Sunday, April 7, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ : ૧૯૫૨ - ૧૯૬૦

સચિનદેવ બર્મનની કારીકીર્દીમાં શરૂઆતના ૧૯૪૬થી ૧૯૫૦ના હિંદી ફિલ્મ જગતમાં પગ જમાવવાનાં વર્ષો ગણી શકાય. તે પછી, વીસમી સદીનો પાંચમો દાયકો સચિન દેવ બર્મનની કારકીર્દીના ઈતિહાસમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ દસકાને આપણે સચિન દેવ બર્મનના લતા મંગેશકર સાથેના વ્યાવસાયિક સંબંધોના સંદર્ભમાં ૧૯૫૧થી ૧૯૫૫ અને ૧૯૫૬થી ૧૯૬૦ એમ બે ભાગમાં જોવાનો રહે. આ દસકાના પહેલો અર્ધ ભાગ સચિન દેવ બર્મનની કારકીર્દીનો એ સમય હતો જ્યારે તેમનાં સંગીતની ચાહનાનો સૂર્ય મધ્યાહ્ન પર તપવા લાગ્યો હતો. ૧૯૫૧ થી ૧૯૫૫ના વર્ષો તેમનાં કદાચ સૌથી વધારે સક્રિય કહી શકાય તેવાં ગણાય છે દસકાના પ્રથમ અર્ધ ભાગમાં સચિન દેવ બર્મને રચેલાં ગીતોમાંની ૮૦ % ગીતોમાં સૉલો યા યુગલ ગીતબા સ્વરૂપમાં સ્ત્રી ગાયિકાનો અવાજ રણક્યો, જેમાંથી લગભગ ૪૫ % જેટલાં ગીતો લતા મંગેશકરના સ્વરમાં હતાં. ૧૯૫૬ પછી (લગભગ ૧૯૬૨ સુધી) સચિન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે વ્યાવસાયિક અંટ્સ પડી ગયું. એ પરિસ્થિતિમાં સચિન દેવ બર્મન આશા ભોસલે તરફ વધારે ઢળ્યા.

૧૯૪૬થી ૧૯૫૦માં શમશાદ બેગમનું સ્થાન ગીતા દત્ત પછી અને સુરૈયાને સમાતર રહ્યું. ૧૯૫૧માં સચિન દેવ બર્મને જે શતરંજ બીછાવી તેમાં શમશાદ બેગમનું સ્થાન વ્યૂહાત્મક મહત્ત્વનાં સ્થાનમાં હતું, પણ સચિન દેવ બર્મન ક્યાંક લતા મંગેશકર પર તો ક્યાંક ગીતા દત્ત પર પણ ઝૂકતા દેખાતા હતા.
૧૯૫૨-૧૯૫૫
લતા મંગેશકર, ગીતા દત્ત અને શમશાદ બેગમ એમ ત્રણ પ્યાદાઓથી '૫૦ના દસકાનાં પહેલાં વર્ષ, ૧૯૫૧,માં માંડેલી શતરંજની બાજીના ૧૯૫૨થી ૧૯૫૫ના મધ્ય ભાગમાં શમશાદ બેગમની ભૂમિકા ઘોડાની ચાલ જેવી રહી, વપરાય ક્યારેક જ પણ દરેક ચાલ મહત્ત્વની હોય. સચિન દેવ બર્મનનાં શમશાદ બેગમનાં ૧૯૫૨થી ૧૯૫૫ના ગીતોનું ઐતિહાસિક વિશ્લેષણ આ પરિપ્રેક્ષ્યનાં સંદર્ભ કરવાનું રહે. જોકે આપણો આશય વિશ્લેષણનો નહીં પણ ગીતોની યાદ તાજી કરવાનો છે.

રાજા જાની લાગા મોહે નૈનવા કા બાન રે - લાલ કુંવર (૧૯૫૨)- ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીત કોઠા પર યા તો શેરીમાં ગવાતું નૃત્ય ગીત છે. સ્વાભાવિક છે કે ગીતમાં તબલાના ઠેકા અને હાર્મોનિયમના ટુકડાઓની રમઝટને શ્થાન હોય, તે સાથે શમશાદ પણ ગીતને પોતાની આગવી શૈલીમાં બહકાવે છે.

સારી ખુશીયાં સાથ આયી આપ જબ આયે -જીવન જ્યોતિ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતની ધુન ધ્યાનથી સાંભળીશું તો ખ્યાલ આવશે કે આ ગીત પછીથી પણ ક્યાંક સાંભળ્યું છે. હા, સચિન દેવ બર્મને 'સગીના'મા આ ધુન તુમ્હરે સંગ દિન બિતાયા કહાં બીતાઉં રૈન માટે ફરીથી ઉપયોગમાં લીધેલ છે.

જામ થામ લે સોચતે હી સોચતે બીતે સારી રાત - શહનશાહ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

સચિન દેવ બર્મને આ ફિલ્મમાં લતા મંગેશકર (૩), આશા ભોસલે (૨), ગીતાદત્ત (૧)અને શમશાદ બેગમ (૧) એમ ચાર સ્ત્રી ગાયકોને અજમાવ્યાં છે. શમશાદ બેગમના ફાળે, ફરી એક વાર, મધ્ય એશિયાની ધુન પર આધારિત નૃત્ય ગીત આવેલ છે. ગીતના મુખડા અને અંતરાના બોલ શમશાદ બેગમ અલગ અલગ સુરમાં રજૂ કરે છે.

રૂપકી રાની આયી પ્યારકી દૌલત લાયી, રે.. આઓ દિલવાલો લે લો.. લે લો - અંગારે (૧૯૫૪) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ફરી એક વાર નૃત્ય ગીત માટે સચિન દેવ બર્મને શમશાદ બેગમને પસંદ કર્યાં છે.

ગોરી કે નૈનામેં નિંદિયાં ભરી, આજા રે સપનોંકી નીલમ પરી- અંગારે (૧૯૫૪) - કિશોર કુમાર સાથે - ગીતકાર સાહિત લુધ્યાનવી

ગીતનો મુખડો અને પહેલો અંતરો તો સીધું સાદું હાલરડું છે, પણ તે સાથે માતાની બીજી ભૂમિકા પત્નીની પણ છે, જેના માટે તેનો પતિ તેને અકળાઇને જલ્દી જલદી આવવાની ધમકીભરી અરજ કરે છે. અંતરાના અંતમાં અધીરા પતિને પત્ની હાલરડાનાં જ સુરમાં અકળાઇને જવાબ - આતી હું આતી હું દમ લો ઘડી - પણ પકડાવતી જાય છે.

જે બાળકીને સુવડાવવા આ હાલરડું ગવાયું છે તે (બેબી) નંદા છે.

૧૯૫૪ની ‘ચાલીસ બાબા એક ચોર’નાં ૧૨ ગીતોમાંથી લતા મગેશકરને ફાળે ૭ સોલો અને ૧ યુગલ ગીત આવ્યાં અને શમશાદ બેગમને ફાળે ૪ ગીત આવ્યાં હતા. તેમાંથી એક ગીત – ‘દુધવાલા ભૈયા આયા માંગે રૂપૈયા’ અને ‘કલ કરે સો આજ, આજ કરે સો અબ’ ની યુટ્યુબ પરની લિંક નથી મળી શકી.'ચાલીસ બાબા એક ચોર' નામ પરથી કલ્પી લઈએ તેના કરતાં કાંઈક જુદા જ વિષયની વાર્તા હતી. ટુંકમાં કહીએ તો એમ કહી શકાય કે વાર્તાનું વસ્તુ ગંભીર કહી શકાય, પણ રજૂઆત હળવાશથી કરવામાં આવી હતી. ફિલ્મનું દિગ્દર્શન પણ ગીતકાર પી એલ સંતોષીએ જ કરેલ હતું.

બીસવી સદી હૈ યે બીસવી સદી ધિસ ઈઝ ટ્વેન્ટીએથ સેન્ચુરી – ગીતકાર: પી એલ સંતોષી

ગીત મસ્તી ભર્યું છે, જે શમશાદ બેગમના અવાજના મિજાજને પસંદ બેસે છે.

એ જી મુરખ બૈઠા આજકી સોચે, ઔર કલકી સોચે સિયાના, કલકી પંખ પસારે દેખો ઉડતા જાયે જ઼માના…..- ચાલીસ બાબા એક ચોર (૧૯૫૪) – ગીતકાર: પી એલ સંતોષી

લોક ગીતના ઢાળ પર સજાવાયેલું આ ગીત પણ મસ્તીના અંદાજમાં રચાયું છે અને ગવાયું પણ છે.

૧૯૫૫-૧૯૬૦

આ સમય સચિન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે વ્યાવસાયિક અંટ્સનો હતો, જેને કારણે સચિન દેવ બર્મને આશા ભોસલેને તેમનાં મુખ્ય ગાયિકા તરીકે પ્રસ્થાપિત કરી દીધેલાં. ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ગુરુદત્તે જ નિર્માણ કરેલી ફિલ્મો સિવાય સચિન દેવ બર્મને ગીતા દત્તનો ઉપયોગ સહાયક ગાયિકા તરીકે જ કર્યો. શમશાદ બેગમના તો અંગત સંજોગ પણ આ સમયે અવળા હતા. ૧૯૫૫માં તેમના પતિનો દેહાંત થયો, તેથી તેમણે અમુક સમય માટે ગીત ગાવાને ક્ષેત્રે ઓછું સક્રિય રહેવાનું પસંદ કર્યું હશે. અને જ્યારે તેઓ ફરીથી સક્રિય થવા લાગ્યાં ત્યારે ફિલ્મ સંગીતમાં સ્પર્ધાનાં પરીબળોએ તખ્તો સાવ જ પલટાવી નાખેલો હતો. આ સંજોગોમાં સચિન દેવ બર્મને તેમની પાસે બે જ ગીત ગવડાવ્યાં એ વાત બહુ આશ્ચર્ય નથી થતું.

જૈસે કો તૈસા નહેલે પે દહેલા દુનિયા કા પ્યારે અસૂલ હૈ ઐસા - મિસ બોમ્બે (૧૯૫૭) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મરાઠી લાવણી લોકધુન પર રચાયેલું આ શેરી 'તમાશા' ગીત છે. 

આડવાત
આ ગીતમાં ધ્યાનથી જોતાં રાજ કપુર જેવી જ અદામાં એક અન્ય કલાકાર આવીને ગીત સાંભળતું બતાવેલ છે. એ પુરુષ વેશમાં સજ્જ થયેલ મિસ બોમ્બે', નરગીસ, છે. એક જ વર્ષમાં સાવ જ સામા છેડાનાં બે પાત્ર ભજવ્યાં હોય તેવો આ એક અનોખો સંયોગ હશે. નરગીસની 'મધર ઈ ન્ડીયા' પણ આ જ વર્ષે રજૂ થઈ હતી.
અરે હાં હો.. હો.. દિલદાર કમડોં વાલેકા હર તીર જીગર સે ગુજ઼રે હૈ - બેવકૂફ઼ (૧૯૬૦) - મન્ના ડે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અંગ્રેજીમાં જેને ‘સ્વાન સોંગ' કહેવાય છે તેવું સચિન દેવ બર્મને રચેલું શમશાદ બેગમના સ્વરમં ગવાયેલું આ છેલ્લું ગીત છે. ગીતની રજૂઆત ખૂબ જ અનોખી રીતે કરાયેલ છે, જેને મન્ના ડે અને સ્મશાદ બેગમ પણ પૂરેપૂરો ન્યાય આપે છે.


આમ સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં રચેલાં ત્રીસમાથી ૧૨ ગીતો ૧૯૫૨થી ૧૯૫૫ના સમયગાળામાં સાંભળવા મળે છે. આ ૧૨ ગીતોમાંથી ચાલીસ બાબા એક ચોરનાં બે ગીતોની યુ ટ્યુબ લિંક આપણને નથી મળી. તે ઉપરાંત એક ગીત ગુરુ દત્તની અધૂહી રહી ગયેલ ફિલ્મ સાઝ માટે પણ રેકોર્ડ થયું હતું જે પણ આપને મળી નથી શકયું..આ ફિલ્મનાં બાકી ગીતો આર ડી બર્મને પોતાની સ્વતંત્ર ફિલ્મ તરીકે સ્વરબધ્ધ કર્યાં હતાં.
આડવાત
'સાઝ'ની વાર્તા પરથી પછીથી રાજ ખોસલાએ 'વો કૌન થી?' બનાવી હતી, અને 'વો કૌન થી?'નાં પછીથી તમિળ અને તેલુગુમાં પણ સંસ્કરણ થયેલ છે. ‘વો કૌન થી?’ અને તેનાં દક્ષિણ ભારતનાં સંસ્કરણોનાં ગીતોની વાત, એક ફિલ્મનાં અનેક સ્વરૂપ – “વોહ કૌન થી?” અને તેનાં પૂર્વજ અને અનુજ સંસ્કરણો માં દસ્તાવેજ કરેલ છે.
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકોની શ્રેણીમાં સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતો યાદ કરીશું.

સચિન દેવ બર્મને રચેલં શમશાદ બેગમનાં ગીતોના ત્રણેય મણકા એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ પર ક્લિક કરવાથી એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

1 comment:

ndv said...

This very well researched and then interestingly presented article. With such precise pieces of information and videos, a nice documentary can be made.