Saturday, December 31, 2011

મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]

"સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દ્દયકાઓનો માણસ છું. મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશક - માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે!આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ વાર ઘર બદલાવ્યું છે. ઘર વિષેનું મારું આ સુદીર્ઘ સંબંધ-સાતત્ય સઘન ભાવ-સાતત્યમાં પરિણમ્યું છે તે અનનવ્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એક આખું વર્ષ અનિદ્રાથી પીડાયો છું. ઇષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ ઘરમાં રંજાડ્યો છે.અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્યપથે વળ્યો છું.અહીં જ મેં કોડીયે,ખડીયે,ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણાં જેવી બારીમાંથી મેં વરસાદનું વહાણ અને સૂરજનો સંતાપ ઝીલ્યાંછે. આ ઘર મને એક સાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાની પુંજ જેવું અનુભવાય છે!"
- ભગવતીકુમાર શર્મા

ઘર એટલે...ઃસંપાદનઃકાન્તિ પટેલ,પૃ. ૮૪, કિંમત - રૂ. ૨૦૦, પ્રથમ આવૃત્તિ -૨૦૧૧,
  ઘર વિષેના ગદ્યપદ્ય, પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ૨૦૨,હર્ષ કોમ્પ્લેક્ષ,ખત્રી પોળ, પાડાપોળ સામે, ગાંધી રૉડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧


સંજોગવશાત બે દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાએ પણ  તેમના બ્લૉગ પર આ જ વિષય પર 'ઘર  વિષે' શિર્ષકથી ઘણી જ મનનીય ભાવના રજૂ કરી છે.


Wednesday, December 28, 2011

ઉત્પાદન આવરદા ચક્રના સંદર્ભમાં -- "કેવી હતી આપણી ગઇકાલ?" [‘ચિત્રલેખા’, ૨-૧-૨૦૧૨] - બિમલ મહેશ્વરી


તારીખ ૨-૧-૨૦૧૨ના હિસાબે પ્રસિધ્ધ થયેલ 'ચિત્રલેખા'ના અંકમાં શ્રી બિમલ મહેશ્વરીનો "કેવી હતી આપણી ગઇકાલ" લેખ વાંચતાં પેદા થયેલ વિચાર વમળમાં મૉપૅડ અને ઇન્ડીપૅન યાદ આવી ગયાં. આ પ્રતિભાવાત્મક લેખ તેમની યાદમાં લખ્યો છે.
વેચાણ સંચાલન [Marketing Management]ના એક આદ્યગુરૂ ફીલીપ કૉટલર વ્યવસાયનાં કે ઉત્પાદન /સેવાનાં વેચાણનાં અસરકારક સંચાલનમાટે ઉત્પાદન આવરદા ચક્ર [Product Life cycle]ની સમજણપર બહુ જ ભાર આપે છે. આ વિભાવનાની મદદથી ઉત્પાદન /સેવાની આવરદાની તંદુરસ્તી માટે આવરદાના અલગ અલગ તબક્કામાટે યોગ્ય કસરતો, 'આહાર-વિહાર' તેમ જ પથ્યાપથ્યના પ્રયોગ અને ઉપયોગથી ઉત્પાદન / સેવાને હરહંમેશ ગ્રાહકભોગ્ય રાખી શકવામાં મદદ મળે છે.
તેમ છતાં અહીં પણ 'બાળમરણ' કે 'લીલી વાડી મૂકી ગયા', 'ભરયુવાનીમાં ફાટી પડ્યો' જેવી ઘટનાઓ પણ મનુષ્ય જીવનની જેમ જ બનતી રહે છે.
 જો પ્રાવૈધાનિક વિજ્ઞાનની પ્રગતિ [Technological advancements] ઉત્પાદનની આવરદાને થતું કેન્સર છે તો ગ્રાહકની બદલતી પસંદ/નાપસંદ આવરદાને થતું ગ્રહણ કહી શકાય. તે જ રીતે ઉત્પાદન કે સેવાના ઉપયોગ કરવાની રીત પણ ઉત્પાદનની આવરદાની તબિયતને અસર કરે છે.
દૂરસંદેશ વ્યવહારનાં સાધન તરીકે મોબાઇલ [સેલ્યુલર (સેલ)] ફૉન એ ખુદ જ પ્રાવૈધાનિક પ્રગતિનું પ્રતિક છે, જેણે વિશ્વનાં ભૌતિક અંતરને ઘટાડી નાખવામાં 'પાસા-પલટી નાખનાર' [Game-changer] પરિબળ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ તો અંકે કરી જ લીધું છે. એક સાધન તરીકે તે હાથ કે કોઇપણ ઘડીયાળનાં અસ્તિત્વામાટે ભયની ઘંટડી છે તો વૈભવ કે પ્રતીષ્ઠાનું કે પછી વય જૂથનું એક પ્રતિક પણ બની જ ગયું છે. તેમાં વપરાતી પ્રૌદ્યોગિકીય પ્રક્રિયામાં ઉપગ્રહ દ્વારા તરંગોનાં વહનની ગૃહસ્થી ઑપ્ટીકલ ફાઇબરના કૅબલ્સ[OFC] અને રૅડીયો-તરંગો [RF waves]ના ઉપયોગની પ્રક્રિયાએ ઉપપત્નીની જેમ પચાવી પાડી.
તો એક અજ કુટુંબમાં [હીરો સાયકલ્સ અને ઍટલસ સાયક્લ્સનાં ઉત્પાદન-ગૃહો] મૉપૅડનો જન્મ થતાં જ મોટી બહેન (બાઈ)સાયકલના 'ભાવ ગગડી' ગગડી જવાનું શરૂ થઇ ગયું હતું. દૂધનાં મોટાં કૅન [બોઘરણાં]ની હેરફેર કરવા કે સ-પત્ની સહેલ કરવા જેવા સાઇકલના જન્મજાત ઉપ્યોગ પર મૉપૅદ શહેરોથી માંડી ગામડાંઓ સુધી છવાઇ ગયેલ.અમારા એક સંબંધી જામનગરમાં લગ્નમાં હાજરી આપવા રાજકોટથી 'લુના' પર નીકળ્યા તો હતા પણ રસ્તામાં પોતાની પૂરી તાકાત લગાડવા છતાં સામેથી આવતા પવનને કારણે તે સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલ. આગળ જવાનો ભ્રમ થાય પણ જ્યારે પવન પડી જાય અત્યારે જ તે આગળ વધી શકતું. થોડું ચઢાણ આવે અને બે હટ્ટીકટ્ટી સવારીને વટથી હાંફતાં લઇ જતું 'સુવેગા' રસ્તામાં જ સુઇ ન જાય એટલે બન્ને જણાં નીચે ઉતરીને ખેંચી જતાં. આમ છતાં શ્રી ચામુંડી મૉપૅડ નામક કંપની  ૭૦ના દાયકાના અંતમાં કે ૮૦ના દાયકાની શરૂઆતમાં તેનું જાહેર ભરણું અનેક ગણું છલકાઇ જવા પછી પણ ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ બંધ થઇ ગઇ. કારણ! આ જ કુળનાં પિત્રાઇ ઉત્પાદન મૉટર સાઇકલમાં ૧૦૦ સીસીનું પદાર્પણ!

આ મૉટર સાઇકલ [એટલે Fill It, Shut It, Forget It વાળી હીરોહોન્ડા]ને કારણે તો જેની દહેજમાં માગવા સુધીની ઇજ્જત હતી તે ગીયરવાળાં સ્કુટર [એટલે કે 'વૅસ્પા' અથવા 'ચેતક']ના જન્મદાતા [બજાજ લિ.]એ રાતોરાત કાવાસાકી આશ્રમમાંથી કિશોરવસ્થામાં પહોંચી ગયેલ મૉડેલ્સને દત્તક લેવાં પડેલ. જો કે પાંચ છ ઉત્પાદકોની લીલી વાડીની કક્ષાએ પહોંચેલ સ્કુટરનો ગીયર વગરનાં સ્કુટર તરીકે બીજાં ઘરોમાં પુનર્જન્મ થયો છે. ફરક માત્ર એટલો પડ્યો કે પહેલાં જે કન્યાનાં લગ્નમાં દહેજ તરીકે મૂછાળો પુરૂષ તેનો સવાર ગણાતો તેને બદલે એ જ કન્યાનું તે ફૅશન કથન બની ગયું.

મૉપૅડના વિકાસને કારણે સાયકલને 'ક્ષય' લાગૂ પડી ગયો, એ તો ભલું થજો કસરતની સાયકલ કે રેસીંગ જેવી રમતગમતમાટેનાં બહુ-ગીયર્ડ સ્વરૂપ કે બાળકોનાં રમક્ડાં તરીકે રંગરંગીન સ્વરૂપ જેવી દવાઓનું કે જેને કારણે 'સાયકલ' ખોળિયું તો બચી ગયું પણ રૅલૅ [Releigh]  કે હર્ક્યુલસ જેવી બ્રાંડ અને તેના પ્રણેતા મદ્રાસ [હવે ચેન્નઇ]ની ટીઆઈ સાયકલ્સ નામ તો 'ભવ્ય' ભૂતકાળ થઇ ગયાં.

એક એવી પણ બ્રાંડ છે જે વસ્તુનું ઉત્પાદન તેના ઉત્પાદકે વર્ષો પહેલાં બંધ કરી દીધું છે, જે કંપનીનાં નામમાંથી કરારની શરતોને આધીન તેનાં નામોનિશાન ભુંસી નાખવાં પડ્યાં છે, જેનું વાસ્તવિક અસ્તિત્વ બહારનાં ઉપકરણોની મદદથી જીવંત દેખાતાં માનવ શરીર જેવું છે [કારણકે તેને એ રીતે આપણી આગવી જુગાડ કળા જ ચાલતું રાખી રહી છે]. આપણે વાત કરીએ છીએ ત્રિ-ચક્રી મીની-બસ 'ટેમ્પો'ની, જે આજે પણ ઉત્તર ભારતનાં કેટલાક ભાગમાં મસ્તીથી ટેમ્પો ટેક્ષીનું કામ કરે છે. માનવામાં ના આવતું હોય તો ઝી ટીવી પર આવતી સિરિયલ 'અફસર બિટિયા' આટલા સારૂ પણ જોશો.

આ બધી ચર્ચામાં યાતાયાતનું સહુથી પહેલું સાધન - ઘોડાગાડી- જે એકવીસમી સદીના બીજા દશકમાં કોઇ રડીખડી જૂના સમયપર આધારીત ફિલ્મ જોઇએ તો જ જોવા મળે તેની તવારીખ કોણ યાદ કરે.
આટલી જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ છે કલમ [પેન]ની જીવનસફર.

શાહીના ખડીયામાં થોડીથોડીવારે બોળીને લખી આપતી લેખણી કલમ  તરીકે ઓળખાઇ હતી. ઍટલે જ્યારે પેનમાં જ શ્યાહી ભરીને તેને ખડીયાથી સ્વતંત્રતા અપાવી ત્યારૅ તેને  Independent Pen[Indi Pen] કહી.પુરૂષના ડ્રેસ-કૉડમાં તે આભુષણ તો સ્ત્રીમાટે તે ફૅશન કથન પણ બની. મૉં બ્લાં [Mount Blanc], પીયર કાર્ડીન[Pierre Cardin] અને પાર્કર [Parker] કે ક્રૉસ [Cross]જેવી બ્રાંડ તો જેને ભેટમાં મળે તે પોતાને ધન્ય ગણે તે કક્ષાની બની રહી.

પરંતુ બૉલ-પેનનાં આગમનથી  Independent Pen[Indi Pen]નું અસ્તિત્વ સરકારી કે કાયદાકીય દસ્તાવેજપર કાળી શ્યાહીથી કે અમુક વર્ષોસુધી પરીક્ષામાં પ્રશ્નપૅપરના જવાબ જેટલું પરાણે રહી ગયું.જો કે શ્યાહી લીક થવાને કારણે હાથ બગડતા બંધ થઇ ગયા, હોળીને દિવસે શાળામાં મિત્રને પેન છટકોરીને 'રંગી' નાખવાનું બંધ થઇ ગયું.

શ્યાહીની ટેક્નૉલૉજીમાં થયેલ પ્રગતિએ જેલ-પેનના અવતરણ બાદ તો હવે Indi Penના દિવસો ભરાઇ ગયા.
આવીજ રસપ્રદ જીવનસફર છે અવાજ કે દ્રષ્યને મુદ્રિત કરી અને વિતરણમાં વપરાતી લાકહ કે પ્લાસ્ટીકની રેકર્ડ્સ કે ફિલ્મની રીલની છે.સીડી , પછી થી ડીવીડી અને બ્લુ-રૅ ડિસ્કને mp કે mpeg  જેવાં સ્વરૂપે ઇન્ટરનૅટ પર ચડાવવાનું કે તેનાપરથી ઉતારી લેવાનું એટલું સરળ કરી આપ્યું કે વચગાળામાં મૅગ્નૅટીક ટૅપ જેવું કોઇ માધ્યમ હતું તે દંતકથા લાગે.

Friday, December 23, 2011

મનોવૃતિ, અભિગમ અને જીવનમાં ગુણવત્તા કે ગુણવતાયુક્ત મનોવૃતિ,અભિગમ અને જીવન


સહુ પ્રથમ તો આ પૉસ્ટ લખવામાટેનો આધાર શ્રી તન્મય વોરાની  જે બ્લૉગપૉસ્ટ [Quality is Human. Quality is Love અને The Attitude of Quality] છે, તેની સાભાર નોંધ લઇશ. આ પૉસ્ટનાં લખાણનો સંદર્ભ પણ શ્રી તન્મય વોરાએ પ્રસિધ્ધ કરેલ ઇ-પુસ્તિકા ગુણવત્તા ઘોષણાપત્ર - જ્ઞાનવિશ્વમાં ગુણવત્તાની મૂળભૂત યથાર્થતાની પ્રાપ્તિ   [મૂળ અંગ્રજીમાં The Quality Manifesto – Getting the Basics of Quality Right in Knowledge World] છે, જેનેપણ આ પૉસ્ટમાં સાંકળી લેવાની અનુમતી આપવા બદલ શ્રી તન્મયભાઇનો આભાર પણ અહીં નોંધું છું.
સિક્કાની બે બાજૂ હોય છે. તેની કિંમત તો તેને બજારમાં લઇ જઇ ને શોધી શકાય ,પણ તેનું મૂલ્ય તો તેની બન્ને બાજૂએ મુદ્રિત આલેખને જીણવટથી નિરીક્ષણ કરવાથી જ જાણી શકાય. તે જ રીતે આપણે ગુણવત્તા અને અનુક્રમે મનોવૃતિ, અભિગમ અને જીવન જેવી બે બાજૂઓ ધરાવતા સિક્કાઓનો પરિચય કરીશું, જેથી સમય આવ્યે આપણે તેમની યોગ્ય પરખ કરી શકીએ.

ગુણવત્તાની મનોવૃતિ અને મનોવૃતિની ગુણવતા

ગુણવત્તાની મનોવૃતિ એટલે હંમેશ ઉચિત કામ યથાયોગ્યરીતે જ કરવું એટલું  જ નહીં પણ તેમ કરવાનો અને કરાવડાવવાનો આગ્રહ રાખવો. અહીં એ મહત્વનું નથી કે આ મનોવૄતિ સ્વાભાવિક છે કે કેળવાયેલ છે, મહત્વનું એ છે કે કોઇપણ કાર્ય ગુણવત્તાપૂર્ણ થાય તે જ સંતોષનો માપદંડ બની રહે તેવું સ્વશિસ્ત અનૈચ્છિકરીતે પળાતું રહે. આ મનોવૃતિની ગુણવત્તાનું પ્રમાણ છે આ રીતની પ્રવૃતિ કોઇ સાક્ષીભાવે કે નિરીક્ષકભાવે જોતું ન પણ હોય તો કે કોઇને બતાવવા કે બતાવી આપવામાટે ન હોય તેમ  છતાં તે માપદંડથી જ થઇ રહી હોય.

નવાં બંધાઇ રહેલ એક ભવ્ય મંદિરમાં કોઇની નજર પણ ન પહોંચે તેવી જગ્યાએ મુકાનાર એક બેનમૂન મૂર્તિમાં, નરી આંખે કદાચ દેખાય પણ નહીં તેવી ખામી, શિલ્પકારને ધ્યાનમાં આવી ગઇ. તેણે ચૂપચાપ તે મૂર્તિ ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું. બધાંએ કહ્યુંઃ "ભાઇ, આ ખામી તો શું આ શિલ્પની સુંદરતા પણ આટલી ઉંચાઇએ દેખાવાની નથી, એટલે આ ફીજુલની મહેનત શા માટે કરો છો?".શિલ્પકારનો જવાબ હતોઃ "પણ મને તો ખબર છે ને."

આ છે મનોવૃતિની ગુણવત્તાની ચરમ સીમા.

ગુણવત્તાનો અભિગમ અને અભિગમની ગુણવત્તા

ગ્રાહકને કે તમારી આસપાસના સમુદાયને કે તમારી સંસ્થાને શું જોઇએ છે તે અથથી ઇતિ જાણવું એટલું જ નહીં પણ તે કઇ રીતે સહુથી વધારે સહેલાઇથી મેળવી શકાય અને તે શા માટે જોઇએ છે પણ જાણીને તેને માટે સહુથી સરળ રીત કઇ છે તે શોધીને પ્રસ્થાપિત કરવી એ ગુણવત્તાનો અભિગમ.

તે જ રીતે અભિગમની ગુણવત્તાની બે કક્ષાઓ છે. પહેલી કક્ષા છે ભૂતકાળમાંથી શીખવું. [ડેમીંગનાં PDCA  ચક્રમાંનું Check]માણસ માત્ર ભૂલને પાત્ર તો છે, પરંતુ ભૂલમાંથી તે કંઇ શીખે નહીં તો તેને મળેલ મનુષ્ય તરીકેની વિચાર અને વિષ્લેશણ શક્તિ શા કામની? તમે સાચી રીતે નિષ્ફળ થાઓ છો કે નહીં તે અભિગમની ગુણવત્તાની પારાશીશી છે.
વ્યક્તિના અભિગમની ગુણવત્તાની બીજી કક્ષા છે તેની ભવિષ્યવિષેની દ્રષ્ટિ. [ડેમીંગનાં PDCA ચક્રમાંનું Plan]

એક રાજ્યમાં પ્રધાનમંત્રી તરીકે નિમાતા વ્યક્તિનો કાર્યકાળ વધારે માં વધારે પાંચ વર્ષ રહેતો.જ્યારે પણ તેણે પદ છોડવાનું આવતું ત્યારે તેને રાજ્યથી ખૂબ દૂરનાં બીહડ જંગલમાં રહેવા મોકલી આપવામાં આવતો.ત્યાં જઇ ને કોઇ સુખેથી લાંબું રહ્યાનું જાણમાં નથી, તેથી પદપર આવતાં ખુશ વ્યક્તિ પદ છોડતી વખતે જ મરણતોલ થઇ જતો. એક સમયે એક નવલોહિયો પ્રધાનમંત્રી નિમાયો.પદ છોડતી વખતે ખુશખુશાલ હતો.લોકોના આશ્ચર્યાર્થ પ્રશ્નભાવના જવાબમાં તેણે કહ્યું કે પોતાના પાંચ વર્ષના સમય દરમ્યાન તેણે તે જંગલમાં એક આયોજીત નગર વસાવી લીધું હતું એટલે તેને પોતાનાં નિવ્રુતિનાં વર્ષોમાં કોઇ તકલીફ નહીં પડે.

આમ તેના ભવિષ્યદ્રષ્ટિ અભિગમની ગુણવત્તાને  પરિણામે તેણે આવનારી મુશ્કેલીઓમાટે સકારાત્મક સમાધાન શક્ય બને તે માટે મજબૂત પાયો, બીજાઓના ભૂતકાળમાંથી શીખીને, પોતાના વર્તમાનમાં જ તૈયાર કરી લીધો હતો.

ગુણવત્તામય જીવન અને જીવનની ગુણવત્તા

જે પોતાના સમયનો આયોજીત સદુપયોગ કરી શકેલ છે, જે પોતનાં જીવનના હરએક તબક્કે ધ્યેય સુનિશ્ચિત કરી શકેલ છે અને તે ધ્યેયોને કોઇપણ પ્રમાણની સરખામણીમાં કાર્યદક્ષતા અસરકારકતાથી સિધ્ધ પણ કરી શકેલ છે, જે પોતાનાં શ્રેય અને અન્યોનાં પ્રેયને સંતુલીત કરી શકેલ છે, તે ગુણવત્તામય જીવન જીવી રહ્યો છે તેમ ગણાય.આવાં જીવનના સમુદ્રમાં કેટલાંપણ તોફાનો આવે,તેની ગુણવત્તાપ્રત્યેની નિષ્ઠા ક્યારે પણ ખરાબે નથી ચડી જતી. ગુણવત્તામય જીવન બીજાઓને અનુકરણીય લાગે છે.

જ્યારે જે વ્યક્તિનું જીવન મીણબત્તીની જેમ પોતે સળગીને બીજાને પ્રકાશ આપે છે, મૃતદેહ પર શ્રધ્ધાંજલિ સ્વરૂપે કે ભગવાનની મૂર્તિપર પ્રાર્થનારૂપે ચડેપણ ફૂલ તો એ જ સુવાસ આપે છે તે એક દિવાદાંડીની જેમ કાળી રાતના અંધકારમાં પણ કોઇ એકલદોકલમાટે પથદર્શક બની રહે છે.

આપણાં પુરાણોના અર્ક સમા ભગવદગીતા ગ્રંથમાં શ્રીકૃષ્ણએ ગુણવત્તમય જીવનના સિધ્ધાંતો સમજાવ્યા છે તો શ્રીકૃષ્ણનાં જીવનની ગુણવત્તાની કસોટી પરિક્ષિતનાં પુનઃજીવનમાટે 'મેં જીવન દરમ્યાન મારા ધર્મને અનુરૂપ ન હોય તેવું કોઇપણ કાર્ય ન કર્યું હોય તો આ બાળક જવતો થશે" એ કથનમાં છે.


ગુણવત્તામાં જીવન કે જીવનમાં ગુણ્વત્તાના સિક્કાને કોઇ પણ બાજૂએથી જોઇએ, પણ તેનું મૂલ્ય તો સામયેલું છે એ વાત પર કે આપણે આ બે પ્રશ્નોના જવાબ શું આપીએ છીએઃ

       જીંદગીપાસેથી તમે શું અપેક્ષા રાખો છો અથવા જીંદગી તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકે?

      દુનિયાને માત્ર તમે જ આપી શકો તેવું શું છે?

Tuesday, December 20, 2011

‘જો તમારે એક મિત્ર હોય, તો તમે નસીબદાર છો. જો બે મિત્રો હોય, તો વધારે નસીબદાર છો અને દુનિયામાં કોઇના ત્રણ મિત્રો નથી હોતા.’


એડોલ્ફ હિટલરે કહ્યું હતું, ‘જો તમારે એક મિત્ર હોય, તો તમે નસીબદાર છો. જો બે મિત્રો હોય, તો વધારે નસીબદાર છો અને દુનિયામાં કોઇના ત્રણ મિત્રો નથી હોતા.’ [સંદર્ભઃ મધુરીમા, દિવ્ય ભાસ્કર, ૨૦-૧૨-૨૦૧૧]


હિટલરની "મિત્ર"ની કોઇ પણ વ્યાખ્યામાં પાર ઉતરે એવા હું અને મારા ત્રણ મિત્રો - સમીર ધોળકિયા, કુસુમાકર ધોળકિયા અને મહેશ માંકડ - સદનસીબે અમારી જીંદગીનાં મહત્વનાં અને મોટાભાગનાં વર્ષો અમદાવાદમાં જ રહ્યા.તેને પરિણામે અમારી મિત્રતાને તેટલી જ જીવંત રહેવાનું બળ મળ્યું. અથવા એમ પણ કહી શકાય કે તેમ છતાં પણ અમારી મિત્રતા હરહંમેશ એટલી જ જીવંત અને તાજી રહી.

ખૂબીની વાત એ છે કે અમારી સર્વસામાન્ય પસંદ જેટલી પ્રબળ જોડાણની કડી હશે તેનાથી વધારે અમારી એક્બીજાને કોઇપણ શબ્દો ચોરી કર્યા સિવાય અમારી નાપસંદ કહી દેવાની ટેવ અમારી મિત્રતાની ચિરયુવાનીમાટે કદાચ વધારે કારણભૂત રહી હશે.

  અમારી પત્નીઓને તો આ અંગે અમે કંઇકેટલી વાર યશકલગીઓ આપી ચૂક્યા છીએ.

Sunday, December 18, 2011

"ગુજરાતી કલાસિક સરસ્વતીચન્દ્રનું અંગ્રેજીમાં ભાષાંતર થશે"

ગુજરાતી ઇકૉનૉમીક ટાઇમ્સની પહેલી મુલાકાતમાં જ આ સમાચાર વાંચવા મળ્યા છે.

ગુજરાતી સાહિત્યની એક આધાર-સીમા-સ્તંભ 'સરસ્વતીચંદ્ર'ને અંગ્રેજી વાચકોસુધી પહોંચાડીને તેને મળવાપાત્ર માત્ર વધારે પ્રસિધ્ધિ આ નવલકથાની જ આવરદા નહીં લંબાવે, પરંતુ ગુજરાતી ભાષાની અન્ય પ્રશીષ્ઠ સાહિત્ય તેમ જ બીન-સાહિત્ય કૃતિઓની આવરદા વધારશે.

અંગ્રેજીમાં ભાષાંતર થવાથી આજના અંગ્રેજીના વધારે મહાવરાવાળા ગુજરાતીઓને પણ ગુજરાતીભાષાની સમૃધ્ધિનો પરિચય થશે, જે તેમને ગુજરાતી વાંચનતરફ ખેંચી લાવવામાં મદદરૂપ પણ થઇ શકે છે.

આશા કરીએ અંગ્રેજી આવૃત્તિ ડીજીટલ સ્વરૂપમાં પણ ઉપલબ્ધ રહેશે.

Saturday, December 17, 2011

સાત્વિક ૨૦૧૧,પરંપરાગત ખોરાક મહોત્સવ


અમે આજે સાત્વિક ૨૦૧૧,પરંપરાગત ખોરાક મહોત્સવની મુલાકાત લીધી.
તે અંગેનો વિગતવાર અહેવાલ આજનાં દિવ્યભાસ્કરમાં આવરી લેવાયો છે.
આ મહોત્સવની આ નવમી આવૃત્તિ છે તે તો ત્યાં પહોંચતાં જ દેખાઇ આવ્યું, બધી જ વહીવટી વ્યવસ્થાઓ ખુબ જ સજ્જ હતી. સવારના ૧૨.૦૦ વાગ્યા હતા પણ મેદાનમાં ગાડીઓને પાર્ક કરવાની જગ્યા ભરાઇ જવા આવી હતી.
અંદર પણ દરેક સ્ટૉલ સુંદર રીતે સજાવાયા હતા અને દરેક સ્ટૉલપરના પ્રતિનિધિઓ પોતાની કામગીરી બાબતે સવિનય સજ્જ હતા. કોઇ પણ સ્ટૉલ મુલાકાતીઓ ન હોય તેવું નહોતું.
મહોત્સવમાં ભાગ લેનાર દરેક સંસ્થાઓ /વ્યક્તિઓ તેમ જ મહોત્સ્વના આયોજકો  SRISTI - Society for Research and Initiatives for Sustainable Technologies and Institutions - ને તેમના આ સ્તુત્ય,[એક વાર ફરીથી] સફળ આયોજન અને અમલીકરણમાટે અભિનંદન.

Thursday, December 15, 2011

gujarati world: ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’

જેવાં માતબર સામયિક માટે એટલીજ જીવંત શૈલિમાં આ લેખમાળા થઈ છે.

ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’   [gujarati world: ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’: "
'via Blog this']

આ છે બીજો મણકોઃ

‘લાઇફ’ની સામગ્રીઃ હરીફોને આઘાતના અને વાચકોને આશ્ચર્યના આંચકા http://urvishkothari-gujarati.blogspot.com/2011/12/blog-post_15.html





આ લેખમાળાને કારણે ઇન્ટરનૅટપર ખાંખાંખોળાં કરતાં મૂળ સામયીકની ગરજ સારે તેવી જ website [http://www.life.com/ ]પણ મળી.

ફુર્શત વિકાસમાં વૃધ્ધિ કરે છે [Leisure Time enhances Evolution]

"Speaking Tree" - બોલતું  વૃક્ષ (?) -  [http://www.speakingtree.in] પરની આ પૉસ્ટ આ બ્લૉગની વિચારધારાસાથે સુસંગત છે, તેથી કંઇ પણ ટીપ્પણી વગર  અહીં મૂકી છે.

Tuesday, December 13, 2011

gujarati world: કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ

gujarati world: કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ:

'via Blog this'


શ્રી ઉર્વીશ કોઠારીએ શ્રી મારિયોને છાજે અને તેમને પૂરેપૂરો ન્યાય આપતી આ પૉસ્ટ કરી છે.

આ જ સંદર્ભમાં શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં [દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી]કરેલ લેખ અત્રે યાદ કરવો જોઇએ. [સંદર્ભઃ આ બ્લૉગ પર જ ૪-૧૨-૨૦૧૧ના રોજ લખેલ આ પૉસ્ટ http://ashokvaishnavliesureshare.blogspot.com/2011/12/blog-post.html

Saturday, December 10, 2011

નવનીત સમર્પણ, ડીસેમ્બર,૨૦૧૧ ના અંકના ત્રણ લેખવિષે મારા વિચારો


નવનીત સમર્પણ [http://www.bhavans.info/periodical/samarpan.asp]નો હું પાંત્રીસ - ચાલીસ વર્ષથી હું [માત્ર] વાંચક અને [અદમ્ય] ચાહક રહ્યો છું.મને એવું યાદ નથી આવતું કે તેના કોઇપણ અંકમાંનું ઓછામાં ઓછાં એક ઘટક - લેખ કે કાવ્ય કે નવલિકા કે 'અને છેલ્લે'નો એકાદ ટૂચકો- પરનો પ્રતિભાવ કોઇ સાથે share ન કર્યો હોય.
ડીસેમ્બર,૨૦૧૧ ના અંકમાં પણ બધું જ વાંચવાની મજા તો પડી જ, પરંતુ તેમાંના ત્રણ લેખ આ પૉસ્ટમાટેનું પ્રેરકબળ બની રહ્યા.
શ્રી હસમુખ વ્યાસે "ડાયરો" ['શબ્દચર્ચા', પૃ. ૨૨] જમાવતાંવેંત જ આપણને સમજાવી દીધું કે પાંચ સાત ડાહ્યા લોકોના એકઠા થવાના મંચને 'ડાયરો' કહેવાય.મનમાં ને મનમાં આપણેપણ એ પાંચ સાતમાં છીએ તેવું માની લઇએ ત્યાં સુધીમાં તો લેખક સાફ શબ્દોમાં ચોખવટ કરી નાંખે છે કે ન તો આ અર્થઘટન કે ન તો આ વ્યુત્પતિ બરાબર છે. મૂળ "[અ.] દાયર  દાઇરહ  દાઇરાહ દાહિરાડાયરા ડાયરો [ગુ.]" સાચું ગણાય. જો કે 'ડાયરા' શબ્દની મારી સહુથી પહેલી ઓળખાણ તો બાળપણમાં શ્રીઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ના ગામના રાજવીઓને ત્યાં ભરાતા દરબાર તરીકેની છે. તે વખતે ચારણો પોતાનાં પદ્ય દુહાને સ્વરૂપે સંભળાવે, કસુંબાપાણી થાય અને રાજના સમાચારની આપલે થાય. એટલે એ દ્રષ્ટિએ તે એક વર્તુળાકારની બેઠક જરૂર હોય અને તેમાં ડહાપણ, સાંપ્રત સમાજ અને સાહિત્યને સ્થાન પણ રહેતું. તેથી આજના સૌરાષ્ટ્રના લોકસંગીત અને લોકકળાના જાહેર કાર્યક્રમોને 'ડાયરો' કહેવાયા તે પણ સમજ તો પડે. અચરજ માત્ર એ વાતનું રહ્યું કે મૂળ અરબી કુળનો શબ્દ માત્ર સૌરાષ્ટ્રની લોકકળાનાં એક પ્રકારનાં પ્રદર્શન સુધી કઇ રીતે પહોંચ્યો હશે?
તે ઉપરાંત હિન્દીમાં दायरेमें रहेना કે होना તેમ [અંગ્રેજી 'purview'ની સમકક્ષ (equivalent)] વપરાતો શબ્દ  दायरा આ શબ્દચર્ચાના દાયરામાં આવે કે નહીં? અને જો આ 'દાયરા' અને સૌરાષ્ટ્રનો 'ડાયરો'એક જ અરબ શબ્દની ઉપજ હોય તો તેમના ઉપયોગમાં આટલું અંતર કેમ હશે? લેખકે રજૂ કરેલ ત્રીજા ઉપયોગમાં આ કડી શોધીએ? તેમણે અરબીના 'દાઇ'નૉ એક અર્થ ધર્મ પ્રચારક [કે ઉદેશક] થાય છે તેમ જણાવીને તે સબબ એકઠા થતા સમુદાયને 'દાયરા' એમ સમૂહવાચક ઓળખાણ મળી તેવી વ્યુત્પતિ સમજાવી છે.
…                            …                                                              
શ્રી દિનકરભાઇ જોષીની જીવન પ્રત્યેની સંતુલિત આસક્તિ [કે અનાસક્તિ]ની લાગણીનો માર્મિક ધબકાર "જો આ હોય મારું અંતિમ પ્રવચન"માં [પૃ. ૩૯-૪૯]માં અનુભવી શકાય છે. યોગેશ્વરજીના દેહત્યાગની ઘડીનું તાદ્દશ્ય વર્ણન આપણને પણ જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાની,તેમણે અનુભવી હશે તેટલી જ ઉત્કટતાથી,અનુભૂતિ કરાવી આપે છે. અને તેમ છતાં 'સંસારી' હોવું આવી શારિરીક મૃત્યુ કે મા-અપમાનના માનસિક મૃત્યુ જેવા અનુભવોને 'બધિર' ચેતાતંત્રથી સહન કરી જવા કે 'ક્યાંય ફોટો' ન થઇ જવાના 'સંન્યસ્ત' મર્મમય જીવી જાણવું તેવી શક્તિ કેળવવી તેવો સંદેશ પણ આપણને મળે છે.શ્રી મહેશભાઇ શાહે તેમને ૨-૧૦-૨૦૧૧ના રોજ યોજાયેલાં આ પ્રવચનના પરિચય દરમ્યાન શ્રી જોષીને 'દરેક પાત્રોનાં ઉંડાણ સુધી જઇને તેનો મર્મ' પારખી શકે તેવા 'કવિ'કેમ કહ્યા છે તે કેટલું યથાર્થ છે તે સમજી શકાય છે.
દરેક દુઃખનું ઓસડ દહાડા છે તે આદિકાળનુ કથન આપણે બધા જ જાણીએ છીએ અને તે રીતે [કોઇપણ] યાદ(memory)કે લાગણીની આવરદા ટુંકી હોય છે તે પણ સમજતા હોઇએ છીએ. તેમ છતાં તેમનો "માણસ અમરત્વના અભિશાપને શીદને શોધતો હશે" સવાલ આપણને યુધિષ્ઠીરને યક્ષે પૂછેલા પ્રશ્નની યાદ અપાવડાવે છે.
                                                                                        
ભારતીય કંઠ્ય શસ્ત્રીય સંગીતમાં અમીરખાં સાહેબ શા માટે મારી [લગબગ એક માત્ર] પસંદ રહ્યા છે તે પણ સમજી કે સમજાવી ન શકું તેટલું પણ મારું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી એમ સ્વિકારવામાં હું જરાપણ શરમાતો નથી, અને તેમ છતાં મારી શ્રવણેન્દ્રીય તેને સ-રસ સાભળી અને મગજનો સંલગ્ન ભાગ તેને સમજી અને માણી જરૂર શકે છે તેમ કહેવામાં હું ખોટું નથી કહી રહ્યો.
શ્રી સરોજ પોપટનો "પં. મહેન્દ્ર ટોકે" લેખ બીજા રસપ્રદ લેખોની જેમ જ વાંચી ગયો હોત, પરંતુ શરૂઆતમાં જ 'ઉસ્તાદ અમીરખાં'ના નામના વજનદાર ઉલ્લેખની સાથે સાથે તેમની 'અદ્વિતિય ગાયકીનો પ્રભાવ ... ફિલ્મ સંગીતમાં પણ.. પાથર્યો હતો' જેવી ટીપ્પણીના ખટકાને કારણે આખો લેખ જીણવટથી વાંચવાનું મન થયું. આગળ જતાં શ્રી મહેન્દ્રા ટોકેએ અમીરખાં સાહેબની ગાયકી પસંદ કરવા પાછળ આપેલ કારણ - "ઘરમાં ચોવીસે કલાક ઉસ્તાદ અમીરખાંની ગાયકી ગૂંજ્યા કરતી.એ ગાયકી એક પ્રકારની અધ્યાત્મ સાધના જેવી છે. તમે ક્યારે સ્વરસમાધિમાં સરકી પડો એનો તમને પોતાને પણ ખ્યાલ ન રહે" - એ હવે તે વ્યક્તિત્વમાં પણ રસ બની ચૂક્યો હતો.
એટલે પછીથી Googleપરની શોધ પરથી તેમની LinkedInની link [http://in.linkedin.com/pub/mahendra-toke/18/71a/388] જોવા મળી એટલે તેમના  પરની બે રાગ - ભટિયાર 










અને લલિત ની clip 





સાંભળી. 
મારાં સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે તેમની ગાયકી પર કંઇ ન કહેવામાં શાણપણ છે.
                                                                          
પૂર્ણતાના આગ્રહી એક વાચકે દિવાળી અંક વાચતાં પહેલાની પહેલી નજરે જ 'શરદ ઋતુના રાગો -રોગો'માં કેટલીક હકીકત ત્રુટિઓ ગણાવી દીધી છે. જેના જવાબમાં તંત્રીશ્રીએ આ બાબતે તેમનાં [સ્વાભાવિક જ] અજ્ઞાનને દરગુજર કરવાની ક્ષમા અરજી પણ કરી દીધી. જો કે કોઇપણ લેખમાંની આવી ટેકનિકલ  ક્ષતિઓમાટે તો લેખક જવાબદાર હોવા જોઇએ.ખરેખર, નવનીત સમર્પણ જેવાં સામયિકના તંત્રી થવું એ કંઇ ખાંડાના ખેલ નથી!

Sunday, December 4, 2011

દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી - ભાગ - ૨


આની પહેલાંની આ વિષયની પૉસ્ટના સંદર્ભમાં  જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને અહીં અલગથી રજૂ કર્યું છે. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.

'કૅચફ્રૅઝઃ સકસેસકા સુપરહિટ ફોર્મ્યૂલા' [‘વિહાર - કાના બાટવા]માં હાલમાં જેનું ચલણ વધારે છે તેવી જાહેરાતોની મદદથી એડ્વર્ટાઇઝીંગની દુનિયાની જાની-પહેચાની ઘટનાઓને ખુબ જ રસદાર માહિતિનાં સ્વરૂપમાં રજૂ કરાઇ છે.શ્રી બાંટવાએ અતિ પરિચિત ઉદાહરણોની મદદથી માર્કેટીંગ મૅનૅજમૅન્ટના વર્ગોમાં કે એડ્વર્ટાઇઝીંગ વિશ્વના નવોદિતોને વર્ષોથી શીખવાડાઇ રહેલ 'ટૅગલાઇન'નું મહત્વ લેખની શૈલિ અને વસ્તુમાં  બખૂબી વણી લીધું છે. કૅચફ્રૅઝના રાજકારણ, વ્યવસાય અને રોજબરોજનાં જીવનમાં થતા પ્રયોગોના ઉલ્લેખથી લેખ સભર બન્યો છે. બીજી એક વાત, કૅચફ્રૅઝના સમાનાર્થ તરીકે રૂઢપ્રયોગનો પ્રયોગ જામ્યો નહીં!

શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં શ્રી લક્ષ્મણના આમ આદમીની અસામાન્ય બાબતોને ખાસી જીણવટથી આવરી લીધી છે. આ રીતે તેઓ શ્રી લક્ષ્મણની શૈલિ અને ફિલૉસૉફીને તેમ જ વાંચકોની અપેક્ષાએ ખરા ઉતર્યા છે. શ્રી લક્ષ્મણએ 'આપાતકાલ'ના દિવસોમાં TOIમાંની 'You Said It’ની ચોક્કસ જગ્યાને ખાલી રાખીને આગવીરીતથી તેમનો વિરોધ નોંધાવેલ.તેમ છતાં તેમનાં કાર્ટૂનમાં પ્રદર્શીત થવું એ બહુ સન્માનીય ધટના ગણાતી. TOIના અસંખ્ય વાંચકો, 'અસામાન્ય' આર કે લક્ષ્મણના આપના આ 'સામાન્યચાહક સુધ્ધાં,નો દિવસ 'You Said It' વાચ્યાવગર આખો દિવસ બગાસાં ખાતાં જતો.

"રાજ્યોનું વિભાજનઃ સારા વહીવટની ચાવી" ['તડ ને ફડ']માં શ્રી નગીનદાસ સંઘવીની સુખ્યાત શૈલિથી અતિક્રમીને તેમણે પ્રસ્તુત વિષયની ચર્ચામાંઅન્ય ઉદાહરણોપણ ટાંક્યાં છે.જો કે આ અન્ય ઉદાહરણોનાં પરિણામોમાટેનાં કારણભૂત પરીબળો સમાન હોય તે જરૂરી નથી.

શ્રી અનિલ જોશીએ "એ લોકો બૌધ્ધિક નહીં, હોશીયાર હોય છે.."['કાવ્ય વિશ્વ']માં મીઠાંનાં પાણીમાં પકવેલા કવિતાના કોરડા મારવામાં જરા પણ શરમ નથી ભરી.એકબીજાની પીઠ થાબડીને 'હું સારો, તું સારો'ની [આજના] બૈધિકોની મનોદશાપર સૌમ્ય ભાષામાં આનાથી વધરે તિક્ષ્ણ કટાક્ષ પહેલાં નથી વાચ્યા.

તે જ રીતે વર્ષા[બેન] પાઠકે પણ ખુશામતખોરીસામે સામે બંડ જ પોકાર્યું છે.["પપૂ,ધધુ,સંશિ, ,ખ .. ઝ,જ્ઞ?"-'આપણી વાત'] વખાણને ચમચાગીરીમા ઢળી જતાં કેમ વાર નથી લાગતી તે આ લેખના વાચકોને સટાસટ સમજાઇ જશે.[મુકેશભાઇ મોદીના પ્રયત્નો એળે તો નહીં જાયને? ( "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!" - 'Small સત્ય')] ખુશામતનાં આ સાધનોનો ત્યાગ તો ગૌતમના ગૃહત્યાગથી પણ વધારે કઠીન પરવડી શકે છે.

"બેંડ - બાજા - બારાત" ['La-ફ્ટર' - વિનય દવે]વાંચતાં વાંચતાં  આજનાં લગ્નોપાછળના ખર્ચા અને મહેનત એક આંખમાં હાસ્ય તો બીજી આંખમાં આંસુ લાવી દે છે. આશા રાખીએ કે આ 'વૈભવી' વ્યર્થ ખર્ચાને બદલે પ્રસંગોચિત ઉજવણી દ્વારા આ લેખને સફળતા મળે!

શ્રી મનોજ શુક્લએ ["માતા પ્રત્યેનો પ્રેમઃ આપણા સંસ્કારી હોવાનો પુરાવો" ('ખુલ્લી વાત ખૂલીને')] 'મા'ના પ્રેમથી ભલભલા "પુરૂષો"ને દિલમાંતો રોવડાવ્યા હશે,ભલે સ્ત્રી-ભૃણ બાબતે તે લાગણી બાષ્પીભવન થઇ જતી હોય.

"વ્યાવસાયિક ક્ષેત્રમાટે વર્કફૉર્સ તૈયાર કરતીઃ ટિમલીઝ" ['સ્ટ્રૅટૅજી & સક્સેસ']માં શ્રી પ્રકાશ બિયાણી આ વખતે પહેલી પેઢીના સફળ વ્યવસાય-સાહસિકોની વાત રજૂ કરવાની સાથે સાથે Unemployable youthના બહુ જ સમયોચિત વિષયપર આપણું ધ્યાન ખેંચી રહ્યા છે. એક તરફ માધ્યમિક શિક્ષણપછીનો તરૂણ અને ઉચ્ચ શિક્ષણ પછીના યુવાનને નોકરીના બજારમાં 'સેલ'માં વેંચાવામાટે લાઇન લગાડવી પડે છે તો બીજી બાજૂ સ્નાતકની પદવીપછીથી ન છૂટકે અનુસ્નાતકની છાપ મરાવવામાટે આવેલા માલથી યુનિવર્સીટીઓ છલકાય છે. આમ જેનાં ઉત્પાદનો બજારની અપેક્ષાએ ઉણાં પડી રહ્યાં છે તે ખનગીકરણ થયેલ શિક્ષણ વ્યવસાય 'સૂર્યોદય' ઉદ્યોગ ગણાય અને તે ગંગામાં હાથ ધોવામાં હાથ ધોવામાટે પણ લાઇન લાગે તે સમજાય છે?

પડોશના "સોફિયાને મળવું ગમશે?"માં ['સાયબર સફર'] શ્રી હિમાંશુ કીકાણીએ 'સોફિયા' જેવી એપ્પલીકેશનની મદદથી આશાનું કિરણ તો કરી આપ્યું છે,પણ લેખના અંતમાં તેમનો 'જો'નો ઉપયોગ ફરીથી ચિંતામાં નાખી દે છે.
'કળશ'ના આ અંકમાટેના વિચારોને લિખિત પ્રતિભાવનું સ્વરૂપ આપવાની પ્રેરણાનું શ્રેય "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!"ને ['Small સત્ય' - મુકેશ મોદી] પણ આપવું જોઇએ.વખાણની જરૂર તેમણે સુપેરે સમજાવી છે તો સાથે સાથે ચાપલુસીની ભેદરેખા પણ દોરી બતાવી છે.માનસશાસ્ત્રનાં 'પ્રશંસા'પર ગ્રંથસ્થ થયેલાં સંશોધનો ઉપરાંત પણ બહુ થોડા લોકોએ પ્રશંસાને, પ્રોત્સાહનનાં માન્ય સાધન તરીકે કે ચમચાગીરીનાં દેખીતાં હથીયાર તરીકે,લલિત કળાના દરજ્જાનું સ્થાન આપ્યું છે. પરંતુ તે જણાય છે તેટલું સરળ કેમ નથી તે આ લેખ વાંચીને સમજાઇ જશે.

પુનરાવર્તનનાં પુનરાવર્તન જેવા સાહિત્યના વિજ્ઞાનના સિધ્ધાંતની શુશ્ક્તા શ્રી મધુ રાય [ઠાકર]ને રસપ્રચુર કરીને માખણની જેમ ગળેથી ઉતારી દેવામાં જરૂર  સફળ રહ્યા છે.["ગફલત તે ગફલતને ગફલત છે" - 'નીલે ગગન કે તલે' - મધુ રાય]. મને તો તેમની અંગ્રેજીની ભેળસેળીયા છાંટ વગરની (ગુજરાતી, માત્ર ગુજરાતી અને ગુજરાતી સિવાય કંઇ જ નહીં) ભાષાપણ એટલીજ અસરકારક, આધુનિક અને રમતિયાળ હતી તેવું બરાબર યાદ છે.સીતાફળની બાસુંદીમાં જેમ તેના ઠળીયા કઠે તેમ (મારી દ્રષ્ટિએ) બીનજરૂરી અંગ્રેજી ભાષા વાપરીને તેઓ શું સિધ્ધ કરી રહ્યા છે તે સમજાયું નથી. જો કે શ્રી ચંદ્રકાત બક્ષી પણ ભારેખમ ઉર્દુ શબ્દોનો પ્રયોગથી તેમની અન્યથા આધુનિક, પ્રભાવશાળી શૈલિને (કદાચ) બીનપરંપરાગત સિધ્ધ કરતા હતા તેમ પણ મારૂં માનવું છે.

"બેઇલઆઉટઃ મા, મને કોઠીમાંથી કાઢ!" ['શબદ કીર્તન']માં તો શ્રી પરેશ વ્યાસે આપણાં ‘Bail out’નાં જ્ઞાનને વિના અરજીએ ‘Bail out’ કરી આપ્યું છે.

શ્રી બકુલ દવે "ઘરડા નહીં, પરિપક્વ થઇએ"માં ['અક્ષયપાત્ર'] ઘડપણને બહુ સલુકાઇથી વૃધ્ધત્વમાં નીખારી નાખે છે, તો શ્રી અજય નાયક "મને ઓળખે છે તું?!"માં ['નાવીન્ય'] અહંકારનાં પડળ ચપટીમાં સાફ કરી નાખે છે.આખી જીંદગી નીકળી જાય તો પણ આપણે કોણ છીએ તે યક્ષપ્રશ્નનો જ્વાબ ન મળે તે વિધાન તો આજનાં guided missileની જેમ તેનું નિશાન પાર પાડે છે.
પણ ખરા નસીબદાર તો કહેવાવા જોઇએ શ્રી ચેતન ભગત. શ્રી વિનોદ મહેતાની ખુબજ પૂર્વ-પ્રસિધ્ધિનાં ડંકાનિશાનથી સવાર પુસ્તકને 'જરૂર વાચવું'જેવી નવાજીશ પણ પાનાંની પાદનોંધમાં શોધવી પડે, જ્યારે શ્રી ચેતન ભગતની 'રિવોલ્યૂશન ૨૦૨૦'ને  મજા ન આવી જેવી ભારેખમ ટીકામાટે શ્રી જયેશ્ભાઇની પૂરી કૉલમ બબ્બે વાર મળે.[ "રિવોલ્યૂશન ૨૦૨૦'ને  એક ભ્રમ છે'- ચેતન ભગત" - 'મૂડ ઇન્ડિગો' - જયેશ અધ્યારુ] જો કે ‘Outlook’ નો તો હું તેની શરૂઆતથી જ વાચક છું અને ચેતન ભગતના TOIપરના લેખ/ બ્લૉગ પણ મારામાટે રસપ્રદ વાંચન રહેલ છે, તેમ મારે અત્રે કહેવું તો જોઇએ..

ઇશ્વરની સર્વવ્યાપકતાને "તમે ક્યાં છો અને ક્યાનૂ સરનામું આપો છો"ની મદદથી શ્રી સંજય છેલ કેવી આસાનીથી સમજાવી જાય છે.["ભગવાન ભવનમેં ભીડ હૈ ભારી, સુણો અરજ હમારી" - અંદાઝે બયાં]. આટલા ગહન વિષયને એટલા જ મુશ્કેલ સિધ્ધાંતની સાથે જોડીને એટલી જ સરળતાથી  ડૉ. જે.જે.રાવળએ 'જન્મભૂમિ પ્રવાસી'માની તેમની લેખમાળામાં થોડાં અઠવાડીયાં પહેલા સમજાવ્યું છે.