Sunday, January 23, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - જાન્યુઆરી ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  જાન્યુઆરી ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આમ કરવા પાછળનો આશય ગુણવત્તા (મૅનેજમૅન્ટ) વ્યાવસાયિકોને આધ્યાત્મ તરફ વાળવાનો નથી, પરંતુ જે વિષયને આપણે, આપણી સતત અભ્યાસથી ઘડાયેલી સહજ વૃત્તિથી, ટેક્નોલોજિને લગતા કે પ્રચલિત મેનેજમૅન્ટ પ્રણાલીના વિવિધ દૃષ્ટિકોણોથી જોવા ટેવાયેલાં છીએ તેમાં એક સાવ નવો દૃશ્ટિકોણ ઉમેરવો.

૨૧મી સદીના બીજા દશક સુધીમાં તો આપણાં જીવનનાં દરેક પાસામાં ડિજિટલ ટેક્નોલોજિઓની ભૂમિકા મહત્ત્વની બનતી ગઈ છે.કેવિન કેલી પોતાનાં પુસ્તક What technology wants?'માં કહે છે કે દસ હજાર વર્ષ પહેલાં માનવ સમાજ એવા વળાંકે પહોંચ્યો જેમાં સૃષ્ટિમંડળમાં ફેરફાર કરવાની આપણી ક્ષમતા પૃથ્વીના આપણા પર અસર કરતા ફેરફારો કરવની ક્ષમતા કરતાં વધી ગઈ. આ એક એવો પડાવ હતો જે  Technium તરીકે ઓળખાતાં માણસ જાતે ખોળી કાઢેલી શોધોનો એવો સંગ્રહ છે જે ખુદ એક સૂક્ષ્મ જીવની જેમ જ વર્તે છે. આપણે હવે  બીજા ઉફાળના એવા વળાંક પર આવી પહોંચ્યાં છીએ જ્યાં પરિસ્થિતિ હવે ઊલટી બની ગઈ છે, એટલે કે Techniumની આપણને બદલી શકવાની ક્ષમતા આપણી તેમનાં પરનાં નિયમનની ક્ષમતા કરતાં વધી ગઈ છે.

આજનાં અનેકવિધ પ્રવાહોની અસર હેઠળ ઘેરાયેલ વિશ્વમાં દરેક વ્યક્તિનો હેતુ કૃતકૃત્ય - જે કરવું જોઈતું હતું તે કરી શકાયું - જીવન જીવવાનો હોવો જોઈએ. થોડા અલગ શબ્દોમાં કહીએ તો, દરેક વ્યક્તિનું લક્ષ્ય, ટેક્નોલોજિને લગતી કે અન્ય કોઈ પણ એવી પ્રવૃત્તિઓ કરતાં રહેવાનું હોવું જોઈએ જેના થકી શું વાસ્તવિક છે અને શું આભાસી છે તે અલગ પાડતાં રહેવાની વિવેક બુદ્ધિ કેળવાતી રહે તેવું જ્ઞાન (કે અનુભવો) થાય, જે સવેદનાઓને એટલી પ્રજ્વલિત રાખે કે મૂળભૂત માનવીય નૈતિક અને બિનભૌતિક મૂલ્યો સાથે જમીન પર આપણાં પગ ખોડેલ રાખે અને આભાસી દુનિયાની ક્ષણજીવી સગવડદાયક ચકાચૌંધ સિદ્ધિઓથી અંજાઈ જતાં રોકે.

(આ અભિગમની સર્વગાહી રજૂઆત સ્વામી વિરેશાનન્દના અગ્રીમ લેખ, Living a Meaningful Life in a Digital World,માં કરાઈ છે, જે હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.)

૨૦૨૨ સંસ્કરણના બાકીના અંકોમાં પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦રરના આ ખાસ અંકમાંથી પસંદ કરેલા લેખોમાંના વિચારોની સંક્ષિપ્તમાં રજૂઆત કરીને ગુણવત્તા (મૅનેજમૅન્ટ) વ્યાવસાયિકો આજનાં આ ટેક્નોલોજિના ફેરફારોની ભરતીવાળાં વિશ્વમાં પોતાની જીંદગી અર્થપૂર્ણ રીતે જીવવા શું શું કરી શકે તે જાણીશું.


જે કોઈને આ અંક પોતાની રીતે સંપૂર્ણ સ્વરૂપે વાંચવો હોય તે Read Online ની મુલાકાત કરી શકે છે કે https://shop.advaitaashrama.org/product/prabuddha-bharata-jan-2022/ પરથી તેને ખરીદી શકે છે. આ ખાસ અંકની સંક્ષિપ્ત  રૂપરેખા વાંચવા માટે https://youtu.be/JpeWb69RneA ની મુલાકાત લો.

આ વિષય પર વધારાનું વિશેષ વાંચન 

૨૦૨૨ના સંસ્કરણમાં આપણે આપણા નિયમિત વિભાગો ચાલુ જ રાખીએ છીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Dr. Deming's Legacy and Continued Relevancy for Quality Professionals - ડબલ્યુ એડવર્ડ ફ્લેમિંગના વિચારોનો ૨૦મી સદીની ગુણવત્તા મૅનેજમૅન્ટ વિચાર્સરણી પર વ્યાપક પ્રભાવ રહ્યો. ASQ Fellow અને કૉલેજ ઇન્ટ્રક્ટર સ્ટીવ પ્રૅવૅટ્નું તો કહેવું છે ડેમિંગની વિચારધારા આજે - અને આવતી કાલે - પણ એટલી જ પ્રસ્તુત છે...

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Leadership Traits - આજના વાતાવરણમાં સફળ નેતૃત્વની ચાવી સત્તા નહિં પણ પ્રભાવ છે. મોટા ભાગના વ્યાવસાયિક સહમત થશે કે નેતૃત્વ એ કળા છે જેના વડે એ અગ્રણી લોકો પાસે, આપમેળે અને શ્રેષ્ઠ શક્ય રીતે, એ બધું કરાવી શકે છે જેની તેને અપેક્ષા છે. આ પ્રકારનાં નેતૃત્વની કેટલીક સહજ ખાસીયતો આ મુજબ છે -

૧. નૈતિકતા- નૈતિકતા ભરોસાપાત્રતા અને પ્રમાણિકતાથી કંઈક વિશેષ છે. નૈતિક વ્યક્તિની કથની અને કરણી બન્નેમાં, ગમે તેટલા કસોટીભર્યા સમયમાં પણ, તેનાં ઉચ્ચ નૈતિક ધોરણો અને સિદ્ધાંતો સમાન ભાવે જ જોવા મળે છે.

૨. ભરોસાપાત્રતા - અસરકારક નેતૃત્વ લોકો સાથેના વ્યવહારોમાં પ્રમાણિકપણે થતાં વર્તનમાં રહેલ છે. એ અગ્રણીઓ તેમણે સ્વીકારેલ જવાબદારી સંન્નિષ્ઠપણે નિભાવે છે.તેમનો બોલ એ જ તેમની પ્રતિબધ્ધતાનું પારદર્શક પ્રતિબિંબ છે. 

૩. વ્યાવસાયિક ચારિત્ર્ય - લોકો સાથે સન્માનીય અને ગૌરવપ્રદ વર્તન રાખવું. લોકોનું મૂલ્ય તેનાં પદ કે તેમના માટેની ગરજ અનુસાર નહીં પણ એ વ્યક્તિની ક્ષમતા પરથી આંકવું. અસરકારક નેતૃત્વ તેમનાં સાથીઓની અપેક્ષાઓ અને લાગણીઓની કાળજી રાખે છે અને તેના માટે આવશ્યક સમય પણ ફાળવે છે.

૪. તટસ્થતા - નિષ્પક્ષ નિયમો, વ્યાજબી કામો, ઉચિત સ્પર્ધા, ન્યાયોચિત શિસ્ત, વગેરે.

૫. કુનેહ -  જો અણીના સમયે લોકો સાથે, જાણ્યે અજાણ્યે પણ, થોડોક પણ અણછાજતો વ્યવહાર થઈ જાય તો પછી બધાં જ લોકો પાસેથી સ્વયંપ્રેરિત સહકાર અને સમજણ મેળવવાં મુશ્કેલ બની જાય છે. એ ઘડીને અને એવાં વર્તનન્ર પહેલેથી જ પારખવું એટલે કુનેહ.

૬. ખંત - અસરકારક અગ્રણીઓ મહત્ત્વના મુદ્દાઓને, કોઇપણ કારણોસર, અધવચ્ચે પડતા નથી મુકતાં અને જો ખરેખર જરૂર ન હોય તો અમુક મુદ્દાઓને વળગી પણ નથી બેસતાં.

૭. સાતત્ય = અસરકારક અગ્રણીઓ માનસિક, લાગણીશીલતા અને શારીરિક ખાસીયતોમાં સંતુલિત સુમેળ સાચવે છે, જે તેમનાં અન્ય સાથીઓની પણ શૈલી પર સકારાત્મક અસર કરે છે.

૮. રસ દાખવવો - અસરકાર અગ્રણીઓ તેમના લોકોના અવિકાઅસ, અંગત પ્રશ્નો અને આયોજનો, અપેક્ષાઓ અને સિદ્ધિઓ , વિચારો , માન્યતાઓ અને ગમાણગમા જેવી વૈયક્તિક બાબતોમાં મદદરૂપ થવાની ભાવનાથી રસ લે છે.

૯. પોતાનાં ઉદાહરણથી દોરવણી પુરી પાડો - અસરકારક અગ્રણી તેનાં વાણી અને વર્તનથી તેમનાં સાથીઓ માટે આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડે છે.  

૧૦. સંવાદ - અસરકારક અગ્રણીનું સંવાદ કૌશલ્ય તેમને તેમનાં સાથીદારો સાથે જોડતો પુલ છે, જે તંદુરસ્ત સંબંધો અને દ્વિપક્ષી વ્યવહારો માટે રાજમાર્ગ બની રહે છે.

૧૧. સકારાત્મકતા  - 'આપણે કરી શકીશું'ની ભાવનાથી દિવસની શરૂઆત અને અંત લાવવાથી લોકોના આત્મવિશ્વાસ અને ઉત્સાહને અનેરૂં બળ મળે છે.

૧૨. કૃતજ્ઞતા = લોકોના સહકાર અને સિદ્ધિઓનાં યોગદાનોને અસરકારક અગ્રણી વિના સંકોચ, મુક્ત મને સ્વીકારે છે અને તેની લોકોને પારદર્શકપણે જાણ પણ કરે છે.

૧૩. ઉત્તરદાયીત્વ - ટીમના કોઈ પણ સભ્યની કચાશને કારણે થતી કાર્યસિદ્ધિની ઉણપને અસરકારક અગ્રણી (કમસે કમ જાહેરમાં) પોતા પર લઈ લે છે અથવા તો તેને માટે બહાનાં નથી શોધતાં.

૧૪. અપેક્ષા અને નિષ્ઠા - શક્ય એટલી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની હિંમત અને ધૈર્યનો પાયો અગ્રણીની અપેક્ષા અને નિષ્ઠાની વાસ્તવિકતા પર નિર્ભર છે. એ હિંમત અને ધૈર્યની ખરી કસોટી તે જ્યારે એકલો હોય ત્યારે જ થાય..

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • The Benefits of Automation - યાંત્રિકી સ્વયંસંચાલન વિશે દસકાઓથી સ્વીકારાતાં રહેલ અને હજુ પણ વિચારવાલાયક, પાંચ કારણો - 

૧. સમય અને શક્તિમાં બચત

૨. લાંબે ગાળે કિફાયતી.

૩. ચોકસાઈપૂર્ણ પુનરાવર્તતા

૪. ઉપાદન કાર્યપ્રવાહમાં સુધારણા

૫. ઓછો વ્યય.

[સંકલનકારની નોંધ - ટેક્નોલોજિ અને મૅનેજમૅન્ટના પ્રભાવોથી ઘડાયેલ આ દૃષ્ટિકોણ બહુ વ્યાપકપણે સ્વીકારાતો રહ્યો છે. વર્ષ ૨૦૨૨ દરમ્યાન આ દૃષ્ટિકોણની સાથે અન્ય કયાં પરિબળો પણ ધ્યાનમાં લેવાં જોઈએ તે વિશે વધારે વિચારપ્રેરક ચર્ચા રજૂ કરવાની નેમ છે.]

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, January 16, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પહેલું વર્ષ - ૧ - અહો આશ્ચર્યમ્‍ ………………....

 

સૌ પ્રથમ તો મારે એ જણાવવાનું છે કે યાદોની 'મારી' સફરમાં હું મારા સહપાઠીઓની યાદોને જોડવા તો ધારૂં છું જ, પણ તે સાથે,  અન્ય કેટલા મિત્રો જે જુદાંજુદાં વર્ષોમાં  (કે સંજોગોમાં) એલ ડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે તેમની યાદોને પણ જોડવા ધારું છું. આમ યાદોની આ સફર અમારી બૅચની યાદો અને અનુભવોથી સમૃદ્ધ થવાની સાથે એ અનુભવોનાં જ્યાં જરૂરી જણાય ત્યાં અર્થઘટનોથી એ યાદોને આજની પશ્ચાદવર્તી દૃષ્ટિએ થોડે ઘણે અંશે ચિંતનાત્મક પણ બની રહેશે…

પાંચ વર્ષના એ એન્જિનિયરિંગ પદવીના આભ્યાસક્રમનાં પહેલાં વર્ષની એ ઘટનાઓ અને અનુભવોને યાદોની કંદરાઓમાંથી ખોદીને બહાર લાવવાનું શરૂ કર્યું ત્યારે મને એમ થતું હતું કે આટલા લાંબા સમયના અંતરાલ પછી એ ઘટનાઓ અને અનુભવો એ સમયે અમે હજુ એ વર્તમાન જીવવી જ રહ્યા હતા એવાં બહુ જ નજદીકનાં અંતરેથી જોવા કરતાં ઘણા વધારે સ્પષ્ટ, યથાર્થ, સંદર્ભમાં જોઈ શકાશે.

પરંતુ અમારાં એ પહેલાં વર્ષની જે જે ઘટનાઓ યાદ આવતી ગઈ તેમ તેમ એ ઘટનાઓમાં કશેક આશ્ચર્યજનક અંશો જણાતા હતા, તો બીજી અન્ય ઘટનાઓમાં કયાંક ગુંચવાડા તો ક્યાંક  ડરામણાંપણું પણ અનુભવાતું હતું. અમુક ઘટનાઓ આનંદ સાથે રસ પડે તેવું હતું, ભલે કદાચ, મકસે કમ એ સમયે, (અ)મને દિશાસુચક કે દિશાનક્કી કરનારું કંઈ ન લાગ્યું હોય.

હા, જોકે હાલ પુરતું એટલું તો સ્પષ્ટ છે કે પહેલાં વર્ષ સથે સંકળાયેલી જે કંઇ ઘટનાઓ યાદ આવી રહી છે તેમને એ અનુભૂતિઓ અનુસાર જ વર્ગીકૃત કરીને અહીં રજૂ કરૂ.

અહો આશ્ચર્યમ્‍ ………………....

નવી નવી 'સૌ પહેલી' બાબત તો સેમેસ્ટર પધ્ધતિ હતી. જોકે મને યાદ છે ત્યાં સુધી તો અમને એ સમયે એમાં જેટલો પણ રસ પડવો જોઈતો હતો એ સંદર્ભે એટલી જ સમજણ પુરતી જણાઈ હતી કે અમારો અભ્યાસક્રમ (યુનિવર્સિટી દ્વારા લેવાતી) પાંચ વાર્ષિક પરીક્ષાઓને બદલે હવે દસ સત્રાંત પરીક્ષાઓ અનુસાર ગોઠવાશે. એનાથી વધારે વિચારવાપણું (અ)મને એ સમયે કંઇ નહોતું લાગ્યું, એટલે અમે આ ઘટનાને જેવી જોઈ અને જેટલી સમજ્યા એટલેથી સ્વીકારી લીધી.

અમે અભ્યાસનાં નવાં જ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ એ અહેસાસ તો અમને સહજપણે હતો જ. એટલે સમયપત્રકમાં એન્જિનિયરિંગ ડ્રૉઈંગ, વર્કશૉપ કે સ્ટ્રેન્થ ઑફ મટિરિયલ્સ જેવાં શીર્ષકો વાંચીને તો 'જે સમયે જે કરવું પડશે તે સમયે તે તે કરીશું' જેવી અવ્યકત સમજણની મદદથી, કોઈ સંન્યાસીને છાજે એવી નિર્લેપતાથી ,એ વિશેની નોંધ લઈ લીધી. પરંતુ ગણિત, કે રસાયણશાસ્ત્રની આગળ 'એન્જિનિયરિંગ' શબ્દ ઉપસર્ગની જેમ કેમ મુકાયો છે તેનું કારણ જાણવાની પણ (અ)મને ઉસ્તુકતા થઈ હોય એવું યાદ નથી આવતું. મને લાગે છે કે આમ થવા પાછળનું મહત્ત્વનું કારણ છે બાળપણથી આપણું ઘડતર નવી વસ્તુ 'શા માટે' જાણવી જોઈએ એવી જિજ્ઞાસા પેદા કરવાને બદલે તે 'શું' છે અને તે 'કેમ' કરી શકાય એવી મર્યાદિત વિચારસરણી. [મને તો 'શા માટે'નું, તાલીમના સંદર્ભમાં, ખરૂં મહત્વ લગભગ બેએક દાયકા પછી ISO ૯૦૦૧ના સંદર્ભમાં તાલીમની અસરકારકતા  નક્કી કરવા વિશે વિચારતાં જાણવા મળેલ.]

આજે હવે વિચાર કરતાં એમ લાગે છે કે બાળપણમાં તો વ્યક્તિના વિકાસના સહજ ક્રમમાં તે નવી નવી બાબતો 'શું છે?" અને એ 'કેમ કરી શકાય?' તેમાં જ ગુથાયેલ રહે છે કે 'શા માટે શીખવું જોઈએ' જેવા વિચારને અંક્રિત થવાની તક જ ન મળે. આ ખોટ સામાન્યતઃ બાળક (અને કિશોર)નાં શાળાનાં વર્ષોમાં 'શિક્ષણ' દ્વારા પુરી થવી જોઇએ. પરંતુ આપણી શૈક્ષણિક તંત્રવ્યવસ્થા પણ એટલી હદે 'શું' અને 'કેમ કરવું' કેન્દ્રી  છે કે 'શા માટે' એવું વિચારવાની સૂઝ  ફરીથી અણવિકસિત રહી જાય છે. પરંતુ જો એવી સૂઝ અમારામાં કેળવાઈ હોત, તો આ બન્ને નવીન ઘટનાઓ સંદર્ભે અમને જે 'શા માટે'ના  સવાલો થયા હોત અને તેના એ સમયે જે જવાબો મળ્યા હોત તે કદાચ અમને જરૂર આશ્ચર્યચકિત કરી શક્યા હોત  અને અમારાં ભાવિની દિશા વધારે અર્થપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શકી હોત !

આ સૈદ્ધાંતિક સ્તરના જણાતા વિચારને મારા અંગત અનુભવ સાથે સાંકળવાથી કદાચ  અત્યારે મારા મનમાં જે વિચરો ચાલી રહ્યા છે તેને વધારે સ્પષ્ટપણે સમજાવી શકીશ. મારી સાથે, યોગાનુયોગ, થોડાં થોડાં વર્ષે એક પછી એક નવાં વાતાવરણમાં ગોઠવાવાનું જે રીતે બનતુ ગયું તેને કારણે કદાચ કોઈ પણ નવી પરિસ્થિતિ આવે એટલે મારી સ્વયંભુ સહજ વૃત્તિઓ, બીજા કોઈ પણ સવાલ કર્યા સિવાય જ, એ પરિસ્થિતિ સાથે અનુકુલન સાધવા માટે તૈયાર થઈ જતી  હશે.

હું જ્યારે પાંચમા ધોરણમાં હતો ત્યારે પિતાજીની બદકી રાજકોટ થઈ. અમે પહેલી જ વાર અમારૂં 'વતન' ભુજ છોડ્યું અને રાજકોટમાં સ્થાઈ થયાં. પ્રમાણ ઘણું મોટું શહેર, સાવ નવું વાતાવરણ અને સૌરષટરની (અમારા માટે) નવી સંસ્કૃતિ સાથે તો અમારે ગોઠવાવાનું જ હતું, પણ મારે તો રાજકોટની શિક્ષણ અને શિસ્ત માટેની ખ્યાત શાળાનાં વાતવારણ સાથે પણ અનુકૂલન સાધવાનું હતું. બરાબર સ્થાઈ થતાં લાગ્યાં ત્યાં પિતાજીની, અઢી વર્ષ બાદ, અમદાવાદ બદલી થઈ . એ સમયે અમને અમદાવાદના પૂર્વના ઔદ્યોગિક વિસ્તારમાં મૂળ શ્રમિકો માટે બનાવેલી સરકારી કોલોનીમાં ઘર મળ્યું. ગોમતીપુર ગામના ભરચક્ક વિસ્તારમાં આવેલી ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં મેં આઠમા અને નવમા ધોરણ વિતાવ્યાં. તે પછી અમને હવે પશ્ચિમ અમદાવાદના ઉપલા મધ્યમ વર્ગના પૂરણતઃ રહેણાક વિસ્તારમાં આવેલ સરકારી કોલોનીમાં ઘર મળ્યું.અહીયાં ગાળેલાં છ વર્ષોમાં મારાં વ્યક્તિત્વનાં ઘણાં પાસાંઓ ઘડાયાં અને વિકસ્યાં તે વચ્ચે પ્રિ-સાયંસનો અભ્યાસ મેં વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને કર્યો. આજે જ્યારે હવે એ દરેક પરિવર્તન પર નજર કરૂં છું તો જોઈ શકાય છે કે એ દરેક પરિવર્તન સાથે મેં, પ્રમાણમાં, બહુ સહેલાઈથી 'શું (નવું) છે;' અને 'કેમ કરાય'નાં અનુકૂલન સાધી લીધાં હતાં. જોકે આ દરેક પરિવર્તનો એ પ્રકારનાં હતાં જે અમારા નિયંત્રણની બહારનાં પરિબળોને કારણે થયાં હતાં, જેમાં 'આમ શા માટે?' એમ વિચારવાનો અવકાશ જ નહોતો.

પરંતુ અમારી આખી બેચના બધા જ સહપાઠીઓને આવા અનુભવો થયા હોય તે તો શક્ય જ નથી. એમાંના મોટા ભાગનાંનો ઉછેર તો એ સમયે બાળકોનો અને કિશોરોનો જે રીતે થતો હતો તેમ જ થયો હોય. એટલે અહી જે 'આશ્ચર્યો'ને યાદ કર્યાં છે તે મોટા ભાગનાને આશ્ચર્ય ન લાગ્યું હોય તેનું કદાચ એક જ કારણ હોઈ શકે કે,નવા જ અભ્યાસક્રમની અત્યાર સુધી અજાણ કેડી પર સફર કરવા માટે અમે , વ્યક્ત કે અવ્યક્તપણે, તૈયાર તો હતા જ.[અમને એ વિશે સજ્જ કરવાની ભૂમિકા પહેલાં વર્ષમાં ઘડાવી જોઈતી હતી. એવું જરૂરી હતું કે એવી કોઈ સમજણ પાડવામાં પણ આવી હતી કે નહીં કે ત્યારે એવું બધું સમજાયું હતું કે નહીં એ વાતનું અત્યારે, આ સ્મરણયાત્રાના સંદર્ભમાં કોઈ મહત્ત્વ પણ નથી.].

આ શૈક્ષણિક પાસાંઓ ઉપરાંત બીજી એક બાબતે થવું જોઈતું હતું તે એલડીનો વિશાળ કેમ્પસ હતો. ખુબ વિશાળ વિસ્તારમાં પથરાયેલ એ કેમ્પ્સ ત્યારે તો જરા પણ ગીચ નહોતો.પરંતુ એ પણ અમે સહજપણે સ્વીકારી જ લીધેલું.

પહેલાં વર્ષની અમારી, પાંચ વર્ષના બૅચના અનુભવો સાથે, એ સમયે ઈન્ટર સાયન્સ કે એફ વાય બી એસ સી કરીને  ત્રણ વર્ષના 'જુના કોર્સ'માં દાખલ થયેલા વિદ્યાર્થીઓના અનુભવો અમારા કરતાં કંઈ અલગ હતા કે કેમ તે જોઇ લેવું આ તબક્કે ઉચિત લાગે છે.

મારી પાસે બે 'સિનિયર' મિત્રોના અનુભવો તો આવી ગયા છે, પણ તેમણે જે કંઈ યાદ કર્યું છે તે સંદર્ભે મારી યાદોમાં પણ કંઈ મળી શકે તેમ છે કે કેમ  તે વિચારવા માટે થોડો સમય લેવાની આ તબક્કે હું આપ સૌની રજા માગીશ……………. એ દરમ્યાન અત્યાર સુધીની જે વાતો અહીં યાદ કરી છે તે વિશે LDCE71M બૅચના મારા સહપાઠીઓના પ્રતિભાવોનો આતુરતાપૂર્વક ઈંતજ઼ાર રહેશે.