Thursday, May 30, 2019

ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો - પુરુષ સૉલો ગીતો – વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો (૨)

ગયા હપ્તામાં આપણે વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકો જી એમ દુર્રાની અને અશોક કુમારનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યાં હતા. આજે હવે સુરેન્દ્ર અને વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા 'અન્ય' પુરુષ ગાયકોનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.
સુરેન્દ્રનાં સૉલો ગીતો
સુરેન્દ્ર સુવર્ણ યુગના વર્ષોમાં પણ પોતાનાં ગીતો તો ગાતા હતા, પરંતુ તેમની ઓળખ તો તો વિન્ટેજ એરાના અભિનેતા - ગાયકની જ રહી.
ક્યોં યાદ આ રહે હૈ વો ગુજ઼રે હુએ જમાને - અનમોલ ઘડી - સંગીતકારઃ નૌશાદ - ગીતકારઃ તનવીર નક઼્વી
અબ કૌન હૈ મેરા, કહો કૌન હૈ મેરા - અનમોલ ઘડી - સંગીતકારઃ નૌશાદ - ગીતકારઃ તનવીર નક઼્વી
વો પહેલી મુલાક઼ાત હી બસ પ્યાર બન ગયી - ૧૮૫૭ - સંગીતકારઃ સજ્જાદ હુસૈન - ગીતકારઃ પંડિત અંકુર
ચૈન તુમસે ક઼રાર તુમસે હૈ - પનિહારી - સંગીતકારઃ અલી હુસ્સૈન
ઝમાને સે નિરાલે હૈ પ્યાર કરનેવાલે - પનિહારી - સંગીતકારઃ અલી હુસ્સૈન
આ ગીતની સૉફ્ટ કડીઓ નથી મળી શકી
ઓ નૈન બાવરે જિનકો અપના ગીત બનાયે - પનિહારી - સંગીતકારઃ અલી હુસ્સૈન
વિન્ટેજ એરાના અન્ય પુરુષ ગાયકોનાં સૉલો ગીતો
કોઈ પણ ગાયકનાં ગીતને અહીં સમાવવા માટે એ ગાયકનાં આ વર્ષ માટે એકાદ બે થી વધારે ગીત - જેની સૉફ્ટ કડી પણ ઉપલ્બ્ધ હોય – એ જ માત્ર માપદંડ રાખેલ છે.
ઝીંદગી ઝીંદગી ઝીંદગી કોઈ સુપના નહીં ઝીંદગી - ડૉ. કોટનીસ કી અમર કહાની - ગાયક (?) - સંગીતકારઃ વસંત દેસાઈ - ગીતકારઃ દીવાન શર્રાર

જગ કી સેવા કર લે બંદે - હમજોલી - ગાયકઃ મહેબૂબ - સંગીતકારઃ હફીઝ ખાન - ગીતકારઃ અન્જુમ પીલીભીતી 
મનમેં બસા લે મનમોહન કો - કૃષ્ણ લીલા – ગાયક: જગમોહન - સંગીતકારઃ કમલ દાસ ગુપ્તા
ઉપર હૈ બદરિય અકારી, મૌજોમેં નાવ હમારી - મિલન - ગાયકઃ શંકર દાસ ગુપ્તા - સંગીતકારઃ અનિલ બિશ્વાસ - ગીતકારઃ પી એલ સંતોષી

૧૯૪૬નાં પુરુષ સૉલો ગીતોમાં હવે પછી કે એલ સાયગલનાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Sunday, May 26, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૧]

૨૦૧૯નું વર્ષ મન્ના ડેની જન્મ શતાબ્દીનું વર્ષ છે. તેમની યાદને તાજી કરવની જરૂર ભાગ્યે જ કોઈને પડે. પણ હવે પછીના કેટલાક લેખો દ્વારા આપણી તેમની ઓળખને આપણે જૂદા જૂદા દૃષ્ટિકોણથી તેમની ઓળખને જૂદા જૂદા આયામોના સ્તરે વધારે ઘનિષ્ઠ કરવાનો પ્રયાસ કરીશું.
આપણી ચર્ચાને '૭૦ના દાયકાના અંત સુધીનાં વર્ષો પૂરતી આપણે સીમિત રાખીશું.

સત્યજીત રેએ એક વાર કહ્યું હતું કે મોટા ભાગનાં શ્રોતાઓને તેમની પસંદના છ ગાયકો સિવાયનાં ગાયકને સાંભળીને આંચકો લાગશે. તેમણે જે 'છ'નો આંકડો કહ્યો છે તે કદાચ તેમનો અનુભવસિધ્ધ અંદાજ હશે, પણ ગાયક તરીકેની મન્નાડેની કારકીર્દીને સિધ્ધાંત તથાતથ બંધ બેસે છે. ફિલ્મના મુખ્ય પુરુષ પાત્ર માટે ગાયકની પસંદગી કરવાની આવી હોય ત્યારે મન્ના ડે, ખાસ ગાયકની આગવી ભૂમિકા હેઠળ, હંમેશાં, સાતમા ગાયક જ ગણાતા રહ્યા. [1]

મન્ના ડે (મૂળ નામ પ્રબોધ ચંદ્ર ડે જન્મ ૧ મે ૧૯૧૯/\ અવસાન ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમનાં બાળપણથી જ થઈ હતી. એ તાલીમને કારણે તેઓ તેમનાં પોતાના ગાયનમાં પણ જેટલા સૂરની સર્વોત્કૃષ્ટતાના આગ્રહી રહ્યા તેટલા જ અન્ય પ્રકારોના ગાયન માટેના પ્રયોગો પણ એટલી જ પ્રતિબધ્ધતાથી કરતા રહ્યા. તેઓ એટલી ઊંડાઈ સુધી ગાયક તરીકે નિષ્ઠાવાન હતા કે તેમને પોતાની કારકીર્દીની વ્યાવસાયિક સફળતાના માપદંડનું સ્વાભાવિક આક્રર્ષણ જ નહોતું.

તેમની સર્વતોમુખીતાની સાબિતી તેમણે ૧૬ જેટલી ભાષાઓમાં અલગ પ્રકાર અને ભાવની ગાયેલી રચનાઓ છે. તેમણે ગાયેલ શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો સંગીત વિવેચકોને જેટલાં પસંદ આવ્યાં, એટલાં જ સામાન્ય શ્રોતાઓને પણ ગમ્યાં. તેમણે ગાયનોના જે પ્રકારને સ્પર્શ કર્યો તે પ્રકાર માટે તેઓ ટાઈપકાસ્ટ થઈ ગયા, સિવાય કે ફિલ્મના હીરોના મુખ્ય પાર્શ્વગાયક થવું. તેમણે તેમના સમયના ઘણા મુખ્ય ધારાના પુરુષ અભિનેતાઓ માટે સફળ ગીતો તો ગાયાં, પણ એ હીરો માટેનો એક નક્કી અવાજ રફી કે મુકેશ કે કિશોર કુમાર કે મહેન્દ્ર કપૂર જ ગણાયા. વળી જેમને બી ગ્રેડની ફિલ્મો કહેવાય છે તેવી ફિલ્મોના ઓછાં જાણીતા હીરો માટેનાં તેમનાં ગીતો સફળ તો રહ્યાં પરંતુ વિધાતાની વાંકી દૃષ્ટિને કારણે એ હીરો એ ગીતની સફળતાને સહારે દુરોગામી સફળતા ન પામી શક્યા. એટલે મન્ના ડેના ફાળે સન્માન બહુ જ રહ્યું પણ તે જ સન્માને તેમને 'વિશિષ્ટ' ગાયકનાં સિંહાસનથી નીચે ન આવવા દીધા.

આજના આપણા લેખમાં આપણે મન્નાડે ગાયેલાં તેમના સમયના મુખ્ય ધારાનાં પ્રથમ હરોળના અભિનેતાઓ માટે પાર્શ્વગાયન કરેલાં ગીતોને યાદ કરીશું. આપણો આશય એ ગીતોની સાથે જોડાયેલાં 'કેમ?'ની ચર્ચા કરવાનો નથી, પણ મુખ્ય ધારાના અભિનેતાઓનાં ગીતોના પ્રકારના દૃષ્ટિકોણના સંદર્ભમાં મન્ના ડેનાં જાણીતાં તેમ ઓછાં જાણીતાં ગીતોને એક મંચ પર લાવવાનો છે.

મન્ના ડેના મોટા ભાગના સુજ્ઞ ચાહકોને જાણ જ હશે કે તેમની હિંદી ફિલ્મ ગાયનની કારકીર્દી કે સી ડેનાં સંગીત નિદર્શન હેઠળ તમન્ના (૧૯૪૨)નાં સુરૈયા સાથેનાં યુગલ ગીત જાગો આયી ઊષા પંછી બોલે થી થઈ હતી. ગીતનું ફિલ્માંકન એક ભિક્ષુક અને તેની અનુયાયી બાલિકા પર કરવામાં આવ્યં હતું. ભિક્ષુક માટેનો સ્વર મન્ના ડેનો અને બાલિકા માટે સ્વર ખુદ પણ હજૂ બાલિકા જ હતી એવી સુરૈયાનો હતો. તેમની બીજી ફિલ્મ 'રામ રાજ્ય' (૧૯૪૩)માં તેમણે 'ભજન' પ્રકાર તરીકે ઓળખાતાં ગીતો ગાવાનાં આવ્યાં.

શરૂઆતથી જ આ પ્રકારનું કામ મળતું હતું એ વાસ્તવિકતાની સામે તેમની સાથે જ ઉભરી રહેલા અન્ય સમકાલીન ગાયકોની જેમ તેમને પણ એ સમયના ઉભરતા નવા અભિનેતાઓ માટે પાર્શ્વગાયન કરવાની તક પણ મળવની હતી. હિંદી ફિલ્મ જગતની 'ત્રિમુર્તિ' તરીકે ઓળખાવાના હતા એવા દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂર પણ જ્યારે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા એ સમયે જ મન્ના ડેને પણ તેમનાં સાન્નિધ્યની તક મળવામાં પણ હવે બહુ સમય નહોતો.

દિલીપ કુમાર માટે

મન્ના ડે અને દિલીપ કુમારનો પહેલો મેળાપ તો દિલીપ કુમારની સૌ પ્રથમ ફિલ્મ 'જ્વાર ભાટા'(૧૯૪૪)માં થયો. પણ એ મેળાપ દિલીપ કુમારના હોઠ પર ગવાતાં ગીતમાં પરિણમી ન શક્યો. ફિલ્મમાં મના ડેના સ્વરમાં અનિલ બિશ્વાસે ભુલા ભટકા પથ હારા મૈં શરણ તુમ્હારી આયા, કહ દો હે ગોપાલ ગીત રેકોર્ડ કર્યું છે. ગીતની બાંધણી બંગાળના સાધુ ભજનિકોની લોક ગીતની બાઉલ શૈલીમાં કરવામાં આવી છે. એટલે ગીત ફિલ્મના નાયક દિલીપ કુમારના ફાળે ગાવાનું આવ્યું હોય તે સંભવ નથી જણાતું. ફિલ્મમાં એક બીજું પુરુષ ગીત શામકી બેલા પંછી અકેલા છે જે અરૂણ કુમાર મુકર્જીના સ્વરમાં છે. આ ગીત ક્યાં તો પર્દા પર અરૂણ કુમારે અથવા તો દિલીપ કુમારે ગાયું હશે. એ પછી આ બન્ને કલાકરો પાર્શ્વગાયનની દૃષ્ટિએ બહુ જ નજદીક આવ્યા હોય એવું ગીત ઈન્સાન કા ઈન્સાન સે હો ભાઈચારા (પૈગામ, ૧૯૫૮; સંગીતકાર સી રામચંદ્ર; ગીતકાર પ્રદીપજી ) કહી શકાય. આ ગીતમાં પર્દા પર કેન્દ્રમાં દિલીપ કુમાર છે અને ગીત બેકગ્રાઉન્ડમાં મન્નાડે એ ગાયું છે.

આ સિવાય મન્નાડે એ દિલીપ કુમાર માટે કોઈ ગીત નથી ગાયું.

દેવ આનંદ માટે

દેવ આનંદ માટે પણ મન્ના ડેએ દેવ આનંદની બહુ જ શરૂઆતની ફિલ્મોથી ગીતો ગાયાં છે. 'આગે બઢો (૧૯૪૭)નું ખુબ જ જાણીતું યુગલ ગીત સાવનકી ઘટાઓ ધીરે ધીરે આના (સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા) દેવ આનંદ અને ખુર્શીદ પર ફિલ્માવાયું છે. હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર પાર્શ્વ ગાયનમાં પુરુષ સ્વર મન્ના ડે અને સ્ત્રી સ્વર સ્વયં ખુર્શીદનો છે.
આડવાત :
જોકે મોહમ્મદ રફીના ચાહકો બહુ દૃઢપણે માને છે કે હિંદી ફિલ્મ ગીત કોષની અહીં ભૂલ જ હોવી જોઇએ કેમકે આ સ્વર તો મોહમ્મદ રફીનો જ છે.
તે પછીનાં જ વર્ષમાં ફરીથી, હવે કોઈ જ બેમત ન હોય તે રીતે, મન્ના ડેએ દેવ આનંદ માટે પાર્શ્વ ગાયન કર્યું. ‘હમ ભી ઇન્સાન હૈ’ (સંગીતકાર એચ પી દાસ, સહાયક મન્ના ડે; ગીતકાર જી એસ નેપલી)માં દેવ આનંદ બાળકો માટેની કોઈ સંસ્થા માટે પ્રાર્થના સ્વરૂપે હમ તેરે હૈ હમકો ન ઠુકરાના ઓ ભારત કે ભગવાન ચલે આના ગાય છે.

ફિલ્મનાં બીજાં, એક ભાગ ૧ અને ભાગ ૨માં ગવાયેલ, ગીત ઓ ઘર ઘર કે દિયે બુઝાકર બને હુએ ધનવાનમાં સમાજવાદનો આદર્શ વણી લેવાયો છે.


પરંતુ એ પછીની તરતની ફિલ્મોમાં દેવ આનંદનાં ગીતો મુકેશે ગાયા. દેવ આનંદ માટે ફરીથી મન્નાડેનો સ્વર 'અમર દીપ' (૧૯૫૮)માં સી રામચંદ્રએ ઉપયોગમાં લીધો. 'ઇસ જહાં કા પ્યાર જૂઠા (ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ) ત્રિપુટી નૃત્ય ગીત્ છે. ગીતનો પહેલો અંતરો જ્હોની વૉકર માટે મોહમ્મદ રફી ગાય છે. બીજા અંતરામાં નાચતા આવતા દેવ આનંદ માટે @૩.૪૭ મન્નાડે બુલંદ આલાપથી પાર્શ્વસંગત કરે છે અને પડકારભર્યા સ્વરમાં ગાયન ઉપાડે છે - અબ કહાં વો પહેલે જૈસે દિલબરી કે રંગ….
આડવાત :
'અમર દીપ'માં એક જોડીયાં વર્ઝનવાળુ યુગલ ગીત દેખ હમેં આવાઝ ન દેના હતું. ફિલ્મમાં આ ગીત મુખ્ય કલાકાર બેલડી દેવ આનંદ અને વૈજયંતિમાલા પર ફિલ્માવાયું હતું. મોહમ્મ્દ રફીનો સ્વર દેવ આનંદમાટે પાર્શ્વગાયકની ભૂમિકા છે.
 ફિલ્મમાં બીજું એક સૉલો ગીત - લેને કો તૈયાર નહીં દેને કો તૈયાર નહીં- પણ દેવ આનંદ પર ફિલ્માવાયું હતું, જે પણ મોહમ્મદ રફીના સ્વરમાં છે.
એ પછી મન્નાડેને દેવ આનંદનાં ગીતો ગાવાની તક એસ ડી બર્મને ૧૯૬૦માં રચેલાં ગીતો તક ધુમ તક ધુમ બાજે (બંબઈ કા બાબુ), સાંજ ઢલી દિલકી લગી થક ચલી પુકારકે (કાલા બાઝાર; આશા ભોસલે સાથે); ચાંદ ઔર મૈં ઔર તુ, અયે કાશ ચલતે મિલ કે (આશા ભોસલે સાથે), હમદમ સે મિલે હમ દમ સે ગયે અને અબ કિસે પતા કલ હો ન હો (મંઝિલ)માં મળી.

આ ગીતો રોમેન્ટીક ભાવનાં જરૂર હતાં, પણ એ દરેક ફિલ્મમાં મન્ના ડેની પસંદ પેલા 'સાતમા' ખેલાડી તરીકે જ થઈ હતી.

૧૯૬૨માં જયદેવે દેવ આનંદે પર્દા પર ગાયેલું, મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોમાં માન ભર્યું સ્થાન મેળવતું ગીત, ચલે જા રહે હૈ કિનારે કિનારે (કિનારે કિનારે, ગીતકાર: ન્યાય શર્મા) રેકોર્ડ કર્યું, જે મન્ના ડેની કિનારે જ કાયમ રહેલી કારકીર્દીને જાણે વાચા આપતું હતું.

રાજ કપુર માટે

મન્ના ડેને રાજ કપુર માટે સર્વપ્રથમ વાર પાર્શ્વગાયન કરવાની તક આર કેની ૧૯૫૧ની ફિલ્મ 'આવારા'માં મળી. ફિલ્મમાં સ્વપ્ન-નૃત્ય ગીત તરીકે ફિલ્માયેલાં તેરે બિના આગ યે ચાંદની…. ઘર આયા મેરા પરદેસીમાં દુનિયાથી ત્રસ્ત નાયકના સ્વરને પાર્શ્વવાચા મન્ના ડેના સ્વરમાં આપવામાં આવી. એ પછી મન્ના ડે - રાજ કપુર- શકર જયકિશનનાં સંયોજને આર કેની ફિલ્મોમાં તેમ જ તે સિવાયની ફિલ્મોમાં મન્ના ડેના સ્વરમાં ખુબ જ લોકપ્રિય થયેલાં રોમેન્ટીક ગીતો સહિત એટલાં ગીતો રચ્યાં છે કે તેને આવરી લેવા માટે લેખોની અલગ શ્રેણી કરવી જોઈશે.

અન્ય સંગીતકારોએ પણ રાજ કપુરમાટે મન્ના ડેના સ્વરનો બહુ જ સફળતાપૂર્વક કર્યો છે.

અહીં આપણે બે એક પ્રતિનિધિ ગીતોની નોંધ લઈશું.

દુનિયાને તો મુઝકો છોડ દિયા, ખૂબ કિયા અરે ખૂબ કિયા = શારદા (૧૯૫૭) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હસ કર હસા મસ્તીમે ગા, કલ હોગા ક્યા હો ગા ક્યા ભૂલ જા - બહુરૂપિયા (૧૯૬૪, રીલીઝ નથી થયેલ) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શલેન્દ્ર

યોગનુયોગ હિંદી ફિલ્મની આ ત્રિમૂર્તિનાં શરૂઆતનાં વર્ષો મન્ના ડેની પણ કારકીર્દીનાં શરૂઆતનાં વર્ષો હતાં. એટલે હવે પછીનો લેખ પણ મન્ના ડેની કારકીર્દીની સમાંતર જ ચલાવીશું.

'૫૦ પહેલાં હિંદી ફિલ્મોમાં દાખલ થયેલ આ ત્રિમૂર્તિ સિવાયના એવા કોઈ પ્રથમ હરોળના મુખ્ય અભિનેતાઓ યાદ નથી આવતા જેના માટે મન્ના ડેનો સ્વર પાર્શ્વગાયક તરીકે વ્યાપક પણે ઉપયોગમાં લેવાયો હોય, સિવાય કે અશોક કુમાર માટે.

અશોક કુમાર અને મન્ના ડેનો પહેલો મેળાપ 'મશાલ' (૧૯૫૦)માં થયો. મન્નાડેની, અને એસ ડી બર્મનની પણ, કારકીર્દીને પ્રબળ પ્રવેગ આપનાર ફિલ્મમાંનાં ગીત ઉપર ગગન વિશાલ મહદ અંશે બેકગ્રાઉન્ડમાં ગવાય છે. છેલ્લે પર્દા પર જે ગાયક બતાવાય છે તે ગાડીવાન છે અને અશોક કુમાર ગીતના ભાવને સમજવા/ માણવા માગતા શ્રોતા છે.

એ પછીથી '૫૦ના દશકમાં અશોક કુમાર મુખ્ય અભિનેતા હોય એવી ફિલ્મો આવતી રહી, પણ તેમાં મોટા ભાગે અશોક કુમારની ભૂમિકા રોમેંટીક પાત્રની નહોતી. આ સંજોગોમાં અશોક કુમારનાં જે ગીતો મન્ના ડે ગાયાં છે તે બહુ રસપ્રદ કહી શકાય એવાં છે.

છુપ્પા છુપ્પી આગડ બાગડ જાએ રે - સવેરા (૧૯૫૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શૈલેશ મુખર્જી – ગીતકાર: શૈલેન્દ્ર

ગીત મુખ્યત્વે બાળકોને ઉદ્દેશીને ગવાયું છે.

ફિલ્મમાં મન્ના ડેનું એક બીજું સૉલો ગીત છે - જીવન કે રાસ્તે હજ઼ાર - જે ફિલ્માવાયું છે અશોક કુમાર પર, પણ મૂળ્તઃ બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત છે.

આ જ વર્ષમાં અશોક કુમારે મન્ના ડેના સ્વરમાં ગવાયેલું બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) પણ ગાયું, જેમાં મન્ના ડે કિશોર કુમારની બધી જ હરકતોની સામે એટલી જ સહજતાથી સુર મેળવી આપે છે.

મન્ના ડે એ અશોક કુમાર માટે શાસ્ત્રીય થાટ પર આધારિત કૉમેડી ગીત પણ ગાયું છે.

જા રે બેઈમાન તુઝે જાન લિયા જાન લિયા - પ્રાઈવેટ સેક્રેટરી (૧૯૬૨) - સંગીતકાર દિલીપ ધોળકિયા ગીતકાર પ્રેમ ધવન

આ પ્રકારનાં ગીત માટે મન્ના ડે એટલી હદે ટાઈપકાસ્ટ કેમ મનાવા લાગ્યા હશે તેની પાછળનાં કારણો આવાં સફળ ગીતો રહ્યાં હશે.

૧૯૬૩માં મન્ના ડે એ અશોક કુમાર માટે તેમનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતાં ગીતોમાંનું પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ (મેરી સુરત તેરી આંખેં, ૧૯૬૩; સંગીતકાર: એસ ડી બર્મન; ગીતકાર: શૈલેન્દ્ર) ગાયું.
આહિર ભૈરવ રાગ પર આધારિત ગીતે મન્ના ડેને ચીરસ્મરણીય પ્રતિષ્ઠા જરૂર અપાવી, પણ સોનાની થાળીમાં મેખના ન્યાય જેવાં અશોક કુમાર પર ફિલ્માવાયેલાં નાચે મન મોરા મગન તિકરી ધીગી ધીગી (ગાય્ક મોહમ્મદ રફી) ગીત પણ તેમની કારકીર્દીની વાસ્તવિકતા છે.

એ પછી છેક ૧૯૭૭માં ફરી એક વાર મન્ના ડેએ ફિલ્મ 'અનુરોધ' (સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર: આનંદ બક્ષી) નાં ગીત - તુમ બેસહારા હો તો - અશોક કુમાર માટે સીધું પાર્શ્વ ગાયન કર્યું.

ગીતનું પહેલું વર્ઝન આનંદના ભાવનું છે જેમાં અશોક કુમાર બાળકો સાથે રમતાં રમતામ ગીત દ્વારા જીવનનો સંદેશ સમજાવે છે.
બીજો ભાગ બળકોની સામે પ્રાર્થનાના રૂપે છે જેને કારણે ફિલ્મના મુખ્ય અભિનેતા, વિનોદ મહેરા,ને પણ પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની આશા જન્મે છે.

હવે પછીના હપ્તામાં આપણે '૫૦ના દાયકામાં જ હિંદી સિનેમામાં પદાર્પણ કરેલ 'નવી પેઢી'ના મુખ્ય ધારાના અભિનેતાઓ માટે મન્ના ડે એ ગાયેલાં ગીતોને યાદ કરીશું.

[1] On Manna Dey’s 100th Birth Anniversary, a Look Back at His Journey

Thursday, May 23, 2019

ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો - પુરુષ સૉલો ગીતો – વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો (૧)


અહીં રજૂ કરાયેલા ગાયકોની સક્રિય કારકીર્દી મહદ અંશે '૪૦ના દાયકામાં જ સક્રિય ગણવામાં આવે છે.'૫૦ના દાયકામાં તેઓનો પ્રભાવ સંધ્યા કાળે ડૂબતા સુરજના પ્રકાશની સાથે જ સરખાવી શકાય તે કક્ષાનો ગણવામાં આવે છે.
જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
પોતાના શરૂઆતના દિવસોમાં મોહમ્મદ રફી તેમને પોતાનો આદર્શ માનતા હતા તે પરથીવિન્તેજ એરાના '૪૦ના દશકમાં તેમનં સ્થાનનું મૂલ્ય સમજી શકાય છે. વિન્ટેજ એરાના ગાયકો પૈકી જી એમ દુર્રાની એક એવા ગાયક મનાય છે જેઓ સુવર્ણ યુગમાં પણ સફળ અને લોકપ્રિય ગાયક બની રહ્યા હોત પરંતુ સંગીતકારોની નવી પેઢી અને તેમની નવી શૈલી સાથે આમનેસામને મેળ બેસાડવામાં કોઈક કડી ખૂટી હશે  તેમ જ આજે તો માનવું રહ્યું.
કહાં હમારે શ્યામ ચલે, હમેં રોતા છોડ ગોકુલ ચલે - ગોકુલ - સંગીતકાર સુધીર ફડકે - ગીતકાર ક઼મર જલાલાબાદી
વફાયેં મેરી આજ઼માઓગે કબ તક - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન
અય ચાંદ તારોં, રાતોંકે સહારોં  - કુલદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર: નવા  નક઼્વી
યે તો બતા મેરે ખુદા લૂટ ગયા મેરા પ્યાર ક્યોં - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી
વોહ નઝારોંમેં સમાયે જા રહે હૈં - સાથી – સંગીતકાર: ગુલશન સુફી  - ગીતકાર: વલી સાહબ
અરમાન ભી તો ન ઈસ દિલ-એ-નાક઼ામ સે નિકલે - સાસ્સી પુન્નુ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
તબ્ત કર બહાર-એ-ખુદા શિક઼વે બેદાદ ન કર - સાસ્સી પુન્નુ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી :
કિસ મુસીબત સે બેસર હમ શબ-એ-ગ઼મ કરતે હૈં - સાસ્સી પુન્નુ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
અશોક કુમારનાં સૉલો ગીતો
૧૯૪૬નું વર્ષ અશોક મ્કુમારની ગાયક તરીકેની કારકીર્દીના અંતની શરૂઆતનું વર્ષ ગણી શકાય. પછીનાં વર્ષોમાં તેમણે પર્દા પર ગાયેલં ગીતો માત્ર પાર્શ્વગાયકોએ જ ગાયાં હોય તેવા દાખલા વધવા લાગ્યા હતા.
જગમગ હૈ આસમાન…. ડોલ રહી ડોલ રહી હૈ નૈયા - શિકારી – સંગીતકાર: એસ ડી બર્મન
લાજ ભરે ઈન નૈનન મેં સખી - ઉત્તરા અભિમન્યુ – સંગીતકાર: એસ એન ત્રિપાઠી 
હવે પછીના અંકમાં પણ આપણે વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો ચર્ચાની એરણે ચાલુ રાખીશું, જેમાં ચર્ચામાં હશે સુરેન્દ્ર અને 'અન્ય' વિન્ટેજ એરા ગાયકોનાં સૉલો ગીતો.

Sunday, May 19, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી
વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
ક્લાઉડ કમ્પ્યુટીંગ[1]  એટલે સર્વર્સ, સંગ્રહ, ડેટાબેઝ, નેટવર્કિંગ, સૉફ્ટવેર, વિશ્લેષકો, પ્રજ્ઞા અને એવી અન્ય અનેક કમ્પ્યુટીંગ સેવાઓની ઇન્ટરનેટ (વાદળો / the cloud”) દ્વારા થતી વપરાશકારને ઉપલબ્ધી. ક્લાઉડ કમ્પ્યુટીંગ કમ્પ્યુટર સેવાઓને ઝડપથી ઉપલબ્ધ કરવાની સાથે ઝડપથી પરિવર્તનક્ષમ, નવીનતમ સંસાધનો હાથવગાં કરી આપી શકે છે  અને જરૂરિયાત મુજબ, પ્રમાણમાં ઓછાં ખર્ચે, વપરાશકારની વધતી ઘટતી માંગને અનુરૂપ ક્દમાં નાનુમોટું પણ કરી શકાય છે.
વપરાશના પ્રકાર મુજબ ક્લાઉડ કમ્પ્યુટીંગનું વર્ગીકરણ[2]
૧. Infrastructure as a Service (IaaS) - જેમાં પહેલેથી બેસાડેલ અને રુપરેખાંકિત હાર્ડવેર અને સૉફ્ટવેર એક આભાસી ક્રિયાપ્રતિક્રિયા આંતરફલક /virtualized interface દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે.
૨. Platform as a Service (PaaS)- જેમાં કમ્પ્યુટીંગ પ્લૅટફૉર્મ અને ઉકેલોની થપ્પી સેવાના સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવે છે.
૩. Software as a Service (SaaS) - જેમાં આખાં ને આખાં સોફ્ટવેર વપરાશકારની જરૂરિયાત મુજબ વેબ દ્વારા પૂરા પાડવામાં આવે છે. સૉફ્ટવેરનો ઉપયોગ વપરાશકારના છેડે સંકલિત કરવામાં આવે છે. વેબ આધારિત કોન્ફરન્સ,ERP, CRM, ઈ-મેલ, પરિયોજના દેખરેખ જેવી અનેક સેવાઓ આજે ઉપલબ્ધ થયેલ જોવા મળે છે.
૪. Recovery as a Service (RaaS)માં સંસ્થાની બૅક અપ, આર્કાઈવીંગ, ડીઝાસ્ટર રીકવરી અને બિઝનેસ સસ્ટેનેબિલિટી માટેનાં ઉકેલ સેવાઓ તરીકે ઉપલ્બધ કરવામાં આવે છે.

બહુ જ અલગ અલગ જગ્યાએ ફેલાયેલ વપરાશકારોની સંખ્યા, માહિતીના પ્રકાર અને જરૂરિયાતોમાં કુદકે ભુસકે થતા વધારા અને ફેરફારના ઈન્ડસ્ટ્રી ૪.૦ના આજના સમયમાં ક્લાઉડ કમ્પ્યુટીંગ માહિતી સંગહ માટે એક આદર્શ સંસાધન તરીકે વીકસેલ છે. [3]
ઉત્પાદન ક્ષેત્રના વિકાસમાં ક્લાઉડ કમ્પ્યુટીંગ આ દસ મહત્ત્ત્વની રીતે યોગદાન આપી શકે છે[4] -
  • ગુણવત્તા હવે ચોકઠામાં મર્યાદિત નથી રહી - ક્લાઉડ પ્લૅટફોર્મ્સ અને એપ્લિકેશન્સ વડે જૂદી જૂદી જગ્યાઓ પરની ગુણવત્તા વ્યૂહરચનાઓને રીઅલ-ટાઈમ માહિતીસામગ્રીની સાથે સમક્રમિક બનાવી શકાય છે.
  • ઉત્પાદન ચક્રના સમયમાં ઘટાડો કરવા માટેની અને જરૂરિયાત મુજબ અનુકુલન માટેની માંગ વધતી રહી છે  - ક્લાઉડ આધારિત પ્રજ્ઞા તંત્રવ્યવસ્થાની મદદથી વધારે અસરકારક્પણે, ઝડપથી અને જરૂરી ઊંડાણથી માહિતી ઉપલ્બધ બનવાને કારણે હવે આ વધારેને વધારે શક્ય બનવા લાગ્યું છે. ઉત્પાદન ચક્ર સમયમાં જરૂરિયાત મુજબ કેમ સુધારા શક્ય છે તેની સમજ જેટલી વ્યાપક અને સમયસરની હોય તેટલી ઉત્પાદકની સ્પર્ધાત્મક સરસાઈ વધે છે. ક્લાઉડ આધારિત એપ્લિકેશનને કારણે માહિતીસામગ્રીનાં હસ્તાંતર વિના વિક્ષેપ શક્ય બનવાની સાથે સાથે જે સમયે ઘટના બને તે સાથે જ વપરાશકારને જોવા મળવાનું પણ સંભવ બને છે. પરિણામે, પુરવઠા સાંકળનું સંકલન અને કામગીરીની પરિવર્તનક્ષમતા વધારે અસરકારક અને કાર્યદક્ષ બને છે.
  • સમગ્ર ઉપકરણ અસરકારકતા [Overall Equipment Effectiveness (OEE] વધારે પ્રભાવશાળી બની શકે છે -  ક્લાઉડ કમ્પ્યુટીંગ વડે ઉપકરણો અને સાધનો તેમ જ ઓજારોના સ્તર સુધીની માહિતી નોંધવાનું સરળ બની શકે છે, જેને કારણે કઈ જગ્યાએ કરેલા સુધારા સમગ્ર તંત્રવયવ્સ્થા માટે વધારે અસરકારક નીવડી શકશે તે નક્કી કરવું સરળ બની શકે છે.
  • અનુપાલન અને તેનાં રીપોર્ટીંગને સ્વયંસંચાલિત કરવાથી સમયમાં બહુ ઘણી બચત શક્ય બને છે - અનુપાલન અંગેની ક્લાઉડ આધારિત તંત્રવ્યવ્સ્થામાં ઉપકરણો અને સંસ્થાની કામગીરીની માહિતીના અહેવાલ સ્વયંસંચાલિતપણે નોંધવાનું, અને લાગતી વળગતી સરકારી સંસ્થાને જાણ કરવાનું, શક્ય બનવાને કારણે માનવીય શ્રમ અને સમયમાં ઘણી બચત શક્ય બની શકે છે.
  • ઘટના થવાના સમયની સાથે સાથે જ તેનું પગેરૂં રાખવું  (tracking)અને પગેરૂં-શોધ સુલભતા (traceability) જાળવવાનું સરળ બની શકે છે - ક્લાઉડ આધારિત કમ્પ્યુટીંગ વડે સમગ્ર પુરવઠા અને મૂલ્યવૃધ્ધિ સાંકળમાં બનતી ઘટનાઓનું સમયની સાથે સાથે જ પગેરૂં રાખવું અને તેની પગેરૂં-શોધસુલભતા જાળવવી શક્ય બને છે, તેને કારણે ઉત્પાદન કે સેવાની ગુણવત્તાને લગતી સમસ્યાઓનાં ઉકેલનાં પાછોતરાં પગલાંનો ખર્ચ અને સમય બચી શકે છે.
  • APIs વડે ઉત્પાદનની વ્યૂહરચનાઓમાં ફેરફારો ખૂબ જ ઝડપથી શક્ય બની શકે છે - અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ, ડેટાબેઝ અને તંત્રવ્યવસ્થાઓને જોડવાનું કામ કરીને APIs સમયની સાથે સાથે જ સંકલન લિંક બનાવવાનું વધારે કાર્યદક્ષપણે શક્ય બનાવે છે. પરિણામે વ્યવહારો વધારે ચોકસાઇપૂર્વક અને કાર્યદક્ષપણે શક્ય બની શકે છે.
  • ક્લાઉડ આધારિત તંત્રવ્યવસ્થા પુરવઠા સાંકળની કામગીરી સુધારી શકે છે.- ક્લાઉડ આધારિત ઇન્વેન્ટરી મૅનેજમૅન્ટ સિસ્ટમ (IMS) અને ERP તંત્રવ્યવસ્થાઓ સમયની સાથે સાથે ચોક્કસ વલણોને લગતી માહિતી સર્જવા લાગે છે. કોઈ પણ પ્રકારના પ્રવાહને પેદા કરનારાં પરિબળોને સમજવાથી માંગ કે પુરવઠામાં થતા ફેરફારોની આગાહીઓ કરવાનું અને તેને આનુષાંગીક સુધારણા પગલાં લેવાનું  શક્ય બની શકે છે.
  • ઓર્ડર ચક્ર સમય અને પુનઃકામગીરી ઘટાડી શકાય છે. = શક્ય બને ત્યાં સુધી ભાવ  નક્કી કરવાનું, ગ્રાહકને ક્વૉટેશન આપવાનું કે પુરવાઠાકાર પાસેથી ક્વૉટેશન મેળવવું  કે ગ્રાહકની મંજુરી મેળવવા કે પુરવઠાકારને મંજુરી આપવી જેવી પ્રવૃત્તિઓનું ક્લાઉડ આધારિત એપ્લિકેશ્ન્સ દ્વારા જેટલી હદે સ્વયંસંચાલન કરવામાં આવે તેટલી હદે ઓર્ડર ચક્ર સમય ઘટાડી શકાય છે. તે જ રીતે ઉત્પાદન પ્રક્રિયાની દેખરેખ પણ સમયની સાથે સાથે જ થવાને કારણે ઉત્પાદન પ્રક્રિયાની ગુણવત્તા પણ સુધારી શકાય છે.
  • નવાં ઉત્પાદનના વિકાસ અને તેને બજારમાં મૂકવા, કે નવી પરિયોજના વિકાસ અને અમલ સાથે સંકળાયેલી,  જૂદૂ જૂદી ટીમના પ્રયાસોને સમયની સાથે સાથે જ સંકલિત કરી શકાય છે.
  • ઓર્ડર મુજબનાં ઉત્પાદનની આદર્શ પરિસ્થિતિઓનું અનેક જગ્યાએ ફેલાયેલ, સંકુલ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગીદાર, વિભાગોની કામગીરીને સંકલિત કરી શકાય છે - ઉત્પાદનની સાંકળ અને ઓર્ડર માટે ગ્રાહકની ચોક્કસ જરૂરિઆતો મુજબ જ ઉત્પાદન કે સેવા બનાવવાની ઉત્પાદન પ્રક્રિયાનું રેખાંક્ન જેટલું વધારે જટિલ  તેટલું તેને આયોજન કર્યા મુજબની આદર્શ પ્રક્રિયા મુજબ અમલ કરવું  જટિલ બની શકે છે. ક્લાઉડ આધારિત ERP અને વિશ્લેષકોની તંત્રવ્યવસ્થા સમગ્ર પ્રક્રિયાની દેખરેખ અને વિશ્લેષણ સમયની સાથે સાથે જ શક્ય બનાવે છે, જેને કારણે કૉઇ પણ પ્રકારની વધઘટ બને તો તેને લગતાં પગલાં પણ બહુ ઓછો સમય બગડ્યા સિવાય લેવાનું શક્ય બને છે.
ક્લાઉડ કમ્પ્યુટીંગના અમલ માટે આયોજનના તબક્કાઓ નીચેની આકૃતિમાં જોવા મળે છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation and Entrepreneurship માંનો Les Trachtman નો લેખ Ruined by Success આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. પોતાની સફળતાને ઓછી આંકવાની વાત નથી. મહત્ત્વનું છે દરેક સફળતા પછી ફરીથી એકડો ઘૂંટવાનું.
[લેખનો સંક્ષિપ્ત અનુવાદ પણ વાંચી શકાશે.]
આપણા આજના અંકમાં ASQ TV પરનાં કેટલાક તાજાં વૃતાંતની નોંધ લઈશું,
  • Basic Tools, New Applicationsનિષ્ણાતોનું કહેવું છે કે નવા અને જટિલ્ પ્રશ્નોના ઉકેલ શોધતી વખતે મૂળ સાધનો અને પાયાના દષ્ટિકોણ નજરઅંદાજ ન કરવા.
  • Effective 21st Century Quality Leadership - ઓકલૅન્ડ કન્સલ્ટીંગના મૅનેજિંગ પાર્ટનર, માઈક ટર્નર ૨૧મી સદીના વ્યાપાર ઉદ્યોગ જગતના પડકારોની ચર્ચા કરતાં સમજાવે છે કે ગુણવત્તા વ્યાવસાયિકોએ  તે વિષે શું અભિગમ કેળવવો જોઈએ.
  • Strategic Financial Metrics for Quality - વન ટાવરના ગ્લોબલ બીઝનેસ સોલ્યુશન્સના નિયામક લૉરેન કૉક્ષ સફળ પરિયોજના આયોજનનાં નાણાકીય કોષતકો વિષે ચર્ચા કરે છે.

Jim L. Smithની એપ્રિલ, ૨૦૧૯ની Jim’s Gems પૉસ્ટ::
  • Quality is Evolutionary - ગુણવત્તા વ્યવસાય એ અંતવિહિન પ્રક્રિયા છે - ડૉ. જોસેફ એમ જુરાનના 'સ્પાઈરલ ઑફ પ્રોગ્રેસ'માં દર્શાવ્યા મુજબ, ગુણવત્તાનો અમલ એ ખીલતી કળી જેવી ધીમે ધીમે વિકસતી પ્રક્રિયા છે, માટે તેને નસીબ પર ન છોડી દેવાય. માણસ પુનરાવર્તન દ્વારા શીખે છે, એટલે ગુણવત્તા પર ફરી ફરીને ભાર આપતાં રહેવું પડે.
  • Taking Responsibility - આપણા જીવનની જવાબદારી સ્વીકારવથી ભૂલો કરવાની સ્વતંત્રતા
    મળે છે
    ,
    જે એક અનેરો અનુભવ છે. એનો અર્થ એ પણ થાય કે તેનાં પરિણામો પણ ભોગવવાની તૈયારી હોવી જોઈએ.…આપણાં જીવનની જવાબદારી ન સ્વીકારવાથી આપણી નિષ્ફળતાઓને પૂરી ગંભીરતાથી ન લેવાનો અભિગમ પણ કેળવાઈ શકે છે. પરિણામે ભૂલોમાંથી શીખવાની તક એળે જાય છે. પોતાનાં જીવનની જવાબદારી લીધા સિવાય જીવનમાં આનંદનો ભાવ પણ નથી ઉગતો, કેમકે આપણને સૌથી વધારે સુખી આપણે જ કરી શકીએ છીએ. આપણી જિંદગીની, તેને લગતા નિર્ણયો અને તેમાંથી નીપજતાં પગલાંઓની જવાબદારી સ્વીકારવાથી આપણું જીવન આપણા સક્રિય નિયમન હેઠળ આવી જાય છે.
  • Positivity - પોતાનાં અંગત કે વ્યાવસાયિક જીવનમાં અવરોધ આવે કે ઠોકર લાગે તો ઘણાં લોકો નિરાશ થઈને પ્રયત્નો કરવનું છોડી ડે છે. જ્યારે સફળ લોકો આ દરેક ઠોકરને પોતાના જીવનની પ્રગતિની સીડીનું પગથીયું બનાવી દે છે..…સકારાત્મકતા એટલે જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવો, કે આશાવાદી અભિગમ અમલ કરવો. કોઈ પણ પ્રકારની અડચણમાંથી માર્ગ નીકળશે અને કાઢીને જ રહેવું એવો અભિગમ એટલે સકારાત્મકતા. વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પણ સાબિત થયું છે કે સકારાત્મક અભિગમ તમારી અંગત અને વ્યાવસાયિક જિંદગી સુધારે છે જેને પરિણામે વ્યક્તિની માનસીક અને શારીરીક તંદુરસ્તી તેમ જ લોકો સાથેના સંબંધો પણ સુધરે છે.


ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.