Showing posts with label S D Burman. Show all posts
Showing posts with label S D Burman. Show all posts

Sunday, April 7, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ : ૧૯૫૨ - ૧૯૬૦

સચિનદેવ બર્મનની કારીકીર્દીમાં શરૂઆતના ૧૯૪૬થી ૧૯૫૦ના હિંદી ફિલ્મ જગતમાં પગ જમાવવાનાં વર્ષો ગણી શકાય. તે પછી, વીસમી સદીનો પાંચમો દાયકો સચિન દેવ બર્મનની કારકીર્દીના ઈતિહાસમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ દસકાને આપણે સચિન દેવ બર્મનના લતા મંગેશકર સાથેના વ્યાવસાયિક સંબંધોના સંદર્ભમાં ૧૯૫૧થી ૧૯૫૫ અને ૧૯૫૬થી ૧૯૬૦ એમ બે ભાગમાં જોવાનો રહે. આ દસકાના પહેલો અર્ધ ભાગ સચિન દેવ બર્મનની કારકીર્દીનો એ સમય હતો જ્યારે તેમનાં સંગીતની ચાહનાનો સૂર્ય મધ્યાહ્ન પર તપવા લાગ્યો હતો. ૧૯૫૧ થી ૧૯૫૫ના વર્ષો તેમનાં કદાચ સૌથી વધારે સક્રિય કહી શકાય તેવાં ગણાય છે દસકાના પ્રથમ અર્ધ ભાગમાં સચિન દેવ બર્મને રચેલાં ગીતોમાંની ૮૦ % ગીતોમાં સૉલો યા યુગલ ગીતબા સ્વરૂપમાં સ્ત્રી ગાયિકાનો અવાજ રણક્યો, જેમાંથી લગભગ ૪૫ % જેટલાં ગીતો લતા મંગેશકરના સ્વરમાં હતાં. ૧૯૫૬ પછી (લગભગ ૧૯૬૨ સુધી) સચિન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે વ્યાવસાયિક અંટ્સ પડી ગયું. એ પરિસ્થિતિમાં સચિન દેવ બર્મન આશા ભોસલે તરફ વધારે ઢળ્યા.

૧૯૪૬થી ૧૯૫૦માં શમશાદ બેગમનું સ્થાન ગીતા દત્ત પછી અને સુરૈયાને સમાતર રહ્યું. ૧૯૫૧માં સચિન દેવ બર્મને જે શતરંજ બીછાવી તેમાં શમશાદ બેગમનું સ્થાન વ્યૂહાત્મક મહત્ત્વનાં સ્થાનમાં હતું, પણ સચિન દેવ બર્મન ક્યાંક લતા મંગેશકર પર તો ક્યાંક ગીતા દત્ત પર પણ ઝૂકતા દેખાતા હતા.
૧૯૫૨-૧૯૫૫
લતા મંગેશકર, ગીતા દત્ત અને શમશાદ બેગમ એમ ત્રણ પ્યાદાઓથી '૫૦ના દસકાનાં પહેલાં વર્ષ, ૧૯૫૧,માં માંડેલી શતરંજની બાજીના ૧૯૫૨થી ૧૯૫૫ના મધ્ય ભાગમાં શમશાદ બેગમની ભૂમિકા ઘોડાની ચાલ જેવી રહી, વપરાય ક્યારેક જ પણ દરેક ચાલ મહત્ત્વની હોય. સચિન દેવ બર્મનનાં શમશાદ બેગમનાં ૧૯૫૨થી ૧૯૫૫ના ગીતોનું ઐતિહાસિક વિશ્લેષણ આ પરિપ્રેક્ષ્યનાં સંદર્ભ કરવાનું રહે. જોકે આપણો આશય વિશ્લેષણનો નહીં પણ ગીતોની યાદ તાજી કરવાનો છે.

રાજા જાની લાગા મોહે નૈનવા કા બાન રે - લાલ કુંવર (૧૯૫૨)- ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીત કોઠા પર યા તો શેરીમાં ગવાતું નૃત્ય ગીત છે. સ્વાભાવિક છે કે ગીતમાં તબલાના ઠેકા અને હાર્મોનિયમના ટુકડાઓની રમઝટને શ્થાન હોય, તે સાથે શમશાદ પણ ગીતને પોતાની આગવી શૈલીમાં બહકાવે છે.

સારી ખુશીયાં સાથ આયી આપ જબ આયે -જીવન જ્યોતિ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતની ધુન ધ્યાનથી સાંભળીશું તો ખ્યાલ આવશે કે આ ગીત પછીથી પણ ક્યાંક સાંભળ્યું છે. હા, સચિન દેવ બર્મને 'સગીના'મા આ ધુન તુમ્હરે સંગ દિન બિતાયા કહાં બીતાઉં રૈન માટે ફરીથી ઉપયોગમાં લીધેલ છે.

જામ થામ લે સોચતે હી સોચતે બીતે સારી રાત - શહનશાહ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

સચિન દેવ બર્મને આ ફિલ્મમાં લતા મંગેશકર (૩), આશા ભોસલે (૨), ગીતાદત્ત (૧)અને શમશાદ બેગમ (૧) એમ ચાર સ્ત્રી ગાયકોને અજમાવ્યાં છે. શમશાદ બેગમના ફાળે, ફરી એક વાર, મધ્ય એશિયાની ધુન પર આધારિત નૃત્ય ગીત આવેલ છે. ગીતના મુખડા અને અંતરાના બોલ શમશાદ બેગમ અલગ અલગ સુરમાં રજૂ કરે છે.

રૂપકી રાની આયી પ્યારકી દૌલત લાયી, રે.. આઓ દિલવાલો લે લો.. લે લો - અંગારે (૧૯૫૪) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ફરી એક વાર નૃત્ય ગીત માટે સચિન દેવ બર્મને શમશાદ બેગમને પસંદ કર્યાં છે.

ગોરી કે નૈનામેં નિંદિયાં ભરી, આજા રે સપનોંકી નીલમ પરી- અંગારે (૧૯૫૪) - કિશોર કુમાર સાથે - ગીતકાર સાહિત લુધ્યાનવી

ગીતનો મુખડો અને પહેલો અંતરો તો સીધું સાદું હાલરડું છે, પણ તે સાથે માતાની બીજી ભૂમિકા પત્નીની પણ છે, જેના માટે તેનો પતિ તેને અકળાઇને જલ્દી જલદી આવવાની ધમકીભરી અરજ કરે છે. અંતરાના અંતમાં અધીરા પતિને પત્ની હાલરડાનાં જ સુરમાં અકળાઇને જવાબ - આતી હું આતી હું દમ લો ઘડી - પણ પકડાવતી જાય છે.

જે બાળકીને સુવડાવવા આ હાલરડું ગવાયું છે તે (બેબી) નંદા છે.

૧૯૫૪ની ‘ચાલીસ બાબા એક ચોર’નાં ૧૨ ગીતોમાંથી લતા મગેશકરને ફાળે ૭ સોલો અને ૧ યુગલ ગીત આવ્યાં અને શમશાદ બેગમને ફાળે ૪ ગીત આવ્યાં હતા. તેમાંથી એક ગીત – ‘દુધવાલા ભૈયા આયા માંગે રૂપૈયા’ અને ‘કલ કરે સો આજ, આજ કરે સો અબ’ ની યુટ્યુબ પરની લિંક નથી મળી શકી.'ચાલીસ બાબા એક ચોર' નામ પરથી કલ્પી લઈએ તેના કરતાં કાંઈક જુદા જ વિષયની વાર્તા હતી. ટુંકમાં કહીએ તો એમ કહી શકાય કે વાર્તાનું વસ્તુ ગંભીર કહી શકાય, પણ રજૂઆત હળવાશથી કરવામાં આવી હતી. ફિલ્મનું દિગ્દર્શન પણ ગીતકાર પી એલ સંતોષીએ જ કરેલ હતું.

બીસવી સદી હૈ યે બીસવી સદી ધિસ ઈઝ ટ્વેન્ટીએથ સેન્ચુરી – ગીતકાર: પી એલ સંતોષી

ગીત મસ્તી ભર્યું છે, જે શમશાદ બેગમના અવાજના મિજાજને પસંદ બેસે છે.

એ જી મુરખ બૈઠા આજકી સોચે, ઔર કલકી સોચે સિયાના, કલકી પંખ પસારે દેખો ઉડતા જાયે જ઼માના…..- ચાલીસ બાબા એક ચોર (૧૯૫૪) – ગીતકાર: પી એલ સંતોષી

લોક ગીતના ઢાળ પર સજાવાયેલું આ ગીત પણ મસ્તીના અંદાજમાં રચાયું છે અને ગવાયું પણ છે.

૧૯૫૫-૧૯૬૦

આ સમય સચિન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે વ્યાવસાયિક અંટ્સનો હતો, જેને કારણે સચિન દેવ બર્મને આશા ભોસલેને તેમનાં મુખ્ય ગાયિકા તરીકે પ્રસ્થાપિત કરી દીધેલાં. ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ગુરુદત્તે જ નિર્માણ કરેલી ફિલ્મો સિવાય સચિન દેવ બર્મને ગીતા દત્તનો ઉપયોગ સહાયક ગાયિકા તરીકે જ કર્યો. શમશાદ બેગમના તો અંગત સંજોગ પણ આ સમયે અવળા હતા. ૧૯૫૫માં તેમના પતિનો દેહાંત થયો, તેથી તેમણે અમુક સમય માટે ગીત ગાવાને ક્ષેત્રે ઓછું સક્રિય રહેવાનું પસંદ કર્યું હશે. અને જ્યારે તેઓ ફરીથી સક્રિય થવા લાગ્યાં ત્યારે ફિલ્મ સંગીતમાં સ્પર્ધાનાં પરીબળોએ તખ્તો સાવ જ પલટાવી નાખેલો હતો. આ સંજોગોમાં સચિન દેવ બર્મને તેમની પાસે બે જ ગીત ગવડાવ્યાં એ વાત બહુ આશ્ચર્ય નથી થતું.

જૈસે કો તૈસા નહેલે પે દહેલા દુનિયા કા પ્યારે અસૂલ હૈ ઐસા - મિસ બોમ્બે (૧૯૫૭) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મરાઠી લાવણી લોકધુન પર રચાયેલું આ શેરી 'તમાશા' ગીત છે. 

આડવાત
આ ગીતમાં ધ્યાનથી જોતાં રાજ કપુર જેવી જ અદામાં એક અન્ય કલાકાર આવીને ગીત સાંભળતું બતાવેલ છે. એ પુરુષ વેશમાં સજ્જ થયેલ મિસ બોમ્બે', નરગીસ, છે. એક જ વર્ષમાં સાવ જ સામા છેડાનાં બે પાત્ર ભજવ્યાં હોય તેવો આ એક અનોખો સંયોગ હશે. નરગીસની 'મધર ઈ ન્ડીયા' પણ આ જ વર્ષે રજૂ થઈ હતી.
અરે હાં હો.. હો.. દિલદાર કમડોં વાલેકા હર તીર જીગર સે ગુજ઼રે હૈ - બેવકૂફ઼ (૧૯૬૦) - મન્ના ડે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અંગ્રેજીમાં જેને ‘સ્વાન સોંગ' કહેવાય છે તેવું સચિન દેવ બર્મને રચેલું શમશાદ બેગમના સ્વરમં ગવાયેલું આ છેલ્લું ગીત છે. ગીતની રજૂઆત ખૂબ જ અનોખી રીતે કરાયેલ છે, જેને મન્ના ડે અને સ્મશાદ બેગમ પણ પૂરેપૂરો ન્યાય આપે છે.


આમ સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં રચેલાં ત્રીસમાથી ૧૨ ગીતો ૧૯૫૨થી ૧૯૫૫ના સમયગાળામાં સાંભળવા મળે છે. આ ૧૨ ગીતોમાંથી ચાલીસ બાબા એક ચોરનાં બે ગીતોની યુ ટ્યુબ લિંક આપણને નથી મળી. તે ઉપરાંત એક ગીત ગુરુ દત્તની અધૂહી રહી ગયેલ ફિલ્મ સાઝ માટે પણ રેકોર્ડ થયું હતું જે પણ આપને મળી નથી શકયું..આ ફિલ્મનાં બાકી ગીતો આર ડી બર્મને પોતાની સ્વતંત્ર ફિલ્મ તરીકે સ્વરબધ્ધ કર્યાં હતાં.
આડવાત
'સાઝ'ની વાર્તા પરથી પછીથી રાજ ખોસલાએ 'વો કૌન થી?' બનાવી હતી, અને 'વો કૌન થી?'નાં પછીથી તમિળ અને તેલુગુમાં પણ સંસ્કરણ થયેલ છે. ‘વો કૌન થી?’ અને તેનાં દક્ષિણ ભારતનાં સંસ્કરણોનાં ગીતોની વાત, એક ફિલ્મનાં અનેક સ્વરૂપ – “વોહ કૌન થી?” અને તેનાં પૂર્વજ અને અનુજ સંસ્કરણો માં દસ્તાવેજ કરેલ છે.
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકોની શ્રેણીમાં સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતો યાદ કરીશું.

સચિન દેવ બર્મને રચેલં શમશાદ બેગમનાં ગીતોના ત્રણેય મણકા એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ પર ક્લિક કરવાથી એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, February 24, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ: ૧૯૫૧

સચિન દેવ બર્મને ૧૯૪૬માં ચાલુ કર્યા પછી ૧૯૬૦ સુધીમાં ૩૦ ગીતોમાં શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો. આ ગીતો પૈકી ૧૯૪૬થી ૧૯૫૦ના સમયમાં ૪ ફિલ્મોમાં ૧૧ ગીતો તેમણે શમશાદ બેગમનાં સ્વરમાં રેકોર્ડ કર્યાં. એ ગીતોમાં 'શબનમ' (૧૯૪૯)માં તેમણે શમશાદ બેગમનો મુખ્ય પાર્શ્વગાયિકા તરીકે પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગની સફળતાએ સચિન દેવ બર્મનની સંગીતકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ બહુ મહત્ત્વનો આપ્યો ગણાય છે.

'શબનમ' (૧૯૪૯) અને મશાલ (૧૯૫૦)નાં સંગીતની સફળતાની સીધી જ અસર સચિન દેવ બર્મનની કારકીર્દી પર પડી હોય તેમ ૧૯૫૧નું વર્ષ ફિલ્મોની સંખ્યા અને ગીતોની સફળતાની દૃષ્ટિએ ખુબ ફળદાયી રહ્યું. આ વર્ષમાં તેમણે 'બાઝી', 'બહાર', 'બુઝદિલ', 'એક નઝર', 'નૌજવાન' અને 'સઝા' જેવી છ છ ફિલ્મોમાં સંગીત આપ્યું. આ ફિલ્મોમાં તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, શમશાદ બેગમના સ્વરોનો મુખ્ય ગાયક તરીકે પ્રયોગ કર્યો, જેમાંથી લતા મંગેશકરનાં ગીતો સિંહ ફાળામાં રહ્યાં. સચિન દેવ બર્મને લતા મંગેશકરના સ્વરમાં ઠંઠી હવાએં (બુઝદીલ), ઝન ઝન પાયલ બાજે (બુઝદીલ) અને તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે (સઝા), ગીતા દત્તના સ્વરમાં તદબીર સે બીગડી હુઈ તક઼્દીર બના લે અને આજકી રાત પિયા દિલ ન તોડો (બાઝી) અને શમશાદ બેગમના સ્વરમાં સૈંયા દિલમેં આના રે (બહાર) રચ્યાં જે સદાબહાર ગીતોમાં સ્થાન પામી ચૂક્યાં છે.

૧૯૫૧માં સચિન દેવ બર્મને શમશાદ બેગમને 'બહાર'માં મુખ્ય ગાયિકા તરીકે રજૂ કર્યાં, તે સાથે 'બાઝી' અને 'નૌજવાન'માં પણ તેમના સ્વરનો પ્રયોગ અન્ય કલાકારોના પાર્શ્વસ્વર તરીકે કરવાનો પ્રયોગ પણ તેમણે કર્યો. બધું મળીને સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં ૭ ગીતો ૧૯૫૧માં રેકોર્ડ કર્યાં, જેમાંથી ૫ ગીતો તો 'બહાર'નાં જ હતાં. 'બહાર'નાં બધાં ગીત રાજેન્દ્ર કૃષ્ણએ લખેલાં છે. 'બહાર' વૈજયંતિમાલાનું હિંદી ફિલ્મોમાં પહેલવહેલું પગલું હતું . 'બહાર' એ તમિળમાં બનેલી ફિલ્મ 'વઝક્કઈ'(૧૯૪૯)ની હિંદી આવૃતિ હતી. 'વઝક્કાઇની ફિલ્મીકરણમાં નિર્માતાએ હિંદી ગીતોને ફિલ્મમાં ઢાળી લીધાં હતાં.’વઝક્કાઈ’નું આ ગીત સાંભળીશું તો હિંદી ફિલ્મનાં બીજાં એક બહુ ખ્યાત ગીત 'ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ'ની તર્જ યાદ અચૂક આવી જાશે. એ જ રીતે બીજાં આ એક ગીતમાં 'જલનેવાલે જલા કરે… ડ..ડાં.... ડાં...ડાં..'ની સીધી ઝલક સંભળાશે. અ પશ્ચાદભૂમિકામાં 'બહાર'નું સંગીત સચિન દેવ બર્મને સોંપવામાં આવ્યું અને બર્મને મુખ્ય ગાયિકા તરીકે શમ્શાદ બેગમ પર પસંદગી ઉતારી.શમશાદ બેગમ ફિલ્મની મુખ્ય નાયિકા માટે ગીતો ગાઈ રહ્યાં છે એટલે તેમને ફાળે અલગ અલગ મૂડનાં ગીતો એક સાથે ગાવાનાં આવ્યાં.

સૈંયા દિલમેં આના રે આકે ફિરસે જાના રે -

શમશાદ બેગમે એવી નજ઼ાકતથી આ મસ્તી ભર્યું ગીત ગાયું છે કે ગીત સદાબહાર ન થાય તો જ નવાઈ કહેવાય !

દુનિયા કા મઝા લે લો દુનિયા તુમ્હારી હૈ

અલ્લડ મસ્તીના ભાવને શમશાદ બેગમે સ્વાભાવિકપણે રજૂ કરેલ છે.

ઓ પરદેસીયા.. પ્યારકી બહાર લે કે દિલકા ક઼રાર લેકે આજા રે આજા પરદેસીયા

ગીતના પ્રારંભમાં પરદેસી પ્રિતમને કરેલો પુકાર શમસાદ બેગમ એકદમ મૃદુ મીઠા સ્વરમાં કરે છે, પરંતુ પછી તરત જ ગીતની લય નૃત્યની ઝડપ પકડી લે છે એટલે શમશાદ બેગમ તેમના મૂળ સ્વરમાં સરી પડે છે.ગીતના મધ્ય ભાગ (@૩.૪૧)પછી એ 'પરદેસીયા'ના સ્વાંગમાં પણ વૈજયંતિમાલાએ જ સપેરા નૃત્ય કરેલ છે. સપેરા નૃત્યની વાદ્યબાંધણીમાં સચિન દેવ બર્મનની આગવી સૂઝ માણવા મળે છે. 

છોડોજી... કન્હૈયા.. કલયૈઆં…. હમાર

પ્રિયતમ સાથે મીઠી નોકઝોકને તાદૂશ્ય કરતું નૃત્ય ગીત.સચિન દેવ બર્મને ગીતની બાંધણીમાં હાર્મોનિયમને બહુ કમાલથી વણી લીધું છે.

ક઼સૂર આપકા હુઝૂર આપકા મેરા નામ લિજીયે ન મેરે બાપકા

પ્રેમી પ્રેમિકા વચ્ચેની મીઠી તોફાન મસ્તીને પેશ કરતું એક ગીત, જે કિશોર કુમારના સ્વરમાં પણ રેકોર્ડ થયેલું છે.


૧૯૫૧માં બીજી બે ફિલ્મોમાં સચિન દેવ બર્મને શમસાદ બેગમનો સ્વર મુખ્ય ગાયિકાના સ્તરે ન કરવાને બદલે અન્ય ગાયિકાનાં સ્તરે કર્યો.

શર્માયે કાહે ગભરાયે કાહે .. સુન મેરે રાજા .. હો રાજા રાજા રાજા - બાઝી - ગીતકાર: સાહિર લુધ્યાનવી

'બાઝી'માં મુખ્ય ગાયિકા ગીતા દત્ત હતાં. પ્રસ્તુત ગીત ફિલ્માવાયું છે મુખ્ય નાયિકા ગીતા બાલી પર,ફિલ્મનાં બીજાં ગીતો કરતાં ગીતની સીચ્યુએશન થોડી જૂદી છે અને તેથી રજૂઆતની શૈલી પણ થોડી અલગ છે, એટલે પાર્શ્વસ્વર તરીકે શમસાદ બેગમ પર પસંદ ઉતારી હશે ?

ઓ પી પી પિયા ઓ પિયા , હમ ઔર તુમ … .. તુમ ઔર હમ...રહે એક સાથ - નૌજવાન - કિશોર કુમાર સાથે - ગીતકાર: સાહિર લુધ્યાનવી

'નૌજવન'માં મુખ્ય ગાયિકા લતા મંગેશકર છે. પ્રતુત ગીત પાશ્ચાત્ય નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું છે. એ જમાનાની બહુ જાણીતી નૃત્યકલાકાર કક્કુ પર ફિલ્માવાયેલાં ગીતને શમશાદ બેગમ અનોખી મસ્તીમાં રજૂ કરે છે.

ભવિષ્યમાં આ પ્રકારનાં ગીતો માટે આશા ભોસલે મોટા ભાગનાં સંગીતકારો માટે એક માત્ર ગાયક બની રહેવાનાં છે.

જે રીતે ‘નૌજવાન', કે બાઝી'માં અનુક્રમે લતા મંગેશકર અને ગીતા દત્તના મુખ્ય ગાયિકા તરીકે સ્વર હતા અને શમશાદ બેગમ પાસે અન્ય પાત્ર માટેનાં ગીત ગવાડાવ્યાં હતાં તેમ 'બહાર'માં બીજાં પાત્ર માટે એક કરૂણ ગીત રેકોર્ડ કરવાનું આવ્યું ત્યારે સચિન દેવ બર્મને ગીતા દત્તના સ્વરનો પ્રયોગ કર્યો છે.

આમ, ૧૯૫૧નાં વર્ષમાં, એ સમયનાં ગીતા દત્ત કે શમશાદ બેગમ જેવાં મુખ્ય ધારાનાં પાર્શ્વગાયિકાઓ સાથે આટ આટલું સફળ પરિણામ મેળવ્યા છતાં સચિન દેવ બર્મનની મુખ્ય પાત્શ્વગાયિકા તરીકેની પસંદ લતા મંગેશકર તરફ ઢળતી જણાય છે. એ સંજોગોમાં શમશાદ બેગમ પાસે ગવડાવેલાં ૩૦ ગીતોમાંથી હજૂ ૧૨ ગીતોમાટે સચિન દેવ બર્મને ક્યારે ક્યારે અને શી રીતે પ્રયોગો કર્યા તેની વાત હવે પછીના અંકમાં કરીશું.

Sunday, January 6, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ : ૧૯૪૬-૧૯૫૦



સચિન દેવ બર્મનની સમગ્ર કારકીર્દી દરમ્યાન તેમણે સંગીતબધ્ધ કરેલ હિંદી ફિલ્મી ગીતોમાંનાં લગભગ ૪૫૦થી ૫૦૦ (૭૦%) ગીતોમાં સ્ત્રી પાર્શ્વગાયકોના સૉલો, યુગલ કે અન્ય પ્રકારે સ્વર સાંભળવા મળે છે. તેમણે લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા દત્ત સાથે મોટા ભાગનું કામ કર્યું છે . તે પછીના ક્રમે શમશાદ બેગમ અને સુરૈયા આવે છે. આ ઉપરાંત સચિન દેવ બર્મને અનિયમિતપણે અમીરબાઈ કર્ણાટકી, પારો દેવી, લલીતા દેઉલકર, મીના કપૂર, સંધ્યા મુખર્જી વગેરે સાથે પણ કામ કર્યું છે.

આની સરખામણીમાં પુરુષ ગાયકોમાં, લગભગ ૬૦% ગીતોના હિસ્સા સાથે, કિશોર કુમાર અને મોહમ્મદ રફી તેમના મુખ્ય ગાયકો રહ્યા છે અને તે પછી બીજાં લગભગ ૩૩% ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, તલત મહમૂદ, તેઓ ખુદ પ્ણ આ યાદીમાંનાં અનેક યાદગાર ગીતોના ગાયક તરીકે સ્થાન પામેલ છે. આ ઉપરાંત બાકીનાં લગભગ ૭ % ગીતો માટે, સચિન દેવ બર્મને બીજા ૧૮ જેટલા પુરુષ ગાયકોના સ્વરનો ઓછાવત્તા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

સચિન દેવ બર્મનનાં હિંદી ફિલ્મ વિશ્વનું એક મહત્ત્વનું પાસું આપણે તેમણે રચેલાં પુરુષ ગાયકો માટેનાં ગીતોની દીર્ઘ લેખમાળા કરી ચૂક્યાં છીએ. હવે આપણે ક્રમવાર તેમણે રચેલાં સ્ત્રી સ્વરનાં હિંદી ગીતોની વાત કરીશું, જેનિ શરૂઆત સચિન દેવ બર્મને રચેલાં શમ્શાદ બેગમનં ગીતોથી કરીશું.

શમશાદ બેગમે સચિન દેવ બર્મન માટે ૩૦ ગીતો ગાયાં છે, જેમાંથી ૧૯૪૬ -૧૯૫૦ના સમયગાળાનાં, ૪ ફિલ્મો માટેનાં, ૧૧ ગીતો છે.

શમશાદ બેગમ (જન્મ: ૧૪ એપ્રિલ, ૧૯૧૯ – અવસાન: ૨૩ એપ્રિલ, ૨૦૧૩)તે પહેલાં પાંચ વર્ષથી હિંદી ફિલ્મ જગતમાં, પંડિત ગોવિંદરામ, ગુલામ હૈદર અને પંડિત અમરનાથ જેવા ધુરંધર સંગીતકારોનાં ગીતો દ્વારા, જાણીતું નામ બની ચૂક્યાં હતાં. નવાં દાખલ થયેલ લતા મંગેશકરને એક ગીત દીઠ જ્યારે ૩૦૦ રૂપિયા મળતા હતા ત્યારે સમશાદ બેગમને ૨૦૦૦ રૂપિયા મળતા હતા. હિંદી ફિલ્મ જગતમાં 'શિકારી' (૧૯૪૬) દ્વારાપહેલું ડગલું માંડતા તળ બંગાળી સંગીતકારના હાથે તેમનું પહેલ વહેલું સ્ત્રી સ્વરનું હિંદી ગીત ઉત્તર ભારતીય શૈલીના નમૂનેદાર સુરની ઓળખસમાં ગાયિકા શમશાદ બેગમ સાથેનાં એક સૉલો ગીતનાં રૂપમાં રેકોર્ડ થયું.

કુછ રંગ બદલતી રહી હૈ મેરી ઉનકી બાતચીત - શિકારી (૧૯૪૬)

'શિકારી'માં મુખ્ય ગાયિકાની ભૂમિકા પારો દેવીની હશે કેમકે તે એક મુખ્ય પાત્રમાં હતાં તેમના નામે ૫ સૉલો અને યુગલ ગીત છે. આ ઉપરાંત અમીરબાઈ કર્ણાટકીએ પણ એક સૉલો અને એક યુગલ પણ આ ફિલ્મમાં ગાયેલ છે. પ્રસ્તુત ગીતમાં શમશાદ બેગમના સ્વરની ખૂબી જાળવીને પણ તેમને કંઈક અંશે મૃદુ સ્વરૂપે રજૂ થયેલાં ભાળી શકાય છે.


એ પછી સચિન દેવ બર્મને શમશાદ બેગમનો સાથે ૧૯૪૯ની ફિલ્મ 'શબનમ'માં કર્યો. આ ફિલ્મનાં ૧૦ ગીતોમાંથી શમશાદ બેગમના સ્વરમાં ૩ સૉલો, ૩ યુગલને અને ૧ કોરસ સાથેનું એમ ૭ ગીતો હતાં. આ ઉઅપરાંત સચિન દેવ બર્મને ગીતા રોય (૧ સૉલો અને એક યુગલ ગીત) અને લલિતા દેઉલકર (૧ સૉલો)ના સ્વરોનો પણ આ ફિલ્મમાં ઉપયોગ કરેલ છે.

યે દુનિયા રૂપકી ચોર, બચા લે મેરે બાબૂ – શબનમ (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીત એક ટોળી પોતાના મનોરંજન માટે ગોઠવેલ એક ગુફામાંના સ્ટેજ શૉ રૂપે રજૂ થયું છે. પાંચ અલગ અલગ પ્રાંતના છોકરાઓ પોતપોતાની ભાષામાં કામિની કૌશલને 'પ્રપોઝ ' કરે છે જેને શમશાદ બેગમે એ દરેક ભાષાની આગવી ઢબથી રજૂ કરેલ છે.

{આડ વાત: ક઼મર જલાલાબાદીનું મૂળ નામ ઓમપ્રકાશ ભંડારી હતું.)

એક બાર તૂ બન જા મેરા ઓ પરદેસી, ફિર દેખ મજ઼ા – શબનમ (૧૯૪૯) - ગીતકાર: કમ઼ર જલાલાબાદી

પરદાપર ગીતને રજૂ કરનાર કલાકાર પારોદેવી છે. આ પહેલાંની ફિલ્મોમાં પોતાનાં ગીતો પોતે ગાયા પછી પારો દેવીએ હવે પાર્શ ગાયન છોડી દેવું પડ્યું લાગે છે.

ક઼દર મેરી ન જાની, છોડકે જાનેવાલે - શબનમ (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી

લગ્ન પ્રસંગે નાચગાનની ઉજવણીને રજૂ કરતું ગીત છે. આમ ગીત મસ્તીનું છે પણ બોલમાં વિરહ છે. સ્વાભાવિક જ છે કે સીચ્યુએશનનાં મુખ્ય પાત્રને એ જરા પણ પસંદ નથી પડતું એટલે નૃત્યાંગનાઓ હવે ડ્ર્મરના વેશમાં આવી ને 'દેખો આયી પહલી મુહબ્બતકી રાત'ની શરૂઆત કરી દે છે !

દેખો આઈ પહલી મુહબ્બત કી રાત - શબનમ (૧૯૪૯) - સાથીઓ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ પણ પારો દેવી પર ફિલ્માવાયેલું એક નૂત્ય ગીત છે. અંતરાનાં સંગીતમાં સચિન દેવ બર્મને લોકગીતની શૈલી અપનાવી છે.

તૂ મહલોંમેં રહનેવલી મૈં કુટિયામેં રહનેવાલા, ફિર તેરા મેરા સાથ કયા - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીતમાં વિખૂટો પડેલ નાયક પોતાની વાત કહે છે જ્યારે મુખ્ય નૃત્યાંગના જાણે પ્રેમિકાના બોલને વાચા આપે છે.

'શબનમ'નાં શમ્શાદ બેગમ અને મુકેશમાં યુગલ ગીતો સારાં એવાં લોકચાનાપાત્ર થયાં હતાં.

તુમ્હારે લિયે હુએ બદનામ, ન ભૂલે ફિર ભી તુમ્હારા નામ, તુમ માનો યા ના માનો તુમ્હારી મરજી - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

અહીં પણ પ્રેમી નાયક ફરિયાદીના સ્વાંગમાં છે અને તેની ફરિયાદોના પ્રતિભાવ મુખ્ય નૃત્યાંગના પ્રેમિકા નાયિકા વતી આપે છે.

પ્યારમેં તુમને ધોખા સીખા, યે તો બતાઓ કૈસે - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ફરી એક વાર દરબારમાં ભજવાતાં નૃત્ય દ્વારા સમાજના રિવાજોને કારણે એક ન બની શકનારાં પ્રેમી-પ્રેમિકાનો સંવાદ મુખ્ય નૃત્યાંગનાના માધ્યમ વડે થાય છે.

મોહે લગા સોલવહાં સાલ હાય મૈં તો મર ગયી- મશાલ (૧૯૫૦) - અરૂણ કુમાર મુખર્જી સાથે - ગીતકાર: પ્રદીપ

'૫૦-'૬૦ના દાયકામાં શમશાદ બેગમના ભાગે જે પ્રકારનાં ગીતો ગાવાનાં આવ્યાં તે જ પ્રકારનું આ ગીત છે. આ પ્રકારનાં ગીતો જ તેમને મળવા લાગ્યાં એટલે તેમની ઓળખ મુજરા જેવાં હલકાં ફુલકાં નૂત્ય ગીતોનાં ગાયિકા તરફની બનવા લાગી.

આડવાતઃ
ષોડશીના તરવરાટને તાદૃશ કરવાની એક વધારે તક શમશાદ બેગમને એન દત્તા એ સંગીતબધ્ધ કરેલ ૧૯૫૬ની ફિલ્મ 'ચંદ્રકાંતા'નાં ગીત 'મોહે લગા હૈ સોલવા સાલ હાયે નહીં છેડના'માં પણ મળી હતી. (આ ગીતની ડિજિટલ ક્ડી મને મળી નથી શકી.)
જલતી હૈ દુનિયા તેરા મેરા પ્યાર હૈ...મૈં તેરી બગીયા તૂ મેરી બહાર હૈ - પ્યાર (૧૯૫૦) - કિશોર કુમાર સાથે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

રાજ કપુર માટે પાર્શ્વગાયક તરીકે મુકેશ નિશ્ચિત થઈ ગયા તે પહેલાં અને અમુક કિસાઓમાં તો તે પછી પણ, મોહમ્મદ રફી, તલત મહમૂદ, મન્ના ડે, શંકર દાસગુપ્તા, હેમંતકુમાર, ચિતળકર, નારાયણ દત્ત, બી. વાસુદેવ, કમલેશ અવસ્થી અને ખુ રાજ કપૂરે, પાર્શ્વગાયન કરેલ છે. તેમના માટે કિશોર કુમારે ગીત ગાયાં હોય તેવી આ એક માત્ર ફિલ્મ છે. આ ફિલ્મમાં આ ગીત સિવાય બાકીનાં બધાં સ્ત્રી સ્વરનાં ગીતો ગીતા રોયે ગાયાં હતાં.




સચિન દેવ બર્મને ૧૯૫૧થી ૧૯૬૦ના દાયકાનાં શમ્શાદ બેગમનાં ગીતો આપણે હવે પછીના અંકમાં સંભળીશું.

Sunday, November 25, 2018

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી હિંદી ગીતો [૨]

સચિન દેવ બર્મનનાં સંગીતની વાત કરતાં કરતાં આપણે ભલે તેમનાં અર્ધાંગિની મીરાં બર્મનની વાત ન કરીએ, પણ તેમનાં ગૈર ફિલ્મી ગીતોની વાત કરતાં હોઈએ અને મીરાં બર્મનનો ઉલ્લેખ ન કરીએ માત્ર આપણી વાત જ નહીં પણ સચિન દેવ બર્મનનાં ગૈર ફિલ્મી ગીતોનું ચિત્ર જ અધુરૂં જોયું છે એમ જ કહેવું પડે.


એસ ડી બર્મન અને મીરા (દાસગુપ્તા)નાં લગ્ન ૧૯૩૮માં થયાં શરૂઆતનાં વર્ષોમાં મીરાં દેવ બર્મને લખેલાં, એસ ડી બર્મને સંગીતબધ્ધ કરેલાં કેટલાંક ગીતોને મીરા દેવ બર્મનના સ્વરમાં પણ રેકોર્ડ કરાયાં છે. સચિન દેવ બર્મન ફિલ્મ સંગીતમાં વધારે સક્રિય થતા ગયા તેમ તેમ મીરાંજીને સચિન દેવ બર્મનનાં સંગીતમાં તેમનાં યોગદાન માટે વિધિસરનું સ્થાન બહુ ભલે નથી મળ્યું, પણ તેમની અદૃશ્ય છાયા સચિન દેવ બર્મનનાં સંગીતમાં રહી છે તેમ જાણકારોનું જરૂર કહેવું છે. છેલ્લે 'મિલી'નાં સંગીત નિર્માણ સમયે તો એસ ડીની તબિયત એટલી કથળેલી રહેતી કે મોટા ભાગનું સંગીત નિર્માણ મીરા દેવ બર્મને જ પૂરૂં કર્યું હતું. 'મિલી'માં તો તેઓ સહાયક સંગૈત નિર્દેશક રૂપે ફિલ્મ્નાં ક્રેડીટ ટાઈટલ્સમાં પણ સ્થાન પામ્યાં છે.

કાલી બદરિયા છા ગયી - મીરા દેવ બર્મન સાથે

પાશ્ચાત્ય વાદ્યો સાથેનાં ફ્યુઝન સાથેનુ વર્ષા ઋતુમાં કુદરતનાં સહજ વર્ણનને રજૂ કરતું એક યુગલ ગીત
મીરા દેવ બર્મનનાં સ્વરમાં ગવાયેલાં બહુ હિંદી ગીતો તો સાંભળ્યાં હોય એવું યાદ નથી, પણ આજે હવે યુટ્યુબ પ્ર તેમનાં બંગાળી ગીતો તો જરૂર સહેલાઈથી ઉપલ્બધ હશે. એમની પ્રતિભાને વધારે મોકળું મેદાન ન મળ્યું એ આપણા સૌને માટે એક ખોટ જરૂર અનુભવી શકાશે.

હવે આપણે ફરી એક વાર એસ ડી બર્મનનાં ગૈર ફિલ્મી સૉલો હિંદી ગીતો તરફ આપણું ધ્યાન વાળીશું. આજના આ અંકમાં પહેલાં તેમણે ગાયેલાં ભક્તિ ભાવનાં કેટલાંક ગીતો સાંભળીએ.

મેરે શ્યામ સુનો મેરી બિનતી રે - કૃષ્ણ પ્રેમ ભક્તિને એસ ડી પોતાન સ્વરમાં રજૂ કરે છે

ચલો ચલો પ્રેમ કે સાથી પ્રેમનગર હૈ જાના  - બંગાળનાં બહુ પ્રચલિત લોકભક્તિ સંગીતના એક પ્રકાર -બાઉલ સંગીત-ની અસર હેઠળ રચાયેલું, વિવિધ ભાવોને વણી લેતું, એક ભક્તિ ગીત.

પી લે પી લે હરિ નામકા પ્યાલા - એસ ડી બર્મન થોડા હટકે સુરમાં આ ભક્તિ ગીતને રજૂ કરીને એક અજબની મોહિની પેદા કરે છે.

કૌન નગરીયા જાઓ રે - કૃષ્ણ ભક્તિને ઉજાગર કરતું એક ભક્તિ ગીત, જેમાં બોલ કૃષ્ણ ભક્તિના પ્રદેશની ભાષાના છે, જ્યારે એસ ડી બર્મને મૂળતઃ બાઉલ સંગીતના પ્રભાવની નજદીક રહીને સાવ જ અનોખો ભાવ પેદા કર્યો છે.

મેરે પ્રીતમ પ્યારે બંસી વાલે - કૃષ્ણની ભક્તિમાં એકરસ થઈ ગયેલ ભક્તના મનોભાવને તાદૃશ કરતી ભક્તિ રચના. અહીં પણ એસ ડી બર્મન અંતરામાં સુરના જે ઉતાર ચડાવના પ્રયોગો કરે છે તે ગીતના ભાવને વધારે ઘૂંટે છે.

આજના અંકમાં મુખ્યત્વે ભક્તિ ગીતો સાંભળ્યા પછી હવે ફરી એક વાર એસ ડી બર્મને ગાયેલાં રોમેન્ટીક ગીતો તરફ ધ્યાન આપીએ.

કૌન આયા કૌન સપનોંમેં કૌન આયા - ફિલ્મી સંગીતમાં આપણે સચિન દેવ બર્મનની વિશુધ્ધ રોમેન્ટીક રચનાઓ રફી કે લતા કે કિશોર કુમાર કે આશ અભોસલેના સ્વરોમાં સાંભળી છે.અહીં તેઓ તેઓની પોતાની અનુભૂતિને તેમના અનોખા અંદાજમાં રજૂ કરે છે.

નૈનો કો સમજાકે જા દિલકો ધીર બંધાકે જા - અહીં એસ ડી બર્મન વિરહની તડપને એકદમ સુક્ષ્મ સ્વરૂપે રજૂ કરે છે.

આજના આ લેખના અંતમાં એસ ડી બર્મને ગાયેલાં એવાં બે ગીતો સાંભળીશું જે મોટા ભાગના સૂજ્ઞ મિત્રોએ એક યા બીજાં સ્વરૂપે જરૂર સંભળેલ હશે.

ફુલ ગેંદવા ન મારો

આ બંદિશ પરંપરાગત ઠુમરી ગાયકીમાં બહુ પ્રચલિત રહી છે, જેમ કે (નરગીસનાં માતા) જદ્દન બાઈની રજૂઆત કે પછી રસૂલનબાઈની આગવી રજૂઆત.

અને હવે પછી એસ ડી બર્મનની પોતાની રજૂઆત સાંભળીશું તો ગીતના ભાવને અનોખી દૃષ્ટિથી રજૂ કરવાની તેમની અલગ જ શૈલીનો આપણે પરિચય થાય છે.

આડ વાત :

આ બંદિશને ફિલ્મમાં એસ ડી બર્મને તેમ જ રોશને પોત પોતાના અંદાજમાં રજૂ કરી છે. બન્ને રચનાને સાહિર લુધ્યાનવીએ અલગ જ ભાવના શબ્દોથી રજૂ કરેલ છે.

ફુલ ગેંદવા ન મારો - ફંટૂશ (૧૯૫૭) - આશા ભોસલે
ફુલ ગેંદવા ન મારો - દૂજ કા ચાંદ (૧૯૬૪) - મન્ના ડે

ધીરે સે જાના બગીયનમેં ભંવરા

એસ ડી બર્મને ગાયેલું બહુ શરૂઆતનું ગીત છે જે તેમણે ગાયેલાં ગૈર ફિમી ગીતોમાં કદાચ સૌથી વધારે જાણીતું પણ કહી શકાય તેમ છે.
આડવાત

આ જ ગીતની એક બહુ જ આગવી કહી શકાય તેવી અને બીજી બહુ જ સસ્તી કહી શકાય તેવી પૅરોડી રચના રજૂ કરતાં પણ તેમના ફિલ્મ સંગીતના વાણિજ્યિક અવતારને અચકાટ નથી થયો.
જો કે આ બે પ્રયોગો પરથી જ સચિન દેવ બર્મની સર્જનાત્મકતાઓ ન્યાય તોળી નાખવો ઉચિત નહીં કહેવાય.
હવે પછીના અંકમાં આપણે તેમની જ ગૈર ફિલ્મી (બંગાળી) રચનાઓને કેવા આગવા ઢંગથી તેમણે હિંદી ફિલ્મોમાં રજૂ કરી છે તેની વાત કરીશું.

પાદ નોંધ:
સચિન દેવ બર્મનની કારકીર્દીમાં તેમણે પુરુષ પાર્શ્વગાયકો માટે રચેલાં સૉલો અને યુગલ ગીતોની અત્યાર સુધી અલગ અલગ પ્રકાશિત થયેલી બધી જ પૉસ્ટ્સને, સચિન દેવ બર્મન અને પુરુષ પાર્શ્વગાયકો પર ક્લિક કરવાથી  એક જ જગ્યાએથી વાંચવા ડાઉનલોડ કરી શકાય છે. 

Sunday, October 7, 2018

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી ગીતો [૧]



સચિન દેવ બર્મન જેટલા આગવા સંગીતકાર હતા તેટલા જ આગવા ગાયક પણ હતા એ વાતનો પરિચય તેમણે ગાયેલાં હિંદી ફિલ્મનાં ગીતોથી અપણે કરી ચૂક્યાં છીએ. ૧૯૨૬થી સંગીતની તેમને પધ્ધતિસરની તાલીમ મળી તે પહેલાં પણ તેઓએ તેમના ધ્રુપદ ગાયક અને સિતારવાદક પિતા પાસેથી સંગીતના પાઠ તો ભણવા જ માડ્યા હતા. ૧૯૩૨માં તેમણે કોલકત્તામાં ઓલ ઈન્ડીયા રેડીયો પર બંગાળી અને ત્રિપુરાનાં લોક સંગીત તેમજ હળવાં અર્ધ શાસ્ત્રીય સંગીતને રજૂ કરવાનું શરૂ કર્યું. તેમની પહેલ વહેલી રેકર્ડ પણ એ જ સમયમાં બની. તેમની કારકીર્દીની શરૂઆતમાં તેઓ બંગાળી થીયેટર માટે સંગીત રચના કરતા હતા. બંગાળીમાં તેમણે પહેલી સંગીતબધ્ધ કરેલ 'રાજગી' (૧૯૩૭) પછી બંગાળી ફિલ્મોમાં પણ સફળતા મેળવતાં તેમને ચાર વર્શ રાહ જોવી પડી હતી. હિંદી ફિલ્મોમાં પણ ૧૯૪૬માં પદાર્પણ કર્યા પછી સફળ સંગીતકાર તરીકે તેમનું આગવું સ્થાન બનાવતાં બનાવતાં તેમને ચાર પાંચ વર્ષ મહેનત કરવી પડી હતી.

શરૂઆતના આ સમય દરમ્યાન તેમનાં સંગીતને જીવંત રાખવામાં તેમનાં ગાયને તેમને મદદ કરી હશે. કલકત્તાના શરૂઆતના સમયમાં તેમની ૧૩૧થી વધુ રેકર્ડ્સ બહાર પડી છે. તેમણે એ સમયના કેટલાંક અન્ય અન્ય જાણીતા સંગીતકારો માટે પણ ગીત ગાયાં છે. મુંબઈ આવ્યા પછી પણ તેમનાં ગાયનને તેમણે હંમેશાં જીવંત રાખ્યું. તેમની શરૂઆતની ફિલ્મોમાં તેમણે નિયમિત પાર્શ્વગાયક તરીકે હાથ અજમાવ્યા પછી તેમણે જોયું હશે કે તેમનો અનોખો અવાજ અને અનોખી શૈલીની ગાયકી વણીજ્યિક ક્ષેત્રે કદાચ બહુ સ્વીકાર્ય નહીં બને. એટલે બહુ ચોક્કસ સંજોગોમાં તેમણે ફિલ્મોમાં ગાવાનું કર્યું. ફિલ્મ સંગીતની કોઈ જ વાણિજ્યિક સીમાઓ ગૈર ફિલ્મી સંગીતને નડે નહીં તેથી તેમણે પોતાનાં ગાયનને એ દિશા આપી.

તેમણે ગાયેલાં ગૈર ફિલ્મી હિંદી ગીતોમાં પણ ભાવ વૈવિધ્ય વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમની આ રચનાઓમાં પણ મૂળ આધાર ગંગાળી બૌલ સંગીત કે અન્ય લોક સંગીત કે રવિન્દ્ર સંગીતનો જ જોવ મળૅ છે. તેમનાં અમુક ગૈર ફિલ્મી ગીતો તેમની ફિલ્મ ગીતોની રચના માટેના પ્રયોગશાળાના પ્રયોગ જેવાં પણ જણાશે. આમસચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો માટેનાં ગીતોની રચનાના મૂળ્ધારને સમજવામાં પણ સચિન દેવ બર્મનએ પોતે ગાયેલ ગૈર ફિલ્મી ગીતોની મહત્ત્વની ભૂમિકા રહે છે.

તદુપરાંત, સચિન દેવ બર્મનનાં સમગ્ર સંગીતને સમજવામાં પણ તેમણે રચેલાં અને ગાયેલાં ગૈર ફિલ્મી ગીતોનું એક આગવું મહત્ત્વ છે.તેમનાં આ ગીતો સાંભળવાથી આપણાં દિલો દિમાગ પર એક અનન્ય અવાજની અસર તો ઘુટાય જ છે પણ તત્ત્વતઃ તેમને સુઝતી ધૂનોનાં અઘરાં વ્યાકરણને કેટલી સરળતાથી તેઓે ગેય કળાત્મક સર્જનના દેહમાં ઘડી કાઢેલ છે તે પણ સમજી શકાય છે.

તેમણે ગાયેલી હિદી ગૈર ફિલ્મી રચનાઓ પૈકી અઢારેક જેટલાં ગીતો હાલ પૂરતાં મળી શક્યાં છે જે અહીં બે ભાગમાં રજૂ કરેલ છે.

મેરે યૌવનકી ફુલવારીમેં ભંવરા તુ ક્યું આતા હૈ ગીતની રચનામાં વિન્ટેજ એરાના સમયની રચનાઓઅની અસર જરૂર જણાશે. પણ એ સમયની રચનાઓ જેટલી આ રચના સરળ પણ નથી. ગીત સાંભળાતી વખતે પૂરે પુરૂં ધ્યાન ગીત સાંભળવામાં જ પરોવવાથી રચનાની પ્રમાણમાં દ્રુત લય અને અંતરા દરમ્યાન સુરના ઉતાર ચડાવની માર્મિકતાઓ માણવા માટેનું વાતાવરણ જામે છે.
 
રિમ ઝિમ રિમ ઝિમ બરસાઓ રે, આંસુ કે મોતી લુટા જાઓ રે
         વરસાદની બુંદમાં વિરહીણી પ્રેમિકાને પોતાની આંખોનાં આસુઓનાં મોતી દેખાય છે.

ઊડ ગયા ભંવરા કલી કલી ઉદાસ
       વિરહના ભાવને સચિન દેવ બર્મન ગિટારના તાલમાં રવિન્દ્ર સંગીતની અસરમાં વાચા આપે છે.

પ્રેમકા પિંજરા હો ગયા સુના, મનકા પછી છૂટ ગયા

પ્રેમનાં પિંજરમાંથી મન ઊઠી જાય તો એ પિજરું ખાવા ધાય એ ભાવને સચિન દેવ બર્મને પંકજ મલિકની શૈલીમાં ભારતીય અને પાશ્ચાત્ય શૈલીની વાદ્યસજ્જાથી રજૂ કરેલ છે.

આ ત્રણમાંથી બે રચનાઓ તો રાજા મહેંદી અલી ખાનદ્વારા રચાયેલી છે. તેમણે સચિન દેવ બર્મન સાથે 'દો ભાઈ' (૧૯૪૭)માટે ગીતો લખ્યાં હતાં. એ સમયના સંબંધોએ સચિન દેવ બર્મનને આ ગીતોની રચના કરવા માટે પ્રેર્યા હોય એવું માની શકાય છે.
(અહીં આ ત્રણેય ગીત એક જ ક્લિપમાં સાંભળવા મળે છે.)

 ઝન ઝન ઝન ઝન મંજીરા બાજે નટ બિહાગમાં રચાયેલ આ રચનાને સચિન દેવ બર્મને પોતાનો કેવો ઓપ ચડાવ્યો છે તે જોવા માટે ઉસ્તાદ ફૈયાઝ ખાને ગાયેલ આ બંદિશ સાંભળવી જોઈશે.આટલું પૂરતું ન હોય તેમ સચિન દેવ બર્મને તેને ફરીથી છાયા નટમાં સજાવીને 'બુઝદિલ' (૧૯૫૧)માં લતા મંગેશકરના સ્વરમાં એક નવાં જ સ્વરૂપે રજૂ કરેલ છે.
 અબ મૈં શરન તુમ્હારી... હોગી સભા તુમ્હારી મહ્દ અંશે આ ગીત કૃષ્ણ ભક્તિના ભાવ રૂપે ગવાતું હોય છે. એક નાનકડો આલાપનો ટુકડો, , ક્યાંક ભાવને વ્યક્ત કરતા સુરના ઉતાર ચડાવ જેવા માર્મિક ફેરફારો કરીને સચિન દેવ બર્મને આખી રજૂઆતને સાવ નવું સ્વરૂપ જ બક્ષી દીધું છે.
  હમ સબકો છોડ કર બાપુજી કહાં સિધારે..સબ દેશ કી જનતા તુમ્હેં રો રો કે પુકારે ગાંધીજીને અંજલિ આપતું ગીત...બીજા અંતરામાં 'બાપુજી..બાપુજી'નો આર્તનાદ જાણે દેશની જનતાનાં હૃદયનાં ઊંડાણમાંથી ઊઠતો હોય તેવો ભાવ સચિન દેવ બર્મન વ્યક્ત કરી રહ્યા જણાય છે.
  ગુણ ધામ હમારે ગાંધીજી શુભ નામ હમારે ગાંધીજીગાંધીજીને અંજલિ આપતું એક બીજું ગીત. અહીં સચિન દેવ બર્મન ગીતની બાંધણીમાં કંઈક અંશે બંગાળનાં બાઉલ સંગીતનો સહારો પણ લેતા જણાય છે. મત્ર પોતાની ગાયકી દ્વારા જ નહીં પણ સંગીતકાર તરીકે પણ સચિન દેવ બર્મનનો આગવો સ્પર્શ 'ગુણધામ હમારે બાપુજી' પૂરું કર્યા પછી એ ભાવ પર ખાસ ભાર મુકવા માટે તેમણે વાદ્યસંગીતના એક ટુકડાના (વારં વાર) પ્રયોગમાં જોવા મળે છે.
  પ્રીતમેં હુએ બદનામ સાંવરિયા તેરે લિયેસચિન દેવ બર્મનને જ્યારે જ્યારે ઉર્દુ ગાયન શૈલીનાં ગીતો બનાવવાની જરૂર પડી છે ત્યારે પણ તેમને પાછી પાની નથી કરી.પ્રસ્તુત ઠુમરીમાં નૃત્યની અંગભંગીઓની અસલી ઝલક પણ તેમણે બખૂબી નજ઼ાકતથી પેશ કરેલ છે.
  બાલમ મુઝ સે રૂઠ કર સૌતનકે ઘર જાતે હોતવાયફના કોઠાનાં ગીતોને સામે છેડે છે એવી પત્ની જેનો બાલમ દરરોજ સૌતનને ઘરે જતો રહે છે....પ્રસ્તુત ગીતની વાદ્ય રચનાથી એવો અંદાજ બાંધી શકાય કે આ ગીતની રચના વિન્ટેજ એરાના સમયકાળમાં થઈ હોવી જોઈએ.

સચિન દેવ બર્મને રચેલાં ગીતોનાં વૈવિધ્ય જેટલું જ વૈવિધ્ય તેમણે ગાયેલાં ગૈર ફિલ્મી ગીતોમાં પણ સાંભળવા મળે છે. તેમણે રચેલાં અને ગાયેલાં ગૈર ફિલ્મી ગીતોના રંગપટના કેટલાક રંગ આજે આપણે નિહાળ્યા. હવે પછીના અંકમાં આ રંગપટના હજૂ બીજા રંગોની ખૂબીઓ માણીશું

Sunday, September 16, 2018

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન - હિંદી ફિલ્મોનાં ગીતો

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર, મન્ના ડે અને 'અન્ય' ગાયકોએનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ. સચિન દેવ બર્મને રચેલાં પુરુષ સ્વરનાં ગીતોમાં હવે તેમણે પોતે રચેલાં અને ગાયેલાં ગીતો બાકી રહે છે.

સચિન દેવ બર્મનના અવાજમાં એક અનોખો મિજ઼ાજ જોવા મળે છે, જે તેમને બાકી અન્ય બધાજ ગાયકોથી સાવ અલગ તારવી રાખે છે. તેમણે હિંદી ફિલ્મનાં ગીતો તો આંગળીને ટેરવે ગણાય એટલાં જ ગાયાં છે, પણ એ દરેક રચના એક વાર સાંભળ્યા પછી હિંદી ફિલ્મ સંગીતના પ્રેમીઓને એ ગીતની એક ખાસ ચાત બની રહેતી આવી છે.તેમણે ગયેલ ગીતો મહદ અંશે બંગાળ, આસામ અને ત્રિપુરાની લોકધુનો પરથી રચાયાં છે. ગીતની વાદ્યસજ્જામાં પણ એ પ્રદેશનાં વાદ્યોને પ્રાધાન્ય મળતું પણ જોવા મળે છે. કદાચ એ જ કારણ હશે કે જ્યારે પણ તેમને આવી રચના પ્રયોજવાનું નક્કી કર્યું હશે ત્યારે તેને ન્યાય આપવા માટે પોતાના જ કંઠનો પ્રયોગ કરવાનું યોગ્ય માન્યું હોય.
સચિન દેવ બર્મનની સંગીતનાં ક્ષેત્રની કારકીર્દી ૧૯૩૯માં કોલકત્તામાં ગાયક-સંગીતકાર તરીકે થઈ. કેટલાક ઈતિહાસકારો એમ પણ નોંધે છે કે ૧૯૩૩ની ફિલ્મ 'યહુદીકી લડકી'માં પંકજ મલ્લિકે રચેલાં કેટલાંક ગીતો તેમણે ગાયાં હતાં, પરંતુ એ ગીતો પછીથી પહાડી સાન્યાલના સ્વરમાં ફરીથી રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. ૧૯૪૧માં તેમણે હિંદી ફિલ્મ માટે પહેલું ગીત ગાયું - ફિલ્મ હતી ‘તાજ મહલ’, સંગીતકાર હતા મધુલાલ દામોદર માસ્ટર અને ગીતકાર હતા માસ્ટર અનુજ.

તે પછી તેમણે ૧૯૭૧માં આર ડી બર્મનનાં સંગીત નિદર્શનમાં 'અમર પ્રેમ' માટે કોઇ અન્ય સંગીતકાર માટે હિંદી ફિલ્મનું ગીત ગાયું.
એ સિવાય તેમણે જે કોઈ હિંદી ફિલ્મનાં અને ગૈર ફિલ્મી ગીતો ગાયાં તે તેમનાં પોતાની જ રચનાઓ હતી. આજના આ અંકમાં આપણે એસ ડી બર્મને તેમનાં પોતાનાં સંગીતમાં ગાયેલાં હિંદી ફિલ્મોનાં ગીતો સાંભળીશું.
સચિન દેવ બર્મનની હિંદી ફિલ્મોમાં સંગીતકાર તરીકેની કારકીર્દીની શરૂઆત ૧૯૪૬ની ફિલ્મ 'આઠ દિન'થી થઈ.
ઉમ્મીદ ભરા પંછી થા ખોજ રહા સજની, કહેતા થા યહી પંછી હાયે બીછડ ગઈ સજની - આઠ દિન (૧૯૪૬) - ગીતકાર જી એસ નેપાલી
આ ગીત સાંભળીશું એટલે ખ્યાલ આવશે કે ૧૯૪૧માં તેમણે ગાયેલ 'તાજ મહલ'નાં ગીતમાં તેમની ગાયન શૈલી અને હવે તેમણે અપનાવેલી શૈલીમાં કેટલું અંતર છે, કેટલી સર્જનાત્મકતા છે.
બીજી જે વાત ખાસ ધ્યાન ખેંચે છે તે એ છે કે તેમનો અવાજ હવે પછીથી ક્યારે પણ બદલાયેલો નહીં લાગે, તેમણે છેક '૭૦ના દાયકામાં ગાયેલાં ગીતોમાં પણ આ જ સ્વર સાંભળવા મળે છે.

બાબુ બાબુ રે દિલકો બચાના - એસ એલ પુરીસાથે - આઠ દિન (૧૯૪૬) – ગીતકાર: ક઼મર જલાલાબાદી / જી એસ નેપાલી (?)
ફિલ્મમાં અશોક કુમાર પણ છે, એસ એલ પુરી તો ફિલ્મમાં એક કલાકાર તરીકે પણ છે એટલે એમણે તો પોતાના જ પાત્ર માટે ગીત ગાયું હશે તેમ માની લઈએ પરંતુ પ્રસ્તુત ગીતની ઓડીયો ક્લિપ જ ઉપલબ્ધ છે એટલે એ સિવાય કયા અભિનેતા માટે કયા ગાયકે પાર્શ્વગાયન કર્યું હશે તે ખબર નથી પડતી.

દિલ લગા કે ક઼્દર ગયી પ્યારે - કાલા પાની (૧૯૫૮) - આશા ભોસલે - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
રેકોર્ડ પર છપાયેલ મહિતી મુજબ આ ગીતમાં એસ ડી બર્મનનો કોઈ અધિકૃત ફાળો નથી. પરંતુ ગીતમાં @ ૧.૦૪ અને ૨.૧૩ પર જે "ધીન તા થા'ના ઉદ્ગારોનું સંમ્મિશ્ર્ણ કરી લેવામાં આવ્યું છે તે એસ ડી બર્મને પોતે ગાયેલ છે એવું જાણકારો નોંધે છે.

સુન મેરે બંધુ રે સુ્ન મેરે મિતવા - સુજાતા (૧૯૫૯) - ગીતકાર - મજરૂહ સુલ્તાનપુરી
બંગાળની લોક ધુનમાં જે 'માંઝી'નાં ગીતો તરીકે જાણીતાં છે એવાં લોકગીતોની ધુન પર આધારિત ગીતોને હિંદી ફિલ્મોમાં સુરમાં ઢાળવાની એક આગવી પ્રથાને એસ ડી બર્મનની ગાયકીએ એક ખાસ સ્થાન બક્ષવાનું કામ કર્યું.

ઓ રે માંઝી ઓ રે માંઝી - બંદિની (૧૯૬૩) - ગીતકાર શૈલેન્દ્ર
નાયિકાની દ્વિધાને કાવ્યમય રજૂઆત દ્વારા વર્ણવવાની દિગ્દર્શક બિમલ રોયની દૃષ્ટિને સચિન દેવ બર્મને સુર દેહમાં સજાવી આપી છે.
આ પહેલાં જે ગીત આપણે સાંભળ્યું, તે ફિલ્મ 'સુજાતા'ના પણ દિગ્દર્શક બિમલ રોય જ છે. આમ ફિલ્મની એક ખાસ સીચુએશનને રજૂ કરવા માટે અમુક ચોક્કસ પ્રકારની ધુન અને તેની બહુ જ આગવી રજૂઆત એ વિચાર જરૂર દિગ્દર્શકનો હશે જેને યથાતથ ચરિતાર્થ કરી આપવાની જવાબદારી સચિન દેવ બર્મને એસ ડી બર્મનના સ્વરમાં પુરી કરી છે.

વહાં કૌન હૈ તેરા મુસાફિર તૂ જાયેગા કહાં - ગાઈડ (૧૯૬૫) - ગીતકાર શૈલેન્દ્ર
એસ ડી બર્મનના સ્વરમાં ગવાયેલ ગીત વડે ફિલ્મની વાર્તાની ભૂમિકાને ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સમાં જ બાંધી લેવાનો અનોખો પ્રયોગ ફિલ્મના દિગ્દર્શક વિજય આનંદે ખૂબ સફળતાપૂર્વક કર્યો છે.

અલ્લાહ મેઘ દે પાની દે - ગાઈડ (૧૯૬૫) - ગીતકાર વિજય આનંદ
'ગાઈડ" ફિલ્મના દિગ્દર્શક વિજય આનંદે એસ ડી બર્મનના સ્વરનો ફિલ્મમાં એક વાર ફરીથી બહુ ખૂબીપૂર્વક પ્રયોગ કર્યો છે. અહીં રજૂ કરેલ ક્લિપમાં એ આખી સીચ્યુએશન ખાસી વિગતમાં જોવા મળૅ છે. વરસાદના આગમનની રાહ જોતાં જોતાં વાતાવરણમાં વધતા જતા તણાવની અસર મુક્ત કરવા જ જાણે કે આખો ગ્રામ સમુહ એક આર્તપ્રાર્થનામાં પોકાર કરી ઊઠે છે.


ઓ માં માં...મેરી દુનિયા હૈ મા તેરે આંચલમેં - તલાશ (૧૯૬૯)- ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
મા માટેની લાગણી હૃદયનાં ઊંડાણમાંથી પ્રજ્વળવાનો ભાવ એસ ડી બર્મન પોતાના સુરમાં રજૂ કરે છે.

કાહે કો રોયે..ચાહે જો હોયે સો હોયે સફલ હોગી તેરી આરાધના - આરાધના (૧૯૬૯) - ગીતકાર
અહીં એસ ડી બર્મનનો સ્વર જમાનાની અવળી ચાલોમાં ફસાઈ ગયેલ એક નારીને સધિયારો આપે છે.

પ્રેમ કે પુજારી હૈ હમ રસ કે ભિખારી - પ્રેમ પુજારી (૧૯૭૦) - ગીતકાર નીરજ
એસ ડી બર્મનના સ્વરમાં, કવિ નીરજના બોલ, ફિલમનાં ટાઈટલ્સમાં ફિલ્મનાં કથાવસ્તુનાં હાર્દને રજૂ કરે છે

ઝિંદગી ઓ ઝિંદગી તેરે હૈ દો રૂપ - ઝિંદગી ઝિંદગી (૧૯૭૨) - ગીતકાર આનંદ બક્ષી.
એસ ડી બર્મનના સ્વરમાં ફરી એક વાર ફિલ્મનાં ટાઈટલ્સ અને કથાવસ્તુનાં હાર્દની સંવેદનશીલ રજૂઆત.

પિયા તૂને ક્યા કિયા - ઝિંદગી ઝિંદગી (૧૯૭૨)- ગીતકાર આનંદ બક્ષી
એસ ડી બર્મન તેમના સ્વરને અલગ અલગ કક્ષાએ રમતા મૂકીને 'તૂને'માંથી 'મૈંને"માં ગીતના ભાવને પણ અલગ અલગ ભાવમાં પરિવર્તિત કરતા રહે છે.

છોટે છોટે સપન હમાર - સગીના (૧૯૭૪) - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
હિંદી ફિલ્મો માટે એસ ડી બર્મનનું આ છેલ્લું ગીત પણ યોગાનુયોગ એક અંતિમ યાત્રાની વાત રજૂ કરવાની સાથે ફિલ્મના અંતમાં પરિણમે છે.

ઇન્ટરનેટ પરના કેટલાક સંદર્ભોમાં ફિલ્મ 'તેરે મેરે સપને'(૧૯૭૧)માં પણ એસ ડી બર્મનના સ્વરમાં ગવાયેલ 'ફૂલવા મંગાઓ જરા અંગના સજાઓ રે'નો ઉલ્લેખ જોવા મળે છે. જો કે મને આ ગીતનો કોઈ અન્ય સંદર્ભ નથી મળી શકયો.
આ ઉપરાંત અહીં ૧૯૭૨ની ફિલ્મ 'યે ગુલિશ્તાં હમારા'નાં એવાં બે ગીત મૂક્યાં છે જેમાં એસ ડી બર્મનનો સ્વર 'કાલા પાની'નાં ગીતની જેમ બહુ નાના ટુકડાઓમાં, ગીતની પૂરક રચનાના ભાગ સ્વરૂપે, પ્રયોજાયેલ છે.
ક્યા યે ઝિંદગી હૈ - ૦.૪૪ અને ૧.૫૧ પર એસ ડી બર્મન એક વાક્ય ગાઈને ગીતની વ્યથાને ઉજાગર કરે છે.

રૈના સોયી નૈના જાગે જાગે - સ્થાનિક પ્રજાના રાજાના દરબારમાં ત્યાંના લોકગીત પર આધારીત એક ગીતની સીશ્યુએશન પર આ ગીતની રચના કરવામાં આવી છે. ગીતમાં વાદ્ય સજ્જામાં અમુક અમુક જગ્યાએ કોઈ સ્થાનિક પાત્ર પણ નાના સરખા આલાપ લલકારી લે છે તેમ બતાવાયું છે. આવા @૦.૩૧, ૨૦૩૧ જગ્યાએ અમુક ટૂકડા એસ ડી બર્મને આલાપ્યા છે તો @૧.૨૦ જેવા મુક ટુકડાને આર ડી બર્મને સ્વર આપ્યો છે.

સચિન દેવ ગર્મને રચેલાં તેમણે પોતાના સ્વરમાં ગયેલાં ગૈર ફિલ્મી ગીતો આપણે હવે પછીથી યાદ કરીશું.

Sunday, September 2, 2018

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૩]


સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે હાલમાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની ત્રિઅંકીય શૃંખલાની વાત કરી રહ્યાં છીએ. આપને યાદ હશે કે પહેલા મણકામાં આપણે સચિન દેવ બર્મને રચેલાં, તેમની કારકીર્દીનાં શરૂઆતનાં વર્ષો – ૧૯૪૬-૧૯૪૯-નાં અન્ય પુરુષ ગાયકોનાં ગીતો સાંભળ્યાં હતાં. તે પછી બીજા મણકામાં ૧૯૫૦-૧૯૫૫નાં વર્ષ દરમ્યાનમાં સચિન દેવ બર્મને રચેલાં ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતો આપણે સાંભળ્યાં હતાં. આ વર્ષો દરમ્યાન તેમની ઓળખ નિશ્ચિત સ્વરૂપે પ્રસ્થાપિત બનવા લાગી હતી.

૧૯૫૫-૧૯૫૯નાં વર્ષો દરમ્યાન સચિન દેવ બર્મને ‘અન્ય’ પુરુષ અવાજ નથી પ્રયોજ્યા જણાતા. આ વર્ષોમાં તેઓ હીરો માટે તલત મહમૂદ કે કિશોર કુમાર કે મોહમ્મદ રફીના સ્વરોનો મહદ અંશે ઉપયોગ કરતા હતા. આ સમયકાળમાં ૧૯૫૭થી ‘તીન દેવીયાં’ સુધી મુખ્ય પુરુષ પાત્ર માટે મહદ અંશે મોહમ્મદ રફી અને ક્વચિત હેમંત કુમાર કે મન્ના ડેના સ્વરને વાપર્યા. એ સમયમાં કોમેડી ગીતો માટે પણ તેઓ મોહમ્મદ રફી કે મન્ના ડેના સ્વરનો જ વધારે ઉપયોગ કરતા હતા. આ બધાં પરિબળોને કારણે આજના ત્રીજા ભાગમાં આપણી પાસે ૧૯૬૦થી ૧૯૭૪ સુધીનાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતો સાંભળીશું.
સચિન દેવ બર્મન – મહેન્દ્ર કપુર
બી આર ચોપરા બેનર અને રવિ, સી રામચંદ્ર જેવા અમુક સંગીતકારો કે ‘ઉપકાર’ બાદ મનોજ કુમાર જેવા મુખ્ય કળાકારો કે ઓ પી નય્યરનાં રફી સાથે બગડેલા સંબંધને કારણે બદલેલી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં ઝળકવાની તક મળી તેનો પૂરેપુરો લાભ લઈને મહેન્દ્ર કપુરે હિંદી ફિલ્મનાં પાર્શ્વગાયન ક્ષેત્રમાં પોતાનું નિશ્ચિત સ્થાન જરૂર બનાવ્યું છે. તેમ છતાં સચિન દેવ બર્મન, નૌશાદ, શંકર જયકિશન જેવા એ સમયના પ્રથમ હરોળના સંગીતકારો કે મુખ્ય ધારામાં પ્રવૃત્ત ફિલ્મ નિર્માણ ગૃહોની પહેલી પસંદ મહેન્દ્ર કપુર નહોતા બની શક્યા એ વાત પણ નકારી શકાય તેમ નથી.


પિયા…પિયા બિન નહીં…આવત ચૈન…મિલ ગયે મિલનેવાલે.. અબ ઘર મેં બૈઠે કાઝી, કહે દો જી કહે દો, હૈ મિયાં બીબી રાઝી – મિયાં બીબી રાઝી (૧૯૬૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

મહેમુદ અને સીમા સરાફ (જેમની વધારે ઓળખ સીમા દેવ તરીકે રહી છે; શ્રીકાંત ગૌરવ અને કામિની કદમ અને શેરી ગીત મુજબ ગીતનાં ચાલક બળ સમી ન ઓળખાયેલ ત્રીજી જોડી એમ ત્રણ પ્રેમી જોડીઓ પર ગીત ફિલ્માવાયું છે. એક અન્ય બ્લોગ પર શ્રી અરૂણ કુમાર મુખર્જી જણાવે છે કે શ્રીકાંત ગૌરવ એ સંગીતકાર શૈલેશ મુખર્જી જ છે, તેમની સંગીતબધ્ધ કરેલી ફિલ્મોમાં સુહાગ સિંદુર (૧૯૫૩), પરિચય (૧૯૫૪), સવેરા (૧૯૫૮) જેવી ફિલ્મોનાં ગીતો યુટ્યુબ પર સાંભળી શકાય છે.

મેરા ક્યા સનમ મેરી ખુશી હૈ તુમ્હારી, અરે હસતે હો જબ મુસ્કરાતી હું મૈં – તલાશ (૧૯૬૯) – આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મની વાર્તાને આ પ્રકારના મસાલાથી વધારે ભોગ્ય બનાવવા માટે મૂકાયેલ આ કેબ્રે નૃત્ય ગીતમાં, ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક – કથા લેખક અને પટકથા લેખક ઓ પી રાલ્હન પણ એક કેમીઓ કરવાની તક ઝડપી લે છે. આપણે પણ તે સાથે સીધો ૧૯૬૦થી ૧૯૬૯નાં વર્ષ જેટલો કુદકો મારી છીએ. વચ્ચે વીતી ગયેલાં વર્ષોમાં હવે મહેન્દ્ર કપુર એક સ્વીકૃત ગાયક તરીકે પોતાની બ્રાન્ડ વેલ્યુ બનાવી ચૂક્યા છે. એટલે, કહેવાય છે એ મુજબ, ગીતને વધારે ચલણી બનાવી શકવાની સંભાવના વધારવા માટે રાલ્હને પોતા માટે મહેન્દ્ર કપુરનો અવાજ લેવાનો આગ્રહ રાખેલો. ગીતમાં મહેન્દ્ર કપુરની હવે જાણીતી થઈ ચૂકેલી હરકતોભરી ગાયન શૈલીને પણ પૂરો અવકાશ આપાયો છે.

આડવાત: 
ફિલ્મના નાયક, રાજેન્દ્ર કુમાર, પર ફિલ્માવાયેલાં બે યુગલ ગીતો – પલકોં કે પીછે સે તુમને ક્યા કહ ડાલા અને આજકો જુન્લી રાત્મા માં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગમાં લીધો છે તે તો દિગ્દર્શકને અને ફિલ્મ ચાહકોને સ્વીકાર્ય જ હોય. પરંતુ બીજાં એક રાગ આસાવરી પરનાં નૂત્ય ગીત – તેરે નૈના તલાશ કરે – માટે મન્ના ડેના સ્વરનો ઉપયોગ સચિન દેવ બર્મને બધાંની ઉપરવટ જઈને કર્યો હતો.
સચિન દેવ બર્મન – એસ ડી બાતિશ 
એસ ડી (શંકર દયાલ) બાતિશ તાલીમ પામેલ શાસ્ત્રીય ગાયક હતા. ૧૯૩૫-૧૯૪૫નાં વર્ષોમાં તેમણે હિંદી ફિલ્મોમા સંગીત આપયું હતું. જરૂર પડ્યે તેઓ પાર્શ્વ ગાયન પણ કરતા હતા. સંગીત દિગ્દર્શનનું કામ મળતું ઓછું થયું પછી પણ શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો માટે યાદ કરવામાં આવતા. ૧૯૬૪માં તેઓ બ્રિટનમાં જઈને સ્થાયી થયા. ત્યાં પણ તેઓ બીબીસી પર નિયમિતપણે ગાયક અને સંગીતકાર તરીકે પ્રવૃત્ત રહેલા. સચિન દેવ બર્મને તેમના અવાજને સંગીત શીખવનાર ગુરૂની ભૂમિકામાં પ્રયોજ્યો છે.

પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ – મેરી સુરત તેરી આંખે (૧૯૬૩)- મન્ના ડે અને એક અજ્ઞાત સ્ત્રી સ્વર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

આ ગીતનું મન્ના ડેનું સૉલો વર્ઝન વધારે જાણીતું રહ્યું છે. પરંતુ પ્રસ્તુત ગીતમાં એસ ડી બાતિશ તેમની પિતા-ગુરુની ભૂમિકા બહુ સહજપણે નિભાવી રહ્યા છે.

મન મોહન મનમેં હો તુમ્હીં…મોરે અંગ અંગમેં તુમ હી સમાયે, જાનોના જાનો હો તુમ્હી – કૈસે કહું (૧૯૬૪)- મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: શકીલ બદાયુની

અર્ધશાસ્ત્રીય રચનાઓની જ્યારે પણ ગણતરી કરવામાં આવે ત્યારે આ ગીતની નોંધ ચૂક લેવાતી આવી છે.

સચિન દેવ બર્મન – ભુપિન્દર
ભુપિન્દર ગાયક તરીકે એટલા મશહુર થઈ ગયા કે તેમનું પહેલવહેલું ગીત હક઼ીક઼ત (૧૯૬૪)નુ હતું એઅ લગભગ બધાંને ખબર હશે. પરંતુ એ બહુ સારા ગિટારવાદક અને વાયોલિનવાદક પણ હતા તે કદાચ ઘણાને ખબર નહીં હોય. ગિટારવાદક તરીકે તેઓ આર ડી બર્મનનાં વાદ્યવૃંદના એક બહુ મહત્ત્વન સભ્ય હતા. તેમના આ સંબંધે એસ ડી બર્મનની ફિલ્મોમાં જેમ જેમ આર ડી બર્મનનું સહાયક તરીકે કામ વધતું ગયું ત્યારે તેમ ણે ભુપિન્દરને ‘અન્ય’ ગાયકનાં બે એક ગીતો ગાવાની તક અપાવી હશે !

હોઠોં પે ઐસી બાત દબા કે ચલી આઈ – જ્વેલ થીફ (૧૯૬૭) – મુખ્યત્વે લતા મંગેશકરનું ગીત ગણાય – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અહીં તો ભુપિન્દરની ભૂમિકા વાદ્યવૃંદનાં એક વાદ્ય જેટલી જ છે. તેમને ફાળે આવેલ આલાપને ફિલ્મમાં દેવ આનંદ દ્વારા અભિનિત કરાવી લેવાની યુક્તિ દિગ્દર્શક વિજય આનંદે કામે લગાડી દીધી છે..

યારોં નિલામ કરો સુસ્તી, હમસે ઉધાર લે લો મસ્તી – પ્રેમ પુજારી (૧૯૭૦) – કિશોર કુમાર સાથે – ગીતકાર: નીરજ

હિંદી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારનાં વાહનો પર ગીત ગવાયાં હોય એવાં ગીતોનો એક અલગ પ્રકાર જ રહ્યો છે. તેમાં પણ જીપ પર ગીત ગવાયું હોય તે વળી એક ખાસ જૂદો વર્ગ ગણાય છે. ભુપિન્દરે ગાયેલ પંક્તિઓને પરદા પર અનુપ કુમારે જીવંત કરી હતી.

સચિન દેવ બર્મન અને ડેની ડેન્ઝૉન્ગ્પા
ડેની ડેન્ઝોન્ગપા (મૂળ નામ ત્શેરીંગ ફિંન્ટ્સો ડેન્ઝોન્ગપા) ખલનાયકની ભૂમિકાઓમાં વધારે જાણીતા થયા તેની પાછળ તેમની અભિનયક્ષમતાની બીજી ખૂબીઓ ઢંકાઈ ગઈ તેજ રીતે તેઓ એક બહુ સારા લેખક, ચિત્રકાર, શિલ્પકાર અને ગાયક હતા એ વાત તેમની અભિનયકળાની પ્રસિધ્ધિ પાછળ ઢંકાઈ ગઈ છે.

મેરા નામ યાઓ, મેરે પાસ આઓ – યે ગુલિસ્તાં હમારા (૧૯૭૨) – લતા મંગેશકર સાથે – ગીતકાર: આનંદ બક્ષી

ફિલ્મની પૃષ્ઠભૂમિ હિમાલયની પહાડીઓ છે તેને ધ્યાનમાં લઇને એસ ડી બર્મને જ્હોની વૉકર માટે ડેનીના સ્વરની પસંદગી કરી છે. આ નવીન પ્રયોગને કારણે આ ગીત એ દિવસોમાં ઠીક ઠીક લોકપ્રિય થયું હતું અને બિનાકા ગીતમાલામાં ૧૪મા ક્રમાકે પહોંચી ગયેલ.

સચિન દેવ બર્મન અને મનહર
મનહર ઉધાસ શિક્ષણથી એન્જિનિયરીંગમાં કારકીર્દીમાં આગળ વધવા જોઈતા હતા, પણ તેમનો જીવ મૂળે તો સંગીતપ્રેમી હતો. સંજોગવશાત હિંદી ફિલ્મોમાં ગાવાની તક જરૂર મળી, પણ ગાયક તરીકે તેમની પ્રસિધ્ધિ અને લોકચાહના તેમની ધગશ અને મહેનતનું ફળ છે.

લૂટે કોઈ મનકા નગર બન કે મેરા સાથી – અભિમાન (૧૯૭૩) – લતા મંગેશકર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મમાં એસ ડી બર્મને નાયક અમિતાભ બચ્ચન માટે કિશોર કુમાર અને મોહમ્મદ રફીની પાર્શ્વગાય્કો તરીકે પસંદગી કરીને એ પાત્રમાં અનેકવિધ ગાયનક્ષમતા છે તેવું બતાડવા કોશીશ કરી છે. પણ નાયક પોતાની પત્નીની સરખામણીમાં તો ગાયક તરીકે થોડો પાછળ જણાય છે એવું બતાડવાનું આવ્યું ત્યારે તેમની પસંદગી મનહર ઉધાસ પર ઉતરી હશે! આમ સચિન દેવ બર્મનનો સંગાથ પણ ભલે સંજોગવશાત થયો, પણ એક બહુ કર્ણપ્રિય ગીતના ગાયક તરીકે મનહરનું નામ પણ દસ્તાવેજિત થઈ જ ગયું.


સચિન દેવ બર્મન – સુનીલ કુમાર, આર એસ બેદી
સુનીલ કુમાર વિષેઓ કંઈ માહિતી નથી મળી શકી. આર એસ બેદી પણ ફિલ્મના દિગ્દદર્શક અને એક સિધ્ધહસ્ત લેખક અને પટકથા લેખક રાજિન્દર સિંધ બેદી હોઈ શકે એમ (ભલે અકારણ) માનીએ.

લાલી મેરે લાલ કી જિત દેખું તિત લાલ, ફિર રાત હૈ એક બાતકી – ફાગુન (૧૯૭૩) – કિશોર કુમાર , પંકજ મિત્ર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતનું કેન્દ્ર તો શાસ્ત્રીય ગાયન શૈલીની પૅરડી કરવાની કિશોર કુમારની આગવી શૈલી જ છે.

સચિન દેવ બર્મન – પંકજ મિત્ર
અનિલ બિશ્વાસે સંગીતબધ્ધ કરેલ ‘સૌતેલા ભાઈ'(૧૯૬૨)માં આ પહેલાં પંકજ મિત્રના નામે એક ત્રિપુટી ગીત અને એક યુગલ ગીત બોલે છે. પછીથી પણ તેમણે ગૃહ પ્રવેશ (૧૯૭૯) કે ‘અબ આયેગા મઝા (૧૯૮૪)જેવી કેટલીક ફિલ્મોમાં છૂટાં છવાયાં ગીત ગાયાં છે. જોકે બંગાળી ફિલ્મોમાં તેઓ ખાસા માન્યતાપ્રાપ્ત પાર્શ્વગાયક તરીકે જાણીતા છે.

સાલા મૈં તો સાહબ બન ગયા – સગીના (૧૯૭૪) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીતમાં પરદા પર ઓમ પ્રકાશ માટે પાર્શ્વગાયનમાં પંકજ મિત્રનો સ્વર પ્રયોજવામાં આવ્યો છે. ગીત બહુ ‘લાઉડ’ જણાય છે. જોકે ૧૯૭૦માં ‘ગોપી’ માટે પણ લગભગ આવી જ સીચ્યુએશનનું આટલું જ લાઉડ ગીત દિલીપ કુમારે ભજવ્યું હતું.

સચિન દેવ બર્મન – દિલીપ કુમાર
સચિન દેવ બર્મને તેમની અને રાજ કપૂરની કારકીર્દીની શરૂઆતમાં રાજ કપૂર માટે ગીત રચ્યા હતાં અને હવે પોતાની અને દિલીપ કુમારની કારકીર્દીના અંતમાં દિલીપ કુમારના સ્વરને ગીતમાં વણી લીધો છે. દિલીપ કુમારે આ પહેલાં મુસાફિર (૧૯૫૭)માં સલિલ ચૌધરીનાં સંગીત નિદર્શનમાં લતા મંગેશકર સાથે ધોરણસરનું યુગલ ગીત, લાગી નહીં છૂટે રામા, જરૂર ગાયું હતું.

ઉપરવાલા દુખિયોંકી નહીં સુનતા રે – સગીના (૧૯૭૪) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પ્રસ્તુત ગીતમાં દિલીપ કુમાર પાસે એસ ડી બર્મને કેટલીક પંક્તિઓ જ બોલાવી છે, મૂળ ગીત તો કિશોર કુમારના સ્વરમાં જ ગવાયું છે.

સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલાં ‘અન્ય’ પુરુષ ગાયકોમાટેનાં ગીતોની યાદીમાં જ્હોની વૉકર અને આર ડી બર્મન જેવાં નામો પણ ચડેલાં જોવા મળે છે. આ પ્રકારનાં ગીતોમાં પણ ક્યાંતો જ્હોની વૉકરે એકાદ પંક્તિ ગાઈ હોય કે આર ડી બર્મને વાદ્યસંગીત સાથે કોઈ આલાપ લલકાર્યો હોય એવું બન્યું હશે એવી શક્યતાઓ જણાય છે.

આ સાથે સચિન દેવ બર્મને રચેલ ‘અન્ય’ પુરુષ ગાયકોનાં ગીતોની ત્રણ મણકાની શૃંખલા પૂરી થઈ છે. આ શ્રેણીના ત્રણેય ભાગ એક સાથે, સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો, પર ક્લિક કરવાથી વાંચી શકાશે.
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મનનાં પુરુષ ગાયકોની આપણી દીર્ઘ શ્રેણીના છેલ્લા અંકમાં આપણે તેમણે પોતાનાં સંગીતમાં ગાયેલાં ગીતો સાંભળીશું.