Sunday, March 30, 2025

મોહમ્મદ રફી – શાસ્ત્રીય રાગ પર આધારિત હિંદી ફિલ્મ ગીતો

 

સુબોધ ચંદ્ર અગ્રવાલ

સંકલિત અનુવાદઃ અશોક વૈષ્ણવ

૧૯૫૦ ના  દાયકાના મધ્ય સુધીમાં મોહમ્મદ રફી એ સમયના બધા જ પુરુષ પાર્શ્વગાયકોમાં વધારે   અને વધારેમાં વધારે રેન્જ ધરાવતા ગાયક તરીકે સ્થાન મેળવી ચૂક્યા હતા. પરંતુ શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતોની વાત આવે ત્યારે પહેલું સ્થાન અચૂકપણે મન્ના ડેને જ મળતું. પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ (મેરી સૂરત તેરી આંખે, ૧૯૬૩- સંગીત: એસ ડી બર્મન - રાગ આહિર ભૈરવ), સુર ના સજે ક્યાં ગાઉં મૈં (બસંત બહાર, ૧૯૫૬ – સંગીત: શંકર જયકિશન -રાગ: પીલુ) કૌન આયા મેરે મનકે દ્વારે (દેખા કબીરા રોયા, ૧૯૫૭ – સંગીત મદન મોહન – રાગ રાગેશ્રી), બૈરન હો ગઈ રૈના (દેખા કબીરા રોયા, ૧૯૫૭ – સંગીત મદન મોહન – રાગ: જયજયવંતી) જા તો સે નહીં બોલું કન્હૈયા (પરિવાર, ૧૯૫૬- લતા મંગેશકર સાથે – સંગીત: સલીલ ચૌધરી – રાગ: હંસધ્વનિ) જેવાં ગીતો મન્ના ડે સિવાય કોઈ ગાઈ શકે એવી કલ્પના સામાન્ય શ્રોતાને ન પણ આવે એટલી હદે મન્ના ડે અને શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો એકરાગ ગણાય છે. 


ચાહકો માટે અમુક ગાયક વધારે પસંદ કે ઓછા પસંદ હોઈ શકે
, પરંતુ કોઈ પણ ગાયકોની ગાયકીની  સરખામણી હંમેશાં અસ્થાને જ ગણાય. તેથી, મોહમ્મદ રફીએ ગાયેલાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોની મન્ના  ડે દ્વારા ગવાયેલાં ગીતોની સરખામણી કર્યા વિના જ આપણે અહીં મોહમ્મદ રફીએ ગાયેલાં, શાસ્ત્રીય રાગ પર આધારિત, કેટલાંક અનોખાં ગીતોને અહીં યાદ કરીશું. 

મન તરપત હરિદર્શન કો આજ - બૈજુ બાવરા (૧૯૫૩) - ગીતકાર શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ - રાગઃ માલકૌંસ . 

શાસ્ત્રીય ગાયન શીખતાં લોકો માટે માલકૌંસનો અભ્યાસ કરવ માટે ગીત એટલું સ્વીકૃત છે જેટલું હિંદી ગીતના ચાહકોને ગમે છે. ભાવનું ઊંડાણ, અંદરના વલોપાત છતાં પરમ શાંતિની આભા જેવી માલકૌંસની બધી લાક્ષણિકતાઓ ગીતમાં છે.



દુનિયા કે રખવાલે - બૈજુ બાવરા (૧૯૫૩) - ગીતકાર શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ - રાગઃ દરબારી

ગીત રાગ દરબારીને પુરો ન્યાય કરે છે. પણ દરબારી જેવા ભવ્ય રાગમાં આવી મનોવ્યથાની પોકાર ખૂંચે છે.



રાગ દરબારીમાં ગીત બહુ શોભે છેઃ

મૈં નિગાહેં તેરે ચહેરે સે હટાઉં કૈસે - આપકી પરછાઈયાં (૧૯૬૪) - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંગીતઃ મદન મોહન 



મૈને ચાંદ ઔર સિતારોંકી તમન્ના કી થી - ચંદ્રકાન્તા (૧૯૫૬) - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત એન દત્તા  - રાગઃ ભિમપલાસી

ભિમપલાસી સાંભળવામાં બહુ મીઠો લાગે એવો રાગ છે. એન દત્તાએ ગીતની ધુનનું બંધારણ પણ બહુ સરળ રાખ્યું છે. મોહમ્મદ રફીએ પણ બહુ હરકતોમાં પડ્યા વિના ગીતના ભાવને બહુ સહજતાથી રજુ કર્યા છે.પરિણામે ગીત લાંબું હોવા છતાં ખુબ લોકપ્રિય રહ્યું છે.


 

હમ બેખુદીમેં સનમ તુમકો પુકારે - કાલા પાની (૧૯૫૮) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ એસ ડી બર્મન - રાગઃ  છાયાનટ

એસ ડી બર્મને ગીત પોતે ગાયેલ બંગાળી ગેરફિલ્મી ગીત ઘુમ ભુલેચી નિજુમ એય નિશિથે માંથી રૂપાંતરિત કરી છે. બંગાળી ગીતની ધુન પણ પાછી એસ ડી બર્મનના સહાયક જયદેવને બહુ પ્રિય એવી અલ રસુલમેં જો મુસલમાન હો ગયે એવી ભક્તિ રચના પરથી કરી હતી. 

અહીં ગીતને ગઝલની ગાયકીના અંગમાં પ્રસ્તુત કરેલ છે, જેના માટે છાયાનટ બહુ ઉપયુક્ત માધ્યમ બની રહે છે.



મધુબનમેં રાધિકા નાચે રે - કોહિનૂર (૧૯૬૦)  - ગીતકાર શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ - રાગઃ હમીર

શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોમાં મોહમ્મદ રફીનાં બહુ લોકપ્રિય ગીતોમાં ગીતની ગણના હંમેશાં થતી રહી છે. પરદા પર જેટલી સહજતાથી દિલિપ કુમારે ગીતને આત્મસાત કર્યું છે એટલી સહજતાથી મોહમ્મદ રફીએ પણ ગીતને જીવંત બનાવ્યું છે. ગીતમાં જે જે તાન પરદા પર મુકરીએ ભજવી છે તે ઉસ્તાદ નિયાઝ અહમદ ખાને સુરબદ્ધ કરી છે.  



ઝિંદગી આજ મેરે નામ સે શરમાતી હૈ - સન ઑફ ઈન્ડીયા (૧૯૬૨) - ગીતકાર શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ  રાગઃ જયજયવન્તી

બોલના ભાવોની અભિવ્યક્તિની સાથે નશાની અસર હેઠળ એકબીજામાં ભળી જાતો શબ્દોની લડખડાહટ અનુભવાતી હોય તેવો ભાવ કેટલો અસરકારક અનુભવાય છે! મુખડાને દરેક વખતે અલગ અલગ ઢબથી ગાવું અને અંતરાનો ઉપાડ ઊંચા સ્વરમાંથી કરવાની રફીની આગવી છાપ પણ અનુભવાય છે.



નાચે મન મોરા મગન તીકરા ધીગી ધીગી - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતકારઃ એસ ડી બર્મન - રાગઃ ભૈરવી

એક અભિનેતા માટે એસ ડી બર્મને આત્મખોજ માટેનાં ગીત માટેની મન્ના ડે (પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ) અને અંદરથી ફૂટતા આનંદની અભિવ્યક્તિ માટે મોહમ્મદ રફીની પસંદગી કરીને શાસ્ત્રીય સંગીત ગાયકી વિશે મોહમ્મદ રફીની ક્ષમતા અને રેન્જની ચર્ચા પર તો જાણે પૂર્ણવિરામ મુકી દીધું. 

દ્રુત લયમાં નૃત્યની સંગત કરતી પંડિત સામતા પ્રસાદની તબલાંની થાપ સાથે  ખુલ્લા સ્વરે મોહમ્મદ રફીની ગીતની અદાયગી મંત્રમુગ્ધ કરી મુકે છે.



રાધિકે તુને બંસરી ચુરાઈ - બેટી બેટે (૧૯૬૪) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

હિંદી ફિલ્મનાં ગીતોમાં ઘણી વાર સંગીતકારો ગીતની ધુનને કોઈ રાગ પર આધારિત કરે પણ રાગનાં શાસ્ત્રીય સ્વરૂપ સાથે બહુ સુમેળ રાખે. ગીતમાં તો દરબારી કાનડા, નાયકી કાનડા, કાફી અને પટદીપનું સંમિશ્રણ છે. લેખકના મત મુજબ ગીતના પૂર્વાલાપમાં વાંસળીના સુર પીલુ પર અધારિત છે.



મન રે તુ કાહે ધીર ધરે - ચિત્રલેખા (૧૯૬૪) - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ રોશન - રાગઃ યમન (કલ્યાણ) 

બે એક દાયકા પહેલાં 'આઉટલુક' સામયિકે શ્રેષ્ઠ ગીતની પસંદગી માટે એક સ્પર્ધા રાખેલી. તેમાં ગીત હિંદી ફિલ્મોનાં સર્વકાલિન શ્રેષ્ઠ ગીત તરીકે ગીત પસંદ થયેલ.

રોશને યમનમાં સંગીતબદ્ધ કરેલ અન્ય ગીતોમાં સલામ હસરત ક઼ુબુલ કર લો (બાબર, ૧૯૬૦), દિલ જો ભી કહેગા માનેંગે હમ (દિલહી તો હૈ, ૧૯૬૩), છુપા લો દિલમેં યું પ્યાર મેરા (મમતા, ૧૯૬૬) અને ફિલ્મનું સંસાર સે ભાગે ફિરતે હો સાંભળીએ તો પ્રસ્તુત ગીતની અદાયગી મોહમ્મદ રફીએ કેટલી સમૃદ્ધ કરી છે તેનો ખયાલ આવી જાય છે.



સાઝ હો તુમ આવાઝ હું મૈં - સાઝ ઔર આવાઝ (૧૯૬૬) - ગીતકારઃ ખુમાર બારાબંક઼્વી - સંગીતઃ નૌશાદ - રાગઃ પટદીપ

ભિમપલાસીમાં કોમળ 'ની'ને શુદ્ધ 'ની'માં રજૂ કરવાથી પટદીપ બને છે. આટલો ફેરફાર ભિમપાલાસીની સ્રીસહજ કોમળતાને પટદીપની પુરુષ સહજ આક્રમકતામાં પરિવર્તિત કરી નાખે છે.



કોઈ સાગર દિલકો બહલાતા નહીં - દિલ દિયા દર્દ લિયા (૧૯૬૭) - ગીતકારઃ શકીલ બદાયુની  - સંગીતઃ નૌશાદ - રાગઃ કલાવતી / જનસમ્મોહિની 

શાસ્ત્રીય સંગીતની ગાયકીનું કોઈ પણ અંગ ગીતમાં ભાળી શકાતું નથી, એટલે શાસ્ત્રીય સંગીતનો પરિચય હોય એવા શ્રોતાને ગીત શાસ્ત્રીય રાગ પર આધારિત હોય એવો ખ્યાલ આવે તેમ નથી.

ચંદ્રકાન્તા.કોમ નોંધે છે કે ગીતની અદાયગીમાં રિષભનો એટલો ઓછો ઉપયોગ કરાયો છે કે ગીત કલાવતીની વધારે નજદીક કહી શકાય. 



દિલ કે ઝરોકેમેં તુઝ કો બીઠા કે - બ્રહ્મચારી (૧૯૬૮) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન - રાગઃ શિવરંજની

વર્ષમાં શંકર  જયકિશને પ્રસિદ્ધ કરેલ રેકર્ડ, 'રાગ જાઝ સ્ટાઈલ', માં તેઓએ રાગને હજુ  એક નવી શૈલીમાં રજૂ કર્યો હતો. 



બે અપવાદ સિવાય, તો એટલાં પ્રતિનિધિ ગીતો છે જેમાં જે તે ગીતની બાંધણી રાગનાં બંધારણને મહદ અંશે અનુસરાઈ છે અને ગીતની અદાયગી રાગની શાસ્ત્રીય ઢબને છતી કરે છે. સિવાય તો હજુ ઘણાં ગીતો મળી શકે, પણ તેની વાત કોઈ બીજા વિષયના નિષ્ણાત ફરી કોઈ વાર કરે ત્યારે......


સોંગ્સ ઑવ યોર પર શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલના લેખClassical Songs of Mohammad Rafi, With Some Thoughts on Gara  નો આંશિક અનુવાદ 


શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલનો સંપર્ક subowal@gmail.com  વિજાણુ સરનામે કરી શકાય છે.


મોહમ્મદ રફીરાગ ગારા પર આધારિત ગીતો સહિત શાસ્ત્રીય રાગ પર આધારિત કેટલાંક પ્રતિનિધિ હિંદી ફિલ્મગીતો લેખ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે