Monday, January 4, 2016

ભૂગોળનું વેર \ અમેરિકાની નિયતિ \ બ્રૌડેલ,મેક્ષિકો અને મહાચક્રવ્યૂહ



ભૂગોળનું વેર \ The Revenge of Geography
ભાગ : ૩ - America’s Destiny \ અમેરિકાની નિયતિ
પ્રકરણ : ૧૫- Braudel, Mexico and Grand Strategy \ બ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ
૭મી ડીસેમ્બરના પ્રકાશિત થયેલ આ પરિચયાત્મક લેખના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં આપણે પુસ્તકની Preface \'પ્રસ્તાવના' અને બીજાં પ્રકરણ ' The Revenge of Geography \ ભૂગોળનું વેર'ના સંકલિત અવતરણનો પરિચય કર્યો હતો. તે પછી ૨૧ ડીસેમ્બર, ૨૦૧૫ના બીજા ભાગમાં આપણે પુસ્તકના બીજા ભાગ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો - નાં બારમા પ્રકરણ  - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા -ની વાત કરી હતી.

આ પરિચયના ત્રીજા અંક અને સમાપનમાં આપણે પુસ્તકના ત્રીજા ભાગ - America’s Destiny \ અમેરિકાની નિયતિ- નાં પંદરમા પ્રકરણ Braudel, Mexico and Grand Strategy \ બ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ - ની વાત કરીશું.
પુસ્તકના અત્યાર સુધી જણાતા મુખ્ય થીમ - યુરેશિયાના સમશીતોષ્ણ પ્રદેશનો વિશ્વના ભૂરાજનૈતિક ઇતિહાસના કૅન્વાસ પર ભૂગોળ-પ્રેરિત પ્રભાવ -ને પ્રસ્તુત પ્રકરણ સાથે સાંકળી લેવા માટે લેખકે ફર્નાન્ડ બ્રૌડેલનાં સૌથી વધુ વગદાર પુસ્તક The Mediterranean and The Mediterranean World in the Age of Philip II - નો આધાર લીધો છે. બ્રૌડેલનાં ભૌગોલિક દિગ્દર્શકયંત્રમાં ભૂમધ્યને સહારાનાં રણની નજદીકમાં રહેલા અનેક સમુદ્રોના સંકુલ તરીકે જૂએ છે. બ્રૌડેલની કહાણીમાં કોઈ એક માણસના અવરોધોને અતિક્રમવાના પ્રયત્નોની વાતને પ્રાધાન્ય આપવાને બદલે લોકસમુહો પર વ્યક્તિનિરપેક્ષ અને ઊંડે સુધી અસર કરતાં માળખાકીય પરિબળોના ધીમે ધીમે થતી અસરો કેન્દ્રસ્થાને જોવા મળે છે. પાણીની અછત અને પર્યાવરણ પ્રેરિત ઘટનાઓથી ગીચોગીચ ભરેલા પ્રદેશોપરની અસરોને બ્રૌડેલ તેમની શૈલી વડે સાહિત્યિક સ્પર્શ અને મિજાજ નો ઓપ આપે છે.
પર્યાવરણીય ફેરફારો અને તેની જૂદા જૂદા પ્રદેશોની અલગ અલગ અસરો એક ચોક્કસ સ્વરૂપે દેખાય તેટલા સમય અંતરાલના પરિપ્રેક્ષ્યની જે વાત બૌડેલ કરે છે એટલા લાંબા ગાળે હવે પછી ભૂરાજનીતિ શું સ્વરૂપે રહેશે તે કહેવું તો મુશ્કેલ જ કહી શકાય. જોકે માનવજાતની કુદરતી પરિબળોની સાથે મુઠભેડને તો દીર્ઘ કાલિન (ફ્રેંચઃ longue duree) પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે ત્યારે જ તે આપણી સમજમાં ઉતરે તે પ્રકારનાં ચિત્ર તરીકે ઉભરી આવે છે તે બાબતની પણ અહીં નોંધ લેવી જોઈએ.
એટલાં દૂરનાં ભવિષ્યની દૃષ્ટિએ જોતાં અમેરિકાના ભૂતકાળ કે વર્તમાનમાં બૃહદ મધ્ય એશિયા કે અફઘાનિસ્તાન, કે પછી ભારતવર્તી નીતિવિષયક વ્યસ્ત વિચારસરણી અને તેને આનુશાંગિક પગલાંઓની સામે તેને ઘરઆંગણે - અમેરિકાની દક્ષિણ સરહદે - ધુંધવાતી રહેલ નિષ્ફળતા આ પ્રકરણનો કેન્દ્રવર્તી વિચાર છે. યુરેશિયાથી આ ઘટના-મંચ ખાસ્સો અંતરે છે, પણ તેનાં મૂળ તો અમેરિકાની ભૂગોળમાં જ છે. પૂર્વમાં પ્રશાંત અને પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર અને ઉત્તરે  કેનેડાનો ઉત્તર ધ્રુવીય પ્રદેશના એ અમેરિકાની ભૌગોલિક સીમાઓ છે. પણ  તેની ખરી સંવેદનશીલ સીમા તો તેની નૈઋત્ય સરહદો છે. ભારતીય ઉપખંડના વાયવ્ય સરહદ પ્રદેશોની જેમ આ સરહદ પણ અહીની સંસ્કૃતિ પર અલગ જ પ્રકારનું દબાણ બનાવી રાખે છે. ઇસવીસનની છઠ્ઠી થી લગભગ અઢારમી ઓગણીસમી સદી સુધીના હિંદ ઉપખંડના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની જેમ જ અમેરિકા અને મેક્ષિકો વચ્ચે આવકનાં સ્તરમાં બહુ જ મોટો તફાવત છે. દુનિયાના કોઈ પણ બે અડોઅડ આવેલા પાડોશી દેશોની આવકનાં સ્તરમાં તફાવતોમાં આ તફાવત સૌથી મોટો છે.
અમેરિકાની અર્ધાથી પણ વધારે દક્ષિણી સીમા, મેક્ષિકો-અમેરિકાનાં ૧૯૪૬-૪૮નાં યુદ્ધ પછીથી, રણની વચ્ચેથી પડાયેલ કૃત્રિમ સરહદ છે.
૧૯૪૦ પછી મેક્ષિકોની વસ્તીમાં પાંચ ગણો વધારો નોંધાયો છે.તેથી પણ નજદીકના સમયમાં જોઈએ તો ૧૯૯૪માં NAFTAમાં સહીસિક્કા થયા બાદ ઉત્તર મેક્ષિકોની વસતી બમણી થઈ ગઈ છે. આમ છતાં અમેરિકાના પૂર્વકિનારામાં વસતા રાજકીય બૌદ્ધિક ભદ્ર વર્ગને જેટલાં ઇસ્રાયેલ કે ચીન કે ભારત સ્પર્શે છે તેટલું મેક્ષિકો નથી અડતું. પણ એ તો ભાવિ વાસ્તવિકતા દેખાય જ છે કે અન્ય કોઈ દેશ કરતાં અમેરિકાની નિયતિ પર મેક્ષિકોની અસરો બહુ વ્યાપક સ્તરે પડશે.
નશાખોર પદાર્થોને કારણે થતાં ખૂનોમાંનાં સૌથી વધારે ખૂનો મેક્ષિકોનાં ૩૨ રાજ્યોમાંથી ઉત્તર મેક્ષિકોનાં છ રાજ્યોમાં નોંધાયાં છે. ઉત્તર મેક્ષિકો મેક્ષિકોના બીજા વિસ્તારોથી કેટલું જૂદું પડે છે તે આ એક બાબતથી જ સમજી શકાય છે. બહુરાષ્ટ્રીય નશાખોર દ્વવ્યોની ટોળકીઓના તાબાવાળી આવી ૨૦૦૦ માઈલ લાંબી સરહદ અમેરિકા ઉત્તર મેક્ષિકો સાથે ધરાવે છે.
અમેરિકા એંગ્લો-પ્રોટેસ્ટંટ વસાહતીઓનો અને દેશાંતરવાસીઓનો દેશ છે. અમેરિકાના સમાજનો દાર્શનિક અને સાંસ્કૃતિક આધાર-સ્થંભ જ એંગ્લો-પ્રોટેસ્ટંટ વસાહતીઓને કહી શકાય. અમેરિકામાં વસવા આવતા દેશાંતરવાસીઓએ અમેરિકન તરીકે સ્વીકારાવા માટે એ એંગ્લો-પ્રોટેસ્ટંટ સંસ્કૃતિને અપનાવવી જ પડે છે. અમેરિકાની પરંપરાગત ઉદારમતવાદી વિચારસરણીનું મૂળ જ તેનો પ્રોટેસ્ટંટવાદી  વિચારધારામાંથી થયેલ જન્મ છે. હવેનાં વર્ષોમાં અમેરિકામાં સ્થળાંતર માટે આવી રહેલ સ્પેનીશ-ભાષી દક્ષિણ અમેરિકન પ્રવાહ અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઓછું વૈવિધ્ય ધરાવતું પરિબળ હોવાને કારણે વૈવિધ્યની ચુસ્તપક્ષકાર ઉદારમતવાદી અમેરિકન વિચારધારામાં માર્મિકપણે ફરક પાડતો રહેશે.
આ આખી વાતમાં આગળ પડતી ભૂમિકા તો ભૂગોળની જ છે. આજનાં ટેક્ષાસ, ન્યુ મેક્ષિકો, એરીઝોના, કેલીફોર્નીયા, નેવાડા અને ઊટાહ ૧૮૩૫-૩૬ની ટેક્ષાસની સ્વતંત્રતાની લડાઈ અને મેક્ષિકો-અમેરિકાનાં ૧૯૪૬-૪૮નાં યુદ્ધ સુધી તો મેક્ષિકોના જ ભાગ હતાં. એ પણ સંજોગોની ભૌગોલિક વિશેષતા છે કે આ પ્રદેશો જ અમેરિકાનાં નવાં અશ્મિભૂત બળતણ - શેલ ગેસ \ shale gas (પોચા પથ્થરોમાંથી નિકાળાતો કુદરતી વાયુ)-ના મુખ્ય પેદાશકારો છે જે અમેરિકાને તેલ-વાયુના ચોખ્ખા આયાતકારમાંની ચોખ્ખા નિકાસકાર બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહેલ છે.
મેક્ષિકો જ એક એવો દેશ છે જેના પર અમેરિકાએ આક્રમણ કર્યું છે, તેની રાજધાની પર કબજો કર્યો હતો અને તેના ઘણા પ્રદેશો પોતાનામાં ભેળવી દીધા છે. કદાચ આ કારણથી આ એકસમયે પોતાના સ્વદેશના જ ભાગરૂપ પ્રદેશોમાં આવીને વસતા દેશાંતરવાસીઓને અન્ય કોઈ પણ બીજા દેશાંતરવાસીઓ કરતાં વધારે 'ઘર જેવું' અનુભવાય છે. ત્રીજી પેઢીના મેક્ષિકન-અમેરિકનોનો તેમની માતૃભાષા સાથે જળવાઈ રહેલ વધારે મહાવરો પણ આ હિસ્પેનિક સમુદાયોની અન્ય દેશાંતરવાસીઓની વસ્તીઓ કરતાં વધારે ગીચતાને કારણે જ છે એમ કહી શકાય.
ખરેખર તો ૨૧મી સદી દરમ્યાન અમેરિકા બે મહાસાગરોની વચ્ચેના પૂર્વથી પશ્ચિમના સમશિતોષ્ણ, ગૌરવર્ણી ચામડી ધરવાતાં લોકોની સંસ્કૃતિ ધરાવનાર દેશને બદલે  ઉત્તરથી દક્ષિણ તરફ પોલીનેસીયા-વ-સ્પેનિશઅમેરિકનમિશ્ર સંસ્કૃતિ તરીકે ઉભરશે. માત્ર ટેક્નોલોજીના બલબૂતા પર જ નહીં પણ મેક્ષિકો અને મધ્ય અમેરિકાની વસ્તીનાં દબાણથી પણ તે બાકીની દુનિયાની વધારે દુનિયાની નજદીક સરકશે.
પણ આ દર્શન સફળ થવા માટે નિષ્ફળ નહીં, પણ  સફળ મેક્ષિકો આવશ્યક છે. અમેરિકા તરફી કોલંબિયાની સાથે સ્વાભાવિક સૂરમાં કામ કરતું સ્થિર અને સમૃદ્ધ મેક્ષિકો  પશ્ચિમ ગોળાર્ધના વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા, ત્રીજા અને ચોથા દેશને એકબીજામાં જોડી શકવાનું સામર્થ્ય ધરાવે છે.
પરંતુ મેક્ષિકો અત્યારે ત્રિભેટે ઝળુંબી રહેલ છે - એકતરફ તે નશીલાં દ્રવ્યની ટોળકીઓની સામે બાથ ભીડવાના પ્રારંભિક તબક્કામાં કહી શકાય તો બીજી બાજૂ તે સાવ અરાજકતામાં ખુંપતું દેખાય, તો વળી ક્યારેક બંને દિશાઓ ભણી ખેંચાવાની દશામાં દેખાય છે. આવા પાતળી દોરીને તાંતણે લટકી રહેલ  ભવિષ્યના સંજોગોમાં અમેરિકા જે કંઇ કરશે તે સમગ્ર ખેલનાં ભાવિની દિશા નક્કી કરનારૂં નીવડી શકે છે.
આર્નોલ્ડ જે. ટોયન્બીનું કહેવું રહ્યું છે કે અતિવિકસિત સમાજ અને સાવ વણવિકસિત સમાજની સીમાઓ વચ્ચે સંતુલન શક્ય નથી, વણવિકસિત સમાજ તરફ સીમા આગળ વધે.[1]
આમ, મેક્ષિકો અને કેનેડા સાથે મળીને એક સૂત્રથી જોડાયેલ, દ્વિભાષી મહારાજ્ય જેવી કોઈ સંરચના અમેરિકા મૂર્ત કરી શકશે કે કેમ તેના પર તેની આર્થિક સત્તા કે સાંસ્કૃતિક સત્તા કે નૈતિક સત્તા કે પછી રાજકીય કે લશ્કરી સત્તા મહદ્‍ અંશે નિર્ભર કરશે.
અંતમાં, “વૈશ્વિક લડાઈઓ, તેમ જ વૈશ્વિક શાંતિ,માં દરેક ક્ષેત્રો અને વિસ્તારો એક બીજાં સાથે જોડાયેલ હોય છે. એકબીજાંથી ભલે ગમે તેટલાં દૂર હોય, પણ ગમે તે એકમાં થતી સફળતા કે નિષ્ફળતાની બીજાં બધાં પર તરત જ, નિર્ણાયક અસરો પડીને જ રહે છે." ૧૯૪૪માં લેખકના મરણોપરાંત પ્રકાશિત થયેલ આ કથન આજે તે સમય કરતાં પણ વધારે સાચું જણાઈ રહ્યું છે
.[2]  

No comments: