Showing posts with label Manna Dey. Show all posts
Showing posts with label Manna Dey. Show all posts

Sunday, May 17, 2020

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]

મન્ના ડેનાં સ્વરકૌશલ્યએ શાસ્ત્રીય રાગ પરની હિંદી ફિલ્મ ગીતરચનાઓને હાસ્યરસપ્રધાન ગીતોના પ્રદેશમાં પહોંચાડવાના સેતુની બહુ જ મુશ્કેલ છતાં એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આ એ સમયની વાત છે જ્યારે શ્રેષ્ઠ ગીતો કરૂણ રસના ભાવ સિવાય ન બને તે સ્વીકૃત પ્રણાલિ હતી, 'શ્રેષ્ઠ' ગીતોમાટેનું તે પછીનું ઉદ્‍ભવ સ્થાન શુધ્ધ રોમાંસના ભાવોમાં ગણાતું હતું. હાસ્યરસપ્રધાન ભૂમિકાઓ જ 'ટિકિટબારી'ને નજરમાં રાખીને વિચારાતી, એટલે હાસ્યરસપ્રધાન ગીતો તો અત્રતત્ર પડી રહેલી 'ખાલી' જગ્યા ભરવા માટે છેલ્લા ઉપાયનું શસ્ત્ર મનાતાં. એ સમયે પણ 'કોમૅડી' પ્રકારમાં ગણાયેલાં ગીતોની રચનામાં સરળતાથી ગાઈ શકે તેવી ધુનની રચના કરવા પાછળની સંગીતકારની મહેનત; હલકા ફુલકા, પણ સસ્તા નહીં, તેવા બોલ લખવા પાછળ ગીતકારની મહેનત અને ગીતમાં હાસ્યની સુક્ષ્મ લાગણી તાદૃશ કરતી ગાયકની ગાયન શૈલી કે કલાકારની ગીતને 'સ્થૂળ હાસ્ય"માં ખૂંપી ન જવા દેવાની મહેનતની ભાગ્યે જ નોંધ લેવાતી. આ બધાંને પરિણામે પહેલી પાટલીથી છેલ્લી મોંધી સીટ સુધીનો ફિલ્મનો પ્રેક્ષક ગીતના સમયે પોતાની સીટ પર જ હોંશે હોંશે બેસી રહે તે તો મહત્ત્વનું હતું જ.

સ્વાભાવિક છે કે  કરૂણ રસનાં કે રોમાંસનાં બીજાં ગીતોની જેમ હાસ્યરસપ્રધાન ગીતોના બધા જ પ્રયોગ સફળ પણ ન થતા , અને કદાચ સફળ થતા તો વિવેચકોને કબુલ ન બનતા. કરૂણ કે રોમાંસનાં ગીતોની સ્પર્ધામાં પૂરેપૂરી સફળતા મેળવતાં હાસ્યર્સપ્રધાન ગીતો સંખ્યાની દૃષ્ટિએ ભલે કદાચ બહુ ઓછાં હોય, પણ એવાં ગીતોમાં મોટાં ભાગનાં ગીતો મન્ના ડેના સ્વરમાં સાંભળવા મળે છે તે પણ સ્વીકારવું જ પડે. મન્ના ડેના સ્વરની જે ખુબી તેમનાં શાસ્ત્રીય 'સફળ ગીતોમાં સંભળવા મળતી તેનાથી કંઈક અલગ જ ખુબીઓ તેમનાં 'અદ્‍ભુત' થી માંડીને 'સામાન્ય' હાસ્યરસપ્ર્ધાન ગીતોમાં નીખરી રહેલ છે.

મન્નાડેની જન્મ્શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે આપણે છેલા પાંચ  મણકાથી મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો પર આપણું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. તે પૈકી ૪ મણકામાં આપણે મન્ના ડેનાં મેહમૂદ માટેમાં હાસ્યરસપ્ર્ધાન ગીતો સાંભળ્યાં અને છેલ્લા મણકામાં મન્નાડેનાં 'અન્ય (હાસ્ય) કલાકારો માટેનાં હાસ્યરસપ્રધાન ગીતો આપણે સાંભળ્યાં. એ મણકામાં ક્પુર ભાઈઓ, અશોક કુમાર અને વિજય આનંદ જેવા મુખ્ય ધારાના અકલાકારો અને જોહ્ની વૉકર જેવા કોમૅડી અભિનેતા માટેનાં ગીતો સાંભળ્યા હતા. આજાના આ શ્રેણીની સમાપ્તિના અંકમાં આપણે મન્નાડેનાં આઘા અને આઈ એસ જોહર માટેનાં ગીતો યાદ કર્યાં છે.


મન્ના ડે – આઘા

આઘા(જાન બૈગ) ની કોમેડીઅન તરીકે સફળતા તેમની કારકીર્દીનાં શરુઆતનાં વર્ષોમાં જ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. કોમેડીઅનને એક ગીત ફાળવવું એ પ્રથા જેમ જેમ ચલણી બનતી ગઈ તેમ તેમ આઘા પણ પર્દા પર ગીતો ગાવા લાગ્યા હતા. તેમને કોઈ ચોક્કસ ગાયકનો જ અવાજ મળે તેવી પણ કોઈ પ્રણાલી બની તેમ તો ન જ કહી શકાય, પણ મન્ના ડે અને આઘાનો કોમેડી ગીતના સંબંધે પરિચય ૧૯૫૫માં 'ઈન્સાનીયત'માં થયો.

મૈં રાવણ લંકા નરેશ - ઈન્સાનીયત (૧૯૫૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ 

આ ગીતમાં આઘાના ભાગે અકસ્માતે હુનુમાનના વેશમાં જે પંક્તિઓ પરદા પર ગાવાની આવી છે તે તો મોહમ્મદ રફીએ જ ગાઈ છે. પરદા પર રાવણના હોકારા પડકારાને વાચા મન્ના ડે એ આપી છે.


બમ ભોલાનાથ બમ ભોલાનાથ - રાજતિલક (૧૯૫૮) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

ફિલ્મમાં કોમેડી દ્વારા કોમેડીઅનની ભૂમિકા મદદરૂપ બને એ પણ 'સ્વીકૃત ફોર્મ્યુલા' બની ચુકી હતી. આ ગીતમાં એ ફોર્મ્યુલા તાદૃશ્ય થતી જોવા મળશે.


ફૂલ ગેંદવા ના મારો - દૂજ કા ચાંદ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પરદા પર જોયા વિના , શાત્રીય ગાયન શૈલી  પર આધારીત આ કક્ષાનાં ગીત સાંભળતાં તેની રચના, બોલ અને ગાયકી એમ બધાં અંગમાં મૂળ રચનાની શુધ્ધતાને નુકસાન પહોંચાડ્યા સિવાયનું હાસ્ય ગીત બનાવવાની મહેનત કાને પડે છે. જોકે, પરદા પર ગીત વડે હાસ્ય નીપજાવવાનો જ ઉદેશ્ય હોય એટલે આ પ્રયાસ કંઈક અંશે સ્થૂળ બની જતો અનુભવાય. પરંતુ તે સ્વીકારી જ લેવું રહ્યું.

પ્રસ્તુત ગીત હાસ્ય રસ પ્રધાન ગીતોના આદર્શ માપદંડ તરીકે સ્વીકારાયેલં ગીતોમાં અગ્રસ્થાને રહેલાં ગીતોમાં સ્થાન પામે છે. 


હો ગોરી ગોરી તેરી બાંકી બાંકી ચિતવનમેં જીયા મોરા બલખાયે - આધી રાત કે બાદ (૧૯૬૫) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન 

સ્વદેશી અને વિદેશી તાલ અને વાદ્યસંગીતને ગીતમાં વણી લઈને વિવિધ ભાવનાં ગીતોને આગવી કર્ણપિયતા બક્ષવાના પ્રયોગો માટે ચિત્રગુપ્ત જાણીતા છે. અહીં શાસ્ત્રીય ગાયન સૈલીથી શરૂઆત કરીએ પાશ્ચાત્ય શૈલી પર સરકી જવાનું કૌશલ્ય ગીતને હાસ્યપ્રધાન બનાવી રાખવામાં સફળ રહે છે. ગીતના દરેક તબક્કે મન્ના ડે ગીતના હળવા મિજાજને બખૂબી જાળવી રાખે છે. 


મન્ના ડે - આઈ એસ જોહર  

આઈ એસ જોહર (ઈન્દર સેન જોહર)ની પહેચાન મોટા ભાગનાં લોકોને એક કોમેડીઅન તરીકેની હશે, પરંતુ તે ફિલ્મોની અને નાટકો નાં પટકથા લેખન, દિગ્દર્શક તેમ જ નિર્માતા જેવી અનેકવિધ ક્ષમતાઓ ધરાવતા હતા. કેટલોક સમય તેમણે હિંદી ફિલ્મો વિશેનાં એક જાણીતાં સામયિક 'ફિલ્મફેર'માં ચબરાકીયા સવાલ-જવાબની કોલમ પણ સફળતાથી ચલાવી હતી. હોલીવુડની પણ અનેક જાણીતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. અભિનેતા  તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી 'એક થી લડકી ' (૧૯૪૯) અને તેમણે લખેલી અને દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ હતી 'શ્રીમતીજી (૧૯૫૨)..

અરે હાં દિલદાર કમડોવાલે કા હર તીર નિશાને પર - બેવક઼ૂફ (૧૯૬૦) - શમશાદ બેગમ  સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીત રેડીઓમાંથી ગવાય છે તેમ બતાવવા માટે ખરેખર રેડીયોની પાછળથી ગાવું એ વિચાર આઈ એસ જોહરને જ સૂઝે ! તેમાં પણ શરૂઆતમાં સ્વાભાવિકપણે છબરડા પણ થાય તેવી માર્મિક રમૂજ પણ ઉમેરાય છે. મના ડે, અને શમશાદ બેગમ પણ, ગીતમાં ખીલી ઊઠ્યાં છે. 


'બેવક઼ૂફ' આઈ એસ જોહર દ્વારા જ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. પરદા પર આઈ એસ જોહર પણ હોય એવાં બીજાં બે ગીતો પણ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં છે. દેખ ઈધર ધ્યાન તેરા કિધર હૈ (આશા ભોસલે સથે) માં આઈ એસ જોહરે સ્ત્રીવેશ ધારણ કર્યો છે, એટલે તેમના માટે આશા ભોસલે સ્વર આપે છે. સ્ત્રી પર લટ્ટુ બે 'સજ્જનો' માટે મન્ના ડે એકાદ લીટી ગીતમાં ગાય છે. ધડકા દિલ ધક ધક સે મૂળ તો હેલન પર ફિલ્માવાયેલું નૃત્ય ગીત છે.

યે દો દિવાને દિલકે - જોહર મેહમૂદ ઈન ગોવા (૧૯૬૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: કલ્યણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આઈ એસ જોહરે 'જોહર મેહમૂદ ઈન ઓવા' પછી ફિલ્મનાં સીર્શ્કમં 'જોહર' હોય એવી ઘણી ફિલ્મો કરી. દરેક ફિલમાં એ સ્થળની અમુક જાણીતી બાબતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મની કથા તેઓ ગુંથી લેતા. ફિલ્મનાં શીર્ષકમાં એ સ્થળનું નામ પણ સામેલ હોય..

ઉત્તરોત્તર દરેક ફિલ્મ વધારેને વધારે સ્થૂળ બનતી ગઈ તે વાતની દુઃખદ નોંધ આપણે અહીં  લેવી પડે.


પ્યાર કિયાં તો મરના ક્યા  - રાઝ (૧૯૬૩) સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શમીમ જયપુરી

ગીતના મુખડાના બોલથી જ જ ખબર પડી જાય છે કે આ કયાં ગીતની પૅરોડી છે.


આ પછીનાં ગીતો પણ કૉમેડી કે ગીતની ગુણવત્તાની દૃષ્ટિએ હજુ નીચે જ ઉતરતાં જણાઈ રહ્યાં છે. આપણે જે વિષય હાથ પર લીધો છે તેને દસ્તાવેજીકરણની દૃષ્ટિએ ન્યાય કરવા માટે કરીને આપણે એ ગીતોની માત્ર નોંધ જ અહીં લઈશું.

બચપનકી હસીં મંઝિલ પે જબ હુસ્ન ગુઝર કે આયે - જોહર ઈન બોમ્બે (૧૯૬૭)- ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

બેશરમ સે શરમ ન કર, હેરા ફેરી સે મત ડર - તીન ચોર (૧૯૭૩) - મોહમ્મદ રફી, મુકેશ સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હમ સબકા હૈ શુભચિંતક- ખલિફા (૧૯૭૬) - કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન - ગીતકાર: ગુલશન બાવરા 

ક્યા મિલ ગયા સરકાર તુમ્હેં ઇમર્જન્સી લગા કે - નસબંદી (૧૯૭૮) - મહેન્દ્ર કપૂર સાથે - સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર હુલ્લડ મુરાબાબાદી

આઇ એસ જોહર વિષયોની આટલી વિવિધતા વિશે વિચારી શક્યા, પણ એ વિચારના અમલમાં તેઓ એ વિચારને, અને પરિણામે મન્ના ડેના સ્વરને પણ, સરાસર અન્યાય કરી ગયા એ ખેદ સાથે મના ડેનાં કોમેડી ગીતોની આ શ્રેણી આજે અહીં પૂરી કરી છીએ.

મન્ના દેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેની મન્ના ડે - ભૂલ્યા ના ભુલાશે પણ અહીં પૂરી કરીશું.

જોકે આ શ્રેણીમાં આવરી લેવાયેલ ગીતો સિવાયનાં પણ મન્ના ડેનાં હજુ અસંખ્ય બીજાં ગીતો છે. એ બધાં ગીતોને આપણે આપણી મન્ના ડે - ચલે જા રહેં હૈ' શ્રેણીના વાર્ષિક અંકોમાં યાદ કરતાં રહીશું.

 +    +     +

 દરેક શ્રેણીના બધા જ અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો

મન્ના ડે - ભૂલ્યા ના ભૂલાશે

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો



Sunday, May 10, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૨૦

મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૧-૧૯૫૩
મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) - હિંદી ફિલ્મ સંગીતનાં હીરો માટેના નિશ્ચિત પાર્શ્વ સ્વર જેવાં એકાદ બે સ્થૂળ પરિમાણો પર કદાચ સફળ ગાયક નથી ગણાતા. ૧૯૫૦ના અને '૬૦ના દાયકાઓમાં ફિલ્મના મુખ્ય અભિનેતા માટે જ્યારે સામાન્યતઃ મોહમ્મદ રફી કે મુકેશ, કે પછી તલત મહમૂદ, મહેન્દ્ર કપૂર કે કિશોર કુમાર વધારે સ્વીકૃત ગણાતા ત્યારે અમુક ચોક્કસ પ્રકારનાં ગીતો માટે મના ડેનો સ્વર પ્રયોજવાની એક રૂઢ પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ ચુકી હતી. આ પ્રકારનાં ગીતોમાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોમાં મન્ના ડે અન્ય ગાયકોથી ખુબ આગળનું સ્થાન ભોગવતા હતા. તે સાથે એ પણ હકીકત છે કે વિધિની જે વક્રતાને કારણે તેમને એ પ્રકારની તથાકથિત વ્યાપારી સફળતા ભલે ન મળી ગણાતી હોય, પણ રોમેન્ટીક યુગલ ગીતો સહિતની હાસ્યરસપ્રધાન ગીતો, ભજનો, ભિક્ષુક ગીતો જેવી અનેક શ્રેણીઑમાંના તેમનાં અનેક ગીતો એ સમયે, અને આજ સુધી પણ, શ્રેષ્ઠ ગીતોની અગ્રીમ હરોળમાં સ્થાન મેળવતાં રહ્યાં છે. બંગાળી અને હિંદી ઉપરાંત ભોજપુરી, અવધી, પંજાબી, આસામી, ગુજરાતી, ઉડીયા, કોંકણી, મરાઠી, કન્નડ, મલયામલી અને સિંધી જેવી ભાષાઓમાં તેમણે જે સહજતાથી ગીતો ગાયાં છે તે તેમની સર્વતોમુખી પ્રતિભાનું એક પ્રમાણ છે.
હિંદી ફિલ્મોનાં ગીતો પૂરતી જ વાત કરીએ તો મન્ના ડેની ગાયકીનાં સ્વર અને ઉચ્ચારની સ્પષ્ટતા, ભાવ અને લાગણીઓની સ્વ્હાભાવિક રજૂઆત, સહગાયકોના સ્વર સાથે એકસૂત્રતા જેવાં ગુણવતા પરિમાણોમાં તેમનાં કેટલાંય ગીતો આદર્શ ધોરણનાં સ્થાને સ્વીકારાયાં છે. તે સાથે ગીતોની સંખ્યા, જે સંગીતકારો સાથે કે સહગાયકો સાથે તેમણે ગીતો ગયાં તેની સંખ્યા , તેમને મળેલ માનઅકરામોની સંખ્યા જેવાં આંક્ડાકીય પરિમાણોમાં પણ તેમનું સ્થાન ખુબ સન્માનીય અને આગળ પડતું રહ્યું છે.
વર્ષ ૨૦૧૮થી આપણે મન્નાડેનાં ઓછાં જાણીતાં કહી શકાય તેવાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ તેમના જન્મના મે મહિનાના આપણા આ મંચના અંકમાં કરવાનું શરૂ કરેલ છે.
  1. ૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો, અને,
  2. ૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો
આપણે સાંભળી ચૂક્યાં છીએ.
તે ઉપરાંત ૨૦૧૯ના મે મહિનાથી, તેમની જન્મશાતાબ્દીની ઉજવણી સ્વરૂપે  આપણે મન્ના ડેએ પ્રથમ હરોળના અભિનેતાઓ માટે ગાયેલા ગીતોના ૭ અંક, મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતોના ૪ અંક અને અન્ય અભિનેતાઓ અને કોમેડીયનો માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો ના બે અંક ને આવરી લેતી 'ભૂલ્યા ના ભૂલાશે' અલગ શ્રેણી પણ માણી છે.
આમ હવે પછી આપણી આ વાર્ષિક શ્રેણીંમાં આપણે મન્નાડેનાં અત્યાર સુધી, 'ભૂલ્યા ના ભૂલાશે'શ્રેણીમાં ન આવરી લેવાયેલ ગીતોને સાંભળવાને પ્રાથમિકતા આપીશું. આજના અંકમાં મન્ના ડેનાં ૧૯૫૧થી ૧૯૫૩નાં ગીતોને યાદ કર્યાં છે.
૧૯૫૧
૧૯૫૧માં મના ડેની કારકીર્દીમાં ખુબ જ મહત્ત્વનું ગંણાતું ગીત તેરે બીના આગ યે ચાંદની આર કે ફિલ્મ્સની 'આવારા'માં સાંભળવા મળ્યું. ગીતમાં મન્નાડે દ્વારા વ્યક્ત થયેલ રાજ કપૂરના પાત્રની વ્યથા લોકોનાં હૃદયને સ્પર્શી ગઈ. જોકે આ સિવાય ૧૯૫૧નાં વર્ષમાં મન્નાડેના ફાળે ધાર્મિક ફિલ્મોનાં ગીતો જ આવ્યાં.
ભોલા નાથ રે નૈયા પાર લગાનેવાલે - શ્રી ગણેશ જન્મ - ગીતા દત્ત સાથે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ / મન્ના ડે – ગીતકાર: ભરત વ્યાસ
આ ફિલ્મમાં મન્ના ડેએ ખેમચંદ પ્રકાશના સહાયક તરીકેની ભૂમિકા નીભાવી હશે? કદાચ એ જ કારણસર પ્રસ્તુત ગીતમાં બંગાળની બાઉલ લોકગીત શૈલીનો પ્રભાવ જણાય છે. 

'શ્રી ગણેશ જન્મ' ફિલ્મમાં એક ગણેશ સ્ત્રોત્ર પણ છે, જેમાં મન્ના ડે માત્ર શરૂઆતનો શ્લોક ગાય છે, બાકીની આખી રચના સુલોચના કદમ અને સાથીઓના સ્વરમાં છે, જે જાણકાર મિત્રોના જણાવ્યા મુજબ રાગ આસાવરી સારંગમાં સ્વરબદ્ધ થયેલ છે.
જાઓ જાઓ આ ગયા બુલાવા જંગ કા - રાજપુત  - મધુબાલા ઝવેરી, તલત મહમૂદ સાથે – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ
ગીતનો પહેલો ભાગ મધુબાલા ઝવેરી અને તલત મહમૂદના સ્વરમાં નવપરિણીત રાજપુત દંપતિ વચ્ચેના સંવાદ રૂપે છે. નવોઢા પોતાના પતિને યુધ્ધમાં જવા માટે સમજાવે છે જ્યારે પતિ પોતાની નવપરિણીત પત્નીને છોડી જતાં અચકાય છે. ગીતના બીજા ભાગમાં - @2.06- મન્ના ડેના સ્વરમાં તે પછીની ઘટ્નાઓનું બયાન છે. 

વંદે માતરમ - આંદોલન - પારૂલ ઘોષ, સુધા મલ્હોત્રા સાથે – સંગીતકાર: પન્નાલાલ ઘોષ – ગીતકાર: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
કોર્ટમાં સત્યાગ્રહી મહિલા વંદે માતરમ ગાવા લાગે છે, જેને ત્યાં હાજર બધાં ટેકો કરે છે. સુધા મલ્હોત્રા અને મન્ના ડેના સ્વર એ સમુહ ગાનમાં જ લેવાયા જણાય છે.

સુબહકી પહેલી કિરણ તક ઝિંદગી મુશ્કિલ મેં હૈ - આંદોલન - કિશોર કુમાર સાથે - સંગીતકાર પન્નાલાલ ઘોષ - ગીતકાર નિઆઝ હૈદર
યુવાન, તરવરીયા કિશોર કુમારને જોવા / સાંભળવાનો લ્હાવો મળે છે. જેલમાં કિશોર કુમાર અને તેનાં સાથીદારો ગીત ગાતાં ગાતાં કેમ પ્રવેશતાં હશે તે તો આખી ફિલ્મ જોઈ હોય તો સમજાય. બીજી કડીમાં મન્ના ડે જેલમાં રહેલા સ્વાતંત્ર્ય લડવૈયા માટે સ્વર આપે છે. એ કલાકાર નથી ઓળખી શકાયા.
આડવાત - આ જ નામની એક ફિલ્મ ૧૯૭૮માં પણ બની હતી જેનું સંગીત જયદેવે આપ્યું હતું.
૧૯૫૨
૧૯૫૨ માટે મન્ના ડેનાં બહુ થોડાં ગીતો મળે છે.
જિયો જિયો મેરે લાલ તેરી ટેઢી ટેઢી ચાલ - મા - કિશોર કુમાર, અરૂણ કુમાર સાથે – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ભરત વ્યાસ
બહુ હળવા ભાવનું ગીત છે. અહીં પણ બહુ જ યુવાન ભારત ભુષણ (જેના માટે ગીતમાં સ્વર કિશોર કુમારનો છે), સુદેશ કુમાર, આસિત સેન અને સાવ છોકરડા જેવો મેહમૂદ પરદા પર જોવા મળે છે. મન્ના ડેના ભાગે @ 2.30 આવેલ પંક્તો ભજનના ઢાળમાં છે !

આડવાત - 'મા' શીર્ષકની બીજી બે ફિલ્મો બની હતી. ૧૯૬૦માં રજૂ થયેલી ફિલ્મમાં સંગીત ચિત્રગુપ્તનું હતું, જ્યારે ૧૯૭૪માં બનેલી ફિલ્મમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું સંગીત હતું.
૧૯૫૩
૧૯૫૩માં મન્ના ડેની કારકીર્દીને અલગ સ્તરે લઈ જતી બે ફિલ્મો - બુટ પોલીશ અને દો બીઘા ઝમીન- રજૂ થઈ. આ બન્ને ફિલ્મોનાં મન્ના ડેનાં સ્વરમાં ગવાયેલાં ગીતો હિંદી ફિલ્મ સંગીતની તવારીખમાં શાશ્વત સ્થાન પણ પ્રાપ્ત કરી ગયાં. વિધિની વક્ર દૃષ્ટિ પણ ચાલુ જ રહી કેમકે આ જ ગીતોની અદ્‍ભૂત સફળતાને કારણે મન્ના ડેની કારકીર્દીમાં અમુક તમુક પ્રકારનાં ગીતોનાં ચોકઠામાં જકડાઈ જવાનું જાણે અમીટપણે લખાતું ગયું. 
૧૯૫૩માં એક ફિલ્મ એવી પણ રજૂ થઈ જેમાં મન્ના ડેના ફાળે ફિલ્મના મુખ્ય નાયકનાં બધાં જ ગીતો ગાવાનું આવ્યું. એ ફિલ્મ હતી 'હમદર્દ' પણ અહીં પણ વિધિની ચાલ તો વાંકી જ ચાલતી રહી. ફિલ્મનો નાયક શેખર આગળ જતાં 'સફળ' ન થયો. રૂતુઓનાં આગમન અનુસાર રાગની પસંદગી પર આધારીત, લતા મંગેશકર સાથેનું બે ભાગનું યુગલ ગીત - રીતુ આયે રીતુ જાયે સખી રી અને પી બીન સુના રી - જાણીતું બન્યું, પણ તેની સફળતાને શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતનાં ચોકઠામાં જકડી બેસાડાયું. ખેર, ફિલ્મનાં બીજાં ગીતો પણ ખુબ જ કર્ણપ્રિય છે.
તેરા હાથમેં હાથ આ ગયા...કે ચિરાગ રાહમેં જલ ગયા - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
પ્રેમિકાની યાદના ભાવને તાદૂશ કરતી મન્નાડેની ગાયકી આપણને પણ ગીતના ભાવમાં ડુબાડી દે છે. ગીતની ધુન કંઈક અંશે મુશ્કેલ છે, એટલે ગીત સાંભળ્યા પછી ગણગણવાનું મન થાય તો ગણગણી કદાચ ન શકાય !
મેરે મન કી ધડકન મેં કૉઇ નાચે - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન 
મંચ પર ગીતની સાથે નૃત્ય પણ રજૂ થતું હોય તે પ્રકારનું આ ગીત છે. ગીતની લય ખુબ સરળ છે, જો કે ગીત બહુ સહેલું તો ન જ કહેવાય, પણ ફરી ફરીને સાંભળવું જરૂર ગમે.
વો ઘાયલ કરતે હૈ ખુદ.. બદલ ગયા રંગ મહેફિલ કા - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન
હોટેલમાં કલાકાર સંગીત પણ પીરસે તે પ્રકારની સીચ્યુએશન ગીતની છે. ગાયક ગીતના શબ્દો ગાય તે નાયિકાની દરેક ચેષ્ટા સાથે સુસંગત પણ બનતી રહે. બીજી કડીમાં હવે દૃશ્ય બદલે છે અને ગાયક અને તેનિં સહવૃંદ અન્ય શ્રોતા વર્ગ સમક્ષ પોતાની કાર્યક્રમ રજૂ કરે છે. છેલ્લી કડીમાં ફરીથી ગીતના બોલ નાયિકાને ઉદ્દેશીને કહેવાતા હોય તેમ જણાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે. 
નૈના ભયે અનાથ હમારે...જબ આંખેં હી ન દી માલિકને તો દિલ ભી ન દિયા હોતા - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન
કવ્વાલી શૈલીમાં રચાયેલ આ ગીત પણ પોતાની સંસ્થા માટે નાણાં ઊભાં કરવા માટે ગવાતા કાર્યક્રમો પૈકીનું જ છે.
દાતા તુ જગ કા પાલન હાર - મહાત્મા – સંગીતકાર:  વસંત પવાર – ગીતકાર: રામ વાધવકર
કેટલાક સંદર્ભમાં આ ગીતના ગાયક  તરીકે 'અન્ય ગાયક' એમ નોંધવામાં આવ્યું છે. અહીં રજૂ કરેલી ક્લિપની નીચેની કોમેન્ટ માં ગાયક 'પ્રકાશ' છે તેમ પણ જણાવાયું છે.    પરંતુ http://www.mannadey.in/  અને  https://mannadey.weebly.com/ માં આ ગીત મન્ના ડેના સ્વરમાં દર્શાવાયું હોવાથી આ ગીતને આપણે અહીં સમાવ્યું છે.

આસ કે કિતને દિયે જલાએ….ફિર ભી રામ નજ઼ર નહીં આયા - મેહમાન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એન રંગીન
ભજનની શૈલીમાં રચાયેલ આ ગીતના પૂર્વાલાપમાં તેમ જંતરાના વાદ્ય સંગીતમાં વાંસળીનો પ્રયોગ મુખ્ય ભૂમિકા ભજવે છે. અનિલ બિશ્વાસનાં એ સમયનાં સંગીત માટે એમ મનાતું કે જ્યારે ગીતમાં વાંસળીની ભૂમિકા અગ્રભાગે હોય ત્યારે તેઓ હંમેશાં પંડિત પન્નાલાલ ઘોષને જ આમંત્રતા. 
આડવાત - 'મેહમાન'નામની ફિલ્મ આ પહેલાં ૧૯૪૨માં બની હતી, જેનું સંગીત ખેમચંદ પ્રકાશે સંભાળ્યું હતું, ફરી એક વાર આ જ નામની ફિલ્મ ૧૯૭૪માં બની હતી જેનું સંગીત રવિએ આપ્યું હતું.
ચલી રાધે રાની...અખીયોંમેં પાની  - પરિણીતા – સંગીતકાર: અરૂણ કુમાર મુખર્જી – ગીતકાર: ભરત વ્યાસ
બંગાળની બાઉલ લોકગીત ભજન શૈલી પર રચાયેલ આ ગીત પણ ખુબ જ પ્રસિધ્ધિ પામ્યું અને પ્રસિદ્ધિએ મન્ના ડે માટેની ભજન પ્રકારનાં ગીતો માટેની 'આગવી' છાપને વધારે ઊંડી પણ કરી. જોકે, આ ગીતમાં નોંધપાત્ર છે મન્ના ડેની ગીતના ભાવને સ્પષ્ટતાથી રજૂ કરવાની હથોટી. ગીતનાં પહેલાં સંસ્ક્રણમાં નાયિકાની નાયક સાથેની તકરાર પ્રેમની મીઠી નોંકઝોંક સ્વરૂપે છે, જેને મન્ના ડે પણ નાચતા કુદતા ભાવમાં રજૂ કરે છે. બીજાં સંસ્કરણમાં હવે જુદાઈના સંજોગો કરૂણ સ્વરૂપે અનુભવાય છે, જેને મન્ના ડે બહુ જ સુવાળપભર્યા સ્વર વડે વ્યક્ત કરે છે.
ફરી આડવાત - આ જ મૂળ વાર્તા પરથી ફરી એક વાર આ જ નામે, ૨૦૦૫માં ફિલ્મ બની હતી, જેનું સંગીત શાંતનુ મોઈત્રાએ આપ્યું હતું.
શાહી કી ઝંઝીરે તોડ કે ચલો - શહેનશાહ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
'મશાલ'ની સફળતા બાદ ફરી ત્રણ વર્ષે એસ ડી બર્મન મન્ના ડેને યાદ કરે છે. શાસનની જોહુકમીઓની સાંકળોનાં બંધન તોડી નાખવાનું એલાન કરતાં આ લશ્કરની કુચના તાલ પર રચાયેલાં ગીત માટે મન્નાડેના સ્વરની બુલંદી જ યોગ્ય ન્યાય આપી શકે.
ક્રોધ કપટ કે અંધિયારે ને – અરમાન – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી 
બેકગ્રાઉન્ડમાં ગવાતાં ભજન શૈલીનાં ગીત માટે તો મન્ના ડેના સ્વરની પસંદગી થાય એ બાબતે હવે નવાઈ ન લાગે.
રાત કે રાહી રૂક મત જાના સુબહકી મંઝિલ દૂર નહીં - બાબલા – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી -
પ્રેરણાત્મક સંદેશ આપતાં ગીતને મન્ના ડેના સ્વરની આગવી મીઠાશની સહાયથી ખાસ્સી લોકચાહના મળતી રહી છે.

ગીતનું એક બીજું વર્ઝન લતા મંગેશકરના સ્વરમાં પણ છે.

સોનેવાલે જાગ જ઼રા, ક્યું સમય સુહાના ખોતા હૈ - સુરંગ – સંગીતકાર: શિવરામકૃષ્ણ – ગીતકાર: શેવાન રીઝ્વી
આ ફિલ્મનાં વસ્તુનાં સમય્કાળમાં અમુક નાતની વસ્તીને ગામની બહાર રહેવાની ફરજ પડાતી. આવી  વસ્તીનાં લોકો મોડી સંજે પોતાની જિંદગીના ભારને હળવો કરવા પ્રેરણાત્મક ગીતોનો આશરો લેતાં હોય  

ચલ દિલ-એ-મજ઼બુર, ઈસ ઝુલ્મ કી દુનિયા સે દૂર - સુરંગ – સંગીતકાર: શિવરામકૃષ્ણ – ગીતકાર: શેવાન રીઝ્વી -
ગામની બહાર રહેતી વસ્તીનો એક વૃધ્ધ આગેવાન શુધ્ધ ઉર્દુમાં જે પ્રેરણા ગીત ગાય છે (!!) તેના બોલથી ઉચ્ચ વર્ગના નાયકને પણ શાતા વળે છે. તે એ ગીતના બોલ પાછળ પાછળ વસ્તી સુધી ખેંચાઈ આવે છે.

આપણે સામાન્યતઃ યુટ્યુબ પર ક્લિપ્સ હોય એવાં ગીતોને આ પ્રકારના
લેખોમાં સમાવતાં હોઈએ છીએ. મન્નાડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોની ખોજ માટે આપણે એસ પી ચેટર્જી દ્વાર રચાયેલ વેબસાઈટ  https://mannadey.weebly.com/ ની પણ મદદ લીધેલ છે. ત્યાં આપણને કેટલાંક બીજાં ગીતો ઓડીયો ક્લિપના સ્વરૂપે પણ સાંભળવા મળે છે. અહીં એવાં હજુ બીજાં ગીતોની પણ નોંધ કરવામાં આવી છે, પરંતુ તેની ઓડીયો લિંક પ્રાપ્ય નથી શક્ય બની. એવાં ગીતોનો ઉલ્લેખ આપણે આપણા આ લેખમાં નથી કર્યો.
મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોની આ સફર આગળ પણ આટલી જ આકર્ષક રહેશે તે વિશ્વાસ સાથે અહીં એક વિરામ લઈશું.  
 આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, April 26, 2020

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૧]


મન્ના ડેમી કારકીર્દીમાં હાસ્યરસપ્રધાન ગીતોની સફરની અદિ હટો કાહેકો બનાઓ બતીયાં (મંઝીલ, ૧૯૬૦)થી શરૂ થયેલી ગણી શકાય આ સીમાચિહ્ન ગીતને પર્દા પર મેહમૂદે અભિનિત કર્યું હતું. એ ગીતની અપ્રતિમ સફળતાને કારણે મન્નાડેના સ્વરમાં મેહમૂદ માટે ગીત ગવડાવવાની એક પ્રથા તો સ્થપાય એ તો સ્વાભાવિક જ હતું. તે સાથે મન્નાડેના સ્વરમાં અન્ય હાસ્ય કળાકારો માટે પણ ગીત ગવડાવવાનું બીજા સંગીતકારોને પણ પસંદ પડવા ન લાગે તો જ નવાઈ કહેવાય. મન્ના ડેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ આ ખાસ શ્રેણીના આખરી પડાવમાં આપણે મન્નાડેનાં અન્ય કળાકારોમાટેનાં હાસ્યરસપ્રધાન ગીતોને યાદ કરીશું.
જોકે એ વિષય પર આગળ વધતાં પહેલાં મન્ના ડે એ ફિલ્મ જગતમાં 'હીરો' તરીકે ઓળખાતા, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા, કળાકારો માટે પણ જે પ્રસંગોપાત હાસ્યરસપ્રધાન ગીતો ગાયાં છે તેવાં ગીતોને યાદ કરી લઈએ.
પ્રથમ હરોળના કળાકારો માટે ગાયેલાં મન્નાડેનાં હાસ્યરસપ્રધાન ગીતો
મન્ના ડે એ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવતા કળાકરો માટે ઘણાં નોંધપાત્ર ગીતો ગાયાં છે, જે આપણે સાત અલગ અલગ અંકોમાં આપણે બહુ વિગતે યાદ કર્યાં હતાં.એ અંકોમાં આપણે અમુક કળાકારો માટે મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતોની નોંધ લીધી પણ હતી. આજે એ ઉપરાંતનાં કૅટલાંક ગીતો અહીં યાદ કરીશું.
કપુર ભાઈઓની ત્રિપુટીમાટે મન્નાડેનાં કૉમેડી ગીતો
'૪૦ના દાયકાના અંતમાં હિંદી ફિલ્મ જગતના સુવર્ણ યુગના પાર્શ્વગાયકોનાં પદાર્પણ થયાં તે પછીના '૫૦ના અને '૬૦ના દાયકામાં મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર કે મન્ના ડે જેવા ગાયકો વચ્ચે જ બધા અભિનેતાઓએ પર્દા પર લગભગ દરેક ભાવનાં ગાયેલાં ગીતોનો સમાવેશ થઈ જાય. એમાં એક મન્ના ડે કદચ  એક જ એવા અપવાદ ગણી શકાય જેમણે રાજ, શમ્મી અને શશી એમ ત્રણેય કપૂર ભાઈઓ માટે કૉમેડી ગીતો પણ ગાયાં હોય.
મન્ના ડે અને રાજ કપૂર
રાજ કપૂરના મુખ્ય પાર્શ્વ ગાયક તરીકેનું સ્થાન ભલે મુકેશનું હતું, પણ મન્નાડે એ પણ રાજ કપૂર માટેના મુકેશ પછીની પસંદના પાર્શ્વ ગાયક તરીકે સ્થાન અંકે કર્યૂં  હતું. 'આવારા' (૧૯૫૧) માં બન્નેના સંગાથની શરૂઆતથી જ મન્ના ડે એ રાજ કપૂર માટે લગભ્ગ દરેક ભાવનાં ગીતો ગાયાં છે. તેરે બીના આગ યે ચાંદનીમાં (આવારા, ૧૯૫૧) કરૂણ ભાવ કે પ્રેમના ભાવમાં લથબથ પ્યાર હુઆ ઈકરાર હુઆ ની સાથે હળવા મિજાજનું નૃત્ય ગીત મુડ મુડ કે ન દેખ કે હળવાશથી ગંભીર વાત કહેતું દિલકા હાલ સુને દિલવાલા (બધાં, શ્રી ૪૨૦, ૧૯૫૫) સુધી હજૂ માત્ર અને માત્ર કૉમેડી ગીત કહી શકાય એવું ગીત મન્નાડેના ફાળે નહોતું આવ્યું.
મામા ઓ મામા ઓ પ્યારે મામા - પરવરિશ (૧૯૫૮) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી
'પરવરિશ'માં આંસુ ભરી હૈ સિવાય રાજ કપૂરનાં બધાં જ ગીતો મન્ના ડેએ ગાયાં હતાં. એટલે પ્રસ્તુત ગીતમાં મેહમૂદ માટે મોહમ્મદ રફીનો અવાજ જાય તે તો સ્વાભાવિક જણાય. 
એ પછી રાજ કપૂર માટે કૉમેડી ગીત  'દિલ હી તો હૈ (૧૯૬૩)માં મન્નાડે એ ગાયું.
લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે - દિલ હી તો હૈ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ફિલ્મમાં રોશને  રાજ કપૂર માટેનાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં જ રેકોર્ડ કર્યાં. એ બધાં  જ ગીતો હતાં પણ ખુબ ઊંચી કક્ષાનાં. પરંતુ શાસ્ત્રીય રાગ પર આધારિત કૉમેડી ગીત ગાવાની વાત આવી હશે એટલે રોશન મન્ના ડે તરફ ઢળ્યા હશે. તેમાં પાછૂં ગીત રાજ કપૂરે છદ્મવેશમાં ગાયું છે એટલે બીજા સ્વરનો ઉપયોગ કરવો વધારે સ્વાભાવિક પણ ગણાયું હશે.

મન્ના ડે અને શમ્મી કપૂર
મન્નાડે શમ્મી કપૂર માટે અબ કહાં જાયેં હમ  કે 'ઉજાલા'નાં અન્ય ત્રણ ગીતો સિવાય 'ક્વચિત' પસંદગીના જ પાર્શ્વગાયક રહ્યા. મન્ના ડે અને શમ્મી કપૂરનાં એ બધાં ગીતો આપણે અલગથી સાંભળી ચૂક્યાં છીએ.
મેરી ભૈંસ કો ડંડા ક્યું મારા - પગલા કહીં કા (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
અહીં પણ શમ્મી કપૂર માટે મુખ્ય પાર્શ્વ ગાયક તો મોહમ્મદ રફી જ હતા. પરંતુ ગીતની ખાસ સીચ્યુએશન માટે શંકર જયકિશને ફરી એક વાર શમ્મી કપૂરના પાર્શ્વ સ્વર માટે મન્નાડેનો પ્રયોગ કર્યો છે.

મન્ના ડે અને શશી કપૂર
સુન લે પ્યાર દુશ્મન દુનિયા - પ્યાર કિયે જા (૧૯૬૬) - કિશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ગીત સાવે સાવ કૉમેડી ગીતની કક્ષામાં તો ન મુકાય, પણ બે પ્રેમી યુગલો પોતાના પ્રેમની 'જાલિમ દુનિયાની જોહુકમી'  સમક્ષ જાહેરાત હળવાશથી જરૂર કરે છે.

પ્રથમ હરોળના અન્ય કળાકારો માટે મન્ના ડેનાં કૉમેડી ગીતો
મન્ના ડેએ  અશોક કુમાર માટે ગાયેલાં ગીતોની વાત કરતાં આપણે મન્ના ડે એ તેમના માટે ગાયેલાં બે સાવ અલગ જ પ્રકારનાં કૉમેડી ગીતોની વાત કરી હતી. તેમાંથી બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) જેટલું સફળ બન્યું તેટલું સફળ જા રે બેઈમાન તુઝે જાન લિયા જાન લિયા (પ્રાઈવેટ સેક્રેટરી, ૧૯૬૨ – સંગીતકાર: દિલીપ ધોળકિયા ગીતકાર: પ્રેમ ધવન) ન ગણાય
મન્ના ડે અને વિજય આનંદ
મન્ના ડે અને વિજય આનાંદ કોંમેડી પ્રકારનાં ગીતમાં સાથે હોય એવાં ગીતનું અકસ્માત 'મળી આવવું એ આખી શ્રેણી દરમ્યાન બહુ ઓછાં સાંભળવા મળેતાં ગીતોને સાંભળવાની જે કોઈ તકો મળી તેમાં સૌથી વધારે મજા પડી ગઈ હોય એવી તક છે.
મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત - આગ્રા રોડ (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર રોશન - ગીતકાર પ્રેમ ધવન
ફિલ્મ્ના સિધ્ધ્હસ્ત દિગ્દર્શકોમાં નામના ધરાવતા વિજય આનંદ ગીતોનાં ફિલ્મીકરણના તો જાદુગર મનાતા હતા. પોતે  દિગ્દર્શિત કરેલ ફિલ્મનાં કોઈક ગીતમાં તે આલ્ફ્રેડ હિચકોકની જેમ દેખાઈ પણ દેતા. ફિલ્મમાં કેમેરાની આગળ 'હીરો' તરીકે તેમના પ્રયાસ બહુ સફળ નથી ગણાયા. અહીં તેઓએ થ્રિલર ફિલ્મોના ખાસ કસબી ગણાતા (નગીના, ૧૯૫૧ થી પ્રકાશમાં આવેલા) રવિન્દ્ર દવેનાં દિગ્દર્શન હેઠળ કેમેરા સામે કામ કર્યું છે.
મન્ના ડે અને ગીતા દત્તનાં યુગલ ગીતો પણ સંખ્યામાં બહુ થોડાં જ છે. આમ અહીં એ બન્નેને પણ સાથે સાંભળવાનો લ્હાવો પણ મળે છે.
અન્ય કૉમેડી કલાકારો માટે મન્ના ડેએ ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો
મેહમૂદ માટે મન્નાડેના સ્વરમાં રેકોર્ડ થયેલ સીમાચિહ્ન ગીત હટો કાહે કો બનાઓ જૂઠી બતિયાં (મંઝિલ, ૧૯૬૦) પછી મન્ના ડેએ જે કોમેડીઅન માટે ગીત ગાયું એ હતા એ સમયના ટોચના કોમેડીઅન જોહ્ની વૉકર.
મન્ના ડેનાં જોહ્ની વૉકર માટેનાં કૉમેડી ગીતો
જોહ્ની વૉકરમાટે પર્દા પાછળના સ્વર માટે મોહમ્મદ રફી જ છવાયેલા હતા. મોહમ્મદ રફીએ તેમની ગાયકીની શૈલીમાં જોહ્ની વૉકરની અદાઓને એટલી હદે આત્મસાત કરી હતી કે માત્ર તેમનું ગીત સાંભળતાં જ ખયાલ આવી જાય કે આ તો જોહ્ની વૉકરનું ગીત છે.
અર્રે કિસને ચીલમન સે મારા = બાત એક રાત કી (૧૯૬૨) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાન્પુરી 
એને યોગાનુયોગ કહેવો કે મન્ના ડેનાં નસીબનો ચમકારો કહેવો, પણ એસ ડી બર્મનને ફરી એક વાર  એક કૉમેડી ગીત માટે તળ શાસ્ત્રીય રચના પર અભિનવ પ્રયોગ કરવાનું સુઝ્યું. 'બાત એક રાત કી'માં જોહ્ની વીકરનાં બીજાં ગીતો - આજ કા દિન હૈ ફિક઼ા ફિક઼ા - મોહમ્મદ રફીએ તેમની આગવી શૈલીમાં ગાયાં જ હતાં. ઠુમરીની શૈલીમાં ગવાતાં આ મુજ઼રા નૃત્યનાં ગીત માટે એસ ડી બર્મનની પસંદ મન્ના ડે હતા. જોહ્ની વૉકરને આ વાત કેમ ગળે ઉતરી હશે તે કલ્પવું મણ મુશકેલ છે. પણ સો વાતની એક વાત, આપણને ફરી એક વાર મન્ના ડેનું સર્વાકાલીન સીમાચિહ્ન કૉમેડી ગીત સાંભળવા મળ્યું.
અહીં પણ જોહ્ની વૉકરની અદાઓ માટે ખાસ જગ્યા બનાવાઈ જ છે અને મન્ના ડે તેને અદલોદલ ન્યાય પણ કરી રહે છે.

જ્હોની વૉકર માટે મન્ના ડે એ હવે પછી જે કંઈ ગીતો ગાયાં તે કલ્યાણજી આણંદજી દ્વારા જ સ્વરબધ્ધ કરાયેલાં છે.
મેરે મહેબૂબ મુઝ કો -  હસીના માન જાયેગી (૧૯૬૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી
'રૂઠેલી' પ્રેમિકાને મનાવવાનો ઈજારો એકલા હીરોલોગનો જ નથી હોતો, કૉમેડીઅન પણ એ મસાલામાં પોતાની કૉમેડીનો એકાદ નવો સ્વાદ ઉમેરવાની કોશીશ કેમ ન કરી લે !
એક અનાર દો બીમાર - બાઝી (૧૯૬૮) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શકીલ બદાયુની
ફિલ્મોમાં અમુક ઢાંચા એવી જબરી ઘરેડમાં બેસી ગયા હોય  કે સંગીતકાર સાથે સાવ નવા જ ગીતકારની જોડી બને તો પણ એ 'મસાલા'ના પ્રયોગથી જે વાનગી મળે તેના સ્વાદમાં બહુ મોટો ફરક ન હોય !

હાયે રે રામા રામ ક઼સમ આયા રે કૈસા જ઼માના - એક હસીના દો દીવાને ((૧૯૭૨) – સંગીતકાર: કલ્યાણજી આણ્ંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી
જોહ્ની વીકરની કક્ષાના કૉમેડીઅનને ફિલ્મમાં લીધા હોય એટલે તેમને પણ એક ગીત તો તો ફાળવવું જ પડે ! આ પ્રકારનાં ગીતો માટે હવે તો અનેક તૈયાર ઢાંચા પણ મળી રહેવા લાગ્યા હતા. બ્સ, એમાંથી એક ઢાંચો ઊઠાવ્યો, શબ્દો લખ્યા અને સંગીત સજાવ્યું એટલે એક વધારે ગીત કૉમેડી ગીત એસેમ્બ્લી લાઈન પરથી બહાર પડી જાય.

મના ડેનાં નસીબની આડી ચાલ દરેક વખતે આપણને પર્વતની ટોચ પરનાં કૉમેડી ગીતથી શરૂ કરીને દરેક અંકના અંત સુધીમાં તો ઊંડી ખાઈમાં ધકેલી દેતી હોય એવો જ અનુભવ થયા કરે છે.
જોકે આજે આપણને આ નિરાશામાંથી બહાર લાવે એવું એક ગીત છે જે મન્ના ડે  'જોહ્ની વૉકર'માટે ગાયું પંણ છે અને નથી પણ ગાયું.
મુઃહ સે મત લગા કે યે ચીઝ હૈ બૂરી - જોહ્ની વૉકર (૧૯૫૭) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: હસરત જયપુરી
'જોહ્ની વૉકર ફિલ્મ માટેનાં આ ગીતમાં જોહ્ની વૉકર માટે તો સ્વર મોહમ્મદ રફીનો જ છે પણ પર્દા પર જૉહ્ની વૉકરના કેટલાક મિત્રો પણ સાથ પુરાવે છે જે મન્ના ડેના સ્વરમાં છે. રફી તો જોહ્ની વૉકર માટે પૂરેપૂરા ખીલ્યા જ છે, પરંતુ મન્ના ડે પણ એકે એક સુરમાં તાલ મેળવવામાં પાછળ નથી રહેતા.


હવે પછીના અંકમાં આપણે મન્ના ડેની જન્મ શતાબ્દીની યાદમાં શરૂ કરેલી આ લેખશ્રેણી પૂરી કરીશું.