Saturday, December 10, 2011

નવનીત સમર્પણ, ડીસેમ્બર,૨૦૧૧ ના અંકના ત્રણ લેખવિષે મારા વિચારો


નવનીત સમર્પણ [http://www.bhavans.info/periodical/samarpan.asp]નો હું પાંત્રીસ - ચાલીસ વર્ષથી હું [માત્ર] વાંચક અને [અદમ્ય] ચાહક રહ્યો છું.મને એવું યાદ નથી આવતું કે તેના કોઇપણ અંકમાંનું ઓછામાં ઓછાં એક ઘટક - લેખ કે કાવ્ય કે નવલિકા કે 'અને છેલ્લે'નો એકાદ ટૂચકો- પરનો પ્રતિભાવ કોઇ સાથે share ન કર્યો હોય.
ડીસેમ્બર,૨૦૧૧ ના અંકમાં પણ બધું જ વાંચવાની મજા તો પડી જ, પરંતુ તેમાંના ત્રણ લેખ આ પૉસ્ટમાટેનું પ્રેરકબળ બની રહ્યા.
શ્રી હસમુખ વ્યાસે "ડાયરો" ['શબ્દચર્ચા', પૃ. ૨૨] જમાવતાંવેંત જ આપણને સમજાવી દીધું કે પાંચ સાત ડાહ્યા લોકોના એકઠા થવાના મંચને 'ડાયરો' કહેવાય.મનમાં ને મનમાં આપણેપણ એ પાંચ સાતમાં છીએ તેવું માની લઇએ ત્યાં સુધીમાં તો લેખક સાફ શબ્દોમાં ચોખવટ કરી નાંખે છે કે ન તો આ અર્થઘટન કે ન તો આ વ્યુત્પતિ બરાબર છે. મૂળ "[અ.] દાયર  દાઇરહ  દાઇરાહ દાહિરાડાયરા ડાયરો [ગુ.]" સાચું ગણાય. જો કે 'ડાયરા' શબ્દની મારી સહુથી પહેલી ઓળખાણ તો બાળપણમાં શ્રીઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ના ગામના રાજવીઓને ત્યાં ભરાતા દરબાર તરીકેની છે. તે વખતે ચારણો પોતાનાં પદ્ય દુહાને સ્વરૂપે સંભળાવે, કસુંબાપાણી થાય અને રાજના સમાચારની આપલે થાય. એટલે એ દ્રષ્ટિએ તે એક વર્તુળાકારની બેઠક જરૂર હોય અને તેમાં ડહાપણ, સાંપ્રત સમાજ અને સાહિત્યને સ્થાન પણ રહેતું. તેથી આજના સૌરાષ્ટ્રના લોકસંગીત અને લોકકળાના જાહેર કાર્યક્રમોને 'ડાયરો' કહેવાયા તે પણ સમજ તો પડે. અચરજ માત્ર એ વાતનું રહ્યું કે મૂળ અરબી કુળનો શબ્દ માત્ર સૌરાષ્ટ્રની લોકકળાનાં એક પ્રકારનાં પ્રદર્શન સુધી કઇ રીતે પહોંચ્યો હશે?
તે ઉપરાંત હિન્દીમાં दायरेमें रहेना કે होना તેમ [અંગ્રેજી 'purview'ની સમકક્ષ (equivalent)] વપરાતો શબ્દ  दायरा આ શબ્દચર્ચાના દાયરામાં આવે કે નહીં? અને જો આ 'દાયરા' અને સૌરાષ્ટ્રનો 'ડાયરો'એક જ અરબ શબ્દની ઉપજ હોય તો તેમના ઉપયોગમાં આટલું અંતર કેમ હશે? લેખકે રજૂ કરેલ ત્રીજા ઉપયોગમાં આ કડી શોધીએ? તેમણે અરબીના 'દાઇ'નૉ એક અર્થ ધર્મ પ્રચારક [કે ઉદેશક] થાય છે તેમ જણાવીને તે સબબ એકઠા થતા સમુદાયને 'દાયરા' એમ સમૂહવાચક ઓળખાણ મળી તેવી વ્યુત્પતિ સમજાવી છે.
…                            …                                                              
શ્રી દિનકરભાઇ જોષીની જીવન પ્રત્યેની સંતુલિત આસક્તિ [કે અનાસક્તિ]ની લાગણીનો માર્મિક ધબકાર "જો આ હોય મારું અંતિમ પ્રવચન"માં [પૃ. ૩૯-૪૯]માં અનુભવી શકાય છે. યોગેશ્વરજીના દેહત્યાગની ઘડીનું તાદ્દશ્ય વર્ણન આપણને પણ જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાની,તેમણે અનુભવી હશે તેટલી જ ઉત્કટતાથી,અનુભૂતિ કરાવી આપે છે. અને તેમ છતાં 'સંસારી' હોવું આવી શારિરીક મૃત્યુ કે મા-અપમાનના માનસિક મૃત્યુ જેવા અનુભવોને 'બધિર' ચેતાતંત્રથી સહન કરી જવા કે 'ક્યાંય ફોટો' ન થઇ જવાના 'સંન્યસ્ત' મર્મમય જીવી જાણવું તેવી શક્તિ કેળવવી તેવો સંદેશ પણ આપણને મળે છે.શ્રી મહેશભાઇ શાહે તેમને ૨-૧૦-૨૦૧૧ના રોજ યોજાયેલાં આ પ્રવચનના પરિચય દરમ્યાન શ્રી જોષીને 'દરેક પાત્રોનાં ઉંડાણ સુધી જઇને તેનો મર્મ' પારખી શકે તેવા 'કવિ'કેમ કહ્યા છે તે કેટલું યથાર્થ છે તે સમજી શકાય છે.
દરેક દુઃખનું ઓસડ દહાડા છે તે આદિકાળનુ કથન આપણે બધા જ જાણીએ છીએ અને તે રીતે [કોઇપણ] યાદ(memory)કે લાગણીની આવરદા ટુંકી હોય છે તે પણ સમજતા હોઇએ છીએ. તેમ છતાં તેમનો "માણસ અમરત્વના અભિશાપને શીદને શોધતો હશે" સવાલ આપણને યુધિષ્ઠીરને યક્ષે પૂછેલા પ્રશ્નની યાદ અપાવડાવે છે.
                                                                                        
ભારતીય કંઠ્ય શસ્ત્રીય સંગીતમાં અમીરખાં સાહેબ શા માટે મારી [લગબગ એક માત્ર] પસંદ રહ્યા છે તે પણ સમજી કે સમજાવી ન શકું તેટલું પણ મારું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી એમ સ્વિકારવામાં હું જરાપણ શરમાતો નથી, અને તેમ છતાં મારી શ્રવણેન્દ્રીય તેને સ-રસ સાભળી અને મગજનો સંલગ્ન ભાગ તેને સમજી અને માણી જરૂર શકે છે તેમ કહેવામાં હું ખોટું નથી કહી રહ્યો.
શ્રી સરોજ પોપટનો "પં. મહેન્દ્ર ટોકે" લેખ બીજા રસપ્રદ લેખોની જેમ જ વાંચી ગયો હોત, પરંતુ શરૂઆતમાં જ 'ઉસ્તાદ અમીરખાં'ના નામના વજનદાર ઉલ્લેખની સાથે સાથે તેમની 'અદ્વિતિય ગાયકીનો પ્રભાવ ... ફિલ્મ સંગીતમાં પણ.. પાથર્યો હતો' જેવી ટીપ્પણીના ખટકાને કારણે આખો લેખ જીણવટથી વાંચવાનું મન થયું. આગળ જતાં શ્રી મહેન્દ્રા ટોકેએ અમીરખાં સાહેબની ગાયકી પસંદ કરવા પાછળ આપેલ કારણ - "ઘરમાં ચોવીસે કલાક ઉસ્તાદ અમીરખાંની ગાયકી ગૂંજ્યા કરતી.એ ગાયકી એક પ્રકારની અધ્યાત્મ સાધના જેવી છે. તમે ક્યારે સ્વરસમાધિમાં સરકી પડો એનો તમને પોતાને પણ ખ્યાલ ન રહે" - એ હવે તે વ્યક્તિત્વમાં પણ રસ બની ચૂક્યો હતો.
એટલે પછીથી Googleપરની શોધ પરથી તેમની LinkedInની link [http://in.linkedin.com/pub/mahendra-toke/18/71a/388] જોવા મળી એટલે તેમના  પરની બે રાગ - ભટિયાર 


અને લલિત ની clip 

સાંભળી. 
મારાં સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે તેમની ગાયકી પર કંઇ ન કહેવામાં શાણપણ છે.
                                                                          
પૂર્ણતાના આગ્રહી એક વાચકે દિવાળી અંક વાચતાં પહેલાની પહેલી નજરે જ 'શરદ ઋતુના રાગો -રોગો'માં કેટલીક હકીકત ત્રુટિઓ ગણાવી દીધી છે. જેના જવાબમાં તંત્રીશ્રીએ આ બાબતે તેમનાં [સ્વાભાવિક જ] અજ્ઞાનને દરગુજર કરવાની ક્ષમા અરજી પણ કરી દીધી. જો કે કોઇપણ લેખમાંની આવી ટેકનિકલ  ક્ષતિઓમાટે તો લેખક જવાબદાર હોવા જોઇએ.ખરેખર, નવનીત સમર્પણ જેવાં સામયિકના તંત્રી થવું એ કંઇ ખાંડાના ખેલ નથી!
Post a Comment