Sunday, September 4, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૬)


૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૭-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૨૪-૭-૨૦૧૬ અને ૭-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડેનાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા. ૭-૮-૨૦૧૬ના રોજ રજૂ થયેલ ગીતોમાંના જે કળાકારોને ઓળખી શકાયા છે એ કળાકારોની ઓળખ આજના અંકના અંતમાં કરીશું.

આપણી આ સફરના આજના પડાવમાં આપણે મોહમ્મદ રફીએ ગાયેલાં મોટા ભાગે બહુ જ જાણીતાં થયેલાં ગીતોની સાથે કેટલાંક યાદદાસ્તોનાં પડ ઉખેળવાં પડે એવાં ગીતોને સાંભળીશું. આ બધાં જ ગીતોને પર્દા પર ભજવનારાં કાળાકારો પૈકી કેટલાંય હજૂ આજે પણ ગુમનામ છે.

'ગુમનામ' કાને પડતાં જ આ નામની એક બહુ સફળ ગણાયેલી રહ્સ્ય ફિલમનાં મોહમ્મદ રફીએ ગાયેલ ગીતની યાદ આવે છે. તો આજનો આપણો અંક આપણે એ ગીતથી જ કરીએ...

જાન પહચાન હો જીના આસાન હો - ગુમનામ (૧૯૬૫) - સંગીતકાર શંકર જયકિશન   

આ ગીત પર નૃત્ય કરી રહેલ સુંદરી તો લક્ષ્મી છાયા છે એ કદાચ જણાવવું નહીં પડે.


આડવાતઃ

'ગુમનામ'ની પ્રેરણા અગાથા ક્રિસ્ટીની બહુ જ જાણીતી રચના And Then There Were None, અને કદાચ તેનાં પછીથી થયેલાં નાટ્ય અને ફિલ્મ સ્વરૂપો ગણવામાં આવે છે. મૂળ પુસ્તક વિષે વધારે માહિતી માટે And Then There Were None પરનો લેખ વાંચવા અનુરોધ છે.

બીજી વાત: 'જાન પહેચાન હો'ની લોકપ્રિયતા પશ્ચિમ જગતના સીમાડાઓ સુધી પણ પહોંચી ગઈ હતી. જેનું મૂળ શ્રેય ૨૦૦૧ની ફિલ્મ 'ધ ઘૉસ્ટ વર્લ્ડ'ને અપાય કેમ કે એ ફિલ્મમાં આપણા આ ગીતને સીધે સીધું જ મૂકાયું હતું.

એ પછી હૈનકીન (બીયર)ની જાહેરાત માટે આપણ આ ગીતનો બહુ ખૂબીથી ઉપયોગ કરાયો છે.

બ્રિટીશ બૅન્ડ વ્હાઈટ લાઈઝની એક રચના, There Goes Our Love Again માં પણ આ ગીતની ધૂન, પહેરવેશ ને અદાકારીને અપનાવવામાં આવી છે.

અને છેલ્લી વાતઃ

'જાન પહેચાન' પણ આગળની એક ધૂન પર પ્રેરિત હતું. શંકર જયકિશનનાં ગીતો પહેલાંનાં વાદ્ય પ્રીલ્યુડ તેમની આગવી ઓળખાણ હતી.

અને જે ગીતનાં પ્રીલ્યુડની અહીં પ્રેરણાસ્ત્રોત તરીકે વાત થઇ છે તે ગીત -


આ પ્રીલ્યુડ અપણ શંકર જયકિશનનાં કેટલાંક અન્ય ગીતોના પ્રેરણ સ્ત્રોત મનાતા ઍલ્વીસ પ્રીસ્લીનાં જ કોઈ ગીત પરથી પ્રેરિત થયેલ છે. ગીતની રચનામાં શંકર જયકિશનની આગવી છાપ ઊભરી છે.


ખેર, આ તો આજનાં ગીતોની થોડી લાંબી પ્રસ્તાવના બની ગઈ.

હવે આપણે આજનાં અન્ય ગીત તરફ ધ્યાન આપીશું.

રાજ ક્પૂરની ફિલ્મ હોય એટલે સામાન્યતઃ ગીતોમાં પ્રાધાન્ય મુકેશનું જ હોય તે તો સ્વાભાવિક છે. જો કે લગભગ દરેક ફિલ્મમાં એકાદ ગીતમાં રફીનો પણ હિસો નોંધપાત્ર હોય એમ પણ જોવા મળે. એવાં કેટલં ગીતોને સાંભળીએ

નૈયા તેરી મઝધાર...- આવારા (૧૯૫૧) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર

ગીતનું ચિત્રીકરણ સીલ્હૂટ ફ્રેમમાં કરવાનો અનોખો પ્રયોગ પ્રયોજાયો છે. એટલે આમ પણ તેને પર્દા પર કોણ ગાય છે તે કદાચ મહત્ત્વનું નથી


રમૈયા વસ્તાવૈયા મને દિલ તુમકો દિયા - શ્રી ૪૨૦ - સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: શૈલેન્દ્ર



ગીતની પહેલાં  નાદીરાનું સંગીત નૃત્ય બસ્તીમાંના લોકોની હાલત માટેનો વિરોધાભાસ ઊભો કરે છે. ગીતના ઉપાડમાં કે ગીતના અંતમાં રફીના ભાગે જે આલાપ આવ્યો છે તે તો રફીની આગવી પહેચાનની છાપ સમાન છે.

સાયકલ પર દૂધ દેવા નીકળેલ દૂધવાળો પસાર થાય અને એક લીટી લલકારતો જાય તો નરગીસના હોઠો પરથી એક લીટી ફૂટી નીકળે એવી કલ્પના રાજ કપૂર જેવો નિર્દેશક જ કરી શકે.

તેકી મૈં જૂઠ બોલીયાં કોઈના ભાઈ કોઇના - જાગતે રહો  (૧૯૫૬) - બલબીર અને સાથી સાથે - સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: પ્રેમ ધવન

પંજાબી લોક નૂત્ય ભાંગરાની ધૂનનો આ પ્રયોગ ભાંગરા ગીતોની એક કાયમી ઓળખ સમું બની રહ્યું છે.

તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ - બુટ પૉલીશ (૧૯૫૪) - આશા ભોસલે અને સાથીઓ સાથે - સંગીતકાર: શંકર જયકિશન- ગીતકાર: શૈલેન્દ્ર 



આપણી શ્રેણીના પહેલા જ અંકમાં આપણે જોયું હતું કે એ સમયની હિંદી ફિલ્મોમાં 'ભીખારી ગીત' એક મહત્ત્વનો પ્રકાર ગણાતો હતો. પ્રસ્તુત ગીત એ પ્રકારનું છે. આ ગીતોમાં બહુધા પર્દા પર ગાનાર કળાકારોનું મહત્ત્વ ન હોય એટલે તેઓ તો અજ્ઞાત જ રહે.

ચૂન ચૂન કરતી આયી ચિડીયા દાલકા દાન લાઈ ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં (૧૯૫૭)- સંગીતકાર દત્તારામ ગીતકાર હસરત જયપુરી

બાળગીતોમાં સદા અગ્રેસર રહેલું એક બેનમૂન ગીત

ભીખારી ગીતની વાત ચાલી જ છે તો શંકર જયકિશને સ્વરબ્દદ્ધ કરેલું એવું જ બીજું મહત્ત્વનું  ગીત પણ સાંભળી જ લઈએ.

હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈ - સીમા (૧૯૫૫) - સાથીઓ સાથે - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર

આ પ્રકારનાં ગીત અચૂકપણે કંઇક સંદેશો કહી જતાં હોય.અહીં નુતન માટે તેમાં કંઇ ક સંદેશ છે જેમકે ભૂખને માર્યું માનવી ઈમાન પણ ચાતરી જાય છે એ પહેલા અંતરામાં બતાવાયું છે.

હાર્મોનિયમના ટુકડાઓ પણ આ પ્રકારનાં ગીતોનું બહુ મહત્ત્વનું અંગ છે. પ્રસ્તુત ગીતમાં પણ તેની કમાલ સાંભળવા મળે છે.

મહલોં મેં રહનેવાલે હમેં તેરે દરસે ક્યા, નગરી હૈ અપની પ્યારી હમે તેરે દૂજે ઘર સે ક્યા  - શબાબ (૧૯૫૪) - સાથીઓ સાથે - સંગીતકાર નૌશાદ ગીતકાર શકીલ બદાયુની પરદા પર કળાકાર

આ પ્રકારનાં ગીતોને કેટલું મહત્ત્વ અપાતું હશે તેનું એક વધારે ઉદાહરણ.

ફિલ્મમાં ભારત ભૂષણ એક કુશળ ગાયક છે. ફિલ્મની વાર્તા અનુસાર તે શહેરમાં ભીકહ મગીને ગુજરાન ચલાવતા લોકોની વસ્તીમાં જઈને પોતાના મનની વેદના આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. પણ તેનાં દીન સાથીઓ માટે તો બીજે દિવસે એ ગીત આજિવિકા રળી આપે છે.

આ ગીતોની એક બહુ જ નોંધપાત્ર ખૂબી હાર્મોનિયમ બજાવવાના અવનવા પ્રયોગો થતા તે છે. અહીં પણ હાર્મોનિયમનું ગીતસજ્જામાં મહત્ત્વનું અંગ બની રહ્યું છે.

અને આજના અંકના અંતમાં એક એવું 'ભીખારી' ગીત જે બધી જ રીતે અંદાઝ-એ-બયાં ઔર છે

હૈ બસ કે હર એક ઈશારેમેં નિશાં ઔર - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - સંગીતકાર ગુલામ મોહમ્મદ - ગ઼ઝલકાર મિર્ઝા ગ઼ાલિબ

આમના સ્વાદની લિજ્જત માણતી મિર્ઝા ને તેના 'મિત્રો'ની 'મહેફિલ'માં પણ મિર્ઝાની શાયરી મજાકનો વિષય તો બની જ રહે છે. બસ તે વખતે એક ફકીર તેમની એવી ગ઼ઝલ ગાતા નીકળે છે જેમાં મિર્ઝા ગ઼ાલિબ તેમની કેફિયત 'અંદાઝ-એ-બયાં ઔર'માં રજૂ કરી નાખે છે. બાદશાહનાં મયખાનાંઓમાં અન્યથા કેદ એવી ગંઝલ એક તવાયફથી માંડીને એક ફકીરની આજિવિકા પૂરૂં પાડવાની કાબિલીયત મિર્ઝા ગ઼ાલિબના કલામમાં હતી એ વાત ફિલ્મના દિગ્દર્શક સોહરાબ મોદી પણ 'ઔર' અંદાઝમાં રજૂ કરી દે છે. 

આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, -૮-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાંના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-


  •  મામા હો મામા - પરવરીશ (૧૯૫૮) - મન્ના ડે, મોહમ્મદ રફી – સંગીતકાર: દત્તારામ ગીતકાર: હસરત જયપુરી - પરદા પર કળાકારો: રાજ કપૂર અને મહેમૂદના મામા જાણીતા ચરિત્ર અભિનેતા રાધાકિશન છે.
  • અરે હટો કાહેકો જૂઠી બનાઓ બતીયાં - મંઝિલ (૧૯૬૦) - મન્ના ડે – સંગીતકાર: એસ ડી બર્મન -  ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર : મહેમૂદ
  • કિસને ચિલમન સે મારા નઝ઼ારા મુઝે - બાત એક રાત કી (૧૯૬૨) - મન્ના ડે – સંગીતકાર: એસ ડી બર્મન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પર્દા પર: મૂળ ગીત તો જ્હોની વૉકર ગાય છે પણ જેના વિષે ગવાયું તે નાયિકા, આ ક્લિપ અપલોડ કરનારના કહેવા મુજબ, સબિતા ચેટરજી છે.
  • ફૂલ ગેંદવા ન મારો, લગત કરેજવામેં ચોટ - દૂજ કા ચાંદ (૧૯૬૪) – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર કળાકાર: ગાયક આગા, જેના માટે ગવાયું છે તે અજ્ઞાત
  • પૈસા નહીં હોતા જો યે .....ઐસા મૈં નહીં હોતા - સૌતેલા ભાઈ (૧૯૬૨) - મન્ના ડે, અનિલ બિશ્વાસ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: શૈલેન્દ્ર - પરદા પર કળાકારો - અજ્ઞાત
  • હૈ બહોત દિનોંકી બાત - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - પરદા પર (મુખ્ય) કળાકારો - 'રંગલા'ની ભૂમિકામાં માસ્ટર ભગવાન (મન્ના ડેનો સ્વર) અને મજનૂના દીદારમાં ઓમપ્રકાશ (બલબીરનો સ્વર)
  • ફિર વોહી દરદ હૈ ફિર વોહી જિગર - અપરાધી કૌન (૧૯૫૭) - મન્ના ડે – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર કળાકારો : મુકરી અને કુમુદ ત્રિપાઠી
  • હૈ પ્યાર કે દો મતવાલે એક હમ હૈ ઔર એક તુમ - અપરાધી કૌન (૧૯૫૭) - મન્ના ડે, ગીતા દત્ત – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર કળાકારો: કુમુદ ત્રિપાઠી અને કમ્મો
  • જા રે બેઈમાન તૂઝે દેખ લિયા જા - પ્રાઈવેટ સેક્રેટરી (૧૯૬૨) – સંગીતકાર: ડી. દિલીપ – ગીતકાર: પ્રેમ ધવન - પરદા પર કળાકાર: અશોક કુમાર
  • ઓ ગોરી તોરી બાંકી બાંકી - આધી રાત કે બાદ (૧૯૬૫) - મન્ના ડે – સંગીતકાર: ચિત્રગુપ્ત ગીતકાર: પ્રેમ ધવન - પરદા પર કળાકાર: આગા


હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.

No comments: