Showing posts with label Manna_Dey_and_Lead_Actors. Show all posts
Showing posts with label Manna_Dey_and_Lead_Actors. Show all posts

Sunday, October 6, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૫]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્ના ડેની કારકીર્દીની સફર તરફ નજર કરતાં એક તારણ કાઢવાનું મન થાય છે - '૫૦ના પાછલા અને '૬૦ના પ્રથમ ભાગમાં બીજી પેઢીના જે અભિનેતાઓ નાયક તરીકેની ભૂમિકાઓમાં સફળતાને વર્યા તે બધાંની શરૂઆતની ફિલ્મોમાં તલત મહમુદ કે મુકેશ કે મોહમ્મદ રફી કે મન્ના ડે જેવા કોઈ પણ ગાયકે પાર્શ્વ ગાયન કર્યું, પણ એક વાર સફળતા ચાખ્યા પછી, અમુક અપવાદો સિવાય, પાર્શ્વ સ્વર માટે એ અભિનેતાઓ માત્ર મોહમ્મદ રફીને જ પસંદ કરતા હતા. કે કદાચ એવું પણ બન્યું હશે કે, તેમની સફળતા પાછળનું એક મહત્ત્વનું પરિબળ તેમણે મોહમ્મદ રફીને પ્રાર્શ્વ ગાયક તરીકે નક્કી કર્યા એ હશે ?

જોકે આપણે એ વાતની ચર્ચા નથી કરી રહ્યા. આપણો મૂળ ઉદ્દેશ્ય તો સફળ ગણાએલ નાયકો સાથે મન્ના ડેનાં પાર્શ્વગાયક તરીકેનાં ગીતોને યાદ કરવાનો છે.

પ્રેમ નાથ સાથે

ચરિત્ર અભિનેતા તરીકેના કેટલાક યાદગાર પાત્રો ભજવવા પહેલાં પ્રેમ નાથે રોમેન્ટીક હીરો તરીકે ઘણી ફિલ્મો કરી છે. રોમેન્ટીક હીરોને છાજે તેવાં રોમાંસ, છેડ છાડ, પ્રેમભંગ જેવાં ગીતો પણ તેમના પર ફિલ્માવાયાં છે. જોકે પ્રેમ નાથની કારકીર્દીના આ હીરો તરીકેના સમય ખંડમાં મન્ના ડે સાથેનો તેમનો સંબંધ નૌજવાન (૧૯૫૧)ના ક્રેડીટ ટાઈટલ ગીત - એક આગ દહકાતા રાગ હૈ જવાની - જેવાં પરોક્ષ ગીતોનો જ રહ્યો. મન્ના ડેનાં ચાહકોને એવાં ગીતોના સંદર્ભ ભલે યાદ નહીં હોય, પણ એ ગીતો તરત જ યાદ આવી જશે.

નસીબ હોગા મેરા મહેરબાં કભી ન કભી - ૪૦ દિન (૧૯૫૯) - આશા ભોસલે સાથે - સંગીતકાર બાબુલ - ગીતકાર કૈફી આઝમી
આ યુગલ ગીતમાં મન્ના ડેની ભૂમિકા સહાયક ગાયક તરીકે જણાય, પણ ગીતની ગાનાર મુખ્ય અબિનેત્રી (શકીલા)ની શોધ તો તેના પ્રેમી નાયક પ્રેમ નાથ માટેની જ છે.

ફિર તુમ્હારી યાદ આયી અય સનમ અય સનમ - રૂસ્તમ સોહરાબ (૧૯૬૩) - મોહમ્મ્દ રફી સાથે – સંગીતકાર: સજ્જાદ હુસૈન – ગીતકાર: ક઼મર જલાલાબાદી
પર્દા પર આ ગીત ગાતા સૈનિકો ભલે પોતપોતાની યાદોને વાગોળે છે, પણ એ બોલ તેમના સેનાપતિ (પ્રેમ નાથ)ને પોતાની યાદોમાં ખેંચી જાય છે તે પણ સ્પષ્ટપણે દર્શાવાયું છે.
મોહમ્મદ રફી અને મન્ના ડેનાં શ્રેષ્ઠ યુગલ ગીતમાં સ્થાન મળવું એ દસ્તાવેજી મહત્ત્વ સાથે આ ફિલ્મ હિંદી સિનેમાના એક અદ્‍ભૂત સંગીતકાર સજ્જાદ હુસૈનની છેલ્લી ફિલ્મ તરીકે પણ ઇતિહાસમાં એક ખાસ નોંધ તરીકેનું સ્થાન મેળવે છે.

ના ચાહું સોના ચાંદી ના ચાહું હીરા મોતી યે મેરે કિસ કામ કે - બોબી (૧૯૭૩) - શૈલેન્દ્ર સિંગ અને લતા મંગેશકર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: વિઠ્ઠલ્ભાઈ પટેલ
આ ગીત જેટલું લોકજીભે રમતું થયું હતું, એટલું જ લોકપ્રિય થયું હતું પ્રેમ નાથનું ગોવાના સાદા, ગરીબ પણ સ્વમાની માછીમાર તરીકેનૂં ચરિત્રાત્મક પાત્ર.

રાજ કપૂરની પરંપરાગત શૈલી અનુસાર ફિલ્મના અંતમાં આ ગીતની પંક્તિઓ ફરીથી રજૂ કરાઈ છે.-

ખુલ ગયી પઘડી ગુલાબી હો ગયા બુઢ્ઢા શરાબી - આપ બીતી (૧૯૭૮) - કિશોર કુમાર સાથે – સંગીતકાર: લક્ષ્મીકંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
હળવી શૈલીનાં આ ગીતમાં કિશોર કુમાર અને મન્ના ડે પણ મુક્ત હળવાશથી ખીલી રહ્યા છે.

પ્રદીપ કુમાર (મૂળ નામ શીતલ બાતાબ્યલ) સાથે

પ્રદીપ કુમારની પહેલવહેલી હિંદી ફિલ્મ 'આનંદમઠ' (૧૯૫૨) હતી તે પછી 'અનારકલી' (૧૯૫૩) અને નાગિન (૧૯૫૪)આવી જે ટિકિટબારી પર ખુબ સફળ રહી. અત્યાર સુધી તેમનો પાર્શ્વગાયન સ્વર હેમંતકુમારનો (આનંદ મઠ, નાગિન) કે તલત મહમૂદનો (આનંદ મઠ) રહ્યો હતો. મન્ના ડેનો અને પ્રદીપ કુમારની પર્દા પર ભૂમિકા સૌ પ્રથમ વાર કંઈક અંશે 'રાજ હઠ'માં એકબીજાં સાથે સંકળાયાં. જોકે અહીં પણ પ્રદીપ કુમાર પર ફિલ્માવાયેલાં યે વાદા કરો ચાંદ કે સામને માટે પાર્શ્વ સ્વર મૂકેશનો અને આયે બહાર બનકે લુભાકે ચલે ગયે માટે મોહમ્મદ રફીનો સ્વર પ્રયોજાયો હતો. પરંતુ, આપણે જે ગીતને યાદ કરી રહ્યા છીએ તે મન્ના ડેની કારકીર્દીમાં પણ એક સીમાચિહ્ન રૂપ ગીત છે, એટલી તેની નોંધ લેવી ઘટે.

ચલે સિપાહી ધૂલ ઊડાતે કહાં કોઈ ક્યા જાને - રાજ હઠ (૧૯૫૬) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર
ફિલ્મમાં ગીત બેક્ગ્રાઉન્ડ ગીત તરીકે ફિલ્માવાયું છે.

'મિસ ઈન્ડીયા" (૧૯૫૭) માં એસ ડી બર્મને પ્રદીપ કુમારનાં ગીતો મુખ્ય પાર્શ્વગાયક તરીકે મન્નાડેના સ્વરમાં રચ્યાં. મુખ્ય પુરુષ ગાયક તરીકે મન્ના ડેના સ્વરને પસંદ કરવો એ પણ એસ ડી બર્મન-મન્નાડેના સંગીતકાર-ગાયક તરીકેના વ્યાવસાયિક સંબંધમાં એક અપવાદરૂપ ઘટના હતી.

જાઉં મેં કહાં...યે જમીં યે જહાં છોડ કે - મિસ ઈન્ડીયા (૧૯૫૭) - લતા મંગેશકર સાથે - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
'હે..હે..'જેવા બેફિકરા આલાપથી મન્ના ડે ગીતનો ઉપાડ કરે છે. તે પછી તરત દૃષ્ય બદલાય છે અને પોતાના પ્રેમીજનનાં પાસ હોવાની કરૂણતા નરગીસ વહાવે છે. @૫.૧૯થી શરૂ થતા અંટરામાં ફરી એક વાર બેફિકરા આલાપ બાદ પાશ્ચાત્ય નૃત્યના બોલ યે ભીગી ભીગી રાતેં યે ઉમડઘુમડ બરસાતેં..દ્વારા મન્ના ડે ગીતના ભાવને નાચતા કરી મૂકે છે.

માલિકને હાથ દિયે દો દો દિયે - મિસ ઈન્ડીયા (૧૫૭) - આશા ભોસલે સાથે
ક્લિપની શરૂઆતમાં બે હાથો તે કંઈ કામ કરવા આપ્યા છે તેવી ઘૃણા દર્શાવતા પ્રદીપ કુમાર પર કોઈ જાદુ થયો હશે એટલે નરગીસ સાથે બે હાથથી કામ કરીએ તો જીંદગીભર ઓશીયાળા ન રહીએ એવો પ્રેરણાત્મક સંદેશો મન્ના ડેના સ્વરની સાહજિકતાથી તેઓ ગાવા લાગે છે.

મેહનતસે ન ડર બન્દે હિમ્મત સે કામ લે - બટવારા (૧૬૩) - એસ બલબીર સાથે – સંગીતકાર: એસ મદન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ખાસાં મોઘાં દેખાતાં પેન્ટ -શર્ટમાં સજ્જ પ્રદિપ કુમારને હાથોથી ખુશખુશાલ હાલતમાં મહેનત કરતાં મજદૂરોને જોઈને તિક્મ-કોદાળી હાથમાં લઈને જોડાઈ જવાનું જ મન નથી થયું પણ હવે @૩.૪૮ પર આગે બઢા કદમ એક મર્દ બનકે જેવો પ્રેરણાત્મક લલકાર પુકારીને બીજાંનો જુસ્સઓ વધારવાનું પણ ફાવી ગયું છે!

યે દિન દિન હૈ ખુશી કે આજા રે આજા મેરે સાથી ઝિંદગીકે - જબસે તુમ્હે દેખા હૈ (૧૯૬૧)- સુમન કપ્યાણપુર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: શૈલેન્દ્ર
પ્રદિપ કુમાર પર ફિલ્માવાયેલાં આ યુગલ ગીત માટે પાર્શ્વગાયન માટે દત્તારામની પસંદ મન્ના ડે પર ઢળી છે.હિંદી ફિલ્મોની નિયતિ પણ કેવી ફાંટાબાજ છે કે પ્રદીપ કુમાર માટે મોહમ્મદ રફીના પાર્શ્વસ્વર પ્રયોજાયેલી 'તાજમહલ' પણ આ વર્ષમાં જ રજૂ થઈ. તેની સર્વાંગી સફળતાએ એક વધારે અભિનેતા માટે પહેલી પસંદના પાર્શ્વગાયક બનવાની શક્યતાને ફરી એક વાર ઠેલો દઈ દીધો !

સુનિલ દત્ત (મૂળ નામ બલરાજ દત્ત) સાથે

હિંદી ફિલ્મ જગતમાં પહેલું પગલું સુનિલ દત્તે 'રેલ્વે પ્લેટફોર્મ' પર મૂક્યું, જેમાં તેમના માટે પાર્શ્વગાયન મોહમ્મ્દ રફીએ કર્યું. એ પછી તેમની વિસરાઈ ચૂકેલી ફિલ્મ 'કિસ્મતકા ખેલ' (૧૯૫૬) આવી જેમાં તેમના માટે પર્દા પાછળ મન્ના ડે એ ગીત ગાયું. એ પછી આવેલ પોસ્ટ બોક્ષ ન. ૯૯૯ (૧૯૫૬)- પાર્શ્વગાયકો - હેમત કુમાર અને મના ડે) , ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) - પાર્શ્વસ્વર - મોહમ્મદ રફી - જેવી ફિલ્મો આવતી ગઈ અને પહેલી પસંદના પાર્શ્વગાયક તરીકે મોહમ્મદ રફીનું સ્થાન મજબૂત બનતું ચાલ્યું. જોકે સુનિલ દત્ત અને મના ડેને સાંકળતાં ગીતો આગવી લોકચાહના બનાવી રહ્યાં.

કેહ દો જો કેહ દો છૂપાઓ ના પ્યાર - - કિસ્મત કા ખેલ (૧૯૫૬) = લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
આ ફિલ્મ ભલે સાવ વિસરાઈ ચૂ કી હોઈ શકે , પણ શંકર જયકિશને ફરી એક વાર મન્ના ડે પર મૂકેલા વિશ્વાસની દુહાઈ દેતું આ યુગલ ગીત બહુ સહેલાઇથી યાદ આવી રહે છે.

મેરે દિલમેં હૈ જો બાત કૈસે બતાઉં ક્યા હૈ - પોસ્ટ બોક્ષ નં. ૯૯૯ (૧૯૫૬) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: કલ્યાણજી વીરજી શાહ – ગીતકાર: પી એલ સંતોષી
કલ્યાણજી વીરજી શાહે આ પૂર્ણતઃ રોમેન્ટીક યુગલ ગીત માટે મન્નાડેને પસંદ કર્યા તો બીજી બાજૂ પ્રેમની યાદોમાં ખોવાયેલાં પ્રેમીજનોને વાચા આપતાં યુગલ ગીત - નીંદ ન હમકો આયે -માટે હેમંત કુમારને યાદ કર્યા.

દર્પણ જૂઠ ના બોલે - દર્પણ (૧૯૭૦) – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી
ગીત ગવાયું છે તો બેકગ્રાઉન્ડમાં, પણ ગીતનું ફિલ્માંકન બિલકુલ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ગવાયું છે તો સુનિલ દત્ત માટે જ.

આજની પોસ્ટનો અંત આપણે મન્ના ડેનાં એવાં ગીતથી કરીએ જે સીધી રીતે સુનિલ દત્ત પર ફિલ્માવાયું નથી, પણ મના ડેનાં ચિરસ્મરણી રહેલાં ગીતોમાં તેનું સ્થાન માનથી જોવામાં આવે છે.

જાનેવાલે સિપાહી સે પૂછો વો કહાં જા રહા હૈ - ઉસને કહા થા (૧૯૬૦) - સંગીતકાર સલીલ ચૌધરી - ગીતકાર મક઼્દુમ મોહીઉદ્દીન
ફિલ્મમાં સુનિલ દત્ત પર ફિલ્માવાયેલાં બે યુગલ ગીતો છે જેમાં સુનિલ દત્ત માટે પાર્શ્વગાયક તરીકે સલીલ ચૌધરીએ મોહમ્મદ રફીને પસંદ કર્યા - દુપટ્ટા ધાની ઓઢકે (રફી - લતા) અને ચલતે હી જાના (રફી - મન્ના ડે). 'ચલતે હી જાના'માં મન્ના ડેનો સ્વર રાજેન્દ્ર નાથ માટે પ્રયોજાયો છે.


મન્ના ડેની કારકીર્દી તેમણે મુખ્ય અભિનેતાઓ માટે ગાયેલાં ગીતોની આ સફર હજૂ પણ ચાલુ છે.

Sunday, August 25, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૪]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્ના ડેની કારકીર્દીના એવા સમય ગાળાની આપને વાત કરી રહ્યાં છીએ જ્યાં બીજી પેઢીના ઉગતા સિતારાઓ માટે તેમણે ગાયેલાં ગીતો લોકપ્રિય થઈ રહ્યં હતા. અભિનેતાઓની આ પેઢી પણ જ્યારે સફળતાને વરી ત્યારે, બહુ મોટા ભાગના કિસ્સાઓમાં, તેમના પાર્શ્વગાયકનું સ્થાન ફરીથી મોહમ્મદ રફી પાસે જ રહ્યું
રાજકુમાર સાથે


રાજ કુમારે તેમની કારકિર્દીની શરૂઆતમાં પરંપરાગત હીરો પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પણ તેમને આપણે આજે યાદ કરીએ છીએ તેમની વિશેષ મુખ્ય ભૂમિકાઓ, જે પૈકી અમુક તો એન્ટિ-હીરો પ્રકારની પણ હતી, માટે. તેમની કારકિર્દીને આવો મોડ આપનાર એક ભૂમિકા હતી 'મધર ઇન્ડિયા' (૧૯૫૭)માં રાધા (નરગીસ)ના પતિ 'શામુ' તરીકેની તેમની ભૂમિકા.
ચુંદરીયા કટતી જાયે રે, ઉમરીયાં ઘટતી જાયે રે - મધર ઇન્ડિયા (૧૯૫૭) – સંગીતકાર: નૌશાદ - ગીતકાર: શકીલ બદાયુની
તકનીકી દૃષ્ટિએ તો ગીત, બેકગ્રાઉનડમાં ગવાતું ગીત છે, પણ આપણને તો તે 'શામુ'નાં દિલનાં મનોમથનોની વાચા તરીકે જ સંભળાય છે.
આ ગીત મન્ના ડેનાં એક બહુ જ યાદગાર ગીતોમાં મોખરાની હરોળમાં તો સ્થાન પામતું જ ન્રહ્યું છે, પણ મન્નાડે પાસે નૌશાદે બહુ જ ઓછાં ગીતો ગવડાવ્યાં હોવા છતાં નૌશાદનાં પણ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન શોભાવે છે.

દિલ કો બાંધા ઝુલ્ફકી ઝંઝીર સે, હોશ લૂટે હુસ્નકી તાસીર સે - ઝિંદગી (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન- ગીતકાર: હસરત જયપુરી
કેટલાક શેરનાં પઠન દ્વારા વ્યક્ત કરવાનો આ શંકર જયકિશને કરેલ પ્રયોગ ફિલ્મમાં રાજ કુમારનાં પાત્રના એકપક્ષી પ્રેમના એકરારની સ્વગત સ્વીકૃતિ દર્શાવે છે.

જનક જનક તોરી બાજે પાયલિયા - મેરે હુઝૂર (૧૯૬૮) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
રાજ કુમારની બિનપરંપરાગત ભૂમિકાઓમાંની બહુ ખ્યાત ભૂમિકા માટે જ્યારે શાસ્ત્રીય ઢાળમાં ગીતની સિચ્યુએશન નક્કી કરવામાં આવી હશે ત્યારે શંકર જયકિશને કોઈ પણ જાતના ખચકાટ વિનાજ મન્ના ડેની પસંદગી કરી લીધી હશે.

હર તરફ યહી અફસાને હૈ, હમ તેરી આંખોંકે દીવાને હૈ - હિન્દુસ્તાનકી ક઼સમ (૧૯૭૪) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
રાજ કુમારે પર્દા પર ભજવેલાં વાયુદળના અફસરનાં પાત્રના હોઠ પર જ્યારે પોતાના પ્રેમની યાદ કરતા શબ્દો ફૂટવા લાગે છે તેને પણ વાચા આપવા માટે મદન મોહનની પસંદગી પણ મન્ના ડે જ રહે છે.

અને છેલ્લે રેકોર્ડ પર જે ગીત માટે મન્ના ડેનું નામ નથી, પણ તેમના સ્વરથી શરૂઆત કરવામાં શંકર જયકિશને જે રીતે મન્નાડેના સ્વરનાઓ પ્રયોગ કર્યો છે, તેની નોંધ લઈએ -
હમ દિલકા કંવલ દેંગે ઉસકો હોગા કોઈ એક હજારોંમેં - ઝિંદગી (૧૯૬૪) - લતા મંગેશકર અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
કાર્યક્રમ પહેલાંના પૂર્વાભ્યાસમાં, રાજ કુમાર આ નૂત્યગીતના નિદર્શકની ભૂમિકામાં મુખડાની રજૂઆત કરી બતાવે છે જેને વૈજયંતિમાલા અને તેનું નૃત્ય સખીવૄંદ ઝીલી લે છે.

રાજેન્દ્ર કુમાર સાથે

રાજેન્દ્ર કુમારને 'જ્યુબિલી' કુમારનાં બીરૂદની પહેચાન મળી તે પહેલાંની તેમની ફિલ્મોમાં તેમને જૂદા જૂદા ગાયકોએ પાર્શ્વસ્વર પૂરો પાડ્યો હતો. એ ગીતો પૈકી મન્ના ડે એ રાજેન્દ્ર કુમારનાં ગીતોની અલગ ઓળખ બની હતી. અહીં પણ બે ગીતો એવાં છે જે રાજેન્દ્ર કુમાર સફળ બની રહ્યા પછી માત્ર મોહમ્મદ રફીના સ્વરનાં ગીતો જ પર્દા પર અભિનિત કરતા હતા એ સમયનાં છે. એક ગીત આપણે છેલ્લે સાંભળેલ ગીતની ફિલ્મ 'ઝિંદગી'નું છે, તો બીજું એક નિયમના અનુસરણની અને બીજા નિયમના અપવાદની પુષ્ટિ કરે છે.
મુસ્કુરા લાડલે મુસ્કુરા - ઝિંદગી (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
મન્નાડે માટેના શંકર (જયકિશન)ના ખાસ લગાવને આપણે જણીએ છીએ એટલે આ ગીત માટે મન્ના ડેની પસંદગી શ્રોતાની દૃષ્ટિએ કદાચ ઓછી આશ્ચર્યકારક ગણી શકાય, પણ હવે 'સ્ટાર' બની ચૂકેલા રાજેન્દ્ર કુમારે પાર્શ્વ સ્વર તરીકે મન્ના ડેના સ્વરમાટે સંમતિ કેમ કરીને આપી હશે તે જાણવું જરૂર રસપ્રદ બની રહે.

તેરે નૈના તલાશ કરે જિસે - તલાશ (૧૯૬૯) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ઠેઠ રોમેંટિક યુગલ ગીતમાટે જેટલી ચોક્કસપણે એસ ડી બર્મને મોહમ્મદ રફીના સ્વરની પસંદગી કરી હશે એટલી જ નિશ્ચિત સહજતાથી શાસ્ત્રીય ઢાળ પર રચાયેલાં નૃત્ય ગીત માટે તેમની પસંદ મન્ના ડે જ રહ્યા હશે.

હવે ફરીથી આપણે હિંદી ફિલ્મ જગતનાં દલદલમાંથી બહાર નીકળી આવીને સફળતાની નક્કર જમીનની શોધના રાજેન્દ્ર કુમારના સમયની ફિલ્મોનાં ગીતોની કેડી પર ફરીથી આવીએ.
મેરે જીવનમેં કિરન બનકે બિખરનેવાલે બોલો તુમ કૌન હો - તલાક઼ (૧૯૫૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
મુખ્ય કલાકારોના દિલના ભાવને (મોટા ભાગે) શેરી ગીત ગાનારાં કલાકારોનો મોંએથી વ્યકત કરતાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત હતો. અહીં પણ રાજેન્દ્ર કુમાર અને કામિની કદમના દિલના ભાવોને જ પર્દા પર ગીત ગાઈ રહેલ યુગલ વાચા આપી રહ્યું છે તે વિષે કોઈ શંકા આપણને નથી રહેતી.
લતા મંગેશકરના સ્વરની નૈસર્ગિક મીઠાશ અને મૃદુતામાં ઉઘડતાં ગીતના મુખડાની સાથે કે અંતરામાં વાદ્ય સંગીતની સાથે ગવાતા આલાપની સાથે મન્ના ડે પણ એટલી સહજતાથી સુર અને ભાવ મેળવતા રહ્યા છે.

ઓ બાબુ ઓ મેમસાબ ક્યા રખા ઈસ તક઼રારમેં, ઝરા તો આંખેં દેખો મિલા કે બડા મઝા હૈ પ્યાર મેં - તલાક઼ (૧૯૫૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
રમુજના ભાવમાં રજૂ થયેલાં યુગલ ગીત માટે પણ સી રામચંદ્રની પસંદગી મન્નાડે પર ઉતરેલ છે.

બિગુલ બજ રહા આઝાદી કે નારોંકા - તલાક઼ (૧૯૫૮) - સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
દેશપ્રેમના જોશને રજૂ કરવા માટે મન્ના ડેના સ્વરની પસંદગી સાહજિક હોય એ તો સમજાય છે. પણ જો ધ્યાનથી સાંભળીશું તો એવું લાગશે કે જો ગીતમાં સુરના બહુ મુશ્કેલ ઉતાર ચડાવ ન વણી લેવાયા હોત તો, 'પૈગામ' (૧૯૫૯)માં દૌલતને આજ પસીનેકો લાત હૈ મારી ગીતને જેમ સી રામચંદ્ર એ પોતાના જ સ્વરમાં રજૂ કરવાનું મુનાસિબ માન્યું તેમ આ ગીત પણ પોતે ગાશે તેવી ધારણાથી ગીતની બાંધણી કરવામાં આવેલી જણાય છે.

યે હવા યે નદીકા કિનારા - ઘર સંસાર (૧૯૫૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
રવિ પણ આ રોમેન્ટીક યુગલ ગીત માટે મન્ના ડે પર જ પોતાની પસંદ ઉતારી રહ્યા છે. અથવા, મોહમ્મદ રફીનો સ્વર તેમણે ફિલ્મમાં જ્હોની વૉકર માટે પ્રયોજ્યો છે એટલે એ સમયે રાજેન્દ્ર કુમાર અભિનિત ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારનાં ગીતો મન્નાડે ગાય તે તો સફળતાની સ્વીકૃત ચાવી પણ જણાય છે.

બોલે યે દિલકા ઈશારા, આંખોંને મિલ કે પુકારા - સંતાન (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી
આનંદ અને દુઃખના ભાવને રજૂ કરતાં, સરળ રોમેન્ટિક, જોડીયાં ગીત - દિલને ઉસે માન લિયા - મુકેશના સ્વરમાં અને પ્રસ્તુત રોમેન્ટિક રમતિયાળ યુગલ ગીત માટે મન્ના ડેના સ્વરને પસંદ કરીને, સફળતાનાં સિધ્ધ થયેલાં સમીકરણને જ અનુસરવાની સલામત નીતિ દત્તારામે અપનાવી હોય એમ લાગે છે.

ન જાને કહાં તુમ થે, ન જાને કહાં હમ થે , જાદુ યે દેખો હમતુમ મિલે હૈં - ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: પ્રદીપ
અહીં પણ દૂઃખના ભાવનું કભી કિસીકી ખુશિયાં કોઈ લૂટે ના મુકેશના સ્વરમાં રેકોર્ડ કરી અને પ્રસ્તુત યુગલ ગીત મન્નાડેના સ્વરમાં વણી લઈને સફળતાની સિધ્ધ થયેલ ચાવીને જ ફરીથી અજમાવી લેવી એ તો સાહજિક શાણપણ છે.

રાજેન્દ્ર કુમારે ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' (૧૯૬૦)માં પણ કામ કર્યું છે. અહીં પણ મન્ના ડેએ તેમના માટે બે ગીત ગાયાં છે.
મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)- લતા મંગેશકર સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસે ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર દ્વારા અભિનિત એક યુગલ ગીતમાં મોહમ્મદ રફીનો અને બીજામાં મન્નાડેનો સ્વર રાજેન્દ્ર કુમાર માટે કેમ પસંદ કર્યો હશે તે વિષે તો કોઈ માહિતી નથી. પણ બન્ને ગીત સાંભળીએ છીએ તો આપણને બન્ને પાર્શ્વસ્વર રાજેન્દ્ર કુમારની અભિનય શૈલી સાથે બંધ બેસતા જણાય છે.

દરદ એક જ છે કે હું બેદરદ થાતો જાઉં છું - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) -સંગીતકાર: અવિનાશ વ્યાસ
હિંદી ફિલ્મમાં જો આ રચના રજૂ થઈ હોત તો મન્નાડેનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવવા માટે તેના તરફ ચાહકો અને વિવેચકોનું ધ્યાન જરૂરથી ખેંચાયું હોત.

અને છેલ્લે,
મેરે ઘરસે પ્યાર કી પાલક઼ી ચલી ગઈ - પાલક઼ી (૧૯૬૭) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની
આ ગીતમાં મન્નાડેનો સ્વર તો પર્દા પર કોઈ ફકીર માટે પ્રયોજાયો છે. પણ ગીતનાં કેન્દ્રમાં રાજેન્દ્ર કુમાર (અને વહીદા રહેમાન) છે એટલે અહીં તેની નોંધ લેવાનું ઉચિત ગણ્યું છે.

૧૯૬૧ પછીથી રાજેન્દ્ર કુમારનો સિતારો વાદળોમાંથી બહાર અવીને પૂર્ણ પ્રકાશમાં ચમકવા લાગ્યો, પણ નિયતિએ (અને હિંદી ફિલ્મની વ્યાપારિક ગણતરીઓએ) હવે તેમના પાર્શ્વ સ્વર તરીકે મોહમ્મદ રફીને પ્રસ્થાપિત કરી મુક્યા હતા.
મન્ના ડેની કારકીર્દીને ફિલ્મોના પહેલી હરોળના ગણાતા મુખ્ય પુરુષ અભિનેતા માટેનો જ અચુક પાર્શ્વ સ્વર બનવા માટે હજૂ કેટલી વાર કપને હોઠથી આંગળી જેટલું છેટું રહી ગયું તેની દાસ્તાન યાદ કરવાની આપણી યાત્રા હજૂ ચાલુ છે.

Sunday, August 4, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૩]


મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ બ્રાહમ અને ભારત ભુષણ માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફર '૫૦ના દાયકાના મધ્ય ભાગ સુધી પહોંચી છે. અત્યાર સુધી આપણને જે કંઈ જોવા મળ્યું તેના પરથી એમ તારણ કાઢવું ખોટું નથી જણાતું કે મન્નાડેના જે કોઈ ગીતો સફળ થતાં હતાં તે તેમને 'આગવા' ગાયક તરીકે જરૂર વધારે ને વધારે માનસન્માન અપાવતાં હતાં. પરંતુ, હિંદી ફિલ્મ સંગીતની પેચીદી ગતિવિધિઓમાં તેમને અમુક કળાકારના 'સ્થાયી' પાર્શ્વસ્વર તરીકેનું સ્થાન મેળવવામાં આ સફળતા કોઈ યોગદાન નહોતી આપી શકતી.

કિશોર કુમાર માટે

'૫૦ અને '૬૦ના દાયકાના એક ગાળામાં કિશોર કુમાર પોતાની એક્ટીંગની કારકીર્દી માટે એટલો બધો ભાર મુકતો હતો કે તેનાં ઘણાં ગીતો અન્ય ગાયકોએ - ખાસ કરીને મોહમ્મદ રફીએ, અને આપણે હવે જોઈશું તેમ અમુક ગીતો મન્ના ડે એ - ગાયાં તે તેણે (મને કે કમને) સ્વીકારી લીધું હતું. નોંધપાત્ર વાત એ હતી કે એ ફિલ્મોમાં બીજાં બધાં પોતાનાં ગીતો કિશોર કુમારે જ ગાયાં હતાં. એટલે એવું માની શકાય કે કિશોર કુમારનાં જે ગીતો બીજા ગાયકોએ ગાયાં, તે માટે સંગીતકાર પાસે કોઈ ખાસ કારણો જરૂર રહ્યાં હશે. આપણો આશય એ કારણો જાણવાનો નથી, પણ આપણી લેખમાળાના આશયના સંદર્ભમાં આવાં ગીતોની અહીં નોંધ લેવાનો છે.

દિન અલબેલે પ્યારકા મૌસમ, ચંચલ મનમેં તૂફાન - બેગુનાહ (૧૯૫૭) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

શંકર જયકિશનનું આવાં રોમેન્ટીક ગીત માટે મન્ના ડેને પસંદ કરવું, ગીતનું બેહદ લોકપ્રિય થવું એ મન્નાડેની મુખ્ય અભિનેતાના પાર્શ્વસ્વર તરીકેની કારકીર્દીને આગળ લઈ જવા માટે સારૂં એવું બળ પૂરૂં પાડી શકવું જોઈતું હતું. પરંતુ, પર્દા પર આ ગીત કિસોર કુમાર ગાય એટલે, સ્વાભાવિકપણે, એ શક્યતાનો લાંબે ગાળે તો છેદ ઉડી જ જાય. તેમાં પાછી, 'બેગુનાહ'ને રજૂ થયાના દિવસોમાં ઉતારી લેવી પડે, તેની બધી જ પ્રિન્ટ્સ બાળી નાખવી પડે એવા સંજોગો આડા ઉતરે, એટલે ફરી એક વાર ગીતની સફળતા મન્નાદેની કારકીર્દીને ધાર્યો લાભ કરી આપવામાં અસમર્થ નીવડી.


પહેલે મુર્ગી કે પહેલે અંડા જ઼રા સોચકે બતા - ક્રોરપતિ (૧૯૬૧) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

સીધેસાદું કોમેડી ગીત છે જે કિશોર કુમાર માટે ગાવું એ કોઈ મુશ્કેલ વાત ન જ કહેવાય, છતાં મન્ના ડેના ભાગ્યમાં કિશોર કુમાર માટે એક વધારે ગીત ગાવાનું આવ્યું. જો કે મન્ના ડે એ કિશોર કુમારના અભિનયની દરેક અદાઓ સાથે પોતાનો સુર બહુ જ સ્વાભાવિકતાથી મેળવી બતાવ્યો છે. કિશોર કુમારે ખુદ પરદા પર ગીતને ભજવ્યું છે એટલે ગીતની અદાયગી જ્હોની વૉકર કે મહેમુદે કોમેડી ગીતો ગાવાની જે શૈલી વિકસાવી હતી તેના કરતાં આ ગીત ખાસું અલગ પડી રહે છે.


હો ગયી શામ દિલ બદનામ લેતા જાયે તેરા નામ - નૉટી બોય (૧૯૬૨) - આશા ભોસલે સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનું ફિલ્માંકન ક્લબ ડાન્સ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં કિશોર કુમાર પોતાની કોમેડી હરકતો પણ કરી લે છે. ગીતના ભાવને પૂર્ણપણે વફાદાર રહીને પણ મન્ના ડે કિશોર કુમારની અદાઓની સાથે પોતાના સ્વરને મેળવી રહે છે.


અલખ નિરંજન - હાયે મેરા દિલ (૧૯૬૮)- સંગીતકાર: ઉષા ખન્ના

આ ફિલ્મ રજૂ થઈ ત્યાં સુધીમાં વેશ બદલીને અદાકાર કોમેડી ગીત ગાય તેના માટે પાર્શ્વગાયક તરીકે મન્ના ડેને પસંદ કરવા તે પ્રથા રૂઢ થઈ ગઈ હતી.


ઉષા ખન્નાએ એક અન્ય યુગલ ગીતમાં - જાનેમન જાનેમન તુમ દિન રાત મેરે સાથ હો - પણ કિશોર કુમાર માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો છે. ગીત ફરી એક વાર ક્લબ સોંગના પ્રકારનું ગીત છે.


શમ્મી કપૂર માટે

શમ્મી કપૂરની હીરો તરીકેની અભિનય કારકીર્દીને 'તુમસા નહી દેખા'ની પહેલાંની અને પછીની ફિલ્મો એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. 'તુમસા નહીં દેખા' પહેલાંની ફિલ્મોમાં બહુધા તલત મહમૂદ શમ્મી કપૂરના પાર્શ્વ સ્વર તરીકે સાંભળવા મળે છે, જ્યારે 'તુમસા નહીં દેખા' અને તે પછીની ફિલ્મોમાં શમ્મી કપૂરની અદાઓ સાથે તાલ મેળવતા મોહમ્મદ રફી પાર્શ્વ ગાયક તરીકે સ્થાયી બની ગયા હતા. આજે આપણે પહેલાં એવી બે ફિલ્મોનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ જેને આ બન્ને તબક્કાના સંક્રાંતિકાળની ફિલ્મો કહી શકાય.


પહેલી ફિલ્મ, તાંગેવાલી (૧૯૫૫)માં સંગીતકાર સલીલ ચૌધરીએ શમ્મી કપૂર માટે ત્રણ પુરુષ ગાયકોના સ્વરનો ઉપયોગ કર્યો છે. પંજાબી થાટ પર રચાયેલું ઘોડાના ડાબલાની લયનું સોલો ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે તે ઉપરાંત બીજાં બે યુગલ ગીતો, રફી - લતા અને હેમંત કુમાર - લતાના સ્વરમાં છે. ત્રીજું યુગલ ગીત - ટીના ટન ટન ટીના કિસીને દિલ હૈ છીના - મન્ના ડે અને ગીતા દત્તના સ્વરોમાં છે, જોકે આ ગીતની ડિજિટલ લિંક નથી મળી શકી.
બીજી ફિલ્મ છે ઉજાલા(૧૯૫૯), જે શ્રમજીવી વર્ગનાં જીવનને જોડતી આદર્શવાદી સમાજવાદની વિચારસરણીનાં કથા વસ્તુ પર આધારિત હતી. ફિલ્મનાં બે ગીત તો મન્ના ડે માટે જ સર્જાયાં હતાં, કેમ કે સંગીતકાર શંકર જયકિશન હતા.

અબ કહાં જાએ હમ અય બતા દે જમીં અબ કિસી કો કિસી પર ભરોસા નહીં – ગીતકાર: શૈલેન્દ્ર

સીમા (૧૯૫૫)નાં કૉયર સંગીત પર આધારિત ગીત - તૂ પ્યાર કા સાગર હૈ - ની સફળતા પછી આ ગીત માટે મન્ના ડે એક માત્ર પસંદગી હોઈ શકે તે સ્વાભાવિક છે.


સુરજ જ઼રા તુ આ પાસ આ, આજ સપનોંકી રોટી પકાયેંગે હમ – ગીતકાર: શૈલેન્દ્ર

આદર્શવાદી ભાવનાં ગીતમાં પણ શંકર જયકિશન મન્ના ડેને ઑ રાત ગઈ (બુટ પોલીસ, ૧૯૫૪) અને દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી ૪૨૦, ૧૯૫૫)માં અદ્‍ભૂત સફળતાથી રજૂ કરી ચૂક્યા હતા, એટલે આ ગીત માટે પણ ગાયક મન્ના ડે જ હોય તેમાં કોઈ નવાઈ નથી પરદા પર ભજવનાર અદાકાર ગમે તે હોય !


જોકે આ બે સોલો ગીત ઉપરાંત શંકર જયકિશને બીજાં બે યુગલ ગીતમાં શમ્મી કપૂર માટે મન્ના ડેના સ્વરને જ રજૂ કરવાનૂ નક્કી કર્યું તે વાત થોડી નવાઈ પમાડે તેવી લાગે, કેમકે મૂકેશ -લતાનાં અને રફી -મૂકેશનાં બીજાં બે યુગલ ગીતમાં અનુક્રમે મૂકેશ અને મોહમ્મદ રફીના સ્વરનો પણ શમ્મી કપૂર માટે ઉપયોગ કરાયો છે.

જ઼ુમતા મૌસમ મસ્ત મહિના ચાંદ સી ગોરી એક હસીના યા અલ્લહ યા અલ્લાહ મેરા દિલ લે ગઈ - લતા મંગેશકર સાથે – ગીતકાર: હસરત જયપુરી

એકદમ મસ્તી ભરી ધુન પર રચાયેલું એક રોમાંસ છલકતું યુગલ ગીત, જેમાં મન્ના ડે ગીતના બન્ને ભાવને બહુ સહજતાથી ન્યાય કરે છે.

છમ છમ લો સુનો છમ છમ ઓ સુનો છમ છમ - લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

ઢોલકના તાલ પર વાયોલિન સમુહની વાદ્યસજ્જા પર રચાયેલાં આ શંકર જયકિશનની આગવી શૈલીનું લોક નૃત્ય પર આધારિત આ ગીતમાં મન્ના ડેનો પ્રવેશ પહેલા અંતરામાં શમ્મી કપૂરની અદાના ઠાઠથી થાય છે અન જેમ જેમ ગીત આગળ વધે છે તેમ તેમની શબ્દોને રમાડવાની હરકતો ગીતની રંગત ઔર જમાવે છે.


૧૯૬૨માં 'વલ્લાહ ક્યા બાત હૈ ' રજૂ થઈ ત્યાં સુધીમાં શમ્મી કપૂરની મસ્તીભરી અદાઓ ફિલ્મ જગતમાં પોતાની આગવી કેડી કંડારી ચૂકી હતી. ખનકે તો ખનકે ક્યું ખનકે રાત કો મેરા કંગના જેવાં રમતિયાળ યુઅગલ ગીતમાં કે ગમ-એ-હસ્તી સે બેગાના હોતા જેવાં કરૂણરસનાં ગીતમામ સંગીતકાર રોશન શમ્મી કપૂરની એ અદાને બહુ અસરકારકપણે ઢાળી ચૂક્યા પણ હતા. એવામાં ટ્વિન-વર્ઝન પ્રકારનાં ગીત, કાટોંકે સાયેમેં ફૂલોં કા ઘર હૈ, માં તેઓ મન્ના ડેના સ્વરને શમ્મી કપૂર માટે રજૂ કરે છે.

ગીતનું પહેલું વર્ઝન આનંદના ભાવ દર્શાવે છે. શમ્મી કપૂરની પર્દા પર અદાયગી અને મન્ના ડેની ગાયકીની શૈલીમાં પૂરેપૂરો સુમેળ રહ્યો છે.


બીજું વર્ઝન થોડા કરૂણ ભાવનું છે, ગીતમાં સુરના ઉતારચડાવને પણ મન્નાડે બહુ જ સ્વાભાવિકતાથી રજૂ કરી રહ્યા છે.

યે ઉમર હૈ ક્યા રંગીલી - પ્રોફેસર (૧૯૬૨) - આશા ભોસલે અને ઉષા મંગેશકર સાથે - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી

ધનવાન વિધવાની યુવાન છોકરીઓને ભણાવવા માટે બુઢા પ્રોફેસરનો સ્વાંગ રચેલા શમ્મી કપૂર માટે મન્ના ડેનો અવાજ બંધ બેસે છે - જોકે મન્ના ડેનો આ રીતે ઉપયોગ થાય એ મન્ના ડેના ચાહકોને જરૂર ખૂંચે.


તુમ્હેં હુસ્ન દેકે ખુદાને સિતમગર બનાયા - જબ સે તુમ્હેં દેખા હૈ (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર અને આશા ભોસલે સાથે - સંગીતકાર દત્તારમ - ગીતકાર આનંદ બક્ષી

દત્તારામે શમ્મી કપૂર માટે મન્નાડેના સ્વરને પસંદ કર્યો છે.


છમ છમ બાજે રે પાયલિયાં - જાને અન્જાને (૧૯૭૧) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર એસ એચ બિહારી

જયકિશન અને શૈલેન્દ્ર બન્નેની વિદાય પછી શંકરે રચેલી આ ધુનમાં તેમની મન્ના ડેના સ્વરની ખૂબીઓને રજુ કરવાની ફાવટ આ સંગીતકાર જોડીના જૂના દિવસોની યાદ અપાવી જાય છે.

બુઢા તરીકેના છદ્મવેશમાં રજૂ થતા શમ્મી કપૂર માટે, શાસ્ત્રીય ઢાળમાં ગીત હોવાને કારણે મન્ના ડેને ફાળે આ ગીત આવે એ બાબત મન્ના ડેના ચાહકોને થોડી ઓછી પસંદ પડે, પણ ગીત જે અદાથી ગવાયું છે તેનાથી ખુશી પણ થાય.


ગુરુ દત્ત માટે

મન્ના ડેએ મુખ્ય ભૂમિકા ભજવી રહેલા દાકાર માટે ગાયેલાં ગીતોની વાત કરતાં હોઈએ ત્યારે , તકનીકી દૃષ્ટિએ, મન્ના ડે અને ગુરુ દત્તને સાથે ન મુકી શકાય. મને જેટલી માહિતી છે તે મુજબ ગુરુ દત્તે પર્દા પર ગાયેલાં મોટા ભાગનાં ગીતો મોહમ્મદ રફી એ ગાયાં છે. પણ હિંદી ફિલ્મ સંગીતમાં અપવાદ તો હોય જ. એ હિસાબે ગુરુ દત્ત માટે જાને વો કૈસે લોગ થે જિનકે પ્યારકો પ્યાર મિલા (પ્યાસા, ૧૯૫૭) માટે એસ ડી બર્મને કે ઈતલ કે ઘરમેં તીતલ અને ઉમ્ર હુઈ ફિરભી જાને ક્યું (બહુરાની, ૧૯૬૩) માટે સી રામચંદ્ર એ હેમંત કુમારના સ્વરના કરેલા પ્રયોગ કે તુમ્હીં તો મેરી પૂજા હો (સુહાગન, ૧૯૬૪)માં મદન મોહને કરેલા તલત મહેમુદના સ્વરના પ્રયોગની જ અધિકૃત નોંધ જોવા મળે.

ઇન્ટરનેટ / યુ ટ્યુબને કારણે ગુરુ દત્ત માટે મન્ના ડેએ પરોક્ષ રીતે ગાયેલાં ગીતની આપણને જાણ થાય છે. એ ગીત ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ, રૂંવાડાં ઊભાં કરી દે તેવાં, ગીત જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ નું કવર વર્ઝન છે. આ કવર વર્ઝન કયા સંજોગોમાં રેકોર્ડ થયું હશે તેના વિષે કોઈ અધિકૃત માહિતી નથી મળતી.


મન્ના ડેની કારકીર્દી સાથે નિયતિના આવા આડા ખેલ સાથે આપણે આજના અંકને સમાપ્ત કરીશું. હવે પછી બીજી પેઢીના કહી શકાય એવા રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર, સુનિલ દત્ત , મનોજ કુમાર જેવા અદાકારો માટે મન્નાડે ગાયેલાં ગીતોની વાત કરીશું.

Sunday, July 7, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૨]


'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો'ની લેખમાળાના પહેલા મણકામાં આપણે મન્ના ડે એ દેવ આનંદ, રાજ કપૂર અને અશોક કુમાર માટે ગાયેલાં ગીતો સાંભળ્યાં છે.

'૪૦ના દાયકાના અંત સુધીમાં મન્ના ડેનું શાસ્ત્રીય ગાયકીના ગાયક તરીકે સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું હતું. ૧૯૫૧
અને ૧૯૫૨માં આવેલી ફિલ્મોમાં તેમને જે ગીતો ગાવા મળ્યાં તે બધાં જ આ પ્રકારનાં ગીતો હતાં. ૧૯૫૧માં 'આવારા' દ્વારા તેમને આરકે ફિલ્મ્સ જેવાં માતબર નિર્માણગૃહ સાથે કામ કરવાની તક મળી. આ એક, બહુ જ મુશ્કેલ કહી શકાય એવાં, ગીતની સફળતાએ તેમની કારકીર્દીને બીજા જે કંઇ ફાયદા કરાવી (કે ન કરાવી) આપ્યા, તેની સાથે સાથે ફિલ્મના સંગીતકાર શંકર જયકિશન, અને તેના થકી રાજ કપૂર સાથે, એક અનોખો, લાંબા ગાળાનો સંબંધ જરૂર બાંધી આપ્યો. આ જ વર્ષોમાં તેમણે સ્વતંત્રપણે સંગીત નિર્દેશન પર પોતાનો હાથ અજમાવ્યો. '૪૦ના દાયકામાં તેમણે એસણે શ્રી ગણેશ જન્મ (૧૯૫૧) અને વિશ્વામિત્ર (૧૯૫૨)માં સંગીત આપ્યું. ૧૯૫૩માં 'દો બીઘા જમીન' આ ડી બર્મન કે એચ પી દાસ જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કર્યું હતું. ખેમચંદ પ્રકાશ સાથે તેમવી, જેનાં ગીતોએ મન્ના ડેને હવે એક સફળ, લોકપ્રિય, ગાયક તરીકે પ્રસ્થાપિત કરી નાખ્યા. એ સારૂં જ થયું કેમકે મન્ના ડેએ હવે ગાયક તરીકેની કારકીર્દી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનૂં નક્કી કરી લીધું.

બલરાજ સાહની માટે

બલરાજ સાહનીની ક્ષમતાની નોંધ તો તેમની પહેલી જ ફિલ્મ, કે એ અબ્બાસ ની 'ધરતી કે લાલ' (૧૯૪૬)થી લેવાઈ ચૂકી હતી. તેમની કળાકાર તરીકેની પ્રતિબધ્ધતા સાથે સાથે તેમની રાજકીય વિચારસરણીએ તેમને બિમલ રોયની ફિલ્મ 'દો બીઘા ઝમીન' (૧૯૬૩)નાં ગરીબ ખેડૂતના પાત્ર માટે લગભગ આદર્શ પસંદગી તરીકે મુકી આપ્યા હતા. ફિલ્મમાં સલીલ ચૌધરીએ મન્ના ડેના સ્વરમાં રચેલ બે યુગલ /કોરસ ગીતો – હરિયાલા સાવન ઢોલ બજાતા આયા અને ધરતી કહે પુકાર કે -એ મન્ના ડેને રાષ્ટ્રવ્યાપી લોકચાહના તો આપી, પણ તે સાથે બલરાજ સાહની સાથે ફિલ્મ જગતના સંબંધનો પાયો પણ નાખી આપ્યો.

બલરાજ સાહની પરંપરાગત હિંદી મસાલા ફિલ્મોના હીરોના ઢાળના કળાકાર નહોતા પણ '૫૦ના દાયકામાં એન્ટી-હીરો જેવા મુખ્ય પાત્ર ધરાવતી ફિલ્મો માટે તે આદર્શ પસંદગી હતા. આ પ્રકારની પહેલી ફિલ્મ હતી 'સીમા' (૧૯૫૫) જેમાં શંકર જયકિશને બલરાજ સાહની પર ફિલ્માવાયેલાં તૂ પ્યાર કા સાગર હૈ ગીતની કોયર-આધારિત ધુનને મન્ના ડેના પાર્શ્વસ્વરમાં અમર કરી દીધી.

આડ વાત :

જો કે ફિલ્મનું બલરાજ સાહની પર ફિલ્માવાયેલૂ બીજું એટલું જ જાણીતું કહી શકાય તેવું ગીત 'કહાં જા રહા હૈ તુ અય જાનેવાલે' મોહમ્મદ રફીના સ્વરમાં છે.
૧૯૫૭માં રશિયન સહકારથી બનેલ ફિલ્મ 'પરદેસી'માં બલરાજ સાહની સહ-મુખ્ય ભૂમિકામાં હતા. 'પરદેસી' ઍફનસી નિકિતિનની રશિયન પ્રવાસગાથા 'અ જર્ની બિયોન્ડ થ્રી સીઝ'પર આધારિત હતી. ફિલ્મમાં બલરાજ સાહની પર ફિલ્માવાયેલાં ગીતો માટે સંગીતકાર અનિલ બિશ્વાસે મન્ના ડેનો સ્વર પસંદ કર્યો હતો.

ફિર મિલેંગે જાનેવાલે અય યાર, દસ્વીદાનિયા - પરદેસી (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ

ગીતનો ભાવ કરૂણાનો છે, પણ તેનો ઉદ્દેશ્ય વિદાય સંદેશો પાઠવવાનો છે એટલે સ્વરમાં કરૂણા અને બુલંદી બન્નેનું સંમિશ્ર્ણ આવશ્યક બની રહે છે. મન્ના ડેનો સ્વર આવાં ગીત માટે આદર્શ પસંદગી જ કહેવાય.

તુઝમેં રામ મુઝમેં રામ સબ મેં રામ સમાયા - પરદેસી (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

ફિલ્મનાં કથાવસ્તુમાં વણાયેલ સમાજવાદી સમાનાધિકારની ભાવનાને હિંદુ સંસ્કૃતિ સાથે સાંકળી લેવામાં આવી છે.

૧૯૬૧ની બલરાજ સાહની મુખ્ય ભૂમિકાવાળી બન્ને ફિલ્મોના સંગીતકાર સલીલ ચૌધરી હતા.

આ બે ફિલ્મોમાંની રવિન્દ્રનાથ ઠાકુરની વાર્તા પર આધરિત 'કાબુલીવાલા' ફિલ્મ, અભિનય અને સંગીત એમ બધી દૃષ્ટિએ 'ક્લાસિક' ગણાય છે.

અય મેરે પ્યારે વતન અય મેરે બિછડે ચમન તુઝ પે દિલ ક઼ુરબાન - કાબુલીવાલા (૧૯૬૧) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: પ્રેમ ધવન

પરદા પર ગીત ગાયું છે ભલે વઝીર મોહમ્મદ ખાને, પણ ગીતના કેન્દ્રમાં તો બલરાજ સાહની જ છે.

આડ વાત :
વઝીર મોહમ્મદ ખાન પહેલી બોલતી હિંદી ફિલ્મ 'આલમઆરા (૧૯૩૧)ના હીરો હતા. ૧૯૫૬ અને ૧૯૭૩માં ફરીથી બનેલી આ જ ફિલ્મની 'રીમેક'માં પણ ભૂમિકા ભજવવાનો અનોખો રેકોર્ડ પણ તેમના નામે છે.
સોંગ્સ ઑફ યોરના શ્રી એકેજી બહુ મહત્ત્વની વધારાની માહિતી ઉમેરે છે. વઝીર મોહમ્મદ ખાનને ફાળે હિંદી ફિલ્મોનાં સૌથી પહેલાં રેકોર્ડ થયેલ ગીત - 'આલમઆરા' (૧૯૩૧)નું દે દે ખુદા કે નામ સે દે દે પ્યારે' માન પણ જાય છે. 
'કાબુલીવાલા' જેટલી ખ્યાતિ પામી હતી એટલી જ ગુમનામીમાં એ વર્ષની બીજી ફિલ્મ 'સપન સુહાને' રહી.

ઓ ગોરી આજા ગડી વિચ બૈઠ જા - સપન સુહાને (૧૯૬૧) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

પંજાબી શૈલીમાં રચાયેલું આ ગીત ભલે ગ્રામીણ પૃષ્ઠભૂમાં ગવાયું છે, પણ છેડછાડનો રોમાંસ તેમાંથી જરા પણ ઓછો નથી થતો.

દિલ કહેતા હૈ જ઼રા તો દમ લે લો, ડગર કહેતી હૈ ચલતે ચલો - સપન સુહાને (૧૯૬૧)- સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

ટ્રક ડ્રાઈવરની ઝિંદગીના મિજ઼ાજને વાચા આપતાં ગીતમાં મન્ના ડે પૂરેપુરા ખીલી ઊઠ્યા છે. 
ફિલ્મમાં મન્ના ડે, લતા મંગેશકર અને દ્વિજેન મુખર્જીના ત્રિપુટી સ્વરમાં ગવાયેલું ગીત નામ મેરા નિમ્મો, મુકામ લુધિયાના પણ છે, પરંતુ અહીં મન્ના ડેનો સ્વર પરદા પર માસ્ટર ભગવાન માટે પ્રયોજાયો છે.
બલરાજ સાહનીએ આ પ્રકારની મુખ્ય ભૂમિકાઓમાં અન્ય પણ કેટલાંક ગીતો ગાયાં છે, પણ તેના માટે મોહમ્મદ રફી (સોને કી ચિડીયા) કે સુબીર સેન (ક્ઠપુતલી) જેવા ગાયકોના સ્વર પ્રયોજાયા છે. એટલે હવે બલરાજ સાહની મુખ્ય ચરિત્ર ભૂમિકામાં પરદા પર ભજવેલાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં બે બહુ જ જાણીતાં ગીતોને યાદ કરીએ.

અય મેરી ઝોહરા જબીં તુઝે માલુમ નહીં - વક઼્ત (૧૯૬૫)- સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિત લુધ્યાનવી

મન્ના ડેનાં ગીતોની જ્યારે પણ વાત થાય ત્યારે આ ગીત યાદ ન કરાય એવું જ ભાગ્યે જ બનતું હશે.
તુઝે સુરજ કહું યા ચંદા - એક ફૂલ દો માલી (૧૯૬૯) – સંગીતકાર: રવિ – ગીતકાર: પ્રેમ ધવન

મન્ના ડેની ગાયકીને બધી જ દૃષ્ટિ બંધબેસતાં ગીતને મન્ના ડેએ પણ પૂરેપુરો ન્યાય કર્યો છે.



ડેવિડ અબ્રાહમ માટે
સુજ્ઞ વાચકો તો સમજી જ ગયાં હશે કે આપણે મન્ના ડેએ હિંદી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા ડેવિડ (અબ્રાહમ) માટે રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલિશ' (૧૯૫૪)નાં ગીતોની અહીં વાત કરવાનાં છીએ. સૈદ્ધાંતિક રીતે તો ડેવિડની ભૂમિકા આ ફિલ્મમાં પણ બે મુખ્ય બાળ કલાકારોના સહાયક ચરિત્ર પાત્ર જ્હોન ચાચાની છે, પણ વાસ્તવમાં તો બે અનાથ બાળકોને પોતાના પગ પર ગર્વથી ઊભાં રહેવાની ખુમારીની ફિલ્મની વાત કહેતાં કથાવસ્તુને મૂર્ત ડેવિડનાં પાત્ર દ્વારા જ કરાયેલ છે, એટલે 'મુખ્ય પાત્ર'ની કક્ષાએ ગણવામાં કોઈ ક્ષતિદોષ નહીં ગણીએ. ડેવિડે જીવનમાં એક વાર મળતી આવી ભૂમિકાને જે રીતે જીવી જાણી છે તેમાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં ગીતોનો ફાળો પણ અમુલ્ય છે.

લપક ઝપક તુ આ રે બદરિયા, સરકી ખેતી સુખ રહી હૈ - બુટ પોલિશ (૧૯૫૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

શંકર જયકિશન - શૈલેન્દ્રની જોડીએ મન્ના ડેકારકીર્દીની બાજીમાં એક્કાનાં પાનાં જેવું આ ગીત રચ્યું છે. જો કે મન્ના ડેની નિયતિએ આ ગીતની સફળતાને પણ તેમને શાસ્ત્રીય રાગ પર આધારિત કૉમેડી ગીતોના પ્રકારનાં ચોખઠામાં ઢાળી દેવા માટે ઉપયોગ કરી નાખ્યો !

આડવાત :
રાજ કપૂર પોતાની ફિલ્મનાં નિર્માણની ઝીણી ઝીણી બાબતો માટે ઉત્કૃષ્ટતાનો કેટલો આગ્રહી હતો તેનો એક વધુ પુરાવો આ ગીતમાં શ્રી અરૂણકુમાર દેશમુખ નોંધે છે, જે અહીં વધારે વિગતે વાંચી શકાશે.
ઓ રાત ગયી, રાત ગયી ફિર દિન આતા હૈ ઈસી તરહ આતે જાતે સારા જીવન કટ જાતા હૈ - બુટ પોલિશ (૧૯૫૪) - આશા ભોસલે સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

નિરાશાનાં કાળાં વાદળોમાં સકારાત્મકતાની રૂપેરી કોર જોવાની દિશા બતાવતાં આ ગીતનું એક અન્ય ઐતિહાસિક અગત્ય મન્ના ડે અને આશા ભોસલેનાં સર્વપ્રથમ યુગલ ગીત તરીકેનું છે.

ઠહેર જરા ઓ જાનેવાલે ઓ બાબુ મિસ્ટર ગોરે કાલે, કબ સે બૈઠે આસ લગાયે હમ મતવાલે પાલીસવાલે - બુટ પોલીશ (૧૯૫૪) - આશા ભોસલે અને મધુબાલા ઝવેરી સાથે - સંગીતકાર શંકર: જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

મુખડાના ઉપાડથી જ મન્નાડે ગીતના ભાવના જોશને જે અનોખી કક્ષામાં મૂકી આપે છે તે જ ભાવ અંતરાના ઉપાડમાં જીવંત રહે છે.
 
આડવાત :
મના ડેના ફાળે આવાં અવિસ્મરણીય ગીતો આવ્યાં છે તે સાથે ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં ડેવિડ અબ્રાહમ માટે ગવાયેલ 'નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ' ગીત પણ યાદ આવ્યા વિના ન રહે.

ભારત ભુષણ માટે
ભારત ભુષણદ્વારા મુખ્ય અભિનેતા તરીકે અભિનિત ફિલ્મોમાં ગવાયેલાં ગીતો મોહમ્મદ રફીનાં કંઠે જ ગવાયાં છે તેવું જો આપણને યાદ રહ્યું હોય તો તે મહદ અંશે સાચું છે. પરંતુ ૧૯૫૬ની ફિલ્મ 'બસંત બહાર'નો વિષય એવો હતો કે શંકર જયકિશને મન્ના ડેને ભારત ભુષણના કંઠ માટે પહેલી પસંદ તરીકે યાદ કર્યા. ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારિત 'સુર ના સજે ક્યા ગાઉં મૈં', ‘ભય ભંજના વંદના સુન હમારી" કે પંડિત ભીમસેન જોશી સાથે સ્પર્ધાત્મક યુગલ ગીત 'કેતકી ગુલાબ જુહી ચંપક બન ફૂલે' જેવાં ગીતો મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોની પંક્તિમાં સ્થાન મેળવી રહ્યાં. આ સફળતાનું એક આડ પરિણામ એ પણ કહી શકાય કે મન્ના ડેનું સ્થાન શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલાં ગીતો માટેનાં ચોકઠાંમાં વધારે જડબેસલાક બન્યું.

જોકે શંકર જયકિશને પોતાના પક્ષે મન્ના ડેને પૂરો ન્યાય કર્યો - લતા મંગેશકર સાથેનાં પ્રણય યુગલ ગીત નૈન મિલે ચૈન કહં દિલ હૈ વહી તૂ હૈ જહાં, યે કયા કિયા સૈંયાં સાંવરે પણ મન્ના ડેને આપીને..પહેલા અંતરાની શરૂઆતના આલાપથી માંડીને મન્ના ડે એ લતા મંગેશકરનાં નૈસર્ગિક માધુર્ય સાથે એકોએક સુર મેળવી આપ્યો છે.

૧૯૫૭ની ઐતિહાસિક ફિલ્મ, રાની રૂપમતી,માં પણ ભારત ભુષણ મુખ્ય પાત્રની ભૂમિકામાં હતા. તેમને ફાળે આવેલાં ફિલ્મનાં મોટા ભાગનાં અન્ય ગાયકોના સ્વરમાં હતાં, જેમકે આ લૌટ કે આ જા મેરે મીત (મુકેશ), શાસ્ત્રીય સ્પર્ધાત્મક યુગલ ગીત બાત ચલત નયી ચુનરી રંગ ડારી ( કૃષ્ણરાવ ચોનકર સાથે ભારત ભૂષણ માટે મોહમ્મદ રફી). એટલે સુધી કે ફિલ્મનાં ત્રણ પ્રણય યુગલ ગીતો - ફૂલ બગીયા મેં બુલબુલ બોલે, ઓ રાત અન્ધેરી ડર લાગે રસીયા અને જ઼નનન જ઼ન જ઼ન બાજે પાયલીયાં -માં પણ મોહમ્મદ રફીના કંઠનો જ પ્રયોગ કરાયો છે. પરંતુ થોડા ઊંચા સુરમાં ગવાયેલ શાસ્ત્રીય ઢાળ અપરનાં ગીત ઊડ જા ભંવર.. માયા કમલકા આજ બંધન તોડ કે માટે સંગીતકાર એસ એન ત્રિપાઠીને મન્ના ડે જ યાદ આવ્યા છે.

૧૯૫૯ની કવિ કાલિદાસમાં ફરીથી ભારત ભુષણ માટે એસ એન ત્રિપાઠીએ મન્ના ડેના સ્વરને પસંદ કર્યો.

જય સરસ્વતી - કવિ કાલિદાસ (૧૯૫૯) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

દેવી સરસ્વતી માટેની પ્રાર્થના માટે મન્ના ડેનો સ્વર તો 'આદર્શ' ગણાતો થઈ ગયો છે.

નયે નયે રંગ સે લીખતી ધરતી નયી કહાની - કવિ કાલિદાસ (૧૯૫૯) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

પ્રકૃતિનાં સૌંદર્યની મહિમા પણ મન્ના ડેના કંઠમાં વર્ણવવી સ્વાભાવિક જણાય છે. 

ઓ અષાઢ કે પહેલે બાદલ - કવિ કાલિદાસ (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

અષાઢનાં વાદળને પોતાનાં પ્રેમીજનનો સંદેશો પાઠવવામાં પણ મન્ના ડે કવિહૃદયના ભાવને સાક્ષાત કરી રહે છે.

આડવાત:
કદાચ કોઈક વાણિજ્યિક કારણોસર એસ એન ત્રિપાઠીએ ઉન પર કૌન કરે જી વિશ્વાસ જેવાં મસ્તીભરયાં યુગલ ગીત માં ભારત ભુષણ માટે મોહમ્મદ રફીના સ્વરને પ્રયોજ્યો.
૧૯૬૧ની ધાર્મિક ફિલ્મ 'અંગુલીમાલ'માં પણ ભારત ભુષણ મુખ્ય ભૂમિકામાં હતા. એ ફિલ્મનૂં સુવિખ્યાત ગીત અય માનવ તું મુખસે વોલ બુદ્ધમ્‍ શરણમ્‍ ગચ્છામિ તો બહુ જ સ્વાભાવિક છે કે સંગીતકાર અનિલ બિશ્વાસ મન્ના ડેના કંઠમાં જ રેકોર્ડ કરવાનું પસંદ કરે. ગીત બેકગ્રાઉન્ડમાંથી ગવાયું છે, પણ તેનું કેન્દ્ર અંગુલીમાલ (ભારત ભુષણ) છે.

ભારત ભુષણ અને મન્ના ડેનાં જોડાણની વાત કરીએ ત્યારે શાસ્ત્રીય રાગ પર આધારીત કોમેડી ગીતના પ્રકારમાં પ્રથમ હરોળનાં ગીત ફૂલ ગેંદવા ન મારો (સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી)ને તો જરૂર યાદ કરવું જોઈએ. ગીત જો કે પર્દા પર આગા પર ફિલ્માવાયું હતું. 

ભારત ભુષણ અને મન્ના ડે આમાં ક્યાં સાથે આવ્યા તે ગુંચવણ દૂર કરી દઈએ. આ ફિલ્મ 'દૂજ કા ચાંદ'ના નિર્માતા ભારત ભૂષણ હતા. ફિલ્મમાં તેમના પર ફિલ્માવાયેલાં ગીતો - સુન અય મહાજબીન મુઝે તુમસે પ્યાર નહીં, મહેફિલ સે ઊઠ જાને વાલો અને ચાંદ તકતા હૈ ઈધર (સુમન કલ્યાણપુર સાથે) મોહમ્મદ રફીના સ્વરમાં હતાં તે સહેજ.

શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો આ સફળ ગીતોની સાથે મન્ના ડેના સ્વરમાં શંકર જયકિશને રાજ કપુરા માટે રેકોર્ડ કરેલાં શ્રી ૪૨૦ (૧૯૫૫) અને ચોરી ચોરી (૧૯૫૬)એ સાવ અલગ જે કૅદી કોતરી. શ્રી ૪૨૦માં ભલે મના ડે 'સાતમી' પસંદ હતા પણ તેમનું સ્થાન મુખ્ય પાર્શ્વ ગાયક મુકેશને સમાંતર જ હતું. ચોરૉ ચોરીમાં તો મન્ના ડે જ મુખ્ય ગાયક હતા. (આ ગીતોની વિગતે વાત આપણે મન્ના ડેએ રાજ કપૂર માટે ગાયેલમ ગીતોના અલગ લેખમાં કરીશું.) આ ગીતોની અદ્‍ભૂત સફળતાને કારણે બીજા કોઈ ગાયકની કારકીર્દી તો સફળતાનાં સાતમા આસમાને હોત. મન્ના ડેની કારકીર્દીને પણ ચાર ચાંદ જરૂર લાગ્યા,પણ તે ચંદ્રકો તેમને 'આગવા' ગાયકમાંથી 'મુખ્ય ધારા'ના ગાયક તરીકે મુકી આપવામાં કામયાબ ન રહ્યા.

હવે પછીના અંકોમાં પણ આપણે જોઈશું કે '૬૦ના દાયકામાં સફળ હીરો ગણાયેલા 'સ્ટાર' ની કારકીર્દીની શરૂઆતમાં મન્ના ડેના સ્વરની મદદ લેવામાં આવી હતી. પણ જ્યારે એ 'સ્ટાર' અભિનેતાઓએ સફળ તારલાઓની પ્રથમ હરોળમાં પહોંચવા માટે તો મોહમ્મદ રફી જેવા ગાયકોને જ માધ્યમ તરીકે અપનાવવાનું મુનાસિબ માન્યું.

Sunday, May 26, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૧]

૨૦૧૯નું વર્ષ મન્ના ડેની જન્મ શતાબ્દીનું વર્ષ છે. તેમની યાદને તાજી કરવની જરૂર ભાગ્યે જ કોઈને પડે. પણ હવે પછીના કેટલાક લેખો દ્વારા આપણી તેમની ઓળખને આપણે જૂદા જૂદા દૃષ્ટિકોણથી તેમની ઓળખને જૂદા જૂદા આયામોના સ્તરે વધારે ઘનિષ્ઠ કરવાનો પ્રયાસ કરીશું.
આપણી ચર્ચાને '૭૦ના દાયકાના અંત સુધીનાં વર્ષો પૂરતી આપણે સીમિત રાખીશું.

સત્યજીત રેએ એક વાર કહ્યું હતું કે મોટા ભાગનાં શ્રોતાઓને તેમની પસંદના છ ગાયકો સિવાયનાં ગાયકને સાંભળીને આંચકો લાગશે. તેમણે જે 'છ'નો આંકડો કહ્યો છે તે કદાચ તેમનો અનુભવસિધ્ધ અંદાજ હશે, પણ ગાયક તરીકેની મન્નાડેની કારકીર્દીને સિધ્ધાંત તથાતથ બંધ બેસે છે. ફિલ્મના મુખ્ય પુરુષ પાત્ર માટે ગાયકની પસંદગી કરવાની આવી હોય ત્યારે મન્ના ડે, ખાસ ગાયકની આગવી ભૂમિકા હેઠળ, હંમેશાં, સાતમા ગાયક જ ગણાતા રહ્યા. [1]

મન્ના ડે (મૂળ નામ પ્રબોધ ચંદ્ર ડે જન્મ ૧ મે ૧૯૧૯/\ અવસાન ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમનાં બાળપણથી જ થઈ હતી. એ તાલીમને કારણે તેઓ તેમનાં પોતાના ગાયનમાં પણ જેટલા સૂરની સર્વોત્કૃષ્ટતાના આગ્રહી રહ્યા તેટલા જ અન્ય પ્રકારોના ગાયન માટેના પ્રયોગો પણ એટલી જ પ્રતિબધ્ધતાથી કરતા રહ્યા. તેઓ એટલી ઊંડાઈ સુધી ગાયક તરીકે નિષ્ઠાવાન હતા કે તેમને પોતાની કારકીર્દીની વ્યાવસાયિક સફળતાના માપદંડનું સ્વાભાવિક આક્રર્ષણ જ નહોતું.

તેમની સર્વતોમુખીતાની સાબિતી તેમણે ૧૬ જેટલી ભાષાઓમાં અલગ પ્રકાર અને ભાવની ગાયેલી રચનાઓ છે. તેમણે ગાયેલ શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો સંગીત વિવેચકોને જેટલાં પસંદ આવ્યાં, એટલાં જ સામાન્ય શ્રોતાઓને પણ ગમ્યાં. તેમણે ગાયનોના જે પ્રકારને સ્પર્શ કર્યો તે પ્રકાર માટે તેઓ ટાઈપકાસ્ટ થઈ ગયા, સિવાય કે ફિલ્મના હીરોના મુખ્ય પાર્શ્વગાયક થવું. તેમણે તેમના સમયના ઘણા મુખ્ય ધારાના પુરુષ અભિનેતાઓ માટે સફળ ગીતો તો ગાયાં, પણ એ હીરો માટેનો એક નક્કી અવાજ રફી કે મુકેશ કે કિશોર કુમાર કે મહેન્દ્ર કપૂર જ ગણાયા. વળી જેમને બી ગ્રેડની ફિલ્મો કહેવાય છે તેવી ફિલ્મોના ઓછાં જાણીતા હીરો માટેનાં તેમનાં ગીતો સફળ તો રહ્યાં પરંતુ વિધાતાની વાંકી દૃષ્ટિને કારણે એ હીરો એ ગીતની સફળતાને સહારે દુરોગામી સફળતા ન પામી શક્યા. એટલે મન્ના ડેના ફાળે સન્માન બહુ જ રહ્યું પણ તે જ સન્માને તેમને 'વિશિષ્ટ' ગાયકનાં સિંહાસનથી નીચે ન આવવા દીધા.

આજના આપણા લેખમાં આપણે મન્નાડે ગાયેલાં તેમના સમયના મુખ્ય ધારાનાં પ્રથમ હરોળના અભિનેતાઓ માટે પાર્શ્વગાયન કરેલાં ગીતોને યાદ કરીશું. આપણો આશય એ ગીતોની સાથે જોડાયેલાં 'કેમ?'ની ચર્ચા કરવાનો નથી, પણ મુખ્ય ધારાના અભિનેતાઓનાં ગીતોના પ્રકારના દૃષ્ટિકોણના સંદર્ભમાં મન્ના ડેનાં જાણીતાં તેમ ઓછાં જાણીતાં ગીતોને એક મંચ પર લાવવાનો છે.

મન્ના ડેના મોટા ભાગના સુજ્ઞ ચાહકોને જાણ જ હશે કે તેમની હિંદી ફિલ્મ ગાયનની કારકીર્દી કે સી ડેનાં સંગીત નિદર્શન હેઠળ તમન્ના (૧૯૪૨)નાં સુરૈયા સાથેનાં યુગલ ગીત જાગો આયી ઊષા પંછી બોલે થી થઈ હતી. ગીતનું ફિલ્માંકન એક ભિક્ષુક અને તેની અનુયાયી બાલિકા પર કરવામાં આવ્યં હતું. ભિક્ષુક માટેનો સ્વર મન્ના ડેનો અને બાલિકા માટે સ્વર ખુદ પણ હજૂ બાલિકા જ હતી એવી સુરૈયાનો હતો. તેમની બીજી ફિલ્મ 'રામ રાજ્ય' (૧૯૪૩)માં તેમણે 'ભજન' પ્રકાર તરીકે ઓળખાતાં ગીતો ગાવાનાં આવ્યાં.

શરૂઆતથી જ આ પ્રકારનું કામ મળતું હતું એ વાસ્તવિકતાની સામે તેમની સાથે જ ઉભરી રહેલા અન્ય સમકાલીન ગાયકોની જેમ તેમને પણ એ સમયના ઉભરતા નવા અભિનેતાઓ માટે પાર્શ્વગાયન કરવાની તક પણ મળવની હતી. હિંદી ફિલ્મ જગતની 'ત્રિમુર્તિ' તરીકે ઓળખાવાના હતા એવા દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂર પણ જ્યારે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા એ સમયે જ મન્ના ડેને પણ તેમનાં સાન્નિધ્યની તક મળવામાં પણ હવે બહુ સમય નહોતો.

દિલીપ કુમાર માટે

મન્ના ડે અને દિલીપ કુમારનો પહેલો મેળાપ તો દિલીપ કુમારની સૌ પ્રથમ ફિલ્મ 'જ્વાર ભાટા'(૧૯૪૪)માં થયો. પણ એ મેળાપ દિલીપ કુમારના હોઠ પર ગવાતાં ગીતમાં પરિણમી ન શક્યો. ફિલ્મમાં મના ડેના સ્વરમાં અનિલ બિશ્વાસે ભુલા ભટકા પથ હારા મૈં શરણ તુમ્હારી આયા, કહ દો હે ગોપાલ ગીત રેકોર્ડ કર્યું છે. ગીતની બાંધણી બંગાળના સાધુ ભજનિકોની લોક ગીતની બાઉલ શૈલીમાં કરવામાં આવી છે. એટલે ગીત ફિલ્મના નાયક દિલીપ કુમારના ફાળે ગાવાનું આવ્યું હોય તે સંભવ નથી જણાતું. ફિલ્મમાં એક બીજું પુરુષ ગીત શામકી બેલા પંછી અકેલા છે જે અરૂણ કુમાર મુકર્જીના સ્વરમાં છે. આ ગીત ક્યાં તો પર્દા પર અરૂણ કુમારે અથવા તો દિલીપ કુમારે ગાયું હશે. એ પછી આ બન્ને કલાકરો પાર્શ્વગાયનની દૃષ્ટિએ બહુ જ નજદીક આવ્યા હોય એવું ગીત ઈન્સાન કા ઈન્સાન સે હો ભાઈચારા (પૈગામ, ૧૯૫૮; સંગીતકાર સી રામચંદ્ર; ગીતકાર પ્રદીપજી ) કહી શકાય. આ ગીતમાં પર્દા પર કેન્દ્રમાં દિલીપ કુમાર છે અને ગીત બેકગ્રાઉન્ડમાં મન્નાડે એ ગાયું છે.

આ સિવાય મન્નાડે એ દિલીપ કુમાર માટે કોઈ ગીત નથી ગાયું.

દેવ આનંદ માટે

દેવ આનંદ માટે પણ મન્ના ડેએ દેવ આનંદની બહુ જ શરૂઆતની ફિલ્મોથી ગીતો ગાયાં છે. 'આગે બઢો (૧૯૪૭)નું ખુબ જ જાણીતું યુગલ ગીત સાવનકી ઘટાઓ ધીરે ધીરે આના (સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા) દેવ આનંદ અને ખુર્શીદ પર ફિલ્માવાયું છે. હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર પાર્શ્વ ગાયનમાં પુરુષ સ્વર મન્ના ડે અને સ્ત્રી સ્વર સ્વયં ખુર્શીદનો છે.
આડવાત :
જોકે મોહમ્મદ રફીના ચાહકો બહુ દૃઢપણે માને છે કે હિંદી ફિલ્મ ગીત કોષની અહીં ભૂલ જ હોવી જોઇએ કેમકે આ સ્વર તો મોહમ્મદ રફીનો જ છે.
તે પછીનાં જ વર્ષમાં ફરીથી, હવે કોઈ જ બેમત ન હોય તે રીતે, મન્ના ડેએ દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન કર્યું. ‘હમ ભી ઇન્સાન હૈ’ (સંગીતકાર એચ પી દાસ, સહાયક મન્ના ડે; ગીતકાર જી એસ નેપલી)માં દેવ આનંદ બાળકો માટેની કોઈ સંસ્થા માટે પ્રાર્થના સ્વરૂપે હમ તેરે હૈ હમકો ન ઠુકરાના ઓ ભારત કે ભગવાન ચલે આના ગાય છે.

ફિલ્મનાં બીજાં, એક ભાગ ૧ અને ભાગ ૨માં ગવાયેલ, ગીત ઓ ઘર ઘર કે દિયે બુઝાકર બને હુએ ધનવાનમાં સમાજવાદનો આદર્શ વણી લેવાયો છે.


પરંતુ એ પછીની તરતની ફિલ્મોમાં દેવ આનંદનાં ગીતો મુકેશે ગાયા. દેવ આનંદ માટે ફરીથી મન્નાડેનો સ્વર 'અમર દીપ' (૧૯૫૮)માં સી રામચંદ્રએ ઉપયોગમાં લીધો. 'ઇસ જહાં કા પ્યાર જૂઠા (ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ) ત્રિપુટી નૃત્ય ગીત્ છે. ગીતનો પહેલો અંતરો જ્હોની વૉકર માટે મોહમ્મદ રફી ગાય છે. બીજા અંતરામાં નાચતા આવતા દેવ આનંદ માટે @૩.૪૭ મન્નાડે બુલંદ આલાપથી પાર્શ્વસંગત કરે છે અને પડકારભર્યા સ્વરમાં ગાયન ઉપાડે છે - અબ કહાં વો પહેલે જૈસે દિલબરી કે રંગ….
આડવાત :
'અમર દીપ'માં એક જોડીયાં વર્ઝનવાળુ યુગલ ગીત દેખ હમેં આવાઝ ન દેના હતું. ફિલ્મમાં આ ગીત મુખ્ય કલાકાર બેલડી દેવ આનંદ અને વૈજયંતિમાલા પર ફિલ્માવાયું હતું. મોહમ્મ્દ રફીનો સ્વર દેવ આનંદમાટે પાર્શ્વગાયકની ભૂમિકા છે.
 ફિલ્મમાં બીજું એક સૉલો ગીત - લેને કો તૈયાર નહીં દેને કો તૈયાર નહીં- પણ દેવ આનંદ પર ફિલ્માવાયું હતું, જે પણ મોહમ્મદ રફીના સ્વરમાં છે.
એ પછી મન્નાડેને દેવ આનંદનાં ગીતો ગાવાની તક એસ ડી બર્મને ૧૯૬૦માં રચેલાં ગીતો તક ધુમ તક ધુમ બાજે (બંબઈ કા બાબુ), સાંજ ઢલી દિલકી લગી થક ચલી પુકારકે (કાલા બાઝાર; આશા ભોસલે સાથે); ચાંદ ઔર મૈં ઔર તુ, અયે કાશ ચલતે મિલ કે (આશા ભોસલે સાથે), હમદમ સે મિલે હમ દમ સે ગયે અને અબ કિસે પતા કલ હો ન હો (મંઝિલ)માં મળી.

આ ગીતો રોમેન્ટીક ભાવનાં જરૂર હતાં, પણ એ દરેક ફિલ્મમાં મન્ના ડેની પસંદ પેલા 'સાતમા' ખેલાડી તરીકે જ થઈ હતી.

૧૯૬૨માં જયદેવે દેવ આનંદે પર્દા પર ગાયેલું, મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોમાં માન ભર્યું સ્થાન મેળવતું ગીત, ચલે જા રહે હૈ કિનારે કિનારે (કિનારે કિનારે, ગીતકાર: ન્યાય શર્મા) રેકોર્ડ કર્યું, જે મન્ના ડેની કિનારે જ કાયમ રહેલી કારકીર્દીને જાણે વાચા આપતું હતું.

રાજ કપુર માટે

મન્ના ડેને રાજ કપુર માટે સર્વપ્રથમ વાર પાર્શ્વગાયન કરવાની તક આર કેની ૧૯૫૧ની ફિલ્મ 'આવારા'માં મળી. ફિલ્મમાં સ્વપ્ન-નૃત્ય ગીત તરીકે ફિલ્માયેલાં તેરે બિના આગ યે ચાંદની…. ઘર આયા મેરા પરદેસીમાં દુનિયાથી ત્રસ્ત નાયકના સ્વરને પાર્શ્વવાચા મન્ના ડેના સ્વરમાં આપવામાં આવી. એ પછી મન્ના ડે - રાજ કપુર- શકર જયકિશનનાં સંયોજને આર કેની ફિલ્મોમાં તેમ જ તે સિવાયની ફિલ્મોમાં મન્ના ડેના સ્વરમાં ખુબ જ લોકપ્રિય થયેલાં રોમેન્ટીક ગીતો સહિત એટલાં ગીતો રચ્યાં છે કે તેને આવરી લેવા માટે લેખોની અલગ શ્રેણી કરવી જોઈશે.

અન્ય સંગીતકારોએ પણ રાજ કપુરમાટે મન્ના ડેના સ્વરનો બહુ જ સફળતાપૂર્વક કર્યો છે.

અહીં આપણે બે એક પ્રતિનિધિ ગીતોની નોંધ લઈશું.

દુનિયાને તો મુઝકો છોડ દિયા, ખૂબ કિયા અરે ખૂબ કિયા = શારદા (૧૯૫૭) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હસ કર હસા મસ્તીમે ગા, કલ હોગા ક્યા હો ગા ક્યા ભૂલ જા - બહુરૂપિયા (૧૯૬૪, રીલીઝ નથી થયેલ) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શલેન્દ્ર

યોગનુયોગ હિંદી ફિલ્મની આ ત્રિમૂર્તિનાં શરૂઆતનાં વર્ષો મન્ના ડેની પણ કારકીર્દીનાં શરૂઆતનાં વર્ષો હતાં. એટલે હવે પછીનો લેખ પણ મન્ના ડેની કારકીર્દીની સમાંતર જ ચલાવીશું.

'૫૦ પહેલાં હિંદી ફિલ્મોમાં દાખલ થયેલ આ ત્રિમૂર્તિ સિવાયના એવા કોઈ પ્રથમ હરોળના મુખ્ય અભિનેતાઓ યાદ નથી આવતા જેના માટે મન્ના ડેનો સ્વર પાર્શ્વગાયક તરીકે વ્યાપક પણે ઉપયોગમાં લેવાયો હોય, સિવાય કે અશોક કુમાર માટે.

અશોક કુમાર અને મન્ના ડેનો પહેલો મેળાપ 'મશાલ' (૧૯૫૦)માં થયો. મન્નાડેની, અને એસ ડી બર્મનની પણ, કારકીર્દીને પ્રબળ પ્રવેગ આપનાર ફિલ્મમાંનાં ગીત ઉપર ગગન વિશાલ મહદ અંશે બેકગ્રાઉન્ડમાં ગવાય છે. છેલ્લે પર્દા પર જે ગાયક બતાવાય છે તે ગાડીવાન છે અને અશોક કુમાર ગીતના ભાવને સમજવા/ માણવા માગતા શ્રોતા છે.

એ પછીથી '૫૦ના દશકમાં અશોક કુમાર મુખ્ય અભિનેતા હોય એવી ફિલ્મો આવતી રહી, પણ તેમાં મોટા ભાગે અશોક કુમારની ભૂમિકા રોમેંટીક પાત્રની નહોતી. આ સંજોગોમાં અશોક કુમારનાં જે ગીતો મન્ના ડે ગાયાં છે તે બહુ રસપ્રદ કહી શકાય એવાં છે.

છુપ્પા છુપ્પી આગડ બાગડ જાએ રે - સવેરા (૧૯૫૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શૈલેશ મુખર્જી – ગીતકાર: શૈલેન્દ્ર

ગીત મુખ્યત્વે બાળકોને ઉદ્દેશીને ગવાયું છે.

ફિલ્મમાં મન્ના ડેનું એક બીજું સૉલો ગીત છે - જીવન કે રાસ્તે હજ઼ાર - જે ફિલ્માવાયું છે અશોક કુમાર પર, પણ મૂળ્તઃ બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત છે.

આ જ વર્ષમાં અશોક કુમારે મન્ના ડેના સ્વરમાં ગવાયેલું બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) પણ ગાયું, જેમાં મન્ના ડે કિશોર કુમારની બધી જ હરકતોની સામે એટલી જ સહજતાથી સુર મેળવી આપે છે.

મન્ના ડે એ અશોક કુમાર માટે શાસ્ત્રીય થાટ પર આધારિત કૉમેડી ગીત પણ ગાયું છે.

જા રે બેઈમાન તુઝે જાન લિયા જાન લિયા - પ્રાઈવેટ સેક્રેટરી (૧૯૬૨) - સંગીતકાર દિલીપ ધોળકિયા ગીતકાર પ્રેમ ધવન

આ પ્રકારનાં ગીત માટે મન્ના ડે એટલી હદે ટાઈપકાસ્ટ કેમ મનાવા લાગ્યા હશે તેની પાછળનાં કારણો આવાં સફળ ગીતો રહ્યાં હશે.

૧૯૬૩માં મન્ના ડે એ અશોક કુમાર માટે તેમનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતાં ગીતોમાંનું પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ (મેરી સુરત તેરી આંખેં, ૧૯૬૩; સંગીતકાર: એસ ડી બર્મન; ગીતકાર: શૈલેન્દ્ર) ગાયું.
આહિર ભૈરવ રાગ પર આધારિત ગીતે મન્ના ડેને ચીરસ્મરણીય પ્રતિષ્ઠા જરૂર અપાવી, પણ સોનાની થાળીમાં મેખના ન્યાય જેવાં અશોક કુમાર પર ફિલ્માવાયેલાં નાચે મન મોરા મગન તિકરી ધીગી ધીગી (ગાય્ક મોહમ્મદ રફી) ગીત પણ તેમની કારકીર્દીની વાસ્તવિકતા છે.

એ પછી છેક ૧૯૭૭માં ફરી એક વાર મન્ના ડેએ ફિલ્મ 'અનુરોધ' (સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર: આનંદ બક્ષી) નાં ગીત - તુમ બેસહારા હો તો - અશોક કુમાર માટે સીધું પાર્શ્વ ગાયન કર્યું.

ગીતનું પહેલું વર્ઝન આનંદના ભાવનું છે જેમાં અશોક કુમાર બાળકો સાથે રમતાં રમતામ ગીત દ્વારા જીવનનો સંદેશ સમજાવે છે.
બીજો ભાગ બળકોની સામે પ્રાર્થનાના રૂપે છે જેને કારણે ફિલ્મના મુખ્ય અભિનેતા, વિનોદ મહેરા,ને પણ પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની આશા જન્મે છે.

હવે પછીના હપ્તામાં આપણે '૫૦ના દાયકામાં જ હિંદી સિનેમામાં પદાર્પણ કરેલ 'નવી પેઢી'ના મુખ્ય ધારાના અભિનેતાઓ માટે મન્ના ડે એ ગાયેલાં ગીતોને યાદ કરીશું.

[1] On Manna Dey’s 100th Birth Anniversary, a Look Back at His Journey