Sunday, June 4, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૫ - પુરુષ સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન : ૧



'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીતનું બીજું વર્ઝન હોય તેવાં અને એ જ રીતે સ્ત્રી સૉલો ગીતનું બીજું વર્ઝન હોય એવાં ગીતો સાંભળ્યાં. ગીતની સીચ્યુએશન મુજબ બન્ને વર્ઝનની રજૂઆતમાં કરાતા ફેરફારોની માર્મિકતાઓ પણ આપણે માણી છે.
હવે આગળ વધીને પુરુષ સૉલો ગીતનું બીજું વર્ઝન યુગલ ગીત કે સમૂહ ગીત હોય તેવાં એક ગીતનાં અનેક સ્વરૂપ ગીતોની વાત આપણે હવે પછીના ત્રણ હપ્તામાં કરીશું. દસ્તાવેજીકરણની સરળતા મટે આપણે ગીતોને ફિલ્મોનાં રજૂ થવાનાં વર્ષના ચડતા ક્રમમાં મૂક્યાં છે.
[૧]
સાવરીયા રે સાવરીયા, ચલ ચલ રે સાવરીયા - અનજાન (૧૯૪૧) - સંગીતકાર પન્નાલાલ ઘોષ - ગીતકાર પ્રદીપજી
બોમ્બે ટૉકીઝની દેવિકા રાણી અને અશોક કુમારની મુખ્ય ભૂમિકાવાળી આઠ ફિલ્મોમાંની 'અનજાન' પણ એ સમયની લોકપ્રિય ફિલ્મ હતી. ફિલ્મનો બાબુરાવ પટેલે તેમનાં સામયિક ફિલ્મઈન્ડીયામાં કરેલ સમીક્ષા અહીં વાંચી શકાય છે.
સૉલો ગીત અરૂણ કુમારના સ્વરમાં છે.
જ્યારે યુગલ ગીત અરૂણકુમાર અને સુશીલા રાણીના સ્વરમાં છે.

હમકો તુમ્હારા હી આશરા...તુમ હમારે હો ન હો - સાજન (૧૯૪૭) – સંગીતકાર: સી. રામચંદ્ર ગીતકાર: મોતી બી.એ.

સૉલો ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે. એ સમયે જેમનો સિક્કો પડતો એવા અશોક કુમાર સામાન્યતઃ પોતાનાં ગીતો પોતે જ ગાતા.એ સમયે હજૂ મોહમ્મદ રફીનું નામ જ્યારે જામ્યું નહોતુ, ત્યારે અશોક કુમાર માટે પાર્શ્વ ગાયન કરવાને કારણે જ નહીં પણ ગીતની અનોખી પ્રકારની ગાયકીને કારણે ગીત બહુ લોકપ્રિય થયું. ગીતમાં રફીની જે શૈલીથી દુનિયા તેમને જાણતી થઇ એ શૈલીનાં પગરણ થયેલાં જોવા મળે છે.

મોહમ્મદ રફી અને લલિતા દેઉલકરનાં યુગલ ગીતમાં વિરહનું દર્દ છે.

મહેમાન બનકે આયે થે અરમાન બન ગયે - શોહરત (૧૯૪૯) – સંગીતકાર: અઝીઝ હિન્દી

સૉલો ગીત મોહમ્મ્દ રફીના સ્વરમાં છે. સૉલો વર્ઝનમાં પ્રેમનાં અંકુર ફુટતાં જણાય છે..

જ્યારે હમીદા બાનુ સાથેનાં યુગલ ગીતમાં હવે પ્રેમનો છોડ મહેકવા લાગ્યો છે. આ વર્ઝનના અંતિમ અંતરામાં મોહમ્મદ રફીને ખૂબ ઊંચા સ્વરમાં પણ ગવડાવાયું છે.

યે રાત યે ચાંદની ફિર કહાં સુન જા દિલકી દાસ્તાં - જાલ (૧૯૫૨) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

હેમંત કુમારના સ્વરનું સૉલો ગીત નાયકનાં પ્રેમાદ્ર ચિત્તનું પ્રતિબિંબ કહી શકાય એ કક્ષાનું છે

લતા મંગેશકર સાથેનું યુગલ ગીત વિરહ મિલનના ભાવને વ્યક્ત કરે છે...

દુનિયા પાગલોંકા દરબાર - ચાચા ચૌધરી (૧૯૫૩) – સંગીતકાર: મદન મોહન ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ફિલ્મમાં મોહમ્મદ રફી, શ્યામ કુમાર અને સાથીઓએ ગાયેલું ગીત પાગલોની ઈસ્પિતાલના દરદીઓ ગાય છે.

બીજાં વર્ઝનમાં પાગલ ડાહ્યો બની જવાથી તેને દુનિયાની બજારની દેખાતીસતાવતી પાગલતા રેડિયોમાં ગવાતાં ગીતની જેમ દૂર દૂરથી પણ ખટકે છે.
અય દિલ તૂ કહીં લે ચલ - શોલે (૧૯૫૩) - સંગીતકાર નરેશ ભટ્ટાચાર્ય ગીતકાર કામિલ રશીદ
પહેલાં ગીતમાં નાયક વિચારોમાં ખોવાયેલો છે. હેમંત કુમારને ધીર ગંભીર સ્વર ગીતના ભાવને સાથ આપે છે. ગીતનું શૂટીંગ સ્ટુડીયોના સેટ્સ પર જ થયું હશે તેમ છતાં ગીતમાં વિઝ્યુઅલ્સનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરાયો છે.
બીજાં વર્ઝનનાં યુગલ ગીતમાં શમશાદ બેગમ સાથ આપે છે, અહીં નાવ ચલાવેલી રહેલ નાવિક અને તેની સાથીનાં રૂપકને સાર્થક કરતાં સીલ્વૅટ શૉટ ગીતના ભાવને ઉજાગર કરે છે. પુરુષ સ્વર નાયિકાને તેના વિચારો કહી દેવાનું ઈંધણ પૂરું પાડવાનું કામ કરે છે. કહીં લે ચલ કહીં લે ચલના ભાવને નાવની ગતિનાં રૂપકથી રજૂ કરેલ છે.

છોટા સા ઘર હોગા બાદલોં કી છાઓંમેં - નૌકરી (૧૯૫૪) – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનું યુગલ વર્ઝન કિશોરકુમાર અને શીલા બેલેના સ્વરમાં છે. નવી નોકરીને કારણે જીંદગીનાં કેવાં કેવાં સ્વપ્ન જોઈ શકાશે તેનું વર્ણન ભાઇ બહેનને કરે છે અને બહેન તેનો અશાવાદ સાથેનો જવાબ વાળે છે.

પણ એમ નોકરી ક્યાં રસ્તામાં પડી હોય છે? નોકરી માટે દર દર ભટકતા યુવાનની નિરાશા હેમંત કુમારના સ્વરનાં સૉલો વર્ઝનમાં અનુભવાય છે.


ચંદન કા પલના રેશમકી ડોરી ઝૂલા જુલાયે નીંદીયા કો તોરી - શબાબ (૧૯૫૫)- સંગીતકાર: નૌશાદ ગીતકાર: શકીલ બદાયુની

નૌશાદનાં શ્રેષ્ઠ સંગીતવાળી ફિલ્મોમાં 'શબાબ'નું નામ મોખરે ગણી શકાય. ફિલ્મની વાર્તા પ્રમાણે રાજકુમારીને અનિદ્રાનો રોગ છે એટલે રાજાએ ભલભલા ઉપાયો અજમાવી લીધા છે. એ પ્રયોગોની હારમાળામાં એમ સામાન્ય નાગરિક કક્ષાનો ગાય્ક રાજકુમારીને ઊંઘ આવી જાય તે માટે હાલરડું ગાય છે. હિંદી ફિલ્મોમાં પુરુષ સ્વરમાં હાલરડાં બહુ જૂજ જ થયાં છે. અહીં હેમંત કુમારના મુલાયમ સ્વરમાં ગવાયેલ આ શીતળ સૉલો રચના રાજકુમારીને નિદ્રાધીન કરી નાખે છે,

પેલા ગાયકનાં ગીતો તો રસ્તે ફરતાં સામાન્યથી સામાન્ય નાગરિક માટે પણ આજીવિકા કમાવામાં પણ મદદ કરે છે. એવાં ગરીબ ભિક્ષુક દાદો અને તેની નાની પોત્રી પણ આ ગીત ગાઈને પોતાનું ગુજરાન કમાય છે. રાજકુમારીને લતા મંગેશકર સાથેનાં ગીતનો લગાવ મહેલની બહાર ખેંચી લાવે છે. ગીત પૂરૂં થાય છે ત્યાં દીવામાંથી માત્ર ધૂમ્રસેર જ નીકળતી બતાવીને ગીતનું ત્રીજું વર્ઝન ફિલ્મનો અંત લઇ આવે છે.

આડવાતઃ

નૌશાદે આ પછી હેમંત કુમાર પાસે છેક  ૧૯૬૧માં ગંગા જમુનાનાં એક ગીત ગવડાવ્યું છે. આ સિવાય આ બન્ને ધુરંધરોનું સહકાર્ય થયું નથી.

ગ઼રીબ જાન કે હમ કો ન તુમ મિટા દેના, તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના - છૂમંતર (૧૯૫૬) – સંગીતકાર: ઓ પી નય્યર ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

પહેલાં વર્ઝનમાં, મોહમ્મદ રફીના સૉલો અવાજમાં, એક ગરીબ પ્રેમીની રાજકુમારીને બન્નેના પ્રેમને બરકરાર રાખવાની રજૂઆત  છે. રાજકુમારી પણ પ્રેમીની મજબૂરીને બરાબર પારખે પણ છે.

બીજાં યુગલ વર્ઝનમાં સીલ્વૅટમાં શૂટ કરેલ સીન વડે બન્ને પ્રેમીઓ વચ્ચે પુરી ન શકાય તેવી ખાઈ રાજકુમારીના સ્વપ્નમાં આવે છે. ગીતાદત્તના સ્વરમાં રાજકુમારી પોતાના પ્રેમનો ઈકરાર પણ કરે છે, પણ ગરીબ નાયક તો પાછો જ પડીને પોતાની પ્રેમિકાને પ્રેમની દુહાઈ આપે છે.

દિલ જવાં હૈ આરઝૂ હૈ જવાં એક નઝરભી મહેરબાં, કબ તક યે હમસે બેરૂખી, કબ તક ચૂપ રહેગી યે ઝૂબાં  - સમુંદરી ડાકુ (૧૯૫૬) – સંગીતકાર: જયદેવ - ગીતકાર: વિશ્વામિત્ર આદિલ
પહેલું વર્ઝન તલત મહમૂદના સ્વરમાં પાશ્ચાત્ય ધૂન પરનું રોમેન્ટીક ગીત છે. 



બીજાં યુગલ વર્ઝનમાં તલત મહમૂદના સ્વરની વિચારમાળા પૂરી થાય છે ત્યારે એ ચુપકીદી તોડતો આશા ભોસલેનો સ્વર જોડાય છે. ગીતના અંતની ચાર પાંચ પંક્તિઓ બન્ને સાથે ગાય છે.
કહતે હૈ પ્યાર જિસકો પંછી જરા બતા દે - બારિશ (૧૯૫૭) – સંગીતકાર: સી રામચંદ્ર  - ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ
ચિતલકર અને લતા મંગેશકરનું યુગલ ગીત પૂરે પૂરૂં મસ્તીભર્યું રોમેન્ટીક મૂડનું ગીત છે.

એ પછીનું ચિતલકર ગીત એ વીતેલા દિવસોની યાદમાં ખોવાયેલા મૂડનું સૉલો ગીત છે.
પુરુષ સૉલો ગીત અને એ જ ફિલ્મમાં રજૂ થયેલાં તેનાં યુગલ કે કોરસ અન્ય વર્ઝનવાળાંની આપણી સફર હજૂ બીજા બે મણકામાં આગળ ચાલશે

No comments: