Sunday, January 15, 2012

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાંથી વધારે પસંદ પડ્યું તેની નોંધ

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાં 'જો મારું આ છેલ્લું પ્રવચન હોય તો' શ્રુંખલામાં શ્રી અમૃતલાલ વેગડે [પૃ.૫૦ -૫૪]તેમનાં જીવનની ચાર માળ - વત અને પિતા, શંતિનિકેતન, નર્મદાની પહેલી પરિક્રમા અને નર્મદાની બીજી પરિક્રમા-ની વાત જે લાગણીસભર મધુર લાઘવથી કહી છે તે પોતે તો અસરકારક પ્રત્યાયનનું અનુસરણીય ઉદાહરણ તો છે જ, સાથે સાથે જીવનસાફલ્યવિષે પણ કેટકેટલું કહી જાય છે.
નર્મદાની પરિક્રમાને તેમણે તેઓએ સારા માણસ બનવાની કૉલૅજ કહી છે.શ્રધ્ધા અને વિનમ્રતા તેમ જ સાદગી અને સરળતા જેવા ભાવનાત્મક ગુણોને તેમણે આ યાત્રાઓમાં અનુભવથી આત્મસાત કર્યા અને આપણને પરિચિત કર્યા છે.
વ્યક્તિએ જીવનમાં producer  વધુ અને consumer ઓછા થવું જોઇએ તેવા મહત્વના જીવન સિધ્ધાંતની તેમની રજૂઆત મર્મસ્પર્શી છે. સમાજ પાસેથી જેટલું લઇએ તેના કરતાં વધારે પાછું આપવું અથવા જેટલું આપી શકીએ તેના કરતાં ઓછું લઇએ એવી સાદી સમજ જો આપણે દરેકે અપનાવી હોત તો ૨૦મી સદીના અંત સુધીમાં આપણે જે  global warming કે વૈશ્વિક મંદી કે ઠેક્ઠેકાણે નાનાંથી મોટાં વિદ્રોહનાં પ્રદર્શનો જોયાં તે કદાચ કદિ પણ થયાં જ ન હોત.
શ્રી અમૃતલાલભાઇએ જીવનમાં સાદગી કેટલી હદ સુધી ઉતારી હતી તે તો તેમણે અઠવાડીયાં પહેલાં જ લગ્ન થયેલ પત્નીને પણ પોતના મિત્રને જવા આવવાના થઇને છ કિલોમીટર ચલાવ્યાં તેનાપરથી સમજી શકાશે.["પરિક્રમાનું ભાથું બંધાઇ રહ્યું છે" - ઉપરોક્ત પ્રવચન પહેલાં શ્રીઅમૃતલાલ વેગડનો એમનાં પત્ની શ્રીમતિ કાન્તાબહેને આપેલો પરિચય - પૃ.૪૮-૪૯]
આ સંદર્ભે પૃ.૯૭ પર આલ્બર્ટ સ્વાઇત્ઝરનું કથન -" હું દ્રઢતાપૂર્વક માનતો આવ્યો છું કે જગતનાં દુઃખોના એકાદ અંશ્નો પણ અંત લાવવા માટે આપણામાંની દરેકવ્યક્તિ જરાક અજેટલો પુરૂષાર્થ તો કરી શકે જ"- વિચારીએ તો એમ લાગે કે આજે પણ જો આપણે મનથી નક્કી કરીએ તો છેલ્લી બે-ત્રણ સદીઓથી કરેલાં પર્યાવરણનાં નુકસાનને આપણે આ સદીમાં જ ભરપાઇ કરી દઇ શકીએ.

સાદગીના સિધ્ધાંતને અનુસરવાથી આ કક્ષાના બદ્લાવ શક્ય છે તેમ માનવા માટે શ્રધ્ધા જરૂરી છે. શ્રી અમૃતલાલભાઈ જીવનપ્રત્યે અને જીવનમાં શ્રધ્ધા મેળવી નર્મદાની પરિક્રમાઓથી. તો શ્રી મકરંદ દવે જેવા તેમની નૈસર્ગીક શ્રધ્ધાને આ રીતે સમજાવે છેઃ
                  “કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક.
          કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જૂદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅંક બેઠી છે આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ."
["કુન્દનિકા કાપડીઆ - એક મુલાકાત" - લેખિકાઃ અનુરાધા ભટ્ટ; પૃઃ ૩૪-૪૨]
આ લેખનાં પહેલાં જ પાને [પૃ.૩૪]પર કુન્દનિકાબહેનનો ફોટોગ્રાફ તેમનાં "વધુ સૌમ્ય, વધુ શાંત અને .. કેટલેક અંશે અંતર્મુખ થઇ" રહેલ વ્યક્તિત્વને અનેરી અસરકારકતાથી પ્રતિબિંબીત કરે છે. કોઈ જગ્યાએ ફોટોગ્રાફરનાં નામ ને ફોટોગ્રાફ લીધાના સમયની નોંધ જોવા ન મળી એટલે હાલ પૂરતું તે અનામી કલાકારને આપણી સલામ આપણે તંત્રીશ્રી દ્વારા મોકલીએ. તંત્રી શ્રી દિપકભાઇને આ ફોટોગ્રાફની પસંદગી અને તેને આ સ્થાને મૂકવા બદલ અભિનંદન અલગથી પાઠવીએ.

અને હવે, આ અંકમાંનાં કેટલાંક Quotable Quotes:
" જગત દેખાય છે તેવું નથી અને બોલે છે તેમ ચાલતું નથી." - "કાર્ટૂનની કલા" - ડૉ. જયંતી પટેલ 'રંગલો'ઃ પૃઃ ૧૩૫
"... મેં લાંબા કાળથી ધન (મધ) એકઠું કર્યું હતું પણ મેં ન ખાધું! અન્ય કોઇને ખાવા ન આપ્યું. પરિણામે લૂંટનારા લૂંટી ગયા. આવા વિચારથી મધમાખી પગ - માથું ઘસી રહી છે." -- "એક ઘડી આવી ઘડી .." - સં. રમેશ સંઘવી;પૃ. ૮૪
"પ્ર્ભાતના સૂર્યની ઉષ્મા પામીને હૃદય સૂરજમુખીની જેમ ખીલી ઉઠે ઃએ ત્યારે વીતી ગયેલ રાતનું એકાદ આંસુ એની ઉઘાડી રહેલી પાંખડી પર ઝિલાતેલું તો હોય છે જ.પછી સૂર્ય એને વીખેરી નાખે ખરો, પણ તે પહેલાં એ આખાય સૂર્યને પોતાની ભંગૂર સીમાઓ વચ્ચે પૂરી દે છે ખરું! આંસુ તથા સૂર્યને સહોદરની જેમ ઉછેરવા જેટલું શક્તિશાળી આપણું હૃદય હોવું જોઇએ." - સુરેશ જોશી - પૃ. ૬૦
અને મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા તો આ બ્લૉગ પર, નવનીત નો આ અંક હાથમાં આવ્યો તેના બે-એક દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાની એક પૉસ્ટ આજ વિષયપર વાંચી હતી એટલે તે સમયે જ પ્રસિધ્ધ કરી દીધેલ છે. [મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]]
Post a Comment