શ્રેષ્ઠ પ્રુરુષ પાર્શ્વગાયક, શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયક અને શ્રેષ્ઠ યુગલ
ગીતોની ચર્ચા પરથી આ વર્ષના ટોચના
સંગીતકાર તો અલગ તરી જ આવ્યા હોય તે તો સ્વાભાવિક છે.
વર્ષ ૧૯૫૧ માટે શિખર પર પોતાનું સ્થાન અવશ્યપણે
પ્રસ્થાપિત કરવામાં એસ ડી બર્મન, શંકર જયકિશન,
અનિલ બિશ્વાસ, સી રામચંદ્ર, રોશન
અને નૌશાદ કામયાબ રહ્યા છે એ વિષે કદાચ બેમત નહીં હોય. હુસ્નલાલ ભગતરામ કે મદન મોહન પણ બહુ પાછળ નથી,
એમ પણ કહી શકાય.
વર્ષ દરમ્યાન આવેલી ફિલ્મો અને તેમાં રજૂ
થયેલાં કુલ ગીતોમાંથી ગુણવત્તા અને લોકપ્રિયતાના માપદંડે ખરાં ઉતરેલાં ગીતોનો
હિસાબ મૂકીએ તો આ પ્રકારનો ક્રમ ઉભરી આવતો
જણાશે :
એસ ડી બર્મન
- ૬ ફિલ્મોનાં ૪૭માંથી ૩૨ ગીતો
શંકર જયકિશન - ૪ ફિલ્મોનાં ૩૫માંથી ૨૮ ગીતો
અનિલ બિશ્વાસ
- ૩ ફિલ્મોનાં ૨૫માંથી ૧૨ ગીતો
રોશન
- ૨ ફિલ્મોનાં ૧૭માંથી ૧૩ ગીતો
સી રામચંદ્ર તો તેમની એક જ ફિલ્મ - અલબેલા-ના જ
આધારથી આ ક્લબમાં આદરણીય સ્થાન મેળવી ચૂકે છે. સામાન્ય રીતે જે ફિલ્મોને, બહુ જ નામી સ્ટાર કાસ્ટ, નામી પ્રોડકશન હાઉસ, વિદ્વાનોમાં ચર્ચાય તેવી કથાને કારણે 'ઉચ્ચ કક્ષા'ની કહેવાય તેમાંની આ ફિલ્મ નહોતી, અહીં તો સામાન્ય સિને દર્શકને ધ્યાનમાં રાખીને 'મસાલો' હતો. આ પશ્વાદભૂને અનુરૂપ થીયેટરમાં સિસોટીઓની ગુંજ વરસાવતાં બેહદ લોકપ્રિય,
હળવાં, ગીતો - શોલા જો ભડકે દિલ મેરા ધડકે, શામ ઢલે ખીડકી તલે, દીવાના પરવાના શમા પે લે આયા દિલ કા નઝરાના-ની
જ સાથેની પંગતમાં મર્મજ્ઞ વિવેચકો અને ભાવુક શ્રોતાઓને તરબોળ કરી મૂકે તેવાં કોમળ
અને ભાવવાહી ગીતો - બલમા બડા નાદાન રે, દિલ ધડકે નઝર શરમાયે, ધીરે સે આજા રે
અખિયન મેં નિંદીયાં -પણ રજૂ કરીને સી. રામચંદ્રએ એક અનોખો જ વિક્રમ સર્જ્યો છે.
જો કોઇએ એક જ ફિલ્મની દૃષ્ટિએ વર્ષના 'શ્રેષ્ઠ' સંગીતકારની પસંદ કરવાની હોય તો ફિલ્મ 'બાઝી' માટે એસ ડી બર્મન, 'આવારા' માટે શંકર જયકિશન, 'મલ્હાર'માટે રોશન, 'દીદાર' માટે નૌશાદ કે 'અલબેલા' માટે સી રામચંદ્રનાં નામોની ચીઠ્ઠી ઉપાડીને કોઇ
એક નામની લોટરી જ કાઢવી રહી.