Sunday, August 28, 2016

સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફી - દેવ આનંદ સિવાય અન્ય કલાકારો માટે ગવાયેલાં સૉલો ગીતો :: [૧]



 સચિન દેવ બર્મનનાં - મોહમ્મદ રફી સાથે સહકાર્યના સમયકાળને, તેમનાં મોહમ્મદ રફીના સ્વરના ઉપયોગની માત્રા અને કક્ષાના સંદર્ભમાં, ત્રણ ખંડમાં વહેંચી શકાય
  • ૧૯૪૬થી ૧૯૫૬નો પહેલો દશક;
  • ૧૯૫૭માં 'પ્યાસા'થી શરૂ થતો ૧૯૬૫ની 'ગાઈડ'/ 'તીન દેવીયાં' સુધીનો ૧૯૬૫ (-૬૬)નો બીજો દશક, અને
  • ૧૯૬૭ માં જ્વેલ થીફથી શરૂ થઇ ૧૯૭૪માં તેમની છેલ્લી સાથે આવેલી ફિલ્મ 'ઉસ પાર'નો ત્રીજો સમયખંડ.

૧૯૪૬થી  ૧૯૭૪ના સમયમાં સચિન દેવ બર્મનનાં કુલ્લ ૯૦ જેટલાં ગીતો મોહમ્મદ રફીએ ગાયાં, જેમાંથી અડધો અડધ ગીતો સૉલો ગીતો હતા. આટલાં સૉલો ગીતોમાંથી પર્દા પર દેવ આનંદ માટે ગવાયેલાં સૉલો ગીતોની સંખ્યા ૧૯ જેટલી રહી.
સચિન દેવ બર્મને મોહમ્મદ રફી પાસે ગવડાવેલ દેવ આનંદ માટેનાં સૉલો ગીતો આપણે આ પહેલાં   ૪ એપ્રિલ, ૨૦૧૫ અને ૧૬ મે, ૨૦૧૫ ના રોજ બહુ જ વિગતે માણી ચૂક્યાં છીએ. તે જ રીતે આપણે સચિનદેવ બર્મનનાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતા દત્ત, લતા મંગેશકર અને આશા ભોસલે સાથેનાં બે સમયખંડમાં વહેંચાયેલાં યુગલ ગીતો પણ આપણે સાંભળી ચૂક્યાં છીએ.
આજે અહીં આપણે સચિન દેવ બર્મનનાં સંગીતમાં મોહમ્મદ રફીએ દેવ આનંદ સિવાયના અન્ય કલાકારો માટે ગાયેલ સૉલો ગીતોને યાદ કરીશું.
૧૯૪૬થી ૧૯૫૬નો પહેલો દશક
એ સમયમાં ૧૯૫૦ - ૬૦ના દાયકામાં સ્થાપિત થઇ ચૂકેલા બધા જ ગાયકોએ પણ ફિલ્મ જગતમાં હજૂ પ્રવેશ જ કર્યો હતો. એટલે પ્રવેશ મળ્યા બાદ જે ગાયક એ સમયે સ્વીકૃત જણાય તેની પાસે કોઈ પણ અભિનેતા માટેનાં ગીતો ગવડાવવામાં આવતાં હોય તેવું ચલ્ણ જોઈ શકાય. ફિલ્મ સંગીત ક્ષેત્રે  પોતે પણ હજુ શરૂઆત જ કરી હતી એવા સચિન દેવ બર્મન પણ પુરુષ પાર્શ્વગાયકની બાબતે અન્ય સંગીતકારોની જેમ જ યોગ્ય અવાજની શોધમાં રહેલા જ જોવા મળે છે.
તેમના સહકાર્યકાળના પહેલા દશકમાં સચિન દેવ બર્મન રાજ કપુર માટે 'દિલકી રાની (૧૯૪૭)માં ખુદ  રાજ કપુર અને 'પ્યાર'(૧૯૫૦)માં કિશોર કુમારનો , દેવ આનંદ માટે 'વિદ્યા' (૧૯૪૮)માં માં મુકેશ કે, જાલ (૧૯૫૨)અને સઝા (૧૯૫૨)માં મુખ્યત્વે હેમંત કુમાર કે એકલ દોકલ ગીતોમાં કિશોર કુમારનો  અને દિલીપ કુમાર માટે 'શબનમ'(૧૯૪૯)માં મુકેશનો ઉપયોગ કરતા રહ્યા. ૧૯૪૭માં 'દો ભાઇ'માં તેમણે મોહમ્મદ રફી પાસે પહેલું (સૉલો) ગીત ગવડાવ્યું તે પછી  છેક ૧૯૫૧ અને ૧૯૫૩માં  તેઓ ફરીથી સાથે આવ્યા, જો કે આ ગીતો યુગલ ગીતો હતાં. ૧૯૫૫ની દેવદાસમાં ફરી  એક વાર બેકગ્રાઉંડમાં ગવાતાં ગીતમાં મોહમ્મદ રફી દેખાયા. એ જ વર્ષમાં 'સોસાયટી'માં પણ બીજાં બે યુગલગીતોમાં પણ રફી સાંભળવા મળ્યા. આમ આ દશકમાં મોહમ્મદ રફીએ સચિન દેવ બર્મનની કુલ્લ ૩૩ ફિલ્મોમાં માત્ર આઠ (જ) ગીતો ગાયા, જેમાંથી બે ગીતો જ સૉલો હતાં. 
જો કે આપણે એ સુવર્ણ ભૂતકાળનાં આટલાં વર્ષો પછીના આજના તબક્કે જે કોઇ સમીક્ષાત્મક કે તુલનાત્મક પરિક્ષણના સંદર્ભનો ઉપયોગ પણ કરીશું તો તે આ સમયનાં સંગીતની ખૂબીઓને માણવા જરૂરી પરિપ્રેક્ષ્યનું વાતાવરણ સમજવા પૂરતો જ મર્યાદીત રાખીશું. આપણું વધારે ધ્યાન તો એ સમયનાં સંગીતને આજના સમયમાં માણવા માટે જ આપવાનું પસંદ કરીશું.
દુનિયામેં મેરી આજ અંધેરા હી અંધેરા - દો ભાઈ (૧૯૪૭) - ગીતકાર : રાજા મહેંદી અલી ખાન - પર્દા પર કલાકારઃ ઉલ્હાસ
૧૯૫૦ અને પછીના સમયમાં મોહમ્મદ રફીના સ્વરની જે ખૂબીઓથી આપણે ભલીભાંતિ પરિચિત છીએ, તે આ ગીતમાં ઝીલાતી જોવા મળે છે. આ ફિલ્મમાં ગીતા રોયનાં મેરા સુંદર સપના બીત ગયા અને યાદ કરોગે એક દિન હમકો યાદ કરોગે જેવાં બેસુમાર લોકચાહના મેળવેલાં બે ગીતોના બેવડા હુમલાએ આ ગીતને તેના સમય કરતાં વહેલું ભુલાવડાવી દીધું.
મિલનેકે વાસ્તે....મંઝિલકી ચાહ મેં રાહીકે વાસ્તે - દેવદાસ (૧૯૫૫) - ગીતકાર : સાહિર લુધ્યાનવી - ફિલ્મમાં પર્દાપર ગીત બેકગ્રાંઉંડમાં ગવાય છે.
દેવદાસનાં જીવનનાં બે મુખ્ય પાત્રો - પારો અને ચંદ્રમુખી-ના માર્ગ એક બિંદુએ આવીને મળે તે સાથે જ ફરીથી અલગ રસ્તે ફંટાઈ જાય છે એવી બહુ જ નાજૂક, ભાવુક, ક્ષણને આ ગીત પરદા પર જીવંત કરી રહે છે. મોહમ્મદ રફી બંગાળી લોકધૂનના ભાવને ઝીલી રહ્યા છે.

૧૯૫૭માં 'પ્યાસા' થી શરૂ થતો ૧૯૬૫ની 'ગાઈડ'/ 'તીન દેવીયાં' સુધીનો ૧૯૬૫ (-૬૬)નો બીજો દશક
આ સમયખંડમાં એસ ડી બર્મનની ૩૦ ફિલ્મો રજૂ થઈ, જેમાં મોહમ્મદ રફીનાં કુલ ગવાયેલાં સૉલો ૪૫માંથી ૪૧ ગીતો (પૂરી સહકારકીર્દીનાં ૯૦ ગીતોમાંથી ૭૩ ગીતો) થયાં. દેવ આનંદ માટે રફીએ ગાયેલાં બર્મનદાનાં ૧૯માંથી ૧૮ સૉલો ગીતો આ સમયખંડનાં છે. આમ અન્ય કળાકારો માટે ગવાયેલાં બાકીનાં બીજાં ૨૩ ગીતો પણ આ સમયખંડને ફાળે રહયાં.
૧૯૫૭માં રજૂ થયેલી ગુરુ દત્તની સીમાચિહ્ન ફિલ્મ 'પ્યાસા', સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફીનાં સહકાર્યના અધ્યાય માટે, ખરા અર્થમાં ગેમ ચેન્જર બની રહી. ગુરુ દત્તની એ પહેલાંની ફિલ્મોની સફળતામાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોનો ફાળો એટલો મહત્ત્વનો રહ્યો હતો કે 'પ્યાસા' જેવી નાયક પ્રધાન ફિલ્મનાં ગીતો મોહમ્મદ રફીને ફાળે જાય તે અપેક્ષિત લાગે. જો કે અહીં પણ હજૂ જાને વો કૈસે જિનકે પ્યારકો પ્યાર મિલા જેવાં હેમંતકુમારના સ્વરમાં અત્યંત મજબૂત ગીત સાથે સ્પર્ધા તો રહી જ. પણ ફિલ્મમાં એક એકથી ચઢિયાતાં ગીતનાં દરેક પાસાંની ખૂબીઓએ એસ ડી -રફીનાં સંયોજનને  ફિલ્મ સંગીતના નવા આયામોના માપદંડ સર્જવાની ભૂમિકા તો ભજવી જ પણ તે સાથે આ સંયોજનનાં બંધનને એક નવાં શિખર પર પ્રસ્થાપિત કરી આપ્યું.
બદલા જમાના બાબુ બદલા જમાના - મિસ ઈન્ડિયા (૧૯૫૭)- ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - પર્દા પર અદાકાર : આઈ એસ જોહર
૧૯૫૭માં ભારતમાં મેટ્રીક પધ્ધતિ દાખલ થઈ. પહેલાં ૧૬ પૈસામાં થતી ચવન્ની હવે ૧૨ નયા પૈસાની બની ગઈ. ૧૬ આના, ચાર ચવન્નીને બદલે હવે  રૂપિયો ૧૦૦ નયા પૈસા અને ચાર પચીસ પૈસાનો બની ગયો હતો.
મજાનો તાલ એ છે કે આ વર્ષ પછી એસ ડી અને રફીનાં સંયોજનનો રૂપિયો પણ  સિક્કાની નવી ટંકશાળ પાડવા જઈ રહ્યો હતો.
જિન્હેં નાઝ હૈ હિંદુસ્તાન પર વો કહાં હૈ.. કહાં હૈ - પ્યાસા (૧૯૫૭) - ગીતકાર : સાહિર લુધ્યાનવી -  પર્દા પર અદાકાર : ગુરુ દત્ત
સાહિર લુધ્યાનવીની વિચારસરણીને વાચા આપવા માટે મોકળું મેદાન આપતી સિશ્યુએશન, રફીના અવાજમાં નશામાં ઘુંટાતી વ્યથા અને પાછળ રણકતી ગિટાર... વો  ઉજલે દરિચોંમેં પાયલકી છન છન, થકી હારી સાંસોંમેં ધન ધન.....પર તબલાંની થાપ (@૨.૦૪).... આપણાં રૂંવાડાં ઊભાં કરી નાખે છે.
યે મહલોં યે ખ્વાબોંકી દુનિયા મિલ ભી જાયે તો ક્યા હૈ - પ્યાસા (૧૯૫૭) – ગીતકાર : સાહિર લુધ્યાનવી- પર્દા પર અદાકાર : ગુરુ દત્ત
ગીતકારની શાયરી, ગાયકના સ્વરની તડપ અને સંગીતકારની બેનમૂન સંગીત બાંધણીમાં ગુરુ દત્તની ફિલ્મોના ખાસ  સિનેમેટોગ્રાફર (ભારત રત્ન) વીકે મૂર્તિના કેટલાય અદ્‍ભુત શૉટ્સ…. ક્યાં પરિબળે કયાં પરિબળને વધારે પ્રભાવવંત કરવામાં મદદ કરી એ કહેવું જ મુશ્કેલ થઇ જાય તેવું અદ્‍ભૂત સંયોજન આ ફિલ્મમાં ચરિતાર્થ થયું.
અહીં રજૂ કરાયેલી ક્લિપમાં નાયકને જે જે લો કોએ હડધૂત કરવામાં આડો આંક વાળ્યો હતો, તે બધાં તેની શાયરીનાં પુસ્તકની અસીમ સફળતાથી તેની પાછળ ઘાંઘાં થાય છે... પણ તેમના માટે ખરી કિંમત તો મરેલા હાથી જ છે........
ફિલ્મમાં માત્ર ગીતો જ નહીં પણ શાયર નાયકના હોઠો પરથી વહેતી શાયરીઓ
યે હસ્તે હૂએ ફૂલ, યે મહકા હૂઆ ગુલશન..

જબ હમ ચલે તો સાયા અપના ભી  ન સાથ દે, જો તુમ ચલો તો જમીં ચલે આસમાં ચલે

તંગ આ ચૂકે હૈં કશ્મક્શ-એ-ઝીંદગી સે હમ, ઠુકરા ન દે જહાંકો કહીં બેદિલી સે હમ
ની રજૂઆત પણ એટલી જ ધારદાર હતી..
કોઇ વાત પર આ ફિલ્મ દરમ્યાન એસડી અને સાહિર વચ્ચે કોઈ એવો મતભેદ થયો કે તે પછી તેમણે ક્યારે પણ સાથે કામ ન કર્યું.
'પ્યાસા' જેવી અવ્યાપારી ગણી શકાય તેવી ફિલ્મની જબરદસ્ત સફળતાએ ગુરુ દત્તને 'કાગઝ કે ફૂલ'નાં સર્જન માટે પ્રેર્યા. અને વિધિની વક્રતા કેવી કે  હિંદી ફિલ્મોમાં સીમા ચિહ્ન તરીકે સ્વીકારાતી , પણ કથા તત્ત્વ તરીકે  હિંદી ફિલ્મનાં ફટકિયાંપણાને ઉજાગર કરતી, આ ફિલ્મને એ જ ફટકિયાપણું પણ ડૂબાડી ગયું....
દેખી ઝમાનેકી યારી...બીછડે સભી બારી બારી - કાગઝ કે ફૂલ (૧૯૫૯) – ગીતકાર : કૈફી આઝમી - પર્દા પર : ગુરુ દત્ત
કાગઝનાં ફૂલ ગમે તેટલાં રૂપાળાં હોય, તેમાં અતરની ગમે તેટલી સુગંધ ભરી હોય, આખરે તો એ કાગળનાં ફૂલ જ નીવડે છે...

રાત ભર મહેમાં હૈ બહારેં યહાં, રાત ગર ઢલ ગઈ ફિર યે ખુશીયાં કહાં... પલ ભરકી ખુશીયાં હૈ સારી... બઢને લગી .. બેક઼રારી...
એક હાથસે દેતી હૈ દુનિયા, સૌ હાથોંસે લે લેતી હૈ.. યે ખેલ હૈ કબ સે જ઼ારી... બીછડે સભી બારી બારી…’

આ ફિલ્મની નિષ્ફળતાએ હસતા રમતા, વિચારશીલ, સંવેદનશીલ ગુરુદત્તને અંદરથી ભાંગી નાખ્યા……
આ ફિલ્મનાં આર્થિક નુકસાનની ખોટ ભરપાઈ કરવા ગુરુદત્તે ફરીથી એક (તેમની દૃષ્ટિએ) વાણિજ્યિક ફિલ્મ 'ચૌદવીંકા ચાંદ બનાવી.... તેમાં સંગીત રવિનું હતું, પરંતુ નાયક તેમ જ હાસ્ય કલાકાર માટે ગવાયેલાં બધાં પુરુષ ગીતો મોહમ્મદ રફીએ જ ગાયાં.
જો કે, એસડી-રફીનાં સહકાર્યના બીજા દશકના પ્રારંભનાં ગીતો ખરા અર્થમાં ગેમ ચેન્જર બની રહ્યા - માત્ર તેમના ઉભય સહકાર્ય પક્ષે જ  નહીં, પણ બંનેની સ્વતંત્ર કારકીર્દીના સંદર્ભમાં અને હિંદી ફિલ્મ સંગીતની સમગ્ર તવારીખના સંદર્ભમાં પણ.
સચિન દેવ બર્મને પણ હાસ્ય કલાકાર માટેનાં ગીતો માટે પણ આ સમયમાં બહુ મહદ અંશે મોહમ્મદ રફીનો જ ઉપયોગ કર્યો. આ પ્રકારનાં બધાં ગીતોને આપણે અલગથી એક સાથે જોઈશું.
'પ્યાસા' અને કાગઝકે ફૂલનાં ગીતોની સફળતા પછી એસડી-રફીએ, એક પછી એક, કમાલનાં ગીતો આપ્યાં.
યે ચંદા રૂસકા, ન યે જાપાન કા,ન યે અમરિકન યે તો હૈ હિંદુસ્તાન કા  - ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) – ગીતકાર : શૈલેન્દ્ર - પર્દા પર અદાકાર : સુનિલ દત્ત
ગીતના મુખડાના શબ્દો સાંભળતાં, અલગ અલગ દેશોની ટેક્નોલોજીને આયાત કરી ભારતને ઔદ્યોગિક યુગ તરફ લઇ જવાનું સ્વપ્ન જોતાં, ભારતનાં એ સમયનાં ઔદ્યોગિક ચિત્રને ખડું કરતી એક કામદારની મનોસ્થિતિ જોવી હોય તો જોઇ શકાય. તો વળી પર્દા પર ગીતને જોતાં વેંત જ સમજાઈ જાય કે વિદેશની બનેલી ક્રેન ચલાવતો એ કામદાર તો આ શબ્દો ક્રેનનાં બકેટમાં બેસાડેલી પોતાની ફુટડી પ્રેમિકાને ઉદ્દેશીને ગાઈ રહ્યો છે…………..
અંધેને ભી સપના દેખા ક્યા હૈ જમાના - સુજાતા (૧૯૫૯) - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સુજાતા સ્ત્રી-પાત્ર પ્રધાન ફિલ્મ હતી, એટલે તેનાં સ્ત્રી-ગીતો જ વધારે પ્રભાવશાળી હોય તે સ્વાભાવિક છે. જો કે આ જ ફિલ્મનાં 'સુન મેરે બંધુ રે' અને 'જલતે હૈ જિસકે લિયે'  જેવાં ગીતો એસ ડી બર્મન અને તલત મહમુદ જેવા એ ગીતના ગાયકો નાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતાં રહ્યાં છે તે વાતની પણ નોંધ લેવી જ રહી. આ સંજોગોમાં આવાં હલકાં ફુલકાં ગીત માટે એસડીની પસંદ મોહમ્મદ રફી પર ઉતરી હતી તે વાત પણ એટલી જ નોંધપાત્ર કહી શકાય.

[આડ વાત : 'સુન મેરે બંધુ રે' મુખડાનો હૃષિકેશ મુખર્જીએ ૧૯૭૩માં બનેલી ફિલ્મ 'અભિમાન'માં બહુ જ અસરકારક ઉપયોગ કર્યો છે, જે અહીં જોઈ/ સાંભળી શકાય છે.]
અપને હાથોંકો પહચાન - અપના હાથ જગન્નાથ (૧૯૬૦) ગીતકાર : કૈફી આઝમી
ફિલ્મમાં આ ગીત વિચાર કરતા નાયક (કિશોર કુમાર)ના મનોભાવને ચિત્રીત કરે છે.
નાચે મન મોરા તિકરા ધીગી ધીગી - મેરી સૂરત તેરી આંખે (૧૯૬૩) - ગીતકાર શૈલેન્દ્ર - પર્દા પર અશોક કુમાર
ખગેશ દેવ બર્મને તેમનાં સચિન દેવ પરનાં પુસ્તક - The World of His Music -માં આ ગીતનાં સર્જન વિષેની એક રસપ્રદ બીના  એસડીના શબ્દોમાં જ કહી છે : 'ગીતની પહેલી પંક્તિમાં મન મોરની જેમ થનગનતું હોય તેવી ભાવના લાવવાનું મેં શૈલેન્દ્રને કહ્યું હતું. તેમણે મુખડાની પંક્તિ લખી નાખી - નાચે મન મોરા. બસ,  કથક નૃત્યના ગુરૂ, બીનાદિન મહારાજ, રિયાઝ કરતી વખતે તાલ આપવા તિકરા ધીગી ધીગી ગાતા તે મને  યાદ આવી ગયું, અને ગીતનો મુખડો બની ગયો.' ગીતમાં કથક શૈલીનાં તબલાંની થાપ માટે પંડિત સામતાપ્રસાદજીને આમંત્રવા આવ્યા હતા.
આ ફિલ્મનું આહિર ભૈરવમાં ગવાયેલું શાસ્ત્રીય ગીત - પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ - મન્ના ડે એ ગાયું છે, તે વાતની નોંધ પણ લેવી જોઈએ.

એક પોસ્ટમાં એક સાથે સાંભળવામાં બહુ અસગવડ ન ઊભી થાય એ દૃષ્ટિએ આજે આપણે સચિન દેવ બર્મન - મોહમ્મદ રફીની દેવ આનંદ સિવાયના કલાકારો માટેનાં સૉલો ગીતોની સફરમાં આજે વિરામ લઈશું .
હવે પછીના અંકમાં આપણે અહીથી અધૂરી મૂકેલી સફર જ આગળ ચલાવીશું..............

No comments: