Sunday, March 12, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૧૭એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા

આ ગીતો યાદ છે એમ કોઈને પૂછવાની ભાગ્યે જ જરૂર પડે...

પરંતુ, કદાચ ફિલ્મો યાદ ન આવે, થીયેટર (કે ડીવીડી પર) જોયાનું તો શકય ન જ હોય,એટલે તેના સંગીતકારનું નામ જલદી યાદ ન આવે એ સ્વાભાવિક જ કહી શકાય. ૨૫૦થી વધારે ફિલ્મોમાં સંગીત આપનાર, ૨૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર, ૩૯ જેટલી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર અને ૩૦ જેટલી ફિલ્મની પટકથા લખનાર એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી - ૧૪ માર્ચ ૧૯૧૩ । ૨૮ માર્ચ ૧૯૮૮ -ની નિયતિએ તેમને હિંદી ફિલ્મ જગતની મુખ્ય ધરીના કલાકાર ન ગણવાનું જ નક્કી કર્યું લાગતું હતું. કદાચ આ કારણસર, તેમનાં ગીતો જેટલાં યાદ છે, તેટલા જ તેઓ વિસરાયેલા છે.

ફિંદી ફિલ્મ જગતમાં તેમણે ૧૯૩૬માં વાયલીનવાદક તરીકે કદમ મૂક્યો. તે પછીથી એ સમયનાં ખ્યાતનામ સંગીતકારા સરસ્વતીદેવીના તેઓ સહાયક પણ બન્યા. ૧૯૩૬ની જ ફિલ્મ 'જીવન નૈયા'માં તેમણે પહેલવહેલું ગીત - અરે દૈયા લચક લચક ચલો- ગાયું, જેને પર્દા પર અશોક કુમારે અભિનિત કર્યું હતું. અશોક કુમારની પણ આ પહેલી જ ફિલ્મ હતી. ૧૯૩૬માં જ તેમને સ્વતંત્ર સંગીતકાર તરીકે તક પણ મળી. કમનસીબે એ ફિલ્મ - 'ચંદન' - રજૂ થઈ છેક ૧૯૪૧માં.

નન્હા સા દિલ દેતી હૂં - ચંદન (૧૯૪૧) - રાજકુમારી, એસ એન ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર
આજના અંકમાં આપણે એસ એન ત્રિપાઠીએ રચેલાં ૧૯૫૦ સુધીની ફિલ્મોનાં કેટલાંક ગીતોને યાદ કરીશું.

એસ એન ત્રિપાઠીને ૧૯૪૩ની ફિલ્મ 'પનઘટ' દ્વારા પોતાની આગવી પહેચાન મળી.

પનઘટકે ઘાયલોંકા પનઘટ હી ઠિકાના - પનઘટ (૧૯૪૩) - એસ એન ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

એસ એન ત્રિપાઠીની બહુઆયામી કળાક્ષમતાની સાબિતીમાટે આ એક ગીત જ પૂરતું બની રહેવું જોઈએ. 'બાથરૂમ'માં ગવાતાં આ હળવાં ગીતની સુગેય ધુન, દરેક અંતરા માટે તર્જમાં કંઈક વૈવિધ્ય, બહુ જ સ્વાભાવિક અભિનય અને ગીતના ભાવને અદલોઅદલ રજૂ કરતો અવાજ. સફળતામાટે જોઈતાં બધાં ઘટકોની હાજરી જોવા (અનાયાસ જ શ્લેષ!)મળે છે.
 આયી બલૂનવાલી આયી રે - આધાર (૧૯૪૫)- ગીતા દત્ત, એસ એન ત્રિપાઠી - ગીતકાર એમ એ રીઝ્વી
આ ગીત ગાયું ત્યારે ગીતા રોય ૧૪ વર્ષનાં જ હતાં
બલૂન (ફુગ્ગા) અને ચરખી (ચકરડી) વેંચવાવાળાનું ગીત આપણે 'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'વિષય પરની શ્રેણી કરી હતી એ વિષયનું મજેદાર ગીત છે.

ઐસે ન હમેં છેડો કુછ સુન લો હમારી - રામાયણી (૧૯૪૫)- રાજકુમારી, પહાડી સન્યાલ

એસ એન ત્રિપાઠીનું સંગીત હોય અને ફિલ્મનું નામ 'રામયણી' હોય એટલે ફિલ્મ રામાયણને લગતી હશે એમ માની લેવાની કોઈ ભૂલ કરે તો તે ક્ષમ્ય જ ગણવું પડે !

ગીત સાંભળીએ એટલે ખ્યાલ આવશે કે આ તો હિંદી ફિલ્મોના એક બહુ પ્રિય વિષય - રૂસણાંમનામણાં- પરનું ગીત છે.રાજકુમારીના સ્વરમાં આવું હળવું ગીત સાંભળવું એ એક લ્હાવો છે.
લાજ ભરે.. ઈન નૈનમેં...અધિક સુધા બરસાઓ ના.. - ઉત્તરા અભિમન્યુ (૧૯૪૬) - અશોક કુમાર

અશોક કુમાર અને એસ એન ત્રિપાઠીનું ગઠન ગીતોની રચના સુધીના સંદર્ભમાં ઠીક ઠીક મજબૂત બનતું જણાય છે. એક સંદર્ભ આપણે આ પહેલાં જોયો હતો. તે ઉપરાંત, કહેવાય છે કે ૧૯૩૬ની 'અછૂત કન્યા'નું બહુ જાણીતું થયેલું દેવીકા રાની અને અશોક કુમારનાં ગીત 'મૈં બનકી ચિડીયા બન કે બન બન ડોલું રેમાં બન્ને નવાં નિશાળીયાં સમાં ગાયક-અભિતા કલાકારોને ગાયન માટેનો અભ્યાસ એસ એન ત્રિપાઠીએ કરાવ્યો હતો- ફિલ્મનાં સંગીતકાર સરસ્વતીદેવીને સંતોષ થાય એ સ્તર સુધી !

હિંદી ફિલ્મ ગીત કોષ મુજબ પ્રસ્તુત ગીત પર્દા પર (કદાચ)શાહુ મોડક માટે અશોક કુમારે પાર્શ્વ ગાયક તરીકે ગાયું હોય તેમ જણાય છે. અશોક કુમારે માત્ર પાર્શ્વ ગાયક તરીકે કોઈ ગીત ગાયું હોય એ પોતે પણ એક બહુ નોંધપાત્ર ઘટના કહી શકાય.
સોલા સિંગાર મૈં સજાઉંગી...પિયાકો રીજ઼ાઉંગી - પનીહારી (૧૯૪૬)- શાંતા આપ્ટે

આ વિડીયો ક્લિપની શરૂઆતમાં ફિલ્મનું પોસ્ટર જોવા મળે છે, જેમાં બહુ ધડાકાભેર જાહેરાત કરવામાં આવી છે કે 'આવે છે! નવી શાંતા એક અનોખા રોમાંસમાં!' આ ભાવને અદલોદલ ચરિતાર્થ કરવા માટેની તક આ ગીતે આપી છે અને સંગીતકાર એસ એન ત્રિપાઠીએ તે બન્ને હાથોથી ઝીલી પણ લીધી છે....
બીત ચલી બરખા ઋત સીતે, સુધ ન મિલી તુમ્હારી - શ્રી રામ ભક્ત હનુમાન (૧૯૪૮)- મુકેશ = ગીતકાર બી ડી મિશ્ર

આ ગીત રામની ભૂમિકામાં પરદા પર ગાઈ રહેલ કલાકાર પૃથ્વીરાજ કપૂરના નાના ભાઈ ત્રિલોક કપૂર છે, પરંતુ તેમની ઓળખ તો ફિલ્મના પર્દા પરના શિવ તરીકે વધારે જાણીતી રહી છે. તે જ રીતે એસ એન ત્રિપાઠી પર ધાર્મિક ફિલ્મોની છાપ ઘુંટાવાની શરૂઆતનો આરંભ થઇ રહ્યો લાગે છે. તેમણે ફિલ્મોમાં કદાચ સૌથી વધારે ભૂમિકાઓ હનુમાનની કરી હશે..!!

ક્યારેક કોઈ સફળતા આગળ જતાં કેવી નડતી હોય છે!
આઓ સખી મંગલ ગાઓ કી શુભ દિન આયે રે - વીર ઘટોત્કચ (૧૯૪૯)- સરોજ, શાંતિ શર્મા - ગીતકાર રમેશ જોશી

આ ગીત ફિલ્માવાયું ત્યારે મીના કુમારી માંડ ૧૬ વર્ષનાં છે !

એક નયા સંસાર સજાઓ, આજ ખુશી કા દિન આયા - રોહિણી રોય, યશવંત ભટ્ટ, સાથીઓ - વીર ઘટોત્કચ ((૧૯૪૯)- ગીતકાર મોતી બી.એ.

આ ગીતના એક (ગુજરાતી) ગાયક યશવંત ભટ્ટ વિષેની પુરક માહિતી અરૂણકુમાર દેશમુખની આ જ ગીત પરની એક પૉસ્ટમાં વાંચવા મળશે.
દશકાના અંતમાં આવેલી ફિલ્મ 'સૌદામિની'માં એસ એન ત્રિપાઠીને સામાજિક વિષય પરની ફિલ્મ પર કામ કરવાની તક મળી. ફિલ્મનાં ગીતો આજે પણ સાંભળવાં ગમે છે. તે સમયે કેટલાં લોકજીભે ચડ્યાં હશે તે તો જાણ નથી,પરંતુ એસ એન ત્રિપાઠીના સીતારાને જૂદી ચમક બક્ષવામાં આ ગીતો કામયાબ નહીં રહ્યાં હોય એમ લાગે છે.

કાલી કોયલ બોલે મતવલી કોયલ બોલે રે - સૌદામિની (૧૯૫૦) - મોહનતારા તળપડે - ગીતકાર અન્જુમ પીલીભીતી

એસ એન ત્રિપાઠીએ કદાચ ફિલ્મનાં બજેટને ધ્યાનમાં લઇને ગાયકો પસંદ કર્યાં હશે, પણ તેની અસર ગીતનાં માધુર્ય પર પડી નથી એ માટે તેમને મળવો જોઈતો (વાણિજ્યિક) યશ મળ્યો નથી જણાતો.

કાલી કાલી બદલી છાયી સાવનકી રીતુ આયી - સૌદામિની (૧૯૫૦) - ગીતા રોય (દત્ત)

તેમનાં જાણીતાં અને લોકમાનીતાં વીન્ટેજ માધુર્યથી ગીતા રોય ગીતને સજાવે છે.
કાલી ઘટા હટ ગયી ગગનમેં નીકલા ચાંદ હૈ - સૌદામિની (૧૯૫૦)- ચિત્રગુપ્ત

અહીં ચિત્રગુપ્તનું નામ એસ એન ત્રિપાઠીના સહાયકની ભૂમિકામાં નથી લખ્યુ! ચિત્રગુપ્તે આ ગીત બકાયદા પરદા પાછળ ગાયું છે. પોતાના સહયોગીને પોતાની ક્ષમતા રજૂ કરવાની તક આપવાની ભાવનાને મૂર્ત કરવા માટે આ પ્રકારના પ્રયોગો કરવામાટે એસ એન ત્રિપાઠીની હિંમતને દાદ તો દેવી જ પડે!
દુખ દર્દ ભરે દિલકા કહે કિસકો ફસાના - સૌદામિની (૧૯૫૦) - ઉમા દેવી

કરૂણ ભાવનાં ગીત માટે એસ એન ત્રિપાઠીએ ઉમા દેવીના અવાજનો બહુ અસરકારક પ્રયોગ કર્યો છે.

જવાની ચાંદ સલોના ચમકે ઔર છૂપ જાયે - સૌદામિની (૧૯૫૦)- મોહમ્મદ રફી, ઝોહરાબાઈ અંબાલેવાલી, સાથીઓ

બન્ને ગાયકોના શબ્દો જૂદા જૂદા ભાવ વ્યક્ત કરે છે એટલે સંગીતકારે પહેલાં અંતરામાં રફી સાહેબાન શબ્દોને ઝોહરાબાઈએ ગાયેલ મુખડા કરતાં જૂદી રીતે ગવડાવ્યા છે. અંતરાના અંતમાં ઝોહરા પાછાં તેમની મુખડાની રજૂઆતને અપનાવી લે છે.
સૂર્ય દેવ દિનેશ હે મમ બાર બાર પ્રણામ હો - શ્રી ગણેશ મહિમા (૧૯૫૦)

ઉપલ્બધ માહિતી આ ગીત પરદ પાછળ પણ એસ એન ત્રિપાઠીએ જ આ ગીત ગાયું છે તેની નક્કર પુષ્ટિ નથી કરતી. પરંતુ સૂર્ય્દેવની અર્ચના કરતા રાજવીની ભૂમિકામા એસ એન ત્રિપાઠી ખુદ છે તેથી પરદા પાછળ પણ ગીત તેમણે જ ગાયું હોય એમ માનવું સ્વાભાવિક છે.

આપણા દરેક અંકની સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે મોહમ્મદ રફી અને ગીતા રોય (દત્ત) પહેલવહેલાં યુગલ ગીત તરીકે નોંધાયેલાં, ‘માનસરોવર’ (૧૯૪૬)નાં ગીત જય હિન્દ યે હિન્દકી કહાનીયાં સાંભળીએ ....


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: