Friday, December 23, 2011

મનોવૃતિ, અભિગમ અને જીવનમાં ગુણવત્તા કે ગુણવતાયુક્ત મનોવૃતિ,અભિગમ અને જીવન


સહુ પ્રથમ તો આ પૉસ્ટ લખવામાટેનો આધાર શ્રી તન્મય વોરાની  જે બ્લૉગપૉસ્ટ [Quality is Human. Quality is Love અને The Attitude of Quality] છે, તેની સાભાર નોંધ લઇશ. આ પૉસ્ટનાં લખાણનો સંદર્ભ પણ શ્રી તન્મય વોરાએ પ્રસિધ્ધ કરેલ ઇ-પુસ્તિકા ગુણવત્તા ઘોષણાપત્ર - જ્ઞાનવિશ્વમાં ગુણવત્તાની મૂળભૂત યથાર્થતાની પ્રાપ્તિ   [મૂળ અંગ્રજીમાં The Quality Manifesto – Getting the Basics of Quality Right in Knowledge World] છે, જેનેપણ આ પૉસ્ટમાં સાંકળી લેવાની અનુમતી આપવા બદલ શ્રી તન્મયભાઇનો આભાર પણ અહીં નોંધું છું.
સિક્કાની બે બાજૂ હોય છે. તેની કિંમત તો તેને બજારમાં લઇ જઇ ને શોધી શકાય ,પણ તેનું મૂલ્ય તો તેની બન્ને બાજૂએ મુદ્રિત આલેખને જીણવટથી નિરીક્ષણ કરવાથી જ જાણી શકાય. તે જ રીતે આપણે ગુણવત્તા અને અનુક્રમે મનોવૃતિ, અભિગમ અને જીવન જેવી બે બાજૂઓ ધરાવતા સિક્કાઓનો પરિચય કરીશું, જેથી સમય આવ્યે આપણે તેમની યોગ્ય પરખ કરી શકીએ.

ગુણવત્તાની મનોવૃતિ અને મનોવૃતિની ગુણવતા

ગુણવત્તાની મનોવૃતિ એટલે હંમેશ ઉચિત કામ યથાયોગ્યરીતે જ કરવું એટલું  જ નહીં પણ તેમ કરવાનો અને કરાવડાવવાનો આગ્રહ રાખવો. અહીં એ મહત્વનું નથી કે આ મનોવૄતિ સ્વાભાવિક છે કે કેળવાયેલ છે, મહત્વનું એ છે કે કોઇપણ કાર્ય ગુણવત્તાપૂર્ણ થાય તે જ સંતોષનો માપદંડ બની રહે તેવું સ્વશિસ્ત અનૈચ્છિકરીતે પળાતું રહે. આ મનોવૃતિની ગુણવત્તાનું પ્રમાણ છે આ રીતની પ્રવૃતિ કોઇ સાક્ષીભાવે કે નિરીક્ષકભાવે જોતું ન પણ હોય તો કે કોઇને બતાવવા કે બતાવી આપવામાટે ન હોય તેમ  છતાં તે માપદંડથી જ થઇ રહી હોય.

નવાં બંધાઇ રહેલ એક ભવ્ય મંદિરમાં કોઇની નજર પણ ન પહોંચે તેવી જગ્યાએ મુકાનાર એક બેનમૂન મૂર્તિમાં, નરી આંખે કદાચ દેખાય પણ નહીં તેવી ખામી, શિલ્પકારને ધ્યાનમાં આવી ગઇ. તેણે ચૂપચાપ તે મૂર્તિ ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું. બધાંએ કહ્યુંઃ "ભાઇ, આ ખામી તો શું આ શિલ્પની સુંદરતા પણ આટલી ઉંચાઇએ દેખાવાની નથી, એટલે આ ફીજુલની મહેનત શા માટે કરો છો?".શિલ્પકારનો જવાબ હતોઃ "પણ મને તો ખબર છે ને."

આ છે મનોવૃતિની ગુણવત્તાની ચરમ સીમા.

ગુણવત્તાનો અભિગમ અને અભિગમની ગુણવત્તા

ગ્રાહકને કે તમારી આસપાસના સમુદાયને કે તમારી સંસ્થાને શું જોઇએ છે તે અથથી ઇતિ જાણવું એટલું જ નહીં પણ તે કઇ રીતે સહુથી વધારે સહેલાઇથી મેળવી શકાય અને તે શા માટે જોઇએ છે પણ જાણીને તેને માટે સહુથી સરળ રીત કઇ છે તે શોધીને પ્રસ્થાપિત કરવી એ ગુણવત્તાનો અભિગમ.

તે જ રીતે અભિગમની ગુણવત્તાની બે કક્ષાઓ છે. પહેલી કક્ષા છે ભૂતકાળમાંથી શીખવું. [ડેમીંગનાં PDCA  ચક્રમાંનું Check]માણસ માત્ર ભૂલને પાત્ર તો છે, પરંતુ ભૂલમાંથી તે કંઇ શીખે નહીં તો તેને મળેલ મનુષ્ય તરીકેની વિચાર અને વિષ્લેશણ શક્તિ શા કામની? તમે સાચી રીતે નિષ્ફળ થાઓ છો કે નહીં તે અભિગમની ગુણવત્તાની પારાશીશી છે.
વ્યક્તિના અભિગમની ગુણવત્તાની બીજી કક્ષા છે તેની ભવિષ્યવિષેની દ્રષ્ટિ. [ડેમીંગનાં PDCA ચક્રમાંનું Plan]

એક રાજ્યમાં પ્રધાનમંત્રી તરીકે નિમાતા વ્યક્તિનો કાર્યકાળ વધારે માં વધારે પાંચ વર્ષ રહેતો.જ્યારે પણ તેણે પદ છોડવાનું આવતું ત્યારે તેને રાજ્યથી ખૂબ દૂરનાં બીહડ જંગલમાં રહેવા મોકલી આપવામાં આવતો.ત્યાં જઇ ને કોઇ સુખેથી લાંબું રહ્યાનું જાણમાં નથી, તેથી પદપર આવતાં ખુશ વ્યક્તિ પદ છોડતી વખતે જ મરણતોલ થઇ જતો. એક સમયે એક નવલોહિયો પ્રધાનમંત્રી નિમાયો.પદ છોડતી વખતે ખુશખુશાલ હતો.લોકોના આશ્ચર્યાર્થ પ્રશ્નભાવના જવાબમાં તેણે કહ્યું કે પોતાના પાંચ વર્ષના સમય દરમ્યાન તેણે તે જંગલમાં એક આયોજીત નગર વસાવી લીધું હતું એટલે તેને પોતાનાં નિવ્રુતિનાં વર્ષોમાં કોઇ તકલીફ નહીં પડે.

આમ તેના ભવિષ્યદ્રષ્ટિ અભિગમની ગુણવત્તાને  પરિણામે તેણે આવનારી મુશ્કેલીઓમાટે સકારાત્મક સમાધાન શક્ય બને તે માટે મજબૂત પાયો, બીજાઓના ભૂતકાળમાંથી શીખીને, પોતાના વર્તમાનમાં જ તૈયાર કરી લીધો હતો.

ગુણવત્તામય જીવન અને જીવનની ગુણવત્તા

જે પોતાના સમયનો આયોજીત સદુપયોગ કરી શકેલ છે, જે પોતનાં જીવનના હરએક તબક્કે ધ્યેય સુનિશ્ચિત કરી શકેલ છે અને તે ધ્યેયોને કોઇપણ પ્રમાણની સરખામણીમાં કાર્યદક્ષતા અસરકારકતાથી સિધ્ધ પણ કરી શકેલ છે, જે પોતાનાં શ્રેય અને અન્યોનાં પ્રેયને સંતુલીત કરી શકેલ છે, તે ગુણવત્તામય જીવન જીવી રહ્યો છે તેમ ગણાય.આવાં જીવનના સમુદ્રમાં કેટલાંપણ તોફાનો આવે,તેની ગુણવત્તાપ્રત્યેની નિષ્ઠા ક્યારે પણ ખરાબે નથી ચડી જતી. ગુણવત્તામય જીવન બીજાઓને અનુકરણીય લાગે છે.

જ્યારે જે વ્યક્તિનું જીવન મીણબત્તીની જેમ પોતે સળગીને બીજાને પ્રકાશ આપે છે, મૃતદેહ પર શ્રધ્ધાંજલિ સ્વરૂપે કે ભગવાનની મૂર્તિપર પ્રાર્થનારૂપે ચડેપણ ફૂલ તો એ જ સુવાસ આપે છે તે એક દિવાદાંડીની જેમ કાળી રાતના અંધકારમાં પણ કોઇ એકલદોકલમાટે પથદર્શક બની રહે છે.

આપણાં પુરાણોના અર્ક સમા ભગવદગીતા ગ્રંથમાં શ્રીકૃષ્ણએ ગુણવત્તમય જીવનના સિધ્ધાંતો સમજાવ્યા છે તો શ્રીકૃષ્ણનાં જીવનની ગુણવત્તાની કસોટી પરિક્ષિતનાં પુનઃજીવનમાટે 'મેં જીવન દરમ્યાન મારા ધર્મને અનુરૂપ ન હોય તેવું કોઇપણ કાર્ય ન કર્યું હોય તો આ બાળક જવતો થશે" એ કથનમાં છે.


ગુણવત્તામાં જીવન કે જીવનમાં ગુણ્વત્તાના સિક્કાને કોઇ પણ બાજૂએથી જોઇએ, પણ તેનું મૂલ્ય તો સામયેલું છે એ વાત પર કે આપણે આ બે પ્રશ્નોના જવાબ શું આપીએ છીએઃ

       જીંદગીપાસેથી તમે શું અપેક્ષા રાખો છો અથવા જીંદગી તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકે?

      દુનિયાને માત્ર તમે જ આપી શકો તેવું શું છે?

No comments: