Showing posts with label Unforgettable songs. Show all posts
Showing posts with label Unforgettable songs. Show all posts

Sunday, January 14, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - જાન્યુઆરી ૨૦૨૪

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૮


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) ની માનપૂર્વકની ઓળખ કવિઓના સંગીતકાર તરીકે રહી છે. તેમનાં ગીતોની રચના ગીતકારની રચનાનાં હાર્દને અગ્રભૂમિમાં જાળવીને જ શાસ્ત્રીય કે લોક ગીતોના આધાર પર રચાતી રહી. શરૂઆતના દાયકા બાદ તેમનાં ગીતો આમ શ્રોતામાં ઓછાં સ્વીકાર્ય થતાં જણાવા લાગ્યાં હતાં. પરંતુ, '૭૦ના દાયકાના મધ્યમાં તો તેઓએ પોતાની કારકિર્દીના બીજા દાવમાં તેમની આગવી શૈલીનો સ્પર્ષ પાછો મેળવી લીધો હોય તેમ જણાવા લાગ્યું હતું. પરિણામે ૧૯૯૭ થી ૧૯૮૦માં તેમની શ્રેષ્ઠ રચનાઓ હિંદી ફિલ્મ સંગીતની તવારીખને ચોપડે નોંધાઈ. જયદેવ હવે તેમની સંગીત રચનાઓમાં ઓછાં જાણીતાં ગાયકોના સ્વરો વડે અવનવા પ્રયોગો પણ બહુ સહજતાથી કરવા લાગ્યા હતા.    

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને, અને

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના મણકામાં આપણે ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતોની યાદ તાજી કરીશું.

ગમન (૧૯૭૮)

આજિવિકાની શોધમાં મુંબઈમાં આવી વસતા પરપ્રાંતીઓનાં કથાવસ્તુ પર રચાયેલી ફિલ્મ 'ગમન'ની ઓળખ તેનાં ફિલ્માંકન કરતાં સંગીતથી વધારે રહી છે.  જયદેવને સંગીતકાર તરીકે મળેલા ત્રણ રાષ્ટ્રીય પુરકારો પૈકીનો બીજો રાષ્ટ્રીય પુરસ્કાર 'ગમન'નાં સંગીત માટે મળ્યો. દિગ્દર્શક તઈકે મુઝફ્ફર અલી, ચરિત્ર અભિંનેતા નાના પાટેકર અને દક્ષિણમાં ગાયક તરીકે જાણીતા થઈ ચુકેલા હરિહરને હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું એવી અનોખી વિશેષતા પણ 'ગમન'ને નામે નોંધાઈ છે. 

સીનેમેં જલન આંખોંમેં તૂફાન સા ક્યો ં હૈ .. ઈસ શહરમેં હર શખ્સ પરેશાન સા ક્યું  હૈ - સુરેશ વાડકર - ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

મૂંબઈમાં આજિવિકા રળવાના સંઘ્રષમાં ખુંપી ગયેલ પરપ્રાંતવાસી ટેક્ષી ડ્રાઈવરની મનોવ્યથા આ ગઝલમાં વ્યક્ત થાય છે. જોકે આ ગઝલના અર્થની ગહનતા કરતાં ગંંભીર પ્રકારનાં ગીતો માટે પ્રમાણમાં નવોદિત ગાયક કહી શકાય એવા સુરેશ વાડકરનો સ્વર અને  શાહર્યારની મહદ અંશે શુદ્ધ ઉર્દુ કહી શકાય તેવી ગઝલ રચના આજે પણ જ્યારે આપણા કાન પર પડી જાય છે તો તરત જ આપણાં મન પર સંપૂર્ણપણે કબજો લઈ લેતી અનુભવાય છે. 



આપકી યાદ આતી રહી રાત ભર ..... ચશ્મ -એ - નમ મુસ્કુરાતી રહી રાત ભર - છાયા ગાંગુલી - ગીતકારઃ મુક઼દ્દમ મોહીઉદ્દીન 

આ ગીત માટે છાયા ગાંગુલીને પણ શ્રૅષ્ઠ સ્ત્રી ગાયિકા તરીકેનો રાષ્ટ્રીય પુરકાર એનાયત થયો હતો. એક ગઝલ તરીકે બહુ ઘણાં ગાયકોએ તેને પોતપોતાની રીતે રજુ કરી છે, પણ જયદેવના આગવા સ્પર્શને કારણે આ ગીત એ બધાંથી અલગ જ તરી આવે છે.



આ ગીતની રચનામાં ઓછામાં ઓછાં વાદ્યોના પ્રયોગની સાદગીની ખુબીને સમજવા માટે ડી ડી સહ્યાદ્રી પર છાયા ગાંગુલીનાં આ ગીતનાં લાઈવ ગાયનને સાંભળવું જોઈએ.


અજીબ સનેહા મુઝ પર ગુઝર ગયા યારોં ..... મૈં અપને સાયે સે ..... કલ રાત ડર ગયા યારોં - હરિહરન - ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

મનના વિચારોમાં ખોવાયેલ વ્યક્તિના મનોભાવોને વ્યકત કરતી આ ગઝલની આગવી રજૂઆત દ્વારા હરિહરન હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.



બડે ધૂમ ગજરસે આયો રે નૌશા અમીરો કા - હીરા દેવી મિશ્રા, સાથીઓ -  ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

લગ્ન ગીતોની લોકપરંપરાનું આ ગીતની  સ્વાભાવિક અસર પેદા થાય એ માટે જયદેવે શાસ્ત્રીય ગાયકીનાં  હીરા દેવી મિશ્રાના સ્વરનો સફળ પ્રયોગ કર્યો છે.


અરે પથિક સુન ઈતની કહિયો ટેર ...... દિગ ઝર લાયી રાધિકા અબ બ્રીજ ભુલત ફેર ..... રસ કે ભરે તોરે નૈન સાંવરિયા - હીરા દેવી મિશ્રા  ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

રાધા કૃષ્ણનાં પ્રેમ શૃંગારનાં ગીતોની પણ લોકસંગીતમાં આગવી પરંપરા છે. સામાન્ય રીતે આવી રચનાઓને ભૈરવી ઠુમરીમાં રજુ કરાતી હોય છે.

આવી પારંપારિક રચનાઓને પણ જયદેવના સ્પર્શથી કેવી અલગ થતી રહે છે તે સમજવા માટે ગૌહર જાન, ગીરીજા દેવી, બેગમ અખ્તર અને પંડિત ભીમસેન જોશી જેવાં કલાકારોની આ રચનાની રજુઆત સાંભળવી ગમશે. 

પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહ (૨૦૧૩)મા આ રચનાને શફક઼ત અમાનત અલી અને અર્પિતા ચક્રબોર્તીના સ્વરમાં પ્રયોજેલ છે. 

સોલવાં સાવન (૧૯૭૮)

પી. ભારતીરાજા દ્વારા દિગ્દર્શિત તમિળ  ફિલ્મ '૧૬ વયતીનલે' (૧૬ વર્ષની ઉમરે)ની હિંદી રીમેક છે. તમિળ સંઅકરણ ખુબ સફળ રહ્યું હતું. એ સંસ્કરણ માટે પી સુશીલાને શ્રેષ્ઠ ગાયિકા તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર અને કમલ હસનને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ફિલ્મફેર પુરકાર મળેલ હતો, પણ હિંદી સંસ્કરણ્માં શ્રીદેવીનાં પદાર્પણની જાણે કોઈ જ નોંધ ન લેવાઈ. હિંદી સંસ્કરણમાં સહમુખ્ય ભૂમિકામાં અમોલ પાલેકર હતા.

પી કહાં પી કહાં ..... ધીરે સે હૌએ સે સુન મેરી યે, મેરે કાનોંમેં કહ દે રી પવન - વાણી જયરામ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

તારૂણ્યના ઊંબરે આવી ચૂકેલ ૧૬ વર્ષની કુમારીકાનાં મનમાં ફૂટતી પ્રેમની સરવાણીઓને જયદેવે આ ગીતમાં વાચા આપી છે.


બુઆ બકરી લેકર આયી હાંડી .... ફિર બીવીને સાગ પકાયાન સોચું તિલક લગાકે , સાગ સામને આયા હાથીકે બેટે , હાથી કે બેટેકી જવાની કાલી કોયલિયા ને સુની કહાની યેસુદાસ, અનુરાધા પૌડવાલ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

ગામડાંઓમાં અમુક ઉત્સવોની ઉજવણીમાં હાસ્યરસનાં ગીતોનું એક આગવું સ્થાન હોય છે. અહીં પણ એક એવાં પારંપારિક ગીતને જયદેવ પોતાની રીતે રજુ કરે છે.



ગોરીયા ઓ ગોરીયા ક્યું તુને ફુલ સજાએ રેશમી બાલોંમેં - વાણી જયરામ, યેસુદાસ, સાથીઓ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

સ્થાનિક ઉત્સવની ઉજવણીમાં ગામના યુવાનો અને યુવતીઓ જાહેરમાં પોતાના મનના ભાવ કહી લે એવાં ગીતોની પણ એક સહજ પરંપરા રહી છે. 



હજુ એક ગીત  - સારા રારા રારા ઢોલ કહાં બજા -ની નોંધ જોવા મળે છે, પણ ગીત યુટ્યુબ પર નથી મળી શક્યું.

તુમ્હારે લિયે (૧૯૭૮)

'તુમ્હારે લિયે' બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિતપુનર્જન્મનાં કથાવસ્તુ પર આધારિત ફિલ્મ હતી.

હો બોલે રાધા શ્યામ દીવાની, પી કા મુખડા ભોર સુહાની પ્રીત બીના જીવન ઐસા .... જૈસે નદીયા હો બીણ પાની  - લતા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

ભતૃહરીના જીવન પર આધારિત પારંપારિક નાટ્યકૃતિના પ્રસંગને ફિલ્મને અનુરૂપ બનાવીને રજુ કરાયો છે.


બાંસુરીયાં મન લે ગયી રે તેરી બાંસુરીયાં - આશા ભોસલે - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવની મુશ્કેલ ગીતરચનાને આશા ભોસલે પૂર્ણ રીતે ન્યાય આપે છે. 


મેરે હાથોંમેં લાગે તો રંગ લાલ મહેંદી તેરે નામકી - આશા ભોસલે - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવે નાયિકાના મનમાં ફૂટતા પ્રેમના  ભાવોને ન્યાય આપવાની જવાબદારી આશા ભોસલેને સોંપવાનું નક્કી કર્યું છે.

મોરે તરસ ગયે નૈના પિયા તોરે દરસ બીના .... બની દુલ્હન કભી ન રૈના પિયા તોરે દરસ બીના - ઉષા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવ ફરી એક વાર ઓછાં જાણીતાં ગાય્કો પાસેથી યાદગાર ગીતો ગવડાવી શકવાની પોતાની ખુબીને સાબિત કરે છે.


તુમ્હેં દેખતી હું લગતા હૈ ઐસા કે જૈસે તુમ્હેં જાનતી હું - લતા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી  

જયદેવના આ પ્રયોગશીલ તબક્કામાં પણ માધુર્યભરાં ગીતોને સરઈ શકવાની લાક્ષણીકતા ઝળક્યા વિના નથી રહેતી.



જયદેવના બીજા દાવની આપણી આ સફર, હવે પછીના મણકાઓમાં આગળ વધતી રહેશે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, December 10, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - ડિસેમ્બર ૨૦૨૩

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત  : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ – ૧૯૫

મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.


મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

આ પહેલાં આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીના ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં આવરી ચૂક્યાં છીએ. 

હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોને યાદ કરી રહ્યાં છીએ અત્યાર સુધી 

જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ,

ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ, અને

જુલાઈ ૨૦૨૩માં વર્ષ ૧૯૫૦નાં ગીતો

સાંભળી ચુક્યાં છીએ

૧૯૫૦માં ૬૭ યુગલ ગીતો આવ્યાં હતાં, જે સંખ્યા ૧૯૫૧માં ૫૧ યુગલ ગીતોની રહી છે.

આજના મણકામાં આપણે વર્ષ ૧૯૫૧માં છ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતોને સાંભળીશું.

ખેલ રે ખિલોને તેરી કાયા નહીં જાની રે - દશાવતાર - સુલોચના કદમ સાથે - ગીતકારઃ સરસ્વતી કુમાર દીપક - સંગીતકારઃ અવિનાશ વ્યાસ  

મોહમ્મદ રફીનું અવિનાશ વ્યાસ સાથેનું સૌ પ્રથમ સૉલૉ ગીત પણ 'દશાવતાર'માં જ છે. 

પ્રસ્તુત યુગલ ગીત માટે અવિનાશ વ્યાસે તેમણે જ મંગળફેરા (૧૯૪૯) માટે રચેલાં ગીતા દત્ત અને એ આર ઓઝાનાં સુપ્રખ્યાત યુગલ ગીત રાખનાં રમક્ડાં મારાં રામે રમતાં રાખ્યાં રેનો આધાર લીધો છે.



શ્યામ સુંદર મોહમ્મદ રફી સાથે સૌ પ્રથમ યુગલ ગીત છેક ૧૯૪૫માં રચી ચુક્યા છે, પરંતુ તે જી એમ દુર્રાની સાથેનું પુરુષ - પુરુષ યુગલ ગીત હતું. હવે તેઓએ મોહમ્મદ રફી સાથે, ચાર ગાયિકાઓ સાથે એક જ ફિલ્મમાં સૌ પ્રથમ વાર સ્ત્રી-પુરુષ યુગલ ગીતો રચેલ છે. 

હલ્લા ગુલ્લા લાઈલા ખુલ્લમ ખુલ્લા ... ઐશ કર લો કૉલેજ કી દીવારોંમેં કલ સે લીખે જાઓગે સબ કે સબ બેકારોંમેં = ઢોલક - સંશાદ બેગમ અને સાથૉ સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

ખુબ જ મસ્તીભરી ધુનમાં બંધાયેલ આ ગીતે એ સમયે ધુમ મચાવી હતી. 



એક પલ્ર રૂક જાના સરકાર ન મારો દો નૈનો કે માર - ઢોલક - લતા મંગેશકર સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

હળવા મિજાજનું આ રોમેંટીક ગીત આજે પણ સંભળવું ગમે છે.



ઐસે રસિયા કા ઐસે બલમા કા ક્યા ઐતબાર જૂઠા પ્યાર - ઢોલક - લતા મંગેશકર સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

પ્રેમ વ્યક્ત કરવા માટે જૂઠમુઠ એક બીજાંને ચીડવવાનો આ પ્રયોગ પણ  યુવાન વર્ગે નોંધી રાખવા જેવો છે.



મગર અય હસીના -એ - બેખબર ઝરા ચુપકે સે દેખ એક નજ઼ર મૈં હું બેક઼રાર નહીં નહીં મુઝે તુમસે પ્યાર નહીં નહીં - ઢોલક - સુલોચના કદમ સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

ફરી એક વાર એકબીજાંને ચીડવવાનો ડોળ કરીને અન્યોન્ય માટેના પ્રેમના રસના ઘુંટ્ડા ભરવા- ભરાવવાની લ્હાણ  કંઈક ઔર જ છે.



ચાંદકી સુંદર નગરીમેં પરીયોંકી રાની  .. રેહતી હૈ  - ઢોલક - ઉમા દેવી સાથે સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતકારઃ શ્યામ સુંદર

સંગીતનાં શિક્ષિકાનો જ સ્વર બેસુરો હોય એ વાત નાયક બર્દાસ્ત નથી કરી શકતો. પરંતુ એ સ્વરનાં બેસુરાંપણાને રજુ કરવા એમ સમયનાં ખ્યાતનામ પાર્શ્વગાયિકા ઉમાદેવીના સ્વરને રજુ કરવો દેખીતી રીતે અજુગતું લાગે.



મુઝે પ્રીત નગરિયા જાના હૈ - એક નજર - લતા મંગેશકર સાથે - ગીતકાર રાજેંન્દ્ર કૃષ્ણ - સંગીતકાર એસ ડી બર્મન 

એસ ડી બર્મનનાં યુગલ ગીતોની એક ખાસ મજા રહી છે. જોકે આ યુગલ ગીત એમણે રચેલાં યુગલ ગીતોમાં હવે ભુલાવા લાગેલ યુગલ ગીતોમાં  ગણી શકાય.



ઓ સુનલે સુનલે ઝરા જવાની કા જમાના હૈ સુહાના - નૌ જવાન - ગીતા દત્ત સાથે - ગીતકાર સાહિર લુધીયાનવી - સંગીતકાર એસ ડી બર્મન 

શેરીમાં ગીત ગાનાર પાત્રો ફિલ્મનાં મુખ્ય પાત્રોના જ ભાવમાં ગીત ગાય એવી પ્રથા એ સમયે બહુ પ્રચલિત હતી.

આ ગીતની સાથે એક બહુ રસપ્રદ વાત સંકળાયેલ છે. ફિલ્મમાં જે કોરસ ગાયકો છે તેમાં એક સંગીતકાર રવિ પણ છે. તેમને હજુ કામ નહોતું મળતું ત્યારની આ વાત છે. તેમના એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુદ આ વાત કહી છે. - (MUSIC COMPOSER RAVI & THE GOLDEN AGE OF HINDI CINE MUSICમાં ૬.૩૦ પછી).



પનઘટ પે આઈ દેખો મિલનકી બેલા -  નૌ જવાન - ગીતા દત્ત સાથે - ગીતકાર સાહિર લુધીયાનવી - સંગીતકાર એસ ડી બર્મન

શેરીમાં ગીત ગાનાર પાત્રો ફિલ્મનાં મુખ્ય પાત્રોના જ ભાવમાં ગીત ગાય એવી પ્રથા પર આ ગીત આધારિત છે. અહીં એસ ડી બર્મને બંગાળી લોક ધુનનો બહુ સરસ પ્રયોગ કર્યો છે.



કિસ્મતકા સુન ફૈસલા .... જબ લાગી ચોટ પે ચોટ દિલ હો ગયા ચુર ચુર - જૌહરી - આશા ભોસલે સાથે - ગીતકારઃ સોલા ક઼હામવી - સંગીતકારઃ પંડિત હરબંસ લાલ 

ફિલ્મ કે સંગીતકાર ખાસ જાણીતાં નથી. જોકે આ ગીતની વાદ્ય સજ્જા બહુ ચીવટથી ગોઠવાઈ છે એ બતાવે છે કે જો ફિલ્મ નિષ્ફ્ળ ન ગઈ હોત તો કદાચ આ સગીતકારની પ્રતિભાને વધારે ન્યાય મળત.



દિલ કો વો છેડતી હૈ  ... તમન્ના તુમ હી હો .... આંખોકી જિંદગી મેરી દુનિયા તુમ હી હો - લચક - આશા ભોસલે સાથે - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતકારઃ મોતીરામ

રફી અને આશા ભોસલેનાં પ્રારંભનાં યુગલ ગીતોમાં આશા ભોસલેની ગાયકી શૈલીને હજુ ઓ પી નય્યર સાથે કામ કરતાં જે અલગ ઘડતર મળ્યું તે નથી મળ્યું જણાતું.  



ઐસા ક્યા ક઼સૂર કિયા દિલ જો ચુર ચુર હો ગયા - નાદાન - લતા મંગેશકર સાથે - ગીતકારઃ પી એલ સંતોષી - સંગીતકારઃ ચિક ચોકલેટ 

પરદા પર આ ગીત મોહમ્મદ રફીના પાર્શ્વ સ્વરમાં  છે.


મજાની વાત એ છે કે રેકર્ડ માટે પુરુષ સ્વર ચીતળકરનો છે.

બન્ને સંસ્કરણો અલગ અલગ જ રચાયાં હશે કેમકે બન્નેમાં શબ્દોની તેમજ અમુક અંશે વાદ્ય સજ્જાની ગોઠવણી અલગ અલગ છે.

આ ક્લિપમાં લતા અને ચીતળકરનાં યુગલ ગીતનું સંસ્કરણ સાંભળી શકાય છે.


મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોના  ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૨ અને ૧૯૫૩નાં વર્ષનાં ગીતો હવે પછીના મણકાઓમાં સાંભળીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો શ્રેણીના ૮મા વર્ષના બધા મણકા   વિસરાતી `યાદો...સદા યાદ રહેતાં ગીતો : વર્ષ ૭મું - ૨૦૨૩ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, November 12, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - નવેમ્બર ૨૦૨૩

 શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – મેમ દીદી (૧૯૬૧)

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નું સંગીત મૂળ તો પોતાના નિજાનંદ માટે જ રહેતું. એટલે તેમનાં  ગીતોમાં જે ભાવ હોય તે પોતાની કલ્પના મુજબ રજુ કરવા સલીલ ચૌધરીની રચનાઓને જે સ્વરૂપનું માધ્યમ અપનાવતા તે બહુ જ અનોખાં રહેતાં. તો  શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)  પણ આવાં ગીતોની બધી જ આંટીઘૂંટીને પાર જઈને, એ ગીતની બાંધણીને અનુરૂપ બની રહેતાં જોવા મળે એટલા તેમની  મનની વાત બહુ જ સ્વાભાવિકતાથી કહી શકતાં પણ જોવા મળતાં.


એ દૃષ્ટિએ જોઈએ તો સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે સાવ જ અનોખા કળાકારોને એકઠા કારવાની નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય.  બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી બની રહી.   શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોનો સંગાથ આંકડાઓની દૃષ્ટિએ કદાચ બહુ માતબર ન ગણાય એમ માનનારો વર્ગ પણ એમ તો જરૂર સ્વીકારે છે કે હિંદી ફિલ્મ સંગીત માટે આ સંગાથ અનોખી કેડી કંડારનારો બન્યો છે. 

નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭,

૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦ અને

૨૦૨૨માં ૧૯૬૧  (ચાર દિવારી)

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર દિવારી, છાયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર, કે બન્ને,ની આગવી છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી સાંભળવાનું નક્કી કરેલ છે.

તે અનુસાર, સલીલ ચૌધરી સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા આજના મણકામાં આપણે મેમ દીદી (૧૯૬૧)નાં ગીતો યાદ કરીશું.

મેમ દીદી ૧૯૬૧

આજે જો 'મેમ દીદી' (૧૯૬૧) જોઈએ તો તેમાં હૃષિકેશ મુખર્જીની હળવા મિજાજ્ની ફિલ્મો દિગ્દદર્શિત કરવાની અનોખી હથોટી, ગંભીર કહી શકાય એવાં અનોખાં વાર્તાવસ્તુની હળવે હાથે થયેલી માવજત, ૧૭ વર્ષની કિશોરી એવી તનુજા અને તેની સમે વયસ્ક એવં ડેવિડ, જયંત અને લલિતા પવારના અભિનયો અને સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં કલ્પનાશીલ સર્જનો જેવાં અનેક પાસાં આપણને પ્રભાવિત જરૂર કરી રહે. જોકે ફિલ્મ રજુ થઈ ત્યારે એ સમયની ફિલ્મોના પ્રચલિત પ્રવાહથી આ જ પાસાંઓ એટલાં કદાચ અળગાં પડતાં હતા કે ફિલ્મની એ સમયે ખાસ નોંધ નહોતી લેવાઈ એવું જાણવા મળે છે.  

આડવાતઃ

૧. ફિલ્મના નાયક કેયસી મહેરા - મૂળ નામ કે સી મહેરા - એ મેમ દીદી પહેલાં ૧૯૬૦માં 'છબીલી'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી જતી. તે પછી તેમણે અચાનક ફિલ્મોની દુનિયાને રામરામ કહી દીધા અને ટાટા સ્ટીલમાં જોડાયા. અહીની તેમની ૪૧ વર્ષની સક્રિય કારકિર્દી પછી તેઓ જોઈંટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા. તે પછી પણ તેઓએ શાપુરજી પાલનજી ગ્રૂપમાં  રેસીડન્ટ ડાયરેક્ટર તરીકે કાર્યરત રહ્યા.

૨. 'મેમ દીદી' મૂળે તો ફ્રેન્ક કાપ્રાની ફિલ્મ 'અ પૉકેટફુલ ઑફ મિરેકલ્સ' (૧૯૬૧) નાં વાર્તાવસ્તુની બેઠ્ઠી નકલ જ હતી. જોકે ૧૯૬૧ની અંગ્રેજી ફિલ્મ પોતે પણ ફ્રેન્ક કાપ્રાએ જ ૧૯૩૩માં દિગ્દર્શિત કરેલ 'લેડી ફોર અ ડે'નું પુનઃનિર્મિત સંસ્કરણ હતી. આ ફિલમનું હજુ એક સંસ્કરણ  જેકી ચાનની ફિલ્મ મિરેકલ્સ (૧૯૮૯) હતી. તો વળી 'મેમ દીદી'ને હૃષિકેશ મુખર્જીએ ૧૯૮૩માં 'અચ્છા બુરા' તરીકે પુનઃનિર્મિત કરી હતી ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં અભિનેતાઓ બદલી ગયાં હોય એ સ્વાભાવિક છે, પણ નોંધપાત્ર રસપ્રદ ફેરફાર એ છે કે મેમ દીદીનાં જયંતના પાત્રમાં હવે તેમના પુત્ર અમજદ ખાન છે.

ભુલા કે ઝિન્દગીકે ગમ તરાના છેડો પ્યારકા, કે આ રહા હૈ આ રહા હૈ કરવાં બહાર કા - લતા મંગેશકર 

પર્દા પર ક્રેડીટ ટાઈટલ્સ સરકે છે તેની સાથે બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગે છે. પોતાની આગવી શૈલીમાં શૈલેન્દ્ર પોતાની જીવન ફિલ્સૂફીને ફિલ્મની વાર્તાવસ્તુનાં હાર્દ સાથે સાંકળી લે છે. સલીલ ચોધરીએ પાશ્ચાત્ય ધુન પર ગીતની બાંધણી કરી છે, પણ અંતરાના તાલ માટે ભારતીય તાલવાદ્યનો ઉપયોગ કર્યો છે



હુ તુ તુ તુ .... હમ તો ઘરમેં ચુલ્હા ફુંકે કરે મજ઼ે તુ .... હમ તો લડે જિન્દગીસે હમ સે લડે તુ - મહેંદ્ર કપૂર, લતા મંગેશકર, કોરસ 

આમ તો ફિલ્મની શરૂઆતમાં ડેવિડ અને જયંત બે મુખ્ય પાત્રોની મનોસ્થિતિનો પરિચય કરાવતું ગીત છે.. પરંતુ હુ તુ તુની રમતને રૂપક બનાવીને જીંદગીંમાં પતિપત્ની વચે ખેંચાખેંચીને જે સ્પર્ધા ચાલે છે તેને રજૂ કરેલ છે ગીતના બોલ આ બાબત વધારે સ્પષ્ટ કરે છે.

ગીતની બાંધણી સલીલ ચૌધરીએ પોતાની શૈલીમાં લોકધુન પર કરેલ છે.

ઢોલ્ બાજે તાંસે બાજે ઔર બાજે શહનાઈ 
બાબુલકી  મૈં લાડલીથી હો ગયી પરાયી 
દોસ્ત ગયે યાર ગયે જબસે કી લુગાઈ
હમને જાને કિસ ખુશીમેં બાંટી મિઠાઈ 

કામ કરો કાજ઼ કરો રોટી ભી જુટાઑ
ઘર આકે બીવીકે દુખડે સુનો ઔર સો જાઓ 
હાથ દાબો પાંવ દાબો માથ અભી સહલાઓ 
બાબુજી જબ સો જાયે તો મુન્નેકે સુલાઓ

પહેલા બે અંતરામાં નવપરિણિત પતિ -પત્ની પોતપોતાની ફરજ કેટલી આકરી છે તેની ખેંચાખેંચની ફરિફાઈ કરે છે.પણ ત્રીજા  અંતરામાં એકબીજાના દૃષ્ટિકોણને જોતાં સમજતાં પણ થઈ જાય છે.

હુ તુ તુ કા ખેલ શાદીસે કભી તો હારો

જીવનભરકા સાથ હૈ  યે મિલ જ઼ુલકે  ગુજારો 
હર દમ મૈં તુમ્હારી સુનું જબ ભી તુમ પુકારો
મિયાં બીવી રાજી તો દુનિયાકો ગોલી મારો 



રાતોં કો જબ નીંદ ના આયે ઘડી ઘડી કોઈ યાદ આયે, કિસી ભી સુરતસે ન બહલે દિલ તબ ક્યા કિયા જાયે બોલો - લતા મંગેશકર

ગીતનો આશય હિરોઈનનાં પાત્રનો પરિચય કરાવવાનો છે. હિરોઈનનો પ્રવેશ નહાતી નહાતી નાયિકાનાં મોં પરથી સાબુનાં ફીણ ઉતરતાં જાય છે તેમ થતો જતો બતાવાયો છે. 



બચપન ઓ પ્યારે બચપન ઓ લલ્લા સચ બતા ગયા કહાં તુ - લતા મંગેશકર

એ સમયની ફિલ્મોમાં પિકનિક ગીતોનું ખાસ સ્થાન હતું. અહીં પણ સલીલ ચૌધરી  કોયર શૈલીમાં આલાપનો અભિનવ પ્રયોગ કરે છે. 


 

મૈં જાનતી હું તુમ જ઼ૂઠ બોલતે હો તુમ કો મુઝસે પ્યાર હૈ તુમ જાનતી હો મૈં સચ બોલતા હું ફિર ભી સુનો ફિર ભી સુનો મુઝકો તુમસે પ્યાર હૈ  - મુકેશ, લતા મંગેશકર 

ફિલ્મોમાં હોવું જોઈએ એવું પ્રેમી યુગલનું આ ગીત છે.


 

બેટા વાઊ વાઊ વાઊ  મેરે કાન મત ખાઓ  .... સોને કી કટોરીમેં ચલકે દુભ ભાગ ખાઓ - લતા મંગેશકર 

લગ્નનાં સપનાં જોતી નાયિકા પોતાના મનના ભાવ કુંતરાં સાથે સંવદથી વ્યકત કરે છે ....  

મુખડામાં શ્વાનમિત્રને સોનાંની કટોરીમાં દુધ ભાતની મિજબાનીનું આમંત્રણ આપીને અંતરાઓમાં પોતાના હૃદયમાં ઉછળતા ભાવો કહેતી જાય છે - 

આજ મૈં છુઈ મુઈ લડકી બહુ બનુંગી બડે ઘરકી

હોગા તુ દરવારી મેરા રાની મૈં રૂપ નગર કી 

લન્ચ ડીનર પે હર દિન રહેગા આનાજાના
ખાયેંગે હમ ઇરયાની ઔર તુ બિસ્કુટ ખાના



હવે પછીના મણકામાં ૧૯૬૧ની સલીલ ચૌધરી - શૈલેન્દ્ર ની ત્રી જી ફિલ્મ 'સપન સુહાને'નં ગીત સાંભળીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.