Wednesday, October 12, 2011

નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં - બ્રાયન ટ્રેસી



કોઇ નવી ટેવ પાડતાં કેટલો સમય જોઇએ? આ સમયગાળો એક સેકંડથી થોડાં વરસોનો હોઇ શકે! નવી ટેવનાં એક ઢાંચામાં સ્થાઇ થવાની ગતિ, જે રીતે નિર્ણય લેવાયો હોય તે, લાગણીની ઉત્કટતાપર આધાર રાખે છે. ઘણા લોકો વરસો સુધી વજન ઘટાડવા તેમ જ ચુસ્ત રહેવા અંગે વિચારતા કે વાત કરતા કે નિશ્ચય કરતા રહે છે. અને એક દિવસ અચાનક જ ડૉક્ટર જાહેર કરે છેઃ 'જો તમે તમારૂં વજન નહીં ઘટાડો અને સ્વાસ્થ્ય સુધારશો નહીં તો વહેલાં મૃત્યુને આવકારશો."
મૃત્યુનો ખયાલ એટલો ડરામણો અને પ્રબળ હોય છે, કે અચાનક જ વ્યક્તિ તેનો આહાર બદલી નાંખે છે, કસરત શરૂ કરી દે છે, ધુમ્રપાન બંધ કરી દે છે અને એક  તંદુરસ્ત અને ચુસ્ત વ્યક્તિ બની જાય છે.માનસશાસ્ત્રીઓ આને 'સૂચક લાગણીશીલ અનુભવ' [Significant Emotional Experience - S E E] કહે છે. કોઇપણ વર્તન સાથે જોડાયેલ ઉત્કટ આનંદ કે પીડા, જીવનપર્યંત ટકી રહે તેવી સ્વાભાવીક, ટેવ બની જાય છે.
દાખલા તરીકે, ગરમ સ્ટવ કે  વીજળીના જીવંત તારનો સ્પર્શ  થોડીક ક્ષણોમાટે ખુબ જ તિવ્ર અને અચાનક જ પીડા અને આઘાત આપે છે. આ અનુભવ થોડીક ક્ષણ માટેનો જ હોય છે. પરંતુ, બાકીની આખી જીંદગી, આપણને ગરમ સ્ટવ કે વીજળીના જીવંત વાયરને હાથ ન અડાડવાની ટેવ પડી જાય છે. ટેવ પડે છે થોડી ક્ષણોમાં પરંતુ ટકે છે હંમેશમાટે.
નિષ્ણાતોનું માનવું છે કે મધ્યમ કક્ષાની જટીલતાવાળી ટેવ સામાન્યતઃ ૨૧ દિવસમાં રૂઢ થઇ જતી હોય છે, જેમ કે કોઇ ચોક્કસ સમયે વહેલા ઉઠવું, કામે ચડતાં પહેલાં સવારે કસરત કરવી, ગાડીમાં કાર્યક્રમો સાંભળવા, ચોક્કસ સમયે ઉંઘી જવું, મુલાકાત માટે નિશ્ચિત સમયે પહોંચવું, દરરોજનું આગોતરૂં આયોજન કરવું, દિવસની શરૂઆત મહત્વનાં કામોથી કરવી, કે પછી, નવું કામ હાથમાં લેતાં પહેલાં હાથપરનું કામ પુરૂં કરવું. આ બધી ૧૪થી ૨૧ દિવસના અભ્યાસ અને પુનરાવર્તનથી વિકસી તેવી મધ્યમ કક્ષાની ટેવો છે.
ટેવને વિકસાવવાની રીત કઇ? આટલાં વરસો દરમ્યાન,ટેવ વિકસાવવામાટે એક સરળ, જોરદાર અને સિધ્ધ, વાનગી બનાવવાના નુસ્ખા જેવી, પધ્ધતિ સુનિશ્ચિત થયેલ છે. તમે તેનો કોઇ પણ ટેવ વિકસાવવામાટે પ્રયોગ કરી શકો છો. આ પધ્ધતિ વડે તમે તમારાં વ્યક્તિત્વના વિકાસમાટેની ટેવો સરળતાથી વિકસાવતા થઇ જશો.
નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં
પહેલું, નિર્ણય લો.
જ્યારે જ્યારે કોઇ ચોક્કસ વર્તનની જરૂર પડે ત્યારે ત્યારે હરહંમેશ એક ચોક્કસ રીતે જ વર્તશો તેમ નક્કી કરો. દાખલા તરીકે સવારે ચોકકસ સમયે ઉઠી જવું અને કસરત કરવી, તમારાં ઘડીયાળનાં ઍલાર્મને નિશ્ચિત સમય માટે ગોઠવવું અને જેવું ઍલાર્મ વાગે તેવું તરત જ ઉઠી જઇ કસરતનો પોષાક પહેરીને કસરત શરૂ કરી દેવી.
બીજું, ટેવ ઘડતરના સમયે તેમાં કોઇ અપવાદની જગ્યા ન રાખશો.
કોઇ બહાનાં કે તાર્કિક કારણો ન શોધી કાઢશો.તમારી જાતને ચુંગાલમાંથી છોડાવશો નહીં. જો સવારે ૬ વાગ્યે ઉઠવાનું નક્કી કર્યું હોય, જ્યાં સુધી આપમેળે દરરોજ સવારે ઉઠી ન જવાય ત્યાં સુધી તો નિયમિત રીતે ૬ વાગ્યે ઉઠી જવાનું શિસ્ત પાળવું જ.
ત્રીજું, અન્યોને કહો કે તમે એક ચોક્કસ વર્તનની ટેવ પાડી રહ્યા છો.
બહુ નવાઇ લાગશે કે આપણને જ્યારે કોઇ જોતું હોય, કે તમારામાં તમારા નિશ્ચયને પાર ઉતારવાની માનસીક તાકાત કેટલી છે, ત્યારે આપણે  કેટલા શિસ્તબધ્ધ અને કૃતનિશ્ચયી થઇ જતા હોઇએ છીએ.
ચોથું, તમારાં મન સમક્ષ તમારી જાતને કોઇ ચોક્કસ સંજોગોમાં એક નિશ્ચિતરીતે જ વર્તન કરતા હો તેવી કલ્પના કરો.
જેટલી વધારે  તમને આ ટેવ પડી જ ગઇ છે તેવી પરિકલ્પ્ના તેમ ધારણા કરશો, તેટલીજ ઝડપથી તમારી સુષુપ્ત ચેતના એ વર્તનને સ્વીકારી લેશે અને સ્વયંસચાલિત કરી દેશે.
પાંચમું,તમારી આંખો સમક્ષ ફરી ફરીને આવ્યા કરે તેવું કલ્પના-ચિત્ર બનાવો.
આવી પુનરોક્તિથી વર્તનનું ટેવમાં નાટકીય ઝડપથી રૂપાંતર થતું જણાશે. દાખલા તરીકે, દરરોજ સુતાં પહેલાં 'હું ૬ વાગ્યે ઉઠીને તરત જ તૈયાર થઇ જઇશ' વાક્ય બોલવાથી તમે ઍલાર્મ વાગ્યા પહેલાં જ આપમેળે ઉઠી જઇ શકશો. થોડા સમય પછીથી ઍલાર્મની પણ જરૂર પડવાનું બંધ થઇ જશે.
છઠું, નવાં વર્તનને ત્યાં સુધી વળગી રહો, કે તે એટલી હદે સ્વાભાવીક અને સરળ બની જાય કે તે પ્રમાણે ન કરવાથી તમે અસ્વસ્થ બની જાઓ.
સાતમું, અને મહત્વનું,નવાપ્રકારનાં વર્તનમાં ભાગીદાર થવા માટે તમારા માટે કોઇ પુરસ્કાર રાખો.
તમે જ્યારે જ્યારે તમને પુરસ્કૃત કરશો ત્યારે ત્યારે તમારા નિર્ણયને તમે વધુ સુદ્રઢ્ઢ કરશો તેમ જ નવાં વર્તનને વધુ ઘૂંટશો.પછીથી તુરંત તમે પુરસ્કારના આનંદની સાથે તમારાં વર્તનને અજાણતાં જ જોડી દેશો. આમ તમે અજાણ્યે જ એ નક્કી કરેલ વર્તણૂક કે ટેવ પ્રમાણે વર્તવા ઇચ્છવા લાગો તે પ્રકારની શક્તિનું આવરણ તમારી આસપાસ રચાઇ જશે.
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ તારીખઃ ૧૩ ઑક્ટોબર,૨૦૧૧

No comments: