Sunday, April 15, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૮


હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો - ૧૯૫૩થી ૧૯૫૫
હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨- ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) મુંબઈમાં આવીને બસ કન્ડક્ટર તરીકે નોકરી કરતાં કરતાં મુશાયરાઓમાં હાજરી આપીને પોતાનો સાહિત્યિક આત્મા જવંત રાખ્યો હતો.. તે જ રીતે હિંદી ફિલ્મો માટે તેમણે ગીતો લખતાં લખતાં તેમણે ઉર્દુ શાયરી સાથેનો નાતો પણ જીવંત રાખ્યો હતો.
હસરત જયપુરીએ લગભગ ૩૫૦ ફિલ્મોમાં ૨૦૦૦થી વધુ ગીતો લખ્યાં છે.  તેઓ હંમેશાં કહેતા કે મારા સમયના અન્ય ગીતકારોની સરખામણીમાં મેં બહુ ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે. ગીત લખતી વખતે મેં ફિલ્મના બજેટની અસર મારા ગીતો પર ક્યારે પણ પડવા નથી દીધી..હસરત જયપુરી તેમનાં
શંકર  જયકિશન સાથેનાં ગીતોથી ફિલ્મ સંગીતના ચાહકોનાં દિલમાં ધબકે તો છે જ, પણ એ ધડકનોની સાથે સાથે તેમણે અન્ય સંગીતકારો સાથે કરેલાં ગીતો પણ ફિલ્મ સંગીતનાં ચાહકોનાં દિલમાં ક્યાંક ને ક્યાંક તો જગ્યા કરી ચૂક્યાં છે.. જરૂર છે એ યાદોને થોડી જીવંત કરવાની.
૧૯૫૩ની અન્ય ફિલ્મોથી લઈને ૧૯૫૫ સુધીનાં હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલ ગીતો આજના અંકમાં સાંભળીશું.
આયે થે થોડી દેર કો બેતાબ કર ગયે - ખોજ (૧૯૫૩) - આશિમા બેનર્જી – સંગીતકાર: નિસાર બાઝમી
આ ફિલ્મમાં હસરત જયપુરીનાં બે ગીતો ઉપરાંત રાજા મહેંદી અલી ખાનના ૪ અને અંજુમ પીલીભીતીનું ૧ ગીત છે. આ ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલું ચંદા કા દિલ ટૂટ ગયા હૈ તો ગીત તરીકે આજે પણ યાદ કરાય છે. એ પછીથી નિસાર બાઝમી પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં પણ મહેંદી હસનના સ્વરમાં ગવાયેલી 'મોહબ્બત' (૧૯૬૮) માટેની અહમદ ફર્રાઝની ગ઼ઝલ રંજિશ હી સહી દિલ કો દુખાને કે લિયે આ તો અનેક ગાયકોએ પોતપોતાની રીતે રજૂ કરી એ હદે લોકચાહના મેળવી ચૂકેલ છે..
ફિલ્મમાં હસરત જયપુરીનાં જગજીત કૌરના સ્વરમાં ગવાયેલ બીજાં ગીત - મેરા ચંદા મૈં તેરી ચાંદની-નું ડીજીટલ વર્ઝન નેટ પર જોવા નથી મળ્યું. 
આ જાને બહાર આ જા - પાપી (૧૯૫૩) - આશા ભોસલે - સંગીતકાર: એસ મોહિન્દર
ફિલ્મમાં રાજા મહેંદી અલી ખાંનનાં અને હસરત જયપુરીનાં બબ્બે ગીતો ઉપરાંત સુરજીત શેઠી, રાજેન્દ્ર કૃષ્ણ, બુટારામ શર્મા અને શર્શાર સલાનીનાં અક્કેક ગીતો છે.
આ ગીતમાં તાલવાદ્ય તરીકે ઢોલકનો પ્રયોગ શંકર જયકિશનની રચનાઓની યાદ અપાવડાવી જાય છે.
આ જાઓ મેરે પ્યારે અરમાં તુઝકો પુકારે, દિલ ટુંઢ રહા હૈ તુઝકો હમ પ્યાર કે  હૈ મારે હમ પ્યાર કે હૈ મારે - હેમ્લેટ (૧૯૫૪) - આશા ભોસલે – સંગીતકાર:  રમેશ નાયડુ
પ્રિયજનના ઈંતઝારનું ગીત - ધુન ખાસી અઘરી કહી શકાય, પણ ગીતના શબ્દો ભાવનું માર્દવ બરાબર વ્યક્ત કરે છે.
જાઉં મૈં કહા દાતા તેરા દેખ લિયા યે જહાં - પીપલી સાહેબ (૧૯૫૪) - લતા મંગેશકર સંગીતકાર: સાર્દુલ ક્વાત્રા
ફિલ્મમાં  હસરત જયપુરીનાં છ ગીત સાથે શૈલેન્દ્રનાં બે અને વર્મા મલિકનું ૧ ગીત છે.
આયે તો કૈએ આયે, મજબુર કર દિય અહૈ, દુનિયાને દો દિલોં કો, ફિર દુર કર દિયા હૈ,
મિલ જાયે તુમસે આકે, સહારા નહીં હૈ કોઈ - સંગમ (૧૯૫૪) તલત મહમૂદ, ગીતા દત્ત  - સંગીતકાર: રામ ગાંગુલી
હસરત જયપુરીનાં ગીતોની આગવી કહી શકાય એવી ખાસીયત સ્વરૂપ સાખી અહીં ગીતા દત્તના સ્વરમાં રજૂ થાય છે.
હસરત જયપુરીનું ફિલ્મનું બીજું એક યુગલ ગીત રાત હૈ અરમાં ભરી આજે પણ બહુ પ્રેમથી યાદ કરવામાં આવે છે.
મારા રે મારા રે આંખે કટાર દેખા મેરા વાર તેરા દિલ કિયા હૈ પારા પારા - આબ-એ-હયાત (૧૯૫૫) ગીતા દત્ત – સંગીતકાર: સરદાર મલિક
એ સમયનાં મધ્ય પૂર્વની આરબ સંસ્કૃતિની ઝલક રજૂ કરતાં એક "ક્લબ" ગીતને અનુરૂપ હલકા ફુલકા શબ્દોવાળું, અને છતાં  અર્થસભર નીવડે એવું, ગીત લખવું એ એ સમયના ગીતકારો સામે એક આગવો પડકાર બની રહેતો હશે !
મહોબ્બત બને હૈ દિલ સુહાને, ઘડીયાં મિલનકી દિલ કે તરાને - આજ કી બાત ((૧૯૫૫) – તલત મહમૂદ - સંગીતકાર: સ્નેહલ ભાટકર
તલત મહમૂદ ગીતના ભાવને પોતાના મધુર સ્વરમાં બરાબર ન્યાય આપે છે, તો સામે હસરત જયપુરીએ પણ તલતના મૃદુ સ્વરને અનુરૂપ જ શબ્દોથી જ મિલનના ભાવને ઉજાગર કર્યા છે એવું જણાય છે !
ઝનક ઝનક પાયલ બાજે - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - ઉસ્તાદ અમીર ખાં સાહેબ – સંગીતકાર: વસંત દેસાઈ
ઉસ્તાદ અમીરખાં સાહેબના સ્વરને શોભે તેવી ટાઈટલ ગીતની રચના પણ હસરત જયપુરીએ બહુ સરળતાથી કરી છે.
રાગ માલિકા - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - લતા મંગેશકર, મન્ના ડે -  સંગીતકાર: વસંત દેસાઈ
રાગ માલિકા જેવી રચના ગીતકાર માટે કદાચ બહુ પડકારક્ષમ રચના બનતી હશે કારણકે તેમણે રાગને અનુસાર શબ્દોને એક ગીતમાં પરોવી આપવા પડે.
૧૯૫૫ની ફિલ્મ 'શાહી મેહમાન'માં બિપિન બાબુલનાં સંગીત નિર્દેશનમાં પણ હસરત જયપુરીએ મોહમ્મદ રફી અને શમશાદ બેગમના સ્વરમાં એક યુગલ ગીત - રાત આયી હૈ જવાન - લખ્યું છે. આ ગીતનું પણ ડીજિટલ વર્ઝન નેટ પર ઉપલબ્ધ હોય તેમ જણાતું નથી. ફિલ્મનાં બીજાં ગીતો અન્જુમ જયપુરીએ અને એક અન્ય ગીત  રાજા મહેંદી અલી ખાને લખેલ છે.
આપણા દરેક અંકના અંતમાં મોહમ્મદ રફીએ ગાયેલ ગીત સાંભળવાની પરંપરા અનુસાર આજના અંકની સમાપ્તીમાં આપણે 'પીપલી સાહેબ' (૧૯૫૪)નું એક યુગલ ગીત સાંભળીશું.
લો આયે ઝૂમકે પીલપીલી , અરે ચાલ ઢાલ હૈ ગીલગીલી - મીના મંગેશકર સાથે - સંગીતકાર સાર્દુલ ક્વાત્રા
પીલપીલી, ગીલગીલી જેવા શબ્દોનાં જોડકણાંની ભૂલભૂલામણીમાં પણ હસરત જયપુરીએ ફિલ્મનું શીર્ષક વણી લીધું છે 



આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

No comments: