Sunday, November 25, 2018

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી હિંદી ગીતો [૨]

સચિન દેવ બર્મનનાં સંગીતની વાત કરતાં કરતાં આપણે ભલે તેમનાં અર્ધાંગિની મીરાં બર્મનની વાત ન કરીએ, પણ તેમનાં ગૈર ફિલ્મી ગીતોની વાત કરતાં હોઈએ અને મીરાં બર્મનનો ઉલ્લેખ ન કરીએ માત્ર આપણી વાત જ નહીં પણ સચિન દેવ બર્મનનાં ગૈર ફિલ્મી ગીતોનું ચિત્ર જ અધુરૂં જોયું છે એમ જ કહેવું પડે.


એસ ડી બર્મન અને મીરા (દાસગુપ્તા)નાં લગ્ન ૧૯૩૮માં થયાં શરૂઆતનાં વર્ષોમાં મીરાં દેવ બર્મને લખેલાં, એસ ડી બર્મને સંગીતબધ્ધ કરેલાં કેટલાંક ગીતોને મીરા દેવ બર્મનના સ્વરમાં પણ રેકોર્ડ કરાયાં છે. સચિન દેવ બર્મન ફિલ્મ સંગીતમાં વધારે સક્રિય થતા ગયા તેમ તેમ મીરાંજીને સચિન દેવ બર્મનનાં સંગીતમાં તેમનાં યોગદાન માટે વિધિસરનું સ્થાન બહુ ભલે નથી મળ્યું, પણ તેમની અદૃશ્ય છાયા સચિન દેવ બર્મનનાં સંગીતમાં રહી છે તેમ જાણકારોનું જરૂર કહેવું છે. છેલ્લે 'મિલી'નાં સંગીત નિર્માણ સમયે તો એસ ડીની તબિયત એટલી કથળેલી રહેતી કે મોટા ભાગનું સંગીત નિર્માણ મીરા દેવ બર્મને જ પૂરૂં કર્યું હતું. 'મિલી'માં તો તેઓ સહાયક સંગૈત નિર્દેશક રૂપે ફિલ્મ્નાં ક્રેડીટ ટાઈટલ્સમાં પણ સ્થાન પામ્યાં છે.

કાલી બદરિયા છા ગયી - મીરા દેવ બર્મન સાથે

પાશ્ચાત્ય વાદ્યો સાથેનાં ફ્યુઝન સાથેનુ વર્ષા ઋતુમાં કુદરતનાં સહજ વર્ણનને રજૂ કરતું એક યુગલ ગીત
મીરા દેવ બર્મનનાં સ્વરમાં ગવાયેલાં બહુ હિંદી ગીતો તો સાંભળ્યાં હોય એવું યાદ નથી, પણ આજે હવે યુટ્યુબ પ્ર તેમનાં બંગાળી ગીતો તો જરૂર સહેલાઈથી ઉપલ્બધ હશે. એમની પ્રતિભાને વધારે મોકળું મેદાન ન મળ્યું એ આપણા સૌને માટે એક ખોટ જરૂર અનુભવી શકાશે.

હવે આપણે ફરી એક વાર એસ ડી બર્મનનાં ગૈર ફિલ્મી સૉલો હિંદી ગીતો તરફ આપણું ધ્યાન વાળીશું. આજના આ અંકમાં પહેલાં તેમણે ગાયેલાં ભક્તિ ભાવનાં કેટલાંક ગીતો સાંભળીએ.

મેરે શ્યામ સુનો મેરી બિનતી રે - કૃષ્ણ પ્રેમ ભક્તિને એસ ડી પોતાન સ્વરમાં રજૂ કરે છે

ચલો ચલો પ્રેમ કે સાથી પ્રેમનગર હૈ જાના  - બંગાળનાં બહુ પ્રચલિત લોકભક્તિ સંગીતના એક પ્રકાર -બાઉલ સંગીત-ની અસર હેઠળ રચાયેલું, વિવિધ ભાવોને વણી લેતું, એક ભક્તિ ગીત.

પી લે પી લે હરિ નામકા પ્યાલા - એસ ડી બર્મન થોડા હટકે સુરમાં આ ભક્તિ ગીતને રજૂ કરીને એક અજબની મોહિની પેદા કરે છે.

કૌન નગરીયા જાઓ રે - કૃષ્ણ ભક્તિને ઉજાગર કરતું એક ભક્તિ ગીત, જેમાં બોલ કૃષ્ણ ભક્તિના પ્રદેશની ભાષાના છે, જ્યારે એસ ડી બર્મને મૂળતઃ બાઉલ સંગીતના પ્રભાવની નજદીક રહીને સાવ જ અનોખો ભાવ પેદા કર્યો છે.

મેરે પ્રીતમ પ્યારે બંસી વાલે - કૃષ્ણની ભક્તિમાં એકરસ થઈ ગયેલ ભક્તના મનોભાવને તાદૃશ કરતી ભક્તિ રચના. અહીં પણ એસ ડી બર્મન અંતરામાં સુરના જે ઉતાર ચડાવના પ્રયોગો કરે છે તે ગીતના ભાવને વધારે ઘૂંટે છે.

આજના અંકમાં મુખ્યત્વે ભક્તિ ગીતો સાંભળ્યા પછી હવે ફરી એક વાર એસ ડી બર્મને ગાયેલાં રોમેન્ટીક ગીતો તરફ ધ્યાન આપીએ.

કૌન આયા કૌન સપનોંમેં કૌન આયા - ફિલ્મી સંગીતમાં આપણે સચિન દેવ બર્મનની વિશુધ્ધ રોમેન્ટીક રચનાઓ રફી કે લતા કે કિશોર કુમાર કે આશ અભોસલેના સ્વરોમાં સાંભળી છે.અહીં તેઓ તેઓની પોતાની અનુભૂતિને તેમના અનોખા અંદાજમાં રજૂ કરે છે.

નૈનો કો સમજાકે જા દિલકો ધીર બંધાકે જા - અહીં એસ ડી બર્મન વિરહની તડપને એકદમ સુક્ષ્મ સ્વરૂપે રજૂ કરે છે.

આજના આ લેખના અંતમાં એસ ડી બર્મને ગાયેલાં એવાં બે ગીતો સાંભળીશું જે મોટા ભાગના સૂજ્ઞ મિત્રોએ એક યા બીજાં સ્વરૂપે જરૂર સંભળેલ હશે.

ફુલ ગેંદવા ન મારો

આ બંદિશ પરંપરાગત ઠુમરી ગાયકીમાં બહુ પ્રચલિત રહી છે, જેમ કે (નરગીસનાં માતા) જદ્દન બાઈની રજૂઆત કે પછી રસૂલનબાઈની આગવી રજૂઆત.

અને હવે પછી એસ ડી બર્મનની પોતાની રજૂઆત સાંભળીશું તો ગીતના ભાવને અનોખી દૃષ્ટિથી રજૂ કરવાની તેમની અલગ જ શૈલીનો આપણે પરિચય થાય છે.

આડ વાત :

આ બંદિશને ફિલ્મમાં એસ ડી બર્મને તેમ જ રોશને પોત પોતાના અંદાજમાં રજૂ કરી છે. બન્ને રચનાને સાહિર લુધ્યાનવીએ અલગ જ ભાવના શબ્દોથી રજૂ કરેલ છે.

ફુલ ગેંદવા ન મારો - ફંટૂશ (૧૯૫૭) - આશા ભોસલે
ફુલ ગેંદવા ન મારો - દૂજ કા ચાંદ (૧૯૬૪) - મન્ના ડે

ધીરે સે જાના બગીયનમેં ભંવરા

એસ ડી બર્મને ગાયેલું બહુ શરૂઆતનું ગીત છે જે તેમણે ગાયેલાં ગૈર ફિમી ગીતોમાં કદાચ સૌથી વધારે જાણીતું પણ કહી શકાય તેમ છે.
આડવાત

આ જ ગીતની એક બહુ જ આગવી કહી શકાય તેવી અને બીજી બહુ જ સસ્તી કહી શકાય તેવી પૅરોડી રચના રજૂ કરતાં પણ તેમના ફિલ્મ સંગીતના વાણિજ્યિક અવતારને અચકાટ નથી થયો.
જો કે આ બે પ્રયોગો પરથી જ સચિન દેવ બર્મની સર્જનાત્મકતાઓ ન્યાય તોળી નાખવો ઉચિત નહીં કહેવાય.
હવે પછીના અંકમાં આપણે તેમની જ ગૈર ફિલ્મી (બંગાળી) રચનાઓને કેવા આગવા ઢંગથી તેમણે હિંદી ફિલ્મોમાં રજૂ કરી છે તેની વાત કરીશું.

પાદ નોંધ:
સચિન દેવ બર્મનની કારકીર્દીમાં તેમણે પુરુષ પાર્શ્વગાયકો માટે રચેલાં સૉલો અને યુગલ ગીતોની અત્યાર સુધી અલગ અલગ પ્રકાશિત થયેલી બધી જ પૉસ્ટ્સને, સચિન દેવ બર્મન અને પુરુષ પાર્શ્વગાયકો પર ક્લિક કરવાથી  એક જ જગ્યાએથી વાંચવા ડાઉનલોડ કરી શકાય છે. 

No comments: