Sunday, October 6, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - સહ - અભ્યાસિક પ્રવૃત્તિઓ : લાયબ્રેરીનો ઉપયોગ અને ગ્રૂપ ચર્ચાઓ દ્વારા અભ્યાસ

 લાયબ્રેરીનો ઉપયોગ

મુખ્ય બ્લૉક્ની એક તરફની બાજુના સમગ્ર માળમાં લાયબેરી ફેલાયેલી છે. ઇન્સ્ટીટ્યુટના અભ્યાસક્રમના દરેક વિષયને લગતાં સંદર્ભ પુસ્તકો અને અભ્યાસેતર સામગ્રી અહીં ઉપલબધ હતાં. તે ઉપરાંત દરેક વિષયોને લગતાં આંતરરાષ્ટ્રીય સામયિકો પણ સુઘડ રીતે ગોઠવાયેલાં હતાં. અખબારોના વિભાગમાં દેશનાં લગભગ બધાં જ મહત્ત્વનાં અંગ્રેજી દૈનિકો તેમ જ અગ્રગણ્ય હિંદી સમાચારપત્રો વાંચવા મળતાં હતાં. અન્ય સામયિકોના અલગ વિભાગમાં અનેકવિધ વિષયોનાં સામયિકોના ચાલુ તેમજ પાછળના અંકો પણ પોતાની હાજરી નોંધાવતા હતા.

હું જ્યારે નવમા ધોરણમાં હતો ત્યારે મારા પિતાજીએ તેમનો અધુરો છૂટી ગયેલો એમ કોમનો અભ્યાસ શરૂ કરેલો. એ સંદર્ભમાં તેઓ લાયબ્રેરીમાંથી ફાઈનાન્સીયલ એક્ષપ્રેસ, ઈક્નોમિક ટાઈમ્સ અને ઇકોનોમિક એન્ડ પોલિટીકલ રિવ્યૂના પાછલા અંકો વાંચવા માટે લઈ આવતા. એટલે એ બધાં આર્થિક સમાચારપત્રો અને સામયિકોનાં નામથી હું પરિચિત હતો. પણ આ બધાં સાથે મારો ખરો પરિચય તો પ્રવેશ કસોટી સમયના ચાર દિવસો દરમ્યાન અહીં જ થયો હતો.

અહીં આવ્યા પહેલાં, વાંચનનો મારો શોખ મુખ્યત્ત્વે ગુજરાતી અને અમુક અંશે અંગ્રેજી કથા સાહિત્ય પુરતો મર્યાદિત હતો. અમારે ઘરે એક સ્થાનિક ગુજરાતી અખબાર અને એક અંગ્રેજી દૈનિક પણ નિયમિતપણે આવતાં. બહુ ઘણાં વર્ષો સુધી અંગ્રેજી દૈનિક ઇન્ડિઅન એક્ષપ્રેસ હતું. મૂળતઃ મારો અંગ્રેજીનો મહાવરો વધે એ આશયથી મારા પિતાજી મને અંગ્રેજી અખબાર વાંચવા માટે ખાસ કરતા. શરૂ શરૂમાં તો મને સમાચારોનાં કોલમનાં અંગ્રેજીમાં બહુ ઘેડ ન પડતી, પણ ક્રિકેટના મારા શોખને કારણે રમતગમતનાં પાનાં પર ક્રિકેટને લગતા અહેવાલો હું રસથી વાંચતો જોકે, એસ એસ સી સુધી પહોચતાં પહોચતાં હું તંત્રી લેખો વાંચવા સુધી પહોંચી શક્યો હતો. એટલે અહીં ઇન્ડિઅન એક્ષપ્રેસ વાંચવાનું શરૂ કર્યું તે સાથે સ્ટેટ્સમેન, હિન્દુસ્તાન ટાઈમ્સ જેવાં બીજાં સમાચારપત્રો પણ વાંચવાની ટેવ કેળવવાનું શરૂ કર્યું.

મૅનેજમૅન્ટનાંં પુસ્તકો અને હાવર્ડ બિઝનેસ રિવ્યૂ જેવાં સામયિકોનો એક બહુ સમૃદ્ધ વિભાગ હતો. પીટર ડ્રકર સાથે મારો પરિચય અહીં થયો.

આટલું બધું વાંચવાનું હતું, એટલે મેં એ જ સમયે નક્કી કરી લીધું કે અહીં છું ત્યાં સુધી કથા સાહિત્યનું વાંચન હું નહીં કરૂં. તે ઉપરાંત, મેં એમ પણ નક્કી કરી લીધું કે હું દરરોજનો એક કલાક તો અહીં ગાળીશ જ. મારી પ્રાથમિકતા આર્થિક દૈનિકો અને મૅનેજમેન્ટ સાહિત્ય વાંચવાની રહેશે. સમાચારો સાથે અવગત રહેવા માટે અંગ્રેજી અખબારો પણ હું નજર ફેરવી લેતો. અહીંના બે વર્ષના રહેવાસ દરમ્યાન મેં અંગ્રેજી સાહિત્યને લગતાં 'એનકાઉન્ટર', સાંપ્રત વિષયો પર ચર્ચાઓ રજુ કરતાં 'સેમિનાર' અને 'ધ ઇકોનોમિક અન્ડ પોલિટકલ રિવ્યૂ' સાથે પણ મારો પરિચય કેળવ્યો.

 ગ્રૂપ ચર્ચાઓ દ્વારા અભ્યાસ

સામા ન્યપણે દરરોજ સવારે ૮.૩૦ વાગ્યાથી ક્લાસીસ શરૂ થાય. ૧૨.૩૦ વાગ્યે એક કલાક માટે જમવાનો વિરામ અને પછી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી ક્લાસીસ હોય. દર શનિવારે અડધો દિવસ, ૧૨.૩૦ વાગ્યા સુધી, ક્લાસીસ હોય.

અમને લગભગ દરરોજ એક કે બે 'ફ્રી' પિરિયડ મળતા. વર્ગમાં જે અભ્યાસ થાય (કે કરવાનો હોય) તેને લગતી વધારાની તૈયારીઓ કરવા માટે સમય મળે એવો એ વ્યવસ્થાનો આશય હતો. હું, મોટા ભાગે, એ સમયનો ઉપયોગ લાયબ્રેરીમાં મારા ભાગની પૂર્વ તૈયારી માટેનાં, તેમ જ અન્ય, વાંચન માટે કરતો. બીજા મિત્રો પણ તેમના ભાગની તૈયારીઓ માટે લાયબેરીનો સક્રિયપણે ઉપયોગ કરતા. તે ઉપરાંત હોસ્ટેલમાં ઇન-ડોર રમતો માટે કે સમુહ ગપસપ માટે પણ આ નવરાશની પળો બહુ હાથવગી પરવડતી.

જોકે, રાતનાં જમણ પછી લગભગ દરરોજ અમે બધા પોતપોતાનાં ગ્રૂપમાં કોઈ પણ એક રૂમમાં એકઠા થઈને આગલા દિવસ માટેની પૂર્વ તૈયારી માટે ચર્ચા કરવા ભેગા થતા. ક્લાસમાં જો કોઈ વાર પહેલેથી અમુક ગ્રૂપ દીઠ જો કામ સોંપવામાં આવ્યું હોય તો તે મુજબ પણ અમે ગ્રૂપની ગોઠવણી કરતા. જે જે મિત્રોને વિષય અંગેની ખાસ તૈયારીઓનું કામ સોંપાયું હોય એ લોકો પહેલાં ગ્રૂપને વિષયની આવશ્યક માહિતી વિશે અવગત કરે પછી આખાં ગ્રૂપ વચ્ચે એ વિષયની મુક્ત ચર્ચા કરવામાં આવે. જે મિત્રોને ખાસ તૈયારીઓની જવાબદારી સોંપાઈ હોય એ લોકો ચર્ચાનું નિયમન પણ કરે અને ચર્ચાનાં તારણ પણ જણાવે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પહેલા સમેસ્ટરના પહેલા ભાગમાં આ વ્યવસ્થા મુખ્યત્વે નવા નવા વિષયો સાથે સમુહમાં પરિચિત થવા માટે શરી કરાઈ હતી. પણ પછી જેવી વર્ગમાં કેસ સ્ટડી દ્વારા અભ્યાસની શરૂઆત થઈ ત્યારે અમારી આ વ્યવસ્થા કેસ સ્ટડી માટેની પૂર્વ તૈયારી માટે પણ બહુ ઉપયોગી બની રહી.

એ પછીથી, આ ચર્ચાઓ મોડી રાત સુધી પણ ચાલે એવું લગભગ નિયમિતપણે થવા લાગ્યું હતું.

વર્ગમાં જે રીતે કેસ સ્ટડી માટે ગ્રૂપ નક્કી કરવામાં આવ્યાં હોય એ મુજબ રૂમ પરની ચર્ચાનાં ગ્રૂપ પણ ગોઠવાતાં. ક્યારેક બે એક ગ્રૂપ મળીને પણ કામ કરતં કે જેથી બન્ને ગ્રૂપની ખાસ આવડતનો લાભ મળે.

ગ્રૂપની ચર્ચાઓનાં તારણો અને લેવાયેલી નોંધો એકબીજાં ગ્રૂપ વચ્ચે બિલકુલ મુકતપણે થતી. હા, બીજે દિવસે એ ગ્રૂપના ટાંટીયાં ખેંચવા માટે કોઈ કોઈ વાર અમુક ગ્રૂપને આડે પાટે ચડાવવા ભળતી માહિતી પણ અપાતી. આમ કરવા માટે કોઈ બદઈરાદા ન રહેતા, પણ ચાલુ વર્ગે થોડી મજાક મસ્તી કરી લેવાતી. મને હવે એવું પણ જણાય છે કે અમારા પ્રોફેસરોને પણ અમારી 'રમત'નો અંદાજ આવી જતો ! જોકે, આવી ટાંટીયાખેંચ અમુક મર્યાદામાં જ રહે એ મુજબની વણકહી સ્વશિસ્ત - આચારસંહિતા પણ અમલ અચુકપણે કરાતી.

થોડા સમય પછી અમને જણાયું કે અમારી મજાક મસ્તીઓનો એક બીજો અણપેક્ષિત ફાયદો પણ હતો. કોઈ પણ ચર્ચામાં અણધારી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે એવી પરિસ્થિતિને કેમ પહોંચી વળવું એ અમને શીખવા મળ્યું.

દરેક ગ્રૂપમાં 'લહેરીલાલાઓ' પણ મળી રહેતા. એ લોકો કોઈ પણ ચર્ચામાં એમને સમજણ નથી પડતી એમ વર્તતા (જેથી તેમને ચર્ચામાં ભાગ લેવામાં રાહત મળી રહે.) અહીં પણ અમને આડકતરો ફાયદો જ જોવા મળ્યો. અમારા આવા લહેરીલાલાઓ કંઈ ખરેખર 'આળસુઓ' નહોતા. પણ થોડા આરામપ્રિય હતા. એ લોકોને જો અમે સમજણ પાડી શકીએ તો બીજે દિવસે વર્ગમાં ગમે તેટલી તવાઈ આવે તો પણ અમે તેને પહોંચી વળવા સક્ષમ બની જતા. આજે હવે યાદ કરતાં સમજાય છે કે વાસ્તવિક દુનિયામાં પણ આવી જાણીજોઈને અણસમજનાં ઓઠાં હેઠળ જવાબદારીઓમાંથી છટકબારી શોધતા લોકો ક્યાં નથી મળતાં !

'બેઝિક એકાઉન્ટ્સ' સાથેની હાડકાં ઢીલાં કરી મુકતી મુઠભેડ

અમારી આખી બેચ એંજિયરિંગના અને આર્ટ્સના સ્નાતક હતી એટલે એકાઉન્ટ્સની પ્રાથમિક જાણકારી બાબતે અમે લોક સાવ કોરાકટ હતા. એ ખામી દૂર કરવા માટે, પહેલા સમેસ્ટરમાં અમને બી કોમના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે અઠવાડીઆના બે ક્લાસીસ ભરવાના હતા.

બે એક અઠવાડીઆં પછી જ પહેલી ક્લાસ ટેસ્ટ હતી, જેમાં ડેબીટ અને ક્રેડીટ જ વિષય હતો. પણ જે પરિણામ આવ્યું એણે તો અમારા છક્કા છોડાવી દીધા. બીજા વિષયોની ટેસ્ટમાં પણ અમે ઠીક ઠીક દેખાવ કર્ય હતો. પણ બેઝિક એકાઉન્ટ્સમાં તો પહેલા વર્ષ બી કોમના બધા જ વિદ્યાર્થીઓ કરતાં અમારા માર્ક્સ ઓછા હતા. અમારા માટે વધારે શરમની વાત તો એ હતી કે અમે બધા તો સ્નાતકો હતા છતાં પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ કરતાં પણ અમારા માર્ક્સ ઓછા હતા !

ખેર, આ ઝટકાએ અમારી આંખ બરાબર ઉઘાડી દીધી. ગ્રૂપ ચર્ચાની અમે જે વ્યવસ્થા કરી હતી તેને અમે ભરપુર ઉપયોગ કરીને 'જે આવે તે ડેબીટ, અને જાય તે ક્રેડીટ'ને સમજવા માટે આકાશપાતાળ એક કરી નાખ્યાં. એ દિવસોમાં હોસ્ટેલની લૉબીમાં 'ચાલો હવે મેસમાં ડેબીટ થઈએ'. 'બે, હવે રૂમમાંથી ક્રેડીટ થા' જેવા સંવાદો ગુંજતા સાંભળવા મળતા.

બીજી ક્લાસ ટેસ્ટ સુધીમાં તો અમે એટલી કક્ષાએ પહોંચી ગયા હતા કે પહેલા વર્ષના બી કોમના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવી પડી.

Monday, September 30, 2024

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૨ – મણકો : ૯_૨૦૨૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૯_૨૦૨૪માં આપનું સ્વાગત છે.


૨૦૨૪નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી ઉજવણીઓને રજુ કરીશું.

મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, નવમા મણકામાં મોહમ્મદ રફીનાં કેટલાંક અમર સૉલો અને યુગલ ગીતો Tum Se Achchha Kaun Hai માં સાંભળીશું.

મોહમ્મદ રફીનાં ગીતોની યાદ તાજી કરવા માટેની વર્ષવાર ગીતો સાંભળવાની શ્રેણીમાં વર્ષ 1944 and 1945 નાં ગીતો બાદ હવે વર્ષ 1946 અને 1947 નાં ગીતો આવરી લેવાયા છે.

Composers and lyricists benefitted the most from landmark songs of Rafisahab - ૧૯૪૦ થી ૧૯૭૦ સુધી જે જે ગીતકારો અને સંગીતકારોએ મોહમ્મદ રફી પાસે ગીતો ગવડાવ્યાં તે બધાંને એ ગીતોએ બહુ નામના અપાવી.

મોહમ્મદ રફી - ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો માં મોહમ્મદ રફીનાં 'સદાબહાર' અને બહુ સારાં' ગીતોમાંથી ઢંકાઈ ગયેલાં કેટલાંક સૉલો ગીતો યાદ કરાયાં છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –

Harish Raghuvanshi made invaluable contributions to the history of cinema and film musicUrvish Kothari - ફિલ્મ ઇતિહાસના ફીરોઝ રંગુનવાલા, હર મંદિર સિંઘ 'હમરાઝ' નલીન શાહ અને વીરચંદ ધરમશી જેવા સંશોધકોએ હિંદી ફિલ્મોની ભરોસાપાત્ર માહિતી પુરી પાડવાનું બહુમૂલ્ય કામ કર્યું છે. સુરતના હરિશ રઘુવંશી પણ આ સન્માનીય ક્લબના એક પ્રતિભાશાળી સભ્ય હતા.

Guzra Hua Zamana Aata Nahin Dubara – Remembering S Mohinder, તેમનાં પાપી, નાતા અને શિરીન ફરહાદનાં ગીતો માટે.

Happy birthday to veteran actress Tanujaji - તેમની સક્રિય કારકિર્દી દરમ્યાન મીના કુમારી, મધુબાલા, વહીદા રહેમાન, સાધના, વૈજયંતિમાલા જેવી અનેકવિધ પ્રતિભાઓની સામે પોતાનું આગવું સ્થાન બનાવ્યું.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૪ના અંકમાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ ૨ સાંભળ્યાં. જયકિશનના જન્મ અને હસરતના અવસાનના આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં અને

૨૦૨૩માં ૧૯૬૪નો ભાગ ૧
નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –

Seasons in the sun: how an Anglophone boy failed to engage with (or misheard) Hindi song lyrics - લેખક વર્ષો સુધી સમજી જ નહોતા શકતા કે 'એક અકેલા ઈસ શહરમેં'માં અમોલ પાલેકર 'સાબુદાણા' જ કેમ શોધ્યા કરે છે. જોકે એમને એક વાતે ધરપત હતી કે એમના બીજા મિત્રોને પણ ગુલઝારના 'આબ-ઓ-દાના' ઉપરથી જ પસાર થઈ જતા હતા. પણ તે સિવાય બીજો એક છબરડો તો એમનો પોતાનો આગવો છે. 'સિંદુર'નાં એક ગીતમાં જયા પ્રદા 'પતઝડ, સાવન, બસંત, બહાર' એમ ઋતુઓ ગણાવે છે. પહેલા બે શબ્દો સમજાતા નહીં પણ છેલ્લા બે તો તેમને પોતાના દક્ષિણ દિલ્હીના ઉછેરને કારણે 'વસંત વિહાર' છે એમ સહેલાઈથી સમજાઈ ગયું અને થોડા દિવસ તો ગર્વ પણ થયો કે મુંબઈની ફિલ્મે દિલ્હીના આ શાહી વિસ્તારને માન તો આપ્યું !

Hindi Film Reviews (1931-1950) માં નામના કક્કા બારાખડીના ક્રમમાં ગોઠવેલ સોએક ફિલ્મોની સમીક્ષા છે. ફિલ્મનાં નામ પાછળ નિર્માણનાં વર્ષની નોંધ પણ છે.
લેખકઃ અરૂણકુમાર દેશમુખ

સંકલનઃ સુરજિત સિંગ

પ્રકાશકઃ પ્રોફેસર તૂફાની પબ્લીશર્સ, ઈસ્ટ લેન્સિંગ, એમઆઈ, યુએસએ

 Songs of 𝑹𝒆𝒑𝒆𝒏𝒕𝒂𝒏𝒄𝒆 માં પેમ સંબંધમાં કરેલી ભુલો, ખોટા નિર્ણયો અને તેનાં ભોગવવા પડતાં પરિણામોના પસ્તાવાની વાત કરતાં ગીતો યાદ કરાયાં છે.

દરેક વર્ષનાં ગીતોમાંથી Best songs of year ની ચર્ચાને રજૂ કરતી શ્રેણીની કડી Best songs of 1941, Wrap Up 3 ૨૧+ ૧ કે ૨ યુગલ ગીતો વિશે ચર્ચા છે. એ પૈકી અમુક યુગલ ગીતોનાં ગાયકો અજ્ઞાત છે, પણ ગીતો તો લાજવાબ છે. સોંગ્સ ઑવ યોર

મૈં તો દિલ્લી સે દુલ્હન લાયા રે - ઝૂલા (૧૯૪૧) - અરૂણ કુમાર અને રહમત બાનો - ગીતકારઃ કવિ પ્રદીપ - સંગીતઃ સરસ્વતી દેવી

અને

સાવન કે નઝારે હૈં - ખજાનચી (૧૯૪૧) - શમશાદ બેગમ અને ગુલામ હૈદર - ગીતકારઃ વલી સાહબ - સંગીતઃ ગુલામ હૈદર

ને સંયુક્ત રીતે વર્ષનાં શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે પસંદ કરે છે.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

સપ્ટેમ્બર ૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

મદન મોહન – બેચેન કરી મૂકતી દૈવી ધુનોના સર્જક

ફિલસુફીભર્યાં ગીતો – ૨૬ – जीवन से ना हार ओ जीने वाले

ત્રણ ગાયકો – बाबू समझो इशारे हौरन पुकारे

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ચૌદહવીં કા ચાંદ (૧૯૬૦)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને વીણા ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને વલી સાહેબ, રામપ્રસાદ ‘ બિસ્મિલ‘, શમ્સ અઝીમાબાદી અને હસરત લખનવી ની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..

Sonu Nigam Talking About The Legend Mohammad Rafi in a radio show @ Radio Mirchi.


 

Sunday, September 22, 2024

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૨મું - સપ્ટેમ્બર ૨૦૨૪

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માં સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.

હવે પછીના મણકાઓમાં નિર્ણય વિવેકપ્રજ્ઞા સાથે ઓછેવત્તે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની વાત કરીશું, જેથી નિર્ણય વિવેકપ્રજ્ઞા વિષયનાં અનેક પાસાંઓને વધારે સારી રીતે સમજી શકાય

આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞા અને વ્યાપાર વિવેકપ્રજ્ઞાના તફાવત  વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..

વ્યાપાર વિવેકપ્રજ્ઞાને લગતાં સાધનોની મદદથી સંસ્થાને ડેટા વિશ્લેષણ કરી, તેમાંથી માનસિક ચિત્ર ખડું કરીને, તેને લગતી સ્પષ્ટ સમઝ તારવી શકાય છે. નિર્ણય વિવેકપ્રજ્ઞા આ સ્પષ્ટ સમઝને તેને લગતાં વ્યાપારિક નિર્ણયોમાં રૂપાતર કરી આપે છે.  

BI’ની એક મહત્ત્વની ક્ષમતા વર્તમાન તેમ જ ઐતિહાસિક માહિતી સામગ્રીને ચાળીને તેમાંથી સષ્ટ સમઝને તારવી આપવાની છે. નિર્ણય વિવેકપ્રજ્ઞા એક પગલું આગળ જાય છે. તે તકનીકી ઉત્કૃષ્ટતા અને વ્યાપારી વિચારશક્તિને એક દિશામાં એકત્ર કરીને નવી દિશાઓ કંડારતા નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે.

DI મોડેલ અને BI મોડેલને આ આકૃતિ વડે સમજી શકાય છે:

સંદર્ભઃ Business Intelligence (BI) Vs. Decision Intelligence (DI)


આમ, નિર્ણય વિવેકપ્રજ્ઞા વ્યાપાર વિવેકપ્રજ્ઞા કરતાં આ ત્રણ બાબતે અલગ પડે છેઃ[1]

૧) નિર્ણય વિવેકપ્રજ્ઞા BI અને માહિતી સામગ્રી વિજ્ઞાન - એટલે કે વર્ણનાત્મક, નિદાનમાં મદદરૂપ અને ભાવિસૂચક વિશ્લેષકો- ને સાંકળતી કડી છે.

૨) વિશ્લેષણકારો માટે બહુ શકિશાળી અને નિર્ણયકર્તાઓ માટે બહુ સરળ.

૩) નિર્ણય વિવેકપ્રજ્ઞા સમજપૂર્વકનાં સ્વયંસંચાલનને આવરી લે છે.

વધારાનું વાંચન :

The Difference between Business Intelligence and Decision Support System - Swathi_G

The Importance of Business Intelligence in Decision-Making


It's Decision Intelligence, Not Business Intelligence, That Is Key


Transitioning from business intelligence to decision intelligence with Erwin Bisschops


હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

ASQ TV માંથી

Intelligent Automation for Quality Professionals - રેશનલ વેક્ક્સીનસનાં ગ્લોબલ ક્વૉલિટી ઓફિસર ક્રિસ્ટી મૅઝ્ઝારીસી સમજદાર સ્વયંસંચાલનની સમજ આપવાની સાથે તેમણે તાજેતરમાં પુરા કરેલ આ વિષયના એક પ્રોજેક્ટે તેમની સંસ્થાનું કેટલું ડિજિટલ રૂપાંતરણ કરી નાખ્યું તે જણાવે છે.

Quality Mag માંથી

Using Data to Drive Organizational Action - Mark A. Nash, Dr. Sophronia Ward -  ગુણવત્તા વ્યાવસાયિકો માટે પ્રાથમિક પડકાર પૂરતો ડેટા પ્રાપ્ત કરવાનો નથી પરંતુ યોગ્ય ડેટા એકત્રિત કરવાનો અને તેનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવાનો છે...આજના ડેટા-માઇનિંગ વિશ્વની મુશ્કેલીઓમાં માર્ગ કાઢવા માટે, વ્યક્તિએ ઉચ્ચ સંચાલન તંત્ર દ્વારા બનાવવામાં આવેલ અવરોધો અને શક્તિશાળી સોફ્ટવેર ઉપાયો સાથે સંકળાયેલ જ્ઞાનના વ્યાપક અભાવને દૂર કરવું આવશ્યક છે. 

જ્યારે સંસ્થાકીય ક્રિયાઓ ફક્ત ઉત્પાદન અથવા સેવાના વિશિષ્ટ વિવરણો (specifications) દ્વારા સંચાલિત થાય છે, ત્યારે જે થઈ રહ્યું છે તેનું સાચું ચિત્ર ઘણીવાર ચૂકી જવાય છે. વિશિષ્ટ વિવરણો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાથી તેની અંતર્ગત ચાલતી પ્રક્રિયાઓ નજરઅંદાજ થવા લાગે છે. પ્રક્રિયાઓ પોતાની ક્ષમતા મુજબ જે સહજ વાસ્તવિક પરિણામો પેદા કરે છે તે મૂળ હેતુપૂર્વક અનુઅસારનાં કે અથવા ધારેલ અપેક્ષા મુજ્બ પણ હોઈ શકે છે.

જો કે, વિશિષ્ટ વિવરણો અને પ્રક્રિયાની સ્વાભાવિક વર્તણૂકના સ્રોતોમાં અલગ અલગ છે. વિશિષ્ટ વિવરણો ગ્રાહકની જરૂરિયાતો, અપેક્ષાઓ અને ખર્ચાની ગણતરીઓમાંથી મેળવવામાં આવે છે, જેમાં એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ અથવા ઉચ્ચ સંચાલન તંત્રના ઇનપુટ્સ શામેલ હોઈ શકે છે. વિશિષ્ટ વિવરણો પ્રક્રિયા કેવી રીતે કામ કરશે કે  તે કેવાં પરિણામો પેદા કરશે તેનાં ચાલક બળ નથી..

પ્રક્રિયાઓ મશીનની ક્ષમતાઓ, સંસ્થાના અને ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે ધ્યેયનો સારો આશય ધરાવતા કર્મચારીઓ અનુભવો અને જ્ઞાનના આધારે ડિઝાઇન કરવામાં આવે છે. જો કે, જ્યાં સુધી પ્રક્રિયા કાર્યરત થાય ત્યાં સુધી વાસ્તવિક પરિણામો અજ્ઞાત રહે છે. ક્રિયાઓ ચલાવવા માટે પ્રક્રિયા વર્તણૂક આલેખ Process Behavior Chart / PBC  પર વિશિષ્ટ વિવરણોને પાથરી દેવાથી પ્રક્રિયાઓની કામગીરીની કાર્યસિદ્ધિની વાસ્તવિકતા ચૂકી જવાય છે. પ્રક્રિયા વિશિષ્ટ વિવરણોને સમજી શકતી નથી, એટલે માત્ર વિશિષ્ટ વિવરણોનાં અનુપાલન પર આધારિત પ્રક્રિયા ડિઝાઈન અને પરિણામો પરની પ્રતિક્રિયાઓ બિનજરૂરી થાગડ થીગડવાળા ઉપાયોમાં પરિણમી શકે છે, અને તેથી પ્રક્રિયાને અસ્થિર બનીજઈ શકે છે.

માત્ર અંતિમ પરિણામો પર નહીં, પણ સમગગ્રતયા માપન પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અસરકારક બનવા માટે, સંસ્થાઓએ પ્રક્રિયાને માપવાની અને જ્યારે પ્રક્રિયા માપનના સંકેતો આવે ત્યારે તેનાં મૂળ કારણોની તપાસ કરવાની જરૂર છે. અભિગમ સપાટી-સ્તરના ડેટા પર પ્રતિક્રિયા આપવાને બદલે વાસ્તવિક સમસ્યાઓને ઓળખવામાં મદદ કરે છે.

PBC પ્રક્રિયામાં કર્મચારીઓને સામેલ કરીને સંકેતોની તપાસ માટે સાતત્યપૂર્ણ પ્રદાન કરે છે. કર્મચારીઓએ PBCના હેતુ અને કાર્યને સમજવું જોઈએ અને તેઓ ડેટાને સચોટ રીતે ટ્રૅક કરવામાં અને દસ્તાવેજિત કરવામાં સક્ષમ હોવા જોઈએ. રીતે તેમને સામેલ કરવાથી કર્મચારીઓ અર્થપૂર્ણ ડેટાના આધારે નિર્ણયો લેતા ઉકેલનો ભાગ બને એવું સુનિશ્ચિત થઈ શકે છે.. ઉત્પાદન અથવા સેવાની ડિઝાઈનના તબક્કાથી લઈને પ્રક્રિયાના વિકાસના તબક્કામાં, તેમજ પ્રક્રિયાના અમલ દરમ્યાન, સફળતા સુનિશ્ચિત કરવા માટે કર્મચારીઓ અને સંબંધિત હિતધારકોના પ્રતિસાદ સતત મળતા રહે તે જરૂરી છે. [નીચેનું રેખાચિત્ર  જુઓ.]

સમગ્ર પ્રક્રિયા જીવન ચક્ર દરમ્યાન ડેટાનો ઉપયોગ કરવાનું એક સરળ દ્રશ્યછબી સ્ત્રોતપિનેકલ પાર્ટનર્સ

 ગુણવત્તાની શ્રેષ્ઠતાને અનુસરવા માટે, એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ અથવા પ્રક્રિયાથી અલગ કરાયેલી અન્ય સંસ્થાઓ દ્વારા નક્કી કરાતા બિનઆવશ્યક હોય એવી કડક આવશ્યકતાઓ અને આદેશોને ટાળો. પ્રક્રિયા-કેન્દ્રિત એવાં મેટ્રિક્સ બનાવો જે કર્મચારીઓ માટે અર્થપૂર્ણ હોય, કે પછી ઉત્પાદનો અથવા સેવાઓ માટે સહાયક હોય એવાં મેટ્રિક્સ વિકસાવો. એવા સૉફ્ટવેરનો ઉપયોગ કરવાનું ટાળો જેને કર્મચારીઓ તેમ ગુણવત્તા વ્યાવસાયિકો સંપૂર્ણપણે સમજી શકતા નથી. જો લોકોને સોફ્ટવેર મોડ્યુલ અથવા ફોર્મ્યુલા વિશેનાં જ્ઞાનનો અભાવ હોય, તો તે જે પરિણામો આવશે  તે ભ્રામક હોઈ શકે છે. સાધનો અને પ્રક્રિયાઓની ઊંડાણપૂર્વકની સમજ જાળવવા માટે સંસ્થામાં સતત નવું નવૂ  શીખતા રહીને ભાવિ પરિસ્થિતિઓને અનુરૂપ જ્ઞાનનો પ્રસાર મહત્વપૂર્ણ છે..


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.