Sunday, December 23, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ડીસેમ્બર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવની આપણી આ શ્રેણીનાં છઠાં વર્ષનો અંતિમ મણકો છે.
છેલ્લા બે અંકથી આપણે ISO 9004: 2018ના મૂળભૂત આશય - સંસ્થાની સંપોષિત સફળતા-ને સિધ્ધ કરવા માટે, સંસ્થાની ગુણવત્તા અને સંસ્થાની ઓળખ એવા, બે મહત્ત્વના દૃષ્ટિકોણની ચર્ચા કરી રહ્યાં હતાં. આજના અંકમાં આપણે એ મૂળભૂત આશય - સંસ્થાની સંપોષિત સફળતા - વિષે વાત કરીશું.
સંપોષિત સફળતા વિષે ISO 9004: 2018નું કહેવું છે કે સંસ્થાની લાંબા ગાળાની સફળતાને અસર કરતાં
પરિબળો, વર્ષોવર્ષ, ઉભરતાં, વિકસતાં ઘટતાં કે વધતાં રહ્યાં છે.સંસ્થાએ પોતાની સફળતાને લાંબે ગાળે ટકાવી રાખવા માટે આ પરિબળો સાથે અસરકારક અનુકુલન બનાવ્યે રાખવું મહત્ત્વનું બની રહે છે. પારંપારિક રીતે આ માટે વિચારાધીન રહેતાં  કાર્યદક્ષતા, ગુણવત્તા કે ચપળતા જેવાં પરિમાણો સાથે હવે કોર્પોરેટ સામાજિક જવાબદારી,પર્યાવરણીય અને સાંસ્કૃતિક જેવી બાબતો પણ મહત્ત્વની ભુમિકા ભજવી રહેલ છે. આ બધાંને સામુહિક રીતે આપણે હવે સંસ્થાના સંદર્ભ તરીકે પણ ઓળખીએ છીએ,
સંપોષિત સફળતાની સાથે કાર્યદક્ષતા, ગુણવત્તા અને ચપળતા શી રીતે સંકળાય છે તે સમજવા માટે ત્રણ જૂદા જૂદા લેખો પસંદ કર્યા છે.
કાર્યદક્ષતા અને સંપોષિત સફળતા
Building Efficient Organizations - કાર્યદક્ષતાની માનસિકતા લાંબા ગાળના ફાયદાની ચાવી છે - પીટર ગ્વારૈઆ, વેરોનિક઼ પૌવૅલ્સ અને સુદર્શન સંપતકુમાર - સંસ્થાના ડીએનએમાં કાર્યદક્ષતાને વણી લેવા માટે કોઈ ચોક્કસ નકશો તો નથી. અમારા અનુભવ મુજબ, જોકે, બધી સફળ કંપનીઓમાં એક સમાવેશી અભિગમ જરૂર જોવા મળે છે : એ લોકો એટલું સુનિશ્ચિત કરે છે કે કાર્યદક્ષતા અંગેના તેમના પ્રયાસો વ્યૂહરચના, માપણી કોષ્ટકો, પ્રતિબધ્ધતા, વર્તણૂક અને સંસ્કૃતિ  જેવાં મહત્વનાં ક્ષેત્રો પર છવાઈ જાય. આ બાબતે, મક્કમતા અને લાંબા ગાળાનાં રોકાણો સફળતાની તકો ઉઘાડી નાખી શકે છે.
કૅપજેમિનાઈ અને ગઈડવાયરે એક બહુ રસપ્રદ સંશોધન વ્હાઈટ પેપર તૈયાર કર્યું છે.  Capturing Operational Efficiency and Sustainable Value through Claims માં તેઓ વીમા કંપનીઓ દ્વારા ચુકવાતા દાવાઓનાં રૂપાંતરણનો વ્યાપારીક પ્રસ્તાવની દૃષ્ટિએ અભ્યાસ કર્યો છે, જેમાં તેમણે ફાયદા નિપજવાતાં એવાં મહત્વનાં પરિબળો પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું છે જેના દ્વારા વીમા કંપનીઓ બહુ મોટા પાયે કામગીરી બાબતની કાર્યદક્ષતા સિધ્ધ કરવાની સાથે સંપોષિત મૂલ્ય પણ મેળવતાં રહી શકે.
ગુણવત્તા અને સંપોષિત સફળતા
ISO 9004: 2018 ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તાથી આગળ વધીને
-       સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-       સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
દ્વારા બદલતા રહેતા સંસ્થાના સંદર્ભ તેમજ હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓનાં પરિપ્રેક્ષ્યમાં હંમેશાં પ્રસ્તુત  બની રહેવામાં સંપોષિત સફળતામાટેની તક જૂએ છે.
કાર્યદક્ષતા, અસરકારકતા, સંપોષિત સફળતા અને ગુણવત્તાનાં સંચાલન વચ્ચેનો તત્કાલીન અને અંતિમ પરિણામો સાથેનો સંબંધ
ઉપરની આકૃતિમાં કંપનીના પદાનુક્રમને પરિણામોના સંદર્ભમાં દર્શાવેલ છે. કંપની દ્વારા વપરાતાં સંસાધનો, પ્રક્રિયાઓ, તેમાંથી નિપજતાં, ઉત્પાદનો કે સેવાઓનાં સ્વરૂપનાં, તત્કાલીન પરિણામો અને કંપનીના લાંબા ગાળાની વ્યૂહરચના સ્વરૂપનાં અંતિમ પરિણામોને પદાનુક્રમમાં ગોઠવેલ છે. તત્કાલીન પરિણામો પરિમાણ અને દિશા સૂચક આંકડાઓમાં રજૂ કરાવાં જોઈએ.
ચપળતા અને સંપોષિત સફળતા
મૅકકીન્સીના સંસ્થાકીય આલેખનના અગ્રણીઓ  વાઉટર અઘિના અને આરોન ડી સ્મેટ ચપળતા શું છે, અને સતત પરિવર્તન થતાં વાતાવરણના પડકારો સામે સંસ્થા કેમ સમજાવે છે કે સફળતા સિધ્ધ કરતી રહી શકે, તે તેમના લેખ The keys to organization agility.માં સમજાવે છે. જ્યારે તમે સતત પરિવર્તનની સામે ખીલતાં રહો તેમ જ વધારે સશક્ત બનો અને તે તમારી સ્પર્ધાત્મક સરસાઈ માટેનો સ્રોત બની રહે ત્યારે તમે ચપળતામાં નિપુણ છો એમ કહી શકાય. (એક સાથે ચપળ અને સ્થિર થવાનાં મહત્ત્વ વિષે, જૂઓ Agility: It rhymes with stability.”)
આ સિવાય સંપોષિત સફળતાનું  ઘડતર કેમ કરવું એ વિષેની ચર્ચા કરતા બીજા બે લેખ રસપ્રદ છે અને વિષયને સમજવામાં મદદરૂપ પણ બની રહી શકે છે –
  • Dorie Clark, તેમના લેખ, The Secret to Sustained Success  માં બૈન એન્ડ કંપનીના ગ્લોબલ સ્ટ્રેટેજી પ્રેક્ટીસના સહ-વડા ક્રિસ ઝૂકનો સંદર્ભ લઈને જણાવે છે કે શ્રેષ્ઠ સંસ્થાઓ, જે નજરે પડ્યાં તે વિક્લ્પોને ખરીદી લેવા કે એવી તકોની પાછળ પડવાને બદલે તેમનાં મૂળભૂત સબળ પાસાંઓને પારખીને તેનો મહત્તમ લાભ લેવાનું કરે છે. (લેખિકાનો પહેલાંનો લેખ Why You Should Kill Your Ideas.”  પણ જૂઓ.)
  • ઉદ્દીપક બનીને 'કામ કરવા માટે શ્રેષ્ઠ જગ્યા'માં સંસ્થાને ફેરવી નાખી શકે છે. એ માટે પાંચ મુખ્ય બાબતો લેખમાં ભારપૂર્વક કહેવાયેલ છે :
-       કંપનીના સ્તરે મૂળભૂત મૂલ્યો પ્રસ્થાપિત કરો જે યોગ્ય કામ યોગ્ય રીતે કરનાર વીરલાંઓને પ્રકાશમાં લાવે અને લોકોની ખાસ દરકાર રાખે.
-       સંચાલન મંડળનાં મૂલ્યો તેમનાં વાણી, વર્તન અને પગલાંઓ જોડે સંસ્થાનાં અન્ય લોકોને અનુભવ કરાવો
-       સંસ્થાનાં મૂલ્યો સાથે બંધબેસતાં લોકોને જ કામ પર લો - એ માટે સમય, નાણાં, શક્તિ જેવાં સંસાધનોનો લોકોની પસંદગી કરવામાં અને તેનાં વ્યક્તિગત મૂલ્યો સંસ્થાનાં મૂલ્યો સાથે સુસંગત છે તે નક્કી કરવામાં રોકાણ કરો.
-       પોતાનાં કામ માટે લોકોના માલીકીભાવને વધારે ને વધારે ખીલવા દો - આ માલીકીભાવ લોકોમાં તેમનાં અગ્રણીઓની કથની અને કરણીની એકસૂત્રતામાંથી વિકસે છે અને કંપનીની ભવિષ્યની યોજનાઓનાં ઘડતરમાં સહભાગી થવાથી, કંપનીના ગ્રાહકોને ઓળખવાથી વધારે પ્રગાઢ બને છે. 
-       લોકોના જુસ્સા અને સંતોષની કદર કરો અને તેની પાછળનાં કારણો જાણવા પ્રયાસ કરતાં રહો.
§  How to Create Sustained Success iએ જિમ કોલ્લીન્સનાં પહેલાં પુસ્તક 'Built to Last'નો ત્વરિત સારાંશ છે.

જે વિચારને અમલ કરવામાં વિશ્વખ્યાત સંસ્થાઓને વર્ષો લાગ્યાં છે એવા સંપોષિત સફળતા જેવા વિચારની બધી જ વાત એક લેખમાં સમાવવી શકય નથી, તે આપણે બધાં જાણીએ છીએ. આપણો એ આશય પણ નથી રહ્યો. આપણી ગુણવત્તા સંચાલન શ્રેણીમાં આપણે ગુણવત્તા સંચાલનનાં વ્યાવસાયિક અને અંગ્ત જીવન સાથે સંકલાયેલાં પરિમાણોની નોંધ લઈને એ દિશામં પોતપોતાની રીતે આગળ વધતાં હોઈએ છીએ.તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Effective Management માંનો William Cohen, Ph.D. નો લેખ The Focus on the Customer and What the Customer Values આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. વ્યૂહાત્મક સ્તરે ગ્રાહકની પસંદ પર ધ્યાન આપવાથી ગ્રાહકોને સંતોષવામાં, હરીફોની સામે ભેદમૂલક ફાયદાની તક ઊભી થઇ શકે છે.

આપણા આજના અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું.:

  • Enhancing Quality through Improved Quality Reports : વિપ્રો ગિવૉનના સેફ્ટી, એન્વાયરમેન્ટાલ અને ક્વૉલિટી મૅનેજર, ગ્રેગરી (ગ્રિશા) ગૉરોડેટ્સ્કી સંસ્થાના ગુણવત્તા અહેવાલો જેવા બધા જ દસ્તાવેજોને એક સમાન રીતે દસ્તાવેજ કરવાનાં મહત્ત્વની ચર્ચા કરે છે.
  • 2018 Year-End Message: Elmer Corbin, ASQ Chair : વર્ષાંત વિડીયો સંદેશમાં. ASQ નિયામક મંડળના અધ્યક્ષ એલ્મર કૉર્બિન ૨૦૧૮નાં વર્ષની મહત્વની સિધ્ધિઓ રજૂ કરવાની સાથે સાથે ASQનાં દરેક હિત્ધારકોના યોગદાન માટે આભાર માને છે.

Jim L. Smithનાં નવેમ્બર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Success makes us feel good, but failures teach us valuable lessons - નકારાત્મક પરિણામો આનણ્દદાયક તો ન જ હોય, પણ તે નિરાશા પેદા કરે તે જરૂરી છે. અભિનવ વિચાર્સરણી ધરાવતાં લોકો માને છે કે નકારાત્મક પરિણામો સૂચવે છે કે કંઈ ક જૂદું કે નવું કરવાની જરૂર છે...જો પરિસ્થિતિને ઉલટાવીને જોવામાં, પ્રોજેક્ટ સફળ રહે ત્યારે, આવી  ઉત્પાદક ભૂલોને સમજવી સહેલી છે. આ પરિસ્થિતિ એમ સૂચવે છે આપણી પૂર્વધારણાઓ સાચી હતી, કામ કરવા માટે જે અભિગમ પસંદ કર્યો તે સામાન્યપણે સર્વસ્વીકૃત અભિગમ હતો અને પ્રોજેક્ટનું સંચાલન સારી રીતે થયું છે...સફળ પ્રોજેક્ટનું પૂરું થવું જરૂર આનંદદાયક છે, પણ એમ કરવામાં પ્રોજેક્ટની સફળતાને અંગદ કુદકાની ઉંચાઇએ લઇ જઇ શકે તેવી કોઈ વધારાની તક ચૂકાઈ તો
    નથી ગઈ એ ધ્યાનમાં ન આવ્યું હોય એમ પણ બને. આપણો આશય એ કામ કરી જવા પૂરતો જ હતો કે થોડાં જોખમો લઈને વ્યાપારને નવી જ ઊંચાઈ પર લઈ જવાનો હતો
    ?...આ દિશામાં વિચાર કરવાથી આપણા આભિગમને બદલવા વિષે વિચાર કરી શકાય છે. આપણે ભલે બીજા થોમસ આલ્વા ઍડીસન ન બની શકીએ, પણ એ જ પ્રયત્નો વડે જીંદગીને વધારે ઉત્પાદક બનાવવામાં જરૂર મદદ મળી શકે છે.
  • Personal GPSશક્ય છે કે આપણે સફળતાના આપણા માર્ગ પર દિશાસૂચક નકશાને વ્યક્તિગત Goal Projection System (GPS) / લક્ષ્ય આલેખન તંત્ર વ્યવસ્થાની નજરે જોયો ન હોય.. પણ તત્વતઃ બન્ને બાબતો ઘણે અંશે સમાન છે...પોતાની જાતને સવાલા કરો કે એક, પાંચ, દસ, વીસ વર્ષ પછી તમે તમારી જાતને કઈ જગ્યાએ જોવા માગો છો? એક વાર એ લક્ષ્યો નક્કી થ ઈ જાય, પછી શું દેખાય છે? શું સંભાળય છે? શું અનુભવાય છે? જ્યારે આ સવાલોના જવાબો લખવા બેસો ત્યારે બને એટલા સ્પષ્ટ જવાબો લખાય તેના પર ખાસ ધ્યાન આપજો....આટલું કર્યા પછી વર્તમાન પરિસ્થિતિનો બહુ જ પ્રમાણિકપણે અભ્યાસ કરો..આ પ્રક્રિયા સરળ નથી અને પૂરેપૂરી પ્રમાણિકતા અને સ્પષ્ટતા સાથે કરવામાં થોડો સમય પણ લાગશે. આ સમગ્ર પ્રક્રિયાની સમયાંતરે ફેરમુલાકાત પણ લેવાતી રહેવી જોઈએ, જેથી આપણે રાહ પરથી ભટકી નથી ગયાં એ ખબર પડતી રહે. એક વાર બધું દસ્તાવેજ થઈ જાય એટલે તમારી વ્યક્તિગત સફળતા સિધ્ધ કરવા માટેના દિશા નિર્દેશ નકશા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકશો.

તમારૂં ૨૦૧૮નું વર્ષ પણ તમારા સફળતાના નકશા મુજબનું જ ગયું હોય એ આશા સાથે આપણે ૨૦૧૮નાં આપણા ગુણવતા બ્લૉગોત્સવનાં છઠાં વર્ષને સંતોષની લાગણી સાથે પૂરૂં કરીશું.. ૨૦૧૯નું વર્ષ આપ સૌ માટે નવાં લક્ષ્યોની સિધ્ધિ માટે ઉજ્જવળ તકો લાવે તેવી આ મચ પરથી મારી શુભેચ્છાઓ......... 
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
પાદ નોંધ :
ગુણવત્તા બ્લૉગોત્સવ શ્રેણીના વર્ષ ૨૦૧૮ના બધા જ મણકા ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ, ૨૦૧૮  પર ક્લિક કરવાથી એક સાથે વાંચી શકાય છે / ડાઉન્લોડ કરી શકાય છે.

Sunday, December 16, 2018

હિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના પ્રારંભના ૩૫ અવિલાપિત-અલ્પજાણીતાં કલાકારોનાં જીવનપર ફ્લૅશબૅક : इन्हें न भुलाना - હરીશ રઘુવંશી

હિંદી ફિલ્મ સંગીતના ચાહકોની ઘણી પેઢીઓ માટે હિંદી ફિલ્મ સંગીતની કંઈ કેટલીય વાતો, દસ્તાવેજો અને ઘટનાઓની તવારીખના સંન્નિષ્ઠ સંગ્રાહક, સંશોધક અને લેખક તરીકે શ્રી હરીશ રઘુવંશીનું નામ અજાણ્યું નથી. ક્ષતિહિન પૂર્ણતાના તેમના અંગત આગ્રહને પરિણામે તેમની પાસે માહિતીસામગ્રીનો જેટલો ખજાનો છે, તેમાંનો બહુ જ થોડો કહી શકાય એવો ભાગ તેઓએ લેખો / પુસ્તકોમાં ઉતારવાનું મુનાસિબ મન્યું છે. પરંતુ તેઓએ જ્યારે પણ લખ્યું છે ત્યારે તે લેખન શતપ્રતિશત ખરી માહિતી પૂરૂં પાડવાની સાથે સાથે ખૂબજ રસાળ શૈલીમાં રજૂ થયું છે.

શ્રી હરીશ રઘુવંશીની કલમેથી એક એવું નીવડેલું પસ્તક હતું 'ઈન્હેં ના ભુલાના', જે ૨૦૦૩માં પ્રકાશિત થયેલુ, પણ હવે તેની નકલો અપ્રાપ્ય છે. હિંદી ફિલ્મ સંગીતના ચાહકો માટે આનંદના ખબર છે કે શ્રી સુન્દરદાસ વિશનદાસ ગોહરાણીએ ખૂબ ચીવટથી તેનો હિન્દીમાં હવે અનુવાદ કર્યો છે જે સપ્ટેમ્બર, ૨૦૧૮માં इन्हें न भुलाना શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે.

હિંદી ફિલ્મોનો ઈતિહાસને ૧૦૦ની ઉપર બીજાં લગભગ છ વર્ષ પુરાં થવામાં છે. સ્વાભાવિક છે કે આટલાં વર્ષોની સફરમાં હિંદી ફિલ્મ ઉદ્યોગના પરદા પર, અને પરદાની પાછળ,સાથે કંઈ કેટલાંય નામી/ અનામી વ્યક્તિઓએ સમયે સમયે જૂદી જૂદી ભૂમિકાઓ ભજવી છે. જૂજ અપવાદોને બાદ કરતાં મોટા ભાગની આ વ્યક્તિઓએ આ કામ વ્યવસાય કરતાં નીજાનંદ અર્થે કલા ઉપાસનાનાં સ્વરૂપે કર્યું છે. આ પૈકી કેટલાંક નામો એવાં હતાં કે એ સમયે બહુ જાણીતાં થયાં હતાં. પરદા પર નાની કે મોટી ભૂમિકાઓ કરનાર એ દરેક વ્યક્તિની કેટલીક આગવી લાક્ષણિકતાઓ લોકોનાં મન પર ઊંડી અસર કરી જતી. એમાંથી જેમનાં નામ સમયની સાથે લોકોની યાદમાંથી ઓજલ ન થઈ ગયાં હોય એવાં ભાગ્યશાળી નામો તો તો સાવ જૂજ હોય, બાકી તો બધાંની નિયતિ આંખોની સામે દૂર થવાથી યાદમાંથી પણ દૂર થઈ જવાની જ લખાયેલી હોય છે.

इन्हें न भुलानाમાં હરીશભાઈએ એવાં ૩૫ ફિલ્મ કલાકારોનાં જીવનની ફિલ્મના પર્દા પરની અને પર્દા બહારની વિગતોને સામેલ કરી છે જેમનાં યોગદાન ઉલ્લેખનીય હોવા છતાં જેમના વિષે કંઈ ખાસ લખાયું નથી. આ કલાકારોની ફિલ્મ કારકીર્દીની મહત્વની વિગતો રજૂ કરવાની સાથે તેમની જન્મ તરીખ, દેહાવસાન તારીખ, જનમ-અવસાન સ્થળ જેવી માહિતી બહુ જ ચોક્કસપણે રજૂ કરવામાં હરીશભાઈનો ક્ષતિરહિત ચોક્સાઈનો આગ્રહ જોવા મળે છે. જે કલાકારોની સ્મૃતિને તાજી રાખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરાયો છે તેમની યાદી આ મુજબ છે –
प्रेम अदीब; रुपहले पर्देके रामगोप; मेरे पिया गये रंगूनक़मर जलालाबादी: इक दिलके टुकडे हज़ार हुए
श्याम: रंगीन तबीअतका जामकरण दीवान: चाक्लेटी हीरोभरत व्यास: तुम गगनके चन्द्रमा हो
कन्हैयालाल: मदर इण्डियाका अकेला 'सुखालाल'जयन्त: गब्बर सिंह के पिताखुमार बाराबंकवी: तस्वीर बनाता हूं
मज़्हर खान: पुलिस विभाग से रुपहले पर्दे तक वास्ती: एक याद किसीकी अती रहीपं. नरेन्द्र शर्मा: ज्योति कलश छलके
नूर मुहम्मद: चार्ली पलट तेरा ध्यान किधर हैडी बीलीमोरिया: र्रुपहले सलीमकी सुनहरी सफलताप्रेम धवन: गीत, संगीत और नृत्यकी त्रिवेणी
मास्टर निसार: अब वो मुक़दर नहीं रहा...ई. बीलीमोरिया डोर कीपर से हीरोमास्टर फिदा हसैन बने 'प्रेम शंकर नरसी'
पी. जयराज : ऐतिहासुक पात्रोंके रुपमें इतिहासमें स्थान बनाने वालेनिगार सुल्ताना: पिन अप गर्लमाधुलाल मास्टर: संगीतके नींवके पत्थर परन्तु संयोगो के समक्ष कठपूतली
कृष्णकान्त उर्फ के.के.: चिरवृध्द अभिनेता कुलदीप कौर: क़ातिल नज़रकी कटारवी. बलसारा: सात दशकका स्वर-संसार
रंजन: 'तलवारबाज़ के रुपमें मान्य प्रतिभाशालीनसीम बानो : 'परी-चेहरा'अल्ला रखा अर्थात तबला
महीपाल: फिल्ममें गीत लीखनेवाळे एकमात्र 'राम'लीला मेहता: स्लीवलेस ब्लाउज़ वाला रोल ठुकराने वालीद्वारकादास सम्पत: मूक फिल्मों का गुजराती मान्धाता
नासिर ख़ान: ट्रेजॅडी-किंगका भाई होनेकी ट्रेजेडीशक़ीळा: बाबूजी धीरे चलनामोहनलाल दवे: हिन्दी फिल्मोंकी पटकथा के गुजराती पितामह
याकूब: रहे नाम अल्लाह कादुलारी: साढे पांच दस्गक का फ़िमी सफर


અહીં જે કલાકારોનાં નામ વાંચવા મળે છે તેની સાથે ઓળખ આપતાં વિશેષણમાં તેમની ફિલ્મ જગત કારકીર્દીની નોંધપાત્ર લાક્ષણિકતા પણ જાણવા મળે છે. હરીશભાઈની ગાગરમાં સાગર સમાવી શકવાની ક્ષમતાની આટલી નિશાની જ આખાં પુસ્તકને વાંચવા માટે આપણી ઉત્સુકતા વધારી મૂકવા માટે પૂરતી બની રહે છે. જૂની અને નવી બન્ને પેઢી માટે જે નામ અલ્પપરિચિત હોવાની શકયતા વધારે છે તેવાં કલાકારો વિષે પ્રસ્તુત પુસ્તકમાં કેવી સ-રસ માહિતી પીરસવામાં આવી છે તેની આછેરી ઝલક જોઈએ –

'હિંદી ફિલ્મોમાં 'ખાન'ની બોલબાલાની પરપરામાં મહત્વનું અગ્રિમ સ્થાન ધરાવતા મજ઼હર ખાન (જન્મઃ ૧૮-૧૦-૧૯૦૫ની અભિનય કળા ૧૯ મૂક અને ૫૨ બોલતી ફિલ્મોમાં પ્રસરી છે.મુકેશને પ્રથમ હરોળના ગાયક તરીકે મુકી દેનાર ગીત દિલ જલતા હૈ તો જલને દે જે ફિલ્મમાં હતું એ ફિલ્મ 'પહલી નજ઼ર' (૧૯૪૫)નાં દિગ્દર્શક મજ઼હર ખાન હતા.

- પોરબંદર પાસે રાણાવાવમાં મેમણ કુટુંબમાં ૧૯૧૨માં જન્મેલા નૂર મહમ્મદની હાસ્ય કલાકાર તરીકેની સફળતામાં પોતાના નામ સાથે પોતાના
આદર્શ ચાર્લી ચેપ્લીનનાં નામને અને કામ સાથે ચેપ્લીનની વેશભૂષાને જોડી દેવાની તરકીબ કારગત થઈ હતી તેમ માની શકાય. ફિલ્મોમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટેના પ્રયાસનાં પહેલે પગથિયે તેમને પૂછવામાં આવ્યું 'ગાતાં આવડશે?' તો તેમનો જવાબ હતો : ગાવું, રોવું, દોડવું, ઝાડ પર ચઢવું, નાચવું વગાડવું, ઝઘડવું, તરવું, કાંપવું, બધું આવડશે.

- હિંદી ફિલ્મોમાં ભાઈઓની જોડીઓમાં સૌથી વરિષ્ઠ ગણી શકાય એવી જોડી ડી.(દિનશા) બિલીમોરિયા અને ઈ.(એડી) બિલીમોરિયા ભાઈઓની જોડી હતી. ડી. બિલીમોરિયાની ખ્યાતિ
૧૯૨૮માં મૂક અને પછી ૧૯૩૫માં બોલતી 'અનારકલી" ફિલ્મોમાં સુલોચના (રુબી માયર્સ) ની અનારકલીની ભૂમિકા સામે સલીમની ભૂમિકાની યાદગાર અદાકારી માટે છે, જેમાં કંઈક ફાળો અનારકલી અને સલીમનાં ઉત્કટ ચૂમ્બન દૃશ્યોનો પણ રહ્યો હશે !. ઈ. બિલીમોરિયા એમના સમયના 'હી-મેન' હતા. રેલ્વેમાં ફાયર્મેન બનવા માટે ઘર છોડ્યું,અને નસીબે નોકરી અપાવી પૂનાનાં સિનેમાગૃહમાં ડોરકીપરની.ત્યાંથી મુંબઈ આવ્યા તો એક દિવસ તેમનો કોટ, બૂટ અને ટોપી ચોરાઈ ગયાં. એ હાલતમાં પ્રોજેક્ટરના વિક્રેતાએ તેમને નોકરીએ રાખ્યા. એક વાર ભાઈ દિનશાને મળવા ગયા હતા, તો મેકઅપ મૅને તેમને દીનશા સમજીને મેકઅપ કરી નાખ્યો, અને ત્યાંથી તેમની ફિલ્મ અભિનયનો 'પંજાબ મેલ' ચાલી નીકળ્યો.

- અહીં રજૂ થયેલં ૩૫ કલાકારોમાંથી આજની તારીખમાં હયાત એવાં એક માત્ર લીલા મહેતાને ૧૯ વર્ષે 'રાણક દેવી'ની ભૂમિકા ભજવવા આમંત્રણ મળ્યું. પણ આવી કિશોરી બે બાળકોની માતા રાણક્દેવીનાં પાત્રમાં નહીં શોભે તેમ જણાતાં તેમને બીજું પાત્ર અપાયું. એ પછીથી રેડીયોનાટકોમાં કામ કરતાં કરતાં તેમણે ગાયન કળા પર પણ વિધિપુરઃસરનું શિક્ષણ લીધું અને સેઠ સગાળશા, ગુણસુન્દરી, સત્યવાન સાવિત્રી, કન્યાદાન જેવી ગુજરતી
ફિલ્મોનાં ગીતો ગાયાં. 'ગુણસુંદરી'માં 'ભાભી તમે થાઓ થોડાં થોડાં વરણાગી' કહી શકે એવી આધુનિક નણંદનું પાત્ર ભજવવા માટે તેમને સ્લીવલેસ બ્લાઉસ પહેરવું પડે તેમ હતું એટલે તે ભૂમિકા તેમણે ન સ્વીકારી. સંજોગોનો યોગાનુયોગ કેવો થતો હોય છે - લીલ મહેતાએ દ્વિઅર્થી સંવાદો માટે ખૂબ ચર્ચાસ્પદ બનેલ, મરાઠી નાટક 'સકારામ બાઈન્ડર'માં એક બહુ 'બોલ્ડ' ભૂમિકા પણ નિભાવી !

જે પેઢીએ આ કલાકારોની ફિલ્મો જોઈએ છે તેમને માટે આ પુસ્તક એ ભૂતકાળની એમ મીઠી સફર બની રહે છે, તો નવી, અને આવનારી, પેઢી માટે હિંદી ફિલ્મ જગતની ભવ્ય ઈમારતના પાયામાં કેવાં કેવાં અવિલાપિત-અલ્પજાણીતાં લોકોનાં યોગદાન રહ્યાં છે તે જાણ કરતા રહેવા માટેનો એક સંવેદનશીલ દસ્તાવેજ બની રહેશે.

સંખ્યાની દૃષ્ટિએ, સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે, પણ એ વિષયનું જે ક્ક્ષાનું અને જે વ્યાપનું દસ્તાવેજી કરણ થવું જોઈએ તે હજૂ આજે પણ નથી થતું. શ્રી હરીશ રગુવંશીનાં 'મુકેશ ગીતકોશ' કે તેમના મિત્ર અને સહધર્મી હરમિંદર સિંહ 'હમરાજ઼'નાં હિંદી ફિલ્મ ગીતકોશ'જેવાં સંશોધનાત્મક પુસ્તકોએ હિંદી ફિલ્મોની ગ્લેમર ઉપરાંત હકીકકત-પરસ્ત માહિતીનાં દસ્તાવેજી કરણ કરવાની પ્રક્રિયાનો પાયો નાખ્યો છે.

આ પ્રકારનાં, અને કક્ષાનાં, પુસ્તકો વધુમાં વધુ લોકો સુધી, લાંબા સમય સુધી પહોંચતાં રહે તે માટે તેનું ડીજિટલાઈઝેન થાય એ બહુ ઈચ્છનીય છે. જોકે એ હાલ પૂરતા તો એટલા આનંદના સમચાર છે કે 'મુકેશ ગીત કોષ'ની નવી આવૃતિ પકાશનાધીન છે. તે ઉપરાંત, હિંદી સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર ૧૦૩ ગુજરાતી ફિલ્મી હસ્તિયોની બહુ રસપ્રદ માહિતી પૂરી પાડતા, 'દિવ્ય ભાસ્કર'માં હિંદી સિનેમા ગુજરાતી મહિમા' શીર્ષક હેઠળ, ૨૦૦૮ થી ૨૦૧૦ દરમ્યાન,પ્રકાશિત થયેલ લેખોનું સંકલન પણ પ્રકાશાનાધીન છે.

હરીશ રઘુવંશીનાં 'મુકેશ ગીત કોશ' ગુજરાતી ફ઼િલ્મ ગીત કોશ'ની ફોટોકૉપી આવૃતિઓ તેમ જ હરમિન્દર સિંહ 'હમરાઝ' સાથે લખાયેલ 'જબ દિલ હી ટૂત ગયા' અને હરમિન્દર સિંહ 'હમરાઝ'નાં હિન્દી ફિલ્મ ગીત કોષના વિવિધ ભાગ મેળવવા માટે આ પુસ્તકનાં પ્રકાશકનો સંપર્ક કરવો રહે છે..


* * *


પુસ્તકની હિંદી આવૃતિ અંગેની માહિતી

સપ્ટેમ્બર, ૨૦૧૮ ║ પૃષ્ઠ ૧૫૫ ║ મૂલ્ય રૂ. ૩૦૦ /-

પ્રકાશક: શ્રીમતી સતિન્દર કૌર, એચ. આઈ. જી. - ૫૪૫, રતન લાલ નગર, કાનપુર ૨૦૮૦૨૨

મો./વ્હૉટ્સઍપ્પ +૯૧ ૯૪૧૫૪૮૫૨૮૧ ઈ-મેલ: hamraaz18@yahoo.com


* * *

પુસ્તકના લેખકોનાં સંપર્ક સૂત્ર:

શ્રી હરીશ રઘુવંશી: harishnr51@gmail.com

શ્રી સુન્દરદાસ વિશનદાસ ગોહરાણી: sundergohrani@yahoo.co.in


* * *

નોંધ : અહીં લીધેલ કલાકારોની તસ્વીરો નેટ પરથી સાભાર લીધેલ છે, તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Sunday, December 9, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર,૨૦૧૮

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત: ૧૯૫૬

૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીનાં ગીતોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે, અને દરેક વર્ષે, જુલાઇ અને ડીસેમ્બર મહીનાઓમાં, આ વિષયને અનુરૂપ ગીતો સાંભળવાનો ઉપક્ર્મ પ્રયોજ્યો હતો.

અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
  • પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬ 
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને

- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
  • બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪ 
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને

- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭
  • ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ – ૧૯૫૮
- ૧૯૫૪ -૧૯૫૫ - જુલાઈ ૨૦૧૮

આજે આપણે ૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય ખંડનાં ૧૯૫૬નાં વર્ષમાં જે જે સંગીતકારો માટે મોહમ્મદ રફીએ પહેલ વહેલું ગાયું હોય એવાં સૉલો ગીતો સાંભળીશું.

૧૯૫૬

૧૯૫૬માં મોહમ્મદ રફીનાં ૧૩૮ સૉલો ગીતો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમનું જે રીતે સ્થાન બનતું ગયું હતું, બુલો સી રાની, હુસ્નલાલ ભગતરામ, નારાયણ દત્ત, એ આર ક઼ુરેશી, હેમંત કુમાર, શંકર જયકિશન, સલિલ ચૌધરી,મદન મોહન,શાર્દુલ ક્વાત્રા,એન દત્તા, ઓ પી નય્યર, લછ્છીરામ, શ્યામ બાબુ પાઠક જેવા જુના નવા, જાણીતા ઓછા જાણીતા એવા બધા જ પ્રકારના સંગીતકારોની પસંદ ફરી ફરીને મોહમ્મદ રફી પર ઢળવા લાગી હતી.

બડી દેર ભઈ અને દુનિયા ન ભાયે મુઝે (બસંત બહાર, શંક્ર જયકિશન); આયે બહાર બન કે લુભા કર ચલે ગયે (રાજ હઠ, શંક્રર જયકિશન); મૈને ચાંદ ઔર સિતારોંકી તમન્ના કી થી (ચંદ્રકાંતા, એન દત્તા); ગ઼રીબ જાન કર (છૂ મંતર, ઓ પી નય્યર); પરવર દિગાર-એ-આલમ (હાતીમતાઈ , એસ એન ત્રિપાઠી); એકી મૈં જૂઠ બોલીયા (એસ બલબીર સાથે, જાગતે રહો, સલિલ ચૌધરી); હઝારોં રંગ બદલેગા જ઼માના (શિરીન ફરહાદ, એસ મોહિન્દર) જેવાં ૧૯૫૬માં તેમનાં સીમાચિહ્ન કહી શકાય એવાં ગીતો આજે પણ હિંદી ફિલ્મ ગીતોના ચાહકો યાદ કરે છે.

મજાની વાત એ છે કે, આટઆટલા સંગીતકારોની પહેલી પસંદ બની ચૂક્યા પછી પણ ૧૯૫૬નાં વર્ષમાં પણ જેમની સાથે મોહમ્મદ રફીએ પહેલ વહેલી વાર સૉલો ગીત ગાયું હોય એવા સંગીતકારોની યાદી નોંધપાત્ર રહી છે.

સુદીપ્ત ભટ્ટાચાર્ય, કમ સે કમ, હિંદી ફિલ્મો પૂરતું, સાવ નવું નામ જણાય છે. જો કે આ વર્ષમાં જ એમની એક બીજી ફિલ્મ - તાજ ઔર તલવાર - પણ નજરે ચડે છે.

બહુત જલ કર મોહબ્બત મેં મેરા દિલ, આજ બોલા કયામત હૈ તૂ, અરે બીજલી હૈ તૂ શોલા હૈ
થોડા સા શરબત-એ-દિલદાર ચાહીએ - ગુલામ બેગમ બાદશાહ – ગીતકાર: રૂપબાની

ગીતની બાંધણી ભલે કવ્વાલીની શૈલીમાં કરાઇ હોય, પણ પરદા પર જોહ્ની વૉકરની આગવી અદાયગીમાં પા ર્શ્વ ગાયનમાં મોહમ્મદ રફીની હરકતો રંગ ભરી રહે છે.


કે દત્તા (કોરગાંવકર દત્તા) વિન્ટેજ એરામાં'૪૦ના દાયકાના એક મહત્ત્વનું સ્થાન ધરાવતા સંગીતકાર છે. નુર જહાંના સ્વર માટે તેમને બહુ જ માન હતું.

હમેં ના બીસારો હમેં તારો સાંવરે - હરિહર ભક્તિ – ગીતકાર: એસ પી કલ્લા

                        આ ગીતની ડિજિટલ કડી નથી મળી શકી.

અનિલ બિશ્વાસ અને મોહમ્મદ રફીનું સંયોજન સૉલો ગીતમાં પરિણમે એવા ઊજળા સંજોગો ૧૯૫૬નાં વર્ષમાં જઈને બની શક્યા છે. અનિલ બિશ્વાસે મોહમ્મદ રફી પાસે 'હીર'માં બે સૉલો અને (આશા ભોસલે સાથે) એક યુગલ ગીત ગવડાવ્યાં છે.

પ્રીત કા રોગી હોયા જોગી, દોનો એક સમાન, હો એક ઢુંઢે અપને પ્રીતમ કો એક ઢુંઢે ભગવાન
અલાહ તેરી ખૈર કરે, મૌલા તેરી ખૈર કરે, દાતા તેરી ખૈર કરે - હીર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

પ્રેમીકાને મળવાની ઉત્કંઠ ઈચ્છાને, એક સાધુના વેશને છાજે એમ નિયંત્રિંત શૈલીમાં, રફીના સ્વરમાં સાંભળી શકાય છે. 

લેજા ઉસકી દુવાયેં વો જો તેરા હો ન સકા, અપની જાતી બહારોં સે ગલે મિલ કે રો ન સકા - હીર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કન્યા વિદાય સમયે ગવાતાં ગીતની પંજાબી લોકધુન હીરમાં ગીતની બાંધણી કરાઈ છે. 

અજિત મર્ચંટ એવા અનેક સંગીતકારોમાંના એક છે જેમને વાણિજ્યીક સફળતા નવરી.

પંછી ગાને લગે પ્રભાતી આને લગા સરસ સવેરા, જાગ સુંદરી મધુર મિલન કા આયા હૈ દિન તેરા - ઈન્દ્ર લીલા – ગીતકાર: દીપક કુમાર સરસ્વતી

સાખીથી માંડીને ગીતના અંત સુધી ગીતની બાંધણી ઠીક ઠીક જટિલ કહી શકાય તેવી છે. 

સન્મુખ બાબુ (ઉપાધ્યાય) નામ સાંભળતાં જ 'હમીર હઠ' (૧૯૬૪) માટે તેમની મુબારક બેગમના સ્વરમાં ગવાયેલ રચના નિગાહોં સે દિલમેં ચલે આઈએગા જરૂર યાદ આવે.

અંગારો પે હૈ તેરી જિન્દગી કી ગાડી, ખેલે જા તૂ આગ પે ખિલાડી - લલકાર – ગીતકાર: પ્રદીપ

માર્ચીંગ ટ્યુનનું એક નવું, રોચક, સ્વરૂપ આ ગીતમાં સાંભળવા મળે છે.

વિશ્વનાથ - રામ મુર્તિ દક્ષિણની ફિલ્મોનાં હિંદી સંસ્કરણ સાથે સંકળાયેલા સંગીતકારોમાંનું નામ છે, એટલે તેમને લગતી માહિતી સહેલાઈથી નથી મળી શકી.

જો ભી ચાહે માંગ લે ભગવાન કે ભંડાર સે... જગત કા રખવાલા ભગવાન અરે ઈન્સાન ઉસે પહેચાન - નયા આદમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હશે. સ્વરના આરોહઅવરોહને બહુ જ નિયંત્રિત માપમાં રાખીને પણ ખુબ ભાવવાહી બેકગ્રાઉંડ ગીત બની શકે તેનો નોંધપાત્ર નમુનો આ ગીતને કહી શકાય તેમ છે.

શિવરામ કૃષ્ણની પહેલી ફિલ્મ સુરંગ (૧૯૫૩)અને એ જ વર્ષની 'તીન બત્તી ચાર રસ્તા' અને પછી છેક ૧૯૭૦ની 'સંપૂર્ણ તિર્થ યાત્રા' માટે જાણીતા ગણાય છે.

બડે પ્યાર સે મિલના સબસે - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ

ભિક્ષાટન માટેનીકળેલા સાધુઓ દ્વારા સહજપણે કહેવાતા ઉપદેશનાં સ્વરૂપનું ગીત આપણા માટે તો કર્ણપ્રિય રચના નીવડે છે.

સુન સુન રે જરા ઈન્સાન - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ

ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હોય એમ જણાય છે. ગીતની લય ગરબાની ધુનથી પ્રેરીત કહી શકાય તે પ્રકારની છે.

ઈક઼બાલ (મોહમ્મદ ઈક઼્બાલ)ને લગભગ એ જ નામના બીજા, થોડા વધારે જાણીતા, ઈક઼બાલ ક઼ુરૈશી તરીકે ઓળખવાની ભુલ મોટા ભાગે થતી આવી છે. ઈક઼્બાલનો કાર્યકાળ ૧૯૫૩થી ૧૯૭૫ સુધીનો રહ્યો હતો. ઈક઼બાલ ક઼ુરૈશી છ ફુટ લંબાઈ ધરાવતા હતા તેથી ઘણી ઓછી ઊંચાઈ ધરાવતા આપણા આ ઈક઼્બાલ 'છોટે ઈક઼્બાલ' તરીકે ઓળખાતા હતા.

અય માદર-એ-વતન માદર-એ-વતન, રહેંગે લેકે રાજ હમ વો તેરા તખ્ત-ઓ-તાજ઼ હમ - સિપાહસાલાર – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

ગીતના બોલ પરથી જ્ણાય છે કે યુધ્ધ માટેની કૂચ કરતી વખતે આ ગીત સૈનિકોમાં દેશપ્રેમનું જોશ જગાવવા ગવાતું હશે. ગીતના ભાવને અનુરૂપ તેની ધુન કુચની ધુન છે.

કમલ મિત્રા પણ હિંદી ફિલ્મો માટે અજાણ્યું નામ છે.

પ્યાર બે-ક઼રાર હૈ, પ્યારકી પુકાર સુન, રખ લે આજ મેરી લાજ, મૈં તેરે નિસ્સાર સુન - યહુદીકી બેટી – ગીતકાર: કૈફી આઝમી

પ્રેમિકાના દ્વાર પર પુકાર કરતા પ્રેમીના ભાવને કૈફી આઝમી ભાવસભર શબ્દદેહ આપે છે. ગીત બેકગ્રાઉંડમાં ગવાતું હોઈ શકે છે. ગીતના અંતમાં રફીનો ઊંચો જતો સ્વર યાચનાની પુકારના આર્તનાદમાં ફેરવાઈ જાય છે. એકંદરે ગીત સાંભળવાલાયક રહે છે. 

આ ગીતનું લતા મંગેશકરે ગાયેલું વર્ઝન પણ છે. પ્રેમીઓનાં મિલન ન નથી શકવાનાં દર્દને તાદૃશ કરવા માટે આ વર્ઝનને સાવ જ અલગ પ્રકારે રચવામાં આવ્યું છે. 

આજના અંકના અંતમાં આપણી પરંપરા અનુસાર મોહમ્મદ રફીનું લેખન અજ વિષય સાથે બહુ નજીકથી સંકાળાયેલું ગીત પસંદ કર્યૂં છે. :

આંખમેં સુરત તેરી લબ પે ફસાના તેરા - છૂ મન્તર (૧૯૫૬) - સંગીતકાર ઓ પી નય્યર ગીતકાર: જાં નિસ્સાર અખ્તર 


૧૯૫૬નાં વર્ષમાં જ કોઈ પણ સંગીતકારે મોહમ્મદ રફી પાસે પહ વહેલી વાત ગવડાવ્યૂમ હોય એવાં સૉલો ગીતોની સંખ્યા એક પૉસ્ટ માટે પુરતી થઈ રહી છે, માટે ત્રીજા પંચવર્ષીય ખંડનાં બાકીનાં બે વર્ષો - ૧૯૫૭ અને ૧૯૫૮-નાં આ વિષય સાથે સંબંધિત ગીતો આપણે એક ખાસ પૉસ્ટ દ્વારા મોહમ્મદ રફીના જન્મદિવસે એક ખાસ પૉસ્ટ દ્વારા ૨૪ ડીસેમ્બરે સાંભળીશું.


પશ્ચાત નોંધ:

'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો' શ્રેણીના વર્ષ ૨૦૧૮ના બધા અંક એક સાથે, વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો - ૨૦૧૮ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાશે.

Sunday, December 2, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૯]


વર્તમાનમાં ફિલ્મ જગતને લગતું કંઈક વાંચવા મળે અને તેમાંથી આપણી આ શ્રેણી માટેનું એકાદ ગીત મળી જ રહે એ ઘટનાક્રમ આજના અંક માટે પણ બરકરાર છે.

'ગુજરાત સમાચાર'માં શ્રી અજિત પોપટની અઠવાડીક કોલમ 'સિને મેજિક'ના ૧૯-૧૦-૨૦૧૮ના લેખમાં હુસ્નલાલ ભગતરામે રચેલાં 'રાખી' (૧૯૪૯)નાં તલત મહમુદના સ્વરમાં ગવાયેલ ગીત તેરી ગલી સે બહુત, બેકરાર હો કે ચલે, શિકાર કરને કો આયે થે, શિકાર હો કે ચલે..નો ઉલ્લેખ છે.

ગીતના મુખડાના શબ્દો વાંચતાંની સાથે મારી જેમ તમને પણ લગભગ આ જ શબ્દોના મુખડામાં પ્રયોગવાળું, હસરત જયપુરીએ લખેલું અને શંકર જયકિશને રચેલું ;શિકાર' (૧૯૬૮)નું ગીત તુમ્હારે પ્યારમેં હમ બેક઼રાર હો કે ચલે, શીકાર કરનેકો આયે થે શિકાર હો કે ચલે ' જરૂર યાદ આવી ગયું હશે.

'અંગુલીમાલ' (૧૯૬૦)માં 'શિકારી શિકાર કરને આયે' એ શન્દોનો પ્રયોગ ખરેખર જંગલમાં રહેતાં લોકોએ શિકાર કરવા આવ્યું જણાતું યુગલ માટે એક ગીતમાં પ્રયોજ્યો છે. ગીતનાં ગાયકો બીજા અંતરામાં આ શિકાર કરવાનાં રૂપકને પ્રેમમાં શિકાર કરવાથવા સાથે પણ બહુ ચતુરાઈથી જોડી બતાવે છે.

ગીતના મુખડામાં અમુક ચોક્કસ શબ્દો સાંભળતાંવેંત એકાદ બહુ સાંભળેલું ગીત પહેલં યાદ આવે અને પછી થોડી વધારે શોધખોળ કરતાં બીજાં પણ કેટલાંક ગીતો મળી આવે એવો એક બી જો પ્રયોગ છે 'રૂખસે પર્દા જ઼રા હટા દો'.

શબ્દોમાં થોડા ફેરફાર સાથે સૌથી પહેલું ગીત જે કદાચ યાદ આવે તે આ હોવાની સંભાવના વધારે કહી શકાય

અપને રૂખ પે નિગાહ કરને દો...રૂખસે નક઼ાબ જ઼રા હટા દો મેરે હૂઝૂર - મેરે હૂઝૂર (૧૯૬૮) - ગાયક મોહમ્મદ રફી - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી

અને શોધ કરતાં તો યુ ટ્યુબ પર 'રૂખસે પર્દા જ઼રા હટા દો' પર તો બહુ બધી રચનાઓ જોવા મળે છે જેમાંની કેટલીક તો કંઈક અંશે શબ્દોના ધાર્મિક ભાવને લગતી પણ છે. આપણે એ રચનાઓને અહીં વિચારમાં નથી લીધી.

તે સિવાય મોહમ્મદ રફીએ જ સાવ અનોખા અંદાજમાં ગાયેલ બિપિન બાબુલ દ્વારા સંગીતબધ્ધ કરાયેલ અંજુમ જયપુરીની ફિલ્મ 'શાહી મહેમાન' (૧૯૫૫)ની રચનાની નોંધ તો સ્વાભાવિકપણે સઊથી પહેલી જ લેવી પડે…

શક્ય છે કે આપણામાંના ઘણાં માટે આ ગીત થોડું અપરિચિત હશે. તો હજૂ થોડા જ શબ્દોના ફેરફાર સાથેનું એક બીજું ગીત રજૂ કરીએ જે બહુ જ જાણીતું છે.

તુઝકો પર્દા રુખ-એ-રોશનસે હટાના હોગા - લાલા રૂખ (૧૯૫૮) - ગાયક તલત મહમૂદ - સંગીતકાર ખય્યામ

લગભગ આ જ શબોના પ્રયોગ પરથી આરબ સંસ્કૃતિની નબળી નકલ સમાન એક ગીત આ પણ છે -

ધાર્મિક અને ફિલ્મોમાં આ શબ્દો પરના મુખડા પરની રચનાઓ ઉપરાંત વ્યાવસાયિક ધોરણે જે લોકો 'ગઝલ શૈલી'ના ગાયકો તરીકે ઓળખ્યા છે તેવા ગાયકોએ પણ આ રચનાને પોતપોતાના અંદાજમાં રજૂ કરી છે -

જગજિત સિંઘ

તલત અઝીઝ

અનુપ જલોટા

પાકીસ્તાનમાં એક કદાચ ખાનગી મહેફિલમાં હિજાબ-સજ્જ ગાયિકાઓ પોતાની રચનાઓ રજૂ કરતી હોય એવા એક મંચમાં સદીઆ કાઝમી નામક ગાયિકાની રજૂઆત

આ શ્રેણીમાં હજૂ પણ કેટલાંક ગીતોની નોંધ લેવાની રહે છે જે હવે પછીના અંકમાં સાંભળીશું.