Thursday, August 29, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અન્ય ગાયિકાઓ [૧]


હવે પછીના હપ્તાઓમાં આપણે ૧૯૪૬નાં વર્ષ માટે જે ગાયિકાઓનાં એકાદ બે ફિલ્મોમાં જ ગીતો જોવા મળે છે તેવી અન્ય ગાયિકાઓનાં ગીતો ચર્ચાની એરણે સાંભળીશું. આ ગાયિકાઓનાં ગીતોની સંખ્યા પણ બહુ મર્યાદિત છે. વળી, તેમાંનાં કેટલાંક ગીતોની સૉફ્ટ નકલો ઉપલબ્ધ ન હોવાથી અહીં તો ઘણાં ઓછાં ગીતો  સાંભળવા મળે છે.
દિલશાદ બેગમનાં સૉલો ગીતો
સાજન સંગ ન ચલો - કહાં ગયે – સંગીતકાર: લછ્છીરામ તોમર
હિંદી ફિલ્મ ગીત કોષમાં ગાયિકાનાં નામનો ઉલ્લેખ નથી.

દુનિયાવાલોં નાદારોંકી મદદ કરો - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: તુફૈલ હોશીયારપુરી

ભર લાયી હું જવાની સાગરમેં, જન્નત સે ચલ કર આઈ હું - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: તુફૈલ હોશીયારપુરી

અદા, અદા તેરી મસ્ત-એ-શરાબ હો રહી હૈ - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: અઝીઝ કશ્મીરી

કલ્યાણી દાસનાં સૉલો ગીતો
ચાંદ પાસ હૈ, રાત અંધેરી ક્યું - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર

બાદલ ગરજ ગરજ કે પૈગ઼ામ સુના દે - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર 

જીવન સરગમ પે ગાએ જા ગીત સુહાને -  બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત રામ મૂર્તિ

નઝરેં બતા રહી હૈ, તુમ દૂર જા રહે હો - ઝમીન આસમાન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાસ્મી

રોનેકા રોગ લગ ગયા, તડપે હંસી  હંસી મેં  હમ, ગાયે ગાયે ખેલ મેં મિટ ગયે દિલ્લગી મેં - ઝમીન આસમાન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાસ્મી  

મીના કપૂરનાં સૉલો ગીતો
મીના કપૂરે 'આઠ દિન'નાં અહીં રજૂ કરેલ ગીતથી હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કરેલ છે. તે સિવાય પણ તેમણે આ વર્ષે કે સી ડેનાં સંગીત નિદર્શનમાં 'દૂર ચલેં'માં પણ ગીત ગાયું છે, પણ એ ગીતની ડિજિટલ નકલ નથી મળી શકી.
કિસી સે મેરી પ્રીત લાગી, અબ ક્યા કરૂં - આઠ દિન – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી

નીનાનાં સૉલો ગીતો
'પૃથ્વીરાજ - સંયુક્તા'માં નીના પૃથ્વીરાજ કપૂરની સામે મુખ્ય ભૂમિકામાં છે. જોકે આ પહેલાં (કે હવે પછી પણ), આ સમયની ફિલ્મો અને ગીતો વિષે મારી મર્યાદિત માહિતીને કારણે,મેં અભિનેત્રી તરીકે કે ગાયિકા તરીકે તેમનું નામ સાંભળ્યું નથી.
બીગડી મેરી બના દે, મન કો ડરાનેવાલે - પૃથ્વીરાજ - સંયુક્તા - સંગીતકાર એસ કે પાલ - ગીતકાર જોશ મલીહાબાદી 

ક્યા જાને મન ક્યા કહેતા હૈ - પૃથ્વીરાજ - સંયુક્તા - સંગીતકાર એસ કે પાલ - ગીતકાર જોશ મલીહાબાદી
યુટ્યુબ પર ગાયિકા તરીકે સિતારા કાનપુરી દર્શાવેલ છે.

સુંદર સપના બકે આલી નયનન મેં કૌન સમાયા – પૃથ્વીરાજ - સંયુક્તા - સંગીતકાર: એસ કે પાલ - ગીતકાર: અખ્તર-ઉલ-ઈમામ 
યુટ્યુબ પર ગાયિકા તરીકે સિતારા કાનપુરી દર્શાવેલ છે.

હવે પછી ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષ માટેનાં  બીનાપાની મુખર્જી, સુશીલા રાની, જયશ્રી, પારૂલ ઘોષ, ગીતા રોય, લતા મંગેશકર વગેરેનાં સૉલો ગીતો સાંભળીશું.

Sunday, August 25, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૪]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

મન્ના ડેની કારકીર્દીના એવા સમય ગાળાની આપને વાત કરી રહ્યાં છીએ જ્યાં બીજી પેઢીના ઉગતા સિતારાઓ માટે તેમણે ગાયેલાં ગીતો લોકપ્રિય થઈ રહ્યં હતા. અભિનેતાઓની આ પેઢી પણ જ્યારે સફળતાને વરી ત્યારે, બહુ મોટા ભાગના કિસ્સાઓમાં, તેમના પાર્શ્વગાયકનું સ્થાન ફરીથી મોહમ્મદ રફી પાસે જ રહ્યું
રાજકુમાર સાથે


રાજ કુમારે તેમની કારકિર્દીની શરૂઆતમાં પરંપરાગત હીરો પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પણ તેમને આપણે આજે યાદ કરીએ છીએ તેમની વિશેષ મુખ્ય ભૂમિકાઓ, જે પૈકી અમુક તો એન્ટિ-હીરો પ્રકારની પણ હતી, માટે. તેમની કારકિર્દીને આવો મોડ આપનાર એક ભૂમિકા હતી 'મધર ઇન્ડિયા' (૧૯૫૭)માં રાધા (નરગીસ)ના પતિ 'શામુ' તરીકેની તેમની ભૂમિકા.
ચુંદરીયા કટતી જાયે રે, ઉમરીયાં ઘટતી જાયે રે - મધર ઇન્ડિયા (૧૯૫૭) – સંગીતકાર: નૌશાદ - ગીતકાર: શકીલ બદાયુની
તકનીકી દૃષ્ટિએ તો ગીત, બેકગ્રાઉનડમાં ગવાતું ગીત છે, પણ આપણને તો તે 'શામુ'નાં દિલનાં મનોમથનોની વાચા તરીકે જ સંભળાય છે.
આ ગીત મન્ના ડેનાં એક બહુ જ યાદગાર ગીતોમાં મોખરાની હરોળમાં તો સ્થાન પામતું જ ન્રહ્યું છે, પણ મન્નાડે પાસે નૌશાદે બહુ જ ઓછાં ગીતો ગવડાવ્યાં હોવા છતાં નૌશાદનાં પણ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન શોભાવે છે.

દિલ કો બાંધા ઝુલ્ફકી ઝંઝીર સે, હોશ લૂટે હુસ્નકી તાસીર સે - ઝિંદગી (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન- ગીતકાર: હસરત જયપુરી
કેટલાક શેરનાં પઠન દ્વારા વ્યક્ત કરવાનો આ શંકર જયકિશને કરેલ પ્રયોગ ફિલ્મમાં રાજ કુમારનાં પાત્રના એકપક્ષી પ્રેમના એકરારની સ્વગત સ્વીકૃતિ દર્શાવે છે.

જનક જનક તોરી બાજે પાયલિયા - મેરે હુઝૂર (૧૯૬૮) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
રાજ કુમારની બિનપરંપરાગત ભૂમિકાઓમાંની બહુ ખ્યાત ભૂમિકા માટે જ્યારે શાસ્ત્રીય ઢાળમાં ગીતની સિચ્યુએશન નક્કી કરવામાં આવી હશે ત્યારે શંકર જયકિશને કોઈ પણ જાતના ખચકાટ વિનાજ મન્ના ડેની પસંદગી કરી લીધી હશે.

હર તરફ યહી અફસાને હૈ, હમ તેરી આંખોંકે દીવાને હૈ - હિન્દુસ્તાનકી ક઼સમ (૧૯૭૪) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી
રાજ કુમારે પર્દા પર ભજવેલાં વાયુદળના અફસરનાં પાત્રના હોઠ પર જ્યારે પોતાના પ્રેમની યાદ કરતા શબ્દો ફૂટવા લાગે છે તેને પણ વાચા આપવા માટે મદન મોહનની પસંદગી પણ મન્ના ડે જ રહે છે.

અને છેલ્લે રેકોર્ડ પર જે ગીત માટે મન્ના ડેનું નામ નથી, પણ તેમના સ્વરથી શરૂઆત કરવામાં શંકર જયકિશને જે રીતે મન્નાડેના સ્વરનાઓ પ્રયોગ કર્યો છે, તેની નોંધ લઈએ -
હમ દિલકા કંવલ દેંગે ઉસકો હોગા કોઈ એક હજારોંમેં - ઝિંદગી (૧૯૬૪) - લતા મંગેશકર અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
કાર્યક્રમ પહેલાંના પૂર્વાભ્યાસમાં, રાજ કુમાર આ નૂત્યગીતના નિદર્શકની ભૂમિકામાં મુખડાની રજૂઆત કરી બતાવે છે જેને વૈજયંતિમાલા અને તેનું નૃત્ય સખીવૄંદ ઝીલી લે છે.

રાજેન્દ્ર કુમાર સાથે

રાજેન્દ્ર કુમારને 'જ્યુબિલી' કુમારનાં બીરૂદની પહેચાન મળી તે પહેલાંની તેમની ફિલ્મોમાં તેમને જૂદા જૂદા ગાયકોએ પાર્શ્વસ્વર પૂરો પાડ્યો હતો. એ ગીતો પૈકી મન્ના ડે એ રાજેન્દ્ર કુમારનાં ગીતોની અલગ ઓળખ બની હતી. અહીં પણ બે ગીતો એવાં છે જે રાજેન્દ્ર કુમાર સફળ બની રહ્યા પછી માત્ર મોહમ્મદ રફીના સ્વરનાં ગીતો જ પર્દા પર અભિનિત કરતા હતા એ સમયનાં છે. એક ગીત આપણે છેલ્લે સાંભળેલ ગીતની ફિલ્મ 'ઝિંદગી'નું છે, તો બીજું એક નિયમના અનુસરણની અને બીજા નિયમના અપવાદની પુષ્ટિ કરે છે.
મુસ્કુરા લાડલે મુસ્કુરા - ઝિંદગી (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
મન્નાડે માટેના શંકર (જયકિશન)ના ખાસ લગાવને આપણે જણીએ છીએ એટલે આ ગીત માટે મન્ના ડેની પસંદગી શ્રોતાની દૃષ્ટિએ કદાચ ઓછી આશ્ચર્યકારક ગણી શકાય, પણ હવે 'સ્ટાર' બની ચૂકેલા રાજેન્દ્ર કુમારે પાર્શ્વ સ્વર તરીકે મન્ના ડેના સ્વરમાટે સંમતિ કેમ કરીને આપી હશે તે જાણવું જરૂર રસપ્રદ બની રહે.

તેરે નૈના તલાશ કરે જિસે - તલાશ (૧૯૬૯) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ઠેઠ રોમેંટિક યુગલ ગીતમાટે જેટલી ચોક્કસપણે એસ ડી બર્મને મોહમ્મદ રફીના સ્વરની પસંદગી કરી હશે એટલી જ નિશ્ચિત સહજતાથી શાસ્ત્રીય ઢાળ પર રચાયેલાં નૃત્ય ગીત માટે તેમની પસંદ મન્ના ડે જ રહ્યા હશે.

હવે ફરીથી આપણે હિંદી ફિલ્મ જગતનાં દલદલમાંથી બહાર નીકળી આવીને સફળતાની નક્કર જમીનની શોધના રાજેન્દ્ર કુમારના સમયની ફિલ્મોનાં ગીતોની કેડી પર ફરીથી આવીએ.
મેરે જીવનમેં કિરન બનકે બિખરનેવાલે બોલો તુમ કૌન હો - તલાક઼ (૧૯૫૮) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
મુખ્ય કલાકારોના દિલના ભાવને (મોટા ભાગે) શેરી ગીત ગાનારાં કલાકારોનો મોંએથી વ્યકત કરતાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત હતો. અહીં પણ રાજેન્દ્ર કુમાર અને કામિની કદમના દિલના ભાવોને જ પર્દા પર ગીત ગાઈ રહેલ યુગલ વાચા આપી રહ્યું છે તે વિષે કોઈ શંકા આપણને નથી રહેતી.
લતા મંગેશકરના સ્વરની નૈસર્ગિક મીઠાશ અને મૃદુતામાં ઉઘડતાં ગીતના મુખડાની સાથે કે અંતરામાં વાદ્ય સંગીતની સાથે ગવાતા આલાપની સાથે મન્ના ડે પણ એટલી સહજતાથી સુર અને ભાવ મેળવતા રહ્યા છે.

ઓ બાબુ ઓ મેમસાબ ક્યા રખા ઈસ તક઼રારમેં, ઝરા તો આંખેં દેખો મિલા કે બડા મઝા હૈ પ્યાર મેં - તલાક઼ (૧૯૫૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
રમુજના ભાવમાં રજૂ થયેલાં યુગલ ગીત માટે પણ સી રામચંદ્રની પસંદગી મન્નાડે પર ઉતરેલ છે.

બિગુલ બજ રહા આઝાદી કે નારોંકા - તલાક઼ (૧૯૫૮) - સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપ
દેશપ્રેમના જોશને રજૂ કરવા માટે મન્ના ડેના સ્વરની પસંદગી સાહજિક હોય એ તો સમજાય છે. પણ જો ધ્યાનથી સાંભળીશું તો એવું લાગશે કે જો ગીતમાં સુરના બહુ મુશ્કેલ ઉતાર ચડાવ ન વણી લેવાયા હોત તો, 'પૈગામ' (૧૯૫૯)માં દૌલતને આજ પસીનેકો લાત હૈ મારી ગીતને જેમ સી રામચંદ્ર એ પોતાના જ સ્વરમાં રજૂ કરવાનું મુનાસિબ માન્યું તેમ આ ગીત પણ પોતે ગાશે તેવી ધારણાથી ગીતની બાંધણી કરવામાં આવેલી જણાય છે.

યે હવા યે નદીકા કિનારા - ઘર સંસાર (૧૯૫૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
રવિ પણ આ રોમેન્ટીક યુગલ ગીત માટે મન્ના ડે પર જ પોતાની પસંદ ઉતારી રહ્યા છે. અથવા, મોહમ્મદ રફીનો સ્વર તેમણે ફિલ્મમાં જ્હોની વૉકર માટે પ્રયોજ્યો છે એટલે એ સમયે રાજેન્દ્ર કુમાર અભિનિત ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારનાં ગીતો મન્નાડે ગાય તે તો સફળતાની સ્વીકૃત ચાવી પણ જણાય છે.

બોલે યે દિલકા ઈશારા, આંખોંને મિલ કે પુકારા - સંતાન (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી
આનંદ અને દુઃખના ભાવને રજૂ કરતાં, સરળ રોમેન્ટિક, જોડીયાં ગીત - દિલને ઉસે માન લિયા - મુકેશના સ્વરમાં અને પ્રસ્તુત રોમેન્ટિક રમતિયાળ યુગલ ગીત માટે મન્ના ડેના સ્વરને પસંદ કરીને, સફળતાનાં સિધ્ધ થયેલાં સમીકરણને જ અનુસરવાની સલામત નીતિ દત્તારામે અપનાવી હોય એમ લાગે છે.

ન જાને કહાં તુમ થે, ન જાને કહાં હમ થે , જાદુ યે દેખો હમતુમ મિલે હૈં - ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: પ્રદીપ
અહીં પણ દૂઃખના ભાવનું કભી કિસીકી ખુશિયાં કોઈ લૂટે ના મુકેશના સ્વરમાં રેકોર્ડ કરી અને પ્રસ્તુત યુગલ ગીત મન્નાડેના સ્વરમાં વણી લઈને સફળતાની સિધ્ધ થયેલ ચાવીને જ ફરીથી અજમાવી લેવી એ તો સાહજિક શાણપણ છે.

રાજેન્દ્ર કુમારે ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' (૧૯૬૦)માં પણ કામ કર્યું છે. અહીં પણ મન્ના ડેએ તેમના માટે બે ગીત ગાયાં છે.
મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)- લતા મંગેશકર સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસે ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર દ્વારા અભિનિત એક યુગલ ગીતમાં મોહમ્મદ રફીનો અને બીજામાં મન્નાડેનો સ્વર રાજેન્દ્ર કુમાર માટે કેમ પસંદ કર્યો હશે તે વિષે તો કોઈ માહિતી નથી. પણ બન્ને ગીત સાંભળીએ છીએ તો આપણને બન્ને પાર્શ્વસ્વર રાજેન્દ્ર કુમારની અભિનય શૈલી સાથે બંધ બેસતા જણાય છે.

દરદ એક જ છે કે હું બેદરદ થાતો જાઉં છું - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) -સંગીતકાર: અવિનાશ વ્યાસ
હિંદી ફિલ્મમાં જો આ રચના રજૂ થઈ હોત તો મન્નાડેનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવવા માટે તેના તરફ ચાહકો અને વિવેચકોનું ધ્યાન જરૂરથી ખેંચાયું હોત.

અને છેલ્લે,
મેરે ઘરસે પ્યાર કી પાલક઼ી ચલી ગઈ - પાલક઼ી (૧૯૬૭) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની
આ ગીતમાં મન્નાડેનો સ્વર તો પર્દા પર કોઈ ફકીર માટે પ્રયોજાયો છે. પણ ગીતનાં કેન્દ્રમાં રાજેન્દ્ર કુમાર (અને વહીદા રહેમાન) છે એટલે અહીં તેની નોંધ લેવાનું ઉચિત ગણ્યું છે.

૧૯૬૧ પછીથી રાજેન્દ્ર કુમારનો સિતારો વાદળોમાંથી બહાર અવીને પૂર્ણ પ્રકાશમાં ચમકવા લાગ્યો, પણ નિયતિએ (અને હિંદી ફિલ્મની વ્યાપારિક ગણતરીઓએ) હવે તેમના પાર્શ્વ સ્વર તરીકે મોહમ્મદ રફીને પ્રસ્થાપિત કરી મુક્યા હતા.
મન્ના ડેની કારકીર્દીને ફિલ્મોના પહેલી હરોળના ગણાતા મુખ્ય પુરુષ અભિનેતા માટેનો જ અચુક પાર્શ્વ સ્વર બનવા માટે હજૂ કેટલી વાર કપને હોઠથી આંગળી જેટલું છેટું રહી ગયું તેની દાસ્તાન યાદ કરવાની આપણી યાત્રા હજૂ ચાલુ છે.

Thursday, August 22, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નસીમ અખ્તર, પારો દેવી


નસીમ અખ્તરનાં  સૉલો ગીતો
વિન્ટેજ એરાનાં ફિલ્મ સંગીત સાથે પરિચિત મિત્રો માટે નસીમ અખતર નામ જરૂર જાણીતું છે. જો કે મારો આ બધાં ગાયકો સાથેનો પરિચય 'ચર્ચાની એરણે' શ્રેણીમાં ૧૯૪૮ અને તે પહેલાંનાં વર્ષોનાં ગીતો સાંભળવાને કરણે જ થયો છે અને એટલા પૂરતો મર્યાદિત પણ રહ્યો છે. ૧૯૪૬નાં વર્ષ માટે આપણને નસીમ અખ્તરનાં એ સમયે લોકપ્રિય થયેલી 'કીમત' અને 'શાહજાહાં'નાં સોલો ગીતો ઉપરાંત, પહેલી જ વાર જેના વિષે આજે જાણવા મળ્યું હોય એવી ત્રણ ફિલ્મોનાં પણ સોલો ગીતો સાંભળવા મળે છે.
ચાંદ કો ગલે લગાયે બદરવા - કીમત – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હમસે ખુશ હૈ ઝમાના - કીમત – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

જીતા હૈ યા મરતા હૈ કોઈ. તુને ન જાના અય ભુલનેવાલે - કીમત – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

મન પગલે સ્વપ્ન દિખાયે, મન જ઼ૂઠે દિપ જલાયે - કીમત – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

બોલો બોલો જી ભગવાન, કૈસી રચાઈ તુને માયા - માં બાપકી લાજ – સંગીતકાર: અલ્લા રખા ક઼ુરૈશી 

પ્રભુજી મુજ઼ે આસરા હૈ તુમ્હારા - માં બાપકી લાજ – સંગીતકાર: અલ્લા રખા ક઼ુરૈશી

બરબાદ ન કર દે કઃહીં બેદર્દ ઝમાના, અલ્લાહ બચાના - શાહજહાં – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંક્વી

આગ લગી હૈ દિલમેં વહ પ્યારી, ગાને લગી વો ઉમંગે સારી - શાહજહાં – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંક્વી 

મુઝે લૂટ લિયા રે….ભોલે સનમને - સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ 
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયિકાનાં નામનો ઉલ્લેખ નથી.

દુનિયા સે મિટા મુઝે યા દિલ સે ભુલાએ - વામિક઼ અઝરા – સંગીતકાર: અલ્લા રખા ક઼ુરૈશી  -    ગીતકાર: તન્વીર નક્વી

આ તેરા ઈન્તઝાર હૈ - વામિક઼ અઝરા – સંગીતકાર: અલ્લા રખા ક઼ુરૈશી  -    ગીતકાર: તન્વીર નક્વી

પારો દેવીનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં પારો દેવી એ સચિન દેવ બર્મનની પણ પહેલવહેલી હિંદી ફિલ્મ 'શિકારી'થી હિંદી ફિમ સંગીતના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. તે ઉપરાંત 'ધનવાન'માં પણ તેમનું અદાકારા તરીકે નામ છે, એટલે યુ ટ્યુબ પર આજે મળી શકેલાં એકથી વધારે ગીત તેમણે ગાયાં હોવાની શક્યતા છે. પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષમાં પણ એ વિષે કોઈ નક્કર માહિતી ન હોવાથી આપણે જે મળ્યું છે તેનો સંતોષ માની લઈશું.
તેરે ગ઼મ સે મિઅલ રહા હૈ, મુઝે હર તરાહ સહારા - ધનવાન – સંગીતકાર: શાંતિ  કુમાર – ગીતકાર: બેહજ઼ાદ લખનવી

જબ ઘર મેં લગી આગ, સભી બંશી બજાએ - શિકારી – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનું એક સોલો અને એક સાથીઓ સાથેનું એમ બે વર્ઝનનો ઉલ્લેખ છે. યુ ટ્યુબ પરથી મળેલી ક્લિપમાં બન્ને વર્ઝન આવરી લેવાયાં જણાય છે. 

છુપો છુપો ઓ ડરનેવાલો - શિકારી – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી

હવે પછી ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષ માટેનાં  દિલશાદ બેગમ  અને કલ્યાણી દાસનાં સૉલો ગીતો સાંભળીશું.

Sunday, August 18, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ અને સંવર્ધિત વાસ્તવિકતા વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે  પ્રતિકૃતિકરણ (Simulation) વિષે ટુંકમાં ચર્ચા કરીશું..

પ્રતિકૃતિકરણ પૂર્વધારણા અનુસાર વાસ્તવિકતા એ એક ડિજિટલ પ્રતિકૃતિકરણ છે. તકનીકી પ્રગતિઓ જરૂર સ્વયંચાલિત કૃત્રિમ અતિબુદ્ધિ સર્જશે જે વિશ્વને સમજવા માટેનાં બધારે સારાં પ્રતિકૃતિકરણઓ સર્જશે. આ વિચાર એક બીજા વિચાર માટેનું દ્વાર ખોલે છે જેમાં એવૂં માનવામાં આવી રહ્યું છે કે માનવીમાં જ અતિબુદ્ધિ રહેલ છે જે પ્રતિકૃતિઓ બનાવ્યે રાખે છે. પહેલે ધડાકે વાસ્તવિકતા આભાસી છે તે વિચાર તર્કસંગત ન લાગે, પણ આ પૂર્વધારણા દસકાઓનાં વૈજ્ઞાનિક સંશોધનની નિપજ છે, જેને સ્ટીફન હૉકિંગ કે એલન મસ્ક જેવા શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો ગંભીરતાપૂર્વક વિચારે છે. [1]
ટેકોપિડીયા પ્રતિકૃતિકરણની વ્યાખ્યા આ મુજબ કરે છે - એવું સંશોધન કે નવી પહેલ જેમાં કોઈ સાચી ઘટનાનું અદ્દલોદલ નિરૂપણ કરાયું હોય. કુદરતની ઘણી ઘટનાઓને ગાણિતિક મોડેલ રૂપે રજૂ કરી શકાય છે. પ્રતિકૃતિકરણની મદદથી કુદરતી રીતે બનતી ઘટનાઓનાં પરિણામોનું અનુકરણ  માહિતી ટેકનોલોજિ તંત્રવ્યવસ્થાઓ દ્વારા શક્ય બને છે. [2]
'પ્રતિકૃતિકરણ'ની એક અન્ય સરળ વ્યાખ્યા મુજબ તે' વાસ્તવિક જીવનમાં બનતી પ્રક્રિયાઓ કે ઘટનાઓ કે તંત્રવ્યવ્સ્થાઓની સમયાનુસાર નકલ રજૂ કરે છે.'[3] પ્રક્રિયા કે તંત્રવ્યવસ્થાની નકલ કરવાથી જે કોઈ પણ ફેરફાર અને તેનાં પરિણામોનો નિયંત્રિત, પુનરાવર્તિત પરિસ્થિતિઓમાં અભ્યાસ શક્ય બને છે...ઉત્પાદનની નવી વ્યવસ્થાઓમાં કે નવી ડિઝાઈન્સ ને બજારમાં લાવવામાં કે નવી પ્રક્રિયાનાં ઘડતરમાં મોટા પાયાનાં ખર્ચાળ રોકાણોની જરૂર પડતી હોવાને કારણે પ્રતિકૃતિકરણનો ઉપયોગ ઘણા ઓછાં ખર્ચ અને સમયમાં આ પ્રકારના ફાયદાઓ કરી આપી શકે છે.
પ્રતિકૃતિકરણનો ઉત્પાદનનાં ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય નાના સ્થાનિક ફેરફારોની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા પર થતી અસરોને સમજી શકવાનો રહ્યો છે. સ્થાનિક સ્તરે થતા ફેરફાર અને તેનાં પરિણામ સમજવાં પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પણ ખુબ સંકુલ સમગ્ર પ્રક્રિયા પર તેની શું અસરો થશે તે કલ્પી શકવું દરેક વખતે સરળ અને શક્ય નથી બની શકતું હોતું. [4]
જેમ કે
નવી ડિઝાઈન લાગુ કરવાથી, નિયમિત ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ મશીનની વહેવારમાં શું કામગીરી બતાવશે તે ANDRITZ AUTOMATION Scada in P&P Balematic with INLINE Simulation toolમાં ચકાસાઈ રહ્યું છે.

૪.૦ અમલ કરતી ફેક્ટરીનો પહેલો માર્ગ જ પ્રતિકૃતિકરણ છે.[5] સ્માર્ટ ફેક્ટરીનાં અંગ સમાન 3D inspectionનું પ્રતિકૃતિકરણ કરવાથી ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધી શકે છે, તેમ જ  માલ સામાનની જરૂરિયાત-સાંકળનું પ્રોગ્રામિંગ 'સ્માર્ટ' કરી શકાય છે. -
-        કારણકે જ્યારે ઓફલાઈન તપાસનાં કામોને વહેવારમાં વપરાતાં સાધનો અને વાતાવરણનાં પ્રતિકૃતિકરણ કરેલ જોડકામાં જોઈ શકવાને કારણે ઘણાં માપણી અને દેખરેખનાં કામો ટાળી શકાય છે.
-        કારણકે, જ્યારે તપાસણી કાર્યક્રમની પ્રતિકૃતિ બનાવીને અપ્રત્યક્ષ, આભાસી પદ્ધતિઓ સ્વરૂપે ચલાવવાથી  તેમાંની સંભવિત ક્ષતિઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ સાથેની અથડામણોને ટાળી શકાય છે.-        કારણકે, ઓફલાઈન પ્રતિકૃતિકરણ મૂળ CAD ફાઈલ્સસાથે કામ કરીને ભૌમિતિક માપન અને સ્વીકાર્ય છૂટ (Geometric dimensioning and tolerancing - GD&T) નું અર્થઘટન સ્વયંસંચાલિતપણે જ કરી શકે છે.
વધારે વિગતે શોધખોળ કરવાથી આ વિષય પરનાં ઘણાં તકનીકી સંશોધનો ઉપલબ્ધ બની શકે છે. સ્વાભાવિકપણે, એ દરેકને વાંચવા માટે ઓળખની ચોક્કસ પદ્ધતિઓ આવશ્યક હોવાથી તેમનો આપણા આ લેખમાં ઉલ્લેખ નથી કરી શકાયો. એક પ્રતિનિધિ સંશોધન પત્રનો ઉલ્લેખ અહીં કરેલ છે, જે એ સંશોધનપત્રોનાં વસ્તુ અને આપણા વિષયને સમજવામાં કંઈક અંશે દિશાસૂચક નીવડશે –
  • An Application of Computer Simulation to Quality Control in Manufacturing - પ્રસ્તુત અભ્યાસ માટે કંપનીએ સંબંધિત ગુણધર્મ માટે એકલ સેમ્પ્લિંગ સાથેની સ્કિપ લૉટ પદ્ધતિ અખત્યાર કરેલ છે. પરિસ્થિતિનાં વિશ્લેષણથી એવું ફલિત થતું હતું કે કોમ્પ્લેક્ષ લૉટ પધ્ધતિ અહીં યોગ્ય બેસતી નહોતી, પણ અનેક- તબક્કાની સંબંધિત ગુણધર્મની સેમ્પ્લિંગ યોજના દરેક તપાસણીમાં લૉટ દીઠ સેમ્પલની સંખ્યા ઘટાડીને તપાસ કરનારની ઉત્પાદકતા વધારી શકે છે. આ પ્રસ્તાવોનાં નિદર્શન માટે કમ્પ્યુટર -રચિત પ્રતિકૃતિકરણ મોડેલ વિકસાવવામાં આવ્યું જે કંપનીમાં હાલમાં ઉપયોગમાં લેવાયેલી વ્યવસ્થાની અને અન્ય કેટલીક સંભવિત વ્યવસ્થાઓની પ્રતિકૃતિ હતી. આ પ્રયોગનાં પરિણામોના આધાર પરથી કંપનીએ લૉટ વચ્ચે 'યુનિફોર્મ સ્કિપ્પીંગ' અનુસારની તપાસ વ્યવસ્થા અને 'મલ્ટિ-સ્ટેજ સંબંધિત ગુણધર્મ સેમ્પ્લિંગ યોજના અપનાવવાનું નક્કી કર્યું.  છ મહિનાના સુધી આ નવી વ્યવસ્થાના અમલ બાદ કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવામાં આવ્યો.
  • Simulation in Quality Management – An Approach to Improve Inspection Planning - અનેક માલસ્માનની વસ્તુઓને આવરીને જૂદાંજૂદાં મશીનો પર કામ થતાં થતા અનેક તબક્કાઓ મળીને ઉત્પાદન પ્રક્રિયા બને છે.  ગુણવત્તા તપાસનું ક્ષેત્ર ઉત્પાદન પ્રક્રિયાસાથે સંકલન કરીને ઉત્પાદનો આવશ્યકતાપૂર્તિ કરે છે તે જોતાં રહેવાનું છે. ગુણવત્તા, ખર્ચ અને સમય એમ ત્રણ પરિમાણોની એક સાથે થતી અસરોને પરિણામે ઉત્પાદન પ્રક્રિયાના અલગ અલગ તબક્કાઓ અને અલગ અલગ તપાસ પધ્ધતિઓ વચ્ચેની ક્રિયા પ્રક્રિયા ઘણી સંકુલ સ્વરૂપે થતી હોય છે. આ સમગ્ર પારિસ્થિતિક સંજોગોનાં ગતિશીલ સંબંધોને ધ્યાનમાં લઈને તપાસણી માટેની વ્યૂહરચના ગોઠવવાની રહેતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રતિકૃતિકરણ દૃષ્ટિકોણને આ સંશોધન પત્રમાં ચર્ચવામાં આવેલ છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurshipમાંનો, Editorial Staff  નો લેખ, The “Curiosity” Disconnect Between Executives and Employees,  આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. સમગ્ર ઈતિહાસમાં જોઈ શકાય છે કે, આગ પેટાવવા માટે ચકમક પથ્થરથી લઈને સ્વ-સંચાલિત કાર સુધીની મોટા ભાગની નવી દિશાઓ કંડારતી શોધો કે નોંધપાત્ર આવિષ્કારોમાં જે એક બાબત સામાન્ય પણે જોવા મળે છે તે એ છે કે આ બધાં જ કુતુહલનું પરિણામ છે.
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • Improve Process Design at Your Organization - મોરસ્ટ્રીમના પ્રેસિડેન્ટ, વિલિયમ હૅથવે પ્રક્રિયા માટેનાં વર્તમાન સાધનો અને ચપળ પ્રક્રિયાની મદદથી પ્રક્રિયા આલેખનનાં સુધારણા વિષેની ચર્ચા કરે છે.
Jim L. Smithની જુલાઈ, ૨૦૧૯ની Jim’s Gems -
  • Resilience એટલે અવળા સંજોગોને કારણે જે માર પડ્યો હોય તે ખમીને ફરીથી બેઠા થવાની લવચિક ક્ષમતા. ….ફરી બેઠા થવાનો આ ગુણ, કે નુક્સાન વેઠ્યા પછી ફરી ઊભા થવાની શક્તિનો બહુ ઘણો સંબંધ આપણું પોતાનું મૂલ્ય સમજવાની ભાવના સાથે રહે છે. આપણું જીવન આપણા નિયંત્રણમાં છે કે બહારનાં પરિબળોનાં નિયંત્રણમાં છે તે બાબતે આપણો પોતાનો અભિગમ પણ આ વિષયમાં પોતાનો ભાગ ભજવે છે.…ફેર બેઠા થવાની લચીકતા કેળવવામાં ચાર મુખ્ય બાબતો પાયાની ગણી શકાય - એક, બીચારાપણાની ભાવના ટાળો. બીજું,
  • પરિવર્તનનાં સાતત્યને સ્વીકારીને તેને જીવનનું અભિન્ન અંગ ગણી લો, એટલે તેનાથી ભાગી છૂટવાની વૃતિ ન કેળવાય. ત્રીજું, અડચણોને અતિક્રમી નહીં શકાય તેમ ન માનો. ચોથું, સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • Persistence Pays Dividends - મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્યતઃ લોકો કંઈ પણ બદલાવ લાવવા માટે આઠ, કે બહુ બહુ તો દસેક, વાર કોશિશ કરે છે. તે પછી પણ જો ધાર્યો ફેરફાર થતો ન દેખાય તો પછી તેઓ હાથ ઊંચા કરી દે છે !…જે ખાસ વાત મોટા ભાગનાં આ પ્રકારનાં લોકોનાં ધ્યાનમાં નથી આવતી તે એ છે કે સફળતાની ચાવી પોતાના માટે ખરેખર મહત્ત્વનું શું છે તે બરાબર સમજવું અને પછી બધું, પૂરતું, વિચારીને, તે સિધ્ધ કરવા માટેનાં પગલાં લેવાં. આ પગલાં દરેક નિશ્ચિત સમયે અચુક લેવાવાં જ જોઇએ. દેખીતું પરિણામ ન આવતું દેખાય તો પોતાની વ્યૂહરચનામાં આવશ્યક ફેરફારો કરતાં રહીને પ્રયાસો, નિયત સમયે, કરવાનું ચાલુ જ રહેવું જોઈએ.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.