Sunday, May 24, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૨૦

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં  મે, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે
વિશે વાત કરી હતી..
હવે, આ મહિને જોખમ અભિમુખ વિચારસરણી વિશે આપણે ટુંકમાં નોંધ લઈશું.
૨૧મી સદીમાં સૌથી વ્યાપક ફેરફાર તરીકે  અતિશય ઝડપભરી ગતિશીલતાથી પરિવર્તતા ઘટાનાક્રમો અને પરિમાણોનું સ્થાન મોખરે ગણાય છે. ૨૦મી સદીના પાછલા ભાગમાં પરિવર્તન જ સ્થાયી અચલ ગણાતું હતું તો પરિવર્તનોની ઝડપ માનવીય સમજ અને પકડની બહાર પહોંચી ગઈ છે તે હવે ૨૧મી સદીના બીજા દસકાના દરેક પસાર થતાં વર્ષમાં  નવું સ્વીકૃત ધોરણ બની ગયેલ છે.  પરિવર્તનની આ અકલ્પનીય ઝડપને કારણે અત્યાર સુધી 'જે જાણમાં છે' તે અચાનક જ 'જે જાણમાં હતું તે અજાણ' બની જવા લાગ્યું છે. આ પરિવર્તનને કારણે જે અનિશ્ચિતતા પેદા થાય છે તેણે વિશ્વને પ્રવાહી સ્થિતિમાં લાવી મુક્યું છે.
જોખમ વિશેની સમજ સ્પષ્ટ કરવા માટે આપણે એચબીઆરમાં ૧૯૯૪ અને ૨૦૧૨માં પ્રકાશિત થયેલ બે લેખોની સંક્ષિપ્ત નોંધની મદદ લઈશું.
પહેલો લેખ, A Framework for Risk Management  by Kenneth A. Froot, David S. Scharfstein, Jeremy C. Stein  (November–December 1994 Issue of HBR)  મુખ્યત્ત્વે નાણાકીય જોખમોસાથે સંકળાયેલો છે.
જોખમ સંચાલન શબ્દપ્રયોગથી જેની વ્યાખ્યા થાય છે તે વિષયનો આધાર ત્રણ પાયાની તાર્કિક ધારણાઓ પર આધારિત છે :
§  સંસ્થાનું મૂલ્ય કરવાની ચાવી તેના દ્વારા થતાં રોકાણોમાં છે 
§  સારાં રોકાણ એ છે જે આ પ્રકારનાં રોકાણો કરવા માટે નાણાંના સ્રોતોની જોગવાઈ અંદરમેળે કરે; જે સંસ્થાઓ પર્યાપ્ત માત્રામાં નાણાની પ્રવાહિતા નથી પેદા કરતી, તે પોતાના હરીફોની સરખામણીમાં  પોતાનાં રોકાણો પર કાપ મૂકવાનું વલણ સેવતી થાય છે.
§  રોકાણ પ્રક્રિયા માટે અતિઆવશ્યક એવો નાણા પ્રવાહ અચાનક જ ખોરવાઈ જઈ શકે છે. જેને પરિણામે સંસ્થાની રોકાણ કરવાની ક્ષમતા જોખમાઈ શકે છે.
પર્યાપ્ત માત્રામાં મૂલ્ય-વૃદ્ધિક્ષમ રોકાણ માટે આવશ્યક રોકડનો ઉદ્દેશ્ય સમજવાથી, અને સ્વીકારવાથી, જોખમ સંચાલનના પાયાના પ્રશ્નોનો સામનો કરવા માટે સંચાલકો સક્ષમ બની શકે છે.
આ લેખના સંદેશને સંસ્થાની સપોષિત સફળતાના વ્યાપક સંદર્ભમાં જોઇએ તો સમજાય છે કે સંસ્થાએ તેની ટુંકા અને મધ્યમ ગાળાની કામગીરીને જાળવી રાખતાં અને તેત્માં સુધારણાઓ કરતાં રહેવાની સાથે સાથે લાંબા ગાળે તેની સ્પર્ધાત્મક સરસાઈ એવી રીતે જાળવવી જોઈએ કે પોતાની મૂળ ક્ષમતાઓને સંસ્થાના વર્તમાન અને ભાવિ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં આંચ ન આવે.
બીજો લેખ - Managing Risks: A New Framework by Robert S. Kaplan and Anette Mikes (June 2012 Issue of HBR) -જોખમને વધારે વ્યાપક દૃષ્ટિકોણથી જૂએ છે.
પ્રસ્તુત લેખમાં જોખમને નવા દૃષ્ટિકોણથી વર્ગીકૃત કરવામાં આવેલ છે. વર્ગીકરણની આ પધ્ધતિને કારણે સંચાલકોને કયાસ આવી જઈ શકે છે કે કયાં જોખમને માટે નિયમ આધારિત મૉડેલની મદદથી કામ લઈ શકાશે અને કયાં જોખમ અમાટે નવા વૈકલ્પિક અભિગમ આવશ્યક બનશે. 
વર્ગ ૧ : નિવારી શકાય તેવાં જોખમ
વર્ગ ૨ : વ્યૂહરચનાનાં જોખમો
વર્ગ ૩ : બાહ્ય જોખમો
વ્યૂહરચનાને લગતાં જોખમોની મુક્ત અને રચનાત્મક ચર્ચાઓ સંસ્થાની વ્યૂહરચનાનાં ઘડતરમાં અને અમલીકરણમાંજ વણી લેવાવી જોઇએ. 
જોખમનું સંચાલન એ વ્યૂહરચનાનાં સંચાલન કરતાં બહુ અલગ છે. તક કે સફળતાઓનાં સંચાલનમાં જે પ્રકારની સકારાત્મકતા હોય તેના કરતાં જોખમ સંચાલનની વિચારસરણીમાં ભયસ્થાનો અને નિષ્ફળતાઓની નકારાત્મકતા વધારે હોઈ શકે છે. તેને કારણે ઘણી સંસ્થાઓ વ્યૂહરચના ઘડતર અને બાહ્ય જોખમ સંચાલનને અલગ કામ તરીકે પણ ગોઠવવાનું પસંદ કરે છે. 
સક્રિય અને પોષણક્ષમ ખર્ચને અનુરૂપ અસરકારક જોખમ સંચાલન વ્યવસ્થા ગોઠવવા માટે સંચાલકો તેમની સામે જોવા મળતાં અલગ અલગ વર્ગનાં જોખમોમાટે અલગ અલગ, અને છતાં એક બીજાં સાથે સંકલિત, પ્રક્રિયાઓ પ્રસ્થાપિત કરવી રહે છે. આ પ્રક્રિયાઓ એવી હોવી જોઇએ કે જેને પરિણામે સંચાલકને દુનિયા પોતાને જે રીતની જોવી છે તેમ દેખાડવાને બદલે, દુનિયા ખરેખર કેવી છે કે કેવી બની શકે છે તે દેખાડે.
નિયમનોનાં લઘુત્તમ ધોરણોનું અનુપાલન કે નાણાકીય નુકસાન ટાળવાનાં વલણનાં પોતાનાં પણ જોખમ છે. ભવિષ્યની સંભાવનાઓના સંદર્ભમાં સક્રિય ન હોય એ પ્રકારનું સંસ્થાગત વલણ, ખુબ ઝડપથી બદલતાં જતાં પરિબળોની વાસ્તવિકતાનાં વિશ્વમાં  સંસ્થાના વ્યાપારને અનુરૂપ યથેષ્ટ મોડેલ ન બનાવી શકે.
અંતે તારણમા, લેખમાં નિવારી ન શકાય એવાં બાહ્ય જોખમને ઓળખવા માટે અને તેના પ્રતિભાવ માટે સંસ્થાએ શું અભિગમ અપનાવવો જોઈએ તેની ચર્ચા કરવામાં આવી છે.
મેક્કેન્ઝી એન્ડ કંપનીના જોખમની સુક્ષ્મ સમજના અભ્યાસ સંબંધિત વિવિધ લેખો પૈકી એક લેખ, Value and resilience through better risk management by Daniela Gius, Jean-Christophe Mieszala, Ernestos Panayiotou, and Thomas Poppensieker, માં ચોક્કસ પગલાંઓ સંબંધિત દૃષ્ટિકોણની વિચારપ્રેરક વાત કરવામાં આવી છે. 
ખુબજ તલસ્પર્શી, પૂર્વગ્રહો હટાવીને, કરાયેલ, વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા વડે, ખૂબ જ ઉલટપુલટ થતાં બજારોના સંજોગોમા કે બાહ્ય પરિબળોનાં દબણના સંજોગોમાં, સંસ્થાના વ્યાપાર મૉડેલની મૂળ સ્થિતિમાં પાછાં ફરી શકવાની લાંબા ગાળાની ક્ષમતા વધારી શકે છે. જેને પરિણામે, નિયમન પ્રભાવમાં ન હોય તેવાં બાહ્ય જોખમોની અસર  સંસ્થાની જોખમ સહન કરી શકવાની ક્ષમતા  પચાવી શકશે કે કેમ તે સમજવું શક્ય બને છે.
સંસ્થાઓએ પોતાની કામગીરીનું સંચાલન એ રીતે  કરવું જોઈએ કે પેદાશોની ગુણવત્તા કે સલામતી, પર્યાવર્ણીય કે સામાજિક ધોરણો કે અન્ય કોઈ પણ સંચાલન વ્યવસ્થાને લગતી સઘળી પ્રક્રિયાઓની નિપજોનાં અપેક્ષિત સ્તર  તેમાંના રોકાણો પરનાં પર્યાપ્ત અને સ્પર્ધાત્મક વળતર સાથે સુસંગત હોય.  આને કારણે જ્યારે , અને જો, જોખમ ખરેખર આવી પડે તો પ્રક્રિયાઓ ખોરવાઈ ન પડે તે મુજબની સુધારણાઓ  પ્રક્રિયાઓની અસરકારકતા અને કાર્યક્ષમતામાં થતી રહેવી જોઈએ.
ગ્રાહકો, કર્મચારીઓ, અન્ય હિતધારકો કે સામાન્ય જનતામાં વિશ્વાસ ઊભો કરવા માટે સંસ્થાઓએ તેમની કાર્યપરણાલીઓ પર આવશ્યક નૈતિક નિયમનો પણ લાગુ કરવાં જોઈએ.
હાલની કાર્યપ્રણાલીઓને વધારે જોખમ ખમી શકતાં ભાવિ મોડેલમાં સફળતાપૂર્વક પરિવર્તન કરવા માટેની પરિયોજનાને ત્રણ પરિમાણો હોઈ શકે - ૧) જોખમ સંચાલનની મુખ્ય પ્રક્ર્યાઓ સહિતનું જોખમ સંચાલન અમલીકરણ મોડેલ; ૨) નીચેથી કરીને સંસ્થાનાં છેક ઉપર સુધીનાં સ્તરને આવરી લેતું શાસન અને ઉત્તરદાયિત્વ માળખું; અને ૩) સૌથી ખરાબ પરિસ્થિતિ થાય તો શું કરવું તેની માર્ગદર્શિકા સહિતની કટોકટીનો સામનો કરવાની તૈયારીઓ કરવા માટેની શ્રેષ્ઠ પ્રણાલિકા
અનિશ્ચિતતા જ સ્થાયી છે તેમ સ્વીકારવાથી ઘડાતું અને અમલીકરણ કરાતું જોખમ સંચાલન, સંસ્થાને વધારે અનુકૂલનક્ષમ બનાવી શકે છે અને તેના વિકાસમાં મદદરૂપ પણ થઈ શકે છે. How risk management can turn a crisis into an opportunity એક પ્રતિનિધિ ઉદાહરણીય અભ્યાસ છે.
જોખમ આધારિત વિચારસરણી અને જોખમ સંચાલન હાલમાં એટલી  ચર્ચામાં રહેતા અને દસ્તાવેજિત થતા વિષયો છે કે તેને લગતાં સાહિત્યની સપાટી જેટલા સંદર્ભોનો પણ આ નોંધમાં ઉલ્લેખ કરવો શક્ય નથી. એટલે માત્ર બે વધારાનાં વાંચન તરફ આંગુલિનિર્દેશ કરીશું -
  •       દુનિયા ઊંઘમાં જ કટોકટી તરફ ચાલી રહી છે? વૈશ્વિક જોખમો કુદકેને ભુસકે વધી રહ્યાં છે, પણ તેમને નીવરાવ અમાટેની સામુહિક ઈચ્છાશક્તિ ઘટતી જતી જણાય છે. તેની સામે, વધારેને વધારે ભાગલા પડી રહ્યા હોય તેમ પણ દેખાય છે. - The Global Risk Report, 14th Edition, World Economic Forum, અને,
  •        Sustainability Risks and Opportunities Report
આજની ચર્ચાનાં તારણમાં નોંધ લઈએ કે દરેક સંસ્થાએ જોખમ આધારિત વિચારસરણીને એક એવી તક તરીકે જોવી જોઈએ જે સંપોષિત સફળતા માટે યોગ્ય દિશાસુચન કરી શકવા સક્ષમ છે.
નોંધ: જોખમ અભિમુખ વિચારસરણી ની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી        વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.
૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને કે લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશાનો સંબંધ ' વિશે વાત કરી છે. સંસ્થાજન્ય સંસ્કૃતિ અને સંસ્થાની વ્યૂહાત્મક દિશા સાથેનો સંબંધ કોઈ પણ સ્વરૂપ લે, પરંતુ તે સંસ્થાની સફળતાને સંપોષિત કરવામાં મદદરૂપ તો જ બની શકે છે, જો તે બન્ને કોઈ પણ જાતનાં જોડાણનો સાંધો પણ અનુભવાય નહીં એ કક્ષાની એકસૂત્રતામાં પરોવાયેલ હોય.
આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત એક વૃતાંત જોઈએ
  • Quality as Strategy - ASQના પૂર્વ વડા અને ESTIEM પ્રોફેસર ગ્રેગ વૉટ્સન દર્શકોને પૂછે છે કે ' "ગુણવત્તા વ્યૂહરચના હોવી અને ગુણવત્તાને વ્યૂહરચનના તરીકે સ્વીકારવી એ બે વચ્ચે કંઈ તફાવત છે" એમ તમે માનો છો?

Jim L. Smithની મે, ૨૦૨૦ની Jim’s Gems
Growth - વિકાસ સિધ્ધ કરવ અમાટે પોતાનાં સ્બળાં પાસાંઓ પર વધારે ભાર મૂકવો અને નબળાં પાસાં છે જ નહીં તેમ માનવું એ સ્વાભાવિક છે. પરંતુ, જો ખરેખર વિકાસ સાધવો જ હોય આપણે ક્યાં કાચાં પડીએ છીએ તે જાણવું અને સ્વીકારવું જોઈએ અને પછી તેને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સબળ  કરવા મહેનત કરવી જોઈએ. એને સામે આવેલી તક તરીકે સ્વીકારી અને એ તકો સિધ્ધ કરવા મચી પડવું જોઈએ… એમ કરવામાં થોડી અગવડ અનુભવાય તો ભલે અનુભવાય. ….જેમ જેમ આપણો વિકાસ થતો જશે તેમ તેમ આપણા માટે સકારાત્મક સંભાવનાઓ વધારે સારી રીતે દેખાવા લાગશે.

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, May 17, 2020

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]

મન્ના ડેનાં સ્વરકૌશલ્યએ શાસ્ત્રીય રાગ પરની હિંદી ફિલ્મ ગીતરચનાઓને હાસ્યરસપ્રધાન ગીતોના પ્રદેશમાં પહોંચાડવાના સેતુની બહુ જ મુશ્કેલ છતાં એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આ એ સમયની વાત છે જ્યારે શ્રેષ્ઠ ગીતો કરૂણ રસના ભાવ સિવાય ન બને તે સ્વીકૃત પ્રણાલિ હતી, 'શ્રેષ્ઠ' ગીતોમાટેનું તે પછીનું ઉદ્‍ભવ સ્થાન શુધ્ધ રોમાંસના ભાવોમાં ગણાતું હતું. હાસ્યરસપ્રધાન ભૂમિકાઓ જ 'ટિકિટબારી'ને નજરમાં રાખીને વિચારાતી, એટલે હાસ્યરસપ્રધાન ગીતો તો અત્રતત્ર પડી રહેલી 'ખાલી' જગ્યા ભરવા માટે છેલ્લા ઉપાયનું શસ્ત્ર મનાતાં. એ સમયે પણ 'કોમૅડી' પ્રકારમાં ગણાયેલાં ગીતોની રચનામાં સરળતાથી ગાઈ શકે તેવી ધુનની રચના કરવા પાછળની સંગીતકારની મહેનત; હલકા ફુલકા, પણ સસ્તા નહીં, તેવા બોલ લખવા પાછળ ગીતકારની મહેનત અને ગીતમાં હાસ્યની સુક્ષ્મ લાગણી તાદૃશ કરતી ગાયકની ગાયન શૈલી કે કલાકારની ગીતને 'સ્થૂળ હાસ્ય"માં ખૂંપી ન જવા દેવાની મહેનતની ભાગ્યે જ નોંધ લેવાતી. આ બધાંને પરિણામે પહેલી પાટલીથી છેલ્લી મોંધી સીટ સુધીનો ફિલ્મનો પ્રેક્ષક ગીતના સમયે પોતાની સીટ પર જ હોંશે હોંશે બેસી રહે તે તો મહત્ત્વનું હતું જ.

સ્વાભાવિક છે કે  કરૂણ રસનાં કે રોમાંસનાં બીજાં ગીતોની જેમ હાસ્યરસપ્રધાન ગીતોના બધા જ પ્રયોગ સફળ પણ ન થતા , અને કદાચ સફળ થતા તો વિવેચકોને કબુલ ન બનતા. કરૂણ કે રોમાંસનાં ગીતોની સ્પર્ધામાં પૂરેપૂરી સફળતા મેળવતાં હાસ્યર્સપ્રધાન ગીતો સંખ્યાની દૃષ્ટિએ ભલે કદાચ બહુ ઓછાં હોય, પણ એવાં ગીતોમાં મોટાં ભાગનાં ગીતો મન્ના ડેના સ્વરમાં સાંભળવા મળે છે તે પણ સ્વીકારવું જ પડે. મન્ના ડેના સ્વરની જે ખુબી તેમનાં શાસ્ત્રીય 'સફળ ગીતોમાં સંભળવા મળતી તેનાથી કંઈક અલગ જ ખુબીઓ તેમનાં 'અદ્‍ભુત' થી માંડીને 'સામાન્ય' હાસ્યરસપ્ર્ધાન ગીતોમાં નીખરી રહેલ છે.

મન્નાડેની જન્મ્શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે આપણે છેલા પાંચ  મણકાથી મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો પર આપણું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. તે પૈકી ૪ મણકામાં આપણે મન્ના ડેનાં મેહમૂદ માટેમાં હાસ્યરસપ્ર્ધાન ગીતો સાંભળ્યાં અને છેલ્લા મણકામાં મન્નાડેનાં 'અન્ય (હાસ્ય) કલાકારો માટેનાં હાસ્યરસપ્રધાન ગીતો આપણે સાંભળ્યાં. એ મણકામાં ક્પુર ભાઈઓ, અશોક કુમાર અને વિજય આનંદ જેવા મુખ્ય ધારાના અકલાકારો અને જોહ્ની વૉકર જેવા કોમૅડી અભિનેતા માટેનાં ગીતો સાંભળ્યા હતા. આજાના આ શ્રેણીની સમાપ્તિના અંકમાં આપણે મન્નાડેનાં આઘા અને આઈ એસ જોહર માટેનાં ગીતો યાદ કર્યાં છે.


મન્ના ડે – આઘા

આઘા(જાન બૈગ) ની કોમેડીઅન તરીકે સફળતા તેમની કારકીર્દીનાં શરુઆતનાં વર્ષોમાં જ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. કોમેડીઅનને એક ગીત ફાળવવું એ પ્રથા જેમ જેમ ચલણી બનતી ગઈ તેમ તેમ આઘા પણ પર્દા પર ગીતો ગાવા લાગ્યા હતા. તેમને કોઈ ચોક્કસ ગાયકનો જ અવાજ મળે તેવી પણ કોઈ પ્રણાલી બની તેમ તો ન જ કહી શકાય, પણ મન્ના ડે અને આઘાનો કોમેડી ગીતના સંબંધે પરિચય ૧૯૫૫માં 'ઈન્સાનીયત'માં થયો.

મૈં રાવણ લંકા નરેશ - ઈન્સાનીયત (૧૯૫૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ 

આ ગીતમાં આઘાના ભાગે અકસ્માતે હુનુમાનના વેશમાં જે પંક્તિઓ પરદા પર ગાવાની આવી છે તે તો મોહમ્મદ રફીએ જ ગાઈ છે. પરદા પર રાવણના હોકારા પડકારાને વાચા મન્ના ડે એ આપી છે.


બમ ભોલાનાથ બમ ભોલાનાથ - રાજતિલક (૧૯૫૮) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

ફિલ્મમાં કોમેડી દ્વારા કોમેડીઅનની ભૂમિકા મદદરૂપ બને એ પણ 'સ્વીકૃત ફોર્મ્યુલા' બની ચુકી હતી. આ ગીતમાં એ ફોર્મ્યુલા તાદૃશ્ય થતી જોવા મળશે.


ફૂલ ગેંદવા ના મારો - દૂજ કા ચાંદ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પરદા પર જોયા વિના , શાત્રીય ગાયન શૈલી  પર આધારીત આ કક્ષાનાં ગીત સાંભળતાં તેની રચના, બોલ અને ગાયકી એમ બધાં અંગમાં મૂળ રચનાની શુધ્ધતાને નુકસાન પહોંચાડ્યા સિવાયનું હાસ્ય ગીત બનાવવાની મહેનત કાને પડે છે. જોકે, પરદા પર ગીત વડે હાસ્ય નીપજાવવાનો જ ઉદેશ્ય હોય એટલે આ પ્રયાસ કંઈક અંશે સ્થૂળ બની જતો અનુભવાય. પરંતુ તે સ્વીકારી જ લેવું રહ્યું.

પ્રસ્તુત ગીત હાસ્ય રસ પ્રધાન ગીતોના આદર્શ માપદંડ તરીકે સ્વીકારાયેલં ગીતોમાં અગ્રસ્થાને રહેલાં ગીતોમાં સ્થાન પામે છે. 


હો ગોરી ગોરી તેરી બાંકી બાંકી ચિતવનમેં જીયા મોરા બલખાયે - આધી રાત કે બાદ (૧૯૬૫) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન 

સ્વદેશી અને વિદેશી તાલ અને વાદ્યસંગીતને ગીતમાં વણી લઈને વિવિધ ભાવનાં ગીતોને આગવી કર્ણપિયતા બક્ષવાના પ્રયોગો માટે ચિત્રગુપ્ત જાણીતા છે. અહીં શાસ્ત્રીય ગાયન સૈલીથી શરૂઆત કરીએ પાશ્ચાત્ય શૈલી પર સરકી જવાનું કૌશલ્ય ગીતને હાસ્યપ્રધાન બનાવી રાખવામાં સફળ રહે છે. ગીતના દરેક તબક્કે મન્ના ડે ગીતના હળવા મિજાજને બખૂબી જાળવી રાખે છે. 


મન્ના ડે - આઈ એસ જોહર  

આઈ એસ જોહર (ઈન્દર સેન જોહર)ની પહેચાન મોટા ભાગનાં લોકોને એક કોમેડીઅન તરીકેની હશે, પરંતુ તે ફિલ્મોની અને નાટકો નાં પટકથા લેખન, દિગ્દર્શક તેમ જ નિર્માતા જેવી અનેકવિધ ક્ષમતાઓ ધરાવતા હતા. કેટલોક સમય તેમણે હિંદી ફિલ્મો વિશેનાં એક જાણીતાં સામયિક 'ફિલ્મફેર'માં ચબરાકીયા સવાલ-જવાબની કોલમ પણ સફળતાથી ચલાવી હતી. હોલીવુડની પણ અનેક જાણીતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. અભિનેતા  તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી 'એક થી લડકી ' (૧૯૪૯) અને તેમણે લખેલી અને દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ હતી 'શ્રીમતીજી (૧૯૫૨)..

અરે હાં દિલદાર કમડોવાલે કા હર તીર નિશાને પર - બેવક઼ૂફ (૧૯૬૦) - શમશાદ બેગમ  સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીત રેડીઓમાંથી ગવાય છે તેમ બતાવવા માટે ખરેખર રેડીયોની પાછળથી ગાવું એ વિચાર આઈ એસ જોહરને જ સૂઝે ! તેમાં પણ શરૂઆતમાં સ્વાભાવિકપણે છબરડા પણ થાય તેવી માર્મિક રમૂજ પણ ઉમેરાય છે. મના ડે, અને શમશાદ બેગમ પણ, ગીતમાં ખીલી ઊઠ્યાં છે. 


'બેવક઼ૂફ' આઈ એસ જોહર દ્વારા જ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. પરદા પર આઈ એસ જોહર પણ હોય એવાં બીજાં બે ગીતો પણ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં છે. દેખ ઈધર ધ્યાન તેરા કિધર હૈ (આશા ભોસલે સથે) માં આઈ એસ જોહરે સ્ત્રીવેશ ધારણ કર્યો છે, એટલે તેમના માટે આશા ભોસલે સ્વર આપે છે. સ્ત્રી પર લટ્ટુ બે 'સજ્જનો' માટે મન્ના ડે એકાદ લીટી ગીતમાં ગાય છે. ધડકા દિલ ધક ધક સે મૂળ તો હેલન પર ફિલ્માવાયેલું નૃત્ય ગીત છે.

યે દો દિવાને દિલકે - જોહર મેહમૂદ ઈન ગોવા (૧૯૬૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: કલ્યણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આઈ એસ જોહરે 'જોહર મેહમૂદ ઈન ઓવા' પછી ફિલ્મનાં સીર્શ્કમં 'જોહર' હોય એવી ઘણી ફિલ્મો કરી. દરેક ફિલમાં એ સ્થળની અમુક જાણીતી બાબતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મની કથા તેઓ ગુંથી લેતા. ફિલ્મનાં શીર્ષકમાં એ સ્થળનું નામ પણ સામેલ હોય..

ઉત્તરોત્તર દરેક ફિલ્મ વધારેને વધારે સ્થૂળ બનતી ગઈ તે વાતની દુઃખદ નોંધ આપણે અહીં  લેવી પડે.


પ્યાર કિયાં તો મરના ક્યા  - રાઝ (૧૯૬૩) સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શમીમ જયપુરી

ગીતના મુખડાના બોલથી જ જ ખબર પડી જાય છે કે આ કયાં ગીતની પૅરોડી છે.


આ પછીનાં ગીતો પણ કૉમેડી કે ગીતની ગુણવત્તાની દૃષ્ટિએ હજુ નીચે જ ઉતરતાં જણાઈ રહ્યાં છે. આપણે જે વિષય હાથ પર લીધો છે તેને દસ્તાવેજીકરણની દૃષ્ટિએ ન્યાય કરવા માટે કરીને આપણે એ ગીતોની માત્ર નોંધ જ અહીં લઈશું.

બચપનકી હસીં મંઝિલ પે જબ હુસ્ન ગુઝર કે આયે - જોહર ઈન બોમ્બે (૧૯૬૭)- ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

બેશરમ સે શરમ ન કર, હેરા ફેરી સે મત ડર - તીન ચોર (૧૯૭૩) - મોહમ્મદ રફી, મુકેશ સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હમ સબકા હૈ શુભચિંતક- ખલિફા (૧૯૭૬) - કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન - ગીતકાર: ગુલશન બાવરા 

ક્યા મિલ ગયા સરકાર તુમ્હેં ઇમર્જન્સી લગા કે - નસબંદી (૧૯૭૮) - મહેન્દ્ર કપૂર સાથે - સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર હુલ્લડ મુરાબાબાદી

આઇ એસ જોહર વિષયોની આટલી વિવિધતા વિશે વિચારી શક્યા, પણ એ વિચારના અમલમાં તેઓ એ વિચારને, અને પરિણામે મન્ના ડેના સ્વરને પણ, સરાસર અન્યાય કરી ગયા એ ખેદ સાથે મના ડેનાં કોમેડી ગીતોની આ શ્રેણી આજે અહીં પૂરી કરી છીએ.

મન્ના દેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેની મન્ના ડે - ભૂલ્યા ના ભુલાશે પણ અહીં પૂરી કરીશું.

જોકે આ શ્રેણીમાં આવરી લેવાયેલ ગીતો સિવાયનાં પણ મન્ના ડેનાં હજુ અસંખ્ય બીજાં ગીતો છે. એ બધાં ગીતોને આપણે આપણી મન્ના ડે - ચલે જા રહેં હૈ' શ્રેણીના વાર્ષિક અંકોમાં યાદ કરતાં રહીશું.

 +    +     +

 દરેક શ્રેણીના બધા જ અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો

મન્ના ડે - ભૂલ્યા ના ભૂલાશે

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો



Sunday, May 10, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૨૦

મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૧-૧૯૫૩
મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) - હિંદી ફિલ્મ સંગીતનાં હીરો માટેના નિશ્ચિત પાર્શ્વ સ્વર જેવાં એકાદ બે સ્થૂળ પરિમાણો પર કદાચ સફળ ગાયક નથી ગણાતા. ૧૯૫૦ના અને '૬૦ના દાયકાઓમાં ફિલ્મના મુખ્ય અભિનેતા માટે જ્યારે સામાન્યતઃ મોહમ્મદ રફી કે મુકેશ, કે પછી તલત મહમૂદ, મહેન્દ્ર કપૂર કે કિશોર કુમાર વધારે સ્વીકૃત ગણાતા ત્યારે અમુક ચોક્કસ પ્રકારનાં ગીતો માટે મના ડેનો સ્વર પ્રયોજવાની એક રૂઢ પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ ચુકી હતી. આ પ્રકારનાં ગીતોમાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોમાં મન્ના ડે અન્ય ગાયકોથી ખુબ આગળનું સ્થાન ભોગવતા હતા. તે સાથે એ પણ હકીકત છે કે વિધિની જે વક્રતાને કારણે તેમને એ પ્રકારની તથાકથિત વ્યાપારી સફળતા ભલે ન મળી ગણાતી હોય, પણ રોમેન્ટીક યુગલ ગીતો સહિતની હાસ્યરસપ્રધાન ગીતો, ભજનો, ભિક્ષુક ગીતો જેવી અનેક શ્રેણીઑમાંના તેમનાં અનેક ગીતો એ સમયે, અને આજ સુધી પણ, શ્રેષ્ઠ ગીતોની અગ્રીમ હરોળમાં સ્થાન મેળવતાં રહ્યાં છે. બંગાળી અને હિંદી ઉપરાંત ભોજપુરી, અવધી, પંજાબી, આસામી, ગુજરાતી, ઉડીયા, કોંકણી, મરાઠી, કન્નડ, મલયામલી અને સિંધી જેવી ભાષાઓમાં તેમણે જે સહજતાથી ગીતો ગાયાં છે તે તેમની સર્વતોમુખી પ્રતિભાનું એક પ્રમાણ છે.
હિંદી ફિલ્મોનાં ગીતો પૂરતી જ વાત કરીએ તો મન્ના ડેની ગાયકીનાં સ્વર અને ઉચ્ચારની સ્પષ્ટતા, ભાવ અને લાગણીઓની સ્વ્હાભાવિક રજૂઆત, સહગાયકોના સ્વર સાથે એકસૂત્રતા જેવાં ગુણવતા પરિમાણોમાં તેમનાં કેટલાંય ગીતો આદર્શ ધોરણનાં સ્થાને સ્વીકારાયાં છે. તે સાથે ગીતોની સંખ્યા, જે સંગીતકારો સાથે કે સહગાયકો સાથે તેમણે ગીતો ગયાં તેની સંખ્યા , તેમને મળેલ માનઅકરામોની સંખ્યા જેવાં આંક્ડાકીય પરિમાણોમાં પણ તેમનું સ્થાન ખુબ સન્માનીય અને આગળ પડતું રહ્યું છે.
વર્ષ ૨૦૧૮થી આપણે મન્નાડેનાં ઓછાં જાણીતાં કહી શકાય તેવાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ તેમના જન્મના મે મહિનાના આપણા આ મંચના અંકમાં કરવાનું શરૂ કરેલ છે.
  1. ૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો, અને,
  2. ૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો
આપણે સાંભળી ચૂક્યાં છીએ.
તે ઉપરાંત ૨૦૧૯ના મે મહિનાથી, તેમની જન્મશાતાબ્દીની ઉજવણી સ્વરૂપે  આપણે મન્ના ડેએ પ્રથમ હરોળના અભિનેતાઓ માટે ગાયેલા ગીતોના ૭ અંક, મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતોના ૪ અંક અને અન્ય અભિનેતાઓ અને કોમેડીયનો માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો ના બે અંક ને આવરી લેતી 'ભૂલ્યા ના ભૂલાશે' અલગ શ્રેણી પણ માણી છે.
આમ હવે પછી આપણી આ વાર્ષિક શ્રેણીંમાં આપણે મન્નાડેનાં અત્યાર સુધી, 'ભૂલ્યા ના ભૂલાશે'શ્રેણીમાં ન આવરી લેવાયેલ ગીતોને સાંભળવાને પ્રાથમિકતા આપીશું. આજના અંકમાં મન્ના ડેનાં ૧૯૫૧થી ૧૯૫૩નાં ગીતોને યાદ કર્યાં છે.
૧૯૫૧
૧૯૫૧માં મના ડેની કારકીર્દીમાં ખુબ જ મહત્ત્વનું ગંણાતું ગીત તેરે બીના આગ યે ચાંદની આર કે ફિલ્મ્સની 'આવારા'માં સાંભળવા મળ્યું. ગીતમાં મન્નાડે દ્વારા વ્યક્ત થયેલ રાજ કપૂરના પાત્રની વ્યથા લોકોનાં હૃદયને સ્પર્શી ગઈ. જોકે આ સિવાય ૧૯૫૧નાં વર્ષમાં મન્નાડેના ફાળે ધાર્મિક ફિલ્મોનાં ગીતો જ આવ્યાં.
ભોલા નાથ રે નૈયા પાર લગાનેવાલે - શ્રી ગણેશ જન્મ - ગીતા દત્ત સાથે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ / મન્ના ડે – ગીતકાર: ભરત વ્યાસ
આ ફિલ્મમાં મન્ના ડેએ ખેમચંદ પ્રકાશના સહાયક તરીકેની ભૂમિકા નીભાવી હશે? કદાચ એ જ કારણસર પ્રસ્તુત ગીતમાં બંગાળની બાઉલ લોકગીત શૈલીનો પ્રભાવ જણાય છે. 

'શ્રી ગણેશ જન્મ' ફિલ્મમાં એક ગણેશ સ્ત્રોત્ર પણ છે, જેમાં મન્ના ડે માત્ર શરૂઆતનો શ્લોક ગાય છે, બાકીની આખી રચના સુલોચના કદમ અને સાથીઓના સ્વરમાં છે, જે જાણકાર મિત્રોના જણાવ્યા મુજબ રાગ આસાવરી સારંગમાં સ્વરબદ્ધ થયેલ છે.
જાઓ જાઓ આ ગયા બુલાવા જંગ કા - રાજપુત  - મધુબાલા ઝવેરી, તલત મહમૂદ સાથે – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ
ગીતનો પહેલો ભાગ મધુબાલા ઝવેરી અને તલત મહમૂદના સ્વરમાં નવપરિણીત રાજપુત દંપતિ વચ્ચેના સંવાદ રૂપે છે. નવોઢા પોતાના પતિને યુધ્ધમાં જવા માટે સમજાવે છે જ્યારે પતિ પોતાની નવપરિણીત પત્નીને છોડી જતાં અચકાય છે. ગીતના બીજા ભાગમાં - @2.06- મન્ના ડેના સ્વરમાં તે પછીની ઘટ્નાઓનું બયાન છે. 

વંદે માતરમ - આંદોલન - પારૂલ ઘોષ, સુધા મલ્હોત્રા સાથે – સંગીતકાર: પન્નાલાલ ઘોષ – ગીતકાર: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
કોર્ટમાં સત્યાગ્રહી મહિલા વંદે માતરમ ગાવા લાગે છે, જેને ત્યાં હાજર બધાં ટેકો કરે છે. સુધા મલ્હોત્રા અને મન્ના ડેના સ્વર એ સમુહ ગાનમાં જ લેવાયા જણાય છે.

સુબહકી પહેલી કિરણ તક ઝિંદગી મુશ્કિલ મેં હૈ - આંદોલન - કિશોર કુમાર સાથે - સંગીતકાર પન્નાલાલ ઘોષ - ગીતકાર નિઆઝ હૈદર
યુવાન, તરવરીયા કિશોર કુમારને જોવા / સાંભળવાનો લ્હાવો મળે છે. જેલમાં કિશોર કુમાર અને તેનાં સાથીદારો ગીત ગાતાં ગાતાં કેમ પ્રવેશતાં હશે તે તો આખી ફિલ્મ જોઈ હોય તો સમજાય. બીજી કડીમાં મન્ના ડે જેલમાં રહેલા સ્વાતંત્ર્ય લડવૈયા માટે સ્વર આપે છે. એ કલાકાર નથી ઓળખી શકાયા.
આડવાત - આ જ નામની એક ફિલ્મ ૧૯૭૮માં પણ બની હતી જેનું સંગીત જયદેવે આપ્યું હતું.
૧૯૫૨
૧૯૫૨ માટે મન્ના ડેનાં બહુ થોડાં ગીતો મળે છે.
જિયો જિયો મેરે લાલ તેરી ટેઢી ટેઢી ચાલ - મા - કિશોર કુમાર, અરૂણ કુમાર સાથે – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ભરત વ્યાસ
બહુ હળવા ભાવનું ગીત છે. અહીં પણ બહુ જ યુવાન ભારત ભુષણ (જેના માટે ગીતમાં સ્વર કિશોર કુમારનો છે), સુદેશ કુમાર, આસિત સેન અને સાવ છોકરડા જેવો મેહમૂદ પરદા પર જોવા મળે છે. મન્ના ડેના ભાગે @ 2.30 આવેલ પંક્તો ભજનના ઢાળમાં છે !

આડવાત - 'મા' શીર્ષકની બીજી બે ફિલ્મો બની હતી. ૧૯૬૦માં રજૂ થયેલી ફિલ્મમાં સંગીત ચિત્રગુપ્તનું હતું, જ્યારે ૧૯૭૪માં બનેલી ફિલ્મમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું સંગીત હતું.
૧૯૫૩
૧૯૫૩માં મન્ના ડેની કારકીર્દીને અલગ સ્તરે લઈ જતી બે ફિલ્મો - બુટ પોલીશ અને દો બીઘા ઝમીન- રજૂ થઈ. આ બન્ને ફિલ્મોનાં મન્ના ડેનાં સ્વરમાં ગવાયેલાં ગીતો હિંદી ફિલ્મ સંગીતની તવારીખમાં શાશ્વત સ્થાન પણ પ્રાપ્ત કરી ગયાં. વિધિની વક્ર દૃષ્ટિ પણ ચાલુ જ રહી કેમકે આ જ ગીતોની અદ્‍ભૂત સફળતાને કારણે મન્ના ડેની કારકીર્દીમાં અમુક તમુક પ્રકારનાં ગીતોનાં ચોકઠામાં જકડાઈ જવાનું જાણે અમીટપણે લખાતું ગયું. 
૧૯૫૩માં એક ફિલ્મ એવી પણ રજૂ થઈ જેમાં મન્ના ડેના ફાળે ફિલ્મના મુખ્ય નાયકનાં બધાં જ ગીતો ગાવાનું આવ્યું. એ ફિલ્મ હતી 'હમદર્દ' પણ અહીં પણ વિધિની ચાલ તો વાંકી જ ચાલતી રહી. ફિલ્મનો નાયક શેખર આગળ જતાં 'સફળ' ન થયો. રૂતુઓનાં આગમન અનુસાર રાગની પસંદગી પર આધારીત, લતા મંગેશકર સાથેનું બે ભાગનું યુગલ ગીત - રીતુ આયે રીતુ જાયે સખી રી અને પી બીન સુના રી - જાણીતું બન્યું, પણ તેની સફળતાને શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતનાં ચોકઠામાં જકડી બેસાડાયું. ખેર, ફિલ્મનાં બીજાં ગીતો પણ ખુબ જ કર્ણપ્રિય છે.
તેરા હાથમેં હાથ આ ગયા...કે ચિરાગ રાહમેં જલ ગયા - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
પ્રેમિકાની યાદના ભાવને તાદૂશ કરતી મન્નાડેની ગાયકી આપણને પણ ગીતના ભાવમાં ડુબાડી દે છે. ગીતની ધુન કંઈક અંશે મુશ્કેલ છે, એટલે ગીત સાંભળ્યા પછી ગણગણવાનું મન થાય તો ગણગણી કદાચ ન શકાય !
મેરે મન કી ધડકન મેં કૉઇ નાચે - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન 
મંચ પર ગીતની સાથે નૃત્ય પણ રજૂ થતું હોય તે પ્રકારનું આ ગીત છે. ગીતની લય ખુબ સરળ છે, જો કે ગીત બહુ સહેલું તો ન જ કહેવાય, પણ ફરી ફરીને સાંભળવું જરૂર ગમે.
વો ઘાયલ કરતે હૈ ખુદ.. બદલ ગયા રંગ મહેફિલ કા - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન
હોટેલમાં કલાકાર સંગીત પણ પીરસે તે પ્રકારની સીચ્યુએશન ગીતની છે. ગાયક ગીતના શબ્દો ગાય તે નાયિકાની દરેક ચેષ્ટા સાથે સુસંગત પણ બનતી રહે. બીજી કડીમાં હવે દૃશ્ય બદલે છે અને ગાયક અને તેનિં સહવૃંદ અન્ય શ્રોતા વર્ગ સમક્ષ પોતાની કાર્યક્રમ રજૂ કરે છે. છેલ્લી કડીમાં ફરીથી ગીતના બોલ નાયિકાને ઉદ્દેશીને કહેવાતા હોય તેમ જણાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે. 
નૈના ભયે અનાથ હમારે...જબ આંખેં હી ન દી માલિકને તો દિલ ભી ન દિયા હોતા - હમદર્દ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન
કવ્વાલી શૈલીમાં રચાયેલ આ ગીત પણ પોતાની સંસ્થા માટે નાણાં ઊભાં કરવા માટે ગવાતા કાર્યક્રમો પૈકીનું જ છે.
દાતા તુ જગ કા પાલન હાર - મહાત્મા – સંગીતકાર:  વસંત પવાર – ગીતકાર: રામ વાધવકર
કેટલાક સંદર્ભમાં આ ગીતના ગાયક  તરીકે 'અન્ય ગાયક' એમ નોંધવામાં આવ્યું છે. અહીં રજૂ કરેલી ક્લિપની નીચેની કોમેન્ટ માં ગાયક 'પ્રકાશ' છે તેમ પણ જણાવાયું છે.    પરંતુ http://www.mannadey.in/  અને  https://mannadey.weebly.com/ માં આ ગીત મન્ના ડેના સ્વરમાં દર્શાવાયું હોવાથી આ ગીતને આપણે અહીં સમાવ્યું છે.

આસ કે કિતને દિયે જલાએ….ફિર ભી રામ નજ઼ર નહીં આયા - મેહમાન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એન રંગીન
ભજનની શૈલીમાં રચાયેલ આ ગીતના પૂર્વાલાપમાં તેમ જંતરાના વાદ્ય સંગીતમાં વાંસળીનો પ્રયોગ મુખ્ય ભૂમિકા ભજવે છે. અનિલ બિશ્વાસનાં એ સમયનાં સંગીત માટે એમ મનાતું કે જ્યારે ગીતમાં વાંસળીની ભૂમિકા અગ્રભાગે હોય ત્યારે તેઓ હંમેશાં પંડિત પન્નાલાલ ઘોષને જ આમંત્રતા. 
આડવાત - 'મેહમાન'નામની ફિલ્મ આ પહેલાં ૧૯૪૨માં બની હતી, જેનું સંગીત ખેમચંદ પ્રકાશે સંભાળ્યું હતું, ફરી એક વાર આ જ નામની ફિલ્મ ૧૯૭૪માં બની હતી જેનું સંગીત રવિએ આપ્યું હતું.
ચલી રાધે રાની...અખીયોંમેં પાની  - પરિણીતા – સંગીતકાર: અરૂણ કુમાર મુખર્જી – ગીતકાર: ભરત વ્યાસ
બંગાળની બાઉલ લોકગીત ભજન શૈલી પર રચાયેલ આ ગીત પણ ખુબ જ પ્રસિધ્ધિ પામ્યું અને પ્રસિદ્ધિએ મન્ના ડે માટેની ભજન પ્રકારનાં ગીતો માટેની 'આગવી' છાપને વધારે ઊંડી પણ કરી. જોકે, આ ગીતમાં નોંધપાત્ર છે મન્ના ડેની ગીતના ભાવને સ્પષ્ટતાથી રજૂ કરવાની હથોટી. ગીતનાં પહેલાં સંસ્ક્રણમાં નાયિકાની નાયક સાથેની તકરાર પ્રેમની મીઠી નોંકઝોંક સ્વરૂપે છે, જેને મન્ના ડે પણ નાચતા કુદતા ભાવમાં રજૂ કરે છે. બીજાં સંસ્કરણમાં હવે જુદાઈના સંજોગો કરૂણ સ્વરૂપે અનુભવાય છે, જેને મન્ના ડે બહુ જ સુવાળપભર્યા સ્વર વડે વ્યક્ત કરે છે.
ફરી આડવાત - આ જ મૂળ વાર્તા પરથી ફરી એક વાર આ જ નામે, ૨૦૦૫માં ફિલ્મ બની હતી, જેનું સંગીત શાંતનુ મોઈત્રાએ આપ્યું હતું.
શાહી કી ઝંઝીરે તોડ કે ચલો - શહેનશાહ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
'મશાલ'ની સફળતા બાદ ફરી ત્રણ વર્ષે એસ ડી બર્મન મન્ના ડેને યાદ કરે છે. શાસનની જોહુકમીઓની સાંકળોનાં બંધન તોડી નાખવાનું એલાન કરતાં આ લશ્કરની કુચના તાલ પર રચાયેલાં ગીત માટે મન્નાડેના સ્વરની બુલંદી જ યોગ્ય ન્યાય આપી શકે.
ક્રોધ કપટ કે અંધિયારે ને – અરમાન – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી 
બેકગ્રાઉન્ડમાં ગવાતાં ભજન શૈલીનાં ગીત માટે તો મન્ના ડેના સ્વરની પસંદગી થાય એ બાબતે હવે નવાઈ ન લાગે.
રાત કે રાહી રૂક મત જાના સુબહકી મંઝિલ દૂર નહીં - બાબલા – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી -
પ્રેરણાત્મક સંદેશ આપતાં ગીતને મન્ના ડેના સ્વરની આગવી મીઠાશની સહાયથી ખાસ્સી લોકચાહના મળતી રહી છે.

ગીતનું એક બીજું વર્ઝન લતા મંગેશકરના સ્વરમાં પણ છે.

સોનેવાલે જાગ જ઼રા, ક્યું સમય સુહાના ખોતા હૈ - સુરંગ – સંગીતકાર: શિવરામકૃષ્ણ – ગીતકાર: શેવાન રીઝ્વી
આ ફિલ્મનાં વસ્તુનાં સમય્કાળમાં અમુક નાતની વસ્તીને ગામની બહાર રહેવાની ફરજ પડાતી. આવી  વસ્તીનાં લોકો મોડી સંજે પોતાની જિંદગીના ભારને હળવો કરવા પ્રેરણાત્મક ગીતોનો આશરો લેતાં હોય  

ચલ દિલ-એ-મજ઼બુર, ઈસ ઝુલ્મ કી દુનિયા સે દૂર - સુરંગ – સંગીતકાર: શિવરામકૃષ્ણ – ગીતકાર: શેવાન રીઝ્વી -
ગામની બહાર રહેતી વસ્તીનો એક વૃધ્ધ આગેવાન શુધ્ધ ઉર્દુમાં જે પ્રેરણા ગીત ગાય છે (!!) તેના બોલથી ઉચ્ચ વર્ગના નાયકને પણ શાતા વળે છે. તે એ ગીતના બોલ પાછળ પાછળ વસ્તી સુધી ખેંચાઈ આવે છે.

આપણે સામાન્યતઃ યુટ્યુબ પર ક્લિપ્સ હોય એવાં ગીતોને આ પ્રકારના
લેખોમાં સમાવતાં હોઈએ છીએ. મન્નાડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોની ખોજ માટે આપણે એસ પી ચેટર્જી દ્વાર રચાયેલ વેબસાઈટ  https://mannadey.weebly.com/ ની પણ મદદ લીધેલ છે. ત્યાં આપણને કેટલાંક બીજાં ગીતો ઓડીયો ક્લિપના સ્વરૂપે પણ સાંભળવા મળે છે. અહીં એવાં હજુ બીજાં ગીતોની પણ નોંધ કરવામાં આવી છે, પરંતુ તેની ઓડીયો લિંક પ્રાપ્ય નથી શક્ય બની. એવાં ગીતોનો ઉલ્લેખ આપણે આપણા આ લેખમાં નથી કર્યો.
મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોની આ સફર આગળ પણ આટલી જ આકર્ષક રહેશે તે વિશ્વાસ સાથે અહીં એક વિરામ લઈશું.  
 આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.