Sunday, September 17, 2023

મુકેશનાં સૉલો ગીતો - પાંચ કે ઓછાં ગીતોના હમસફર ગીતકારો સાથે રચાયેલાં છૂપાં રત્નો


વિંટેજ એરાના અંતકાળથી માંડીને અનુ-સુવર્ણ યુગની શરૂઆત સુધીના સમયકાળમાં ફેલાયેલી મુકેશની હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રની સક્રિય કારકિર્દી દરમ્યાન કેટલાયે નિરીક્ષકોએ તેમને
'એક ગીતના જાદુગર' તરીકે નવાજ્યા છે. ફિલ્મમાં મુકેશને ફાળે એક જ ગીત  આવ્યું હોય પણ તે ફિલ્મનાં બીજાં બધાં ખુબ જ  સારાં ગણાય એવાં ગીતો પર છવાઈ ગયું હોય તેવા તો અનેક દાખલાઓ જોવા મળશે. એટલે જ કદાચ, જ્યારે મુકેશે કુલ કેટલાં ગીતો ગાયાં હશે એવો જે અડસટ્ટો સામાન્યપણે સાંભળવા મળે ત્યારે એ સમયના સૌથી વધારે સૌથી વધારે વિશાળ સર્વર્તોમુખી વૈવિધ્ય સ્વરપટ ધરાવતા પુરુષ ગાયક મોહમ્મદ રફીનાં ગીતોની સંખ્યા બરાબરનો જ અંદાજ મુકાતો. પરંતુ હકીકત એ છે કે  ૩૬ વર્ષની કારકિર્દીમાં મુકેશે ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા માંડ ૮૬૦ જેટલી જ છે! 

આ આંકડાઓ કે મુકેશનાં ગીતોની વ્યાપક લોકસ્વીકૃતિની પ્રમાણિત કરવા માટે 'મુકેશ ગીત કોશ' જેવા અધિકૃત સંદર્ભ ગ્રંથ જેવાં કોઈ સાહિત્યની ખોજ કરવાની જરૂર નથી.  અમસ્તી અમસ્તી રમાતી અંતાક્ષરી કે કે વિધિસર ગોઠવાયેલ જાહેર કાર્યક્રમોમાં. કે કોઈ પણ ગીતચાહકના હોઠ પર સહજપણે ફુટી નીકળતાં ગીતોમાંના ત્રણથી પાંચ ગીતોમાં એક ગીત તો અવશ્યપણે મુકેશનું જ હશે.

મુકેશની ૧૦૦મી જન્મતિથિએ યાદાંજલિના લેખ માટે મુકેશનાં ગીતોની પસંદગી માટે માપદંડ નક્કી કરતી વખતે મુકેશના સ્વરની આટલી વ્યાપક લોકસ્વીકૃતિની આ સ્વાભાવિક પ્રકલ્પના મનમાં રમતી હતી. એટલે 'મુકેશ ગીત કોશ'ની સૂચિઓની ખોજ કરતી વખતે અવશપણે મુકેશ માટે ૧૦ કે તેથી ઓછાં ગીતો લખ્યાં હોય એવા ગીતકારોનાં ગીતોમાંથી મુકેશનાં કેટલાંક યાદગાર ગીતો મળી રહે છે તે જોઇ જવાની દૃષ્ટિથી કાચી નોંધ કરવાનું શરૂ કર્યું. કોઇ ખાસ પરસેવો પાડ્યા વિના જ મુકેશનાં યાદગાર ગણાય એવાં ગીતોથી યાદી ભરાવા લાગી. 

એટલે પછી મેં એક ગીતકારનું, અને વધારામાં એક જ સંગીતકારનું એક જ ગીત, એવી પસંદ કરી કરીને ગીતો અળગાં કરવાનું શરૂ કર્યું. તો પણ એક મણકા માટે પુરતી સામગ્રી એકઠી કરવામાં બહુ નિપુણતાની જરૂર ન પડી. ખોજ જે કંઈ થોડી ઘણી લંબાઈ તેનું કારણ તો એટલું જ કે હવે મારા ઉદ્દેશ્યમાં મુકેશના સમગ્ર સક્રિયા કાર્યકાળને આવરી લેવાની લાલચ પણ ભળી હતી.  

ગીતોની અહીં રજૂઆત ફિલ્મ પ્રકાશિત થવાનાં વર્ષના ઉતરતા ક્રમમાં છે, પણ તે સિવાય મારી પસંદગી માટે કોઈ અન્ય ધોરણ નથી લાગુ કર્યું. 

દિલ જલતા હૈ તો જલને દે - પહેલી નજ઼ર (૧૯૪૫) - ગીતકારઃ ડૉ. સફદર 'આહ' - સંગીતઃ અનિલ બિશ્વાસ 

મુકેશને ગાયક તરીકે પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય આ ગીતને ખાતે છે. એક કહી શકાય આ ગીત પછી મુકેશની કારકિર્દીને સફળતાના બ્રહાંડમાં  છલાંગ મારવાનો પલાયન વેગ મળ્યો!


હસીનોં કો હસીનોંએ મોહબ્બત હો હી જાતી હૈ - મૂર્તિ (૧૯૪૫) - ગીતકારઃ પં. ઈંદ્ર - સંગીતઃ બુલો સી રાની 

કે એલ સાયગલની છાયાના પ્રભાવનાં આ ગીતમાં મુકેશની ખુશીનાં ગીતો ગાઈ શકવાની જે શક્યતાઓ સ્પષ્ટપણે કળાઈ રહી છે તે જોયા પછી તેમને  'કરૂણા સાગર' કહેવું મુશ્કેલ લાગે...!


બહે ના કભી નૈન સે નીર ઊઠી હો ચાહે કિતની મનમેં પીર - વિદ્યા (૧૯૪૮) - ગીતકારઃ યશોનન્દન જોશી - સંગીતકારઃ એસ ડી બર્મન

'પહેલી નજ઼ર'ની સફળતા પછી મુકેશ એ સમયના લગભગ બધા જ અભિનેતાઓ માટે સર્વસામાન્ય પાર્શ્વ પુરુષ ગાયક તરીકે સ્થાન મેળવવા લાગ્યા હતા. વિધિએ જો અવળા પસાઓની રમત ન માંડી હોત તો સુવર્ણ યુગનો પુરુષ પાર્શ્વ ગાયનનો ઇતિહાસ કદાચ અલગ પણ હોત !?


તેરે પ્યારકો ઇસ તરહ સે ભુલાના ન દિલ ચાહતા હૈ ન હમ ચાહતે હૈ - મૈને જીના સીખ લિયા (૧૯૫૯) - ગીતકારઃ રાહિલ ગોરખપુરી - સંગીતઃ રોશન 

ફિલ્મમાં રૂસણાં-મનામણાંનાં જૉડીયાં ગીત  - અય જી મૈને પૂછા આપ કો હુઆ હૈ ક્યા માટે જેટલી સ્વાભાવિક પસંદગી મોહમ્મદ રફી / આશા ભોસલેની રહી હશે, તૂટેલાં દિલની પીડા વ્યકત કરતાં આ ગીત માટે એટલી સહજ પસંદગી મુકેશની રહી હશે. ) 


મુઝકો ઈસ રાતકી તન્હાઈ મેં આવાજ ન દો  - દિલ ભી તેરા હમ ભી તેરે (૧૯૬૦) -  ગીતકાર શમીમ જયપુરી - સંગીતઃ કલ્યાણજી આણંદજી 

'૬૦ના દાયકામાં મોહમ્મદ રફીનું મસમોટું મોજું બધે ફરી વળ્યું એ પહેલાં નવાસવા અભિનેતા (અહીં ધર્મેન્દ્ર તેમની પહેલવહેલી ફિલ્મમાં) અને પગભર થતા સંગીતકારો (અહીં કલ્યાણજી આણંદજી) માટે મુકેશનો સ્વર સફળતાની ચાવી સમાન મનાતો. 


કાંટોમેં રહને વાલે કાંટોસે ક્યા ડરેંગે - મતલબી દુનિયા (૧૯૬૧) - ગીતકારઃ રમેશ ગુપ્તા - સંગીતઃ જયન્તિ જોશી

આજે આ ગીતકાર કે સંગીતકારના નામ ભલે કોઈને કદાચ યાદ ન આવે, આ ગીત તો પણ કદાચ ભુલાયેલું હોય એમ  લાગે પણ ભુલાયું  તો ન જ હોય !


ઘર ભી થા દીવારેં ભી થી  તુમસે હી ઘર ઘર કહલાયા - ભાભીકી ચુડીયાં (૧૯૬૧) - ગીતકારઃ નરેન્દ્ર શર્મા - સંગીતઃ સ્નેહલ ભાટકર 

મુકેશના સ્વરમાં ઘુંટાતી પીડા ગીતને અલગ મુકામ પર લાવી મુકે છે. ખાસ્સા નીચા સુરમાં ગીત ચાલતું હોય ત્યારે (બીજા અંતરામાં) અચાનક જ એકદોઢ સ્વર સરળતાથી ઉંચે સરી જઈ, લાગણીની તીવ્રતા વ્યક્ત કરી, ફરી પાછી પીડાની ગર્તાના નીચા સુરમાં પાછા સરી આવતા  મુકેશ સાવ સહજ જ લાગે છે. 


કભી કિસીકી ખુશિયાં કભી લુટે ના બનતે બનતે મહલ કિસીકા ટૂટે ના  - ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) - ગીતકારઃ પ્રદીપજી - સંગીતઃ દત્તારામ

'તૂટેલાં દિલનાં ગીત'ની સફળ ફોર્મુલા સમાન સીચ્યુએશનનાં આ ગીતમાં પણ પ્રદીપજીનું કવિત્વ એટલું જ મહોરી રહે છે -

અભી અભી દો ફુલોવાલી ઝુમ રહી થી ડાલી 
ઘીરી અચાનક કલી બીજલી ગીરનેવાલી 
હોતે હોતે સાથ કિસીકા છૂટે ના.


જબ ગમ - એ - ઈશ્ક઼ સતાતા હૈ તો હંસ લેતા હું - કિનારે કિનારે (૧૯૬૩) -  ગીતકારઃ ન્યાય શર્મા - સંગીતઃ જયદેવ 

કરૂણ ભાવને ઉજાગર કરતી મુકેશના સ્વરની સંવેદનાને જયદેવે પુરેપુરી નિખારી છે. મુકેશનાં સિમાચિહ્ન ગીતોમાં આ ગીત આગવું સ્થાન ભોગવે છે.

 

ગોરે ગોરે ચાંદ પે મુખ પે કાલી કાલી આંખેં હૈ - અનિતા (૧૯૬૩) - ગીતકારઃ આરઝૂ લખનવી - સંગીતઃ લક્ષ્મીકાંત પ્યારેલાલ 

૧૯૫૧માં અવસાન પામેલ આરઝૂ લખનવીની આ ગઝલના બોલ જાણે ફિલ્મની આ સીચ્યુએશન માટે જ લખાયેલા શી રીતે હોય એવો સવાલ કાયમ રહેતો. 

આજે થોડી ઊંડાણમાં શોધખોળ કરવાની તક મળી. મુખડા સિવાયના મૂળ ગઝલના બોલ આ મુજબ છે -

मुँह से पल्ला क्या सरकाना इस बादल में बिजली है

सूझती है ऐसी ही नहीं जो फूटने वाली आँखें हैं

चाह ने अंधा कर रक्खा है और नहीं तो देखने में

आँखें आँखें सब हैं बराबर कौन निराली आँखें हैं

बे जिस के अंधेर है सब कुछ ऐसी बात है उस में क्या

जी का है ये बावला-पन या भोली-भाली आँखें हैं

'आरज़ू' अब भी खोटे खरे को कर के अलग ही रख देंगी

उन की परख का क्या कहना है जो टेकसाली आँखें हैं

બેક઼સૂર (૧૯૫૦)માં પણ મુખડા સિવાયના બોલ સાવ જ બદલી નખીને  આ ગઝલને મુઝરા સ્વરૂપે રજૂ કરાઈ છે.

આરઝૂ લખનવી ૧૯૪૨ થી ૧૯૪૬ મુંબઈમાં વસ્યા હતા અને તેમને હિંદી ફિલ્મો માટે એ સમયમાં ૨૦૦ જેટલાં ગીતો પણ લખ્યાં હતાં, એ વાતની પૂર્તિ અનેક સંદર્ભોમાં જોવા મળે છે,

પણ, પોતાની મૂળ ગઝલને આમ અલગ જ સ્વરૂપે આરઝૂ લખનવીએ જ લખી હશે, લખી હોય તો શા માટે એમ કર્યું હશે એ સવાલોના જવાબ તો હજૂ નથી મળતા ....


તેરી નિગાહોં પે મર મર ગયે હમ  - શબનમ (૧૯૬૪) - ગીતકારઃ જાવેદ અન્વર - સંગીતઃ ઉષા ખન્ના 

ફિલ્મમાં રોમેન્ટીક ભાવના મોહમ્મદ રફીનાં આગવાં બબ્બે ગીત - મૈને રખ્ખા હૈ મુહબ્બત અપને અફસાને કા નામ અને યે તેરી સાદગી યે તેઆ બાંકપન - છે, ગીતના ભાવની મજા બગાડી નાખે એવી પરદા પર મહેમૂદની અદાયગી છે, છતાં ઉષા ખન્નાએ આ ગીત માટે મુકેશ પર ઉતારેલી પસંદગીમાં મુકેશ ક્યાંય ઊણા નથી ઉતરતા ! 


કઇ સદીયોં સે કઈ જન્મોંસે તેરે પ્યારકો તરસે મેરા મન - મિલાપ (૧૯૭૨) – ગીતકાર: 'નક઼શ' લાયલપુરી - સંગીતઃ બૃજ ભુષણ

ઊંચા સુરમાં ઈંતઝારના અંત માટે પ્રેમિકાને કરાતા પુકાર પછી ગીત વિરહના સુરને રહસ્યના ભાવમાં વણી લે છે...


મૈં ઢૂંઢતા હું જિનકો રાતોંકે ખયાલોમેં  - ઠોકર (૧૯૭૪) - ગીતકારઃ સાજન દહેલવી - સંગીતઃ શ્યામજી ઘનશ્યામજી 

રોમેન્ટીક ગીત  - અપની આંખોંમેં બસા કર તેરા દિદાર કરૂં - મોહમ્મદ રફીને ફાળવવું અને કરૂણ ભાવનું ગીત હોય તો મુકેશને ફાળવવું એ ફોર્મ્યુલા છેક ૧૯૭૪માં પણ સફળતાની એટલી જ અસરકારક ચાવી સાબિત થાય છે !


આટલાં ગીતો મળી આવ્યા પછી પણ મુકેશ માટે એક જ ગીત લખ્યું હોય એવા જ ૬૭ ગીતકારો છે એવું જાણવા મળે છે એટલે હજુ બીજાં ગીતો શોધવાની લાલચ તો બહુ થઈ આવે, પણ આજ પુરતો, એક વધારે ગીત યાદ કરીને, અહીં વિરામ લઈએ - 

ગોરી ચોરી-ચોરી જાના બુરી બાત હૈ - એક ઝલક ((૧૫૭)નું વર્ઝન સંસ્કરણ - ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ હેમંત કુમાર 

મૂળ ગીત - રેકર્ડ નંબર N 52139 - જ રજૂ થતાંવેંત લોકજીભે ચડી ગયું હતું. એટલે એ લોકપિયતાને વટાવી લેવા પ્રતિસ્પર્ધી કંપનીએ  મુકેશના સ્વરમાં આ વર્ઝન સંસ્કરણની રેકર્ડ FT21009 બહાર પાડી હશે? મુકેશે આ ગીત માટે સ્વર આપવાની સંમતિ કેમ આપી હશે?  હિંદી ફિલ્મ ઉદ્યોગનાં રહસ્ય તો અતાગ જ છે !



ગીતકાર અને મુકેશના સ્વરનાં  અનોખાં સંયોજનોના આધારે  મુકેશને તેમની હવે પછીની જન્મ અને પુણ્ય તિથિઓની અંજલિ માટે હજુ આવાં ગીતોની આપણી ખોજ જારી જ રહે છે.  ....

ૠણ સ્વીકાર:

મુખ્ય માહિતી સ્ત્રોત તરીકે મુકેશ ગીતકોશ, દ્વિતીય સંસ્કરણ, ૨૦૨૦ – હરીશ રઘુવંશી પ્રકાશકઃ શ્રીમતી સતિન્દર કૌર, એચ આઈ જી – ૫૪૫, રતન લાલ નગર – કાનપુર ૨૦૮ ૦૨૨, ભારત   -મેલઃ: hamraaz18@yahoo.com

અને

              વિડિયો લિંક - એનો વ્યાવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરીસહ યુ ટ્યુબ ઉપરથી


No comments: