Showing posts with label Hasrat Jaipuri with 'other' music directors. Show all posts
Showing posts with label Hasrat Jaipuri with 'other' music directors. Show all posts

Sunday, April 14, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૯

હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો : ૧૯૫૬-૧૯૫૭

હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. તેમણે હિંદી અને ઉર્દુ પદ્ય / શાયરીઓનાં પણ પુસ્તકો લખ્યાં છે.


તેમનાં પત્નીની સલાહ માનીને તેમણે પોતાની આવકનું મોટા ભાગનું રોકાણ રીઅલ એસ્ટેટમાં કર્યું અને ભાડાંની આવકનો બીજો સ્થિર સ્રોત ઊભો કરીને તેમનાં કુટુંબને આર્થિક રીતે સુખદાયક પરિસ્થિતિમાં મુકી આપેલ. કદાચ એ જ દૃષ્ટિએ તેમણે શંકર જયકિશન ઉપરાંત અન્ય કેટલાય સંગીતકારો માટે ગીતો લખ્યાં હતાં. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ. ૨૦૧૭માં આપણે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં અને ૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં કેટલાંક ગીતો યાદ કર્યાં હતાં આજના આ અંકમાં આપણે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં ગીતોને યાદ કરીશું. આપણો મુખ્ય આશય હસરત જયપુરીનાં વધારે ને વધારે ગીતોને આવરી લેવાનો હોવાથી પહેલાંનાં વર્ષોમાં આવરી લેવાયેલ સંગીતકાર સાથે આજના અંકનાં વર્ષો દરમ્યાન પણ તેમણે જો ગીતો રચ્યાં હશે તો એવાં ગીતોને પણ આપણે સાંભળીશું.

૧૯૫૬

૧૯૫૬માં હસરત જયપુરીએ શંકર જયકિશન સાથે ૧૯ ગીતો - બસંત બહાર (૧), ચોરી ચોરી (૫), હલાકુ (૩), ન્યુ દિલ્હી (૨), પટરાની (૨), કિસ્મત કા ખેલ (૨), રાજહઠ (૪)- રચ્યાં. તે સામે અન્ય ૬ સંગીતકારો - એસ એન ત્રિપાઠી (દિલ્લી દરબાર, ૪), ચિત્રગુપ્ત (ઈન્સાફ, ૨), રામલાલ (નક઼ાબપોશ,૨), મુકુલ રોય (સૈલાબ,૨) અને વસંત દેસાઈ (તૂફાન ઔર દિયા, ૧)- સાથે ૧૧ ગીતોની રચના કરી. વસંત દેસાઈ સાથે વી. શાંતારામની ૧૯૫૫ની ફિલ્મ ‘જનક જનક પાયલ બાજે’ માં પણ તેમણે કામ કર્યું હતું.

સંગીતકાર: એસ એન ત્રિપાઠી

દિલ્લી દરબાર ફિલ્મમાં એસ એન ત્રિપાઠીના સંગીત નિર્દેશનમાં હસરત જયપુરી સાથે ફિલ્મ સંગીતના તેમના હમસફર શૈલેન્દ્ર મુખ્ય ગીતકાર છે. હસરત જય્પુરીએ લખેલ ગીત 'હો રસિયા મૈં તો શરણ તિહારી' (શમશાદ બેગમ)ની યુ ટ્યુબ પરની લિંક મળતી નથી.

સંગીતકાર: મુકુલ રોય

ફિલ્મ: સૈલાબ

સૈલાબ સંગીતકાર મુકુલ રોયે તેમનાં બહેન ગીતા દત્ત સાથે નિર્માણ કરેલ ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન ગુરુ દત્તે સંભાળ્યું હતું. આ ફિલ્મમાં પણ હસરત જયપુરી સાથે શૈલેન્દ્ર , મજરૂહ સુલ્તાનપુરી અને મધુકર રાજસ્થાની પણ ગીતકારોની ટીમમાં છે.

હાયે રે હાયે….બાજે દિલ કે તાર કરે પુકાર = લક્ષ્મી શંકર

ગીત માટે લક્ષ્મી શંકરની પસંદ શા માટે કરાઈ હશે તે તો જાણમાં નથી, પણ ગીત સાંભળવામાં જરૂર કર્ણપ્રિય બન્યું છે.
જિયરા બાત નહીં માને કિસી કી – ગીતા દત્ત

પ્રેમના વિચારોમાં મગ્ન મુગ્ધાના મનના વિચારોને વાચા આપતું આ ગીત બહુ સંભળવા નથી મળ્યું.

સંગીતકાર: ચિત્રગુપ્ત

ઈન્સાફ નાં પણ હસરત જયપુરીએ લખેલાં ગીતો યુ ટ્યુબ પર નથી મળી શક્યાં

સંગીતકાર: રામલાલ

નક઼ાબપોશ નાં પણ હસરત જયપુરીએ લખેલાં ગીતો યુટ્યુબ પર નથી મળ્યાં.

સંગીતકાર: વસંત દેસાઈ

ફિલ્મ: તૂફાન ઔર દિયા

આ ફિલ્મનાં બીજાં બધાં ગીતો ભરત વ્યાસે લખેલાં છે.

નીગાહેં નીચી કિયે બૈઠે હૈં...સર ઝુકાયે બૈઠે હૈ...તુમ હી જો દિલ મેરા ચુરાયે બૈઠે હો.. દિલ તુમને લિયા હૈ મેરી જાન - શમશાદ બેગમ

ગીત મૂળ્ મુજરા નૃત્ય મિજાજનું છે, પણ સંગીતકારે ધુનની બાંધણી ગરબાની ધુન પર કરી છે અને સાથે સાથે હાર્મોનિયમના ટુકડાઓ વડે મુજરાનો ઉઠાવ પણ આપ્યો છે. ગીતના પ્રારંભમાં હસરત જયપુરીની આગવી શૈલીની છડીદાર સાખી પણ રંગત જમાવવામાં પોતાનો ભાગ ભજવે છે. 

૧૯૫૭

વર્ષ ૧૯૫૭માં હસરત જયપુરીની શંકર જયકિશન સાથે બે ફિલ્મો. બેગુનાહ (૩) અને કઠપુતલી (૨) નાં ૫ ગીતની સામે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો -દત્તારામ (અબ દિલ્લી દૂર નહીં ,૪) રોશન (કૉફી હાઉસ, ૧), ઓ પી નય્યર (જોહ્ની વૉકર, ૬), બસંત પ્રકાશ (મહારાની, ૩) અને (નીલોફર, ૩), એન દત્તા (મોહિની, ૨) અને (મિ. એક્ષ ૩) અને વિનોદ (મુમતાઝ મહલ, ૩)- સાથે ૨૫ ગીતો રચ્યાં

સંગીતકાર: દત્તારામ

ફિલ્મ: અબ દિલ્લી દૂર નહીં

'અબ દિલ્લી દૂર નહી' દ્વારા દત્તારામે હિંદી ફિલ્મ સંગીતમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું હતું તે તો બધાંને સુવિદિત જ છે. હસરત જયપુરીએ લખેલાં ૪ ગીતોમાં ચુન ચુન કરતી આયી ચિડીયા (મોહમ્મદ રફી) આજે પણ લોકપ્રિય છે અને જિયો લાલ મેરે તુમ લાખોં બરસ (લતા મંગેશકર, કોરસ) વિવેચકોની પણ ચાહનાની એરણે ખરૂં ઉતર્યું હતું.

લો હર ચીઝ લો ઝમાનેકે લોગો, બહારોંકી હમ તો અદા બેચતે હૈં - આશા ભોસલે, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, કોરસ

ગીતનો પ્રાંરભ હસરત જયપુરી સાખીના બોલ 'ઈધર ભી એક નઝર જાનવાલે' થી કરે છે જે શેરી પર રમકડાં વેંચતાં કિશોર બાળકોના વેપારની સુગેય જાહેરાતમાં ફેરવાઈ જાય છે. ગીતના બોલ કિશોર વયનાં બાળકોની માનસીક સ્થિતિને અનુરૂપ હોવાની સાથે સાથે ખૂબ અર્થપૂર્ણ પણ છે.

આડવાત
ગીતના મુખડાના બોલ જે કિશોર પરદા પર ગાય છે તે અમજદ ખાન છે.
ભેજ છન્ના છન્ન રૂપૈયા , હમ તેરે કહેલાતે હૈ - મોહમ્મદ રફી અને એસ બલબીર

બધાંનું ભલું કરનાર ભગવાન પાસે રૂપિયા ટકાની મદદની અરજ કરતા આ કાકા- ભત્રીજાએ વાતની રજૂઆત ભલે હળવાશથી કરી હોય, પણ તેઓની ખુમારીમાં ક્યાંય પણ કચાશ નથી દેખાવા દીધી.

સંગીતકાર રોશન

ફિલ્મ: કોફી હાઉસ

ફિલ્મના મુખ્ય ગીતકાર તો પ્રેમ ધવન છે, પરંતુ શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ પણ એક એક ગીત લખ્યાં છે.

તોડ દીયા દિલ તુને સાવરિયા - આશા ભોસલે

હસરત જયપુરીનાં આપણે સામાન્યતં જાણીએ છીએ તેવાં ગીતના સરળ શબ્દોનાં ધોરણના, કે '૬૦ના દાયકામાં રોશનની ધુનોની સુગેયતાના, પ્રમાણમાં આ ગીત થોડું 'અઘરૂ" જણાય છે. 

સંગીતકાર: બસંત પ્રકાશ

ફિલ્મ: મહારાણી - ફિલ્મનાં એક સિવાયનાં બધાં ગીતો હસરત જયપુરીએ લખેલાં હોવા છતાં ફરી એક વાર એવી ફિલ્મ છે જેનાં હસરત જયપુરીએ લખેલાં ગીતો યુ ટ્યુબ પર ઉપલબ્ધ નથી જણાતાં.

સંગીતકાર: વિનોદ

ફિલ્મ મુમુતાઝ મહલ

ફિલ્મમાં ૭ ગીતો છે, જે પૈકી એક એક ગીત પંડિત પ્રિતદર્શી અને કૈફી આઝમીએ લખેલ છે, અને બાકીનાં ૫ ગીતો હસરત જયપુરીએ લખ્યાં છે.

મૈં દિલ કા સાઝ બજાતા હૂં ચાહત કે નગમે ગાતા હૂં - તલત મહમૂદ –

તલત મહમૂદના મર્મશીલ સ્વરમાં જાણે સંગીતકાર તરીકે વિનોદના જ અનુભવોને વાચા આપવામાં આવી હોય એવા આ ગીતના બોલ છે.

સંગીતકાર: એન દત્તા

ફિલ્મ: મોહિની

ફિલ્મમાં હસરત જયપુરીએ લખેલાં બે ગીતો છે, જે પૈકી રાત યે બહાર કી તેરે પ્યાર કી (આશા ભોસલે, કોરસ)ની વિડીયો ક્લિપ યુ ટ્યુબ પરથી હ ટાવી દેવાઈ લાગે છે.

નૈનોમેં ઝૂમે હૈ પ્યાર સાંવરિયા - આશા ભોસલે

હસરત જય્પુરીના ગીતોની સાખીથી થતી શરૂઆતનો ઉપયોગ રાજાનું ધ્યાન પોતા તરફ કર્યા બાદ નાયિકા રાજાને પોતાનાં નૃત્ય્ગીતથી રીઝવવા કોશીશ કરે છે.
ફિલ્મ: મિ. એક્ષ 

'૫૦ના દાયકાના બીજા મધ્ય ભાગમાં થ્રીલર પ્રકારની હિંદી ફિલ્મોમાં પણ કેટલીક ભૂમિકાઓ ભજવી હતી. મિ. એક્ષ એવી જ એક ફિલ્મ છે જેમાં અશોક કુમારનું પાત્ર ફિલ્મમાં અદૃષ્ય પણ બની જાય છે. ફિલ્મમાં મજરૂહ સુલ્તાનપુરી, તન્વીર નક્વી, ભરત વ્યાસ જેવા અન્ય ત્રણ ગીતકારોનાં ગીત પણ હતાં, જેમના દરેકના ભાગે એક એક ગીત આવેલ છે. હસરત જયપુરીએ ત્રણ ગીત લખ્યાં છે જે પૈકી બે ગીત આપણે અહીં સાંભળીશું -

મૈં પ્યારકી લૈલા હૂં, પાઓગે ન તુમ ઐસી, યે ચાંદ ભી દીવાના સુરત હૈ મેરી ઐસી - મન્ના ડે, સુધા મલ્હોત્રા

ચાંદ પણ જેનો દીવાનો છે તેવાં પોતાનાં સૌંદર્યનાં આ યુગલ ગીતમાં નાયિકા જાતે જ વખાણ કરવામાં એટલી મગ્ન છે કે પ્રેમીને તો હાજીમાં હા પુરાવવાનો મોકો છેક બીજા અંતરામાં મળે છે. અને તે સમયે પણ બીજા બધાં બધાં દુન્યવી સુખો નીછાવર કરવાની તૈયારી જ તેણે ગાવી પડે છે.
સદકે તેરે ચાલ કે કજ઼રા વજરા ડાલ કે, જાનેવાલી આના કભી યાર કી ગલી - મોહમ્મદ રફી, ગીતા દત્ત

ફિલ્મમાં જોહ્ની વૉકર એક લોંડ્રીવાળાની ભૂમિકા ભજવે છે જે ગ્રાહકોના સુટ પહેરીને રાતે ગીતો ગાવા નીકળી પડે છે. આ ગીત કઈ પરિસ્થિતિમાં ગવાયું હશે તે તો યાદ નથી કે નથી આ ઑડીયો ક્લિપ પરથી કળી શકાતું, પણ તેના અંતરાના વાદ્ય સંગીતમાં હાર્મોનિયમનો ઉપયોગ સામાન્યપણે શેરીમાં ગવાતાં ગીતોમાં કરાતા હાર્મોનિયમના સંગાથ જેવો છે.

સંગીતકાર ઓ પી નય્યર

ફિલ્મ : જોહ્ની વૉકર

આ ફિલ્મનાં બધાં જ ગીત હસરત જયપુરીએ લખેલાં છે. ૧૯૫૭માં ઓ પી નય્યરે એક તરફ 'નયા દૌર' જેવી, તે સમયની સામાજિક-રાજકીય વિચારધારાને પરદા પર રજૂ કરતી, ફિલ્મોમાં લોકોને ઝૂમતાં કરી મૂકે તેવું સંગીત આપ્યું, તો બીજી બાજૂ દેખીતી રીતે સાધારણ કહી શકાય એવી ફિલ્મમાં પણ તેમનાં સંગીતનો જાદૂ એટલો જ અસરકારક હતો. આપણે ફિલ્મનાં છ ગીતો પૈકી ત્રણ ગીતોને આજે અહીં સાંભળીશું.

ઠંડી ઠંડી હવા પૂછે ઉનકા પતા - ગીતા દત્ત, આશા ભોસલે

આ ગીત ફિલ્મમાં શ્યામા અને શીલા વાઝ પર ફિલ્માવાયું છે. આવું જ બીજું યુગલ ગીત - ઝૂકી ઝૂકી પ્યાર કી નઝર દેખે ઉન્હે - પણ ઓ પી નય્યરની ધુનના જાદુની યાદ કરાવે છે.- 
આપણા આ શ્રેણીના દરેક અંકને મોહમ્મદ રફીનાં ગીત સાથે સંપન્ન કરવાની પરંપરાની સાથે આ ફિલ્મનાં બીજાં બે ગીત સાંકળી લઈશું

અય દિલ તુ ન ડર ઈસ જહાન સે - મોહમ્મદ રફી

જોહ્ની વૉકરનાં ગીત જોહ્ની વૉકરની અદાકારીને પૂર્ણપણે બંધ બેસે એવી અદાથી રફી ગાઈ શકતા હતા. આ ગીત તેનૉ એક વધારે નમૂનો છે.
મુંહ પે મત લગા યે ચીઝ હૈ બુરી - મોહમ્મદ રફી, મન્ના ડે

મોહમ્મદ રફી અને મન્ના ડેની જુગલબંધીએ જેમ શાસ્ત્રીય રાગ પર આધારીત ફિલ્મી ગીતોમાં એક અનોખું સ્થાન જમાવ્યું છે તેવું જ અનેરૂં સ્થાન આ જોડીનું હળવાં ગીતોના પ્રકારમાં પણ ખાસ સ્થાન ગણાતું આવ્યું છે..

હસરત જયપુરીની અન્ય સંગીતકારો સાથે ફિલ્મ સંગીત સફર આપણે હજૂ પણ ચાલુ રાખીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, April 15, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૮


હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો - ૧૯૫૩થી ૧૯૫૫
હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨- ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) મુંબઈમાં આવીને બસ કન્ડક્ટર તરીકે નોકરી કરતાં કરતાં મુશાયરાઓમાં હાજરી આપીને પોતાનો સાહિત્યિક આત્મા જવંત રાખ્યો હતો.. તે જ રીતે હિંદી ફિલ્મો માટે તેમણે ગીતો લખતાં લખતાં તેમણે ઉર્દુ શાયરી સાથેનો નાતો પણ જીવંત રાખ્યો હતો.
હસરત જયપુરીએ લગભગ ૩૫૦ ફિલ્મોમાં ૨૦૦૦થી વધુ ગીતો લખ્યાં છે.  તેઓ હંમેશાં કહેતા કે મારા સમયના અન્ય ગીતકારોની સરખામણીમાં મેં બહુ ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે. ગીત લખતી વખતે મેં ફિલ્મના બજેટની અસર મારા ગીતો પર ક્યારે પણ પડવા નથી દીધી..હસરત જયપુરી તેમનાં
શંકર  જયકિશન સાથેનાં ગીતોથી ફિલ્મ સંગીતના ચાહકોનાં દિલમાં ધબકે તો છે જ, પણ એ ધડકનોની સાથે સાથે તેમણે અન્ય સંગીતકારો સાથે કરેલાં ગીતો પણ ફિલ્મ સંગીતનાં ચાહકોનાં દિલમાં ક્યાંક ને ક્યાંક તો જગ્યા કરી ચૂક્યાં છે.. જરૂર છે એ યાદોને થોડી જીવંત કરવાની.
૧૯૫૩ની અન્ય ફિલ્મોથી લઈને ૧૯૫૫ સુધીનાં હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલ ગીતો આજના અંકમાં સાંભળીશું.
આયે થે થોડી દેર કો બેતાબ કર ગયે - ખોજ (૧૯૫૩) - આશિમા બેનર્જી – સંગીતકાર: નિસાર બાઝમી
આ ફિલ્મમાં હસરત જયપુરીનાં બે ગીતો ઉપરાંત રાજા મહેંદી અલી ખાનના ૪ અને અંજુમ પીલીભીતીનું ૧ ગીત છે. આ ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલું ચંદા કા દિલ ટૂટ ગયા હૈ તો ગીત તરીકે આજે પણ યાદ કરાય છે. એ પછીથી નિસાર બાઝમી પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં પણ મહેંદી હસનના સ્વરમાં ગવાયેલી 'મોહબ્બત' (૧૯૬૮) માટેની અહમદ ફર્રાઝની ગ઼ઝલ રંજિશ હી સહી દિલ કો દુખાને કે લિયે આ તો અનેક ગાયકોએ પોતપોતાની રીતે રજૂ કરી એ હદે લોકચાહના મેળવી ચૂકેલ છે..
ફિલ્મમાં હસરત જયપુરીનાં જગજીત કૌરના સ્વરમાં ગવાયેલ બીજાં ગીત - મેરા ચંદા મૈં તેરી ચાંદની-નું ડીજીટલ વર્ઝન નેટ પર જોવા નથી મળ્યું. 
આ જાને બહાર આ જા - પાપી (૧૯૫૩) - આશા ભોસલે - સંગીતકાર: એસ મોહિન્દર
ફિલ્મમાં રાજા મહેંદી અલી ખાંનનાં અને હસરત જયપુરીનાં બબ્બે ગીતો ઉપરાંત સુરજીત શેઠી, રાજેન્દ્ર કૃષ્ણ, બુટારામ શર્મા અને શર્શાર સલાનીનાં અક્કેક ગીતો છે.
આ ગીતમાં તાલવાદ્ય તરીકે ઢોલકનો પ્રયોગ શંકર જયકિશનની રચનાઓની યાદ અપાવડાવી જાય છે.
આ જાઓ મેરે પ્યારે અરમાં તુઝકો પુકારે, દિલ ટુંઢ રહા હૈ તુઝકો હમ પ્યાર કે  હૈ મારે હમ પ્યાર કે હૈ મારે - હેમ્લેટ (૧૯૫૪) - આશા ભોસલે – સંગીતકાર:  રમેશ નાયડુ
પ્રિયજનના ઈંતઝારનું ગીત - ધુન ખાસી અઘરી કહી શકાય, પણ ગીતના શબ્દો ભાવનું માર્દવ બરાબર વ્યક્ત કરે છે.
જાઉં મૈં કહા દાતા તેરા દેખ લિયા યે જહાં - પીપલી સાહેબ (૧૯૫૪) - લતા મંગેશકર સંગીતકાર: સાર્દુલ ક્વાત્રા
ફિલ્મમાં  હસરત જયપુરીનાં છ ગીત સાથે શૈલેન્દ્રનાં બે અને વર્મા મલિકનું ૧ ગીત છે.
આયે તો કૈએ આયે, મજબુર કર દિય અહૈ, દુનિયાને દો દિલોં કો, ફિર દુર કર દિયા હૈ,
મિલ જાયે તુમસે આકે, સહારા નહીં હૈ કોઈ - સંગમ (૧૯૫૪) તલત મહમૂદ, ગીતા દત્ત  - સંગીતકાર: રામ ગાંગુલી
હસરત જયપુરીનાં ગીતોની આગવી કહી શકાય એવી ખાસીયત સ્વરૂપ સાખી અહીં ગીતા દત્તના સ્વરમાં રજૂ થાય છે.
હસરત જયપુરીનું ફિલ્મનું બીજું એક યુગલ ગીત રાત હૈ અરમાં ભરી આજે પણ બહુ પ્રેમથી યાદ કરવામાં આવે છે.
મારા રે મારા રે આંખે કટાર દેખા મેરા વાર તેરા દિલ કિયા હૈ પારા પારા - આબ-એ-હયાત (૧૯૫૫) ગીતા દત્ત – સંગીતકાર: સરદાર મલિક
એ સમયનાં મધ્ય પૂર્વની આરબ સંસ્કૃતિની ઝલક રજૂ કરતાં એક "ક્લબ" ગીતને અનુરૂપ હલકા ફુલકા શબ્દોવાળું, અને છતાં  અર્થસભર નીવડે એવું, ગીત લખવું એ એ સમયના ગીતકારો સામે એક આગવો પડકાર બની રહેતો હશે !
મહોબ્બત બને હૈ દિલ સુહાને, ઘડીયાં મિલનકી દિલ કે તરાને - આજ કી બાત ((૧૯૫૫) – તલત મહમૂદ - સંગીતકાર: સ્નેહલ ભાટકર
તલત મહમૂદ ગીતના ભાવને પોતાના મધુર સ્વરમાં બરાબર ન્યાય આપે છે, તો સામે હસરત જયપુરીએ પણ તલતના મૃદુ સ્વરને અનુરૂપ જ શબ્દોથી જ મિલનના ભાવને ઉજાગર કર્યા છે એવું જણાય છે !
ઝનક ઝનક પાયલ બાજે - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - ઉસ્તાદ અમીર ખાં સાહેબ – સંગીતકાર: વસંત દેસાઈ
ઉસ્તાદ અમીરખાં સાહેબના સ્વરને શોભે તેવી ટાઈટલ ગીતની રચના પણ હસરત જયપુરીએ બહુ સરળતાથી કરી છે.
રાગ માલિકા - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - લતા મંગેશકર, મન્ના ડે -  સંગીતકાર: વસંત દેસાઈ
રાગ માલિકા જેવી રચના ગીતકાર માટે કદાચ બહુ પડકારક્ષમ રચના બનતી હશે કારણકે તેમણે રાગને અનુસાર શબ્દોને એક ગીતમાં પરોવી આપવા પડે.
૧૯૫૫ની ફિલ્મ 'શાહી મેહમાન'માં બિપિન બાબુલનાં સંગીત નિર્દેશનમાં પણ હસરત જયપુરીએ મોહમ્મદ રફી અને શમશાદ બેગમના સ્વરમાં એક યુગલ ગીત - રાત આયી હૈ જવાન - લખ્યું છે. આ ગીતનું પણ ડીજિટલ વર્ઝન નેટ પર ઉપલબ્ધ હોય તેમ જણાતું નથી. ફિલ્મનાં બીજાં ગીતો અન્જુમ જયપુરીએ અને એક અન્ય ગીત  રાજા મહેંદી અલી ખાને લખેલ છે.
આપણા દરેક અંકના અંતમાં મોહમ્મદ રફીએ ગાયેલ ગીત સાંભળવાની પરંપરા અનુસાર આજના અંકની સમાપ્તીમાં આપણે 'પીપલી સાહેબ' (૧૯૫૪)નું એક યુગલ ગીત સાંભળીશું.
લો આયે ઝૂમકે પીલપીલી , અરે ચાલ ઢાલ હૈ ગીલગીલી - મીના મંગેશકર સાથે - સંગીતકાર સાર્દુલ ક્વાત્રા
પીલપીલી, ગીલગીલી જેવા શબ્દોનાં જોડકણાંની ભૂલભૂલામણીમાં પણ હસરત જયપુરીએ ફિલ્મનું શીર્ષક વણી લીધું છે 



આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

Sunday, April 16, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૭



હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો
હસરત જયપુરી (જન્મ ૧૫ એપ્રિલ, ૧૯૨૨ - અવસાન ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)નું મૂળ નામ ઈક઼બાલ હુસ્સૈન હતું. મુંબઈ આવ્યા બાદ નાના મોટાં કામો કરતાં કરતાં તેમનો સંપર્ક રાજ કપૂર સાથે થયો જેને પરિણામે હિંદી ફિલ્મોમાટે તેમણે પહેલું સૉલો ગીત લખ્યું જિયા બેક઼રાર હૈ ('બરસાત',૧૯૪૯). તેમણે લખેલું પહેલું યુગલ ગીત હતું- છોડ ગયે બાલમ. 'બરસાત'માં ઉગેલ, તેમનું શૈલેન્દ્ર સાથેનું, શંકર જયકિશન દ્વારા રચાયેલ ગીતોનું વૃક્ષ વૈવિધ્યપૂર્ણ ફળોનો અઢળક વરસાદ કરતું રહ્યું. સતત થતી રહેતી એ બૌછારમાં, શંકર જયકિશને હસરત અને શૈલેન્દ્ર સિવાય અન્ય ગીતકારોનાં ગીતો પર બહુ અપવાદરૂપ ધૂન રચનાઓ કરી છે, એ વાતની જેટલી નોંધ લેવાય છે તેના પ્રમાણમાં  હસરત જયપુરીએ, અને શૈલેન્દ્રએ પણ, અન્ય ઘણા સંગીતકારો માટે પણ ગીતો લખ્યાં છે તે વાત કદીક વિસારે પડી જવાય છે.
 
 તેમની દીર્ઘ કારકીર્દીમાં હસરત જયપુરીએ પાછલી પેઢીના સજ્જાદ હુસ્સૈનથી લઈને પોતાની પેઢીના સી રામચંદ્ર, મદન મોહન, એસ ડી બર્મનથી માંડીને નવી પેઢીના નદીમ શ્રવણ, આનંદ મિલિંદ કે જતિન લલિત માટે ગીતો લખ્યાં છે. 
તેમની જન્મતિથિએ હસરત જયપુરીને યાદ કરવા માટે આપણે આજે તેમની કારકીર્દીની શરૂઆતથી ૧૯૫૩ સુધીનાં શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતોની યાદ તાજી કરીશું.આજના આ લેખમાં આપણે એક સંગીતકારનું એકથી વધારે ગીત નથી સમાવ્યું.
શરૂઅત કરીએ ૧૯૫૦ની ફિલ્મ 'વફ઼ા'થી. આ ફિલ્મમાં હસરતે ત્રણ ગીતો લખ્યાં હતાં જે પૈકી બે વિનોદે અને એક બુલો સી રાનીએ સંગીતબધ્ધ કરેલ છે.
અરમાન ભરા દિલ તૂટ ગયા - વફ઼ા (૧૯૫૦) - મૂકેશ , લતા મંગેશકર - બુલો સી રાની હસરત જયપુરી સંવેદનાત્મક ગીતો લખવામાં પણ માહિર રહેવાના છે તેની પુષ્ટિ અહીંથી જ થવા લાગી છે.
હસરત જયપુરીનાં ગીતોની તવારીખમાં ૧૯૫૧માં 'બડે  સાહબ' નામક એક ફિલ્મ જોવા મળે છે, જેનું સંગીત નિસ્સારે આપ્યું છે. આપણા નેટસંગીત ચાહકોને હજૂ આ ફિલ્મનાં ગીતો હાથ નથી લાગ્યાં જણાતાં. ૧૯૫૧ની બીજી એક ફિલ્મ - ઈમાન - છે જે રજૂ નહોતી થઈ. પરંતુ તેનાં ગીતો યુ ટ્યુબ પર સાંભળવા મળે છે. આ ફિલ્મમાં આશા ભોસલેનાં ત્રણ સૉલો અને તલત સાથેનું એક યુગલ ગીત હસરત જયપુરીએ લખેલ છે.
ઓ જુલ્મી નયના રોયે જા - ઈમાન આશા ભોસલે - પંડિત મોતી રામ
આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો હસરત જયપુરીએ લખેલ આશા ભોસલેનાં સૌ પહેલાંનાં ગીતોનું સ્થાન આ ગીતોને મળે. ભાવની દૃષ્ટિએ પણ કારકીર્દીની શરૂઆતમાં આશા ભોસલેને ફાળે આવેલાં ગીતો કરતાં આ ગીતો નવી કેડી કંડારે છે. હસરત જયપુરીનાં આશા ભોસલે કેવાં, કેટલાં અને કયા કયા સંગીતકારો સાથે ગીતો ગાયાં હશે તે ખૂદ જ એક રસપ્રદ વિષય બની રહે!
૧૯૫૧માં હસરત જયપુરીએ પંડિત મોતીરામ માટે 'લચક' માટે રફી -આશાએ ગાયેલું યુગલ ગીત પણ લખ્યું છે. 
૧૯૫૧માં હસરત જયપુરીની સજ્જાદ હુસ્સૈન સાથેની જુગલબંધી પણ 'સૈંયાં'માં સાંભળવા મળે છે.
ખયાલોંમેં તુમ હો - સૈંયાં (૧૯૫૧) - લતા મંગેશકર - સજ્જાદ હુસૈન
ગીત રચના, વાદ્ય સજાવટ અને ગાયન શૈલી જેવાં દરેક અંગમાં સજ્જાદ હુસૈનની આગવી છાપ અંકિત થયેલ જોવા મળે છે, જેની સાથે હસરતનાં સરળ, ભાવવાહી શબ્દો બહુ સહેલાઈથી ભળી જતા જણાય છે.
૧૯૫૧ની હજૂ એક ફિલ્મ -સૌદાગર-માં હસરત જયપુરીએ હનુમાન પ્રસાદ માટે જી એમ દુર્રાની અને આશા ભોસલેનાં સ્વરમાં ગવાયેલ બે યુગલ ગીતો લખ્યાં હોવાનું જોવા મળે છે. આ ગીતો મને યુટ્યુબ પર મળી નથી શકયાં.
બંકિમ ચંદ્ર ચેટરજીની પ્રખ્યાત નવલકથા 'આનંદમઠ' પરથી એ જ નામની બનેલી ફિલ્મીસ્તાનની ૧૯૫૨ની ફિલ્મ માટે એક ગીત હસરત જયપુરીએ લખ્યું છે.
દિલ કા પૈમાના હો ઉલ્ફતકા હાથ હૈ, જુલ્ફોંકા બાદલ હો, ઝૂમને કી રાત હૈ , પીને કે રાત હૈ - આનંદમઠ (૧૯૫૨)- રાજકુમારી - હેમંત કુમાર
રાજાના દરબારમાં અંગ્રેજ સાહેબોની ખીદમત માટેની મહેફિલ જામી છે. 
૧૯૫૨ની એક અન્ય ફિલ્મ 'અન્નદાતા' માટે હસરત જયપુરીએ પાંચ ગીતો લખ્યાં જે પૈકી જી એમ દુર્રાની-શમશાદનું યુગલ ગીત  તેમજ રફી- શમશાદ -મીના-લતા મંગેશકરનું સમૂહ ગીત યુટ્યુબ પર જોવા નથી મળતાં. લતા મંગેશકરનાં ત્રણ સૉલો ગીતો પૈકી એક ગીત આપણે આજે સાંભળીએ
બહારો કે ડોલે મે, આયી હૈ જવાની, આયી જવાની, આજ અપની અદાઓ પે હુયી હૈ દિવાની - અન્નદાતા (૧૯૫૨) - લતા મંગેશકર - મોહમ્મ્દ શફી
હિંદી ફિલ્મોમાં કંઈ કેટલાય સંગીતકારોને તેમની પ્રતિભા અનુસાર સફળતા નથી મળી.મોહમ્મદ શફી આ સંગીતકારોમાંના એક હતા. પ્રસ્તુત ગીતમાં મોહમ્મદ શફીની પ્રતિભા છતી થાય છે.
૧૯૫૨ની 'બદનામ'માં હસરત જયપુરીને ફાળે લતા મંગેશકરનાં બે અને શંકર દાસગુપ્તાએ ગાયેલે એક સૉલો આવ્યાં હતાં.
યે ઈશ્ક઼ નહીં આસાં - બદનામ (૧૯૫૨) - શંકર દાસગુપ્તા - બસંત પ્રકાશ
આ ઉપરાંત ૧૯૫૨માં હસરત જયપુરીએ બસંત પ્રકાશ માટે 'નિશાન ડંકા' અને 'સલોની' એમ બે અન્ય ફિલ્મો માટે પણ ગીતો લખ્યાં.
૧૯૫૨ની જ એક અન્ય ફિલ્મ 'હમારી દુનિયા'માં હસરત જયપુરીનાં સૉલો ગીતો લતા મંગેશકર, ગીતા દત્ત અને રાજકુમારી એમ ત્રણ ગાયિકાઓએ એક એક કરીને ગાયાં છે, જે પૈકી ગીતા દત્તએ ગાયેલું ગીત મને યુટ્યુબ પર નથી મળ્યું.
રાત અરમાનકી સજી હૈ - હમારી દુનિયા (૧૯૫૨) - રાજકુમારી - શ્યામ બાબુ પાઠક  
જબ તક ચમકે ચાંદ સિતારે, તુમહો હમારે સૈંયા હમ હૈ તુમ્હારે, અપને મિલન કા સ્થા ન છૂટે, હાથોમેં આ કે સજની હાથના છૂટે - નીલમ પરી (૧૯૫૨) - ગીતા દત્ત, જી એમ દુર્રાની - ખુર્શીદ અન્વર
'નીલમ પરી'માં હસરત જયપુરીએ ચાર ગીતો લખ્યાં હતાં. પ્રસ્તુત ગીતની વિડીયો ક્લિપ ઝાંખી હોવા છતાં ગીતા બાલીની મસ્તી છાની નથી રહેતી.
'શ્રીમતીજી'માં પણ હસરત જયપુરીનું એક ગીત છે.
તક઼દીરને લૂટા મુઝે તક઼દીરને લૂટા, મંઝિલ પે લા કે પ્યારને બેગાના કર દિયા શ્રીમતીજી (૧૯૫૨)ગીતા દત્ત જિમ્મી
એક દિલ હઝાર જખ્મ કૈસે જી શકેંગે હમ - આગ કા દરિયા (૧૯૫૩)- તલત મહમૂદ - વિનોદ
૧૯૫૩માં રજૂ થયેલી બીના રોયને અનારકલીની ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ 'અનારકલી'નું તેનાં ગીતોને કારણે ખાસ મહત્ત્વ હતું. સી. રામચંદ્રને આ ફિલ્મનાં ગીતોએ હળવાં, પાશ્ચાત્ય તર્જોમાં બનેલાં ગીતોના સંગીતકારમાંથી એક સન્માનીય સંગીતકારનું અચૂક સ્થાન અપાવ્યું. ફિલ્મમાં એક ગીત બસંત પ્રકાશે સંગીતબધ્ધ કર્યું હતું. ફિલ્મનાં બે ગીતો શૈલેન્દ્ર અને બે ગીતો હસરત જયપુરીએ લખ્યાં એ સિવાયનાં બધાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યાં છે.
ઝીંદગી બેબસ હુઈ હૈ બેક઼સી કા સાથ હૈ, એક હમ હૈ ક઼ફસમેં યા ખુદાકી ઝાત હૈ
ઓ આસમાન વાલે શીક઼વા હૈ ઝીંદગીકા, સુન દાસ્તાન ગ઼મકી અફસાના બેબસી કા
હસરત જયપુરીએ લખેલ બીજું ગીત પણ તેમનાં સદાશ્રેષ્ઠ ગીતોમાં તો સ્થાન તો પામે છે, અંગતપણે મારાંપણ બેહદ પસંદ ગીતોમાં તેની એક ખાસ જગ્યા છે. એટલે એક સંગીતકારનું એક ગીત લેવાનો આપણે કરેલો નિયમ બહુ પ્રેમથી તોડવાનું ગમશે.
ઈસ ઈન્તઝાર-એ-શૌક઼ કો જનમો કી પ્યાસ હૈ, ઈક શમા જલ રહી હૈ, તો વો ભી ઉદાસ હૈ
મુહબ્બત ઐસી ધડકન હૈ જો સમજાઈ નહીં જાતી
૧૯૫૩માં હસરત જયપુરીએ લખ્યાં હોય એવી હજૂ બીજી પણ કેટલીક ફિલ્મો છે. પરંતુ 'અનારકલી'નાં આ બે ગીતો સાંભળીને હસરત જયપુરીનાં અન્ય સંગીતકારો માટેનાં ગીતાના આજના અંકમાં આપણે અહીં વિરામ લઈશું. જો કે હસરત જયપુરીનાં ગીતોની આપણી સફર તો ચાલુ જ છે....
આપણા દરેક અંકની સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે સાંભળીએ આર સી બોરાલે સંગીતબધ્ધ કરેલ, હસરત જયપુરીનું લખેલ, ફિલ્મ દર્દ-એ-દિલ(૧૯૫૩)નું ગીત
હમને દર્દ-એ-દિલકો તમન્ના બના દિયા.




આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……