Sunday, March 5, 2017

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧૨)



૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૬-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૧૬-૭-૨૦૧૬ અને ૬-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડે અને તે પછી જ ૩-૯-૨૦૧૬ અને ૧-૧૦-૨૦૧૬ ના રોજ મોહમ્મદ રફીના સ્વરમાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા. ૫-૧૧ અને ૩-૧૨-૨૦૧૬ના અંકોમાં આપણે નૃત્ય ગીતોને પરદા પર ભજવતાં નામી અનામી કળાકારોની વાત કરી હતી. તે પછીની કડીમાં, ૭-૧-૨૦૧૭ના રોજ, આપણે પાર્શ્વગાયકને જ પરદા પર ગીત ભજવતાં જોયાં. ૪-૨-૨૦૧૭ના છેલ્લા અંકમાં આપણે ઓછી જાણીતી અભિનેત્રીઓ માટે જાણીતી પાર્શ્વગાયિકાઓએ ગાયેલાં ગીતો સાંભળ્યાં હતાં. આજે પહેલાં એ કડીને આગળ વધારીશું:

નન્હી કલી સોને ચલી હવા ધીરે આના - સુજાતા (૧૯૫૬)- ગાયક: ગીતા દત્ત - સંગીતકાર એસ ડી બર્મન ગીતકાર ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર સુલોચના
હિંદી ફિલ્મોમાં હાલરડાં પણ એક બહુ મહત્ત્વનો ગીત પ્રકાર રહ્યો છે. મોટા ભાગનાં આ પ્રકારનાં ગીતોને પરદા પર રજૂ કરનાર કલાકારનો ચહેરો દર્શકો માટે અજાણ્યો નથી પણ હોતો. આમ તો '૫૦-'૬૦ના દશકમાં સુલોચના પણ માના પાત્રમાં અજાણ્યા ન કહેવાય. જો એક આવું લોકપ્રિય થયેલું ગીત ગાવાની બીજી તક તેમને ન મળી.
ભવિષ્યમાં તક મળશે ત્યારે આ પ્રકારનાં ગીતોને અલગથી સાંભળીશું. 

આપણી ફિલ્મોમાં એવાં કેટલાંય ગીતો છે જે ખુદ બહુ જ જાણીતાં થયાં, તે જેના પર ફિલ્માવાયાં એ કલાકારોની એ સમયે કંઇક અંશે નોંધ પણ લેવાઈ, પરંતુ તેમને પ્રથમ કક્ષા પછીની હરોળમાં પણ બહુ લાંબા સમય માટે ન સ્થાન મળ્યું કે ન તો નામ મળ્યું. આ પ્રકારનાં ગીતો જે તે સમયે સારાં એવાં લોકપ્રિય પણ થયાં હતાં. આજે જ્યારે વાત નીકળે ત્યારે એ ગીતોની યાદ આવવી પણ બૌ મુશ્કેલ નથી બની રહેતી. એવાં કેટલાંક કળાકારોની વાત યાદ કરીએ.

યે રાત યે ફિઝાંએ ફિર આયે ના આયે આઓ શમા જલા કર હમ આજ મિલકે ગાયેં - બંટવારા (૧૯૬૦)- ગાયક: મોહમ્મદ રફી, આશા ભોસલે- સંગીત: એસ મદન- ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી- પરદા પર : જવાહર કૌલ અને જબીન જલીલ

આ જ ફિલ્મનું આશા ભોસલેએ ગાયેલું ગીત - બાતેં કહીં ઔર બનાઓ - પણ આ જ પાત્રો પર ફિલ્માવાયું છે, પરંતુ તેને યાદગાર ગીત ન કહી શકાય.

એસ મદન (મદન સચદેવ)નામ સંગીતમાં પછીથી ડંકા (૧૯૬૯)(રીલીઝ ન થયું), અમ્બે મા (૧૯૮૦), તેરી પૂજા કરે સંસાર(૧૯૮૪), યે પ્યાર નહીં(૧૯૮૮), ટેસ્ટ ટ્યુબ બેબી(૧૯૯૧) અને દુનિયાકી રંગીન બાતેં(૧૯૯૭) જેવી ફિલ્મોમાં જોવા મળ્યું, પણ આ ગીતમાં જેટલી નોંધ લેવાઈ તેટલું નોંધપાત્ર ન બની શક્યું.

અય દિલરૂબા... નજરેં મિલા ...કુછ તો મિલે ગ઼મકા સિલા - રૂસ્તમ સોહરાબ (૧૯૬૩)- ગાયક: લતા મંગેશકર – સંગીત: સજ્જાદ હુસૈન – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર - પરદા પર: જબીન જલીલ
ફિલ્મનાં નાયિકા સુરૈયા હતાં તેથી સહાભિનેત્રી પર ફિલ્માવાયેલાં ગીત માટે લતા મંગેશકરનો સ્વર પસંદ કરાયો. સોહરાબ મોદી જેવા દિગ્દર્શક અને સજ્જાદ હુસૈન જેવા સંગીતકાર હોય એટલે જાં નિસ્સાર અખ્તરના શબ્દદેહમાં લતા મંગેશકરનો અવાજ સજીવ બની રહે તેમાં તો કોઈ નવાઈ ન જ હોય ને !

આડ વાત:
Kismet Hamare Saath nahin’-Jawahar Kaul અને ‘Qaid Me Hai Bulbul’ – Jabeen Jalil માં આ બન્ને કલાકારો વિષે વધારે માહિતી જાણવા મળશે.
ઈતના ન સતા કે કોઈ જાને.. ઓ દીવાને.. આતે જાતે અબ તો દિલ ન માને - બિંદીયા (૧૯૬૦) – ગાયક: લતા મંગેશકર – સંગીત: ઈક઼બાલ ક઼ુરેશી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - પરદા પર: વિજયા ચૌધરી
આ અભિનેત્રી આપણા માટે એટલી બધી કદાચ જાણીતી ન થઇ એમ કહેવું બરાબર નહીં કહેવાય કારણ કે ગોવિંદ સરૈયાની 'સરસ્વતીચંદ્ર' (૧૯૬૮)માં કુસુમનું પાત્ર આમણે ભજવ્યું હતું!

એમણે પરદા પર ગાયેલ એક યુગલ ગીત પણ આપણને જરૂર યાદ હશે.
તુમ્હે યાદ હોગા કભી હમ મિલે થે મુહબ્બતકી રાહોંમેં મિલ કે ચલે થે - સટ્ટા બાઝાર (૧૯૫૯) – ગાયક: લતા મંગેશકર, હેમંત કુમાર – સંગીત: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ગુલશન બાવરા - પરદા પર: વિજયા ચૌધરી અને સુરેશ

હિંદી ફિલ્મોમાં ગીતોના જૂદા જૂદા પેટાપ્રકારો ગણાય છે તેમાં આ રીતે રેડીયો માટે રેકર્ડીંગ થતું હોય તેવાં ગાયનો પણ એક બહુ રસપ્રદ પ્રકાર હતો. જેને પણ એક અલગ વિષય તરીકે સમય આવ્યે માણીશું.

એક થા બચપન એક થા બચપન - આશીર્વાદ (૧૯૬૮) – ગાયક: લતા મંગેશકર – સંગીત: વસંત દેસાઈ – ગીતકાર: ગુલઝાર - પરદા પર: સુમિતા સાન્યાલ
આ જ ફિલ્મમાં લતા મંગેશકરના સ્વરમાં આ જ અભિનેત્રી પર બીજું પણ એક બહુ મધુર સૉલો ગીત હતું.

જિર જિર બરસે સાવનીયા અખીયાં સાંવરીયા ઘર આ - આશીર્વાદ (૧૯૬૮) – ગાયક: લતા મંગેશકર – સંગીત: વસંત દેસાઈ – ગીતકાર: ગુલઝાર - પરદા પર: સુમિતા સાન્યાલ

આ ગીતમાં 'સાંવરીયા'ની બહુ મહત્ત્વની ન કહી શકાય તેવી ભૂમિકામાં સંજીવ કુમાર છે. ગીતનાં રેકર્ડીંગમાં પણ બહુ સ-રસ પ્રયોગ કરાયો છે. મૂલ ગીત તો ગ્રામોફોન પર વાગતું બતાવાયું છે. પરંતુ અમુક પંક્તિઓ પરદા પર અભિનેત્રી પણ સાથે ગાય છે. આવી પંક્તિઓનું રેકર્ડીંગ એકબીજાં પર એવી રીતે ચડાવાયું છે કે આપણને પણ બે અવાજ સાંભળવા મળે.
'આશીર્વાદ'ના દિગ્દર્શક હૃષિકેશ મુખર્જીએ સુમિતા સાન્યાલને તે પછી ૧૯૭૦ની ફિલ્મ 'ગુડ્ડી'માં જયા ભાદુરીની ભાભીની અને ૧૯૭૧ની ફિલ્મ 'આનંદ'માં બાબુ મોશાય અમિતાભ બચ્ચનની વાગ્દત્તાની ભૂમિકામાં પણ રજૂ કર્યાં હતાં.

ના જિયા લાગેના તેરે બીન મેરા કહી જિયા લાગેના - આનંદ (૧૯૭૧) – ગાયક: લતા મંગેશકર – સંગીત: સલીલ ચૌધરી – ગીતકાર: ગુલઝાર - પરદા પર: સુમિત્રા સાન્યાલ

ભારતની બિનહિંદી પ્રદેશોમાંથી હિંદી ફિલ્મોમાં આવેલ અપવાદરૂપ અદાકારો જ સફળ રહી શક્યાં છે. સુમિત્રા સાન્યાલે પણ બંગાળી ફિલ્મોમાં સુદીર્ઘ અને સફળ કારકીર્દી ખેડી, પરંતુ આટલાં મધુર અને મહ્દ્‍ અંશે લોકપ્રિય થયેલાં ગીતો પરદા પર ગાવા છતાં તેમની હિંદી ફિલ્મની કારકીર્દી અહીંથી આગળ ન વધી.

જિયા ના લાગે મોરા... ના જા રે.. ના જા રે - બુઢ્ઢા મિલ ગયા (૧૯૭૧) – ગાયક: લતા મંગેશકર - સંગીત: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલતાનપુરી - પરદા પર: અર્ચના

આ અભિનેત્રી પુનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટની સ્નાતક હતી. પહેલી જ ફિલ્મના દિગ્દર્શક હૃષિકેશ મુખર્જી હતા, ફિલમનાં તેમના પર ફિલ્માવાયેલાં બીજાં ગીતો - રાત કલી એક ખ્વાબ મેં આયી, ભલી ભલી સી એક સુરત ભલા સા એક નામ- સારાં એવાં લોકપ્રિય પણ થયાં હતાં. તેમણે આ પહેલાં ઉમંગ (૧૯૭૦) અને પછી 'અનોખા દાન '(૧૯૭૨)માં કામ કર્યું, પરંતુ એ ઝરણું નદી ન બની શક્યું.

દિયે જલાયે પ્યાર કે ચલો ઈસી ખુશીમેં - ધરતી કહે પુકાર કે(૧૯૬૯) - ગાયક: લતા મંગેશકર – સંગીત: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર: નિવેદીતા (લીબી રાણા)
આ ફિલ્મ સુધી સંજીવ કુમારનું નામ કે ચહેરો પણ એટલો જાણીતો નહોતો થયો, પણ આજે હવે સવાલ માત્ર ગીત ગાઈ રહેલ અભિનેત્રીની જ ઓળખનો છે !

તેમનું એક બીજું ખૂબ જ જાણીતું ગીત પણ સાંભળીએ
તુમ અપના રંજ-ઓ-ગ઼મ અપની પરેશાની મુઝે દે દો - શગૂન (૧૯૬૪) - ગાયક: જગજિત કૌર – સંગીત: ખય્યામ – ગીતકાર: સાહિર

આડવાતઃ
સામે જે અભિનેતા છે તે પણ બીજી એક ફિલ્મમાં આવ્યા, પણ તેમને દુનિયા તો વહીદા રહેમાનના પતિ – કંવલજીત- તરીકે જ ઓળખે છે.
આ ગીતમાં જે અભિનેત્રી જોવા મળે છે તેમનું નામ લીલીયન છે, જે પણ આજના વિષયનું એક પાત્ર કહી શકાય એમ છે.
નિવેદીતાની સંજીવ કુમાર સાથે જ્યોતિ(૧૯૭૧) અને રૉકી મેરા નામ (૧૯૭૩)માં પણ ભૂમિકાઓ હતી.
સોચ કે યે ગગન ઝૂમે, અભી ચાંદ નીકલ આયેગા - જ્યોતિ (૧૯૭૧) - ગાયક: લતા મંગેશકર, મન્ના ડે - સંગીત એસ ડી બર્મન - ગીતકાર આનંદ બક્ષી

'૬૦ના દાયકાના એક સફળ અને ખમતીધર નિર્માતા શશધર મુખર્જીએ તેમના બે પુત્રોને ફિલ્મમાં દાખલ કરવા માટે ‘તૂહી મેરી ઝિન્દગી’ (૧૯૬૫)માં બનાવી. તેમાં તેમના એક પૂત્ર રોનો મુખર્જી દિગ્દર્શક ને સંગીતકારની બેવડી ભૂમિકામાં હતા. બીજા પૂત્ર દેવ મુખર્જી આપણી આહ ચાલ રહેલી વાતનાં મુખ્ય પાત્ર નિવેદીતા સાથે હીરો હતા. ફિલ્મ ગોવાને પોર્ચુગીઝ ધુંસરીમાંથી છોડાવવા થયેલ "યુધ્ધ"ના પશ્ચાદભૂ પર બની હતી.
યે કૌન થક કે સો રહા યે ગુલમોહરકી છાંવમેં - ગાયક: આશા ભોસલે – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
દેબ મુખર્જી એ પછીથી સંબંધ, આંસૂ બન ગયે ફૂલ , અધિકાર અને એક બાર મુસ્કરા દો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ અંગ્રેજીમાં જેને માટે ‘Also ran’ શબ્દપ્રયોગ થાય છે તે છાપ તેમના પર લાગેલી જ રહી.

ફિલ્મમાં કોઈ ખમતીધર પહોંચ હોય પણ એ કલાકારને સરવાળે સફળતા ન મળે એવાં બીજાં કેટલાંક ઉદાહરણો

ધાની ચુનરી પહન... સજકે બન કે દુલ્હન,જાઉંગી ઉનકે ઘર, જિનસે લાગી લગન,આયેંગે જબ સજન - હરેકાંચ કી ચુડીયા (૧૯૬૭) – ગાયક: આશા ભોસલે – સંગીત: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર - પરદા પર: નયના સાહુ અને બિશ્વજીત

આ હીરોઈન જાણીતા દિગ્દર્શક કિશોર સાહુનાં પુત્રી છે.


ન તુમ બેવફા હો ન હમ બેવફા હૈ - એક કલી મુસ્કાયી (૧૯૬૮) – ગાયક: લતા મંગેશકર – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - પરદા પર: મીરા જોગલેકર

આ અભિનેત્રી જાણીતા દિગ્દર્શક વસંત જોગલેકરનાં પુત્રી હતાં.

ઝરા સુન હસીના-એ-નાઝનીન, મેરા દિલ તુઝી પે નિખાર હૈ - કૌન અપના કૌન પરાયા (૧૯૬૩) – ગાયક: મોહમ્મદ રફી – સંગીત: રવિ – ગીતકાર: ગીતકાર શકીલ બદાયુની - પરદા પર: ટૉની વૉકર અને વહીદા રહેમાન
હા, બરાબર સમજ્યાં, ટૉની વૉકર જ્હોની વૉકરના ભાઈ છે. વિજય કુમાર નામથી તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળ્યું હતું!

તેમના ભાગે ફિલ્મોમાં પરદા પર ગાવા મળેલાં ગીતો પણ નોંધપાત્ર હતાં
પૂછો તો અપના નામ બતા નહીં શકતે - દિલ્લગી (૧૯૬૭) - ગાયક મોહમ્મદ રફી - સંગીત લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - ગીતકાર - મજરૂહ સુલ્તાનપુરી
લક્ષ્મીકાન્ત પ્યારેલાલ હજૂ પોતાનું નામ બનાવી રહ્યા હતા એ સમયની ફિલ્મ. નાયિકા નાઝીમાને ભાગે પણ પછી બહેનની ભૂમિકાઓ ભજવવાની આવી હતી.

આ યાત્રા તો ધારો એટલી લાંબી ચાલતી રહે અને તેમ છતાં કોઈ પણ તબક્કે થાક ન લાગે તેવી આ સફર છે. આ લેખમાળાની સમાપ્તિ કરતાં પહેલાં આ પહેલાં એક કડી અધુરી છોડી હતી તે પૂરી કરી લઈએ.

ટેઢી ટેઢી હમ સે ફિરે સારી દુનિયા - મુસાફિર (૧૯૫૭)- મન્ના ડે, શમશાદ બેગમ - સંગીત સલીલ ચૌધરી - ગીતકાર શૈલેન્દ્ર

આ પહેલાં આપણે ૭-૧-૨૦૧૭ના ના અંકમાં 'બુટ પોલિશ'નાં ગીતમાં શૈલેન્દ્રને જોયા ત્યારે જે ગીત યાદ નહોતું આવ્યું તે આ. અહીં પણ શૈલેન્દ્ર હાર્મોનિયમ પર છે. સાથે એક પાગલ જેવી ભૂમિકા કરતા અદાકાર પછીથી ખૂબ જ જાણીતા થયેલ કેષ્ટો મુખર્જી છે. આ તેમની પહેલી ફિલ્મ હતી. નૃત્ય કરતાં અભિનેત્રીની ઓળખ નથી.

આડવાતઃ

'મુસાફિર'ની બીજી બે પણ નોંધપાત્ર બાબતો છે.હિંદી ફિલ્મોના દિગ્દર્શકોમાં જેમનું નામ ખુબ આદરથી લેવાય છે તેવા હૃષીકેશ મુખર્જીની પણ દિગગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મ હતી.
તે ઉપરાંત એક માત્ર ગીત જે પરદા પાછળ દિલીપકુમારે ગાયું છે તે પણ આ ફિલ્મનું જ છે.

ફિલ્મમાં સાથે સુચિત્રા સેન પણ હતાં પોતાની બંગાળી ભાષાની ફિલ્મોમાં બહુ જ ઊંચું સ્થાન મેળવી શકેલાં. હિંદી ફિલ્મોમાં જેટલાં પાત્રો ભજવ્યાં તે પણ એટલાં જ નોંધનીય રહ્યાં છતાં, એ સમયની પ્રથમ હરોળનાં નરગીસ, મધુબાલા, મીના કુમારી, વહીદા રહેમાન કે જેવાં કળાકારોમાં જેમને સ્થાન ન મળ્યું તેમાં સુચિત્રા સેન પણ ગણાય.
'મુસાફિર'ને ૧૯૫૭નાં વર્ષનો હિંદીમાં ત્રીજી શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય મેરિટ સર્ટીફિકેટનો ઍવોર્ડ પણ મળ્યો હતો.
આજના અંકની અને આ શ્રેણીની (હાલ પૂરતી) અહીં સમાપ્તિ પહેલાં ૪-૨-૨૦૧૭ના અંકમાં રજૂ કરેલ ગીતોને પરદાપર રજૂ કરનારાં કલાકારોની ઓળખ કરી લઈએ -

સુશ્રી મધુલિકા લીડ્ડલના લેખ "Ten of my favourite ‘Who’s that lip-synching?’ songs " પરથી અહીં શરૂ કરેલ લેખ આટલાં જૂદાં જૂદાં સ્વરૂપોને ઉજાગર કરી શકશે તેવો અંદાજ નહોતો. એટલે ફરી એક વાર તેમના હાર્દિક આભાર સાથે.... આવતા મહિનાથી 'એક ગીતનાં અનેક સ્વરૂપ' વિષય પરની શ્રેણી નિયમિતપણે સાથે માણીશું.


આ શ્રેણી કુલ ૧૨ અંકમાં રજૂ થઈ છે. આ બધા અંક એક સાથે અહીંથી વાંચી / ડાઉનલોડ કરી શકાશે.:



No comments: