તારીખ ૨-૧-૨૦૧૨ના હિસાબે
પ્રસિધ્ધ થયેલ 'ચિત્રલેખા'ના અંકમાં શ્રી બિમલ મહેશ્વરીનો "કેવી હતી
આપણી ગઇકાલ" લેખ વાંચતાં પેદા થયેલ વિચાર વમળમાં મૉપૅડ અને ઇન્ડીપૅન યાદ આવી
ગયાં. આ પ્રતિભાવાત્મક લેખ તેમની યાદમાં લખ્યો છે.
વેચાણ સંચાલન [Marketing Management]ના એક
આદ્યગુરૂ ફીલીપ કૉટલર વ્યવસાયનાં કે ઉત્પાદન /સેવાનાં વેચાણનાં અસરકારક સંચાલનમાટે
ઉત્પાદન આવરદા ચક્ર [Product Life cycle]ની સમજણપર બહુ જ ભાર
આપે છે. આ વિભાવનાની મદદથી ઉત્પાદન /સેવાની આવરદાની તંદુરસ્તી માટે આવરદાના અલગ
અલગ તબક્કામાટે યોગ્ય કસરતો, 'આહાર-વિહાર' તેમ જ પથ્યાપથ્યના પ્રયોગ અને ઉપયોગથી ઉત્પાદન / સેવાને
હરહંમેશ ગ્રાહકભોગ્ય રાખી શકવામાં મદદ મળે છે.
તેમ છતાં અહીં પણ 'બાળમરણ' કે 'લીલી વાડી મૂકી ગયા', 'ભરયુવાનીમાં ફાટી પડ્યો' જેવી ઘટનાઓ પણ મનુષ્ય જીવનની જેમ જ બનતી રહે છે.
જો
પ્રાવૈધાનિક વિજ્ઞાનની પ્રગતિ [Technological advancements] ઉત્પાદનની
આવરદાને થતું કેન્સર છે તો ગ્રાહકની બદલતી પસંદ/નાપસંદ આવરદાને થતું ગ્રહણ કહી
શકાય. તે જ રીતે ઉત્પાદન કે સેવાના ઉપયોગ કરવાની રીત પણ ઉત્પાદનની આવરદાની તબિયતને
અસર કરે છે.
દૂરસંદેશ વ્યવહારનાં સાધન
તરીકે મોબાઇલ [સેલ્યુલર (સેલ)] ફૉન એ ખુદ જ પ્રાવૈધાનિક પ્રગતિનું પ્રતિક છે, જેણે વિશ્વનાં ભૌતિક અંતરને ઘટાડી નાખવામાં 'પાસા-પલટી નાખનાર' [Game-changer] પરિબળ તરીકે
ઇતિહાસમાં પોતાનું નામ તો અંકે કરી જ લીધું છે. એક સાધન તરીકે તે હાથ કે કોઇપણ
ઘડીયાળનાં અસ્તિત્વામાટે ભયની ઘંટડી છે તો વૈભવ કે પ્રતીષ્ઠાનું કે પછી વય જૂથનું
એક પ્રતિક પણ બની જ ગયું છે. તેમાં વપરાતી પ્રૌદ્યોગિકીય પ્રક્રિયામાં ઉપગ્રહ
દ્વારા તરંગોનાં વહનની ગૃહસ્થી ઑપ્ટીકલ ફાઇબરના કૅબલ્સ[OFC] અને રૅડીયો-તરંગો [RF waves]ના ઉપયોગની પ્રક્રિયાએ
ઉપપત્નીની જેમ પચાવી પાડી.
તો એક અજ કુટુંબમાં [હીરો
સાયકલ્સ અને ઍટલસ સાયક્લ્સનાં ઉત્પાદન-ગૃહો] મૉપૅડનો જન્મ થતાં જ મોટી બહેન
(બાઈ)સાયકલના 'ભાવ ગગડી' ગગડી જવાનું શરૂ થઇ ગયું હતું. દૂધનાં મોટાં કૅન
[બોઘરણાં]ની હેરફેર કરવા કે સ-પત્ની સહેલ કરવા જેવા સાઇકલના જન્મજાત ઉપ્યોગ પર
મૉપૅદ શહેરોથી માંડી ગામડાંઓ સુધી છવાઇ ગયેલ.અમારા એક સંબંધી જામનગરમાં લગ્નમાં
હાજરી આપવા રાજકોટથી 'લુના' પર નીકળ્યા તો હતા પણ રસ્તામાં પોતાની પૂરી
તાકાત લગાડવા છતાં સામેથી આવતા પવનને કારણે તે સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલ. આગળ જવાનો
ભ્રમ થાય પણ જ્યારે પવન પડી જાય અત્યારે જ તે આગળ વધી શકતું. થોડું ચઢાણ આવે અને
બે હટ્ટીકટ્ટી સવારીને વટથી હાંફતાં લઇ જતું 'સુવેગા' રસ્તામાં જ સુઇ ન જાય એટલે બન્ને જણાં નીચે
ઉતરીને ખેંચી જતાં. આમ છતાં શ્રી ચામુંડી મૉપૅડ નામક કંપની ૭૦ના દાયકાના અંતમાં કે ૮૦ના દાયકાની શરૂઆતમાં
તેનું જાહેર ભરણું અનેક ગણું છલકાઇ જવા પછી પણ ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ બંધ થઇ
ગઇ. કારણ! આ જ કુળનાં પિત્રાઇ ઉત્પાદન મૉટર સાઇકલમાં ૧૦૦ સીસીનું પદાર્પણ!
આ મૉટર સાઇકલ [એટલે Fill It, Shut
It, Forget It વાળી હીરોહોન્ડા]ને કારણે તો જેની દહેજમાં માગવા
સુધીની ઇજ્જત હતી તે ગીયરવાળાં સ્કુટર [એટલે કે 'વૅસ્પા' અથવા 'ચેતક']ના જન્મદાતા
[બજાજ લિ.]એ રાતોરાત કાવાસાકી ‘આશ્રમ’માંથી
કિશોરવસ્થામાં પહોંચી ગયેલ મૉડેલ્સને દત્તક લેવાં પડેલ. જો કે પાંચ છ ઉત્પાદકોની
લીલી વાડીની કક્ષાએ પહોંચેલ સ્કુટરનો ગીયર વગરનાં સ્કુટર તરીકે બીજાં ઘરોમાં
પુનર્જન્મ થયો છે. ફરક માત્ર એટલો પડ્યો કે પહેલાં જે કન્યાનાં લગ્નમાં દહેજ તરીકે
મૂછાળો પુરૂષ તેનો સવાર ગણાતો તેને બદલે એ જ કન્યાનું તે ફૅશન કથન બની ગયું.
મૉપૅડના વિકાસને કારણે સાયકલને
'ક્ષય' લાગૂ પડી ગયો, એ તો ભલું થજો કસરતની સાયકલ કે રેસીંગ જેવી રમતગમતમાટેનાં બહુ-ગીયર્ડ સ્વરૂપ
કે બાળકોનાં રમક્ડાં તરીકે રંગરંગીન સ્વરૂપ જેવી ‘દવાઓ’નું કે જેને કારણે 'સાયકલ' ખોળિયું તો બચી ગયું પણ રૅલૅ [Releigh] કે હર્ક્યુલસ જેવી બ્રાંડ અને
તેના પ્રણેતા મદ્રાસ [હવે ચેન્નઇ]ની ટીઆઈ સાયકલ્સ નામ તો 'ભવ્ય' ભૂતકાળ થઇ
ગયાં.
એક એવી પણ બ્રાંડ છે જે
વસ્તુનું ઉત્પાદન તેના ઉત્પાદકે વર્ષો પહેલાં બંધ કરી દીધું છે, જે કંપનીનાં નામમાંથી કરારની શરતોને આધીન તેનાં
નામોનિશાન ભુંસી નાખવાં પડ્યાં છે, જેનું વાસ્તવિક
અસ્તિત્વ બહારનાં ઉપકરણોની મદદથી જીવંત દેખાતાં માનવ શરીર જેવું છે [કારણકે તેને એ
રીતે આપણી આગવી જુગાડ કળા જ ચાલતું રાખી રહી છે]. આપણે વાત કરીએ છીએ ત્રિ-ચક્રી
મીની-બસ 'ટેમ્પો'ની, જે આજે પણ
ઉત્તર ભારતનાં કેટલાક ભાગમાં મસ્તીથી ટેમ્પો ટેક્ષીનું કામ કરે છે. માનવામાં ના
આવતું હોય તો ઝી ટીવી પર આવતી સિરિયલ 'અફસર બિટિયા' આટલા સારૂ પણ જોશો.
આ બધી ચર્ચામાં યાતાયાતનું
સહુથી પહેલું સાધન - ઘોડાગાડી- જે એકવીસમી સદીના બીજા દશકમાં કોઇ રડીખડી જૂના
સમયપર આધારીત ફિલ્મ જોઇએ તો જ જોવા મળે તેની તવારીખ કોણ યાદ કરે.
આટલી જ રસપ્રદ અને
વૈવિધ્યપૂર્ણ છે કલમ [પેન]ની જીવનસફર.
શાહીના ખડીયામાં
થોડીથોડીવારે બોળીને લખી આપતી લેખણી કલમ
તરીકે ઓળખાઇ હતી. ઍટલે જ્યારે પેનમાં જ શ્યાહી ભરીને તેને ખડીયાથી
સ્વતંત્રતા અપાવી ત્યારૅ તેને Independent
Pen[Indi Pen] કહી.પુરૂષના ડ્રેસ-કૉડમાં તે આભુષણ તો સ્ત્રીમાટે તે
ફૅશન કથન પણ બની. મૉં બ્લાં [Mount Blanc], પીયર કાર્ડીન[Pierre Cardin] અને પાર્કર [Parker] કે ક્રૉસ [Cross]જેવી બ્રાંડ તો જેને ભેટમાં મળે તે પોતાને ધન્ય ગણે તે કક્ષાની બની રહી.
પરંતુ બૉલ-પેનનાં
આગમનથી Independent
Pen[Indi Pen]નું અસ્તિત્વ સરકારી કે કાયદાકીય
દસ્તાવેજપર કાળી શ્યાહીથી કે અમુક વર્ષોસુધી પરીક્ષામાં પ્રશ્નપૅપરના જવાબ જેટલું
પરાણે રહી ગયું.જો કે શ્યાહી લીક થવાને કારણે હાથ બગડતા બંધ થઇ ગયા, હોળીને દિવસે શાળામાં મિત્રને પેન છટકોરીને 'રંગી' નાખવાનું બંધ
થઇ ગયું.
શ્યાહીની ટેક્નૉલૉજીમાં
થયેલ પ્રગતિએ જેલ-પેનના અવતરણ બાદ તો હવે Indi Penના દિવસો ભરાઇ ગયા.
આવીજ રસપ્રદ જીવનસફર છે
અવાજ કે દ્રષ્યને મુદ્રિત કરી અને વિતરણમાં વપરાતી લાકહ કે પ્લાસ્ટીકની રેકર્ડ્સ
કે ફિલ્મની રીલની છે.સીડી , પછી થી ડીવીડી અને બ્લુ-રૅ
ડિસ્કને mp કે mpeg જેવાં સ્વરૂપે ઇન્ટરનૅટ પર ચડાવવાનું કે
તેનાપરથી ઉતારી લેવાનું એટલું સરળ કરી આપ્યું કે વચગાળામાં મૅગ્નૅટીક ટૅપ જેવું
કોઇ માધ્યમ હતું તે દંતકથા લાગે.
No comments:
Post a Comment