રચના આપણે અનેકવાર સાંભળી છે ...એ લોકપ્રિય રચનાની છાયામાંથી પ્રસ્તુત રચનાને બહાર લાવવાનો આ પ્રયાસ છે....!

જહાંવાલે તૂને યે ક્યા ઝિંદગી દી .. જો આજ તક હુઆ - ગુલે બકાવલી (૧૯૬૩) - મોહમ્મદ રફી - હંસરાજ બહલ - ગુલશન બાવરા 
અમર રફીના સ્વરમાં હંસરાજ બહલે, हाए जिया रोए માટે પ્રયોજેલ રાગ દરબારીની અલગ જ પ્રકારની રચના


અલવિદા જાન-એ-વફ઼ા બેનઝીર (૧૯૬૪)લતા મંગેશકર - એસ ડી બર્મન

બિમલ રોય પ્રોડક્શન્સનું આ રત્ન ટિકિટબારી પર સદંતર નિષ્ફળ રહ્યું હતું, અને હવે તો ભૂલાઇ પણ ચૂક્યું છે..અજાણ્યા એવા નિર્દેશક ખાલેદ નિદર્શિત આ ફિલ્મ મુસ્લિમ સમાજને પ્રતિબિંબિત કરતી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. મુખ્ય ભૂમિકામાં અશોક કુમાર, મીના કુમારી, શશી કપૂર અને તનુજા હતાં.. ફિલ્મનું રફીનું ચુલબુલું ગીત - દિલમેં એક જાન-એ-તમન્નાને જગા પાઈ હૈ, આજે ગુલશનમેં નહીં ઘરમેં બહાર આઈ હૈ - અને લતાના સ્વરમાંના બીજા બે એક ગીત બહુ લોકપ્રિય રહ્યાં હતાં. પણ લતાના સ્વરનું આ ગીત તો મારી દૃષ્ટિએ એ બધામાં બાજી મારી જાય છે. ફિલ્મમાંથી ગીત કાઢી નખાયું હતું, એટલે વિડીયો ક્લિપ માં માત્ર ગીતનું ઑડીયો સ્વરૂપ જ સાંભળવા મળે છે.. બહુ જ અર્થપૂર્ણ બોલ ગીતના કરૂણરસને ધેરો બનાવે છે.


સમીર ધોળકિયાએ આ ગીતોને યાદ કર્યાં છે -
બીતા હુઆ એક સાવન - શોખિયાં (૧૯૫૧) - લતા મંગેશકર - જમાલ સેન
                       (રાજકોટથી મહેશ જોશીએ  આ ગીત મોકલ્યું હતું)
સંગીતકાર જમાલ સેનની એક બહુ મધુર પણ ઓછી જાણીતી થયેલી રચના...મૂળે આ ગીત કેદાર શર્માની ફિલ્મ 'શોખિયાં' માટે રેકોર્ડ કરાયું  હતું...જમાલ સેનને આ ફિલ્મ દ્વારા ફિલ્મ જગત ક્ષેત્રે પ્રવેશ કેદાર શર્માએ આપ્યો હતો...કોઈ કારણોસર ફિલ્મમાંથી ગીતની બાદબાકી થઈ ગઈ હતી...જમાલ સેનનાં ૧૯૭૯માં અવસાન બાદ, કેદાર શર્માએ પછીથી તેમની ટેલીફિલ્મ 'પહેલા ક્દમ'(૧૯૮૦)માં આ ગીતને વાપર્યું હતું.

અરૂણ કુમાર દેશમુખે અતુલ્સ સોંગ અ ડે પર મૂકેલ બે પોસ્ટમાં રજૂ થયેલ ગીત પણ સમીર ધોળકિયાએ યાદ કરાવેલ છે -
સમ્મા યે પ્યારકા બહાર કે યે મેલે - બાગ઼ી સિપાહી (૧૯૫૮) - મન્ના ડે, આશા ભોસલે - શંકર જયકિશન

મન્ના ડે-આશા ભોસલેનું આ બીજું યુગલ ગીત કહી શકાય. આ જોડીનું પહેલું યુગલ ગીત - રાત ગયી ફિર દિન આતા હૈ, ઈસી તરહ આતે જાતે હી યે સારા જીવન જાતા હૈ -૧૯૫૩ની ફિલ્મ બુટ પોલિશમાં હતું. બુટ પોલિશમાં મન્ના ડે-આશા ભોસલે-મધુબાલા ઝવેરીનું એક ત્રિપુટી ગીત - ઠહર જરા ઓ જાનેવાલે બાબુ મિસ્ટર ગોરેકાલે, કબસે બૈઠેં આસ લગાયે હમ મતવાલે પાલિસવાલે - પણ હતું. મન્ના ડે-આશા ભોસલેની જોડીએ ૨૦૦૫ સુધી ૧૬૮ ગીતો આપ્યાં, તેની સામે મન્ના ડે-લતા મંગેશકરની જોડીએ ૧૦૬ ગીતો આપ્યાં છે.

આજા આજા આજા નદિયા કિનારે - રાજહઠ (૧૯૫૬)- લતા મંગેશકર - શંકર જયકિશન- શૈલેન્દ્ર
પર્દા પર આ ગીત હેલને રજૂ કર્યું છે.

Four Aces and A Queen માં પરાગ સંક્લા ગીતા દત્ત દ્વારા ગવાયેલાં હંસરાજ બહલ, બુલો સી રાની, ચિત્રગુપ્ત અને અવિનાશ વ્યાસનાં ઓછાં જાણીતાં થયેલાં ગીતો યાદ કર્યાં છે. એ લેખમાં ઉલ્લેખ થયેલ પણ જેની વિડીયો લિંક નથી અપાઈ તેવાં આ સંગીતકારનાં ગીતા દત્તનાં આવાં એક એક પ્રતિનિધિ ગીતને અહીં રજૂ કરેલ છે –
દો રોઝ઼કા જલવા હૈ - રાજપુત (૧૯૫૧) ગીતા દત્ત, હમીદા બાનો અને સાથીઓ - હંસરાજ બહલ  -

સ્ત્રી-ગાયકોએ ગાયેલી કવ્વાલીઓ પ્રમાણમાં ઓછો ખેડાયેલો પ્રકાર ગણાય, તેમાં વળી ગીતા દત્તનો સ્વર તો કવ્વાલીમાં ભાગ્યે જ સાંભળવા મળે !

નદિયા કિનારે મોરા ડેરા, મશાલ જલે સારી રતિયાં - તરંગ (૧૯૫૨) –
ગીતા દત્ત, શમશાદ બેગમ, મોહમદ રફી અને થોડી પંક્તિઓમાં સંગીતકાર ખુદ ચિત્રગુપ્ત એવું ચોકડી ગીત..૧૯૫૮થી ૧૯૬૩ની વચ્ચે ચિત્રગુપ્તે ગીતા દત્તના સ્વરમાં ૫૦ જેટલાં ગીતો આપ્યાં છે..

જવાનીયાં નીગોડી સતાયે, ઘુંઘટ મોરા ખુલ ખુલ જાયે - દરોગાજી (૧૯૪૯) - બુલો સી રાની - ગીતા દત્તનો અવાજમાં જુવાનીનો તરવરાટ કેવો છલકે છે...

ગુન ગુન ગુન કરતા ભંવરા - હર હર મહાદેવ (૧૯૫૦) - અવિનાશ વ્યાસ –

ગીતમાં 'ગુન ગુન'નો ખૂબ જ અદ્‍ભૂત રીતે થયેલો પ્રયોગ ભંવરાનાં ગુંજનને કેટલી સ-રસપણે જીવંત કરી આપે છે....

કે એસ ભાટીયા અને અન્ય વાચક મિત્રો My favourite ‘special’ Asha Bhosle songsમાં વિવિધ ગીતોને તેમના પ્રતિભાવો દ્વારા ઉમેરતા જ રહ્યાં છે. એ બધાં ગીતો પોતે જ એકથી વધારે લેખ માટેની સામગ્રી બની રહે તેવાં જ છે. હાલ પુરતું, આપણે અહીં એક પ્રતિનિધિ ગીત જ લઈશું
આપકી બાતેં આપકી કસમેં સબ જૂઠે - કાલા સમંદર (૧૯૬૨) - આશા ભોસલે - એન દત્તા


આ ચર્ચામાં કેટલીક અન્ય ગાયિકાઓનાં પણ ભૂલાવે ચડેલાં ગીતોને પણ યાદ કરાયાં છે, જેમ કે સુમન કલ્યાણપુરનું ગીત મેરી પ્રીત મેરા પ્યાર બોલે આજ બાર બાર - તીર્થ યાત્રા (૧૯૫૮) - સંગીતઃ સુરેશ તલવાર

ડીસેમ્બર, ૨૦૧૫ના અંકમાં મૌલિકા દેરાસરી સાથે મારે બહુ ખાસ્સો સ-રસ પત્રવ્યવહાર થયો. તેમનાં જેવાં યુવાન પેઢીનાં વાચક મિત્ર આટલો રસ લે તે તો પ્રોત્સાહક નીવડે એ સીધાં પરિણામ ઉપરાંત આપણી લેખમાળા માટે નવી સામગ્રી પણ તેમાંથી મળવાનો બીજો ઘણો મોટો ફાયદો પણ મળ્યો. તેમણે હેમંતકુમારના સ્વર-સંગીતવાળું ઝીંદગી કિતની ખુબસુરત હૈ, આઈયે આપકી ઝરૂરત હૈ (બીન બાદલ બરસાત - ૧૯૬૩)ને યાદ કર્યું. તેની સાથે લતા મંગેશકરના સ્વરમાં તેનું પ્રતિબિંબ-જોડી ગીત પણ યાદ આવે.
આ ચર્ચાના જ સંદર્ભે, હેમંત કુમારનાં વિસારે ચડતાં ગીતો શોધતાં, લતામંગેશકર સાથેનું યુગલ ગીત, હો ધીરે ધીરે - આગોશ (૧૯૫૩) મળી આવ્યું. શૈલેન્દ્રના બોલને રોશને સ્વરબદ્ધ કરેલ છે. છે ને એક અનોખું સંયોજન !


આપણા દરેક અંકના સમાપનમાં આપણે મોહમ્મદ રફીનાં ભૂલાવે ચડેલાં ગીતોને યાદ કરવાનાં છીએ. આ મહિને આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ મોહમ્મદ રફીનાં 'હીર' (૧૯૫૬)નાં ગીતો સાંભળીશું. અનિલ બિશ્વાસનો રફી પ્રત્યેનો ઓછો પ્રેમ ફિલ્મ સંગીતના રસીકોમાં બહુ ચર્ચાયો છે, પણ આપણે એ ચર્ચાથી થોડાં અલગ રહીને જ આ ગીતો અહીં મૂક્યાં છે.
ઓ ખામોશ જમાના હૈ - આશા ભોસલે સાથે - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

લે જા ઉસકી દુઆએ, હો સકા જો ન તેરા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

પ્રીત કા રોગી હોયા જોગી, અલ્લાહ તેરી ખૈર કરે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: