Sunday, September 10, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - સપ્ટેમ્બર ૨૦૨૩

 

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ ૧


હસરત જયપુરી
  (મૂળ નામ: ક઼બા હુસ્સૈન - જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) - શંકર જયકિશન (મૂળ નામ: જયકિશન ડાહ્યાભાઈ પંચાલ - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્રનાં સંયોજનને '૫૦ના દાયકામાં તેમનાં ગીતોનાં માધુર્ય, વાદ્યસજ્જામાં અવનવા પ્રયોગો અને ગીતોની બોલની સરળતાભરી બોધવાણીને કારણે ઉત્તરોત્તર સફળતા મળવા લાગી હતી. દરેક ફિલ્મમાં પાંચથી આઠ ગીતો હોય એવી વર્ષમાં પાંચ સાત ફિલ્મો કરવા છતાં ક્યાંય પણ તેમના પ્રયત્નો કે પ્રયોગોમાં ઉણપ ન હોય. પરંતુ '૬૦ના દાયકાથી હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ફરીથી નવાં પરિવર્તનોની અસરો કળાવા લાગી  હતી. સામાજિક ફિલ્મોમાં હવે હીરો હીરોઈનની પ્રેમકથાને બન્નેનાં કુટુંબોની આર્થિક સ્થિતિના તફાવતો સાથે સંઘર્ષમાં ઉતારવાની કથાઓ નવાં નવાં સ્વરૂપે આવવા લાગી હતી. હીરો રાજેંદ્રકુમાર જેવો રંગીલો કે શમ્મી કપૂર જેવો દિલફેંક 'યુવાન' હોય, હિરોઈનો ભણેલી ગણેલી હોય પણ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલી હોય એવાં કથાવસ્તુઓની પરદા પર જમાવટ કરવા માટે ગીતોની ભૂમિકાનું મહત્ત્વ વધવા લાગ્યું હતું. એટલે વિષયોમાં બહુ વૈવિધ્ય ન હોવા છતાં ગીતોની રચનાઓ વધારે અને વધારે વૈવિધ્યપૂર્ણ રહ્યા પછી પણ ફિલ્મને ટિકિટબારીએ સફળ કરે એટલાં લોકપ્રિય બને એ અંગેનાં દબાણ સંગીતકારો અને ગીતકારો પર વધવા લાગ્યાં હતાં. તેની સાથે સાથે ઓ પી નય્યર જેવા સમકાલીન સંગીતકારની તાલ પ્રધાન - વાદ્ય પ્રયોગની અભિનવતાની શૈલી પણ એક મહત્ત્વનું સ્પર્ધાત્મક પરિબળ બનવા લાગી હતી. 

આ બધા આંતરપ્રવાહો ભલે આપણો વિષય નથી, આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨માં વર્ષ ૧૯૬૨નાં, અને

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજના મણકામાં આપણે હવે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં, વર્ષ ૧૯૬૪નાં, ગીતો યાદ કરીશું.

૧૯૬૪

વર્ષ ૧૯૬૪માં શંકર જયકિશનની આયી મિલનકી બેલા, અપને હુએ પરાયે, એપ્રિલ ફૂલ, બેટી બેટે, રાજકુમાર, સંગમ, સાંજ ઔર સવેરા અને ઝિંદગી એમ  આઠ ફિલ્મો આવી. લગબગ એ જ સમયે શૈલેન્દ્રની 'તીસરી કસમ'નાં નિર્માણમાં વ્યસ્તતાને કારણે, એકંદરે એક બે અપવાદ બાદ કરતાં આ બધી ફિલ્મોમાં હસરત જયપુરીને ફાળે વધારે ગીતો આવ્યાં. જોકે મોટા ભાગની ફિલ્મોના વિષયો પણ હસરત જયપુરીની શૈલીને વધારે અનુકૂળ પણ હતા એ યોગાનુયોગ હશે કે આયોજિત વ્યુહરચના હશે તે તો કહી ન શકાય. પણ શંકરની શૈલીને વધારે અનુકૂળ આવે વ અવિષયોનાં ગીતો પણ હસરત જયપુરીના ભાગે આવ્યાં હશે એવું  આ ફિલ્મોનાં ગીતોમાં જોવા મળતું હોય એવું લાગે છે ખરૂં!

આજના મણકામાં આપણે આયી મિલનકી બેલા, અપને હુએ પરાયે, એપ્રિલ ફૂલ, અને બેટી બેટે એમ ચાર ફિલ્મોનાં ગીતોને આવરી લઈશું.

આયી મિલનકી બેલા

રાજેન્દ્ર કુમાર હવે દેખીતી રીતે બાગબગીચાઓમાં પ્રેમિકા સાથે પ્રણયમસ્તીના રૂસણાં મનામણાં અને એકરારના ફાગ ખેલે એવડો યુવાન નથી જ જણાતો. તેથી કથાવસ્તુમાં વાસ્તવિકતાની સાથે સંબંધ જાળવાના ભરપુર પ્રયાસો છતાં ફિલ્મ એકંદરે, ખાસ તો ગીતોની દૃષ્ટિએ, 'રાજેન્દ્રકુમાર'નાં બીબામાંથી બહાર પડતી નિપજ કહી શકાય. આ હકીકતને જ પ્રમાણિત કરવા માટે મુકાયેલું હોય એવું, શંકર જયકિશનની સફળતાઓની બધી જ ખુબીઓની વાનગી સ્વરૂપ, મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ, હસરત જયપુરીની અભિન્ન છાપ ધરાવતુંતુમ કમસીન હો નાદાં હો  સફળ થશે એવી ગળાં સુધી બધાંને ખાતરી હશે માટે બોલમાં મૈં કમસીન હું નાદાં હું નાજુક હું  ભોલી હું જેવા સ્વાભાવિક ફેરફારો સાથે લતા મંગેશકરનું જોડીયાં ગીત પણ પ્રયોજાયું છે.  .

મૈં પ્યારકા દીવાના સબસે મુઝે ઉલ્ફત હૈ, હર ફૂલ મેરા દિલ હૈ ઔર દિલમેં મોહબ્બત હૈ - મોહમ્મદ રફી 

'રાજેન્દ્ર કુમાર'નાં પાત્રને છાજે એવો પરિચય કરાવવામાં હસરત જયપુરીના સરળ ઉર્દુ મિશ્રિત બોલ, શંકર જયકિશનની અનેક વાદ્યપ્રચુર કર્ણપ્રિય વાદ્યસજ્જા અને મોહમ્મદ રફીના મસ્તીભર્યા સ્વરની મિઠાશ પુરેપુરી અસરકારક રહે છે. 



તો બુરા માન ગયે, પ્યાર આંખોસે જતાયા તો બુરા માન ગયે - મોહમ્મદ રફી 

રૂસણાં મનામણાંનાં ગીતમાં 'તો બુરા માન ગયે'ને પૂર્વાલાપ સ્વરૂપે મુકવાનો શંકર જયકિશનનો અભિનવ પ્રયોગ તેમની પ્રયોગશીલતાની તાજગીનું  પ્રમાણ બની રહે છે.



તુમ્હેં ઔર ક્યા દૂં દિલ કે સિવા તુમ કો હમારી ઉમર લગ જાયે - લતા મંગેશકર

હીરોઇન જો નૃત્યકળામાં પ્રાવીણ્ય ધરાવતી હોય તો તેના તરફથી પ્રેમનો એકરાર કરવા માટે પાર્ટીમાં નૃત્યગીતથી વધારે સફળ કિમિયો કયો હોય! એમાં પાછું શંકર જયકિશનને તો દોડવું હોય અને ઢાળ મળી જાય એવી અનુકૂળતા થઈ જાય !



અપને હુએ પરાયે

મનોજ કુમાર માટે મુકેશનો સ્વર વધારે ઉપયુક્ત રહેશે, કદાચ, એ માન્યતાને કારણે મુખ્ય પુરુષ સ્વર તરીકે મુકેશની પસંદગી કરાઇ હશે. જોકે શંક્ર જયકિશનને તો મુકેશના સ્વરને દરેક પરિસ્થિતિ અનુસાર ઢાળી લેવાની ફાવટ છે જ એટલે ગીતો કર્ણપ્રિય રહે છે. શૈલેન્દ્રની સહજ શૈલી અનુરૂપ ફિલ્મનાં વિષયવસ્તુને માન આપીને તેમને ફાળે પાંચ ગીતો અને હસરત જયપુરીની શૈલીને અનુરૂપ બે ગીતો ફિલ્મમાં છે. 

દુપટ્ટેકી ગિરહામેં બાંધ લિજિયે મેરા દિલ હૈ કભી કામ આયેગા - મુકેશ 

બાગબગીચાની મોજમસ્તીનાં વાતાવરણમાં ગવાતાં રૂસણાં મનામણાંની ગીત સામાન્ય રીતે જેટલી અપેક્ષિત ન હોય (એટલે કે મોહમ્મદ રફીને સહજપણે અનુકૂળ હોય) એમ જણાતી મુકેશના સ્વરની ઉણપને શંકર જયકિશનની વાદ્યબાંધણીની ભવ્યતા અનુભવવા નથી દેતી.



કહીં આંસુ નિકલતે હૈં કહીં ઘુંઘરૂં મચલતે હૈ, ઈસી કા નામ હૈ દુનિયા સભીકે કામ ચલતે હૈં - આશા ભોસલે 

ફિલ્મનાં શીર્ષકને સાર્થક કરતી પરિસ્થિતિ આવી ગઈ છે. હીરોઇનને ભાગે પ્રેમી  ન પામી શકવાની 'કરૂણતા' આવી ગઈ જ છે. પરિસ્થિતીની બન્ને બાજુઓના અભાવને હસરત જયપુરી 'મુઝે લુટ લિયા તેરે પ્યારને' જેવા બોલથી સાર્થક કરે છે તો પ્રેમીને ઘરે યોજાયેલ જલસામાં ગોઠવાયેલ નૃત્યગીતમાં પ્રેમિકાની દુઃખદ સ્થિતિને તાદૃશ કરવા માટે શંકર જયકિશન સોલો વાયોલિનના સ્વરોની મદદ લે છે.



એપ્રિલ ફૂલ

શમ્મી કપૂરની સફળ થઈ ચુકેલી દિલફેંક શૈલીમાં બિશ્વજીતને ગોઠવી દેવાનો પ્રયોગ કરાયો છે.

મેરા નામ રીટા ક્રિસ્ટીના ઐ ઐ ઐ યા, મૈં હું પેરિસકી હસીના ઐ ઐ ઐ યા - લતા મંગેશકર

પરદેશમાં ઉછરેલી ભારતીય યુવતીના સ્વતંત્ર મિજાજને વ્યકત કરવાનો પ્રયાસ કરાયો છે.


તુઝે પ્યાર કરતે હૈં કરતે રહેંગે, કે દિલ બનકર દિલમેં ધડકતે રહેંગે - મોહમ્મદ રફી, સુમન કલ્યણપુર 

પ્રેમના એકરારને વ્યક્ત કરવા માટે દિલનાં ઊડાણમાંથી વ્યક્ત થતી ભાવનાઓનાં યુગલ ગીતોના પ્રકાર માટે શંકર જયકિશનની પોતાની આગવી શૈલી હતી. 



કેહ દો કેહ દો જહાં સે કે ઈશ્ક઼ પર જોર નહીં .... મર જાયેંગે એક દુસરે પર મચેગા કોઈ શોર નહીં - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર 

પ્રેમના એકરારને વ્યક્ત કરવા માટેનાં યુગલ ગીતોમાં પણ શંકર જયકિશનના ભાથામાં પુરતું વૈવિધ્ય છે.



મેરી મોહબ્બત પાક ઔર જહાંકી ખાક મોહબ્બત કહીં તુમ્હેં પ્યાર ન હો જાયે બચ બચ કે ચલના હુઝૂર - મોહમ્મદ રફી 

રૂસણાં મનામણાંનાં ગીતોની રજૂઆતમાં શમ્મી કપૂરને પણ માફક એવું વૈવિધ્ય શંકર જયકિશન અજમાવી ચુક્યા છે. જે બિશ્વજીતની અભિનય શૈલીને પાછી અનુકૂળ પણ આવી રહે છે. 


ઉનકી પહેલી નઝર ક્યા અસર કર ગયી મુઝકો ક્યા હો ગયા ખુદા જાને ..... એક બીજલી ગીરી ઔર મૈં મર ગઈ મુઝકો ક્યા હુઆ ખુદા જાને - લતા મંગેશકર 

નૃત્યકલામાં પ્રાવીણ્ય ધરાવતી હીરોઈનને માટે એક નૃત્ય ગીત પ્રયોજવું તો પડે જ......!



એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા મેરા ક્યા ક઼સૂર જમાનેકા ક઼સૂર જિસને દસ્તુર બનાયા - મોહમ્મદ રફી, સાયરા બાનુ 

જરૂર પડે તો તોફાન મસ્તીના ભાવને પણ શીર્ષક ગીતમાં વણી લેવાની હસરત જયપુરીને સારી હથોટી છે. 

જોકે અહીં સખેદ નોંધવું પડે કે શંકર જયકિશનની આવી 'તોફાનમસ્તી' ભરી શમ્મી કપુરિયા રચનાઓમાં હવે માધુર્ય તો સાવ જ હાંસિયામં ધકેલાતું જાય છે.લોકપ્રિય ધુ ન બનાવવાની સાથે તેની બધી જ કક્ષાની ગુણવતા પણ જાળવી રાખવી એ સંતુલન કળાને વેરેવિખેર કરી નાખવામાં સ્પર્ધાના પવનોને સફળતા મળવા લાગી છે !



બેટી બેટે

બેટી બેટે દક્ષિણનાં માતબર ફિલ્મ નિર્માણ ગૃહ પ્રસાદ પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ થયેલી ફિલ્મ હતી, એટલે એક સામાજિક ફિલ્મમાં હોય તેવો બધો જ મસાલો ફિલ્મમાં હતો. આપણને તેનો લાભ એ મળે છે કે શૈલેન્દ્ર અને હસરત જયપુરી બન્નેની બહુ જ વિલક્ષણ કહેવાય એવી રચનાઓ સાંભળવા મળી રહે છે.

ગોરી ચલો ન હંસકી ચાલ કે જ઼માના દુશ્મન હૈ તેરી ઉમ્ર હૈ સોલા સાલ કે જ઼માના દુશ્મન હૈ - મોહમ્મદ રફી, આશા ભોસલે

મહેમુદ અને શોભા ખોટે એ સમયની એક અત્યંત સફળ જોડી હતી. તેમના ભાગે એક યુગલ ગીત તો હોય જ અને તે બહુ જ સફળ પણ હોય.


અગર તેરી જલવા નુમાઈ ન હોતી ખુદાકી કસમ યે ખુદાઈ ન હોતી - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર 

સરળ ઉર્દુ બોલના પ્રયોગને કારણે પ્રેમના એકરારના બહુપ્રચલિત ફિલ્મી પ્રયોગ તરીકે આ ગીત જરૂર ગમી જાય છે. જોકે એટલું સારૂં હતું કે આ ફિલ્મો જોતી વખતે મનમાં એવો સવાલ ન થતો કે સામાન્ય હિંદી ભાષી પાત્રો અચાનક ગીત ગાતી વખતે આટલી પ્રભાવશાળી ઉર્દુમાં કેમ સરી પડી શકતાં હશે !


બાત ઈતની સી હૈ કહદો કોઈ દિવાનો સે આદમી વો હૈ જો ખેલા કરે તૂફાનો સે - મોહમ્મદ રફી

શૈલેન્દ્રની હાજરી હોય ત્યારે પણ હસરત જયપુરીને ફાળે આવું પ્રેરણાદાયક ગીત આવે એ સુખ્દ અપવાદ જ લાગે ! જોકે હસરત જયપુરીએ આ તકને ન્યાય આપવાં કયંય કચાશ નથી રાખી.

બીજી એક નોંધપાત્ર બાબત છે પહેલા ને ત્રીજા અંતરામાં શંકર જયકિશને કરેલ એકતારા જેવાં લોકસંગીતનાં વાદ્યનો પ્રયોગ છે.


પ્રભુ જી રખો લાજ હમારી ... તેરે સિવા અબ કૌન બચાયે ... . આયી વિપદા ભારી - મોહમ્મદ રફી 

ખુબ જાણીતાં પરંપરાગત ભજન  'પ્રભુ જી રખો લાજ હમારી'ના આટલા જ બોલનો ઉપયોગ કરી અહીં પૅરડી રચી છે. ગીતનો ઉપયોગ ફિલ્મમાં કેવી મજેદાર રીતે કર્યો છે તે તો ગીતની વિડીયો ક્લિપ જોતાં જ સમજાઈ જાય છે. 


ઉઠા અર્જુન ધનુષ ઉઠા  ... તીર ચલા - મોહમ્મ્દ રફી

ફિલ્મમાં મહેમુદ શોભા ખોટેના સંગીત શિક્ષક તરીકે ઘરમાં દાખલ થઈને પ્રેમિકાના 'કડક' પિતાની 'નજર' બચાવતો ફરે છે. આવા પ્રસંગોએ આ તાન જેવાં ગતકડાં હાથવગાં રહે છે.

નોંધપાત્ર બાબત એ છે કે ફિલ્મમાં મુકાયેલાં આવાં તુકબંધી જેવાં દૃષ્યો માટે પણ શંકર જયકિશન અને હસરત જયપુરી પુરી ગંભીરતાથી મહેનત કરે છે!



આજના મણકા માટે આટલાં ગીતો યાદ કરીને થોડો વિરામ લઈએ.  શંકર જયકિશને ૧૯૬૪માં સ્વરબધ્ધ કરેલ બીજી ચાર ફિલ્મો રાજકુમાર, સંગમ, સાંજ ઔર સવેરા અને ઝિંદગી નાં હસરત જયપુરી રચિત ગીતો હવે પછીના મણકામાં સાંભળીશું. 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: