સચિન દેવ બર્મને ૧૯૪૬માં ચાલુ કર્યા પછી ૧૯૬૦ સુધીમાં ૩૦ ગીતોમાં શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો. આ ગીતો પૈકી ૧૯૪૬થી ૧૯૫૦ના સમયમાં ૪ ફિલ્મોમાં ૧૧ ગીતો તેમણે શમશાદ બેગમનાં સ્વરમાં રેકોર્ડ કર્યાં. એ ગીતોમાં 'શબનમ' (૧૯૪૯)માં તેમણે શમશાદ બેગમનો મુખ્ય પાર્શ્વગાયિકા તરીકે પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગની સફળતાએ સચિન દેવ બર્મનની સંગીતકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ બહુ મહત્ત્વનો આપ્યો ગણાય છે.
'શબનમ' (૧૯૪૯) અને મશાલ (૧૯૫૦)નાં સંગીતની સફળતાની સીધી જ અસર સચિન દેવ બર્મનની કારકીર્દી પર પડી હોય તેમ ૧૯૫૧નું વર્ષ ફિલ્મોની સંખ્યા અને ગીતોની સફળતાની દૃષ્ટિએ ખુબ ફળદાયી રહ્યું. આ વર્ષમાં તેમણે 'બાઝી', 'બહાર', 'બુઝદિલ', 'એક નઝર', 'નૌજવાન' અને 'સઝા' જેવી છ છ ફિલ્મોમાં સંગીત આપ્યું. આ ફિલ્મોમાં તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, શમશાદ બેગમના સ્વરોનો મુખ્ય ગાયક તરીકે પ્રયોગ કર્યો, જેમાંથી લતા મંગેશકરનાં ગીતો સિંહ ફાળામાં રહ્યાં. સચિન દેવ બર્મને લતા મંગેશકરના સ્વરમાં ઠંઠી હવાએં (બુઝદીલ), ઝન ઝન પાયલ બાજે (બુઝદીલ) અને તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે (સઝા), ગીતા દત્તના સ્વરમાં તદબીર સે બીગડી હુઈ તક઼્દીર બના લે અને આજકી રાત પિયા દિલ ન તોડો (બાઝી) અને શમશાદ બેગમના સ્વરમાં સૈંયા દિલમેં આના રે (બહાર) રચ્યાં જે સદાબહાર ગીતોમાં સ્થાન પામી ચૂક્યાં છે.
૧૯૫૧માં સચિન દેવ બર્મને શમશાદ બેગમને 'બહાર'માં મુખ્ય ગાયિકા તરીકે રજૂ કર્યાં, તે સાથે 'બાઝી' અને 'નૌજવાન'માં પણ તેમના સ્વરનો પ્રયોગ અન્ય કલાકારોના પાર્શ્વસ્વર તરીકે કરવાનો પ્રયોગ પણ તેમણે કર્યો. બધું મળીને સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં ૭ ગીતો ૧૯૫૧માં રેકોર્ડ કર્યાં, જેમાંથી ૫ ગીતો તો 'બહાર'નાં જ હતાં. 'બહાર'નાં બધાં ગીત રાજેન્દ્ર કૃષ્ણએ લખેલાં છે. 'બહાર' વૈજયંતિમાલાનું હિંદી ફિલ્મોમાં પહેલવહેલું પગલું હતું . 'બહાર' એ તમિળમાં બનેલી ફિલ્મ 'વઝક્કઈ'(૧૯૪૯)ની હિંદી આવૃતિ હતી. 'વઝક્કાઇની ફિલ્મીકરણમાં નિર્માતાએ હિંદી ગીતોને ફિલ્મમાં ઢાળી લીધાં હતાં.’વઝક્કાઈ’નું આ ગીત સાંભળીશું તો હિંદી ફિલ્મનાં બીજાં એક બહુ ખ્યાત ગીત 'ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ'ની તર્જ યાદ અચૂક આવી જાશે. એ જ રીતે બીજાં આ એક ગીતમાં 'જલનેવાલે જલા કરે… ડ..ડાં..ડ.. ડાં...ડાં..'ની સીધી ઝલક સંભળાશે. અ પશ્ચાદભૂમિકામાં 'બહાર'નું સંગીત સચિન દેવ બર્મને સોંપવામાં આવ્યું અને બર્મને મુખ્ય ગાયિકા તરીકે શમ્શાદ બેગમ પર પસંદગી ઉતારી.શમશાદ બેગમ ફિલ્મની મુખ્ય નાયિકા માટે ગીતો ગાઈ રહ્યાં છે એટલે તેમને ફાળે અલગ અલગ મૂડનાં ગીતો એક સાથે ગાવાનાં આવ્યાં.
સૈંયા દિલમેં આના રે આકે ફિરસે જાના રે -
શમશાદ બેગમે એવી નજ઼ાકતથી આ મસ્તી ભર્યું ગીત ગાયું છે કે ગીત સદાબહાર ન થાય તો જ નવાઈ કહેવાય !
દુનિયા કા મઝા લે લો દુનિયા તુમ્હારી હૈ
અલ્લડ મસ્તીના ભાવને શમશાદ બેગમે સ્વાભાવિકપણે રજૂ કરેલ છે.
ઓ પરદેસીયા.. પ્યારકી બહાર લે કે દિલકા ક઼રાર લેકે આજા રે આજા પરદેસીયા
ગીતના પ્રારંભમાં પરદેસી પ્રિતમને કરેલો પુકાર શમસાદ બેગમ એકદમ મૃદુ મીઠા સ્વરમાં કરે છે, પરંતુ પછી તરત જ ગીતની લય નૃત્યની ઝડપ પકડી લે છે એટલે શમશાદ બેગમ તેમના મૂળ સ્વરમાં સરી પડે છે.ગીતના મધ્ય ભાગ (@૩.૪૧)પછી એ 'પરદેસીયા'ના સ્વાંગમાં પણ વૈજયંતિમાલાએ જ સપેરા નૃત્ય કરેલ છે. સપેરા નૃત્યની વાદ્યબાંધણીમાં સચિન દેવ બર્મનની આગવી સૂઝ માણવા મળે છે.
છોડોજી... કન્હૈયા.. કલયૈઆં…. હમાર
પ્રિયતમ સાથે મીઠી નોકઝોકને તાદૂશ્ય કરતું નૃત્ય ગીત.સચિન દેવ બર્મને ગીતની બાંધણીમાં હાર્મોનિયમને બહુ કમાલથી વણી લીધું છે.
ક઼સૂર આપકા હુઝૂર આપકા મેરા નામ લિજીયે ન મેરે બાપકા
પ્રેમી પ્રેમિકા વચ્ચેની મીઠી તોફાન મસ્તીને પેશ કરતું એક ગીત, જે કિશોર કુમારના સ્વરમાં પણ રેકોર્ડ થયેલું છે.
૧૯૫૧માં બીજી બે ફિલ્મોમાં સચિન દેવ બર્મને શમસાદ બેગમનો સ્વર મુખ્ય ગાયિકાના સ્તરે ન કરવાને બદલે અન્ય ગાયિકાનાં સ્તરે કર્યો.
શર્માયે કાહે ગભરાયે કાહે .. સુન મેરે રાજા .. હો રાજા રાજા રાજા - બાઝી - ગીતકાર: સાહિર લુધ્યાનવી
'બાઝી'માં મુખ્ય ગાયિકા ગીતા દત્ત હતાં. પ્રસ્તુત ગીત ફિલ્માવાયું છે મુખ્ય નાયિકા ગીતા બાલી પર,ફિલ્મનાં બીજાં ગીતો કરતાં ગીતની સીચ્યુએશન થોડી જૂદી છે અને તેથી રજૂઆતની શૈલી પણ થોડી અલગ છે, એટલે પાર્શ્વસ્વર તરીકે શમસાદ બેગમ પર પસંદ ઉતારી હશે ?
ઓ પી પી પિયા ઓ પિયા , હમ ઔર તુમ … .. તુમ ઔર હમ...રહે એક સાથ - નૌજવાન - કિશોર કુમાર સાથે - ગીતકાર: સાહિર લુધ્યાનવી
'નૌજવન'માં મુખ્ય ગાયિકા લતા મંગેશકર છે. પ્રતુત ગીત પાશ્ચાત્ય નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું છે. એ જમાનાની બહુ જાણીતી નૃત્યકલાકાર કક્કુ પર ફિલ્માવાયેલાં ગીતને શમશાદ બેગમ અનોખી મસ્તીમાં રજૂ કરે છે.
ભવિષ્યમાં આ પ્રકારનાં ગીતો માટે આશા ભોસલે મોટા ભાગનાં સંગીતકારો માટે એક માત્ર ગાયક બની રહેવાનાં છે.
'નૌજવન'માં મુખ્ય ગાયિકા લતા મંગેશકર છે. પ્રતુત ગીત પાશ્ચાત્ય નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું છે. એ જમાનાની બહુ જાણીતી નૃત્યકલાકાર કક્કુ પર ફિલ્માવાયેલાં ગીતને શમશાદ બેગમ અનોખી મસ્તીમાં રજૂ કરે છે.
ભવિષ્યમાં આ પ્રકારનાં ગીતો માટે આશા ભોસલે મોટા ભાગનાં સંગીતકારો માટે એક માત્ર ગાયક બની રહેવાનાં છે.
જે રીતે ‘નૌજવાન', કે બાઝી'માં અનુક્રમે લતા મંગેશકર અને ગીતા દત્તના મુખ્ય ગાયિકા તરીકે સ્વર હતા અને શમશાદ બેગમ પાસે અન્ય પાત્ર માટેનાં ગીત ગવાડાવ્યાં હતાં તેમ 'બહાર'માં બીજાં પાત્ર માટે એક કરૂણ ગીત રેકોર્ડ કરવાનું આવ્યું ત્યારે સચિન દેવ બર્મને ગીતા દત્તના સ્વરનો પ્રયોગ કર્યો છે.
આમ, ૧૯૫૧નાં વર્ષમાં, એ સમયનાં ગીતા દત્ત કે શમશાદ બેગમ જેવાં મુખ્ય ધારાનાં પાર્શ્વગાયિકાઓ સાથે આટ આટલું સફળ પરિણામ મેળવ્યા છતાં સચિન દેવ બર્મનની મુખ્ય પાત્શ્વગાયિકા તરીકેની પસંદ લતા મંગેશકર તરફ ઢળતી જણાય છે. એ સંજોગોમાં શમશાદ બેગમ પાસે ગવડાવેલાં ૩૦ ગીતોમાંથી હજૂ ૧૨ ગીતોમાટે સચિન દેવ બર્મને ક્યારે ક્યારે અને શી રીતે પ્રયોગો કર્યા તેની વાત હવે પછીના અંકમાં કરીશું.
No comments:
Post a Comment